Opinion Magazine
Number of visits: 9674079
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સતત પ્રજાને ડરાવતા રહેવું અને રડાવતા રહેવું એ પુરુષાર્થ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 April 2022

ગુરુવારની મારી કોલમમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશેના વિવાદને લઈને ત્રણ મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. પહેલો એ કે કાશ્મીરમાં કેટલાક કાશ્મીરી મુસલમાનોએ હિંદુ પંડિતો સાથે અન્યાય અને અત્યાચાર કર્યા હતા, તો ૨૦૦૨માં ગુજરાતમાં કેટલાક ગુજરાતી હિંદુઓએ મુસલમાનો સાથે શું પ્રેમ કર્યો હતો? એ બે ઘટનાઓ વચ્ચે તસુભાર પણ ફરક નથી. એક વાત ઉમેરવી જોઈએ કે બન્ને સ્થળે “કેટલાક” મુસલમાનોએ અને “કેટલાક” હિંદુઓએ શરમજનક કૃત્ય કર્યાં હતાં અને “કેટલાક” મુસલમાનો અને “કેટલાક” હિંદુઓએ લજ્જાસ્પદ ઘટનાઓને મૂક સમર્થન આપ્યું હતું. બધાએ નહીં, કેટલાકે. નીચ કૃત્ય કરવા માટે જો કેટલાક હિંદુઓ પાસે કારણ છે તો કેટલાક મુસલમાનો પાસે પણ છે. બીજો મુદ્દો એ કે માનવીની ચિત્તવૃત્તિ અકળ હોય છે. વખત આવ્યે અને મોકો મળ્યે આપણે જેને આદરણીય વ્યક્તિ સમજતા હતા એ વ્યક્તિ રાક્ષસ જેવો વ્યવહાર કરતી જોવા મળે છે. ભારતનાં વિભાજન વખતે અનેક લોકોને આવો અનુભવ થયો હતો. અને ત્રીજો મુદ્દો એ ઉપસ્થિત કર્યો હતો કે સંકટનો લાભ માત્ર વિધર્મી નથી લેતો, સધર્મી પણ લેતો હોય છે. આ ઉપરાંત સગો ભાઈ પણ સંકટ સમયે હાથ છોડીને ભાગી જતો હોય છે. હિંદુ-હિંદુ ભાઈ ભાઈ અને મુસલમાન મુસલમાન ભાઈ ભાઈ એ ભાવ નથી, રાજકારણ છે. નર્યું રાજકારણ. ફાયદો થાય માટે ભાઈ ભાઈ અને ફાયદો થાય ત્યાં સુધી ભાઈ ભાઈ.

આ ત્રણ માંથી પહેલો મુદ્દો નક્કર વાસ્તવિકતા છે અને પછીના બે મુદ્દા સનાતન સત્ય છે. હવે આગળ …

દેશમાં છેલ્લા આઠ વરસથી ભડવીરોની સરકાર છે અને એમાં પણ હિંદુહિતની વાત આવે ત્યારે તો કપરાં ચઢાણ હોય તો પણ ચઢી જવા તત્પર શાસકો છે. આ ઉપરાંત હિંદુહિત માટે જાન કુરબાન કરતા અચકાય નહીં એવા હિન્દુત્વવાદી સ્વયંસેવકો છે. એ પણ થોડાઘણા નહીં, લાખોની સંખ્યામાં. આઝાદી માટેની લડત વખતે તેમણે એટલા માટે કુરબાની નહોતી આપી કે ભવિષ્યમાં વખત આવ્યે મુસલમાનોની દાદાગીરી રોકવા કુરબાની આપી શકાય. હવે વખત આવી ગયો છે. આ હું નથી કહેતો, એ લોકો જ કહે છે. તેમના દાવા મુજબ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે કુરબાન થવાનો સમય આવી પૂગ્યો છે.

હવે એક સાધારણ પ્રશ્નનો જવાબ આપો કે દેશમાં ૫૬ ઈંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી કેટલા પંડિતો કાશ્મીરની ખીણમાં પોતાના વતન પાછા ફર્યા? જવાબ છે, એક પણ નહીં. અને નથી ફર્યા તો શા માટે નથી ફર્યા? શા માટે હિંદુ રાષ્ટ્રને વરેલા શાસકો પંડિતોને સમજાવી નથી શકતા કે ખીણમાં પોતાને વતન પાછા ફરો અમે બેઠા છીએ. કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આઠ વરસના ભડવીરોના શાસન પછી પણ તેઓ પંડિતોને ભયમુક્ત નથી કરી શક્યા! ઊલટું જે થોડા પંડિતો ખીણમાં હતા એ પણ આ આઠ વરસ દરમ્યાન અને એમાં પણ ખાસ કરીને ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાં બંધારણીય સુધારા કર્યા પછી ખીણ છોડીને જતા રહ્યા છે. આઠ વરસ દરમ્યાન ખીણમાં પંડિતોની સંખ્યામાં વધારો નથી થયો, ઘટાડો જ થયો છે. શા માટે? શા માટે પંડિતો ભયમુક્ત નથી અને શાસકો તેમને ભયમુક્ત કરાવી શકતા નથી?

બીજો એવો જ એક સાધારણ સવાલ. કેટલા દેશપ્રેમીઓ અથવા હિંદુ રાષ્ટ્રવાદીઓ કાશ્મીરમાં જઇને કારોબાર કરવા અને વસવા આગળ આવ્યા છે? કાશ્મીરનો ખાસ દરજ્જો છીનવી લઈને ધગધગતા હિંદુ રાષ્ટ્રવાદી હિંદુઓ માટે સરકારે વસવાટની સુવિધા કરી આપી છે. આખરે કાશ્મીરની ખીણમાં વસ્તીનું પ્રમાણ બદલાશે નહીં ત્યાં સુધી કાશ્મીર હિંદુ કાશ્મીર બનવાનું નથી. કાશ્મીર તો હિંદુ ભારતનો મુગટ છે અને મુગટ બચાવવા આગળપાછળ વિચારવાનું હોય! આ પ્રશ્નનો પણ જવાબ છે; એક પણ નહીં. જગતના ઇતિહાસનું એક ક્રૂર પ્રકરણ એમ કહે છે કે જે પ્રદેશમાં લાભ દેખાય એ પ્રદેશને કબજે કરવા શાસકો બહારથી ગરીબ-ગુરબાંઓને ત્યાં વસવાટ કરવા ધકેલે છે. પરાણે અથવા તેમની મજબૂરીનો લાભ લઈને. આ દ્વારા લોકવસ્તીનું પ્રમાણ અને સંતુલન બદલાય છે અને ધીરેધીરે સ્થાનિક પ્રજા બહુમતી ગુમાવે છે. એ લાચાર લોકો ઘેટાંબકરાંની જેમ વધેરાય તો કશો ફરક પડતો નથી. ધે આર ચિલ્ડ્રન ઑફ અ લેસર ગૉડ. કાયમ આમ થતું આવ્યું છે, આ કોઈ નવી વાત નથી. કાળા ગુલામોને અને ભારતના ગિરમીટિયાઓને વહાણમાં ભરીભરીને અજાણ્યા પ્રદેશોને કબજે કરવા મોકલવામાં આવતા હતા. બાકી જે લોકો ઇતિહાસ વાગોળે છે, રડે છે, રડાવે છે, છાતી પીટે છે, લલકારે છે એ પોતે કુરબાન થવા જતા નથી. તેઓ રડી-રડાવીને “બીજાઓ” દ્વારા પ્રદેશ કબજે કરવાની ભૂમિકા બનાવે છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આ હેતુ માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે.

અહીં ઇઝરાયેલની સ્થાપના ટાણે થયેલી ચર્ચાની યાદ આવે છે. યહૂદીઓ માટે ઇઝરાયેલની સ્થાપનાને ગાંધીજીએ ટેકો આપવો જોઈએ એવી યહૂદી નેતાઓએ માગણી કરી હતી. ગાંધીજીએ ત્યારે કહ્યું હતું કે પેલેસ્ટાઇન યહૂદીઓનું મૂળ વતન છે એ વાત સાચી, પણ ઝૂરાપો કઈ વાતનો છે? વતન માટેનો કે ધર્મ માટેનો? ધર્મ તો તમારી પાસે છે જ અને જો વતન માટેનો ઝૂરાપો હોય તો પેલેસ્ટેનિયન બનીને પેલેસ્ટાઇનમાં જઇને વસો, ધર્મને પાછળ રાખો. અનુબંધ પેલેસ્ટેનિયન હોવાનો વિક્સાવશો તો એક દિવસ બનશે કે પેલેસ્ટેનિયન મુસ્લિમ ધીરે ધીરે પેલેસ્ટેનિયન યહૂદીને સ્વીકારશે. પણ યહૂદી નેતાઓને તો યહૂદી બની રહીને અને તેને પહેલી ઓળખ બનાવી રાખીને ઇઝરાયેલ સ્થાપવું હતું, જેનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો. આજે ઇઝરાયેલ જો ટકી રહ્યું છે તો લશ્કરના ભરોસે ટકી રહ્યું છે, પ્રજાકીય પ્રયાસ દ્વારા નહીં. જેમ બિલ્ડરના બાઉંસર બિલ્ડરની જમીનનું રક્ષણ કરે એમ. આને શું રાષ્ટ્ર કહેશો?

એક વાર એક ઇઝરાયેલી સમાજશાસ્ત્રીને મળવાનું બન્યું હતું. આ લગભગ ૩૫-૪૦ વરસ જૂની વાત છે. મેં તેમને પૂછ્યું કે દુનિયાભરમાંથી યહૂદીઓ ઇઝરાયેલમાં વસવા આવે છે ત્યારે તેમને કઈ રીતે વસાવવામાં આવે છે? સેટલમેન્ટ પોલિસી કેવી છે? એમાં ભેદભાવ કરવામાં આવે છે ખરો? જેમ કે યુરોપમાંથી આવેલા યહૂદીઓને અંદરના ભાગમાં વસાવવામાં આવે અને એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોમાંથી આવેલા ગરીબ યહૂદીઓને પેલેસ્ટાઇનના આરબો સાથે સતત અથડામણોનો સામનો કરવો પડે એવા ભાગોળના સરહદી વિસ્તારમાં વસાવવામાં આવે એવું બને છે ખરું? એ ભાઈએ શરમાઈને કબૂલ કર્યું હતું કે એકદમ ધ્યાનમાં ન આવે એ રીતે આવું બની રહ્યું છે. હમણાં કહ્યું એમ ગરીબ માણસનો ખપ અસ્મિતાના રાજકીય એજન્ડાને લાગુ કરવા માટે હોય છે, પછી ભલે એ આપણા પોતાના ધર્મનો અનુયાયી હોય. એજન્ડાનો લાભ તો એ લે છે જે એને લાગુ કરે છે. એ પોતે ક્યારે ય જોખમ ઉઠાવતા નથી, શહીદી તો બહુ દૂરની વાત છે. ઇઝરાયેલ રાષ્ટ્ર અને કાશ્મીર રાજ્ય બન્ને લશ્કર દ્વારા સંભાળી રાખવામાં આવતા ગૅરિસન સ્ટેટ છે.

જે સલાહ ગાંધીજીએ યહૂદી નેતાઓને આપી હતી એ કાશ્મીરના પંડિતોને પણ લાગુ પડે છે. ઝૂરાપો કઈ વાતનો છે? માદરે વતનનો કે હિંદુ હોવાનો? કશ્મીરી મુસલમાન કશ્મીરી હિંદુને એક દિવસ સ્વીકારશે, પણ હિંદુ કાશ્મીરીને નહીં સ્વીકારે.

બીજો મુદ્દો એ છે કે નિદાન તો કર્યું ઈલાજનું શું? જો કોઈ ઈલાજ ન હોય, અથવા ઈલાજ લાગુ કરી શકાય એમ ન હોય તો રોક્કળ કરવાનો અને છાતી પીટવાનો શો અર્થ? તમને ખબર છે? હિંદુઓને જેટલું નુકસાન અંગ્રેજો અને યુરોપિયનોએ પહોંચાડ્યું છે એટલું મુસલમાનોએ નથી પહોંચાડ્યું. આક્રમણકારી મુસલમાનોએ કાયમ માટે ભારતને પોતાનાં વતન તરીકે સ્વીકાર્યું હતું, તેઓ નફો અને ભારત ઉપરના કબજાનો લાભ પોતાને વતન નહોતા મોકલતા. તેમણે ભારતની કૃષિવ્યવસ્થાને બદલીને દેશની ગ્રામવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થાને બદલી નાખ્યાં. જે પ્રજાએ ભારતને ક્યારે ય પોતાનું વતન નહોતું માન્યું એ પ્રજાએ છેક નીચે સુધી અંતરિયાળ ભારતમાં ગામડાં અને જંગલ સુધી પહોંચીને કુઠારાઘાત કર્યો હતો. મુસલમાનોએ તો આવું કશું નહોતું કર્યું! તેમણે આપણી ભાષા બદલી નાખી, પહેરવેશ બદલી નાખ્યો, શિક્ષણ બદલી નાખ્યું, વિચાર બદલી નાખ્યાં એમ શું નથી બદલ્યું. ઉપરથી ચાર ચીજ કરી. એક પ્રજા પ્રજા વચ્ચે વિખવાદ પેદા કર્યો. બે, પ્રજાની અંદર લઘુતાગ્રંથિ પેદા કરી. ત્રણ ૧૮૫૭ના વિદ્રોહ પછી પ્રજાનો આત્મવિશ્વાસ જ ખતમ કરી નાખ્યો અને પ્રજાને ભયભીત કરી મૂકી. હિંદુ અને મુસલમાન બન્નેને એમ લાગવા માંડ્યું હતું કે અંગ્રેજો અને યુરોપિયનો અસાધારણ શક્તિશાળી અજેય પ્રજા છે. યાવદચન્દ્ર દીવાકરો આપણે અંગ્રેજોને માલિક તરીકે સ્વીકારી લીધા હતા. અને ચાર, ભારતને આર્થિક રીતે એટલું કંગાળ કરી મુક્યું હતું કે ભાગ્યે જ કોઈ દાયકો ભૂખમરા (ફેમીન) વિના જતો હતો. આ સિવાય મિશનરીઓએ મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરાવ્યાં. લગભગ આખું ઇશાન ભારત અને જંગલોમાં વસ્તી પ્રજા ખ્રિસ્તી છે. આની સામે મુસલમાનોએ હિંદુઓનું કરેલું કહેવાતું અહિત કોઈ વિસાતમાં નથી.

પણ તમે કોઈ હિંદુ રાષ્ટ્રવાદીને જોયો જે ખ્રિસ્તી યુરોપિયનોના અત્યાચાર અને અન્યાયને યાદ કરીને રડતો હોય કે છાતી પીટતો હોય! કેમ કોઈ અગ્નિહોત્રી ફિલ્મ બનાવવા આગળ નથી આવતો? કેમ તેમના અત્યાચાર અને અન્યાયના ઇતિહાસને વાગોળવામાં નથી આવતો? અંગ્રેજો સાથેનો ઇતિહાસ તો સાચો છે જ્યારે મુસલમાનો વિષે તો ખાસ કાલ્પનિક ઇતિહાસ લખવામાં આવે છે. જેણે હિંદુઓને વધારે નુકસાન પહોંચાડ્યું એના વિષે વાત પણ કરવામાં નથી આવતી અને જેમણે તુલનામાં હિંદુઓનું ખાસ બગાડ્યું એના વિષે ચોવીસે કલાક પ્રજાને ડરાવવા અને રડાવવામાં આવે છે.

કારણ બહુ સ્પષ્ટ છે. પાડોશમાં મુસલમાન વસે છે, અંગ્રેજ કે યુરોપિયન નહીં. જો અંગ્રેજોએ ભારતને વતન તરીકે સ્વીકાર્યું હોત અને પાડોશમાં રહેતો હોત તો તેનો મુસલમાનની જેમ જ ઉપયોગ કરત, પણ એ તો જતો રહ્યો, તો શું કામનો? પાડોશીનો ડર બતાવી શકાય, પાડોશીનાં કુકર્મો યાદ કરીને અને ન જડે તો પેદા કરીને રડાવી શકાય, છાતી કૂટી અને કુટાવી શકાય, પણ જે જતો રહ્યો એ શું કામનો? તો ખપ પાડોશીનો છે, ધર્મનો નથી.

પણ મોહનદાસ ગાંધી એક નોખી માટીનો નીકળ્યો. તેમણે ભારતની પ્રજાને અંગ્રેજોના કુકર્મો યાદ કરાવી કરાવીને ડરાવવા અને રડાવવાની જ્ગ્યાએ ઈલાજ શોધ્યા. પ્રજાની અંદર આત્મવિશ્વાસ પેદા કર્યો. તેમની અંદરનો ભય દૂર કર્યો. ભારતના વિભાજન વખતે જ્યારે કત્લેઆમ ચાલતી હતી ત્યારે મૃદુલા સારાભાઈ, કમળાબહેન પટેલ, સુશીલા નાયર જેવી મહિલાઓને હોમાઈ જવા અત્યારના પાકિસ્તાનના પંજાબમાં મોકલી હતી. જ્યારે ભદ્રવર્ગના લોકો પોતાનાને છોડીને નાસી જતા હતા, વિશ્વાસઘાત કરતા હતા ત્યારે આ બહાદુર મહિલાઓએ ડગ્યા વિના મોરચો સંભાળ્યો હતો. તેમણે રડતા નહોતું શીખવ્યું, ખપી જતાં શીખવ્યું હતું. અંગ્રેજો ભારતની પ્રજાને અંદરોઅંદર લડાવતા હતા તો તેના ઈલાજરૂપે ગાંધીજીએ પ્રજાકીય એકતા સ્થાપવા પ્રયાસ કર્યા હતા. અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને ખતમ કરી નાખ્યું તો ગાંધીજીએ તેનો ઈલાજ બતાવતા ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીભાવના અને વિદેશી માલના બહિષ્કારના કાર્યક્રમો લાગુ કર્યા હતા. ગાંધીજીએ અંગ્રેજી સામે ભારતીય ભાષાઓનું ગૌરવ વધાર્યું હતું.

ગાંધીજીનું સમગ્ર જીવન જોઈ જાઓ, એમાં ઈલાજ વિનાનો ઊહાપોહ જોવા નહીં મળે. ઈલાજ કોઈ વાતનો નહીં અને સતત પ્રજાને ડરાવતા રહેવું અને રડાવતા રહેવું એ પુરુષાર્થ છે? ગાંધીજીએ પુરુષાર્થી ભારતીય પેદા કર્યો હતો. અને માટે ગાંધી મરતો નથી અને મરવાનો નથી. હાય હાય આપણી સાથે કેવું થયું એમ કહીને છાતી કૂટનારો એ માણસ નહોતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઍપ્રિલ 2022

Loading

અનોખા નયામાર્ગી સમાજમિત્ર ઇન્દુભાઈ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|3 April 2022

નવી સદીની મોટી સમસ્યાએ છે કે વૈશ્વિકીકરણના જમાનામાં પાછળ રહી ગયેલા વંચિતોનું કોઈ સાંભળતું નથી. તેમના રોજ-બ-રોજના પ્રશ્નો, તેમનાં જીવનની સમસ્યાઓ, તેમના વાજબી પ્રશ્નો અને ઉકેલો, વકરતી જતી હિંસા બાબતે તેમનો અવાજ, તંત્રો સુધી પહોંચતો નથી. ક્યારેક તો મીડિયા સુધી પણ પહોંચતો નથી. વાત સર્વસમાવેશકતાની થાય છે. પરંતુ હજુ કેટલોક વર્ગ જે પાછળ રહી ગયો છે તે દૂરને દૂર હડસેલાતો જાય છે.

ઇન્દુકુમાર જાની (૧૯૪૩•૨૦૨૧) એવી વ્યક્તિઓમાંના એક છે, જેમને મન પાછળ રહી ગયેલાઓનો પ્રશ્ન સૌથી મોટો છે. તેમને મન ગરીબો, આદિવાસીઓ, દલિતો, વંચિતો, લઘુમતીઓ, મહિલાઓ આ બધા જ પેલા પાછળ રહી ગયેલા વર્ગના માનવંતા સભ્યો છે, તેઓ ભારતના નાગરિકો છે અને તેમના પ્રશ્નો ઉકેલવા એ આપણી બંધારણીય અને સામાજિક ફરજ પણ છે. આ અંગે કેટલું થયું તેનો જવાબ માંગવાનો તેમનો અધિકાર પણ છે. આવા ઇન્દુભાઈ ગુજરાતમાં જાણીતા થયા, પાક્ષિક ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે. આ સામયિક ‘વંચિતલક્ષી વિકાસ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહીન સમાજરચના’ માટે પ્રતિબદ્ધ હતું. ‘નયામાર્ગ’ સાથે ‘ગુજરાત ખેતવિકાસ પરિષદ’ અને ઝીણાભાઈ દરજીનું નામ જોડાયેલું હતું. ‘વેડછીનો વડલો’ તરીકે જાણીતા જુગતરામ દવેના શિષ્ય એવા ઝીણાભાઈનું સ્વપ્ન હતું કે અમે એક દિવસ ગરીબોનું સ્વરાજ લાવશું. ઇન્દુભાઈ આ અમૂલ્ય વારસાને ગૌરવપૂર્ણ રીતે, પૂરી નિષ્ઠાથી લગાવપૂર્વક વળગી રહ્યા. આપણા ચિંતક ગુણવંત શાહે તેથી જ તેમને ‘ગરીબમિત્ર’ તરીકે ઓળખાવ્યા.

ઇન્દુભાઈનો જન્મ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીના કારણે અતિ જાણીતું એવાં ટંકારા(મોરબી)માં તા. ૧૭મી ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ થયો. પિતાનું નામ અમૃતલાલ જાની અને માતા સવિતાબહેન, છ ભાઈ અને બે બહેનોનું અત્યંત બહોળું એવું કુટુંબ. પિતા અમૃત જાની (૧૯૧૨•૧૯૯૭) જૂની દેશી રંગભૂમિના જાણીતા અભિનેતા. વીસમી સદીના બીજા દાયકામાં રંગમંચ પર હજી મહિલાઓનું આગમન નહોતું થયું ત્યારે અમૃત જાની સ્ત્રી ભૂમિકા કરતા. દાદા જટાશંકર જાની અને અમૃતભાઈના મોટાભાઈ મોહનલાલ જાની પણ નાટકોમાં અભિનય કરતા. ૧૯૨૭માં અમૃત જાનીએ ‘ભારત ગૌરવ’ નાટકમાં છાયાદેવીની સ્ત્રી ભૂમિકા ભજવેલી. આ માટે તેમણે ગોઠણ સુધી વાળ વધાર્યા હતા, દિવસે ઊંચી કેપ પહેરતા હતા. તે પછી તેઓ પુરુષ ભૂમિકા પણ ભજવતા થયા.

અમૃત જાની અલ્પ શિક્ષિત હતા. પણ વાચનશોખ પુષ્કળ હતો, સાહિત્ય પ્રેમી હતા, તેથી તેમના સમયના સાહિત્યકારો–પત્રકારો સાથે એમને નિકટનો નાતો હતો. તેઓ ‘નટવર્ય’ તરીકે પંકાયા,  નટસમ્રાટ જશવંત ઠાકરની પ્રેરણાથી ‘અભિનયપંથે’ નામની આત્મકથા પણ લખેલી. પુત્રનું નામ ઇન્દુકુમાર પણ, કવિ ન્હાનાલાલનું સાહિત્ય વાંચવાને કારણે પાડેલું.

ઇન્દુકુમારનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયું. નાટકને કારણે કાયમી ઉજાગરા, અનિયમિત જિંદગી અને તેની તબિયત પર માઠી અસર અને તબીબી સલાહ … બધાને કારણે આ કુટુંબે ૧૯૫૬માં મુંબઈ છોડ્યું. રાજકોટ આવ્યા. પિતા તો સૌરાષ્ટ્ર સંગીત નાટક ઍકેડમીમાં જોડાયા,  કેટલાંક વર્ષ રાજકોટ આકાશવાણીમાં કામ કર્યું. ઇન્દુભાઈનું માધ્યમિક શિક્ષણ રાજકોટ ખાતે થયું. પિતા કહેતા કે મારા દીકરાઓ કોરા ચેક છે! એ જે હોય તે પણ ઇન્દુભાઈને પિતાએ મૅટ્રિક પાસ થતાં કૉલેજમાં મોકલવાને બદલે નોકરીમાં દાખલ કરી દીધા.

ઢેબરભાઈએ અને તેમની સરકારે તે સમયે જમીન સુધારાના પ્રગતિશીલ કાયદાઓ કરેલા, ‘ખેડે તેની જમીન’ મુજબ ગણોતિયાઓને જમીન માલિક બનાવવાનો કાયદો કરેલો. આ નવા ખેડૂતોને સહાયરૂપ થવા ખેતી બૅંકની સ્થાપના થયેલી. કોઈ પરીક્ષા નહિ, કોઈ ઇન્ટરવ્યૂ નહિ, માત્ર ભલામણથી ઇન્દુભાઈને ખેતી બૅંકમાં નોકરી મળી ગઈ. સોળ વર્ષ આ નોકરી કરી તે દરમિયાન ગ્રેજ્યુએટ થયા. બૅંકનાં સાથી કર્મચારી રંજનબહેન જંગબારી સાથે પ્રેમલગ્ન કર્યાં. ખેતી બૅંકમાં વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે કોઈ યુનિયન ન હતું ત્યાં મૅનેજમેન્ટ સામે પડવાનું જોખમ વહોરીને યુનિયન સ્થાપ્યું.

યુનિયનની સ્થાપના માટે ખાનગી રાહે વ્યૂહરચનાઓ કરી. ત્રણ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ મિત્રોને લઈને પોતાના સ્કૂટર પર ફરીને રાજ્યભરની શાખાઓના કર્મચારીઓને સંગઠિત કર્યા. યુનિયન સ્થાપીને જુદે-જુદે તબક્કે જનરલ સેક્રેટરી અને પ્રમુખપદની જવાબદારી નિભાવી. યુનિયન વતી ચાર્ટર ઑફ ડિમાન્ડ રજૂ કરી. ઇન્ડેક્ષ મુજબનું મોંઘવારી ભથ્થું સમયસર મળતું ન હતું એ માંગણી મુખ્ય હતી. મનમાં ખ્યાલ એવો કે આ સહકારી બૅંકના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. અમદાવાદની આશ્રમ રોડ પરની પોતાની બૅંકના દરવાજે મરણાંત ઉપવાસ પર બેઠા. પાંચમા દિવસે તબિયત લથડી, બધાના જીવ ઊંચા થવા લાગ્યા. આજનાં યુનિયનો જેવી પાછલે બારણે ખાવા પીવાની રીતરસમ અપનાવી લેવા તેઓ સંમત ન થયા.

ઝીણાભાઈ દરજી બૅંકના ઉપપ્રમુખ હતા. પ્રમુખ કરતાં ઝીણાભાઈનો જ વક્કર વધુ. તેમને કારણે જ સમાધાન થયેલું. આમ તેઓ ઝીણાભાઈ દરજીના વિશેષ અને અંગત પરિચયમાં આવતા ગયા.

ઝીણાભાઈ દરજી ત્યારે ખેતવિકાસ પરિષદનું માળખું ઊભું કરીને તેને રજિસ્ટર કરવાની ફિરાકમાં હતા. ઇન્દુભાઈ એ માટેની દોડાદોડમાં સામેલ થયા. એક દિવસ ઝીણાભાઈએ કહ્યું કે તમે માનો છો કે બૅંકના કર્મચારીઓનું બહુ શોષણ થાય છે, બરાબર ? તમે મારી સાથે અમારા આદિવાસી વિસ્તારમાં ફરવા આવો. ‘જાનીભાઈ’ એમની સાથે વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝરના ઊંડાણનાં ગામોમાં ફર્યા. શૈક્ષણિક, સહકારી અને બીજી વિકાસ પ્રવૃત્તિઓ નજીકથી જોઈ. લંગોટીવાળા આદિવાસીઓને જોયા. આ કોટવાળિયાઓની ભારે ગરીબી પણ જોઈ. એક સંમેલનમાં આદિવાસીઓ સાથે સહભોજનમાં સામેલ થયા. એક આદિવાસીભાઈ જમ્યા પછી એક પત્રાળીમાં ઘેર રહેલાં માટે ભજિયાં લઈ જતા હતા! ઇન્દુભાઈની ઊંઘ હરામ થઈ ગઈ. ઝીણાભાઈ પાસે એમણે માગણી મૂકી કે મને એમાં સભ્ય બનાવો તો પરિષદના રજિસ્ટ્રેશનનું કામ કરું. આ પ્રવૃત્તિને કારણે તેઓ રતુભાઈ અદાણી, માધવસિંહ સોલંકી, સનત મહેતા, નરસિંહ મકવાણા વગેરે અગ્રણીઓના પરિચયમાં આવ્યા.

હવે, ઇન્દુભાઈનું મગજ ભમવા લાગ્યું. બૅંકની નોકરી છોડવાના વિચારો શરૂ થયા. આદિવાસીઓ માટે કામ કરવા મન તલપાપડ હતું. પત્નીની સંમતિથી નોકરી છોડવાનો વિચાર કર્યો. ઘણી બધી ચર્ચા પછી જીવનસાથીએ ધરપત આપી કે ‘મારો પગાર તો આવે જ છે. તમે નોકરી છોડી દો. તમને ગમે છે તેવી પ્રવૃત્તિ કરો. 'આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા પછી આ દંપતી ભાડાના ઘરમાં રહેતું હતું. ભાડૂત પ્રત્યે અમદાવાદીઓની નફરતથી બંને કંટાળ્યાં હતાં. મકાન માટે બૅંક લોન મળતી હતી. તે લઈને સત્વરે ગુલબાઈ ટેકરે મકાન ઊભું કરી દીધું હતું. ઇન્દુભાઈને હતું કે સ્કૂટરનું પેટ્રોલ, પરચૂરણ ખર્ચ જોગું મળી રહે એટલે બસ ! ઝીણાભાઈ પરિષદ પ્રમુખ થયા અને ઇન્દુભાઈને મંત્રી તરીકેની જવાબદારી સોંપી. જીવનનો આ મહત્ત્વનો વળાંક જેમાં ઇન્દુભાઈ બૅંક કર્મચારી મટીને ગરીબ કલ્યાણની જાહેર પ્રવૃત્તિ તરફ વળી ગયા. બહુ ટૂંકો સમય વડી અદાલતમાં સિનિયર વકીલ હરુભાઈ મહેતા સાથે જોડાઈને વકીલાત શરૂ કરી. કૉમર્સ ગ્રેજ્યુએટ થયા પછી કાયદાની ડિગ્રી તો તેમણે મેળવેલી જ હતી. લાગ્યું એવું કે પરિષદનાં કામો માટે સમય બચતો નથી તેથી વકીલાત પણ છોડી દીધી.

હવે ઝીણાભાઈ સાથે પૂરા જોશથી કામમાં લાગી ગયા. અસંગઠિત જનસમૂહો વચ્ચે કામ શરૂ કર્યું. પરિષદ દ્વારા શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ. કચ્છ, ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, સુરત અને વલસાડ જિલ્લામાં પ્રવૃત્તિ કેન્દ્રો શરૂ થયાં. એ દિવસોમાં નાના સીમાંત ખેડૂતો માટે દેવાં નાબૂદીનો કાયદો આવ્યો હતો. તેનાં હજારો ફોર્મ ભરાવ્યાં. ગુજરાતની કાઁગ્રેસ સરકારમાં ઝીણાભાઈ વીસ સૂત્રી કાર્યક્રમ અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ થયા ત્યારે પરિષદના ઉપક્રમે ચાલી રહેલાં વંચિત લક્ષીકામોમાં ઉછાળો આવ્યો. અંત્યોદય કેન્દ્રો ચલાવ્યાં, સરકારની કેટલીક સમિતિઓમાં અપવાદ રૂપે રહ્યા, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષમાં કદી જોડાયા નહીં.

‘નયા માર્ગ’ પહેલાં વ્યારામાં કાઁગ્રેસ પત્રિકા તરીકે ચાલતું હતું. પછી સનત મહેતા તેને વડોદરા લઈ આવ્યા. સનતભાઈ મંત્રી મંડળમાં જોડાયા પછી ‘નયામાર્ગ’ તેમણે ઇન્દુભાઈને સોંપ્યું. તેના બે તંત્રીઓ બન્યા : અરુણા મહેતા અને ઇન્દુકુમાર જાની. તારીખ હતી ૨૬-૧-૧૯૮૧. ઇન્દુભાઈને કામ કરવાની અહીં તક પણ મળી અને યશ પણ મળ્યો. અત્યાચારો, હિજરતો અને બીજા અનેક મુદ્દે તેઓ રાજ્યભરમાં ઘૂમવા લાગ્યા. પ્રવાસ અહેવાલો ‘નયામાર્ગ’નાં પાને ચમકવા લાગ્યા. ભૂમિહીન ખેતમજૂરો, આદિવાસી શેરડી કામદારો, સિલિકોસિસનો ભોગ બનતા અકીક કામદારો, મીઠાના અગરિયાઓ,  જંગલ જમીનની લડતો લડતા આદિવાસીઓ, ટીમનાં પાન કે ગુંદર વીણતી બહેનો, પીવાનું પાણી મેળવવાં વલખાં મારતી બહેનો, બાળમજૂરો, સફાઈ કામદારો, અનેક અત્યાચારોનો ભોગ બનતા દલિતો, કાળી મજૂરી પછી ય કાયદાકીય લઘુત્તમ વેતન ન પામતા શ્રમજીવીઓ વગેરે વગેરેની સમસ્યાઓ ઉપર મહત્ત્વનું સંતોષકારક કામ તેઓ કરી શક્યા. ગુજરાતનાં સંખ્યાબંધ સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓના પરિચયમાં આવી તેને ઉજાગર કરવા લાગ્યા. સમાજ પરિવર્તનની દિશામાં કાર્યરત સંસ્થાઓ સાથે જોડાતા રહ્યા. માનવ અધિકારના જતન, સંવર્ધન માટે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ નિમિત્ત બન્યા.

આ તબક્કે નોંધવું જોઈએ કે ઝીણાભાઈ દરજીના કારણે ઇન્દુભાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો. પણ તે સાથે તેમનું વૈચારિક ઘડતર ભાનુભાઈ અધ્વર્યુ, જૉસેફ મૅકવાન અને લડતોના સાથી મધુસૂદન મિસ્ત્રી સાથે થયું. એડ્‌વોકસીના પ્રોગ્રામમાં અમેરિકા પણ ગયા, ‘લોકસત્તા – જનસત્તા’ અને ‘સમકાલીન’માં કૉલમ લેખનનો અવસર સાંપડ્યો. તેમાંથી ૧૯૯૪માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ મેળવ્યો. મોરારિબાપુના હસ્તે ૨૦૧૫માં સદ્ભાવના સન્માન પણ મળ્યું. રેશનાલિસ્ટ પ્રવૃત્તિઓને કારણે સાવલિયા રિસર્ચ સેન્ટરનો કીર્તિ સુવર્ણ ચંદ્રક અને રમણ-ભ્રમણ ચંદ્રક પણ તેમને અર્પણ થયા.

૧૯૮૧-૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોથી ગુજરાત ખળભળી ઉઠ્યું ત્યારે અનામત સમર્થન સમિતિ અને સામાજિક વિષમતા નિર્મૂલન સમિતિ ઊભી કરીને અનામત પદ્ધતિની ચોખ્ખી તરફદારી કરીને તે અંગેનું સાહિત્ય, પત્રિકાઓ, સંમેલનો અને સંઘર્ષોમાં સક્રિય બન્યા. પોતે એટલા તો સંવેદનશીલ હતા કે કાયમ માટે ઊંઘની ગોળીઓ લેવી પડતી અને બી.પી. પણ ઊંચું જ રહેતું. એ ઉપરાંત પણ અનેક બીમારીઓનો તેઓ ભોગ બનતા રહ્યા. ૧૮-૪-૨૦૨૧ના રોજ કોરોના વાઇરસથી તેમનું અવસાન થયું. ઇન્દુભાઈ અને રંજનબહેને બાળક દત્તક લીધેલું. તે પુત્ર અનુજના ઉછેરમાં જીવનના અંત સુધી લાગેલા રહ્યા. માતા-પિતા અને નાના ભાઈઓને પોતાની સાથે રાખીને સંયુક્ત કુટુંબનું સરસ ઉદાહરણ પૂરું પાડતા રહ્યા.

સામયિક ‘નયામાર્ગ’ સરળ ઊંઝા જોડણીમાં છપાતું હતું. શરૂઆતની કાઁગ્રેસ પત્રિકાની છાપથી તદ્દન જુદી ગરીબોના અવાજની વ્યાપક ઓળખ ઊભી કરવામાં નિમિત્ત બન્યા. શોષિતોનો-પીડિતોનો અવાજ ‘નયામાર્ગ’માં સતત પડઘાતો રહ્યો. દલિતોના સાહિત્ય સર્જનને નયામાર્ગે અને પ્રકાશનને પરિષદે મોટી હૂંફ આપી. મોટા બંધથી આદિવાસી વિસ્તારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી. બંધ તરફી અભિયાન અંત્યોદયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ રહ્યું છે તે વાત બંધને સમર્થન આપતા સર્વોદયવાદી કાર્યકરોને યાદ કરાવી, સવાલો કર્યા અને મુખ્ય મંત્રી ચીમનભાઈના ‘નયા ગુજરાત’ના નારાને પણ પડકાર્યો. પોતાની સાંપ્રત કૉલમ દ્વારા કોમવાદી પરિબળો અને તેમના દ્વારા થતા બંધારણીય મૂલ્યના હ્રાસનો સતત પર્દાફાશ કરતા રહ્યા. વિવિધ લડતો અંગે માહિતીપ્રદ અને પ્રેરક પુસ્તિકાઓ લખીને પ્રગટ કરતા રહ્યા. એમની પ્રતિબદ્ધતાને કદી પાતળી પડવા ન દીધી. લખાણોમાં અને વિચારોમાં તેજતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિ સંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ ઘણાને કંઈક જુદી જ વ્યક્તિ લાગેલા.

‘નયામાર્ગ’ સાથેની એમની ઓળખ અભિન્ન બની રહી. લગભગ ૪૦ વર્ષની સફરને અંતે માર્ચ-૨૦૨૦માં તેમણે ‘નયામાર્ગ’ને આટોપી લેવાનો અફર નિર્ણય કર્યો તે પૂર્વે બે-એકવાર ‘નયામાર્ગ’ ઝીણાભાઈ દરજી અને રજનીકુમાર પંડ્યા જેવાના સઘન પ્રયાસોને કારણે મરતાં-મરતાં માંડ બચેલું. જૉસેફ મૅકવાન, યશવંત મહેતા જેવા મિત્રો ઉપરાંત ચંદુ મહેરિયાનો તેમને ઘણો સહકાર સાંપડતો રહ્યો ને નયામાર્ગે સંખ્યાબંધ ઉત્તમ વિશેષાંકોની એક નોખી પરંપરા જ ઊભી કરી દીધી, કટોકટીના સમયે ‘નવનીત સમર્પણ’ જેવા મુંબઈના સામયિકે ‘નયામાર્ગ’ને સહાય માટેની અપીલ વિના મૂલ્યે છાપેલી. ‘નયામાર્ગ’ આટોપાતાં ઇન્દુભાઈના પ્રદાન અંગેની મુલાકાત છાપતાં પણ તેના તંત્રી દીપક દોશીએ આનંદ અનુભવેલો. આવા ઇન્દુભાઈ જેવા કર્મશીલ થતાં થાય એમ ઘણાને લાગે છે. એ ભાવના જ એમને ઉચિત એવી અંજલિ છે.

(‘સામાજિક ન્યાયના મશાલચી : ઈન્દુકુમાર જાની’ પુસ્તકમાંથી)  

E-mail : dankesh.oza@reddiffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 13, 14 તેમ જ 12

Loading

શબ્દોના સાધક

બીજલ જગડ|Poetry|3 April 2022

શૂન્ય શિખરે બ્રહ્મા સુભદ્રા કૃષ્ણા બળરામ.
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

પરમ તૃપ્તિ પર હજી પોહચવાને મ્હારે વાર છે,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

શૂન્ય મારું મન ખુદને મળતો રહ્યો કારણ વગર,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

આ છંદ અને અછાંદસનાં પંથે પડઘાય છે શબ્દો,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

એક મૌનનો દરિયો છલોછલ શબ્દ તરતા થયા,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સિયાહીની વેદના ખપતી નથી છેવટે મળે વેદાંત,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

મૌનના શિખર આંબ્યા અમે ગરુડ પર બેસી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સમય જાગે શ્વાસ પર ગઝલ સ્થાપી બેઠો છું
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઊંચે જઈ ઊભું આકાશ વાંસળીના સૂર સાંભળી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

બ્રહ્મ બ્રહ્માંડ એક જ ઘડીયે ન થાય અળગાજી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,5771,5781,5791,580...1,5901,6001,610...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved