Opinion Magazine
Number of visits: 9745669
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છપ્પા સંગ્રહ ‘અંગ-પચીસી’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|10 May 2022

‘ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ’

અગ્રણી વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,1986) મને ગમતાં પુસ્તકોમાંથી એક છે. અહીં કવિએ પચીસ વિષયો પર નર્મમર્મભર્યા છપ્પા રચ્યા છે, જે વાંચવામાં બહુ આનંદ પડે છે.

સંગ્રહના પ્રાક્ કથનમાં રાજેન્દ્ર શાહ આ કાવ્યોને ‘આપણા સમાજની અત્યારની અવસ્થા ઉપર આંગળી ચીંધામણ સમાં’ ગણાવે છે .‘અખાની પરંપરાને જાળવીને’ કવિએ કરેલાં હાસ્યકટાક્ષનો ઉપયોગનો ઉલ્લેખ કરીને કવિના આ સર્જન અંગે રાજેન્દ્ર શાહ એક મહત્ત્વનો મુદ્દો નોંધે છે: ‘એમણે પ્રતિકાવ્ય(પૅરડિ)નો આશ્રય લીધો નથી. આ એમનું મૌલિક પ્રદાન છે.’

કવિએ અંત્યાનુપ્રાસ સાથેની ત્રણ-ત્રણ પંક્તિનું એકમ સ્વીકાર્યું છે. દરેક અંગમાં આવાં પાંચ એકમ છે. પચીસ અંગોમાંથી કેટલાંક અંગોનું, આ લખનારને સહુથી ચોટદાર જણાયેલું, પ્રાસયુક્ત ત્રિપંક્તિ એકમ અહીં ટાંક્યું છે, જે તેના વિષય અને કવિની  ઝાંખી આપશે.

અક્ષર અંગ

એક હસ્તનું એવું ચેન,       કાગળ દેખી પકડે પેન,
પેન મહીંથી દદડે શાહી,     એને અક્ષર ગમતો ચાહી,
ટીપાં એમ સૌ ટોળે વળે,     પછી હસ્તને આખો ગળે

આચાર્ય અંગ

ઑફિસ મધ્ય બિરાજે જંત, સકલ આચરે એવો ખંત,
નીજનું પોત ન જુએ લગીર, પરનાં ધોવા નીકળ્યો ચીર
મુખથી વહેતો સૂક્તિ ધોધ, હૃદય મહીં ક્યાં કરવી શોધ

અધ્યાપક અંગ

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઇડ મહીં ત્યાં બૂડે જ્ઞાન !

વિદ્યાર્થી અંગ

ભણવું નામે ઊઘડ્યો દેશ, વસ્તીનો તોટો ન્હૈ લેશ;
માંહોમાંહે બકતા હોડ :         ‘પુસ્તકિયા દુનિયાને છોડ’.
થોડાં વર્ગે ઝાહા બહાર, વિદ્યાર્થી કોણ ઊતર્યું પાર ?

કલાકાર અંગ

એક જીવ આ ભમતો ફરે, ચિત્ત એનું તો ક્યહીં ન ઠરે :
કલા કાજ લીધો અવતાર, હું છું એનો તારણહાર’.
પતંગિયાને ફૂલ નહિ એક, રંગ રંગ પર ઊડણ-ઠેક.

તંત્રી અંગ

થઈ બેઠો મોટો તંત્રી :        ‘હું સહુનો સાચો સંત્રી’.
ખટ્ટ ખટાખટ બોલે યંત્ર, રોલર-કૂખથી પ્રસવે મંત્ર,
ફાવે તે લખવાની છૂટ,        સોયનાકેથી કાઢે ઊંટ
.

પ્રકાશક અંગ

અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ?
અક્ષરનાં થોથાં એ કરે, થોથાંથી તો હાટ જ ભરે,
લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જ્યમ જન ઉભરાય.

સેવક અંગ

એક જીવના એવા ઢંગ,  કાચિંડો જ્યમ બદલે રંગ,
રંગ બદલતો મન હરખાય,  ના કોઈનાથી એ પરખાય,
’સેવક સેવક’ સહુ કો કહે, મનથી ઝાઝું તન લહલહે.

ડૉક્ટર અંગ

વસંત દર્દોની લહેરાય,  હરખ વૈદ્યનો ખિસ્સે માય !
’મડદાં ચીર્યાં એ ભૂતકાળ’,   તબીબ વિચાર છે તત્કાળ:
’પ્રગતિ સાચી તો જ ગણાય,    જો જીવતાંને ચીરતો થાય.’

રાજકારણી અંગ

કંજ-કાનને ભમતો ફરે,        ભૃં ભૃં કરતો ડોઝું ભરે,
ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં, મર્કટને તરુ નિજનું નહીં,
દિશા બદલતી ડુગડુગી વાય, ગુલાંટ ખાતો એ ગમ ધાય.

પ્રધાન અંગ

એક ઈસમનો અક્કડ વેશ,     ખુરશી દેખી ઢીલો ઘેંશ,
’ખુરશી મા ને ખુરશી બાપ’,    રૂંવે રૂંવે એ જપતો જાપ,
પહોંચ્યો ખુરશીની જ્યાં કને   માણસ મટીને મતીરું બને.

નગર અંગ

ઝાઝાં રસ્તા ઝાઝાં ધામ, ધામથી ઝાઝાં માણસરામ,
માણસરામની હડિયાદોટ, પગને ક્યાં પગલાંની ખોટ ?
ખોટ હોય તો કેવળ એક, પચી’ કલાકનો દિન ના છેક !

વિવેચક અંગ

એક જંતનો એવો તંત:        વાંચું તેનો આણું અંત’.
ઘૂમે કાગળિયે મેદાન,         વ્યંઢળ ને વળી કાઢી જાન !
કલમ સબોડે પાડે ત્રાડ, ખીલીથી ખોતરવો પ્હાડ !

નીજ અંગ

ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ,
કામ કામથી કાગળ ભરું,  જળ વિનાની સરિતા તરું,
અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું !

અહીં ટાંકેલાં પંદર અંગો ઉપરાંતના અંગો છે : વિદ્યા, ક્રાન્તિકાર, શહીદ, માણસ, વ્યક્તિત્વ, સત્તા, વેપારી, લોકશાહી, ખુશામદ અને રૂપિયા.

બધા વિષયોના બધા છપ્પા જામે જ છે એવું નથી. ક્યારેક વિષય બરાબર ઉપસતો નથી, તો ક્યારેક ભાષાકર્મની કૃતકતા જણાય છે.

પણ આપણા એક તત્ત્વચિંતક, તેજસ્વી અને છતાં હસતા કવિના પગલે ચાલીને, હાસ્ય-કટાક્ષ સાધવો, અને તે ય પદ્યમાં – એ મોટો પડકાર છે. ધીરુભાઈએ તે ઝીલ્યો છે.

તેમના છપ્પા પ્રાસ સાથે, હસતા-હસતા આપણને આપણી આસપાસના પાત્રો સાથે, સાંપ્રત સાથે જોડે છે.

ગુજરાતી સાહિત્યપરિષદના પરિસરમાં આવેલ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારના ઉદ્દઘાટનદિને 2014ની ગાંધી જયંતીએ મળેલું આઠ રૂપિયાની કિંમતનું આ નાનકડું પુસ્તક મારા પુસ્તકસંગ્રહની અમૂલ્ય જણસ છે.

09 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સજા મશીનની ભૂલોની નહીં, માનવીય ભૂલોની જ થાય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 May 2022

આ માર્કશીટનો અભ્યાસ કરવા જેવો છે. આ માર્કશીટ બનાસકાંઠાના થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળાની છે. તે કે.વી. પટેલ (સહી એ નામની વંચાય છે. નામ બીજું હોઈ શકે છે.) દ્વારા તૈયાર થઈ છે. પરિણામ પત્રક 7/5/2022નું છે. એમાં શાળાનું નામ ચોધરી દશરથભાઈ તોરાજી કે ભેરાજી છે ને વિદ્યાર્થીના નામમાં શ્રી મિયાલ પ્રાથમિક શાળા લખાયેલું છે. માર્કશીટ ધોરણ 8ના વર્ગ ‘અ’ની શૈક્ષણિક વર્ષ 2021-22ની છે. એમાં આઠ વિષયના 1,520 માર્કસમાંથી 1,490 ગુણ અપાયા છે. એમાં અંગ્રેજીના વિષયમાં 160માંથી 165 અને સંસ્કૃત / પર્યાવરણના વિષયમાં પણ 160માંથી 165 ગુણ અપાયા છે. સામાજિક વિજ્ઞાનમાં તો 160માંથી 174 ગુણ અપાયા છે. બીજા વિષયોમાં 160થી વધારે ગુણ અપાયા નથી. ઓવરઓલ પરિણામ 98.02 ટકા સાથે એ- ગ્રેડનું છે. એક જ માર્કશીટમાં ત્રણ ત્રણ વિષયમાં 160માંથી અનુક્રમે 165, 165 અને 174 માર્કસ અપાય અને શિક્ષક કે આચાર્યનું ધ્યાન જ ન જાય એ ઘોર બેદરકારી અને બેવકૂફી સિવાય શું છે? 160માંથી 165 ન અપાય એટલી સામાન્ય બુદ્ધિ પણ શિક્ષક કે આચાર્યે દાખવી નથી. એ પણ વિચાર આવ્યો નથી કે આ માર્કશીટ બીજાંના હાથમાં પણ જઈ શકે છે. આવી કેટલી માર્કશીટ બની હશે તે નથી ખબર અને આવું કેટલી સ્કૂલોમાં થયું હશે એની પણ કલ્પના જ કરવાની રહે. માર્કશીટમાં શાળાનો સિક્કો છે ને આચાર્યની સહી પણ છે. માર્કશીટ તૈયાર કરનાર શિક્ષકને એ પણ ભાન નથી કે સ્કૂલનાં નામમાં વિદ્યાર્થીનું અને વિદ્યાર્થીના નામમાં સ્કૂલનું નામ લખાયું છે ને તેને સહીસિક્કા સાથે આચાર્યે પ્રમાણિત પણ કર્યું છે. આ તો એક નમૂનો છે. બીજા પણ હશે.

એક બાબત બેત્રણ વર્ષમાં એ બની છે કે પરીક્ષા આપનાર કરતાં પરીક્ષાઓ લેનાર વધારે બેદરકાર પુરવાર થયા છે. કોઈનું પેપર ફૂટી જાય છે, તો કોઈને પેપરમાં ભળતું જ પુછાય છે. કોઈને ભળતું જ પેપર અપાઈ જાય છે, તો કોઈને બીજાં દિવસનું પેપર અપાઈ જાય છે ને આ કોઈ સ્કૂલ કે કોલેજ પૂરતું સીમિત નથી, આ રોગ યુનિવર્સિટી સુધી ફેલાયો છે. આ વર્ષે જ નર્મદ યુનિવર્સિટીમાં એક જ દિવસમાં પાંચ, પાંચ પેપરો ફૂટ્યાં ને યુનિવર્સિટીએ પરીક્ષાઓ રદ્દ કરવી પડી. એમાં જે પરીક્ષાઓ આપવા પૂરતો જ રસ ધરાવતા હતા, તેમને તો બહુ ફેર ન પડ્યો, પણ જે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષા હોલમાં પહોંચ્યા ને પેપરના જવાબો લખવાનું શરૂ કરી ચૂક્યા હતા, તેમને એમ કહીને લખતાં અટકાવાયા કે પેપર ફૂટી ગયું છે. એ લખતાં હતા એમાંના ઘણાંને તો ખબરે ય નહીં હોય કે પેપર ફૂટી ગયું છે. એમની તૈયારી તો ધૂળમાં જ મળી ગઈ અને ફરી એ જ વિષયની પરીક્ષા આપવાની મજૂરી કરવાના કચવાટ સાથે એમને ઘરભેગા થવું પડ્યું. જે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હોય ને એમને ફરી એ જ પરીક્ષા માટે જોતરાવું પડે એમની માનસિક તાણની ચિંતા યુનિવર્સિટીએ અને તમામ શૈક્ષણિક સંસ્થાનોએ કરવા જેવી છે ને જે આ આખા વેપલામાં જોતરાયા હોય એમની સામે શિક્ષાત્મક પગલાં યુનિવર્સિટીએ અનિવાર્ય રીતે લેવાં જ જોઈએ, કારણ એક બે નહીં, 27,000 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવાની નોબત આવી હતી. એમને જે ત્રાસ થયો તે સંદર્ભે યુનિવર્સિટીએ જવાબદારો સામે સખત પગલાં લેવાં જોઈએ, તેણે પગલાં લીધાં પણ ખરાં. સબંધિત કોલેજના આચાર્ય અને સ્ટાફ સહિત યુનિવર્સિટીએ 12 જણાંને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા ને પોલીસમાં ફરિયાદ આપી.

આમાં જે આચાર્ય સંડોવાયા હતા તે આચાર્ય મંડળના પ્રમુખ પણ છે, એટલે આચાર્ય મંડળના હોદ્દેદારો કુલપતિને મળ્યા ને સંબંધિતો સામે કૂણું વલણ દાખવવા રજૂઆત કરતાં ઉમેર્યું કે આ માનવીય ભૂલો છે ને આવી ભૂલો થતી રહે છે. પેપર લીક પ્રકરણનો રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં રજૂ થાય ને યુનિવર્સિટી કડક પગલાં લે તે પહેલાં આચાર્ય મંડળે કુલપતિને રજૂઆત કરી છે. આચાર્ય મંડળની આ પ્રવૃત્તિ શરમજનક છે. પાંચ પાંચ પેપર ફૂટવાની ઘટના આચાર્ય મંડળને માનવીય ભૂલ લાગે ને શિક્ષાત્મક પગલાં ભરતાં કુલપતિને રોકે એમાં ભીનું સંકેલાવાની ગંધ આવે છે. જે માનવીય ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓને વેઠવાનું આવ્યું તેને આટલી હળવાશથી લઈ શકાય નહીં. પરીક્ષામાં ચોરી કરવાની વાતને જો માનવીય ભૂલ ગણીને માફ ન કરાતી હોય તો આ વાતને પણ માનવીય ભૂલ ગણીને, એ રીતે ભીનું સંકેલીને કુલપતિને શરમમાં નાખી શકાય નહીં ને કુલપતિએ શરમમાં પડીને એવું કૈં ન કરવું જોઈએ જે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને દાવ પર લગાવે. ભૂલો તો માનવીય જ હોવાની, તે કૈં મશીન પોતે કરે નહીં ને માણસ ભૂલો કરે તો તેને સુધારવા શિક્ષાત્મક પગલાં ન લેવાય તો ભૂલો થતી જ રહે. આચાર્ય મંડળ એમ ઈચ્છે છે કે પેપર ફૂટવાની ઘટના બનતી જ રહે ને જેને માટે જવાબદાર નથી એવા વિદ્યાર્થીઓ, તેમના કોઈ વાંકગુના વગર વેઠતા જ રહે? આ ઠીક નથી. 

કોરોનાનો સહુથી વરવો લાભ શિક્ષણે લીધો છે. પ્રાથમિક શિક્ષણ લગભગ થયું જ નથી. સ્કૂલો બંધ હતી, ત્યારે તો થયું જ નથી, સ્કૂલો ઓનલાઈન કે ઓફલાઇન ચાલી એમાં પણ વેઠ જ ઊતરી છે. સાધનો હતાં, ત્યાં થોડું ઘણું શિક્ષણ ચાલ્યું, પણ પરીક્ષાઓમાં ઘણા ગોટાળા થયા. ઉત્તરવહીમાં જવાબો લખવામાં અઠવાડિયા જેટલો સમય અપાયો. કઇ પરીક્ષામાં આટલો સમય અપાય છે? વારુ, જવાબો બુકમાં જોઈને કે બીજાને પૂછીને કે બીજા પાસે લખાવીને સબમીટ કરવાની છૂટ હતી. હવે આમાં સાચું મૂલ્યાંકન ન જ થાય તે કહેવાની જરૂર નથી.

બોર્ડે આગલાં વર્ષોનાં પરિણામ પરથી 10માંનું પરિણામ, પરીક્ષાઓ લીધાં વગર જ, ગયે વર્ષે નક્કી કર્યું ને એમાં એ-1, એ-2 ગ્રેડ પણ અપાયા. જે પરીક્ષાઓ લેવાઈ જ નથી, એનું પરિણામ આ રીતે બોર્ડ નક્કી કરે ને આખું શિક્ષણ ખાતું તે મંજૂર કરે કે કોઈ વાલી કે વિદ્યાર્થીને સ્વમાન જેવું કૈં જાગે જ નહીં, એ વાત શિક્ષણને ચામડી જ બચી નથી એની સાક્ષી પૂરે છે ને જ્યાં ચામડી જ બચી ન હોય ત્યાં રૂંવાડું ફરકે તો પણ ક્યાંથી?

જોઈ શકાશે કે પ્રાથમિક શિક્ષણથી માંડીને યુનિવર્સિટી શિક્ષણ સુધીમાં અક્ષમ્ય બેદરકારી અને વિચિત્ર પ્રયોગોએ તમામ સ્તરે સર્વનાશ જ કર્યો છે. ક્યાં ય શિક્ષણને ગંભીરતાથી લેવાની વાત જ જણાતી નથી. શિક્ષણ વર્ગખંડોમાંથી લગભગ નીકળી ગયું છે ને તેનું સ્થાન અમુક તમુક ઉજવણીએ, પરિપત્રોની ગુલામીએ અને પત્રકો ભરવાની કારકૂનીએ લઈ લીધું છે. ભણાવાય કે ન ભણાવાય તો વાંધો નહીં, પણ કાગળ પર બધું ઠીક ચાલે છે તે દેખાડવામાં જ આખો શિક્ષણ વિભાગ વ્યસ્ત રહે છે. ફોર્મમાં કે પત્રકોમાં આંકડાઓ પૂરા પાડવામાં જ આચાર્યો ને શિક્ષકો રોકાયેલા રહે છે, એ ઉપરાંત સરકારની ઈતર પ્રવૃત્તિઓમાં જોડાવાનું થાય છે તે તો નફામાં. આવામાં શિક્ષણ ફ્રી પિરિયડ જેવું થઈ ગયું છે. કોઈને એની શરમ કે નાનમ નથી ને શિક્ષણ મંત્રી તો ધમકાવતા કહે પણ છે કે જેમને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે બીજે જાય. ખરેખર તો શિક્ષણની જે હાલત છે તે બીજે જવા જેવી જ છે. શિક્ષણનું એવું કોઈ આકર્ષણ નથી કે અહીં પડી રહેવાનું મન થાય. જેમની પાસે બીજા વિકલ્પો છે તે બીજે જઈ જ રહ્યા છે ને જે પડી રહ્યાં છે તે લાચાર છે. થોડી પણ શરમ બચી હોય તો શિક્ષણમાંથી તમામ રાજકારણીઓને તાત્કાલિક અસરથી મુક્ત કરવા જોઈએ ને જેમને હૈયે શિક્ષણનું હિત વસ્યું છે એવા શિક્ષણ શાસ્ત્રીઓને માનભેર ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવા જોઈએ. એ કેવળ દુ:ખદ છે કે જેમની પાત્રતા નથી એવી વ્યક્તિઓ સત્તા સ્થાને છે. તે ઊંધું ન મારે તો આઘાત લાગે. આમાં ગુજરાતની નિર્માલ્ય પ્રજા પણ ઓછી જવાબદાર નથી. પ્રજાને શિક્ષણની જરા જેટલી પણ ચિંતા હોય તો તેણે અસરકારક શિક્ષણ માટે આંદોલન ઉપાડવું જોઈએ, પર વો દિન કહાં કિ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 મે 2022

Loading

મન્તવ્ય-જ્યોત — 3

સુમન શાહ|Opinion - Opinion|9 May 2022

આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.

જ્યોત ૩ : વાણી અને લેખન :

આપણા પ્રાચીનોએ ‘વાચા’ ‘વાણી’ કે ‘વાક્’-નો ઘણો મહિમા કર્યો છે. ‘સંસ્કૃતા વાક્’ તે ‘સંસ્કૃત’ એમ કહેવાયું છે. કાલિદાસે વાક્ અને અર્થની સમ્પૃક્તિની વાત કરી છે.

વાક્ એટલે અંગ્રેજીમાં ‘સ્પીચ’. પ્લેટોએ, રૂસોએ કે સંકેતવિજ્ઞાની સૉસ્યૂરે એમની આગવી રીતેભાતે વાક્-નો મહિમા કર્યો હતો.

વાક્-ને વિશેના મહિમાને આજે વિદ્વાનો phonocentrism સંજ્ઞા હેઠળ વર્ણવે છે. એમાં ‘ફોનો’ તે અવાજ, ધ્વનિ, શ્રુતિ. મહિમા કેવોક દર્શાવે છે? એ જ કે વાક્ અથવા વાણી ભલે પ્રાથમિક છે પણ લખાણથી તો ચડિયાતી છે. કહે છે કે વિચારો ભાવો વગેરેને બીજા લગી પ્હૉંચાડવા માટેની પાયાની સંક્રમણપદ્ધતિ લખાણ નથી, પણ વાણી છે. કેમ કે લખાણ, વાણીને અનુસરવાનો કૃતક ઇલાજ છે. બોલાયું હોય તેને આ કે તે લિપિમાં 'ચિહ્નિત' કે ‘અંકિત’ કરીએ છીએ, એટલું જ ! લિપિ તો ચિત્રો છે, લીટાળા છે.

મનુષ્ય ધૂળ પર આંગળીથી ચીતરતાં શીખ્યો હશે, પોતાનું બોલ્યું લખતાં પણ શીખ્યો હશે. તાલપત્ર તામ્રપત્ર કે શિલા પર લખવા માંડ્યો હશે. લિપિ નક્કી થઇ હશે. કોઈ કાળે પાઠશાળાઓ શરૂ થઈ હશે. પાટી-પૅણ કાગળ-કલમ શાહી-ઇન્ડિપેન ને પેન્સિલ-રબરની શોધ થઇ હશે. છેલ્લે, ટાઇપરાઇટર શોધાયું ને માણસ ટાઇપ કરતાં શીખ્યો. આજે તો એ કમ્પ્યૂટર પર ઝટપટ ટાઇપિન્ગ કરે છે.

પણ નૉંધો કે આ બધા જ પ્રસંગોમાં એ લ-ખ-તો હતો, લ-ખે છે.

તાત્પર્ય, મનુષ્યવાણી હવે લેખન બની છે. લેખનતન્ત્ર માનવસભ્યતામાં બહુ મોટો પ્રગતિ-પડાવ છે. તેમ છતાં, વાણીના હિમાયતીઓ એ પ્રગતિને શંકાની નજરે જુએ છે. કેમ કે લખાય છે ભાષામાં એટલે બધું logocentric બની જાય છે. ‘લૉગો’ અથવા ‘લૉગોસ’ એટલે વાણી નહીં પણ ચિહ્નો, પ્રતીકો, લિખિત શબ્દો. દેરિદાએ આખી યુરોપીયન સભ્યતાને લૉગોસેન્ટ્રિક કહી છે વૉલ્ટર ઑન્ગ અમેરિકન સંસ્કૃતિને નૉન-ફોનોસેન્ટ્રિક કહે છે.

આમ, મનુષ્ય આજે વાણી અને વાણીના ગુણોની તુલનાએ લેખન અને લેખનની વ્યવસ્થાઓમાં વધારે વ્યસ્ત છે – એ કમ્પૂટર લૅન્ગ્વેજીસ ઘડવા લગી પ્હૉંચી ગયો છે.

માબાપો સન્તાનોને પહેલું તો લખતાં-વાંચતાં શીખવે છે, કક્કો-બારાખડી પહેલી શીખવે છે. માબાપો માને છે કે બેબીને બોલતાં કે બાબાને બોલાયેલું સાંભળતાં નહીં આવડે કે પછીથી આવડશે, તો ચાલશે.

સાહિત્ય પણ લેખન બની ગયું છે. કાવ્યનું કવન, કથાનું કથન કે નાટકનું મંચન થાય એ પહેલાં, એ લખાય છે. સાહિત્યકારો લખ્યે રાખે છે, સાહિત્યને પુસ્તકોમાં બાંધ્યે જાય છે. સાહિત્યકારો લખેલું વાંચે પણ છે.

ખરેખર સાહિત્યકારોએ વધારે ધ્યાન શેના પર આપવું જોઇએ? લેખન પર કે વાણી પર? શેને મુખ્ય ગણવું જોઇએ – લેખનને કે વાણીને?

વિચારીશું.

= = =

(May 8, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5651,5661,5671,568...1,5801,5901,600...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved