Opinion Magazine
Number of visits: 9673590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’

ભરત મહેતા|Opinion - Opinion|15 April 2022

એ વાત સાચી કે ક્યાં અઢી કરોડની વસતિવાળું શ્રીલંકા ને ક્યાં ભારત! બેઉની તુલના શક્ય જ નથી; છતાં અસહ્ય મોંઘવારીમાં ભડકે બળતી લંકાની લપકારા લેતી અગ્નિજ્વાળાઓનો તાપ ભારતની અવદશા આવી તો નહીં થાય ને એવી ભીતિ ચોક્કસ ઊભી કરે છે. એનું કારણ એ છે કે એમના રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષે અને આપણા વડા પ્રધાન વચ્ચે કેટલુંક જબરું સામ્ય છે. રાજપક્ષે અગાઉ ડિફેન્સ મિનિસ્ટર રૂપે તમિળોનો નરસંહાર કરવા માટે જાણીતા હતા. ત્યાર બાદ હિઝાબ, હલાલ અને મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા ઊભી કરીને એટલા લોકપ્રિય બન્યા કે ભારે બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સોએક મુસ્લિમ શાળાઓ બંધ કરવાનો વિક્રમ એમણે નાના દેશમાં સર્જ્યો છે. સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિના સૂત્રોચ્ચાર સાથે તેઓ ચૂંટાયા હતા; પરંતુ હકીકતમાં, ધર્મકેન્દ્રી અને કૉર્પોરેટકેન્દ્રી રાજનીતિમાં માહેર છે. એમની તઘલખી નીતિઓના કારણે આજે શ્રીલંકામાં તબાહી સર્જાઈ છે.

ગોટાબાયાને ઢગલેઢગલે મત આપનાર અંધભકતો આજે એમને હટાવવા રસ્તા ઉપર આવી ચૂક્યા છે. ભારતના અંધભક્તોની આંખો ઉઘાડવા માટે આ ઘટના પૂરતી છે. ૯૫% શિક્ષણ ધરાવતું લંકા આજે ભિખારી બની ચૂક્યું છે, જ્યાં રાંધણગૅસ ૪,૬૦૦ અને પેટ્રોલ ૨૭૪ રૂપિયે છે. એમના ૨૯૪ રૂપિયે એક ડૉલર થાય! રાજપક્ષની ઑરગેનિક ખેતીની તઘલખી યોજનાનું આ પરિણામ છે. આજે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ઉત્તરવહીઓના કાગળ સુદ્ધાં નથી, વીજળીના ફાંફા છે. નફરત અને નરસંહારમાં નિષ્ણાંત રાજપક્ષે શ્રીલંકાનો ‘સંહાર’ કરી દીધો છે. પેટ્રોલપંપો ઉપર લશ્કર ઊભું છે. જે પત્રકારો સાચી માહિતી આપે એમની ઠેરઠેર ધરપકડો થઈ રહી છે. શ્રીલંકાની સરકાર ઘણાં વખતથી આ તબાહીને સ્વીકારતી ન હતી અને જુદાં-જુદાં મંત્રીઓની અદલાબદલી કરતી હતી. આપણે ત્યાં જેમ વિજય રૂપાણીને હાંકી કાઢી ભૂપેન્દ્રભાઈને મુખ્ય મંત્રી બનાવાય એવું. આમાંથી, આમ જનતાને શો લાભ થયો? હા, ખોટી રાષ્ટ્રભાષા સાંભળવામાંથી બચ્યા એ ખરું!

રાજપક્ષે આવતા પૂર્વે શ્રીલંકામાં શિક્ષણ, સ્વાસ્થય અને હ્યુમન ઇન્ડેક્ષ એટલો ઊંચો હતો કે ભારતના કેરળ સિવાય કોઈ રાજ્ય એનો મુકાબલો કરી ન શકે. આજે ત્યાં આ હાલત છે. જરૂર વગર મોંઘાદાટ વિમાન મથકો વ્યાજે નાણાં લઈને બનાવ્યાં, જે આજે ચીનને ૯૯ વર્ષના ભાડા પેટે આપવા પડ્યાં છે. આપણે ત્યાં પણ આવી જ નીતિ જોવા મળે છે. અડધી રાતે ઝિંકાયેલી નોંટબંધી, ચાર કલાકની સૂચનાથી લાગુ પડાયેલું લૉકડાઉન અને લાગુ પાડ્યા પછી ત્રીસેક સુધારા કરવા પડ્યા છતાં રાજ્યોની આવક હણી લેતું બિલ ભારતની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી ચૂક્યા છે. શ્રીલંકામાં ચાર-પાંચ પરિવારોના હાથમાં જ દેશની સમગ્ર સંપત્તિ છે. ભારતમાં પણ ૫૦-૬૦ કુટુંબો કહી શકાય. હજુ ઓછું હોય તેમ ત્રણ કાળા કૃષિકાનૂન દ્વારા આવા પરિવારોને જ સમૃદ્ધ કરવાની ચાલ હતી. ૧૦૦% એફ.ડી.આઈ. દ્વારા ફરી એક વાર આ દેશની હાલત ઇસ્ટ ઇન્ડિયા જેવી કરવાની નીતિ દેખાય છે. નરેદ્ર મોદીનો ઉદય પણ રાજપક્ષની રીતેભાતે જ થયો છે.

ભા.જ.પ. ગુજરાતમાં શાસનમાં આવ્યું ત્યારે આઠ હજાર કરોડનું દેવું હતું જે આજે સાડાત્રણ લાખ કરોડ થઈ ચૂક્યું છે. એવી જ રીતે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે ૫૫ લાખ કરોડનું દેવું હતું જે આજે ૧૨૫ લાખ કરોડ બની ચૂક્યું છે. શું આ ‘રાજમાર્ગ ’ રાજપક્ષનો નથી? ચાર આનાની આવક અને રૂપિયાનો ખર્ચો એ જો શ્રીલંકાની હાલત હોય તો આઠ આનાની આવક અને રૂપિયાનો ખર્ચો એ ભારતની હાલત છે. તેથી જનસંખ્યામાં ભલે ગમે તેટલો તફાવત હોય, પરંતુ આજે શ્રીલંકામાં દેખાતાં દૃશ્યો ભારતમાં આવતી કાલે નહીં દેખાય એવું સોય ઝાટકીને કહી શકાય નહીં.

શ્રીલંકાની આ ઘટનાથી ચિંતિત થઈ કેન્દ્ર સરકારના સરકારી બાબુઓએ તાત્કાલિક મીટિંગ કરી. દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાનની સરકારની મફત આપવાની નીતિઓ અંગે જાગૃત થવા કેન્દ્ર સરકારને સૂચવ્યું. હદ તો એ છે કે આ બધા રાજ્યો વિપક્ષના છે. હકીકત એ છે કે ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષમાં બે લાખ કરોડથી દેવું સાડા છ લાખ થયું છે. જેનો ઉલ્લેખ કરતાં સરકારી બાબુઓ ડરે છે. બિહારમાં યુ.પી.ની જેમ ડબલ ઍન્જિનની સરકાર છે ત્યાં ૫૨% ગરીબી છે. મધ્ય પ્રદેશમાં ૪૨% છે. કેટલાક અર્થશાસ્ત્રીઓને તો જૂની પેન્શન યોજના પાછી આવે એ પણ ખટકે છે. જ્યારે આ બધી બાબતો સામાજિક સુરક્ષા માટે જરૂરી છે.

પેલા સરકારી બાબુઓ કહે છે કે ચૂંટણી વખતે બધુ મફત આપવાની નીતિમાંથી આવી ઘટના ઊભી થાય છે. અલ્યા ભૈ, જે મફતમાં અપાય છે એમાંનું કેટલુંક તો સામાજિક કલ્યાણ માટે છે. તો કેટલુંક લોકપ્રિય થવાના ચાળામાંથી આવી શકે તેથી ગોળ અને ખોળ વચ્ચે ભેદ તો કરવો પડે ને! મૂળ વાત એ છે કે આપણે ત્યાં મોદી સાહેબે આવતાવેંત કોર્પોરેટ ટેક્ષ ૫% જેટલો ઘટાડ્યો હતો જે અંગે કોઈ બોલતું નથી પછી આ મસમોટી કંપનીઓ મસમોટો ચૂંટણી ફંડ ન આપે તો જ નવાઈ! બીજું આ ગરીબ કોર્પોરેટ સેક્ટરને દેવું માફ કરીને પણ રાહત આપવામાં આવે છે. જેમ કે છેલ્લાં ઈ.સ. ૨૦૧૯ના બજેટમાં ૧,૬૦,૦૦૦/- કરોડ રૂપિયાનું દેવું માફ કરાયું છે. આ આંકડો કેટલો મોટો છે! આ અંગે કોઈ સરકારી બાબુઓ ચૂં કે ચા ન બોલી શકે, કારણ કે એનાથી સાહેબ નારાજ થાય.

સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિના નારાથી રાજપક્ષે શ્રીલંકાના નાગરિકોને છેતર્યો એવું અહીંયા પણ થયું છે. ભારતમાં ‘અચ્છે દિન’ના વાયદા સાથે, બૅંકમાં પ્રત્યેકના ખાતામાં ૧૫ લાખ આવશે, પેટ્રોલ ૩૫ રૂપિયે મળશે, ગૅસ સિલેન્ડર ૩૦૦માં આપીશું, વર્ષેમાં બે કરોડ સરકારી નોકરી આપીશું, સ્વીસ બૅંકના કાળા બજારિયાઓને વીણી વીણીને જેલમાં ધકેલીશું … આવા તો કંઈ કેટલાં ય સપનાંઓ દેખાડીને ભારે બહુમતીથી સત્તામાં આવેલી ભારતની ભા.જ.પ.કેન્દ્રી સરકારે એક પણ વચન પાળી બતાવ્યું નથી. દીકરી માટે કહેવાતું એમ રાત્રે ન વધે એટલી દિવસે અને દિવસે ના વધે એટલી રાત્રે મોંઘવારી વધી રહી છે. દુનિયા આખીમાં પેટ્રોલના ભાવ ઘટવા છતાં ભારતમાં ભાવ સતત વધી રહ્યાં છે. છતાં પ્રજાનાં પેટનું પાણી હલતું નથી. પ્રજા લંકાની જેમ જ હિઝાબમાં, મસ્જિદના લાઉડસ્પીકરમાં, મટન વેચવા ન વેચવામાં પડી છે. લાગે છે કે શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ એ ભારતનો પૂર્વોભાસ છે. શ્રીલંકાને દેવાના ડુંગરમાં ધકેલનાર ચીનના વડા પ્રધાન સાથે રાજપક્ષે ચીયર્સના ફોટોગ્રાફ વહેતા મૂકેલા જે ચીન આજે એને ગળી ચૂક્યું છે. મોદી સાહેબ પણ ચીનના વડા પ્રધાનને અમદાવાદના રિવરફ્રન્ટ પર હિંચકો નાખતા હતા એ પણ આપણને યાદ આવે!

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 03 

Loading

ઈશ્વરની ભાષા બોલવા લાગ્યા?

મુસાફિર પાલનપુરી|Poetry|15 April 2022

નહોતું એમનું, એ સ્તરની ભાષા બોલવા લાગ્યા,
તરંગો વિસ્તરી સાગરની ભાષા બોલવા લાગ્યા.
 
અહમ્‌માં ડૂબનારાને રહે છે ભાન કંઈ ક્યારે?
અળસિયાં પણ જુઓ અજગરની ભાષા બોલવા લાગ્યા.
 
તમે કયાં દેશને દોરી ગયા સંસ્કાર સ્વામીઓ
ઋજુ, ભોળાં શિશુ ખંજરની ભાષા બોલવા લાગ્યા.
 
હવાના જોરથી જ્યાં સ્હેજ ઊંચકાયા તો બ્હેકીને
તણખલાં પણ જુઓ અંબરની ભાષા બોલવા લાગ્યા.
 
હતા તો એ મુસાફિર સૌ ખરેખર સુક્ષ્મ જંતુઓ
મળી સત્તા અને ઈશ્વરની ભાષા બોલવા લાગ્યા.
 
રમત એવી રમી કંઈ બાગમાં નિષ્ઠુર મળીએ
સુમન જેવા સુમન પથ્થરની ભાષા બોલવા લાગ્યા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 04

Loading

ખિસ્સાકાતરુનો પોતરો ….

ભરત મહેતા|Opinion - Opinion|15 April 2022

લઈ લો … લઈ લો …
કરતો આવ્યો છે વેચણહારો વણઝારો!
કવિઓ તાબોટા પાડી પાડીને મંડી પડ્યા છે ગાવા
જીવો વણઝારા વ્હાલમ, જીવો વણઝારા ..
વેચણહારો વણઝારો પોઠ ભરીને લાવ્યો છે
સરકારી કંપનિયું, બસના અડ્ડા, રેલવેસ્ટેશનું,
થોડીક નદિયું,ચપટીક સમંદર, ચાંગળુક પર્વતો!
લાગે કે જાણે સરકાર રંડાણી!
પછી તો ભાઈ લેવા માંડ્યું હંધુય
કાં અદાણી, કાં અંબાણી, કાં કોઈ પણ રાણીએ મા આણી!
વેચાયા પછી બની જાય છે
બસનો અડ્ડો, ચકચકતો મોલ!
માતાજીનો ભૂવો માથાના વાળથી પગની પાની લગી
ફેરવે સાવરણી એમ
તમે પ્રવેશો કે કંઇક ફેરવે છે સુરક્ષાકર્મીઓ!
તમે ચ્યાંક આતંકવાદી તો નથી ને?
પણ આપણને તો મિનિટ બે મિનિટ હારું લાગે હોં!
જાણે આપણેય ન હોય મોટ્ટા વીઆઈપી!
વળી આપણે આ વીઆઈપીપણામાંથી ભાનમાં આવીએ
ન આવીએ, ત્યાં તો ફેંકાય ..
થૅન્ક્યૂ, હેવ અ ગુડ ડે સર …
આપણને થાય કયાં ગ્યાં
પેલાં શેરડીના રસના ગ્લાસ લઈને આવનારાં છોકરાંવ?
ખાટીમીઠી ને શીંગચણાવાળા?
દંતમંજન અને ખોટ્ટાં ઘરેણાંવાળા?
જે ઘરેણાં લઈ, જાણે સાચ્ચેસાચા લીધા હોય એમ મલકાતી
નવી વહુવારુ?
'જો, જો લ્યા, કોઈનું ખિસ્સું કપાય ન હોં? માદરબખત અહીં
રખડતા હોય છે’
કહી બૂમો પાડતા દાદાનું જ કપાતું ખિસ્સું!
એ ખડ ખડ હસી પડતા,  માળો મારા પર જ કળા કરી ગયો!
આપણે તો હાળું હસાયેય નંઈ ને રડાય નંઈ
કયાં ગ્યા એ દાદા?
કયાં ગ્યા હશે એ ખિસ્સાકાતરુ?
પણ ઊભા રો, ઊભા રો
આ વેચણહારા વણઝારાની મોં કળા
ઓલા ખિસ્સાકાતરુ હારે કાં મળતી આવે?
એનો પોતરો બોતરો જ લાગે છે!

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05 

Loading

...102030...1,5641,5651,5661,567...1,5701,5801,590...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved