Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ રીતે વિશ્વને ગાંધીજીની લડાઈની ખબર પડી હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 April 2022

મણ જેવા રશિયાએ જ્યારથી કણ જેવા યુક્રેન પર ચઢાઈ કરી છે, ત્યારથી એક મોરચા પર તેની સતત હાર થઇ છે; પ્રચાર યુદ્ધ. રશિયા બધી રીતે ચઢિયાતું છે, પરંતુ પૂરી દુનિયામાં ગુણગાન તો યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સકીની બહાદુરીનાં થઇ રહ્યાં છે. તેનું એક કારણ એ છે કે રશિયાની નાગાઈ સામે પશ્ચિમનું મીડિયા એક થઇ ગયું છે, અને યુક્રેન કેવા સાહસથી લડી રહ્યું છે, તેના સમાચારો નિયમિતપણે આપી રહ્યા છે. તેના પરિણામે પશ્ચિમ સહિતના અનેક દેશોમાં યુક્રેન તરફી હમદર્દીનો માહોલ પેદા થયો છે.

આ યુદ્ધમાં તમે પ્રેસિડેન્ટ પુતિનના ફોટા કે વીડિયો ભાગ્યે જ જોયા હશે, જ્યારે ઝેલેન્સકી યુદ્ધ પોષકમાં મોરચા પર હોય તેવા ફોટા અને તેમણે મોબાઈલમાં રેકોર્ડ કરેલા વીડિયો દુનિયાભરમાં વાઈરલ થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પત્રિકા 'ટાઈમ'ના કવર પેજ પર યુક્રેન આવી ચૂક્યું છે અને જે રીતે રશિયાનું યુદ્ધ લંબાઈ રહ્યું છે, તે જોતાં 'ટાઈમ'ના કવર પર 'મેન ઓફ ધ ઈયર' તરીકે વોલોડિમિર ઝેલેન્સકી ચમકે તેવી પૂરી સંભાવના છે.

પશ્ચિમના દેશોમાં મીડિયા સરકારી દરમિયાનગીરીથી મુક્ત છે, અને તેનો વ્યાપ પ્રિન્ટથી લઈને ટેલિવિઝન, ડિજીટલ અને સોશ્યલ મીડિયા સુધી છે, પરિણામે તે કોઈ પણ વૈશ્વિક સંકટને તાબડતોબ વિશાળ લોકો સુધી લઇ જાય છે, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે છે. એક દેશના ભવિષ્યને અસર કરે તેવી ઘટનાઓમાં વૈશ્વિક મત બહુ અગત્યની ભૂમિકા ભજવે છે, અને તે મત કેળવવાનું કામ સ્વતંત્ર મીડિયા કરે છે.

બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતની આઝાદીની લડાઈમાં દુનિયાનું ધ્યાન અમેરિકાના સ્વતંત્ર મીડિયાના કારણે જ ખેંચાયું હતું, અને એથી જ બ્રિટન પર દબાણ વધ્યું હતું. ઉપર વાત કરી તે 'ટાઈમ' પત્રિકા પર ચમકનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી, તેવું પૂછો તો મોટા ભાગના લોકો એક્ટ્રેસ પરવીન બાબીનું નામ આપશે, પરંતુ હકીકત એ છે કે 'ટાઈમ'નું કવર શોભાવનારા મહાત્મા ગાંધી પ્રથમ ભારતીય હતા, અને તેમને કવર પર મુકવાના 'ટાઈમ'ના એ નિર્ણય પાછળ અમેરિકન મીડિયામાં મહાત્માની લડાઈને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ હતી.

ગાંધીજી 'ટાઈમ'ના કવર પર ત્રણ વખત ચમક્યા હતા : પહેલીવાર જાન્યુઆરી ૧૯૩૧માં 'મેન ઓફ ધ ઈયર' તરીકે, બીજીવાર જૂન ૧૯૪૭ના અંકમાં અને ૧૯૯૯માં 'પર્સન ઓફ ધ સેન્ચુરી' આલ્બર્ટ આઇન્સ્ટાઇનના રનર-અપ તરીકે.

૧૯૨૦ના દાયકા સુધી અમેરિકન મીડિયા મોટા ભાગે તેમના લંડન સ્થિત સંવાદદાતાઓના અહેવાલો પર આધાર રાખતા હતા, કારણ કે લંડન તે દિવસોમાં વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રની 'રાજધાની' હતું. એટલે ભારત સંબંધી સમાચારો 'બ્રિટિશ દૃષ્ટિકોણ'થી અમેરિકા અને બીજા દેશોમાં જતા હતા. એમાં મોટા ભાગે બ્રિટનનું સારું જ દેખાતું. જેમ કે જલિયાંવાલા બાગના હત્યાકાંડની વિગતો પશ્ચિમના વાચકો સુધી પહોંચી જ નહોતી.

'સરકારી' સમાચારોની આ પરંપરા તોડી વેબ મિલર નામના અમેરિકન પત્રકારે. તેમાં નિમિત બની ૧૯૩૦ની દાંડી યાત્રા. મીઠાના સવિનય કાનૂન ભંગની આ ચળવળ શરૂ થઇ તે પહેલાંથી મહાત્મા ન્યૂયોર્કમાં ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગના સંચાલક સાથે સંપર્કમાં હતા, અને તેમણે વિનંતી મોકલી હતી કે અમેરિકન મીડિયામાં આ વિરોધને પ્રસિદ્ધિ મળે. ન્યૂયોર્ક ટાઈમ્સ સમાચારપત્રએ એ અપીલ આ મથાળા સાથે છાપી હતી –  "ગાંધી અહીંથી સમર્થન માંગે છે : ભારતની આઝાદી માટે સાર્વજનિક જનમતની માંગણી."

તેનાં પગલે, અમેરિકનની સમાચાર સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલનો પત્રકાર વેબ મિલર દાંડી યાત્રા વેળા ગાંધીજીનો ઇન્ટરવ્યુ કરવા માટે ભારત ગુજરાત આવ્યો. મિલર એક માત્ર વિદેશી પત્રકાર હતો, જેણે વલસાડ જિલ્લાના ધરાસણા ગામ પાસે દાંડી યાત્રા પર પોલીસે જે નિર્દયી દમન કર્યું હતું તેનું રિપોર્ટીંગ કર્યું હતું.

મિલરનો એ અહેવાલ વિશ્વના ૧,૩૫૦ અખબારોમાં છપાયો હતો, અને અમેરિકન સેનેટર જ્હોન જે. બ્લેને તેને યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટમાં વાંચી સંભળાવ્યો હતો. મીઠાના સત્યાગ્રહની અને પોલીસ અત્યાચારની દુનિયાને જાણ થઇ તે એટલે ભારતના કટ્ટર દુશ્મન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા હતા, “એશિયાની જમીન પર પગ મુક્યો, તે પછી પહેલીવાર બ્રિટિશરોને આવું અપમાન અને અવજ્ઞા સહન કરવી પડી છે.”

મિલર યુદ્ધ-પત્રકાર હતો, અને પ્રથમ મહાયુદ્ધ તથા સ્પેનિશ યુદ્ધ સહિત ઘણા સંઘર્ષો અને લડાઈઓનું રિપોર્ટીંગ કર્યું હતું. તેને પત્રકારત્વના નોબેલ કહેવાતા પુલિત્ઝર પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું, “બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટીંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં ન હતાં. એ હિંસા જોઈને હું સુન્ન થઇ ગયો હતો. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચકકરમાં નાખે તેવી વાત હતી (કે લોકો ચૂપચાપ માર ખાતા હતા). મને ગૂંગા જાનવરને માર પડતો હોય તેવી ઘૃણા થઇ હતી. થોડું અપમાન અને થોડો ક્રોધ મહેસૂસ થયો. ક્યારેક દૃશ્યો એટલાં પીડાદાયક હતાં, કે હું થોડીવાર માટે નજર ફેરવી લેતો હતો.”

વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટીંગના કારણે વિશ્વને પહેલીવાર અહિંસક વિરોધની વ્યાખ્યા ખબર પડી : પ્રતિરોધ એટલે સામો હુમલો નહીં, પણ પોતાની જાત પર હુમલો થવા દેવો, પછી ભલે એમાં ઘાયલ થવાય કે મોત આવે. વર્ષો પછી, અમેરિકન ગૃહયુદ્ધમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ શક્તિશાળી રાજકીય ઓજારનો ઉપયોગ કરવાના હતા.

ગાંધીજીના એ અનોખા સત્યાગ્રહના કારણે જ ‘ટાઈમ’ પત્રિકાએ ૧૯૩૦માં તેમને કવર પેજ પર ‘મેન ઓફ ધ ઈયર’ જાહેર કર્યા હતા. સ્વતંત્ર મીડિયાની કેમ જરૂર હોય છે તેનું આ ઉદાહરણ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીના ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

જરૂર પડે તો રશિયા કે અમેરિકામાંથી કોઈ પણ ભારત સાથે ઊભું નથી રહેવાનું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 April 2022

યુદ્ધમાં તેલ યુક્રેનનું નીકળી રહ્યું છે ને તેલ લેવા ભારત જાય કે ન જાય, પણ રશિયા તેલ આપવા સામેથી  આવ્યું છે ત્યારે તેલ અમેરિકાને રેડાઈ રહ્યું છે. માનો કે ના માનો, પણ ભારતનો દબદબો વિશ્વમાં વધી રહ્યો છે. થોડા દિવસ પર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા અને ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા કરી ગયા. રશિયાનું ક્રૂડ રૂબલ-રૂપીમાં ખરીદાય એવું લાગતાં અમેરિકાએ ભારતને ધમકાવવા તાબડતોબ દલીપસિંહને મોકલી આપ્યા, એ પછી એપ્રિલફૂલ બનાવતા હોય તેમ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા અને યુક્રેન યુદ્ધ સંદર્ભે ભારતનાં તટસ્થ વલણની તેમણે ભૂરી ભૂરી પ્રશંસા કરી. ભારતીય વડા પ્રધાન મોદીને, રશિયન રાષ્ટ્રપતિ પુતિને એ વલણ બદલ ‘થેન્ક યૂ’ પણ કહેવડાવ્યું છે. રશિયાની અને ભારતની નીતિ રાષ્ટ્રીય હિતોની જાળવણીની છે, જેથી રશિયા અને ભારતની મૈત્રી મજબૂત થઈ છે, એ વાતે ખુશ થઈને રશિયા ભારતને ચર્ચા, ખરીદી કે અન્ય કોઈ પણ બાબતે તમામ મદદ કરવા તૈયાર છે, એટલું જ નહીં, યુદ્ધ પહેલાંના ભાવે બેરલ પર 35 ડોલરના ડિસ્કાઉન્ટથી ક્રૂડ આપવાની ઓફર પણ લાવ્યું છે. રશિયા અગાઉ ક્યારે ય આટલું વરસ્યું ન હતું, વરસવાનું કારણ એટલું જ છે કે ભારત શસ્ત્રોની ખરીદી ચાલુ રાખે ને નક્કી કર્યા મુજબ 1.5 કરોડ બેરલ ક્રૂડ ખરીદે. રશિયાએ એટલી ગરજ પણ બતાવી છે કે આ સોદો તે રાષ્ટ્રીય ચલણમાં કરવા પણ તૈયાર છે. આ બધું રશિયા કરે જ, કારણ રશિયાને અમેરિકાએ એકલું પાડવા પ્રતિબંધો મૂક્યાં છે. એ સ્થિતિમાં કોઈ કાકો ય તેનું ક્રૂડ ખરીદે એમ નથી. જો ક્રૂડ ન ખરીદાય તો કરોડો બેરલ ક્રૂડ ફાજલ પડે. હવે એનો નિકાલ જો ભારત ખરીદીને કરી આપતું હોય તો રશિયાને તે વહાલું લાગે ને તે ઓફરો આપીને પુચકારે તેમાં નવાઈ નથી.

રશિયા, ભારતને મદદ કરવાને બહાને ખરેખર તો અમેરિકાને પીળું પાડવા માંગે છે. જો રશિયન ચલણમાં સોદો થાય તો અમેરિકી ડોલર નબળો પડે ને ડોલર તૂટે તો અમેરિકા પણ તૂટે. એટલે ભારતીય મૂળના અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહને અમેરિકાએ ભારત દોડાવ્યા ને તેમણે મોનિટરની જેમ ભારતીય (હાઇ)ક્લાસને ધમકાવી નાખ્યો કે રશિયન ક્રૂડ ખરીદ્યું છે તો પરિણામ ભોગવવું પડશે. શું ભોગવવું પડશે તે ન કહ્યું, પણ સારું નહીં થાય તે તો ખરું જ. આમ તો રશિયા પર અમેરિકાએ જે પ્રતિબંધો લાદ્યા છે તેમાં દલીપસિંહનું જ ભેજું પડેલું છે, એટલે એ ભારતને ધમકાવે તેમાં નવાઈ નથી. રશિયન ક્રૂડ એકલું ભારત નથી વાપરતું, બીજાં ઘણા યુરોપિયન દેશો તેલ અને ગેસ રશિયા પાસેથી લે છે, એટલે જો પરિણામ ભોગવવાનું હોય તો એ દેશોએ પણ ભોગવવાનું થાય, પણ એને વિષે કૈં નથી કહેવાયું, તો ધમકી ભારતને જ કેમ? ભારતને એટલા માટે કે તટસ્થ રહીને ભારત, રશિયાની વધુ નજીક આવી ગયું છે. અમેરિકાને કબજિયાત એ છે કે ભારત-રશિયાના આર્થિક સંબંધો મજબૂત થવા જઈ રહ્યા છે ને એ અંગે ભારતને તે સીધું દબડાવી શકે એમ નથી ને ચૂપ પણ રહી શકે એમ નથી. ભારતને અમેરિકાની જરૂર હોય કે ન હોય, પણ અમેરિકાને ભારતની જરૂર છે એ ખરું, સાચું તો એ છે કે કોઈ પણ દેશ ભારતને અવગણી શકે એમ નથી. દલીપસિંહે નાક દાબીને મોં ખોલાવવા ચીનની યાદ અપાવીને કહ્યું કે કાલ ઊઠીને ચીન એલ.એ.સી.(લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ)નો ભંગ કરીને ઉપદ્રવ કરશે તો રશિયા બચાવવા નહીં આવે, ત્યારે અમેરિકા જ પડખે ઊભું રહેશે. ખરેખર તો ચીન ને ભારત વચ્ચે કૈં થાય તો તે બે દેશો વચ્ચેનો મામલો હશે, એટલે ભારતે ચોખ્ખું સંભળાવી દીધું છે કે ચીન સાથે જે થશે તે ભારત જોઈ લેશે. એની ચિંતા અમેરિકાએ કરવાની જરૂર નથી.

એક સમયે આ જ અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે  તેનો વાંધો નથી, કારણ આ વાત રશિયા પર મુકાયેલા પ્રતિબંધોના દાયરામાં આવતી નથી, પણ પછી જાણ્યું કે ભારતે રશિયન ક્રૂડની પોતાની માંગ અસાધારણ રીતે વધારી દીધી છે ને હવે તો 35 ડોલરનું બેરલ દીઠ ડિસ્કાઉન્ટ આપતું ક્રૂડ ખરીદે એમ છે તો અમેરિકાનું માથું ચડે એમ બનવાનું. આમ તો ગયા આખા વર્ષમાં 1.6 કરોડ બેરલ ક્રૂડ ભારતે ખરીદ્યું હતું ને તે અત્યાર સુધીમાં તો 1.3 કરોડ બેરલ જેટલું તો ખરીદી ચૂક્યું છે. આ અમર્યાદ ખરીદી અમેરિકાને કઠે એમાં નવાઈ નથી. કઠે એટલે કારણ, એમ થાય તો રશિયાને પ્રતિબંધોથી ઘેરવાની અમેરિકાની જે ચાલ હતી તે નબળી પડે. અમેરિકાની ગણતરી એવી છે કે પ્રતિબંધોથી રશિયા પર આર્થિક સંકટ ઊભું થાય ને તો જ તે યુદ્ધમાં ઢીલું પડે. તેને બદલે ભારત જેવું મોટું માથું ક્રૂડ ખરીદનારું મળે ને તે પણ રૂબલ-રૂપીમાં, તો રશિયાનું ચલણ તો મજબૂત થાય જ ને અમેરિકી ડોલર નબળો પડે, એ સ્થિતિમાં રશિયા નબળું પડવાની વાત તો દૂર રહી, અમેરિકાને જ હાથના કર્યા હૈયે વાગે એવું થાય. એવું કશું ન થાય એટલે ભારતને ધમકાવવા ભારતીય મૂળના જ દલીપસિંહનો ઉપયોગ થયો. એમણે ચીનને આગળ કરીને અમેરિકા જ ભારતને મદદ કરશે એવી વાત કરી, એ વાત વાહિયાત છે. એ ખરું કે રશિયા પણ, ચીન આક્રમણ કરે તો ભારતની પડખે નહીં જ રહે, કારણ ભારત મિત્ર હોય તો ભલે, પણ ચીન તેનો મોટો ભાઈ છે. ‘62ના ચીન સાથેના યુદ્ધનો ભારતનો એ અનુભવ છે કે રશિયા ભારતને મદદ કરવાથી દૂર રહ્યું હતું. હા, 1971ના યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને ડરાવવા નૌકા કાફલો મોકલેલો ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું તે સાચું, પણ ચીનને મામલે રશિયા, ભારતને મદદ ન જ કરે તે ભારતે પણ સમજી લેવાનું રહે.

રહી વાત અમેરિકાની, તો એ ભારતને પડખે તો ઠીક, કોઇની પણ પડખે ઊભું ન રહે એટલું બહાદુર છે. અમેરિકા અને નાટોએ યુક્રેનને હોલસેલમાં ઉલ્લુ બનાવ્યું છે તે દુનિયા જાણે છે. આજ અમેરિકા અને બ્રિટને, યુક્રેનને અણુશસ્ત્રો વગરનું કર્યું ને હવે યુક્રેને પોતાનાં જીવ પર લડવું પડે એ સ્થિતિ છે. અમેરિકા અને નાટો લોક લાજે મદદ કરવા મોડે મોડે તૈયાર થયા છે, પણ લડવાનું ને લોકો કે સૈનિકોને ગુમાવવાનું તો માત્ર ને માત્ર યુક્રેનને ભાગે જ આવ્યું છે. એ ખરું કે અમેરિકા, યુરોપીય યુનિયન અને નાટો ખુલ્લેઆમ રશિયાની વિરુદ્ધ પડ્યા છે, ત્યારે ભારત, રશિયા વિરુદ્ધ મત આપવાથી દૂર રહ્યું છે. એનો અર્થ એવો પણ ખરો કે તે છૂપી રીતે રશિયાની તરફેણમાં છે. વિરુદ્ધ હોત તો તે અમેરિકા ને અન્ય રાષ્ટ્રો સાથે જ ઊભું રહ્યું હોત, પણ એવું નથી. એમાં જો ભારત તેની ક્રૂડની ખરીદીનો મોટો ઓર્ડર આપે ને રશિયન વિદેશ મંત્રી ડિસ્કાઉન્ટેડ રેટથી રૂબલમાં ખરીદીની ઓફર સામેથી આપે ને ભારત તેની જરૂર કરતાં વધુ ક્રૂડ ખરીદવા તૈયાર થાય તો અમેરિકા એટલું નાદાન નથી કે ભારતનો અમેરિકા તરફી ઝુકાવ ઘટી રહ્યો છે તે ન સમજે. એ સંજોગોમાં અમેરિકા ભારત સાથેનો છેડો ફાડે તો ચીનની સામે ભારતની ઢાલ ધરવાનું જ બંધ થાય. એ અમેરિકા ન થવા દે ને ભારત સાથે અમેરિકા સારાસારી તો રાખે જ ! એ જ કારણે શરૂઆતમાં રશિયન ક્રૂડની ખરીદી અંગે અમેરિકાને ભારત સામે વાંધો ન હતો, પણ રશિયા પાસેથી રાષ્ટ્રીય ચલણમાં ક્રૂડની ખરીદીની છૂટ મળે તો અમેરિકાનો ડોલર તૂટે ને તે તો અમેરિકાને જ તોડે. ભારત જો રૂબલ-રૂપીમાં ખરીદી ન કરે તો કદાચ અમેરિકાને એટલો વાંધો ન પડે એમ બને, પણ આ તો રૂબલની ઓફર સામેથી આવી છે એટલે જ કદાચ અમેરિકાએ ભારતને ધમકાવ્યું છે, એ પણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની જેમ ક્વાડનું ભારત પણ સભ્ય છે. બીજાં ત્રણ રાષ્ટ્રો રશિયાનો વિરોધ કરતાં હોય ને ભારત તેનો વિરોધ કરવાનું ટાળે તો તે પણ અમેરિકાને ન ગમે, પણ અમેરિકાએ એ સમજી લેવું જોઈએ કે ભારત ખંડિયું રાષ્ટ્ર નથી. તેની પોતાની અલગ ને આગવી ઓળખ છે. તે વગર તેનાં વડા પ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર ન થાય.

અમેરિકા ભારતને નાદાન ન સમજે. ભારત તેની ધમકીને ઘોળીને પી જાય એટલું મેચ્યોર્ડ તો છે જ. અત્યારે ભારત સંદર્ભે અમેરિકાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી છે. અમેરિકાની ધમકીની અસર થાય ન થાય ત્યાં તો બીજે જ દિવસે રશિયન વિદેશ મંત્રી ઘણી બધી ઓફરો સાથે ભારત આવ્યા. આમ જોઈએ તો આ બધા શિખાઉ દાવપેચ છે. લાગે છે તો એવું કે રશિયા ભારતને પટાવે છે ને અમેરિકા ભારતને ધમકાવે છે, પણ બંને નાદાન એ વાતે છે કે જે દેશ બધે સસ્તું વેચાતું હતું ત્યારે પણ પેટ્રોલ મોંઘું વેચતું હોય તે, રશિયા ડિસ્કાઉન્ટ આપે તો ફુલાઈ જાય એટલો ભોળો નથી. રશિયા ડિસ્કાઉન્ટ આપે એટલે ભારત તેનાં લોકોને ડિસ્કાઉન્ટ આપે એવું તો હવે સપનું પણ પડે એમ નથી. ભારત એટલું મેચ્યોર્ડ છે જ કે તે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન ડીઝલની સહાય કરે ને ઘર આંગણે ઓઇલ મોંઘું વેચે. ભારત કોઈ પટાવે કે પતાવે એટલાથી પટી કે પતી જાય એટલું મૂરખ રાષ્ટ્ર નથી તેની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવા જેવી છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઍપ્રિલ 2022

Loading

લગ્નમાં જ્ઞાતિબાધ અને જ્ઞાતિ બહાર લગ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2022

૨૦૦૩ના વર્ષમાં તમિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર એક દંપતીને તેના કુટુંબીજનોએ જીવતું જલાવી દીધું હતું. કથિત નિમ્ન જ્ઞાતિની યુવતી સાથે કથિત ઉચ્ચ વર્ણના યુવકનું લગ્ન કુટુંબને સ્વીકાર્ય નહોતું. ‘ઑનર કિલિંગ’ કહેતાં જ્ઞાતિગુમાનને કારણે થયેલી આ હત્યાનો અઢાર વરસે, ૨૦૨૧માં ચુકાદો આવતાં હત્યારા કુટુંબીજનોને જિલ્લા અદાલતે મૃત્યુ દંડની સજા ફરમાવી છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાની યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કરતાં માતાપિતાએ તેમની દીકરીના અપહરણ અને ભોળવીને લગ્ન કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા ગયા વરસે અદાલતે પોલીસ ફરિયાદ રદ્દ કરવાના આદેશ સાથે માબાપને આંતરજ્ઞાતીય લગ્નના સ્વીકારની સલાહ આપી હતી. અદાલતે સમાજને જૂનાપુરાણા નાતજાતના બંધનો છોડી દેવા જણાવી ઉમેર્યું હતું કે જ્ઞાતિબાધ વિનાના લગ્નોથી જ્ઞાતિઓ અને સમુદાયો વચ્ચેનો તણાવ ઓછો થશે.

બંધારણને અનુસરીને અદાલતોએ આપેલા આ ચુકાદા આંખમાથા પર રાખીને પણ એ વાસ્તવ સ્વીકારવું રહ્યું કે દેશમાં આજે ય જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જ લગ્નવ્યવહાર થાય છે. ઓનલાઈન વેબસાઇટ્‌સ કે અખબારોમાં આવતી લગ્ન વિષયક જાહેરાતો પર નજર નાંખતા જણાય છે કે લગ્નની પાત્રપસંદગીમાં જ્ઞાતિબાધનું પ્રાધાન્ય હોય છે. આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મુકાયો હતો. ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સમાજ સુધારકોના પણ આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના અમૃત પર્વે ભારતીય હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણાને જ મહત્ત્વ આપવામાં આવે છે.

‘નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઈડ ઇકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ના તારણોમાં જણાવાયું છે કે ભારતમાં પંચાણુ ટકા લોકો જ્ઞાતિમાં જ પરણે છે. માંડ પાંચ જ ટકા લગ્નો જ્ઞાતિ બહાર થાય છે. નાતને તડકે મૂકી પરણી જનારામાં ટચૂકડા અને ખ્રિસ્તીબહુલ ઉત્તરપૂર્વીય રાજ્યોના લોકો મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો મિઝોરમમાં (૫૫%) થાય છે. તે પછીના ક્રમે મેઘાલય (૪૬ %), સિક્કિમ (૩૮%), જમ્મુ-કશ્મીર (૩૫%) અને ગુજરાત (૧૩%) છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલા ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી ઓછા લગ્નો થાય છે. આ પ્રમાણ મધ્ય પ્રદેશમાં માત્ર ૧ ટકો અને હિમાચલ, છત્તીસગઢ, ગોવામાં માત્ર બે ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. દેશના રાજ્યની કુલ વસ્તીમાં સૌથી વધુ દલિત વસ્તી ધરાવતા રાજ્ય, પંજાબમાં માત્ર ત્રણ ટકા લોકો જ જ્ઞાતિબહાર પરણે છે.

વિદુષી સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટે આંતરજ્ઞાતીય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરી હતી. હજુ ગયે વરસે જ વિદેહ થયેલાં, અમેરિકી મૂળના ઓમવેટ ભારતની નાગરિકતા મેળવી મહારાષ્ટ્રના પૂણેથી આશરે દોઢસો કિલોમીટરના અંતરે આવેલા કાસેગાંવમાં રહેતાં હતાં. ગામની વસ્તી પંદરેક હજારની છે. વિકસિત અને દેખાવે શહેરી કાસેગાંવ દેશના અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓના ગામ તરીકે જાણીતુ છે. કાસેગાંવમાં છેલ્લા ૫૦ વરસોમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો થયાંનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક નોંધે છે. ૩૦ પૈકીના ૨૦ દંપતી ગામમાં જ રહે છે. આ હકીકતનું વિષ્લેષણ કરતાં ઓમવેટ લખે છે, “પચાસ વરસમાં ત્રીસ આંતરજ્ઞાતીય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. ૧૫,૦૦૦ની વસ્તીના ગામમાં ૫૦ વરસમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો એટલે ૦.૦૦૧૩૩ ટકા થાય.”

આંતરજ્ઞાતીય લગ્નોમાં ગામડાં અને શહેરો વચ્ચે ખાસ ભેદ નથી. દેશમાં કુલ ૫.૩૪ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. તેમાં શહેરોમાં ૫.૩૭ ટકા અને ગામડાંઓમાં તેનાથી સહેજ જ ઓછા ૫.૩૨ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. વિકાસશીલ સમાજ અધ્યયન કેન્દ્રનું ૨૦૦૪ની રાષ્ટ્રીય ચૂંટણીનું એક સર્વેક્ષણ નોંધે છે કે ૬૦ ટકા ઉત્તરદાતાઓ આંતરજ્ઞાતીય લગ્નો પર પ્રતિબંધ ઇચ્છતા હતા. ૪૭ ટકા શહેરી ભારતીયો પણ આંતરજ્ઞાતીય લગ્નોના પ્રતિબંધની તરફેણમાં હતા. અમેરિકી રિસર્ચ સંસ્થા ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નો તાજેતરનો એક વ્યાપક સર્વે જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો મહિલાઓને આંતરજ્ઞાતીય લગ્નો કરતી રોકવી જોઈએ તેમ માને છે. તો ૬૨ ટકા ભારતીયો માને છે કે પુરુષોએ આંતરજ્ઞાતીય લગ્નોથી દૂર રહેવું જોઈએ.

જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા-વાંચવા મળે છે. કહેવાતી નીચલી જ્ઞાતિમાં લગ્નથી ઉપલી જ્ઞાતિમાં જ્ઞાતિગુમાન જાગી ઊઠે છે અને ઑનર કિલિંગ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં રજૂ થયેલ માહિતી મુજબ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન દેશમાં ઑનર કિલિંગની ૧૪૫ ઘટનાઓ બની હતી. સૌથી વધુ ઝારખંડમાં ૫૦ હત્યાઓ ઑનર કિલિંગના નામે થઈ હતી.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના પ્રગતિશીલ રાજા શાહૂ મહારાજે છેક ૧૯૧૩(૧૨-૦૭-૧૯૧૩)માં પોતાના રાજ્યમાં જ્ઞાતિબહાર થતા લગ્નોને કાયદેસર ઠેરવતો નિયમ કર્યો હતો. ડૉ. આંબેડકરે ૧૯૩૬માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ વ્યાખ્યાન’ એનિહિલેશન ઓફ કાસ્ટ” (જાતિ નિર્મૂલન)માં જ્ઞાતિ પ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા હતા તેમાં આંતરજ્ઞાતીય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યા હતા. ડૉ.આંબેડકરે કહ્યું હતું “મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતીય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણી સર્જી શકે છે. અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં”. અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા ગાંધીજી આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતીય લગ્નોને અસરકારક હથિયાર ગણતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.

દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે, તેમાં પુરુષની જ્ઞાતિ જ પત્ની–બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું અને બળુકું હોય તો સંતાનોને ઉપલી જ્ઞાતિ મળે છે, પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતીય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતીય લગ્નોથી શક્ય બનતાં નથી.

“હવે નાતજાત જેવું કશું રહ્યું નથી. ચૂંટણીમાં મીડિયાવાળા જ જ્ઞાતિનું સ્મરણ કરાવે છે.” એવું માનનારો દેશમાં એક મોટો વર્ગ છે, પરંતુ ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું નહિવત્‌ પ્રમાણ નાતજાત ખતમ થઈ ગયાનું કહેનારને પડકારે છે. અને ભારતમાં જ્ઞાતિ જડબેસલાક અને હાજરાહાજૂર છે તે સ્વીકારવા મજબૂર કરે છે.      

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 07 

Loading

...102030...1,5751,5761,5771,578...1,5901,6001,610...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved