Opinion Magazine
Number of visits: 9745200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રતિકૂળમાંથી અનુકૂળ

સુરેશ બી. જાની|Opinion - Opinion|7 May 2022

છેલ્લા પાંચેક વર્ષમાં 'નૂતન ભારત' અને 'વાંચનમાંથી ટાંચણ' શિર્ષક હેઠળ ઘણી બધી પ્રેરક જીવન કથાઓ લખી શકાઈ છે.

નૂતન ભારત : https://gadyasoor.wordpress.com/better_india/

વાંચનમાંથી ટાંચણ : https://gadyasoor.wordpress.com/vanchan-2/

આમાં મારું પોતાનું સર્જન કશું નથી, સિવાય કે, મૂળ અંગ્રેજી લખાણનો ભાવાનુવાદ / સંક્ષિપ્તીકરણ. તેમાંની આ એક પ્રતિનિધિ કથા ….

***

બાળપણથી જ તેની કેટલી બધી યશસ્વી કારકિર્દી હતી? કેટકેટલાં સપનાં હતાં? હા! ભૂપેન્દ્ર ત્રિપાઠી બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. સુરતમાંથી એનું ભણતર શરૂ થયું પણ પિતાને મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશ્નર તરીકે બઢતી મળતાં કુટુંબ સાથે એ કલકત્તા પહોંચી ગયો. ફરીથી મેટ્રિક વખતે તે ગુજરાત પાછો આવ્યો અને CBSEની પરીક્ષા ઉચ્ચ કક્ષાએ પસાર કરી. અમદાવાદની નિર્મા યુનિવર્સિટીમાંથી આઈ.ટી. નિષ્ણાત તરીકે તે બહાર પડ્યો, ત્યારે નામાંકિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં તરત નોકરી પણ મળી ગઈ. ત્યાં પણ એનું હીર ઝળકી ઊઠ્યું. ફિન્લેન્ડની નોકિયા કંપનીમાં બહુ જટિલ પ્રોજેક્ટ માટે તેની નિમણૂંક પણ થઈ ગઈ.

પણ વિધાતાનો એક જ ફટકો અને એનાં બધાં સપનાં ચકનાચૂર બની ગયાં. ફિન્લેન્ડનો વિસા તો હજુ આવ્યો પણ ન હતો અને ભૂપેન્દ્રને ચક્કર આવવાં શરૂ થઈ ગયાં. આખા શરીરમાં અશક્તિ જ અશક્તિ. એક દિવસ તે બાથરૂમમાં પડી ગયો. પથારીમાં તે પગનો અંગૂઠો પણ હલાવી શકતો ન હતો. તબીબી પરિક્ષણ પછી ખબર પડી કે, તેની કરોડરજ્જુમાં તકલીફ છે. બાયોપ્સીના પરીક્ષણ પછી એ પણ ખબર પડી કે, તેમાં કેન્સરની ગાંઠ છે અને તે પણ છેલ્લા તબક્કાની. તે દોઢ મહિનાથી વધારે જીવી નહીં શકે! જીવલેણ કેન્સરના ભયાનક અજગરનો ભરડો તેની આખી કરોડરજ્જુ, પેન્ક્રિયાસ, લીવર અને આંતરડાંમાં ફેલાઈ ચૂક્યો હતો.

આખા કુટુંબ પર આભ જ તૂટી પડ્યું.

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરની ગાંઠ કાઢી નાંખવાનું નક્કી થયું. પણ તે અમદાવાદ છોડે એ પહેલાં જે તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જીવન બચાવવા માટેની અને સ્ટેરોઇડ દવાઓના મારા સાથે આશ્ચર્યજનક રીતે તેના પગના અંગૂઠામાં જાન આવવા માંડ્યો. ડોક્ટરો પણ આ ફેરફાર જોઈ સ્તબ્ધ બની ગયા. થોડાક દિવસ માટે તેની સ્થિતિ પર નજર રાખવાનું નક્કી થયું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં તેની સારવાર શરૂ થઈ, જે એક વર્ષ ચાલુ રહી. ત્યાં સારવાર દરમિયાન કોઈ તેને દરદી કહે, તો તે પસંદ કરતો ન હતો. પોતાની જાતને એક અડગ યોદ્ધો જ તે માનતો હતો. એની આ ખુમારી આગળ જીવલેણ કેન્સરને પણ ઝૂકી જવું પડ્યું. હવે એને કેન્સરથી વિમુક્ત જાહેર કરવામાં આવ્યો. જાણે કે, વિધાતા ફરીથી એને માટે સોનાના દરવાજા ખોલી રહી હતી. માતાની પ્રાર્થનાઓ જાણે કે, કશુંક અદ્દભુત કામ કરી રહી હતી.

પણ આ શું? કેમો થેરાપિના કારણે ધીમે ધીમે તેની આંખોનું તેજ હણાવા માંડ્યું હતું. સૌથી ઊંચા નંબરનાં ચશ્માં પહેરવાં છતાં, તેને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. વિધાતાનો એક ઓર ફટકો અને ભૂપેન્દ્ર પૂર્ણ રીતે અંધ બની ગયો. કેન્સરની સારવાર દરમિયાન યોદ્ધાની જેમ ઝઝૂમેલા ભૂપેન્દ્ર માટે આ અસહ્ય આઘાત હતો. તે બચી ગયો હતો, પણ આખી જિંદગી અંધાપામાં શી રીતે પસાર થશે? ઘેરી  નિરાશાના ગર્તામાં તે સરી પડ્યો. તેણે તેની સારવાર કરતા ડો. આલાપ ગઢવીને બધી સારવાર બંધ કરી દેવા કહ્યું.

પણ ડો. આલાપ તેને પોતાના પિતા કૈલાસ ગઢવી પાસે લઈ ગયા. તે સંગીતના શિક્ષક હતા અને બ્રેઈલની તાલીમ પણ આપતા હતા. હવે ભૂપેન્દ્રની બ્રેઈલ તાલીમ શરૂ થઈ. તેની જિજીવિષા પણ ફરી જાગી ઊઠી. એક ભાષામાં બ્રેઈલ શીખતાં સામાન્ય અંધજનને એક વર્ષ લાગી જાય. પણ આંતરિક જાગૃતિથી ફરી બળવાન બનેલો ભૂપેન્દ્ર પાંચ જ મહિનામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બ્રેઈલ શીખી ગયો!

તેણે ફિઝિયોથેરાપિ શીખવા વિચાર્યું. પણ તેની માનસિક ક્ષમતા જોઈ એક પ્રોફેસરે તેને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા સૂચવ્યું. આ સૂચને ભૂપેન્દ્રની જિંદગીને એક નવો જ વળાંક આપી દીધો. તેણે રોજના પંદર પંદર કલાક દિવ્યાંગો માટેના કોમ્પ્યુટર પર તાલીમ લેવા માંડી. એના પ્રતાપે,  એક પછી એક ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તે ઉચ્ચ કક્ષામાં પસાર કરવા લાગ્યો.

આના પ્રતાપે ૨૦૧૫માં તેને રિઝર્વ બેન્કમાં મદદનીશ ઓફિસર તરીકે નોકરી પણ મળી ગઈ. નોકરીમાં હજુ એક મહિનો માંડ વીત્યો હશે અને તેને મેનેજરના સ્થાન માટે ઇન્ટરવ્યૂની તક સાંપડી.  અલબત્ત તેમાં તેને ઝળહળતી સફળતા મળી. ચેન્નાઈમાં ચાર મહિનાની તાલીમ અને ૨૦૧૬માં અમદાવાદની રિઝર્વ બેન્કમાં પ્રજ્ઞાચક્ષુ ભૂપેન્દ્ર મેનેજર બની ગયો!

વધારે ઉચ્ચ જવાબદારી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરવાની ભૂપેન્દ્રની આગેકૂચ તો હજુ પણ જારી જ છે. તેની બેમિસાલ અને સફળ કારકિર્દી પર ઘણાંની નજર પડવા માંડી અને ઘણી જગ્યાએ તેને વ્યાખ્યાનો માટે બોલાવવાનું  શરૂ થઈ ગયું . એનો આ  એક જ વીડિયો જોઈ લો …

ભૂપેન્દ્ર કહે છે –  ”પાયાની અશક્તિ માણસના મનમાં હોય છે. એ ઊંબરો અતિક્રમી જાય, એના માટે ભાવિનાં દ્વાર ફટાબાર ખુલ્લા થઈ શકે છે. તમારી અશક્તિઓ નહીં, પણ તમારી શક્તિઓ પર ધ્યાન કેંદ્રિત કરો.”

સંદર્ભ – 
https://www.thebetterindia.com/60714/bhupendra-tripathi-cancer-ahmedabad/

e.mail : sbjani2006@gmail.com

Loading

ગ્રીન ફ્યુચર, પ્રોસ્પરસ ફ્યુચર : દરેક દિવસ પૃથ્વીદિવસ

સોનલ પરીખ|Opinion - Opinion|6 May 2022

રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વ જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી હોય. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર અને વધારે પોષક બનાવીને પછીની પેઢીને આપવાની જવાબદારી આપણી જ છે.

આ વર્ષે માર્ચ મહિનામાં જ બે હીટ વૅવ આવી ગયા. આ લખાય છે ત્યારે તાપમાન 40થી 45 ડિગ્રી રહે છે. માણસો ત્રાહિમામ્‌ પોકારી જાય એવી ગરમીમાં, વગડામાં કેસૂડો અને ગુલમહોર પોતાની લાલ-સોનેરી આભાથી મસ્ત ખીલ્યાં છે.

22 એપ્રિલે પૃથ્વીદિન છે. તેના બરાબર એક મહિના પહેલા 21 માર્ચે વનદિવસ હોય છે. પ્રકૃતિની વિપુલતા કેવી છે – દક્ષિણ અમેરિકાના એમેઝોનિયા નામનું જંગલ છે જે આખી પૃથ્વીને વીસ ટકા ઑક્સિજન પૂરો પાડે છે. વિશ્વનું આ સૌથી ગાઢ જંગલ સાડાપાંચ કરોડ વર્ષ જૂનું છે અને દક્ષિણ અમેરિકાના ચાલીસ ટકા ભૂભાગ પર ફેલાયેલું છે. બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગિયાના સહિત નવ દેશોની સરહદ આને અડે છે.

સિત્તેર લાખ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા આ જંગલમાં 40,000 જાતનાં 400 અબજ વૃક્ષો છે, જેમાં 2,000થી વધુ પક્ષી-પ્રજાતિઓ અને 25 લાખથી વધુ પ્રકારના કીટકો રહે છે. જો કે સૌથી મોટાં જંગલો રશિયાની ઉત્તરે આવેલાં સાઈબિરિયાનાં જંગલો છે. આ જંગલો 85 લાખ ચોરસ માઈલમાં પથરાયેલા છે એટલે કે આખા ભારત કરતાં અઢી ગણા વિસ્તારમાં માત્ર જંગલ જ છે.

ભારતમાં પાંચ પ્રકારનાં જંગલો છે અને વનીકરણ વગેરે અનેક સરકારી યોજનાઓ છતાં જંગલો સાફ થતાં જાય છે. પૃથ્વી પર 30 ટકા ભાગમાં જંગલો છે, જેનો કુલ વિસ્તાર 4 અબજ હેક્ટર જેટલો છે. દર સેકંડે ફૂટબોલનાં મેદાન જેટલાં જંગલો સાફ થઈ રહ્યાં છે. દર વર્ષે લગભગ ઈંગ્લૅન્ડના કદનાં એટલે કે 32 મિલિયન એકર જેટલાં જંગલો કપાય છે. જંગલ સાથે તેનું જીવવૈવિધ્ય પણ નાશ પામે છે અને પર્યાવરણ સંતુલન ખોરવાય છે. એથી જ પૃથ્વીદિન 2020ની થીમ ‘ક્લાઈમેટ એક્શન’ હતી, 2021ની ‘રિસ્ટોર અવર અર્થ’ અને 2022ની ‘ઈન્વેસ્ટ ઈન અવર પ્લાનેટ’ છે.

પૃથ્વીની રચના 4-54 અબજ વર્ષ પહેલા થઈ, એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું. સૂર્યથી પૃથ્વીનું અંતર 14,95,97,900 કિલોમીટર છે, જ્યારે તેનો વ્યાસ 12,156 કિલોમીટર છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય 365.26 દિવસ છે અને પૃથ્વીના ધરીભ્રમણનો સમય 23 કલાક, 56 મિનિટ છે. પૃથ્વીની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ 70થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી તેના પર્યાવરણમાં પરિવર્તન થતાં રહ્યાં છે અને એ અનુસાર જીવવૈવિધ્ય પાંગરતું કે નાશ પામતું રહ્યું છે. એવું મનાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને નષ્ટ કરી નાખશે.

જો કે છેલ્લાં થોડાં વર્ષમાં પૃથ્વીના પર્યાવરણમાં જે ખૂબ ઝડપી અને નકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે, તે કરનાર તો માણસ જ છીએ. આપણી લાલસા, અળવીતરાઈ અને અવળચંડાઈ આ સુંદર અને ભવ્ય ગ્રહને મોટા જોખમમાં મૂકી રહી છે. આ પ્રત્યે જાગૃતિ વધારવા પહેલો પૃથ્વીદિવસ 1970માં ઉજવવામાં આવ્યો. અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરના પુસ્તક 'ઈનકન્વિનિઅન્ટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈ.પી.સી.સી.ની સાથે સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્કારે આ તરફ સંવેદનશીલતા વધારવામાં મદદ કરી છે. આમ છતાં મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે. જળવાયુમાં થતાં પરિવર્તનને પરિણામે વિશ્વ પર અન્નસંકટ અને જલસંકટ બન્ને તોળાઈ રહ્યા છે. વૈશ્વિક ખાદ્ય સંકટની સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડશે. પર્યાવરણ માટે સામૂહિક પ્રયત્નો કરવા જરૂરી જ નહીં અનિવાર્ય બની ગયા છે. આમ તો એવી ઘણી બાબતો છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ અને આપણે દરેક દિવસને પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે પણ થોડુંઘણું યોગદાન આપે તો ઘણું થઈ શકે. સ્વાર્થ માટે પૃથ્વીને બગાડવામાં બધી તાકાતો એક હતી. હવે એ તાકાતોએ એક થઈ પૃથ્વીને સુધારવી પણ જોઈશે. એવરીવન એકાઉન્ટેડ ફૉર, એન્ડ એવરીવન એકાઉન્ટેબલ. સમય વહેતો જાય છે. નવી પેઢી માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય સર્જવું હોય તો કામે લાગવું પડશે.

'પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે. બાકી ગ્લોબલ વૉર્મિંગના પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડાં, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જેણે આપણને રહેવાનું સુંદર ઘર આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેનાં મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ ને વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ. 
વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી વેળાએ જો પ્રત્યેક વ્યક્તિ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લે, પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરે અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત ન કરે. 

અમેરિકામાં લૉ એનર્જી લાઈફસ્ટાઈલ નામની મુવમેન્ટ ચાલે છે. નાસાના વિજ્ઞાનીઓએ ‘અર્થ હીરો’ નામનું એપ બનાવ્યું છે જે લૉ એનર્જી લાઈફસ્ટાઈલ માટેના આઈડિયાઝ આપે. આ જીવનશૈલીથી વાતાવરણમાં હાનિકારક વાયુઓ ઓછા છૂટે છે, સાથે લોકોનું જીવન ઓછું ખર્ચાળ અને વધુ સરળ થાય છે. અનેક લોકો પોતાની જરૂરિયાતો પર કાપ મૂકતા અને બચેલા સમયશક્તિને પર્યાવરણ માટેના આંદલનોમાં જોડતા થઈ ગયા છે. નાસાના એક અર્થ સાયન્ટિસ્ટ કહે છે કે ‘આપણે બધું ગુમાવી બેસવાના છીએ. આ કોઈ મજાક કે અતિશયોક્તિ નથી. પણ સરકારો કે ઉદ્યોગો વિજ્ઞાનીઓનું સાંભળતા નથી. આપણે જ આપણા સુંદર ભવ્ય ગ્રહને બચાવવા માટે જોખમો ઉઠાવવા તૈયાર થવું જોઈશે.’

રેફ્રિજેટર-એરકન્ડીશનર અને કારખાનાઓ જે ક્લૉરોફ્લૉરો કાર્બન છોડે છે તે હલકો હોવાથી તરત ઊંચે જાય છે અને વાયુમંડળમાં 2025 કિલોમીટર પર આવેલા ઓઝોન સ્તર સુધી પહોંચે છે. ક્લૉરોફ્લૉરો કાર્બન ઓઝોનનું વિઘટન કરે છે અને એથી સ્તર પાતળું બને છે એમાંથી પસાર થયેલા સૂર્યના શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચી સ્કીન કૅન્સર જેવા રોગો કરે છે. જે ઓઝોન કવચ આપણું રક્ષણ કરે છે તેનું રક્ષણ હવે આપણે કરવાનું છે.

તો કારખાના બંધ કરી દઈશું? ના, પણ ક્લૉરોફ્લૉરો કાર્બનના યોગ્ય નિકાલની સિસ્ટમ તો વિકાસાવાય ને? જેમ બને તેમ કુદરતી વસ્તુઓ વાપરવી અને રેફ્રિજેટર-એરકન્ડીશનરનો વિવેકપૂર્ણ ઉપયોગ એવાં પગલાં તો દરેક વ્યક્તિ લઈ શકે.

પર્યાવરણવિશેષજ્ઞ ગેલોર્ડ નેલ્સન કહે છે કે રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વને જોવું, સમજવું અને એની ઊર્જાના સ્રોત સુધી પહોંચવું એના જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી છે. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર, વધારે પોષક બનાવીને પાછી આપવાની જવાબદારી આપણી જ છે. પૃથ્વી માણસની નથી, માણસ પૃથ્વીનો છે. પૃથ્વી અને માણસનો સંબંધ તૂટવો જોઈએ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઍપ્રિલ 2022

Loading

હેપ્પીનેસ ઇન્ડેક્સના ટોપ ટેન દેશો અધાર્મિક છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 May 2022

ધારો કે લોકો ધર્મમાં કે ઈશ્વરમાં માનવાનું બંધ કરી દે તો શું થાય? સમાજ નિરાશાની ગર્તામાં ધસી જાય? જીવન અર્થહીન થઇ જાય? લોકો કામ કરવાનું બંધ કરી દે? આવા પ્રશ્નોનો એક આશ્ચર્યજનક જવાબ છે, પણ તેની વાત પછી. પહેલાં આપણે એ જાણવાની કોશિશ કરીએ કે લોકો ઈશ્વરમાં કેમ માને છે.

દુનિયા ભરમાં વિવિધ સામાજિક મુદ્દાઓ અને વલણોનો અભ્યાસ કરવાનું કામ કરતાં વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત પ્યુ રિસર્ચ સેન્ટરે, ૨૦૧૯માં ૩૪ દેશોના ૩૮,૪૨૬ લોકોને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે? એમાં ૬૨ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં ઈશ્વરની મહત્ત્વની ભૂમિકા છે, જ્યારે ૫૩ ટકા લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં પ્રાર્થનાની અગત્યની ભૂમિકા છે.

સર્વેમાં ખબર પડી હતી વિકસી રહેલા દેશોમાં ધાર્મિક શ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. તેનાથી વિપરીત, આઠ પશ્ચિમ યુરોપિયન પ્રદેશના માત્ર ૨૨ પ્રતિશત લોકોએ જ કહ્યું હતું તેમના જીવનમાં ઈશ્વર જરૂરી છે, જ્યારે પૂર્વી યુરોપમાં છ પ્રદેશોના ૩૩ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે ધાર્મિક હોવું અનિવાર્ય છે. સર્વેમાં એ નોંધવામાં આવ્યું હતું કે યુરોપિયન દેશો ઉત્તરોત્તર બિનસાંપ્રદાયિક બની રહ્યા છે (નાસ્તિક હોવું અને બિનસાંપ્રદાયિક હોવું એ બંનેમાં ફરક છે). 

વિશ્વના અન્ય પ્રદેશોની સરખામણીમાં, યુરોપમાં રાજનીતિ અને ધર્મનો સંબંધ સૌથી કમજોર છે. યુરોપિયન દેશોમાં સાર્વજનિક બાબતો પર અભ્યાસ કરતી સંસ્થા ‘યુરોબેરોમીટર’નો એક સર્વે કહે છે કે યુરોપિયન લોકોના રાજકીય વિચારો અને મતદાન પર ધર્મનો પ્રભાવ સીમિત છે. અમેરિકાની રાજનીતિમાં જેટલી તાકાતવર ધાર્મિક લોબી છે અથવા ઇસ્લામિક દેશોમાં રાજનીતિના ક્ષેત્રે જેટલી ધાર્મિક ચર્ચાઓ થાય છે તેવું યુરોપમાં કશું નથી.

આનો વધુ એક સંકેત તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેકસમાં જોવા મળ્યો છે. આપણે પૂછ્યું હતું કે લોકો જો ધર્મ કે ઈશ્વરમાં માનતા બંધ થઇ જાય તો સમાજ નિરાશામાં સરકી પડે? હેપ્પીનેસ ઇન્ડેકસ અહેવાલ પ્રમાણે એવું કશું ન થાય. એ તાજા સર્વે પ્રમાણે, દુનિયાના જે દસ સૌથી સુખી દેશો છે, તે કાં તો બિનસાંપ્રદાયિક છે અથવા ઓછા ધાર્મિક છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા, છેલ્લાં દસ વર્ષથી ૧૫૦ દેશોનો હેપ્પીનેસ ઇન્ડેકસ જારી કરવામાં આવે છે. તેમાં માણસોની સુખકારીની ભાવના, દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (જી.ડી.પી.)નું સ્તર, જીવનની આવરદા વગેરે જેવાં પરિબળો પરથી દેશના એકંદર સુખનું સ્તર નક્કી કરવામાં આવે છે અને તેને રેન્ક આપવામાં આવે છે.

આ ૧૫૦ દેશોમાંથી યુરોપનો ફિનલેન્ડ દેશ સતત પાંચમાં વર્ષે પહેલાં નંબરે આવ્યો છે (ભારતનો ક્રમ ૧૩૬ છે). સૌથી સુખી દસ દેશોની યાદીમાં, ફિનલેન્ડ પછીના ક્રમે ડેન્માર્ક, આઈસલેંડ, સ્વીત્ઝરલૅન્ડ, નેધરલેંડ. લકઝમબર્ગ, સ્વિડન, નોર્વે, ઇઝરાયેલ અને ન્યુઝીલેન્ડ છે.

કેલિફોર્નિયાની પિઝર કોલેજમાં સમાજશાસ્ત્ર અને સેક્યુલર સ્ટડીઝના પ્રોફેસર અને અનેક પુસ્તકોના લેખક ફિલ ઝુકરમાને આ તાજા સર્વેનો અભ્યાસ કરીને રસપ્રદ તારણ કાઢ્યું છે કે સૌથી સુખી આ દસે દેશ પૃથ્વી પરના સૌથી સેક્યુલર દેશ પણ છે. માત્ર ઇઝરાયેલને બાદ કરતાં, જ્યાં ધાર્મિક કટ્ટરતા અને બિનલોકતાન્ત્રિકતામાં વધારો થઇ રહ્યો છે, બાકીના નવ દેશોમાં છેલ્લી એક સદીમાં લોકો સેક્યુલર બની રહ્યા છે.

સેક્યુલર પરિપેક્ષ્ય સાથે સામાજિક બાબતો પર પ્રકાશ ફેંકતા “ઓન્લીસ્કાય” નામના એક પોર્ટલમાં ઝુકરમાન લખે છે કે દાખલા તરીકે, નોર્વેમાં ચર્ચના સભ્યપદમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તેવા નોર્વેજિયનોની સંખ્યા પણ વધી છે. પાડોશી સ્વિડનમાં, ચર્ચમાં જનારા લોકો ઘટ્યા છે અને લગભગ ૬૫ પ્રતિશત લોકો ઈશ્વરમાં માનતા નથી. ડેન્માર્કમાં અડધો-અડધ પ્રજાને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ન્યુઝીલેન્ડમાં, ૨૦૦૧માં ૩૦ પ્રતિશત લોકો કહેતાં હતાં કે તેઓ ધર્મમાં માનતા નથી, પણ આજે એ સંખ્યા ૫૦ પ્રતિશત થઇ છે. નેધરલેંડમાં, ૭૦ના દાયકામાં નિયમિત ચર્ચ જનારા લોકોની સંખ્યા ૪૦ પ્રતિશત હતી, આજે એ ઘટીને માત્ર ૧૫ પ્રતિશત થઇ ગઈ છે અને ડચ ઇતિહાસમાં પહેલીવાર બહુમતી લોકો કહે છે કે તેઓ ધર્મનું અનુસરણ નથી કરતા.

આઈસલેંડમાં, ૯૩ પ્રતિશત લોકો માને છે કે દુનિયાનું સર્જન બીગ બેંગથી થયું હતું, અને ૨૫ વર્ષથી નીચેનો એક પણ યુવાન માનતો નથી કે દુનિયા ભગવાને બનાવી હતી. સૌથી વધુ સુખી ફિનલેન્ડમાં ૩૦ પ્રતિશત લોકો અધાર્મિક છે અને માત્ર એક તૃતિયાંશ લોકો માને છે કે ઈશ્વર છે.

સામાન્ય રીતે, આટલી ઓછી ધાર્મિકતા અને શ્રદ્ધા હોય તો માણસો ભાવનાત્મક રીતે કઠોર, દ્વેષી, દુઃખી થઇ જવા જોઈએ, પરંતુ હેપ્પીનેસ ઈન્ડેક્સ પ્રમાણે તેમના સુખની ભાવના વધી છે. ઝુકરમાન કહે છે કે ધાર્મિક વિચારો અને ઈશ્વરમાં માન્યતાના અભાવમાં પણ આ દેશના લોકો એટલા માટે સુખી છે કારણ કે તેમને ત્યાં જન કલ્યાણને ધ્યાનમાં રાખીને મૂડીવાદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, બીજું તેઓ દુનિયામાં સૌથી વધુ સ્વતંત્રતા ભોગવે છે અને ત્રીજું આ દેશોમાં અસમાનતા સૌથી ઓછી છે. ત્યાંની સ્વાસ્થ્ય વ્યવસ્થા, ચાઈલ્ડકેર, વૃદ્ધોની કેર, શિક્ષણ અને બીજી અનેક જનલક્ષી સેવાઓ નિ:શુલ્ક અથવા નજીવી કિંમતે મળે છે. ત્યાંના સમાજો અત્યંત સુરક્ષિત અને માનવીય છે.

અલબત્ત, તેઓ સેક્યુલર છે એટલે સુખી છે તેવો તર્ક કાઢવો બરાબર નથી. અહીં સમજવાનું એટલું જ છે કે જે લોકો એમ કહે છે કે એક સુખી, સ્વસ્થ અને સંતોષી સમાજ માટે ધર્મ અનિવાર્ય છે તેઓ ભૂલી જાય છે કે ધર્મ જનતાની સુખાકારી અને સુવિધાનો વિકલ્પ ન બની શકે. હા, લોકો દુઃખી હોય, ગરીબ હોય, અશિક્ષિત હોય, અસમાનતામાં જીવતા હોય, તો ધર્મ તેમનું ધ્યાન અસલી મુદ્દાઓમાંથી ચોક્કસ ભટકાવી શકે.

જે દેશોમાં સામાજિક કલ્યાણ માટેની મજબૂત વ્યવસ્થાઓ હોય, આર્થિક પ્રગતિ હોય, તંદુરસ્ત લોકતાન્ત્રિક સંસ્થાઓ હોય, મહિલાઓ માટે સમાન અધિકારો હોય, જનતામાં શિક્ષણ સ્તર ઘણું ઊંચું હોય, સડકો સ્વચ્છ હોય, કાનૂન-વ્યવસ્થા મજબૂત હોય અને ખાવા-પીવા, રહેવા-પહેરવા તેમ જ રહેણીકરણીની સ્વતંત્રતા હોય પછી એ દેશના લોકો ભગવાનની ભક્તિ કરે કે ન કરે તેનાથી શો ફરક પડે છે?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 મે 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5691,5701,5711,572...1,5801,5901,600...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved