Opinion Magazine
Number of visits: 9673458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરેક રાજકારણી માટે શરદ પવારની સલાહ

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2022

૨૦૧૫ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા, ત્યારે તેમનો અમૃતમહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને ‘ગપ્પા’ તરીકે ઓળખવામાં આવે છે અને ગપ્પા માત્ર રાજકારણીઓ સાથે નથી યોજવામાં આવતા, સાહિત્યકારો, કલાકારો અને રમતવીરો સાથે પણ ગપ્પાના કાર્યક્રમ યોજવાની પરંપરા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળવા ઉપસ્થિત રહે છે. એમાં આ તો શરદ પવાર. મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા. વળી તકવાદી તરીકે ઓળખાતા હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આદરણીય. ગપ્પાનું સંચાલન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે કરવાના હતા જેઓ સંભાષણ કલા અને વાક્ચાતુર્ય માટે ખ્યાતિ ધરાવે છે. પૂનામાં ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા ગપ્પામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. રાજ ઠાકરેએ પવારને સવાલ પૂછ્યો હતો કે તમે રાજકારણના ખેલાડી હોવાની ખ્યાતિ ધરાવો છો. અવિશ્વસનીય અને વિશ્વાસઘાત કર્યો હોવાના પણ તમારા ઉપર આરોપ છે અને છતાં ય પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને દેશની સમગ્ર રાજકીય જમાતમાં તમે આદરણીય ગણાઓ છો તો એનું શું રહસ્ય?

શરદ પવારે જે જવાબ આપ્યો હતો એ દરેક રાજકારણી માટે ગુરુમંત્ર સમાન છે. તેમણે કહ્યું હતું કે જાહેરજીવનમાં કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન હોવું જોઈએ. ત્યારે લોકોને એમ લાગ્યું હતું કે પવારે આ જવાબ રાજ ઠાકરેને ઉદ્દેશીને આપ્યો હતો. ટોણો માર્યો હતો. એ રાજ ઠાકરે માટેની શિખામણ હતી. લોકોનું અનુમાન ખોટું નહોતું, પણ એ શિખામણ આજે તો દેશના સર્વોચ્ચ કક્ષાના નેતાઓને પણ લાગુ પડે છે. શરદ પવારે એ મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે ભારતમાં રાજકીય નેતા, નેતા હોવા છતાં ય ચોવીસ કલાકનો રાજકીય કાર્યકર હોય છે. લોકોની વચ્ચે ઊભા તો રહેવું જ પડે, પછી ભલે તમે ચમરબંધી હો અને ઉપસ્થિત રહેવા સિવાય કાંઈ ન કરવાના હોય.

આ બન્ને સલાહ દરેક રાજકારણી માટેની હોવા છતાં રાજ ઠાકરે માટે વધુ છે. તેમને કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન નથી. આ સિવાય તેઓ મહેનત કરવામાં અને લોકોની વચ્ચે ઉપસ્થિત રહેવામાં પાછા પડે છે. ચૂંટણી ટાણે દેખા દે અને પછી ગાયબ થઈ જાય. લોકો તો ઠીક, પક્ષના કાર્યકરો માટે પણ તેઓ ઉપલબ્ધ નથી હોતા. આને કારણે તેમણે મેળવેલી રાજકીય જગ્યા ગુમાવી દીધી છે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી તરત જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી. બાળ ઠાકરેનું હજુ તરતમાં અવસાન થયું હતું અને લોકોનું અને રાજકીય નિરીક્ષકોનું અનુમાન એવું હતું કે ધીરેધીરે ઉદ્ધવ ઠાકરે કરતાં રાજ ઠાકરે લાંબી રેખા ખેંચી લેશે. તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને બહુ સારા વક્તા છે. તેમણે શિવસેનામાંથી બહાર નીકળીને પક્ષનું નામ પણ સર્વસમાવેશક ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ રાખ્યું હતું. રાજ ઠાકરે લાંબી રેસનો ઘોડો છે એવું સર્ટીફિકેટ ખુદ શરદ પવારે ત્યારે (૨૦૦૮-૯) આપ્યું હતું. આવી જ ગણતરીના ભાગરૂપે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં બી.જે.પી.એ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને દીવાલ સરસા ધકેલવાની અને શિવસેનાને અપમાનિત કરવાની ચેષ્ટા કરી હતી. ત્યારે એમ માનવામાં આવતું હતું કે બી.જે.પી. રાજ ઠાકરે સાથે રાજકીય સમજૂતી કરશે.

રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં એક દિવસ ઉવેખી ન શકાય એવા કદાવર નેતા સાબિત થશે એમ માનીને ત્યારે, ૨૦૧૪ની સાલમાં, રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને એવા બીજા સિનિયર પત્રકારો તેમની મુલાકાત લેવા ગયા હતા. એ મુલાકાતોમાં તેમણે દેશના સિનિયર પત્રકારોનું અપમાન કર્યું હતું, તેમની સાથે તોછડાઈપૂર્વક વાત કરી હતી, તેમને તુકારે સંબોધ્યા હતા, ડરાવ્યા-ધમકાવ્યા હતા. તેઓ એમ બતાવવા માગતા હતા કે બાળ ઠાકરેના તેઓ વારસ છે અને કોઈના બાપની તેઓ સાડીબાર રાખતા નથી. એ પછીથી આજ સુધી એક પણ સિનિયર પત્રકાર તેમની મુલાકાત લેવા જતો નથી. મરાઠી પણ નહીં. અત્યારે તેમને વાત કરવી છે, પણ બેવકૂફ શ્રોતાઓ સિવાય સાંભળનાર કોઈ નથી.

બાળ ઠાકરે હોવું એટલે શું એ રાજ ઠાકરે સમજી જ શક્યા નથી, પણ તેમના પિત્રાઈ ભાઈ અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સમજી ગયા છે. બાળ ઠાકરે કોઈકના ઇશારે (કાઁગ્રેસ) રાજકારણ કરતા હતા અને એમાં પોતાની નાનકડી રાજકીય જગ્યા બનાવતા હતા. બાળ ઠાકરે બહુ મોટી રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા નહોતા. તેઓ જેના માટે અને જેને ઇશારે બોલતા હતા તેમની પાસેથી લક્ષ્મણરેખા સમજી લેતા હતા અને એ લક્ષ્મણરેખા ક્યારે ય ઓળંગતા નહોતા. ક્યાં બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું તેનું તેમને ભાન હતું. અલબત્ત, જેના માટે બોલતા હોય તેના નિર્દેશન મુજબ.

એમાં ૧૯૮૫ પછીથી રાજકીય સ્થિતિ બદલાવા લાગી. હિંદુઓની અંદર ધીરેધીરે કાઁગ્રેસ માટે અભાવ પેદા થવા લાગ્યો. સેક્યુલર કાઁગ્રેસ હિંદુવિરોધી છે અથવા હિંદુઓને પોતાની જાગીર સમજે છે, મુસલમાનોના લાડ લડાવે છે, મુસલમાનોથી ડરે છે, પરિણામે મુસલમાનો દાદાગીરી કરે છે વગેરે ભાવના હિંદુઓના મનમાં જાગવા લાગી. હિંદુઓનો બદલાતો મૂડ સૌથી પહેલાં બાળ ઠાકરેએ પારખ્યો હતો એમ બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજને ત્યારે કહ્યું હતું. એ પછી બાળ ઠાકરેએ દિશા બદલી અને કાઁગ્રેસની વિરુદ્ધ જઇને બી.જે.પી. સાથે દોસ્તી કરી. આનું પરિણામ એ આવ્યું કે હિંદુજુવાળમાં કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના શિવસેના મહારાષ્ટ્રમાં શક્તિશાળી બની ગઈ. બીજાના ઓજાર તરીકે કામ કરનારા બાળ ઠાકરે સ્વતંત્ર થઈ ગયા. એમાં તેમની કોઈ મહેનત નહોતી, માત્ર સમયનો ખેલ હતો. હા, સમય તેમણે પારખી લીધો હતો એ કબૂલ કરવું જોઈએ.

૧૯૮૫ પછી બીજી આવી પળ ૨૦૧૪માં આવી. ૧૯૮૫ પછી કાઁગ્રેસની છાવણી છોડવાની ઘડી હતી તો ૨૦૧૪માં બી.જે.પી.ની છાવણી છોડવાની ઘડી હતી. બી.જે.પી.ને એમ લાગ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની કાખઘોડીની કોઈ જરૂર નથી. બી.જે.પી.ના નેતાઓને ત્યારે એમ લાગ્યું હતું કે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં શિવસેનાને ગ્રસી શકાય એમ છે. નરેન્દ્ર મોદી જેવા સવાયા રાષ્ટ્રીય નેતા છે ત્યારે શિવસેનાનું હિન્દુત્વ એમાં અલોપ થઈ જશે. તેમની ગણતરી ખોટી નહોતી, પણ વધારે સાચી ગણતરી બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરેની હતી. ૧૯૮૫ પછીનાં વર્ષોમાં જેમ બાળ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે કાઁગ્રેસની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે એમ જ ૨૦૧૪ પછી ઉદ્ધવ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે બી.જે.પી.ની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે. અજગર ગ્રસી જાય એ પહેલાં ચાલતા થવું જોઈએ.

આ બાળ ઠાકરેનું હોવાપણું છે જે ઉદ્ધવ ઠાકરે સમજી શક્યા અને આજે મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચી શક્યા, પણ રાજ ઠાકરે સમજી શક્યા નથી. તેઓ પૂર્વાશ્રમના બાળ ઠાકરેની નકલ કરી રહ્યા છે જે કોઈક માટે કામ કરતા હતા અને ટૂંકી મૂડીથી રાજી રહેતા હતા. તેઓ મહેનત નહોતા કરતા, માત્ર હુંકાર કરતા હતા અને એ પણ બીજાના કહેવાથી અને બીજા કહે એટલો જ. રાજ ઠાકરે આજે આ જ કરી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રભાવી પ્રચાર કરીને શરદ પવાર માટે કામ કરતા હતા. તેમની ગણતરી એવી હતી કે બી.જે.પી.ની સંખ્યામાં ઘટાડો થશે અને મહારાષ્ટ્રમાં બી.જે.પી. વિરોધી મોર્ચામાં પ્રવેશીને થોડી રાજકીય જગ્યા રળવા મળશે. તેમની ગણતરી ખોટી પડી અને આજે હવે મૂંડી નીચી કરીને બી.જે.પી. માટે કામ કરવું પડે છે. બેફામ બોલીને, હોંકારાપડકારા કરીને તેઓ બી.જે.પી. માટે કામ કરી રહ્યા છે.

સ્વતંત્ર થવા માટે જે હામ જોઈએ, જે મહેનત જોઈએ, સમયને પારખવાની શક્તિ જોઈએ, કાર્યકર્તાઓની વચ્ચે રહેવું જોઈએ, ચોવીસે કલાક લોકોની નજરે પડતા રહેવું જોઈએ, શું બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં અટકવું એની સમજ જોઈએ વગેરે ગુણ રાજ ઠાકરે નથી ધરાવતા. શરદ પવારે એ શિખામણ ભલે સાર્વજનિક આપી હોય, પણ એ શિખામણ રાજ ઠાકરેને સંપૂર્ણપણે લાગુ પડે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2022

Loading

ગમે એવી મહાન વ્યક્તિને પણ જીવન તો એક જ વાર મળે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2022

હા, માણસને જિંદગી એક જ વાર મળે છે. એ સારો હોય કે ખરાબ, જિંદગી એક જ વાર મળે છે. એમાં  કમાલ એ છે કે એક જિંદગી ખોટી જીવાઈ ગઈ હોય તો તે સુધારીને જીવવા માટે બીજી જિંદગી મળતી નથી. બધું મળીને જિંદગી એક જ છે. તે સુધારો, બગાડો કે ઉત્તમ કરો, એ એક જ જિંદગીમાં શક્ય છે, તે પૂરી થાય પછી, બજારમાંથી નવી લવાશે, એવા ભરોસે રહેનારાને છેતરાવાનું જ થાય છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું સરેરાશ ગણીએ તે પછી પણ, તે પૂરું તો જ થાય છે, તે રિપ્લેસ કરી શકાતું નથી અથવા તો તેમાં એક્સટેન્શન મળતું નથી. કોઈ બાળક જન્મીને તરત મૃત્યુ પામે તો તેને સો વર્ષની સરેરાશ પૂરી કરવા બાકીનાં વર્ષો કોઈ આપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને પણ બીજી જિંદગી મળતી નથી, તો સાધારણ માણસની તો વાત જ શું કરવાની? એક જણને જિંદગી એક જ વાર મળે છે. એવું કહેવાય કે મનાય છે ખરું કે ફલાણો તો નવા અવતારે ઊઠ્યો કે ઢીકણાનો તો પુનર્જન્મ થયો, પણ એવું હકીકતે બનતું નથી. મૃત્યુ પછીની જિંદગીની વાતો થાય છે ખરી, પણ તેને વિજ્ઞાનનો આધાર નથી ને અંધશ્રદ્ધાને તો ક્યારે કોઈ પુરાવાની જરૂર જ પડી છે ! ટૂંકમાં, એક જણને જિંદગી એક જ વાર મળે છે.

જો આ સાચું હોય તો હવે એ વિચારવાનું રહે કે આપણે જિંદગીને કેટલી લાઇટલી લઇએ છીએ અથવા તો એને કેટલી ગંભીરતાથી લઇએ છીએ. આપણે લાઇટલી લઇએ કે સિરિયસલી, જિંદગી કોઈ કન્સેશન કે એક્સટેન્શન આપતી નથી. એનો જે વ્યાપ છે એમાં કોઈ ફરક પડતો નથી. એ નિશ્ચિત જ રહે છે. કોઈ જિંદગીને લંબાવી શકતું નથી, પણ તેને ટુંકાવી તો શકે છે. ટુંકાવવામાં કોઈ સફળ થાય કે નિષ્ફળ જાય, તે દરેક વખતે નક્કી નથી હોતું. કોઈ ટુંકાવવામાં સફળ જાય તો પણ તેને પાછળથી જિંદગી મજરે મળતી નથી. જ્યાંથી તે અટકે ત્યાંથી તે અટકે જ ! એમાં સુધારા વધારાને કોઈ અવકાશ નથી. એક વાત સ્પષ્ટ છે કે જન્મેલો માણસ ફરી જન્મ લેતો નથી ને મરેલો ફરી જીવતો થતો નથી. આ સ્થિતિ હોય તો આપણને જિંદગીનું મહત્વ હૈયે વસવું જોઈએ. પણ એવું ઓછું જ જોવા મળે છે.

સુરતના કઠોદરાની પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો તેઓ અગ્નિસ્નાન કરશે. આઠ ધોરણ પૂરું થયા પછી નવમાં ધોરણમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને, સરકારે મંજૂરી આપી દીધી હોય છતાં, નવમાં ધોરણના વર્ગો શરૂ થતા નથી એટલે ત્રાસીને વિદ્યાર્થીઓએ અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે. એ વાતનો આનંદ થાય કે વિદ્યાર્થીઓ હજી ભણવા ઉત્સુક છે. આપણે ઈચ્છીએ કે સરકાર 11 વિદ્યાર્થીઓને અગ્નિસ્નાન સુધી નહીં જ જવા દે, પણ વિદ્યાર્થીઓએ આવી ચીમકી ઉચ્ચારીને જિંદગીને સસ્તી બનાવી દેવી જોઈએ. દુર્ભાગ્યે એમાંથી એકાદ પણ અગ્નિસ્નાન કરે તો તેને કોઈ જિંદગી પાછી આપી શકવાનું છે? જો જિંદગી આપણા હાથની વાત ન હોય તો તેને હાથથી જવા પણ ન દેવાય. પણ, આજકાલ જિંદગીને બહુ સસ્તી બનાવી દેવાય છે. એ સારું નથી. રાજસ્થાનની એક ઘટના ગાયનેક ડોક્ટરની આત્મહત્યાની છે. એક લેડી ડૉક્ટરને હાથે એક પ્રસૂતાનું મૃત્યુ થઈ ગયું ને એ પ્રસૂતાના સંબંધીઓએ ડૉક્ટરને જવાબદાર ઠેરવી 302ની કલમ લગાવી હત્યાનો આરોપ મૂક્યો. ડૉક્ટરને લાગી આવ્યું ને તેણે આત્મહત્યા કરી લીધી.

એ ખરું કે કોઈ દરદીનું ડોક્ટરની બેદરકારીને લીધે મોત થાય તો ડોક્ટર જવાબદાર ગણાય. જે દરદી મૃત્યુ પામે તેનાં સંબંધીઓ વ્યક્તિને ગુમાવે છે એ ઉપરાંત તેનાં પર આધારિત કુટુંબના સભ્યોને જનાર વ્યક્તિની બહુ મોટી ખોટ વેઠવાની આવે છે. એવે વખતે તેના મોત માટે ડૉક્ટર જવાબદાર હોય તો તેની સામે કાનૂની રાહે પગલાં ભરાવાં જ જોઈએ, પણ કુટુંબ તો ડૉક્ટરને પણ હોય છે. રાજસ્થાનની ઘટનામાં ડૉક્ટરને જવાબદાર ઠેરવી દેવાનું યોગ્ય તો જ ગણાય જો તેની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોય. બને કે ડોક્ટરના બધા પ્રમાણિક પ્રયત્નો છતાં મહિલા દરદીને બચાવી ના શકાઈ હોય. આવામાં કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરને 302ની કલમ તો ન જ લગાવી શકાય, કારણ ડૉક્ટરને દરદીને મારી નાખવાનું કોઈ કારણ જ ન હતું. તે દરદીની દુ:શ્મન ન જ હતી. એવું કોઈ વર્તન ડોક્ટરનું જણાતું નથી જે તેને હત્યાની આરોપી ઠેરવે. તો તેનાં પર હત્યાની કલમ કઇ રીતે લાગે? પ્રસ્તુત ઘટનામાં ડોક્ટરે આત્મહત્યા કરીને બે સ્થિતિ ઊભી કરી. એક, તેણે પોતાની નિર્દોષતા પુરવાર કરવા આત્મહત્યા કરવી પડી. બે, તેણે સ્વીકારી લીધું કે તે જવાબદાર હતી ને ગુનાહિત ભાવ એટલો તીવ્ર હતો કે આત્મહત્યા જ તેને એક ઉપાય લાગ્યો. 302ની કલમ લાગે ને આરોપ પુરવાર થાય તો જનમટીપ કે વધુમાં વધુ ફાંસી થાય, પણ આ તો ફાંસી થાય તે પહેલાં જ ડોક્ટરે જિંદગી ટૂંકાવી દીધી અને પોતાનાં જ કુટુંબને નોધારું કરી મૂક્યું. ખરેખર તો ડોક્ટરે જવાબદાર હતી તો પણ કે નિર્દોષ હતી તો પણ, તેણે જગતનો સામી છાતીએ સામનો કરવો જોઈતો હતો, પણ કમનસીબે એમ ના થયું. ડૉક્ટર જેવી વ્યક્તિ આમ જિંદગીથી હારી જાય એ ઠીક નથી.

ઘણા લોકો નાની કે મોટી ઉંમરે આવેશમાં આવીને આત્મહત્યા કરી લે છે, પણ તે ઈલાજ નથી, આત્મહત્યા કરીને વ્યક્તિ તો છૂટી જાય છે, પણ તેની પાછળ રહી જનારાઓ વ્યક્તિ તો ગુમાવે જ છે, સાથે જ અસહ્ય યાતનાનો ભોગ પણ થઈ પડે છે. ગમે એટલું વાજબી કારણ જ કેમ ન હોય, પણ આત્મહત્યા જગત પર ખોટો દાખલો જ બેસાડે છે.  જેમણે અનેક તકલીફો વેઠીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્યો છે એવાઓને દુનિયા યાદ કરે છે, ન કે આત્મહત્યા કરનારને ! કોઈ પણ આત્મહત્યા કરનારી વ્યક્તિ અમર થઈ હોય એવા કિસ્સા માંડ હશે. એની સામે મહેનત કરનાર, પ્રમાણિક અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર જગતમાં વધુ ઓળખ પામ્યા છે.

આજકાલ આત્મહત્યા કરવાની જાણે ફેશન થઈ પડી છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોવાનું લાગે છે. તે વધુ વેઠે છે એ વાત પણ કદાચ ભાગ ભજવતી હોય એમ બને. એમાં પણ નાની ઉંમરની છોકરીઓ કદાચ વધુ આત્મહત્યા કરે છે. પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે, પરીક્ષાનું રિઝલ્ટ સારું ન આવવાની ભીતિને કારણે, પ્રેમમાં નિષ્ફળતા મળતાં, લગ્ન ન થતાં, લગ્ન થવાને લીધે, નોકરી ન મળતાં, પતિનો અન્ય સ્ત્રી સાથેનો સંબંધ હોવાને કારણે, પોતાનો અફેર જાહેર થઈ જવાના ભયે, કોઈએ ઠપકો આપતાં, ભયંકર નિરાશા ઘેરી વળતાં, ઘણી સ્ત્રીઓ કે બાળાઓ આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા સ્ત્રીઓ જ કરે છે એવું નથી. પુરુષો પણ અનેક કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ઘણી વાર તો સાવ ક્ષુલ્લક કારણોસર લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. બીજો વિચાર આવે ત્યાં સુધી જો આત્મહત્યા કરનાર રોકાઈ જાય તો તેને ખ્યાલ આવે છે કે કેવી મુર્ખાઈ કરવા પોતે જઈ રહી હતી અથવા જઈ રહ્યો હતો. સામૂહિક આત્મહત્યાના બનાવો ઓછા જ હશે, પણ વ્યક્તિ, ઘણી વ્યક્તિઓ હાજર હોય ત્યારે આત્મહત્યા કરતી નથી. વ્યક્તિ એકલી હોય ત્યારે જ આત્મહત્યા કરતી હોય છે. એટલે જ જેને આત્મહત્યાના વિચારો વધારે આવતા હોય તેવી વ્યક્તિઓએ બને ત્યાં સુધી એકલાં ન રહેવું જોઈએ.

આત્મહત્યાનો ગુનો જ એવો ગુનો છે જેમાં નિષ્ફળ જાવ તો સજા થાય છે, બાકીના ગુનાઓમાં સફળ જાવ તો સજા થાય છે. એ જે હોય તે, પણ આત્મહત્યા એ કોઈ પણ રીતે વખાણી શકાય કે ન્યાયી ઠેરવી શકાય એમ નથી. આપણને જિંદગી કુદરતે આપી છે, એને પાછી લેવાનો અધિકાર કેવળ કુદરતને છે. તે સિવાય જીવન અટકાવવાનો કોઈને અધિકાર નથી. આત્મહત્યા દ્વારા વ્યક્તિ પોતાનું જીવન અટકાવે છે. આમ અટકી જવાનું સહેલું નથી. મૃત્યુનો ભય તમામને છે. આત્મહત્યા કરનારને પણ ભય તો લાગે જ છે. તેને સફળ જવાનો ને નિષ્ફળ જવાનો, એમ બેવડો ભય લાગે છે. આ ભય કેમ લાગે છે? તે એટલે લાગે છે કારણ, મૃત્યુ આવનારાં ભવિષ્ય પર જ ચોકડી મારે છે. ભવિષ્યમાં જીવન હોત ને જે તે વ્યક્તિએ જે કર્યું હોત અથવા ન કર્યું હોત તેને મૃત્યુ કાયમને માટે અટકાવે છે. બધું રહે છે, માત્ર ભવિષ્ય જ રહેતું નથી. આત્મહત્યા કરનાર ભવિષ્યમાં જે કરી શક્યો હોત તે આત્મહત્યાને લીધે કદી થઈ શકતું નથી. વારુ, મૃત્યુ જ્યાં જીવન અટકાવે છે, પછી તે મૃત્યુમાંથી જીવનમાં કદી પાછા ફરી શકાતું નથી. આત્મહત્યા જો ભૂલ હોય તો પણ તેને સુધારવાની બીજી તક મળતી નથી. એ પરથી ખ્યાલ આવશે કે એક જ વાર જીવન મળતું હોય તેને આત્મહત્યા દ્વારા અટકાવવાનું કોઈ રીતે યોગ્ય નથી એટલું જ નહીં, આત્મહત્યા એ કોઈ પણ પ્રકારે અધિકાર તો નથી જ !

જે જીવન એક જ વાર મળે છે તેને આત્મહત્યા દ્વારા અટકાવવામાં તો મુર્ખાઈ જ છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

માયા ગોવિંદ : નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ, દેખું જિસે સુબહ-શામ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 April 2022

પ્લેબેક ગાયનના આકાશમાં, લતા મંગેશકર અને કિશોર કુમાર જ્યારે સૂરજ અને ચાંદની જેમ ચમકતાં હતાં, ત્યારે બે નવોદિત સિતારા એમાં લટાર મારવા આવ્યા; આસામી સંગીતકાર ભૂપેન હજારિકા અને ગીતકાર માયા ગોવિંદ. બંને પહેલીવાર તેમની પહેલી જ હિન્દી ફિલ્મમાં ભેગાં થયાં હતાં, અને તેમણે લતા-કિશોર પાસે એક યાદગાર અને શાનદાર ગીત ગવડાવ્યું :

નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ
દેખું જિસે સુબહ-શામ
બોલો જી બોલો યે રાજ ખોલા
હમ ભી સુને દિલ કો થામ
યા તો હૈ દાહરતિ યા હૈ ગગન
યા તો સૂરજ યા હૈ પવન
હુઆ ઉસકા તો સજન હૈ નામ

૭મી એપ્રિલને ગુરુવારે, ૮૨ વર્ષનાં માયા ગોવિંદના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે આ જ ગીત સૌથી પહેલાં યાદ આવ્યું અને પછી પ્રશ્ન થયો કે માયાજી તેમની આ પહેલી જ ફિલ્મ જેવી સફળતાને કાયમ માટે બરકાર કેમ ન રાખી શક્યાં? એમાં તો તેમના નામે “આંખો મેં બસે હું તુમ,” “મૈ અનાડી તું ખેલાડી,” “મોરે ઘર આયે સજનવા” અને “ગુટુર ગુટુર” જેવાં ગીતો બોલતાં હતાં, પણ અંગત હોય કે વ્યવસાયિક, કોઈક કારણસર તેઓ તેમનાં ગીતોને કવિતાનો એ રંગ બક્ષી ન શક્યાં જે પહેલી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

તેમના પુત્રએ તેમના અવસાન પછી કહ્યું હતું, “મારી માતાએ ૮૦૦ જેટલાં ગીત ગાયાં હતાં અને ૩૫૦ જેટલી ફિલ્મો માટે લખ્યું હતું. સ્વાસ્થ્યના કારણે તે સક્રિય નહોતાં, પણ મિત્રો કે પરિવારજનોને મળે ત્યારે તેમને કવિતા સાંભળવાનું ગમતું હતું. તે કલ્યાણજી-આણંદજી, રામાનંદ સાગર, બપ્પી લહેરી અને ખૈયામ સાથે ઘણા ઘનિષ્ઠ હતાં. દુર્ભાગ્યે, તેમનાં ઘણાં મિત્રો અને સહયોગીઓ અલવિદા ફરમાવી ગયાં હતાં.”

એક ઇન્ટરવ્યુમાં માયા ગોવિંદે કહ્યું હતું કે, “એક રીતે ફિલ્મ ઉદ્યોગમાં હું પહેલી મહિલા ગીતકાર હતી. એ દિવસોમાં મહિલા ફિલ્મી દુનિયાથી આઘી રહેતી હતી. એક્ટર ભારત ભૂષણે મારી કવિતાઓ સાંભળી હશે અને તેમણે મને ફિલ્મો માટે લખવાનો વિચાર આપ્યો હતો.”

લખનૌમાં જન્મેલાં અને સાત વર્ષની ઉંમરથી કવિતા લખતાં થયેલાં માયા ગોવિંદ ૧૯૭૩માં ફિરોઝ ખાન-રેખાની “કશ્મકશ” અને કિરણ કુમારની “જલતે બદન” ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં આવ્યાં, પરંતુ તેમનું નામ થયું  ૧૯૭૪માં આવેલી ફિલ્મ “આરોપ”થી. ઉપર જે ગીતની વાત કરી તે આ જ ફિલ્મનું હતું. આ ફિલ્મના સ્ક્રીપરાઈટર રામ ગોવિંદ સાથે જ પાછળથી માયાએ લગ્ન કરી લીધાં હતાં.

રામાનંદ સાગરને તેમની કવિતાઓ પસંદ પડી હતી. અને તેમણે જ ફોન કરીને તેમને “જલતે બદન” ફિલ્મનાં ગીતો લખવા માટે મુંબઈ બોલાવ્યાં હતાં. ફિલ્મમાં કિરણ કુમાર અને કુમ કુમ પર ફિલ્માવાયેલું અને મહોમ્મદ રફી-લતા મંગેશકરનું ગીત ઘણું લોકપ્રિય થયું હતું :

વાદા ભૂલ ન જાના
હો જાનેવાલે લૌટ કે આના
તેરે સાથ હી જિયેંગે
તેરે સાથ હી મરેંગે
તુજે હર જનમ મેં પાયેં
બસ યહી દુઆ કરેંગે

રામાનંદ સાગરે આ ફિલ્મ માટે એક પાર્ટી કરી હતી, તેમાં માયા ગોવિંદનો ભેટો મશહુર એકટર-ડિરેકટર ગુરુ દત્તના નાના ભાઈ આત્મારામ સાથે થયો હતો, જેમણે “આરોપ” ફિલ્મ માટે તેમની પાસે ગીતો લખાવ્યાં હતાં. ફિલ્મ તો ન ચાલી પણ ગીતો લોકપ્રિય થયાં હતાં.

“આરોપ”માં કુલ આઠ ગીતો હતાં, અને ત્રણ ગીતો પ્રબોધ ચંદ્ર ડે નામના ગાયકે ગાયાં હતાં. પાછળથી આપણે તેમને મન્ના ડે તરીકે ઓળખતા થયા. આત્મારામે ભૂપેન હજારિકા પાસે આ ફિલ્મનું સંગીત કમ્પોઝ કરાવ્યું તે આત્મારામનો માસ્ટરસ્ટ્રોક હતો. ભૂપેન’દા ત્યારે પોતાની જ ફિલ્મોમાં કામ કરતાં હતા. એ જ રીતે તેમણે માયા ગોવિંદને એમાં બ્રેક આપ્યો હતો. “આરોપ”ની સ્ટારકાસ્ટ પણ સમૃદ્ધ હતી; વિનોદ ખન્ના, સાયરા બાનુ, વિનોદ મહેરા, રહેમાન, બિંદુ, જોની વોકર, કેસ્ટો મુખરજી અને પૈંટલ.

“આરોપ” ફિલ્મ બહુ દિલચસ્પ હતી. હિન્દી ફિલ્મોમાં પત્રકારત્વના વ્યવસાયને ઉચિત રીતે પેશ કરવામાં નથી આવ્યો. “ન્યૂ દિલ્હી ટાઈમ્સ,” “મૈ આઝાદ હું” અને “પીપલી લાઈવ” જેવી ગણીગાંઠી ફિલ્મો કંઇક અંશે અસલમાં પત્રકારોની જીવન કેવું હોય છે તે દર્શાવામાં સફળ રહી હતી. દિલીપ કુમારની “મશાલ” ફિલ્મમાં યશ ચોપરાએ એક ઈમાનદાર પત્રકાર અને તેની સામે આવતા પડકારોની કહાની સર્જી હતી, પણ “મશાલ”માં પત્રકારત્વ ઓછું અને વેરની વસુલાત વધુ હતી.

“આરોપ” એમાં સૌથી પહેલી હિન્દી ફિલ્મ છે જેણે પત્રકારત્વના વિષયને છેડ્યો હતો. અલબત્ત, તેની સરખામણી “ન્યૂ દિલ્હી ટાઈમ્સ” કે “પીપલી લાઈવ” સાથે ન થઇ શકે, પરંતુ નાચ-ગાનના ટીપિકલ ફિલ્મી મશાલા વચ્ચે પણ “આરોપ”માં આત્મારામે પત્રકારત્વ અને તેની સામાજિક પ્રતિબદ્ધતાને ગંભીરતાથી બતાવવા પ્રયાસ કર્યો હતો.

એનું કારણ છે. કલકત્તામાં જન્મેલા આત્મારામના પિતા શિવશંકર પદુકોણ બર્મા શેલમાં કામ કરતા હતા. તેમની માતા શિક્ષક હતી. ત્રણ ભાઈ અને એક બહેન હતી: ગુરુ દત્ત, દેવી દત્ત, વિજય દત્ત અને લલિતા લાઝમી (લલિતાની દીકરી કલ્પના લાઝમી ભૂપેન હજારિકાની આજીવન સાથી રહી હતી.)

કલકત્તામાં મોટા થયા હતા એટલે સમાજવાદી વિચારધારાથી રંગાયેલા હતા. બોમ્બે યુનિવર્સિટીમાં એ ભણ્યા હતા. ૧૯૪૮થી૧૯૫૦ સુધી તે સોશ્યલિસ્ટ પાર્ટીના સભ્ય હતા. એ પછી તે કામદાર નેતા બન્યા હતા અને પ્રેસ વર્કર્સ યુનિયનના સેક્રેટરી હતા. ૧૯૫૮થી ૬૧ સુધી એ લંડન હતા અને ત્યાં ફિલ્મો પર હાથ અજમાવ્યો હતો. ૧૯૬૪માં ભાઈ ગુરુ દત્તનું અચનાક અવસાન થઇ ગયું પછી આત્મારામે તેમની ઘણી અધૂરી ફિલ્મો પૂરી કરી હતી.

ફિલ્મમાં સુભાષ ત્રિપાઠી (વિનોદ ખન્ના) “મશાલ” નામનું અખબાર ચલાવે છે. (દિલીપ કુમાર-યશ ચોપરાની ફિલ્મમાં પણ અખબારનું નામ “મશાલ” હતું). સુભાષના આદર્શોથી પ્રભાવિત થયેલી સ્થાનિક મંદિરના પૂજારીની શિક્ષક દીકરી અરુણા (સાયરા બાનુ) અખબારમાં જોડાય છે. સુભાષનું અખબાર સ્થાનિક ગુનેગારો અને વેપારી માખન લાલ સિંહ(રહેમાન)ની સાંઠગાંઠ અંગે લખે છે એટલે તેની સામે કેસ થાય છે અને છ મહિનાની સજા થાય છે. તેની ગેરહજરીમાં તેનો વકીલ મિત્ર રવિ (વિનોદ મહેરા) અખબારનું કામ સંભાળે છે.

માખન લાલ અને તેની પીઠ્ઠું કંચન(બિંદુ)ને છુટ્ટો દોર મળેલો હોય છે. સ્થાનિક અધિકારીઓ અને રાજકારણીઓ પણ એમના ગજવામાં છે. કંચન બિન્દાસ્ત જુગારનો અડ્ડો ચલાવે છે. સુભાષ જેલમાંથી પાછો આવીને જુગારની બદી સામે ઝુંબેશ શરૂ કરે છે. તેનો બદલો લેવા માટે કંચનનો સાગરિત સુભાષનો પ્રેસ સળગાવી દે છે. માખન લાલ પ્રેસના માલિક ધોન્ડુ(જોની વોકર)ને દેવામાં ડુબાડી દે છે અને પ્રેસ વેચવા માટે મજબૂર કરી દે છે. એમાં રવિ અને અરુણાની નોકરી પણ જતી રહે છે.

હવે સુભાષ ઉશ્કેરાય છે અને ન્યાયી લડત બાજુએ મૂકીને કંચનને મારી નાખવાનું નક્કી કરે છે. તે રિવોલ્વર લઈને કંચનની કલબમાં ઘુસી જાય છે, પરંતુ એ ગોળી ચલાવે તે પહેલાં માખન લાલના ગુંડાઓ કંચનને ગોળી મારી દે છે. સુભાષને ખબર નથી કે કોણે ગોળી ચલાવી અને તે ત્યાંથી ભાગી છૂટે છે અને અરુણાને રિવોલ્વર સંતાડવા માટે આપી દે છે. જો કે પોલીસ તેને પકડી પાડે છે અને તેની પર કંચનના ખૂનનો કેસ મૂકે છે. કોર્ટમાં રવિ તેનો કેસ લડે છે.

રવિ “મશાલ”ના પત્રકાર અને ફોટોગ્રાફર ટોની(પૈન્ટલ)ની મદદથી કંચન પર ચાલેલી અસલી રિવોલ્વર શોધી કાઢે છે, પરંતુ કોર્ટમાં તે પુરાવો રજૂ કરે તે પહેલાં માખન લાલના ગુંડાઓ અને “મશાલ” પ્રેસના માણસો વચ્ચે મારામારી ફાટી નીકળે છે. એમાં માખન લાલથી સુભાષને બચાવવા જતાં રવિનું મૃત્યુ થઇ જાય છે. અંતે પોલીસ માખન લાલને અને કંચનના હત્યારાને પકડી પાડે છે.

“આરોપ” આમ તો થ્રિલર હતી, પરંતુ હિન્દી ફિલ્મોની વ્યવસાયિક મજબૂરીઓનાં કારણે એમાં ગીતો ય મૂકવાં પડે. પરિણામે, આત્મારામે તેમાં પ્રણય-ત્રિકોણ પણ મુક્યો હતો. ફિલ્મની શરૂઆત સુભાષ અને અરુણાની દોસ્તીથી થાય છે. બંને ઢોર ચરતાં હોય તેવા ખુલ્લા મેદાનમાં સાઈકલ પર “નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ” ગીત ગાતાં હોય છે એ દૃશ્ય કોઈ સ્વપ્ન જેવું લાગે છે. હવે એવી સાઈકલો ક્યાં અને એવાં પ્રેમીઓ ય ક્યાં છે!

સુભાષ જેલમાં હોય છે ત્યારે રવિ અરુણાથી આકર્ષાય છે, અને છેલ્લે જ્યારે તેની પર ખૂનનો કેસ થાય છે ત્યારે અરુણા નિરાશ અને વ્યાકુળ થઈને રવિ પર એવો આરોપ પણ મૂકે છે કે તે જાણી જોઈને કેસ બરાબર લડતો નથી, કારણ કે તેને સુભાષની ઈર્ષ્યા આવે છે. જોની વોકર, કેસ્ટો અને પૈન્ટલ હોય એટલે કોમેડી પણ હોય. તેમ છતાં, આત્મારામે એ ફોરમેટમાં રહીને પણ સમાજના નૈતિક પતનને રજૂ કરવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.

આટલાં વર્ષો પછી આજે પણ આપણે નૈતિકતાની ગેરહાજરીને જોઈ જ રહ્યા છીએ. આજે પણ સ્વતંત્ર અને ઈમાનદાર પત્રકારત્વ પર એટલી જ તવાઈ આવતી રહે છે. આજે પણ અમીરો, અપરાધીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ સમાજને નિયંત્રિત કરે છે. આત્મારામ તે જમાનામાં આ મુદ્દાની ગંભીરતા જોઇને ફિલ્મ બનાવી હતી. ફરક એ છે કે આજે આવી ફિલ્મો બનતી નથી. આપણે પત્રકારત્વનાં નામનું નાહી નાખ્યું છે.

——————————–

કોણ હતાં માયા ગોવિંદ …

માયા ગોવિંદ પાછલાં ઘણાં વર્ષોથી પથારીવશ હતાં. તેમનો દીકરો અજય દિવસ-રાત તેમની સારવાર કરતો હતો. તેમનાં શરીરનાં અવયવોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લખનૌમાં જન્મેલાં માયાએ કથક નૃત્યમાં પ્રવીણતા હાંસલ કરી હતી. તેમણે અભિનેત્રી તરીકે પણ ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિનીના લોકપ્રિય ડાન્સ “મીરાં” પણ માયા ગોવિંદે લખ્યો હતો. વ્યવસાયે તે બી.એડ. કરીને શિક્ષક બન્યાં હતાં, પણ શોખથી કવિતાઓ લખતાં હતાં. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ કામ કર્યું હતું. 1970માં, લખનૌની સંગીત નાટક અકાદમીએ વિજય તેંદુલકરના નાટક “ખામોશ!” માટે માયાને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ આપ્યો હતો. કવિ સંમેલનોમાં, શૃંગાર અને વિરહની વેદનાની તેમની કવિતાઓ પર લોકોની બહુ દાદ મળતી હતી. વ્રજ ભાષામાં તેમણે લખેલાં છંદના કારણે તેમની એક વિશેષ ઓળખાણ થઇ હતી. ૧૯૭૨માં તેઓ એકવાર એક કવિ સંમેલન માટે મુંબઈ આવ્યાં હતાં અને ત્યાં નિર્માતા રામાનંદ સાગર તેમનાથી પ્રભવિત થયા હતા. એ રીતે તેઓ ફિલ્મોમાં આવ્યાં હતાં.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 16 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5571,5581,5591,560...1,5701,5801,590...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved