Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીડિયા-પોલિટિક્સમાં સહભાગિતાથી સાક્ષી સુધીની શૌરીની સફર …

કિરણ કાપુરે|Opinion - Opinion|23 April 2022

પત્રકાર અને લેખક તરીકે જાણીતા અરુણ શૌરીને આટલી જ ઓળખથી સમેટીએ તો તેમનું પૂરું વ્યક્તિત્વ ન આલેખી શકાય. અરુણ શૌરી તદ્ઉપરાંત ‘વર્લ્ડ બેન્ક’ના અર્થશાસ્ત્રી રહ્યા છે અને દેશના આયોજન પંચના સલાહકારની ભૂમિકા પણ રહ્યા. ‘એન.ડી.એ.’ની સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહ્યા. વાજપેયીની મિનિસ્ટ્રીમાં તેમનો ઠીકઠાક ગજ વાગતો હતો. અરુણ શૌરીની ઓળખમાં તેમને મળેલાં સન્માન ‘રોમન મેગ્સેસે એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ પણ મૂકી શકાય. લાંબી કારકિર્દી દરમિયાન તેમનું જીવન ઘટનાપ્રચૂર રહ્યું છે અને તેઓ દેશના છેલ્લા પાંચ દાયકાના ઇતિહાસને સારી રીતે જાણે-સમજે છે. આ ઇતિહાસમાંથી કેટલાંક પાનાંને તેઓએ શબ્દબદ્ધ કર્યો છે અને હાલમાં તેમનું તે પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ કમિશનર ફોર લોસ્ટ કોસિઝ’. રાજકીય જગતમાં આ પુસ્તકની સારી એવી ચર્ચા થઈ રહી છે; કારણ કે વર્તમાન સરકાર, આર.એસ.એસ. અને નરેન્દ્ર મોદી વિશે તેઓએ કેટલીક આકરી વાતો કહી છે. આ સિવાય પણ દેશની અગત્યની ઘટનાઓનું નિરૂપણ આ દળદાર પુસ્તકમાં લેખકે કર્યું છે. અરુણ શૌરીએ જે વાતો પુસ્તકમાં અને પુસ્તક સંદર્ભે હાલમાં મીડિયામાં કરી છે તેમાંથી કેટલીક ધ્યાને લેવા જેવી છે.

આ પુસ્તક સંદર્ભે અરુણ શૌરીની વિસ્તૃત મુલાકાત ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા લેવામાં આવી છે અને તેમાં એક પ્રશ્ન છે કે, ‘તમે રાહુલ ગાંધીને અને કૉંગ્રેસને કેવી રીતે જુઓ છો? ત્યાં કશુંક ગરબડ છે કે પછી ભા.જ.પે. સફળતાથી તેમની છબિ ખરડી છે?’ જવાબમાં શૌરી કહે છે : “હું રાહુલ ગાંધીને ઓળખતો નથી, પરંતુ તે વર્તમાન સરકાર સામે હવે સાચા મુદ્દા ઉપાડી રહ્યા છે. તે જ્યારે જાહેર જીવનમાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી આ અપેક્ષા રાખી નહોતી. તેમણે પોતાની જાતને સોશિયલ મીડિયા સુધી સીમિત રાખી છે અને તેમની પાસે લોકોનો સમૂહ નથી, પરંતુ તેઓ અત્યારે સ્થાનિક આગેવાનો કરતાં પણ સારી રીતે મુદ્દાઓને અવાજ આપે છે. મારા ખ્યાલથી તેઓએ પક્ષના પ્રવક્તા હોવાં જોઈએ ન કે જેઓ પક્ષને ચલાવે છે તે.” તે પછી આગળ તેઓ કહે છે : “મોદી ચોવીસ કલાક સાતે દિવસના નેતા છે. તેઓએ હંમેશાં સંગઠન માટે સમય ફાળવ્યો છે અને પક્ષના કાર્યકરોને સાંભળ્યા છે. કૉંગ્રેસી કાર્યકર્તાઓની હરેક વખતે એ ફરિયાદ હોય છે કે આગેવાનો તેમને સમય આપતા નથી. કૉંગ્રેસનો પ્રશ્ન તેમની વિચારધારા કે જી-23નું ગ્રૂપ નથી. એ વાસ્તવિકતા છે કે તેમની કેડર આજે ખલાસ થઈ ચૂકી છે. એટલે જ મોદી હવે ‘આમ આદમી પાર્ટી’ સિવાય અન્ય કોઈની પરવા કરતા નથી. કારણ કે તેમની પાસે સ્વયંભૂ રીતે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. મને યાદ છે હું 2013માં અમદાવાદમાં હતો ત્યારે કેજરીવાલને કોઈ ઓળખતા નહોતા. એ વખતે પણ મોદી કેજરીવાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. તેમણે જ આઈ.ટી.ના નિષ્ણાત રાજેશ જૈનને ‘આપ’ની કેમ્પેઇન મેથડના અભ્યાસ અર્થે દિલ્હી બોલાવ્યા હતા. મોદીને એ માલૂમ થઈ ચૂક્યું હતું કે આપની ડોર ટુ ડોર પદ્ધતિનો પૂરતો અભ્યાસ થવો જોઈએ. મને લાગે છે ત્યાં સુધી ‘આપ’ હિમાચલ પ્રદેશમાં પણ સરકાર બનાવવા જઈ રહ્યું છે. હરિયાણામાં પણ તેમની સ્થિતિ બહેતર હશે અને જો ગુજરાતમાં આપ 15 બેઠકો પણ મેળતે તો તેમના માટે તે જીત હશે.”

શૌરીના આટલા શબ્દોમાં દેશના મુખ્ય પક્ષોનું એનાલિસિસ છે. ભા.જ.પ. કેમ સારી રીતે ચૂંટણીમાં દેખાવ કરે છે તેનું કારણ તેમણે મોદીની પદ્ધતિમાં દાખવ્યું છે. આ પછી તેમને એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે કે ‘તેમને ભા.જ.પ.માં જોડાવવાનો ક્યારે ય અફસોસ થયો છે? ભા.જ.પ.માં આજે જે થઈ રહ્યું છે તે તેના નિર્માણકાળ દરમિયાન નહોતું?’ આ વિશે અરુણ શૌરી કહે છે : “વાજપેયી હતા ત્યાં સુધી તો નહીં. આને મારી દૃષ્ટિહિનતા કહી શકાય, પરંતુ મારું ધ્યાન તેમના પર કેન્દ્રિત રાખતો અને સાથે મારા કામ પ્રત્યે. વિવાદાસ્પદ મુદ્દા સાથે ઉકેલ લાવવાની તેમની પોતાની એક શૈલી હતી. મને યાદ છે અમે કુઆલુમ્પરમાં ‘નોન એલાયમેન્ટ સમિટ’ અર્થે ગયા હતા. હું ત્યારે તેમના મંત્રાલયમાં હતો. એ વખતે તેમને શ્રીલંકના આગેવાનોને મળવાનું હતું. તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ થઈ અને કોઈએ તેમને અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા થઈ રહેલી શિવપૂજા વિશે પ્રશ્ન કર્યો. ત્યારે અટલજીએ સહજતાથી કહ્યું : ‘અયોધ્યાવાલોં સે હમ દિલ્લી જાકર મિલેંગે. અભી હમ લંકાવાલોં સે મિલને જા રહે હૈ.’” એ રહી ખૂબ સહજતાથી પૂરા મુદ્દાને હળવાશથી લીધો.

‘તમે હાલના માહોલને કેવી રીતે જુઓ છો અને તમને એવું લાગે છે કે બે જુદી જુદી વિચારધારા ધરાવનારાં લોકો વચ્ચે સંવાદ થઈ શકે છે?’ આ પ્રશ્નનો જવાબ શૌરી આપે છે : “આ પૂરી પદ્ધતિ ટોચના લોકોએ વિકસાવી છે કે જો તમે મારા પગને તળિયે નથી તો તમે મારા દુ:શ્મન છો. આ બધું સોશિયલ મીડિયાનું તરકટ છે જેનું સંચાલન ટોચથી થાય છે. આ જ હાલના ધ્રુવીકરણ તરફ લઈ જાય છે. કેમ મિત્રતા નથી જાળવી શકાતી. કેમ તમારી મિત્રતાને ગુમાવો છો? એકબીજા સમક્ષ જુદા વિચાર અભિવ્યક્ત કરીશું તો કશું ય બદલાવાનું નથી. તો તે કેમ આપણાં જીવનમાં આટલું અગત્યનું બની ગયું છે. સરકારની ડિઝાઈન મુજબ જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે તે આપણી હાર છે. બીજું સૌથી અગત્યનું કે કોઈને લેબલ ન લગાવવું. હું એવું કશું ય તપાસવા માંગતો નથી. સમાજમાં આ તપાસ હવે તે સર્વવ્યાપી થઈ ગઈ છે કે હું મોદી વિરોધી છું કે તેમના પક્ષમાં.”

તે પછી પણ વર્તમાન સમયને લઈને પ્રશ્ન હતો જેમાં શૌરીને પૂછાય છે કે ‘શું તમને એવું લાગે છે કે બહુમતિની અસુરક્ષિતા વિશે વાત નથી થતી તે માટે મીડિયા દોષી છે? અને તે જ મુખ્ય કારણ છે કે ભા.જ.પ. તે માટે સારી દેખાવ કરે છે?’ ઉત્તર : “હા. કોઈ પણ મુખ્યધારાના મીડિયા કે શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આર.એસ.એસ.નું પાયાનું સાહિત્ય જોયું નથી. આપણાની અવગણના કારણે જ આજનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આજે જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને આપણને નવાઈ લાગે છે પણ તેઓ હંમેશાંથી એ કહેતા આવ્યા છે કે, ‘હમ જો કહેતે હૈ વોહી કરતે હૈ.”

“બીજી વાત એ કે તેઓએ લોકોને એકઠા કર્યા તે વાતને આપણે જરા સરખું પણ મહત્ત્વ ન આપ્યું. આપણે એક નાના વર્તુળમાં વાત કરતા રહ્યા અને આર.એસ.એસ. 1940થી સાધુના જૂથને પણ એકઠાં કરવામાં લાગેલું રહ્યું. તેઓ સમાજમાં અસરકર્તા પરિબળ બન્યા પણ આપણે ક્યારે ય તેમના સુધી ન પહોંચ્યા. અને તેથી હાલની સ્થિતિ નિર્માણ પામી છે.”

અરુણ શૌરી પાસે અનેક રસપ્રદ વાતો છે, જેમાં તેઓ પાત્ર રહ્યા, કાં તો તે ઘટના ખૂબ નજીકથી જોઈ હોય. પત્રકારત્વ અને રાજકારણના તેમના અનુભવોને તેમણે જીવનની અનેક ઘટનાઓને મૂકી આપી છે. તેમાંની એક છે અશ્વિન સારી નામના યુવાન રિપોર્ટરની. અશ્વિન સારી અરુણ શૌરીની દિલ્હીની ટીમમાં રિપોર્ટર તરીકે કામ કરતો. જેમ કે તિહાર જેલમાં સ્થિતિ બદતર છે તેઓ તેને ખ્યાલ આવ્યો ત્યારે તે પોતે દારૂના નશામાં પકડાયો અને તિહાર જેલમાં પહોંચ્યો. તે જ્યારે જેલમાં હતો ત્યારે તેણે જેલની સ્થિતિ અને અન્ય માહિતી મેળવી. આ દરમિયાન તેણે જોયું કે જેલમાં આસાનીથી ડ્રગ્સ લાવવામાં આવે છે. આ વિશે તેણે રિપોર્ટીંગ સ્ટોરી કરી અને વાચકોને તે સ્ટોરીને ખૂબ બિરદાવી. આવી અનેક સ્ટોરીની સાથે તેઓ સંકળાયેલા રહ્યા. જો કે અરુણ શૌરીના આ અનુભવ ગોદી મીડિયાના જન્મ પહેલાંના છે, જ્યારે ખરું પત્રકારત્વ થતું અને વાચકો તેને આવકરતા ખરાં.

e.mail : kirankapure@gmail.com

Loading

માબાપો તેમનાં સંતાનો કરતાં વધારે નાદાન છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 April 2022

કાલના જ સમાચાર છે. સુરતના ગોડાદરાની ઘટના છે. ધોરણ એકમાં ભણતા એક દીકરાએ ટ્યૂશને જવું ન હતું ને તેને, તેની મમ્મીએ ટપારીને ટ્યૂશને જવાની ફરજ પાડી તો તે ટ્યૂશને જવાને નામે બહાર તો નીકળ્યો, પણ ટ્યૂશને ગયો નહીં. ટ્યુશનનો ટાઈમ પૂરો થવા આવ્યો, છતાં છોકરો આવ્યો નહીં તો તપાસ ચાલી. પોલીસમાં જાણ થઈ ને પોલીસે અપહરણની શંકાથી તપાસ શરૂ કરી. સી.સી.ટી.વી.ના ફૂટેજમાં છોકરો બહાર જતો દેખાયો નહીં એટલે પોલીસે આજુબાજુમાં તપાસ કરી તો છોકરો તેની જ પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો. બન્યું હતું એવું કે છોકરો બાજુવાળાને ત્યાંથી તેની અગાશીએ પહોંચ્યો ને ત્યાંથી પોતાની અગાશી પર આવવા પાણીની ટાંકી પર ઊતર્યો, પણ તેનું ઢાંકણું ઢીલું હતું એટલે તે ટાંકીમાં જઈ પડ્યો ને 2000 લિટરની ટાંકીમાં ગરકાવ થઈ ગયો. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે વધુ વિગત બહાર આવે એમ બને, પણ પોલીસને ટાંકીની પાસે તેની સ્કૂલબેગ અને ચંપલો મળી આવી છે તે એ પ્રશ્ન ઊભો કરે છે કે તે અકસ્માતે ટાંકીમાં પડ્યો હોય તો બેગ અને ચંપલ સાથે જ પડે ને ! તેને બદલે બેગ, ચંપલ ટાંકીની બહાર છે ને છોકરો ટાંકીમાં ડૂબ્યો છે. જો આ અકસ્માત હોય તો ટાંકીની બહાર ચંપલ કાઢવા ને બેગ મૂકવાં એ રોકાય ને પછી ટાંકીમાં પડે એ ગળે ઉતરતું નથી. એ જે હોય તે, પણ ટ્યૂશન છ વર્ષનાં બાળકનાં મોતનું કારણ બન્યું છે તે ખરું.

આવું બનતું રહે છે ને બીજી ઘટના બને ત્યારે આગલી ઘટના ભુલાઈ જતી હોય છે, પણ આ ઘટના શિક્ષણ સંબંધે માબાપની માનસિકતા છતી કરે છે. એક વસ્તુ આપણે બધાંએ સમજી લેવાની જરૂર છે કે સારું શિક્ષણ અકસ્માતે જ અપાતું હશે. સારી સરકારી કે ખાનગી સ્કૂલ કોલેજો ય હશે જ, સારા શિક્ષકો, અધ્યાપકો પણ છે જ, સારા મહેનતુ વિદ્યાર્થીઓ પણ ખરા જ ને શિક્ષણ સારું અપાય એવી સરકારની દાનત પણ ખરી, પણ એ બધું હવે આકસ્મિક છે. અપવાદ રૂપે છે. શિક્ષણ ખાડે જ નહીં, અખાડે પણ ગયું છે. બધાં જ શિક્ષણના અખાડામાં ઊતર્યાં છે ને એકબીજાને પછાડીને ઉપર ઊઠવા મથતા હોય એવો દેખાવ છે. બધાં જ રમે છે, ધંધો કરે છે. એમાં કોઈ શંકા નથી કે શિક્ષણ નફાકારક ધંધો છે ને એ સરકાર કે સંચાલકો, કમાવાને ઇરાદે કરે છે. એમાં શિક્ષણ ગૌણ છે, આકસ્મિક છે. શિક્ષણને નામે થઈ શકે એવી ઈતર પ્રવૃત્તિઓ પણ કમાવાના હેતુથી જ ચાલે છે. શિક્ષણ થોડું ઘણું થતું હશે, પણ મોટે ભાગે સમય ફીની ઉઘરાણીમાં અને પરીક્ષાઓ લેવામાં જ જાય છે. ભણાવ્યા વગર પરીક્ષાઓ લેવાનું અને પરીક્ષાઓ વગર પાસ કરવાનું હવે કોઠે પડી ગયું છે. ફી એ જ શિક્ષણ છે, પરીક્ષા એ જ શિક્ષણ છે. એની આસપાસ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલકો ગરબે ઘૂમે છે ને ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોય તેમ તેનાં પ્રમાણપત્ર, પગાર ને પ્રસાદ વહેંચાતાં રહે છે. એક વાત સ્પષ્ટ છે કે તંત્રો હવે શિક્ષણને ગંભીરતાથી લેતાં નથી એટલે શિક્ષણ એક વ્યાપક અવ્યવસ્થા છે અને એમાં વગવાળા, ખુશામતિયા લોકોની સરકારે વ્યવસ્થા કરવાની રહે છે. શિક્ષણ મંત્રીથી માંડીને શિક્ષકોને ગોઠવવા સુધીની જવાબદારી એવા જ વગવાળા માણસો નિભાવે છે. એમાં ગુણવત્તા ને પાત્રતા તમામ ક્ષેત્રે આકસ્મિક છે. કેટલાક કુલપતિઓ કે શિક્ષકો, અધ્યાપકો વગ વગરના, પાત્રતા ધરાવનારા હશે, પણ મોટો ફાલ, ખુશામતખોરીનું, સરકારની ભક્તિનું પરિણામ છે. એને ગુણવત્તા કે પાત્રતા જોડે બહુ લેવાદેવા નથી.

જે વિદ્યાર્થીઓ ક્રિએટિવ છે કે કશીક અસાધારણ પ્રતિભા ધરાવે છે તેમાં તેમની પોતાની બૌદ્ધિકતા ને કેટલાક એવા જ શિક્ષકોની નિસ્વાર્થ મદદ કેન્દ્રમાં છે. એમાં આ કહેવાતું શિક્ષણ બહુ મદદમાં આવતું નથી. ખરેખર તો ભણાવાય છે એટલે કે વિદ્યાર્થી અભણ ન ગણાય, પરીક્ષા એટલે લેવાય છે કે પેપરો ફૂટી શકે કે એકને બદલે બીજું પેપર આપી શકાય. પરીક્ષાઓ એટલે પણ છે કે વિદ્યાર્થીઓમાં ચોરીનું અવનવું કૌશલ્ય વિકસે. પેપરો એટલે અપાય છે કે પેપરસેટરો પેપર સેટ કરવાનો અનુભવ પરીક્ષાર્થીઓને ખર્ચે ને જોખમે મેળવે. ટૂંકમાં, ગુજરાતે શિક્ષણને મામલે એટલું પુરવાર કરી દીધું છે કે અહીં બધાં જ શિખાઉ છે. આવું વત્તેઓછે અંશે અગાઉ પણ હતું જ. શિક્ષકોને પગારમાં જ રસ હોય એ આજની શોધ નથી, વિદ્યાર્થી આજે જ ચોરી કરતો થયો એવું નથી, પેપરો આજે જ ફૂટે છે એવું પણ નથી, પણ માથે જે મૂકાતાં હતાં, એ માથાંને શિક્ષણ જોડે લેવાદેવા હતી. એમને શિક્ષણની ચિંતા હતી. આખો કારભાર તુક્કાઓનું પરિણામ ન હતો. આજે સૌથી વધારે ખૂટે છે તે નિસબત !

આજે સૌથી વધારે ભોળપણ કદાચ વાલીઓનું છે ને તેનો ભોગ બને છે વિદ્યાર્થીઓ. શિક્ષણને બધાંએ જ હળવાશથી લીધું હોય ત્યારે વાલીઓએ તેને ગંભીરતાથી લીધું છે. ગંભીરતાથી એ અર્થમાં કે તેણે વાપરેલાં નાણાંનું વળતર તેનાં સંતાનો તેને આપે. કેટલાક વાલીઓ બધી રીતે ઉત્તમ હોય છે, તો કેટલાંક સંતાનોને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ માને છે. વ્યાજ સાથે પાછું આપવાના છે એ ગણતરીએ તેઓ સંતાનોનાં શિક્ષણ પાછળ ખર્ચાય છે, તો કેટલાંક કેવળ લાગણીને કારણે, ફરજ સમજીને સંતાનોનું ઉત્તમ થાય એને માટે વેઠે છે. વિદ્યાર્થીઓમાંનાં પણ કેટલાંક તનતોડ મહેનત કરી શ્રેષ્ઠ દેખાવ કરવા મથે છે, પણ ઘણી વાર આ મહેનત વાલીઓ અને વિદ્યાર્થીઓને પક્ષે નિરર્થક પુરવાર થાય છે, કારણ ઓછી આવડતવાળા એક યા બીજા કારણે આગળ જતાં હોય તો જે ખરેખર મહેનત કરીને આગળ જવા મથે છે તેને ભાગે નિરાશા જ આવે છે.

કેટલુંક ધંધાદારી નીતિને કારણે આ સમયમાં પેધું પડ્યું છે. માબાપોમાં એક આગ ઊઠી છે તે સંતાનોને નાનેથી જ ભણાવી દેવાની ! સારું છે કે એ રીતે એડમિશન આપવાનું હજી શરૂ થયું નથી, નહીંતર બાળકને તેની મમ્મી સ્કૂલમાં જ જન્મ આપે એમ બને. નર્સરી ક્લાસમાં મોકલીને માતાને સંતોષ ન થયો તો હવે પ્રિ-નર્સરી પણ શરૂ થયું છે. બને કે એ પહેલાંનો કોઈ વર્ગ પણ આવનાર વર્ષોમાં શરૂ થાય ને તેમાં ઢગલો ફી આપવા છતાં એડ્મિશનનાં ફાંફાં પડે. ખાસ કરીને આજની મમ્મીઓને પોતાનું બાળક સ્માર્ટ હોય ને ફટાફટ અંગ્રેજી બોલતું થાય તે જોવાની તાલાવેલી છે. તેમાં ઓછું ભણેલી હોય તો આ ઘેલછા થોડી વધારે જ હોય છે. પપ્પા પૈસા આપી છૂટે છે કે બહુ બહુ તો બાળકનાં એડમિશન માટે દોડી વળે છે, પણ પોતાનું બાળક બહુ જ હોંશિયાર બને તે માટે મમ્મીઓ મચી પડતી હોય છે. એ ચારેક વર્ષનાં બાળક પર સ્કૂલમાં જે વીતે તે તો વીતે જ છે, પણ મમ્મીઓ પણ કોઈ કસર છોડતી નથી. બાળકને રમાડવાને બદલે તે ભણાવવા બેસે છે.  તેને આવડે કે ન આવડે, બાળકને બધું જ આવડવું જોઈએ. પપ્પા કંટાળીને આવે તેની સામે મમ્મી બાળક નથી ભણતો એનું પારાયણ માંડે છે. પપ્પા મૂડ પ્રમાણે બાળકને વેતરે છે ને રડીને સૂઈ ન જાય ત્યાં સુધી તેને વીતે છે. ત્રણચાર વર્ષનાં બાળક માટે આ શિક્ષણ નથી, શિક્ષા છે. એનાથી બાળક ખિલતું નથી, કરમાય છે.

આટલું ઓછું હોય તેમ નવું દૂષણ ઉમેરાયું છે તે ટ્યૂશનનું. નર્સરીનું ટ્યૂશન ચાલે છે કે નહીં, તે નથી ખબર, પણ ધોરણ એકથી ટ્યૂશન ચાલે છે તે તો છોકરો ટાંકીમાં ડૂબી ગયો એ ઉપરનાં સમાચારમાં પણ જોયું. એ છ વર્ષનાં છોકરાએ ટ્યૂશને જવું ન હતું ને મમ્મીએ તેને ટ્યૂશને મોકલવાનો આગ્રહ રાખ્યો ને છોકરો ખોયો. ખબર નહીં, માબાપોમાં કયા પ્રકારની ઘેલછા કામ કરે છે, પણ સંતાનને ટ્યૂશને મોકલ્યા વગર તેમને ચાલતું નથી. ક્યારેક બાળક પણ દેખાદેખી ટ્યૂશને જવાની જીદ પકડે છે. એક સમય હતો જ્યારે ખાનગી ટયૂશનનો વાંધો લેવાતો, પણ આજકાલ તો ટ્યૂશન ફરજિયાત જેવું જ છે. એ પાછું હજારો હજારોમાં પડે છે. માબાપો ફી અને ટયૂશન ફીમાં જ ખપતાં રહે છે. સ્કૂલે ભણવાનું ને ઉપરથી ટ્યૂશનમાં પણ જવાનું ને તેમાંથી એક ધોરણના વિદ્યાર્થી પણ બાકાત નહીં? આ બધી રીતે તિરસ્કારને પાત્ર છે. ઊઠીને ઊભાં થતાં બાળકને આટલો ત્રાસ શેને માટે ને કેવાં શિક્ષણ માટે? ભણાવવાને નામે બાળકને તલવારની ધાર પર રાખવાનો આ આખો ઉપક્રમ નિંદનીય છે.

સંતાનોને બધાંમાં જ નબર વન રાખવાનો માબાપોને ચસ્કો લાગ્યો છે. બધાંને પોતાનું બાળક એક નંબર પર જ જોઈએ છે. એક નંબર પર હોય ને એક નંબર પર રહે તેનો વાંધો નથી, પણ બધાં જ તો એક નંબર પર ન હોય ને ! કોઈ બીજે નંબરે પણ આવે, કોઈ નાપાસ પણ થાય, તો તેને માથે પહાડ તોડવાના? કોઈનાં કરતાં બેચાર માર્ક પણ ઓછા આવે તો મમ્મીઓ વલોવાઈ જાય છે. માર્ક ઓછા આવ્યા જ કઇ રીતે એ મુદ્દે બાળક પર ખટલો ચાલે છે ! એ વખતે માબાપ ભૂલી જાય છે કે પોતાનાં એ ઉંમરે કેટલાં માર્કસ આવતા હતા? બાપ એ ઉંમરે નાપાસ થયો હશે, પણ દીકરા પાસેથી તો એ 100માંથી 200 ટકાની જ અપેક્ષા રાખતો હોય છે. એ પણ એવા બાળક પાસેથી જેની રમવાની ઉંમર છે ને તેને સ્કૂલમાં ભણવાની ને ટ્યૂશને જવાની માબાપે ફરજ પાડી છે.

આજના શિક્ષકો ને વાલીઓએ એ સમજી લેવાની જરૂર છે કે જે સંવેદનશીલ છે તે બાળકો ભણતર, ટ્યૂશનને કારણે સખત તાણ અનુભવે છે. તેમાં માબાપ બાળકો સાથે કડકાઈથી વર્તે છે તો બાળક વાતો છુપાવતું અને અંતર્મુખી થતું જાય છે. તેમાં પરીક્ષાનું પરિણામ ધાર્યું ન આવે તો તે ફ્રસ્ટ્રેટ થાય છે ને માર્કસ ઓછાં આવેલા હોવાનું જાણીને માબાપ કેવી રીતે રિએકટ કરશે એ વાતે બહુ જ મૂંઝાય છે ને એમાં ને એમાં આત્મહત્યા પણ કરી લે છે. પરીક્ષાને કારણે આત્મહત્યા કરનારા બાળકોની સંખ્યા વધતી આવે છે તે ચિંતાનો વિષય છે. શિક્ષણ એને માટે કેટલું જવાબદાર છે તેમાં ન પડીએ, પણ શિક્ષણ નિમિત્તે આ બધું થાય છે તે સ્પષ્ટ છે. આમાં ક્યાંક શિક્ષણનો ધંધાકીય અભિગમ ભાગ ભજવે છે એવું ખરું કે કેમ? બધે બધું જ ઉત્તમ હોય એવું ન પણ બને, પણ ગુજરાતમાં શિક્ષણને નિમિત્તે જે થાય છે તે અનેક સ્તરે સુધારણાને પાત્ર છે, બીજું બધું જવા દઇએ તો પણ સાવ નાનાં બાળકોને માથે શિક્ષણનું ને ટયૂશનનું જે ભારણ વધારવામાં આવ્યું છે એ કુદરતી છે કે તંત્રોની ધંધાદારી નીતિની નીપજ છે એટલું વિચારવાની તાતી જરૂર છે. લાગતા વળગતા વિચારશે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઍપ્રિલ 2022

Loading

ડૂમો

બીજલ જગડ|Poetry|22 April 2022

ફાટી ફાટી આંખ ને કંઠે ય ડૂમો
કાળજે મૌન પાંપણે લચકે ડૂમો.

પ્હાડે પ્હાડે ઝરણ ને કંઠે ય ડૂમો,
વાર્તા કરે વાદળ એના વાયરે ડૂમો

ભીની ભીની છાતી કંઠે ય ડૂમો,
કેક્ દરિયા પીધા ધોધની ધારે ડૂમો.

ટીપે ટીપે ડૂબે દુષ્કાળ કંઠે ય ડૂમો,
તરવા નીસર્યા ખાબોચિયાંની ઠાઠે ડૂમો.

યાતાયાત લથબથ કંઠે ય ડૂમો,
ભડભડ કાળું એકાંત રૂંવે રૂંવે ડૂમો.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,5551,5561,5571,558...1,5701,5801,590...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved