Opinion Magazine
Number of visits: 9570376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલવિદા નહીં, સ્વાગત છે, શેન

કેતન રુપેરા|Opinion - Opinion|15 March 2022

શેન વૉર્ન મારો સિનિયર ન હતો.

શેન વૉર્ન મારો મિત્ર પણ ન હતો.

શેન વૉર્ન અને હું સાથે કે સામે રમ્યા હોઈએ, એવો હું એનો સમકાલીન પણ ન હતો.

અરે, પ્રેક્ષકગણમાં કે કૉમેન્ટ્રીબોક્સમાં બેસીને મારી નરી આંખે તો શેન વૉર્નને બહુધા ૯૦ અંશના ખૂણે બોલ સ્પિન કરતો નહોતો જ જોયો.

અને હા, જે તે દાયકામાં જેની સરખામણી એની સાથે થતી એવો અનિલ કુમ્બલે મારા જ દેશમાં મોજુદ હોઈ, 'સગીર વયવાળા દેશપ્રેમ’ના કારણે હું શેન વૉર્નનો કંઈ બહુ મોટો ચાહક પણ નહોતો બની શક્યો. અને, આટલું ઓછું હોય તેમ શેન વૉર્નને ધોળે દિવસે તારા બતાવી દેનાર ને રાત્રે એના સપનામાં આવનાર સચીન પણ મારી જ પુણ્યભૂમિ ભારતનો હોઈ એના ઓવર દીઠ રન અને વિકેટની સરેરાશના આંકડા, બીજા દેશોની સામે હતા એટલા પ્રભાવશાળી પણ ન હતા.

… અને તો ય, હા તો ય,

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર નવ કિલોમીટરના અંતરે રહી, કૂકાબુરા બોલ પર હાથ કે હાથમાં કૂકાબુરા બોલ રાખવાની કલ્પના કરીને કહું? – વૉર્નના જવાથી એના સાથી ક્રિકેટર્સ – એના પ્રતિદ્વંદી ક્રિકેટર્સ, એની પછીની પેઢીના ક્રિકેટર્સ – એની પહેલાની પેઢીના ક્રિકેટર્સ, એના મિત્રો – એના ટીકાકારો, એના ચાહકો, પરિવારજનો અને આ … ખા ક્રિકેટજગતને જે આંચકો લાગ્યો છે, એનાથી સહેજે ય ઓછો આંચકો મને (અને તમને) લાગ્યો હશે, એવું મને લાગતું નથી. ગાર્ડિયનની પત્રકાર Brigid Delaneyએ એક ફાંકડા ક્રિકેટપ્રેમીને ટાંકીને કહ્યું છે એમ એ ‘પ્રિન્સેસ ડાયના મોમેન્ટ’ બની રહી! પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં આ જગતમાંની એની ગેરહાજરી જીવનમાંથી કશુંક ખૂંચવી ગયાની બીના બની રહી!

કેમ એવું?

વૉર્નીએ જતાં પહેલાં ઘણું આપ્યું છે, તો ય વૉર્નીના જવાથી ક્રિકેટજગતે ઘણું બધું ગુમાવ્યું છે. જો કે, મીડિયાએ પણ કંઈ ઓછું ગુમાવ્યું છે?! સમયાંતરે આવતી એની વિવાદાસ્પદ ટિપ્પણીઓ ગુમાવી છે. સ્પોટ ફિક્સિંગમાં એની સંડોવણીની વારે વારે યાદ કરાતી તવારીખ ગુમાવી છે. ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના વારંવારના ઉલ્લેખની નેગેટિવિટી ગુમાવી છે. નર્સથી લઈને એકથી વધુ મહિલાઓને કરાયેલા ઇરોટિક ટેક્સ્ટ મૅસેજને મમળાવવાની તક ગુમાવી છે. એક સાથે એકથી વધુ સ્ત્રીઓ સાથેની સેક્સ ટેપની, બ્લર તો બ્લર—પણ એ તસવીરોની પુનઃછાપણી ને ફેર-અપલોડ કરવાની તાલાવેલી પણ કદાચ ગુમાવી છે.

બાકી, ‘ઓફ ધ ફિલ્ડ’ તો શેન વૉર્નનો બચાવ કેવો અને કેટલો કરીએ?! હા, 'ઑન ધ ફિલ્ડ’ માટે એટલું ચોક્કસ કહીએ કે આ વિક્ટોરિયન બોલર પોતે જે ક્ષેત્રમાં હતો, એ ક્ષેત્ર પ્રત્યેની એની પ્રતિબદ્ધતાના કારણે, પોતાને કુદરત પાસેથી મળેલી પ્રતિભાને સતત નિખારતા રહેવાની એની મહેનતના કારણે, વ્યાપકહિતમાં વ્યક્તિગત ગમા-અણગમા કે ટકરાવને બાજુએ રાખીને ટીમમૅટ તરીકે જીત અપાવવાના એના જુસ્સાને કારણે, પોતાની ભૂલે કે સમય-સંજોગોને આધીન ઉદ્દેશચ્યુત થવાને કારણે, વારેવારે ટીમમાંથી બહાર થયા પછી પણ દર વખતે જબરદસ્ત કમબૅક કરવાની એની આદતને કારણે, જીત સિવાય બીજું કશું ન ખપે એવા ઝુનૂનના કારણે, અરે! ફ્રન્ટ પેજ, મિડલ પેજ કે લાસ્ટ પેજ, અખબારમાં કોઈ પણ પાને ચમકી શકવાની એની બહુમુખી પ્રતિભાને કારણે, અને આપણે કદાચ ક્યારે ય જાણવા નહીં પામીએ એવાં કારણોને કારણે … વૉર્ની સદાય યાદ રહેશે.

આ જગતમાં વિદ્યમાન અનેક વિષયો, ક્ષેત્રો, રમતો ને કાર્યકલાપોમાં આવા 'જિનિયસ’ વીરલા જ હોય છે. શું અંજલિ આપીશું પોતાની પહેલી ટેસ્ટ મેચ, સંયોગવશ જ ભારત સામે રમીને આંતરરાષ્ટ્રીય પ્રવેશ કરનાર આ ઓસ્ટ્રેલિયન 'ઑલરાઉન્ડર’ને?

મેરાડોના, ટાઇગર વુડ્‌ઝ, માઇકલ જૉર્ડન ને માઇકલ ફેલ્પ્સ જેવા ‘મૅડ જિનિયસ’ની ટીમમાં વધુ એક જિનિયસનું સ્વાગત છે.

સ્વાગત છે શેન!

(લખ્યા તા. ૫, ૧૩-૦૩-૨૦૨૨)

Email : ketanrupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 16

Loading

સદ્ગત પ્રિયાને પ્રિયનો પત્ર

સુમન શાહ|Opinion - Opinion|15 March 2022

હે પ્રિયા :

શું લખું? લખવાથી શું વળવાનું? કોને વંચાવીશ? એકે ય લખાણ તને વંચાવ્યા વિના પ્રકાશિત કરવા મોકલેલું? ના. આ તને શી રીતે પ્હૉંચાડું? બધું મિથ્યા ભાસે છે. તું હતી ત્યારે સઘળું મને, બસ સત્ય અનુભવાતું’તું. તને સમ્મત તે જ સાચું હતું. જાણે એ માટે જ હું બધું કરતો’તો. તારી આગળ પુરવાર થવા? ના. એવું તો નહીં, પણ મારા શબ્દથી તને, વર્તન અને કામોથી તને, પ્રસન્ન જોવા … બહાર મને ઘણી સમ્મતિ મળી છે પણ તારી સમ્મતિની વાત ન્યારી હતી ! હવે? હવે શું? શેને માટે?

આમ જુઓ કે તરત શટર પડી જાય, તેમ જુઓ તો, બીજું ફટાક પડી જાય. મૃત્યુ કોને કીધું ! ઝાંવાં મારતી તને કલ્પી નથી શકતો. હૃદય અને ફેફસાંનો સેતુ શેને તૂટી પડ્યો? એવાં તે કેવાં દબાણ? કઈ શૂળના ઝાટકા?

એક દિવસ માટે રાહ ન જોઈ? બહુ સતાવે છે. શું કામ ગયો? ગયો તો ગયો, દોડી આવ્યો કેમ નહીં? તેં મને જરા જેટલો ય અહેસાસ આવવા દીધો નહીં. એવું લાગે છે, તું ક્યાંક ગઈ છું – ઢાલગરવાડ કે કટપીસમાર્કેટમાં. પ્રેમદરવાજા જતી’તી, વરસો પર, કંઈ ને કંઈ ખરીદવા. આવતાં મૉડું થઈ જતું. હવે એવું જ લાગી રહ્યું છે. થાય છે, તું હમણાં જ આવી પ્હૉંચીશ. કાંડાં પર થૅલીઓ ભરાવેલી તું. ગાલ શ્રમે કરીને રતુમ્બડા તારા. ધડકન સ્મિતભરી. તારા ગોગલ્સમાં તને તાકી રહેલો હું. જાણે હમણાં ડોરબેલ વાગશે ને હું ભાળીશ તને. ના ! એમ નહીં થાય કેમ કે ન-થવાનું બહુ થયું છે મારી સાથે.

કોઈ વિદેશી નગરના કશા અણજાણ ભાગમાં હું જાણે ભૂલો પડી ગયો છું. નથી હું કોઈને ઓળખતો, ન કોઈ મને. નથી કોઈ જાણીતું જનાવર. નથી ભાષા. નથી ધરમ. નથી કશું કરમ. બહુ એકલું લાગે છે. આ ભુલાવામાંથી મને કોણ ઉગારશે? અપરિચયથી ઘેરાયેલું મારું મન શરીરને પૂછે છે. શરીર ઠૂંઠા જેવું ખડું રહી ગયું છે. લોક મને જોતાં-જોતાં આવતાં રહે છે, જતાં-જતાં જોતાં જાય છે. શું કરું?

આપણા એ દેવને કહીને તો ગયેલો. તેં પણ દિલથી ઝંખેલું કે હું જાઉં. તારી તબિયત જરા પણ ખરાબ ન્હૉતી. એ જ દિવસની બપોરે ફોન પર વાતો થયેલી. મેં કહેલું – કાલે જ પાછો આવું છું. તેં એ સ્નેહી બેનની વાત કરેલી. અરે, એમણે જ તારા ચાલી જવાના થોડાક કલાક પર તારે માટે બુટ્ટીઓ ખરીદેલી. એ જોવા તું ન રહી. હું સૉક્રેટિસ ને ઍરિસ્ટોટલની જગ્યાઓમાં કયા જ્ઞાનને સારું ભમતો રહ્યો કમબખ્ત …

તમે આ શર્ટમાં સારા લાગો છો … તમારી એ વાર્તા મને બહુ ગમી છે … તમને ટાઇટલ-કવર કરાવતાં આવડતું નથી – લોકોનાં જોતા હોવ તો … પણ કૉપિ બતાવું એટલે મન મનાવી લેતી. એ બધી નિસબતો હવે કોણ દાખવશે? સારાનો ટહુકો ને ન-સારાની ટકોર કરનારી હે સંગિની, તું ક્યાં ચાલી ગઈ?

નદી છે. નાવ છે. હલેસાં તો મારું છું. તને સામે બેઠેલી કલ્પું છું. ચોપાસ પાણી પાણી છે, ઊછળે છે. સામો કિનારો દીસતો નથી. ઊંચે તો છે અતલ આકાશ ને દિવસનો ફિક્કો ચન્દ્ર. શું કરું?

હવે કરવાનું શું રહ્યું? હૃદય ચુસાઈને લોચો થઈ ગયું છે. બુદ્ધિએ એક જ જિદ્દ પકડી છે – તેં મારી રાહ કેમ ન જોઈ. તું ક્હૅ મને, એ પળોમાં તને શું થયેલું એ હવે મારે જાણવું શી રીતે? 

ઘરઘંટીમાં ઘઉં પિસાય, લોટ બને, પણ મારી બુદ્ધિની ચકરડી ફર્યા જ કરે છે. ઘંટી અવાજ કરે, બુદ્ધિનો કોઈ અવાજ નથી. હું મગજને પૂછું છું. મગજ રક્તવાહિનીઓેને પૂછે છે. મને યાદ છે, તું કદી રડી નહીં. તારાં આંસુ કશેક સંતાઈ ગયેલાં. રક્ત સૂકાઈ જવાના ભયે તેં રોષ કદી કર્યો નહીં. મને કશોક રોષ ભૂત જેમ વળગ્યો છે ને નીરવે રક્ત મારાં વહ્યા કરે છે.

મેં પ્રાર્થનાઓ કરી હોત. તને ભેટીને રડ્યો હોત. મને તારી અને તને મારી દયા આવી હોત. કશો ઉપાય ન જડત. છતાં, હું તને ન જવા દેત. ધમપછાડા કરત. તને ઠેકઠેકાણે ચૂમી લેત. તને બાથમાં લઈ મારામાં સમાવી લેવા ફાંફાં મારત. આંધળો થઈને ભીંતે અફળાત, બ્હૅરો થઈને બારીએ ઊભો રહેત, પૂછવા નાલાયક આ દુનિયાને …

મારા હાડકાં મૉઢાં કાઢવા લાગ્યાં છે. લોક કહે છે – તમે સૂકાઇ ગયા, આવું ન ચાલે, તમારે મજબૂત રહેવું પડશે. પણ મજબૂત શી રીતે રહેવાય તે કોઈ ક્હૅતું નથી. ક્હૅ કોઈ તો પણ હું બદલાઈ થોડો જવાનો? બદલવાને મને કોણ ખસેડી શકે તારા ચોપાસ ફેલાયેલા અસ્તિત્વ-આલોકથી? એમાં જાતને પાથરું છું ને શી ખબર એમ પથરાવું મને ગમે છે. ઠીક છે, પણ તારે મને આમ મૂકીને ચાલ્યા તો ન્હૉતું જ જવાનું.

ઘરમાં મને તું જ્યાંત્યાં દેખાય છે, દેખાયા કરે છે – બોલતી, મને જોતી, સૂચનો કરતી, વાતો માંડતી. સમય મારા માટે થંભી ગયો છે. કૂવાની દીવાલે દીવાલે ટેકે ટેકે ધીમે ધીમે તળિયે પ્હૉંચી જઉં છું. પણ નથી ફાવતું. પાછો ફરું છું. આકાશમાં રંગો શોધું છું. આપણી ગમતીલી બાલ્કનીના પેલા મધપૂડાને ઝંઝેડી નાખીને મધમાંખોથી ચ્હૅરાને અને પછી શરીરને ચોળી લેવા કરું છું.

તને ય ક્યાં ખબર હતી … તું બાથરૂમમાં ન્હાતી, બાલ્દી હું ભરી આપતો, શાવર તને ગમતું નહીં. સાવનનાં ઝાપટાંને હાથ કરીને બોલાવતી. વિન્ટરમાં તેલ ચોળી આપતો – હજી પીઠ ખભા સ્તન સાથળ બધું તો ચુસ્ત છે, માંસલ છે, શેની છું રોગી તું? તું કડવું સ્મિત કરતી. અરે યાર, તું જો પથારીવશ હોત ને, શરીર તારું જો કશી યાતનાએ કષ્ટાતું હોત ને, તો હું ક્યારનો ખતમ થઈ ગયો હોત. હા જો કે, અત્યારે એમ જ છું – ડીસ્ટ્રૉઇડ !

કહે છે, તારા આત્માએ બીજા દેહમાં પ્રવેશ કરી દીધો છે. મારે એ સ્ટુપિડને મળવું છે. પૂછવું છે એને – તું જો અમર છું તો મારી પ્રિયાની કાયામાં તને શા દુખાવા હતા. ઘણા કહે છે મને, આવી પ્રિયાઓ રાજહંસ રૂપે અવતાર લે છે. મને કહે, તું કયા સરોવરે સરતી છું. કહે છે, આવી પ્રિયાઓ અણજાણ વનના નિર્નામ પ્રાણી રૂપે અવતરે છે. મારે એ પ્રાણીને મળવું છે. મને તો એમ છે કે હવે તું પાણીથી છલોછલ વાદળી હોઈશ. કે પછી, તારા નામ પ્રમાણેનું પ્રભાતનું કુમળું પહેલું કિરણ.

પાણીથી છલોછલ વાદળી : watery cloud 

Pic courtesy : dreamstime.com

એ સફેદ સ્કર્ટ, એ પર ઝીણાં ઝીણાં ગુલાબની ભાત, એ પરનું એ સફેદ લૉન્ગસ્લીવ શર્ટ. વાળીને અરધા રાખેલા બે ચોટલા. એ પરની લાલ રીબન. હાથમાં મોગરાનું ફૂલ, લીલાં બે પાનવાળું. ખબર નહીં તું ક્યાંથી આવી ચડેલી. કયા જનમની. કયા દેશકાળેથી. મને જ કેમ મળી? હવે કોઈપણ ગુલાબ મને કરમાયેલાં લાગે છે, એકે ય મોગરાને હવે નથી કશી સુગન્ધ.

= = =

તને ખરેખર શું થયેલું? છેલ્લી ઘડીઓમાં? મૃત્યુ ભેટવા આવતું દેખાયેલું? વાનરના બચ્ચા જેવું હતું? પેટમાં પોતાના જેવા એકને બેસાડીને આવેલા કાંગારુ જેવું હતું? ધૂણતા-ડોલતા મદનિયા જેવું હતું? હું ન્હૉતો તેથી ગભરામણ થઈ ગઈ હશે. શું થયેલું? હું તારી સામે નથી એમ ભાળીને તને ભયંકર એકલતા લાગી હશે. તારું અસ્તિત્વ ઉભરાઈને હવા બનતું વિખેરાતું હશે. કલ્પી શકું છું એ દારુણ ક્ષણોને.

હું હોત તો બધું જોત, તને એને જોતી જોત, ચીસ પડાઈ જાત. તું મહા જ્ઞાનીની જેમ સૌને કહેતી : મારા જેટલા શ્વાસ હશે એટલા જીવીશ, બીજું શું? : હા પણ, તેં ગણી રાખેલા થોડા? તને ખબર હતી થોડી? શું થાય, તારા ઑક્સિજન ખૂટી પડ્યા …

હું અપરાધી જ કેમ કે ગયો તો ગયો, દોડી આવ્યો કેમ નહીં. તેમ છતાં તારે મને આમ મૂકીને ચાલ્યા તો ન્હૉતું જ જવાનું.

બારીએથી તું મને વેવ કરતી, પાછો ફરું ત્યારે ત્યાં જ હોય એમ મને કલ્પના થાય, અને એમ કહું પણ ખરો, તો તું મને ક્હૅતી – આવો વિચાર તો કોઈ બાળકને આવે. હું ક્હૅતો – ના, મૂરખાને આવે. એ બારી હવે ચૉકઠું છે. કૉમન-પ્લૉટના ચમ્પાને ફૂલ આવ્યાં છે. વૉચમૅનની ઓરડીનું ઝાડ સૂકાઇ રહ્યું છે. એને પર્ણપુષ્પ વગરનું થતું મારાથી જોવાતું નથી. સાંજના વિલાઈ જતા પ્રકાશમાં પડછાયા લંબાઈ લંબાઈને ખોવાઈ જતા હોય છે. રાત પડે છે, દિવસ ઊગે છે, રાત પડે છે.

ઇશ્વર નામની ચીજ મને એક કોરા કાગળથી વિશેષ નથી લાગતી. એની આ તે શી રીત છે. ગુસ્સો આવે છે. મારી ચોપાસ આ તે શી દીવાલ છે. ઓળંગીને તારી પાસે આવી નથી શકતો. મારે ઈશ્વરને એ દીવાલ વિશે પૂછવું છે. પૂછવું છે એને – આ ચિર વિયોગનું, આ દર્દનું, શું કરું. એ તો શું બોલવાનો. પણ તને કહું, આ શોકથી મારે નથી રચવો એકે ય શ્લોક, નથી નિષ્પન્ન કરવો એકે ય રસ. આ લખું પછી થાકું ને એકલતા જોડે એકલો પડું. બધાં લખાણ ફેલફિતુર લાગે છે. સાહિત્ય એટલે શું? શેની સહિતતા? શબ્દથી અર્થ દૂર ભાગે છે, અર્થને શબ્દ સાથે બનતર નથી. આ ‘પ્રેમ’ જો, એને ‘જીવન’ જોડે બને છે? આવુંતેવું તને કહીને કે લખીને પણ હું શું પામવાનો?

તને આપણા બધા સાહિત્યકારોની વિશેષતાઓની ખબર હતી. તું તરત ઉમેરતી – એમની અકોણાઇઓની પણ જાણ છે. અમારું રાજકારણ તું રજે રજ જાણતી પણ કદી એમાં જોડાતી નહીં. જો કે મને અને તને અચરજ થયેલું, એ વાતે કે છેલ્લા મહિનાઓમાં તને અમુકો માટે બહુ ગુસ્સો આવવા લાગેલો. તારા માટે એમ થવું અસાધારણ, છતાં, ‘એ લુચ્ચો …’ બોલીને તરત તું હસી પડેલી. તેં કહેલું – કેવું ગંદું બોલાઈ ગયું મારાથી, ન બોલવું જોઈએ. તારા સ્વ-ભાવની એ નાજુકાઇને પરખતાં મને ઘણી વાર લાગેલી.

ચાલવાનું કરવા લાગ્યો છું. યોગ-પ્રાણાયામથી બધું દુરસ્ત કરવાનું કરું છું, છતાં, જીવવામાં નિયમિતતા આવતી નથી, કંટાળો નામની ચીજ જરૂર આવે છે. પાગલ માણસ તો કપડાંલત્તાંનું ભાન ભૂલી જાય, મૉઢું ન ધૂવે, વાળ ઓળે નહીં કે શૅમ્પુ-શાવર કરે નહીં. મારાથી એવા પાગલ નથી થવાતું. કલ્પના કરી હું મને એવો જોવા માગું છું. આપણો મધપૂડો અવાક્ થઈ ગયો છે, બધી મધમાંખો એકમેકને ચૂપ ચૉંટી રહી છે, બોલતી નથી.

તને ગોરસામલી, રાયણ, ચણીબોર, ચારોળાં બહુ ભાવે. આપણે શોધી શોધીને ખાતાં’તાં. વાહનોના વિકરાળ જંગલ જેવા આ શ્હૅરમાં એમાંનું એકે ય નથી મળતું. એક વાર તને હર્પિસ થયેલો. આપણે ગભરાઈ ગયેલાં. એ સાથળો જેને મેં અપારનાં વ્હાલ અને ચુમ્બન કરેલાં. એમાંની જમણી સાથળ ચકામાથી ખીચોખીચ ભરાઈ ગયેલી. લ્હાય બળતી’તી, ભીની આંખે તને પંખો નાખતો’તો. તારા ચ્હૅરા પર હળવાશ ઝગી ઊઠેલી. કોઈ કોઈ વાર તું મને માથે તેલ ચોળીને માલિસ કરી આપતી – મને નીચે બેસાડે, પોતે સોફા પર બેસે. તારા ઘૂંટણ મારા ખભાઓને જકડી રાખે, એ જકડાટ મને યાદ રહી ગયો છે. હર્પિસ અને માલિસનાં વિરોધી એ દૃશ્યો હજી દેખાયા કરે છે.

સ્મરણો ભયથી આક્રાન્ત હરણાંની જેમ જોરમાં ઠેકતાં ભાગી રહ્યાં છે. એ બેડશિટ્સ, એ ઉશિકાં, ઉશિકાંના કવર, એ પરનાં તારાં ભરત, તારા સ્પર્શોની યાદથી જીવન્ત જીવન્ત લાગે છે. નાનપણથી તેં તારી ભરતગૂંથણકલાથી કેટલાં ય સ્વપ્ન ગૂંથેલાં ને સાર્થક થઈને એ કેવાં દીપી નીકળ્યાં. તારાં એ બધાં ખમિસને જોયા કરું છું. એ વેલબુટ્ટા ને ફૂલોની પાંખડીએ પાંખડીએ ભમતો રહું છું. અને એમ તારાં અંગાંગ પર પણ.

બાજરીના રોટલા માટેની માટીની કલેડી, આરસનાં ખલબત્તો, મોટો ઝારો, લૅમનસ્ક્વીઝર તને એટલાં વ્હાલાં, જાણે તારાં સ્વજન ! સવાર-સાંજનાં ભોજનનાં ટાઇમટેબલ, પહેલાંના પેલા ઘરના બૅકયાર્ડમાં ઉગાડેલાં ભીંડા, ગુવાર, રીંગણ, મરચાં. વરસાદી સાંજોએ વઘારેલા સિંગદાણા ને ગરમ ગરમ સુખડી. ચોમેર સુવાસ સુવાસ. પેલી અખણ્ડ રાત્રિઓ, પેલી સહશયનસમાધિઓ, નર્યા સુખના સણકા, કેમ ભૂલીશ?

અને અણજાણ મુલકોની યાત્રાઓ – ચેન્નાઇ, મદુરાઇ, પૉંડેચરી, જગન્નાથ પુરી, કૉલકાતા, દાર્જિલિન્ગ, કોહિમા, દીમાપુર, જયપુર, આગ્રા, પઠાણકોટ, ગુલમર્ગ, જમ્મુ, શ્રીનગર, દિલ્હી, મથુરાં, હરિદ્વાર, દ્વારકા, લન્ડન, બરમિન્ઘમ, આમ્સ્ટર્ડામ, બર્ન, ઝૂરિચ, જિનીવા, લુત્ઝર્ન, પૅરીસ, કનેટિકટ-હૅમ્ડન, ડીટ્રૉઇટ, પીઓરીઆ, ટૅક્સાસ-ડાલાસ, હ્યુસ્ટન, ગેલ્વેસ્ટન બીચ, ઍલે, પાલો આલ્ટો, સાન્ફ્રાન્સિસ્કો, સૅક્રેમૅન્ટો, યશોમિટી નેશનલ પાર્ક, ફિલાડેલ્ફીઆ, ઍટલાન્ટા, સિનસિનાટી, ન્યૂ યૉર્ક … પાર નથી આ યાદીનો અને એ સાથેની યાદોનો. સ્મરણોની વણઝાર મારી પાછળ પડી છે, મને દોડતો-હાંફતો કરી મેલ્યો છે … શું કરું? તું ક્હૅ ને મને …

અનેક મિત્રોએ મને આશ્વાસનના સંદેશા મોકલ્યા -ફોન ઍસ.ઍમ.ઍસ. ઇમેઇલ. કોઈ કોઈએ તને માતૃવત્સલ કહી, મોટા ભાગનાંઓેએ આન્ટી કહી. કહે – આન્ટીના હાથની કૉફિ અને ભાખરવડી બહુ યાદ છે. શીરો તો ઘણાંથી ભુલાયો નથી. છેલ્લા મહિનાઓમાં મનગમતી વાનગીઓ વડે સૌનું સ્વાગત ન્હૉતું કરી શકાતું અને બજારુ વસ્તુઓ લાવવી પડતી’તી તેનો તને વસવસો હતો. તે દિવસે ચા-નો મસાલો ખૂટી ગયો છે એમ માનીને હું બહારથી લાવ્યો; પણ પછી તારાવાળો મળ્યો, ખબર પડી કે કેટલો મોટો તફાવત છે. લવિન્ગમાં ઝીણાં તું જુદાં પાડતી. કોઈ ટાંકણીને અણી ન હોય તે તને ચીડવે, દુકાનદારને ફરિયાદ કરવા કહેતી. આછી અમથી ધૂળ તને દેખાઈ જાય, કામવાળીને દેખાડે. એવી બધી દરકારો કરવાની હું તને ના પાડતો કેમ કે એ ચટ તારા સ્વાસ્થ્યને રંજાડે. જો કે એવાતેવાથી તારો રંજાડ ન થયો, તો શેનાથી થયો? કોણ જાણે. તેં મૃત્યુનો અંગીકાર ગૂપચૂપ અને એકાન્તમાં કર્યો. એ ક્ષણો વિશે, એ ક્ષણો વિશે, વિચારતાં, વિચારતાં, મારું મગજ ભમી જાય છે.

ઇન્ચે ઇન્ચની કાળજીથી સજાવેલા તારા આ અસબાબનું હવે શું થવાનું? તારી હથેળીઓને સથવારે અને દૃષ્ટિદોરની રીતેભાતે રચાયેલા આપણા આ વસ્તુસંસારનું શું થવાનું? હું ગોઠવીશ પણ તારો એ કસબ મારી પાસે નથી. ગોઠવવા જતાં બધું વેરવિખેર કરી નાખીશ કે પછી એમ થતું જોતો રહી જઈશ. વસ્તુઓ હું જોતો તું ખોટા ક્રમે કરતી. દાળ ઊકળતી હોય ને તને જો આગલે દિવસે નહીં જડેલી ભૂરા દોરાની રીલ યાદ આવે તો સિલાઈમશીનનું ડ્રૉઅર ખોલીને ફંફોસતી. તારી રીતો અનોખી હતી. તારી સાડીઓ. તારાં ઘરેણાં. તેં સાચવી રાખેલી દેશી-વિદેશી ચીજો. તારાં પરફ્યુમ. મને યાદ છે તું તારું કબાટ ખોલીને બેસતી ને બધી ચીજોને દરેક વખતે નવી રીતે ગોઠવતી. પ્રસન્ન પરિતૃપ્ત ગૃહિણી દીસતી. તું પૂર્ણ કદની માયાવી હતી અને હું ય એવો જ વળી ! એટલે આપણું સહજીવન મને જાદુગરની લીલા સમું ભાસે છે. પણ જાદુ જાદુ હતો તેથી, જો ને, ખતમ થઈ ગયો !

ગઈ કાલે આપણા એ પ્રેમપત્રોની પોટલી ખોલીને બેઠો પણ વાંચવાની હિમ્મત ન થઈ, જોતો બેસી રહ્યો. ભૂતકાળની એ ગૂફામાં અજવાળાં છે, અંધારાં છે. એનાં પોતાનાં આકાશે ય  છે, પાતાળ પણ છે. એ પોટલું નાનકડું એક સરોવર છે. એમાં, આપણા એ તળાવમાં હતાં એવાં જ કમળ ખીલેલાં છે. એની માદક સુગન્ધ છે, તને મોકલું – જો આ મોકલી … પછી તો તારાં અછોવાનાં કરું એ જ હતી મારી જીવનચર્યા. તેં હમેશાં મને સહી લીધો તો પણ મારી બેસ્ટ ક્રિટિક તું જ હતી. અરે, હું બૂમ પાડું – મારું બ્લુ બુશ્શર્ટ ક્યાં છે -? પેલી ચાંદીની તાસક તેં ક્યાં મૂકી છે? સંભળાય છે મારો અવાજ? તું ક્હૅવાની – યાદ નથી ઊભા રહૉ, વિચારીને કહું. પણ કઈ કાળજીથી કયા વ્હાલનું જતન કરવા તું વસ્તુઓને સંતાડી કે ઢબૂરી રાખતી, એ મને હવે સમજાય છે. રૂડી પૅરે વળેલી ગાંઠ શી રીતે ખૂલી ગઈ? એના છેડા હવામાં રવરવે છે. પૂરું ખીલેલું પુષ્પ એમ તે શેને કાજે લબડી પડ્યું? એવો તે કયો વાયરો વાયો? કોને શી જરૂર પડી ગઈ તારી? આવી અગમ ઉતાવળ. આવી અકળ વંચના. વિમાસણનો માર્યો બેસી રહ્યો છું.

તને ક્રમે ક્રમે બધું ન-ગમતું થવા માંડેલું. મને હવે સમજાય છે કે જડથી ઊખડી ગયેલો છોડવો પવનમાં ઝૂમે ખરો પણ પળે પળે મૂરઝાતો જતો હોય. છતાં, એને ખરી પડવાની ન તો બીક હોય, ન તો ધ્રૂજારી. એને હોય ઝૂમ્યા કરવાની બસ મજા … મારે તને મળવું છે. આંગળીથી બતાવ, ક્યાં. લકીર દોરી દે. રસ્તો બતાવી દે, દોડી ઊઠી ઊડીશ. તું પરત આવે તો આપણે બધું ફરીથી શરૂ કરી દઈએ. કંઈ કરતાં કંઈ ગમતું નથી. વલખાં મારું છું. કશી સૂઝ પડતી નથી.

આજે મારા બધા બંધ છૂટી ગયા છે. આંસુમાં વહી રહ્યો છે મારો અપરાધ. અહંકાર ધૂળ થઈ ગયો છે, ગર્વ ધોવાઈ ગયો છે. ગણું છું તો સમજાય છે કે તારા દુખદ અવસાનને આજે ઘણા દિવસ થઈ ગયા. મને સવાલ સ્ફુર્યો આવ્યો કે તું કેવી પ્રિયા હતી -? કેવા સ્વરૂપની પ્રિયજન? ઉત્તર મળ્યો કે તું એક સરળતમ પ્રિયા હતી – સિમ્પલ લવર. ન ફરિયાદ, ન રાવ. પ્રેમ ધરી દેવાનો ન ધખારો, ન ઉતાવળ. પ્રેમ પામી જવાની પણ કશી તાલાવેલી નહીં. છતાં તું ઠંડી ન્હૉતી એમ દિવસરાતનો મારો ગાઢ અનુભવ કહે છે.

Pic courtesy : Shutterstock

તું એક એવી સભર નદી હતી જે વ્હૅતી’તી પણ સ્થિર લાગતી’તી. ઘેઘૂર ઊંડાં જળ ને ઉપર વ્હૅતો મન્દ સમીર. મારા તરણમાં અહીંતહીં ભંવર જરૂર છે, મને દેખાય છે, પણ મને લાગે છે, મારાથી નીકળી જવાશે. જો કે નીકળી જવાશે ખરું તો પણ નીકળી જવું નથી એમ હઠ થાય છે. દૂર સામે છે નારિયેળીનાં ઝુંડનાં ઝૂંડ ને કોરો અન્ધકાર. અહીં છે આ એકાકી લિમડો. એ પર બેઠો છે એક કાગ. નદીને જોયા કરતો લાગે. હમણાં ઊડી જશે એવી બીક થાય. સાચું જ ને ! તું એમ જ ઊડી ગઈ. સૂનકાર મૂકી ગઈ. જીવન-નદીને ખભે ઉપાડીને દોડી જઉં? કે એમાં ડૂબકી દઈ ખોવાઈ જઉં? નથી ખબર પડતી.

(સમ્પૂર્ણ)

= = =

(March 12 and 15, 2022)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કાઁગ્રેસ તો ડૂબી મરે એમ પણ નથી, કારણ કે ‘પાણી’ જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 March 2022

પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં સૌથી ભૂંડી હાલત કાઁગ્રેસની થઈ છે. ભૂંડી હાલત ન થઈ હોત તો આઘાત લાગ્યો હોત ! કાઁગ્રેસ આત્મહત્યાને માર્ગે છે તેવું ગાંધી પરિવારને ભલે ન લાગ્યું હોય, બાકી, પીઢ કાઁગ્રેસી નેતાઓને તો ઘણા વખતથી લાગી રહ્યું હતું ને તે હવે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ તો બતાવી પણ આપ્યું છે. કાઁગ્રેસના નહેરુ, ગાંધી ખાનદાનમાંથી ત્રણ-ત્રણ વડાપ્રધાનો દેશને મળ્યા હોય એને  ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 403 ઉમેદવારોમાંથી બે જ સીટ મળે એનાથી બીજી નાલેશી કઈ હોય? 2014માં નવ રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી તે હવે બે રાજ્યો – રાજસ્થાન અને છત્તીસગઢ – પૂરતી રહી ગઈ છે. ટૂંકમાં, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કાઁગ્રેસનો દેખાવ બધી રીતે દયનીય રહ્યો.

એ ખરું કે કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ હતા, તો પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહને છેડવાની જરૂર ન હતી. 2017માં કાઁગ્રેસ, કેપ્ટન અમરિન્દરની મહેનતથી જ સત્તા પર હતી, એ ભૂલી જઈને, રાહુલ – પ્રિયંકાએ અમરિન્દરને ઢીલા કરવા નવજોતસિંહ સિધ્ધુને આગળ કર્યા, પણ સિધ્ધુ જેવા વાચાળ મુખ્ય મંત્રી ન ખપે એવું જાણતા રાહુલે આજ્ઞાંકિત મુખ્ય મંત્રી તરીકે ચરણજિતસિંહ ચન્નીને ગોઠવી દીધા. દેખીતું છે કે ‘સિધ્ધુ’ વાંકું જ જુએ. જોયું ને પહેલાં જ દિવસથી ચન્નીની સામે દાંતિયા કરવાનું શરૂ થઈ ગયું. ખરું તો એ છે કે કાઁગ્રેસનો આમાં કોઈ ગ્રેસ ન હતો ને પંજાબની પ્રજા આ ખેલ જોઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે ન અમરિન્દર સચવાયા કે ન તો ચન્ની-સિદ્ધુએ કૈં ઉકાળ્યું ને એનો લાભ આપને મળ્યો. આપ પાર્ટીએ ધાર્યું ન હતું એવી જીત તેને ભાગે આવી. આપની પંજાબી જીતે અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઉભારી દીધા છે તે વળી પંજાબની ચૂંટણીનો આડ લાભ છે.

એક વાત સ્પષ્ટ છે કે કાઁગ્રેસ, ગાંધી પરિવારમાંથી મુક્ત નહીં થાય તો ગાંધી પરિવાર, કાઁગ્રેસ મુક્ત ભારતનું  ભા.જ.પ.નું સપનું, પોતે જ પૂરું કરી આપશે. કાઁગ્રેસમાં અગાઉ કદી ન હતી એવી ખોટ અત્યારે અક્કલની વર્તાય છે. દીકરો, માને અને મા, દીકરાને આગળ કરે કે બચાવે તે ઓછું હતું તે એમાં દીકરી પણ ઉમેરાઈ. સોનિયા ગાંધીએ પોતે જ નાહી નાખ્યું હોય તેમ એ કાઁગ્રેસના સીધા પ્રચારથી દૂર રહ્યાં છે. રાહુલ પંજાબને બગાડે એટલું પૂરતું હતું એટલે ઉત્તર પ્રદેશમાં દીકરી પ્રિયંકા વાડ્રાને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉતારવામાં આવી. પ્રિયંકાએ ઇન્દિરા ગાંધીની ઊભી થયેલી પોતાની આભાનો પૂરો લાભ પણ ઉઠાવ્યો, પણ હિન્દુત્વવાદી ભા.જ.પ.ના પ્રચારની સામે ને બીજી તરફ અખિલેશ યાદવનાં સ્વસ્થ સમાજવાદી વલણ સામે પ્રિયંકાનો પનો ટૂંકો પડ્યો ને કાઁગ્રેસની હાલત ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી થઈ. 403 બેઠકો પરથી ઊભા રખાયેલા ઉમેદવારોમાંથી બે જ જીત્યા. એ પણ પોતાની તાકાત પર. એમાં કાઁગ્રેસનો ફાળો ન હતો. બ્રાહ્મણ નેતા પ્રમોદ તિવારીની દીકરી આરાધના મિશ્ર રામપુર ખાસથી જીત્યાં, તેમાં પિતાનો નવ વખત વિધાનસભાની ચૂંટણીમાં થયેલો વિજય અને તેમનું યુ.પી.માં સન્માનનીય સ્થાન જવાબદાર હતું. કાઁગ્રેસની બીજી બેઠક મળી વીરેન્દ્ર ચૌધરીને. તેઓ માત્ર 1087 મતથી જીત્યા છે, એમાં પણ તેમની પોતાની મહેનત જ રંગ લાવી છે. મતલબ કે કાઁગ્રેસની કોઈ જ અસર ઉત્તર પ્રદેશમાં વર્તાઈ નથી.

પંજાબમાં સત્તા ગઈ અને ગોવા, ઉત્તરાખંડમાં સરકારમાં વાપસીની ઉમ્મીદ હતી તેમાં પણ ના’વાનું જ થયું એટલે સંસદીય ટીમના સ્ટ્રેટેજી ગ્રૂપની મીટિંગ કાલે આત્મનિરીક્ષણ-પરીક્ષણ-પ્રાયશ્ચિત માટે બોલાવાયેલી. એમાં બધાં કાઁગ્રેસી મોવડીઓ રાજીનામું આપે એવી દહેશત હતી, પણ એમાં શું થયું તે જાણવા મળ્યું નથી.  રાજીનામું મૂકવા કરતાં ખરેખર તો સોનિયા ગાંધીએ સંતાનોનો મોહ મૂકીને નીવડેલા નેતાઓની રાષ્ટ્ર વ્યાપી શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરવાની જરૂર છે. કાઁગ્રેસ હશે તો સોનિયા કે રાહુલ-પ્રિયંકાનો પણ કોઈ અર્થ હશે, કાઁગ્રેસ જ નહીં હોય તો સંતાનોનો પણ શો અર્થ રહે તે વિચારવયનું રહે. આમ તો આ ઘણું વહેલું કરવાની જરૂર હતી. કાઁગ્રેસ ઉત્તરોત્તર પડતી જ ગઈ છે તે સોનિયા કે રાહુલને નથી દેખાતું એવું નથી. તો એવું કયું કારણ છે કે રાજકારણમાં પક્ષ કરતાં પુત્ર વધુ મહત્ત્વનો થઈ પડે, તે પણ ખબર હોય કે પુત્રથી બફાટ સિવાય બીજું ખાસ કૈં થતું જ ન હોય, ત્યારે?

એવું નથી કે કાઁગ્રેસ કૈં કરતી નથી. તે હારવા માટે મહેનત તો કરે જ છે. ગાંધી પરિવાર એટલે કાઁગ્રેસ એ સમીકરણ જૂનું થઈ ગયું છે. એમાં પરિવર્તન જરૂરી છે. બીજું, ભા.જ.પ. ઘણું ઊંધું મારે છે છતાં, લોકમત તેની તરફનો છે, કેમ? એ સારું છે કે નબળું તે જુદી વાત છે, પણ જીત મેળવી આપે એવું લાગતાં ભા.જ.પે.  હિન્દુત્વનું કાર્ડ ગુજરાત, ઉત્તર પ્રદેશમાં તો સફળતાપૂર્વક ખેલ્યું જ છે. હિન્દુ મતો મળે જ એ માટે કાશી, અયોધ્યામાં મંદિરોનો જે રીતે મહિમા થયો છે તે હિન્દુઓને મત આપવા ન પ્રેરે એવું તો કેમ બને? હિન્દુ રાષ્ટ્રની સીધી જાહેરાત વગર મંદિરોનો જે રીતે મહિમા થયો તેણે એ સ્થિતિ તો ઊભી કરી કે હિન્દુઓને ભા.જ.પ. પોતાનો પક્ષ લાગ્યો. એ જ કારણ છે કે ભા.જ.પ. સામે અનેક વાંધા હોવા છતાં હિન્દુમતો તો ભા.જ.પ.ના ઉમેદવારોના ખાનામાં જ પડ્યા છે. એ ઉપરાંત અન્ય જાતિ, કોમના મત મેળવવા વડા પ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક રાષ્ટ્રીય માર્ગો ખુલ્લા મૂકવાની જાહેરાતો કરી. એને લીધે બીજી કોમને પણ ભા.જ.પ.ને મત આપવાનું કારણ મળ્યું. આ પ્રભાવમાં મુસ્લિમોના મત ન મળે તો તે ગુમાવવાની ભા.જ.પ.ની તૈયારી હતી, કારણ યુ.પી.માં હિન્દુત્વની લહેર વધુ વ્યાપક હતી અને એનો જેટલો લાભ લેવાય એટલો વડા પ્રધાન મોદીએ અને મુખ્ય મંત્રી યોગીએ લીધો. એ લહેર મોદી-શાહની સખત મહેનત છતાં પશ્ચિમ બંગાળમાં ન જ ચાલી, બિલકુલ એમ જ, જેમ મમતાની ઉત્તર પ્રદેશમાં હાજરી ન ચાલી. બિનસાંપ્રદાયિક હોવાનો આદર્શ લઈને ફરતી કાઁગ્રેસને હિન્દુની વાતે અભડાઈ જવાનો ડર હોય તો દેખીતું છે કે એ મુસ્લિમ મતો તરફ જ આંખો ઠેરવે. એણે ઉત્તર પ્રદેશમાં એવી હવા ઊભી કરી કે કાઁગ્રેસ તો મુસ્લિમોનો પક્ષ છે. અત્યાર સુધી હિન્દુ મતદારો મત આપવા જતા ન હતા ને જે જતા હતા તે બીજો વિકલ્પ ન હતો એટલે કાઁગ્રેસને મત આપતા હતા ને કાઁગ્રેસ જીતતી હતી. હવે હિન્દુ મતોની ટકાવારી વધી છે ને એને લીધે પણ કાઁગ્રેસના મતો ઘટે એમ બને. જે સ્થિતિ 2014 પહેલાં કાઁગ્રેસની હતી તે અત્યારે ભા.જ.પ.ની છે ને જે ભા.જ.પ.ની હતી તે અત્યારે કાઁગ્રેસની છે.

હવે કાઁગ્રેસે જીતવું હોય તો નહીં, પણ જીવવું હોય તો જે નેતાઓ નારાજ છે તેને પાંખમાં લઈને એ સ્થિતિ ઊભી કરવાની રહે કે તે બીજા પક્ષમાં જવા લલચાય નહીં. ગાંધી પરિવાર ભલે મોખરે રહે, પણ સારો નેતા ઉપેક્ષાનો ભોગ ન બને એ જોવાય તે જરૂરી છે. કાઁગ્રેસ મુસ્લિમોનો કે મુસ્લિમોના મત માટેનો જ પક્ષ છે એ સમજ દૂર ન થાય ત્યાં સુધી કાઁગ્રેસનો દા’ડો વળવાનો નથી. ઉત્તર પ્રદેશ પાસે ભા.જ.પ.ને મત ન આપવાનાં પૂરતાં કારણો હતાં. કૃષિકાનૂન સંદર્ભે ખેડૂતોની નારાજગી, લખીમપુરમાં ખેડૂતો પર પ્રધાનપુત્રની જીપ ચડાવી દેવાની ઘટના કે હાથરસની ગેંગ રેપની ઘટના યોગીના ઉત્તર પ્રદેશમાં જ બની હતી ને તેનાથી ઘણા નારાજ હતા, પણ ભા.જ.પ.ની વિરુદ્ધ ન પડે એવી હિન્દુત્વની લહેર પ્રબળ હતી એટલે ભા.જ.પ.ને બીજી વખત ઉત્તર પ્રદેશમાં શાસનની તકો ઊભી થઈ. એમ લાગે છે કે જે પણ પક્ષ હવે હિન્દુ મતદાતાઓની ચિંતા કરશે તેમને જીતની તકો વધશે. પ્રાદેશિક પક્ષો પણ મુસ્લિમ મતો ઉપરાંત દલિતોના ને સવર્ણોના મતની ગણતરીઓ મૂકે જ છે. એ નીતિ જો કાઁગ્રેસ નહીં અપનાવે તો હવે જીતવાનું તેને માટે અઘરું છે. કાઁગ્રેસે નેતાગીરી જ નહીં, વિચારસરણી પણ બદલવાની રહે છે. જે કારણોસર કાઁગ્રેસને મતો મળતા હતા એ જ કારણોસર હવે મતો મળે એમ નથી, કારણ મુસ્લિમો પણ હવે તેને મત આપતા વિચારે છે. કાઁગ્રેસને મત આપ્યા પછી પણ જો તેની હાર નિશ્ચિત લાગતી હોય તો મુસ્લિમો તેને મત નહીં આપે એમ બને. જો કે, એ સ્થિતિ બધાં જ રાજ્યોને લાગુ ન પણ પડે, પણ એટલું નક્કી છે કે હવે હિન્દુ મતોની અવગણના કોઈ પણ પક્ષને પરવડે એમ નથી. ભા.જ.પ.ને એ સમજાઈ ગયું છે, અન્ય પક્ષોએ સમજવાનું રહે. ભા.જ.પ.ને જે હરાવવા માંગે છે તેણે એટલું સમજી લેવાનું રહે કે હીરો જ હીરાને કાપે એ ન્યાયે હિન્દુ મતો આંચકી લેવાનો વ્યૂહ જે પક્ષ અપનાવશે તેની જીતની તકો વધશે.

દિલ્હી, પંજાબ પછી ગુજરાતમાં ને તેમાં ય સુરતમાં આપનું ખાતું ખૂલેલું છે. આપને ગુજરાતમાં તકો વધી શકે એમ છે, કારણ કાઁગ્રેસનો ‘ગાંધી ભક્તિ સંપ્રદાય’ એટલી જલદી બદલાય એવું લાગતું નથી. એ સ્થિતિમાં આપે ગંભીરતાથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાનું રહે. અહીં પાટીદારોના મતોનું પણ વિશેષ મૂલ્ય છે ને ભા.જ.પે. મોદીની નિશ્રામાં ગુજરાત ઉપરાંત લોકસભાની ચૂંટણી માટેનો શંખ તાજો જ ફૂંક્યો છે. મોદી સાથે સંમત થઈએ કે ના થઈએ, પણ જીતનાં સમીકરણો તેઓ બરાબર જાણે છે ને કયાં કઈ નીતિ ચાલશે એનો  પૂરો અભ્યાસ તેઓ કરે છે. તેમનું એક પણ પગલું ભોળપણમાં લેવાતું નથી. બધે જ બધાં કામ કરે છે એવું દૃશ્ય તેઓ રચાવા દે છે, પણ સત્તા સૂત્રો પોતાના હાથમાં હોય છે. નિર્ણયોની સત્તા રાજ્યોને નથી એવું નથી, પણ એક પણ નિર્ણય એમની જાણ બહાર કોઈ લઈ શકતું નથી ને એ નિર્ણયો લે છે એની તો કોઈને ગંધ સરખી ય આવતી નથી. ખાતરી કરવા દૂર જવાની જરૂર નથી. છેલ્લા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નીમાયા એની ખબર એમને આગલી મિનિટ સુધી ન હતી. ખાતરી ન થતી હોય તેમણે એ વખતનાં વર્તમાનપત્રો જોઈ લેવાં.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2022

Loading

...102030...1,5661,5671,5681,569...1,5801,5901,600...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved