Opinion Magazine
Number of visits: 9745202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—6

સુમન શાહ|Opinion - Opinion|19 May 2022

જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :

એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.

ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.

અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.

આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.

માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.

પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.

અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.

સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.

આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.

કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.

જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :

આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.

“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.

કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.

ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)

આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.

ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.

કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !

પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.

= = =

(May 19, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હિંદુઓની શક્તિને પારખવાનો નાનકડો પ્રયાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2022

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વનાં સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ યુગ જુદો હતો અને તેના પ્રશ્નો જુદા હતા. અત્યારની કૉન્ગ્રેસ સત્તાલક્ષી રાજકીય પક્ષ છે, એટલે તે ઓછી ખપની છે એવું નથી. લોકતંત્રમાં નાગરિકોને રાજકીય વિકલ્પ મળવો જોઈએ અને તો જ લોકતંત્ર ટકી શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે દેશના નાગરિકોને વૈચારિક વિકલ્પની પણ જરૂર છે અને એ જરૂરિયાત ઘણી મોટી છે. સત્તાકીય વિકલ્પ લોકતાંત્રિક સંતુલન માટે જરૂરી છે, જ્યારે વૈચારિક વિકલ્પ સામાજિક સન્તુલન માટે જરૂરી છે.

આઝાદીની લડત વખતે કૉન્ગ્રેસના નેતાઓએ વિચાર્યું હતું કે દેશનું ભવિષ્ય સામાજિક સન્તુલન જાળવી રાખવામાં છે અને એ જો જાળવી રાખવું હોય તો સહિયારા ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવું ભારત જેમાં ધર્મ, ભાષા કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ કરવામાં ન આવે. જ્યાં ભેદભાવ હોય ત્યાં બહુમતી કોમની દાદાગીરી હોય અને જ્યાં એક કોમની દાદાગીરી હોય ત્યાં સંઘર્ષ હોય. ઝઘડતી પ્રજા ક્યારે ય બે પાંદડે ન થઈ શકે. ઝઘડતો પરિવાર બે પાંદડે ન થઈ શકે અને વડીલોનાં ડહાપણના પરિણામે બે પાંદડે થયો પણ હોય તો ઝઘડતા વારસો તેને બરબાદ કરી નાખે. આ સનાતન સત્ય છે અને આધુનિક યુગમાં જગતમાં રાજ્યોનાં (નેશન) જેટલાં મોડેલ જોવાં મળતાં હતાં તેમાં સૌથી સફળ મોડેલ સહિયારા સંતુલિત રાજ્યનાં જોવા મળતાં હતાં. માટે કૉન્ગ્રેસના નેતાઓએ સહિયારા ભારતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ભારતની પ્રચંડ વિવિધતા જોતાં ભારત માટે એ વધારે ઉપયુક્ત હતો.

પણ એની સામે કેટલાક હિંદુઓને એમ લાગતું હતું કે કમ સે કમ હવે આઝાદી પછી હિંદુઓને સરસાઈ મળવી જોઈએ. સાવ એકસરખાપણું ન ચાલે. કાયર અને પરાજીત પ્રજાનું જે કલંક હિંદુ પ્રજાને લાગેલું છે એ આધુનિક લોકતંત્રમાં સંખ્યાની તાકાત દ્વારા ભૂંસવું જોઈએ. દેશનું ભાગ્યવિધાન હવે હિંદુઓ કરશે અને તેનો એ હક છે. પહેલીવાર લોહી રેડ્યા વિના આવો મોકો મળી રહ્યો છે એટલે એ ગુમાવવો ન જોઈએ. આવી કલ્પનાનો પણ એક રોમાંચ હતો અને છે એટલે કેટલાક હિંદુઓએ આધુનિક યુગમાં લોકશાહીના માર્ગે એટલે કે સંખ્યાના જોરે હિંદુ સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની રાજકીય પાંખ ભારતીય જનસંઘ / ભારતીય જનતા પક્ષ આને વરેલા છે.

એ સમયે બહુમતી હિંદુઓએ સહિયારા ભારતની કલ્પના સ્વીકારી એટલે અત્યારે જે બંધારણીય ભારત અસ્તિત્વ ધરાવે છે એ આકાર પામ્યું. આનો અર્થ એ નથી કે પ્રત્યેક હિંદુને સહિયારું ભારત કબૂલ હતું. ઘણી મોટી સંખ્યામાં હિંદુઓ હતા જેને સહિયારું-સંતુલિત ભારત કબૂલ નહોતું અને તેઓ હિન્દુત્વવાદી રાજકારણનું સમર્થન કરતા હતા.

જ્યારે લોકતાંત્રિક, સેક્યુલર, સહિયારા સ્વતંત્ર ભારતનાં શ્રી ગણેશ બાજોઠે મંડાયા ત્યારે જ તેનો વિરોધ કરનારો હિંદુઓનો એક વર્ગ અને તેની રાજકીય અભિવ્યક્તિનો રાજકીય મંચ અસ્તિત્વમાં હતા. તેમને સહિયારું ભારત કબૂલ નહોતું એ ઊઘાડી વાત હતી. તેમણે એ વાત છુપાવી પણ નહોતી અને તેમણે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે હિંદુ સરસાઈ ધરાવનારા ભારતની રચના કરવા રાજકીય પક્ષ રચ્યો હતો. એ તો સાદી સમજની વાત છે કે હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર ત્યાં સુધી અસ્તિત્વમાં ન આવી શકે જ્યાં સુધી બંધારણ બદલવામાં ન આવે, કારણ કે બંધારણમાં સહિયારા ભારતની કલ્પના કરવામાં આવી છે.

બન્યું એવું કે કૉન્ગ્રસે સત્તા ટકાવી રાખવા અને બીજું કોઈ સત્તા સુધી પહોંચી ન શકે એ માટે લઘુમતી કોમને ગાજર બતાવીને સહિયારા ભારતની પવિત્ર કલ્પના સાથે ચેડાં કરવા માંડ્યા. આને કારણે હિંદુઓની અંદર ધીરેર્ધીરે આવો અવળો પક્ષપાત જોઇને નારાજગીની ભાવના પેદા થવા લાગી. બીજી બાજુ કૉન્ગ્રેસનો ગઢ તૂટતો નહોતો એ જોઇને નિરાશ થયેલા વિરોધ પક્ષના નેતાઓ વિચારનિષ્ઠા બાજુએ મૂકીને સમાધાનો કરવા માંડ્યા અને એમાં તેમણે જન સંઘ / ભારતીય જનતા પક્ષનો પણ સાથ લેવા માંડ્યો અને આપવા માંડ્યો. સહિયારા સેક્યુલર ભારતને વરેલા વિરોધ પક્ષોના હતાશાગ્રસ્ત નેતાઓને એટલું ભાન ન રહ્યું કે તેઓ જેને મદદ કરી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે તેમને તેમની કલ્પનાનું સહિયારું ભારત સ્વીકાર્ય નથી. સત્તાના રાજકારણમાં ટકી રહેવા માટે અને સત્તા સુધી પહોંચવા માટે અનુક્રમે કૉન્ગ્રેસે અને અન્ય સેક્યુલર વિરોધ પક્ષોએ પ્રજા સાથે વિશ્વાસઘાત અને રાષ્ટ્ર સાથે બંધારણઘાત કર્યો હતો. આને પરિણામ સામે છે.

સામાન્ય પ્રજાની વાત કરીએ તો આઝાદી પહેલાંથી હિંદુઓનો એક વર્ગ હિંદુ સરસાઈવાળા ભારતની કલ્પનાનું રોમાંચ અનુભવતો હતો. એ વર્ગ પ્રમાણમાં નાનો હતો. એમાં કૉન્ગ્રેસનું અવળા પક્ષપાતવાળું રાજકારણ અને વિરોધ પક્ષનું સિદ્ધાંતહીન રાજકારણ જોઇને નારાજ થયેલા થોડા હિંદુઓનું ઉમેરણ થયું હતું. મૂળ હિન્દુત્વવાદીઓ અને ઉમેરાયેલા નારાજ હિંદુઓએ મળીને ભા.જ.પ.ને આજની સ્થિતિએ પહોંચાડ્યો છે. એ વાત ન ભૂલવી જોઈએ કે હિંદુ ઉમેરણ કરી આપવાનું પાપ કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ કર્યું છે, પણ એમાં સૌથી મોટું પાપ કૉન્ગ્રેસનું છે.

સામાન્ય હિંદુ પ્રજાને લાગેવળગે છે ત્યાં સુધી આજે જે સ્થિતિ પેદા થઈ છે તેનો આ એક પક્ષ છે. બીજો વધારે મહત્ત્વનો પક્ષ એ છે કે કૉન્ગ્રેસના પક્ષપાત છતાં ય, પ્રજાકીય સન્તુલન સાથે ચેડાં કર્યા હોવા છતાં ય, કૉન્ગ્રેસમાં પરિવારવાદ હોવા છતાં ય, ભ્રષ્ટાચાર છતાં ય અને બીજા સેક્યુલર રાજકીય પક્ષોએ ભદ્દા સમાધાનો કર્યા હોવા છતાં ય બહુમતી હિંદુઓએ સહિયારા સંતુલિત બંધારણીય ભારતમાંની નિષ્ઠા ગુમાવી નથી. હતાશ થવા માટે અને ગુસ્સો કરવા માટે પર્યાપ્ત કારણો હોવાં છતાં ય આજે પણ દસમાંથી કમ સે કમ છ હિંદુઓ એવા છે જેમને હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી. કાળાં વાદળમાં રૂપેરી કોર આ છે. હિંદુ રાષ્ટ્રવાદીઓનો મુકાબલો આજે રાજકીય સ્તરે ભલે જોઈએ એટલા પ્રમાણમાં ન થતો હોય, નાગરિક સ્તરે પ્રચંડ પ્રમાણમાં થઈ રહ્યો છે અને પૂરી નિષ્ઠા સાથે થઈ રહ્યો છે. એકલા એકલા અદના હિંદુઓ હિંમતપૂર્વક ઝઘડી રહ્યા છે. કોઈ આધાર નહીં હોવા છતાં, પોતાની તાકાતે. સરકાર રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ રાજકીય પક્ષો સામે નથી કરી રહી, વિવેકી હિંદુઓ સામે કરી રહી છે. તેમને ડરાવવા અને અંકુશમાં રાખવા જરૂરી છે. હિંદુરાષ્ટ્ર સામે ખરો ભય ક્યાંથી છે એ તેઓ જાણે છે.

આ એક મૂક પણ પ્રચંડ શક્તિ છે જેનો રાજકીય ઉપયોગ કરવો જોઈએ. કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ સામાધાનોવાળું અનીતિનું રાજકારણ કર્યું હોવા છતાં ય ૬૦ ટકા હિંદુઓ હજુ ય તેમની પડખે ઊભા છે અને ઊભા રહેવા તૈયાર છે. આ સંખ્યાની શક્તિ નથી, વિવેકની શક્તિ છે અને વિવેકની શક્તિ વધારે પવિત્ર હોય છે. આ પાવક જ્વાળા છે. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એ સનાતન સત્ય આવા વિવેકી હિંદુઓ સમજે છે. પરમેશ્વરનો અર્થ અહીં કલ્યાણ કરો. તેઓ દેશહિતમાં, તેમના પોતાના હિતમાં અને પોતાનાં સંતાનોના હિતમાં નિરાશાજનક સ્થિતિમાં પણ વિવેક જાળવીને બેઠા છે અને તેને છોડતા નથી. કલ્પના કરો આ કેટલી મોટી શક્તિ છે કેટલી રચનાત્મક શક્તિ છે!

કૉન્ગ્રેસની ઉદયપુરની ચિંતનશિબિરની જો કોઈ ઉપલબ્ધિ હોય તો એ એટલી જ કે તેમાં બહુમતી હિંદુઓની આ વિવેકપૂર્ણ રચનાત્મક શક્તિને પારખવાનો પ્રયત્ન કોંગ્રેસપતન પછી પહેલીવાર પ્રયાસ કર્યો છે. આ તો એક નાનકડો પ્રયાસ છે, મઝલ બહુ લાંબી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 મે 2022

Loading

પ્રવર્તમાન સ્થિતિ, રાષ્ટ્રવાદ ને ટાગોર

કિરણ કાપુરે|Opinion - Opinion|18 May 2022

છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદના નામે દેશમાં જે થઈ રહ્યું છે તેની અસર વિપરીત દેખાઈ રહી છે. આપણી આસપાસની શાંતિ હણાઈ છે, અનિશ્ચિતતા વધી છે અને સ્થિરતા જોખમાઈ છે. સમાજમાં એક વર્ગની સુરક્ષિતતાથી શાંતિ ન સ્થપાઈ શકે. સૌને તેની અનુભૂતિ થવી જોઈએ. સંકુચિત ખ્યાલનો રાષ્ટ્રવાદ અત્યારે હાવી થઈ રહ્યો છે ત્યારે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદને સંદર્ભે આપેલું દર્શન પર નજર કરીએ તો રાષ્ટ્રવાદના ખોટા ખ્યાલની અસ્પષ્ટતા દૂર થાય અને સાચી દૃષ્ટિ કેળવાઈ શકે. ટાગોરનો 7મી મેના રોજ જન્મતિથિ આવે છે અને આ સંદર્ભે તેમનો રાષ્ટ્રવાદ સંદર્ભેના વિચારો જાણીએ. …

‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્‌કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.”

ઑક્સફોર્ડ ડિક્ષનરીમાં રાષ્ટ્રવાદને બે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. એક – સમાન જાતિ, સંસ્કૃતિ અને ભાષાનું આદાનપ્રદાન કરનારાં લોકોનો સમૂહની સ્વતંત્ર્ય રાષ્ટ્ર નિર્માણ કરવાની ઇચ્છા. અને બીજી – પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને ગર્વની ભાવના, અને એવી ભાવના રાખવી કે પોતાનો દેશ અન્ય દેશોથી શ્રેષ્ઠ છે. તે પછી પ્રસ્તાવનામાં અનુવાદક આ સંદર્ભે વધુ પ્રશ્નો ઉઠાવતાં લખે છે કે, “શું ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશપ્રેમ’ અથવા તો ‘દેશભક્તિ’ શબ્દમાં કોઈ અંતર છે? વર્તમાન રાજકીય વ્યવસ્થામાં રાષ્ટ્રવાદથી વધુ સારો કે શ્રેષ્ઠ કોઈ વિકલ્પ છે? રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો અને રાષ્ટ્રવાદી હોવું એ એક જ બાબત છે? રાષ્ટ્રવાદ રાજકીય સાધન માત્ર છે? રાષ્ટ્રવાદ અને માનવતાવાદમાં કઈ બાબત શ્રેષ્ઠ કહી શકાય? રાષ્ટ્રવાદી અન્ય દેશો પ્રત્યે આપણને વધુ નિષ્ઠુર બનાવે છે?…” આવાં અનેક પ્રશ્નોનાં સંદર્ભે ટાગોરના ભાષણોમાં તેના ઉત્તર મળે છે.

પશ્ચિમી જગતને પહેલાં તો એ સંદેશો આપતાં કહે છે : “પશ્ચિમે પોતાના સ્વાર્થ ખાતર શક્તિનો ઉપયોગ કરીને પોતાને પૂરા વિશ્વ માટે અભિશાપ ન બનવું જોઈએ. બલકે અશિક્ષિતોને શિક્ષણ આપીને, અને નબળાઓની મદદ કરીને તેમને ભવિષ્યના જોખમથી સુરક્ષિત કરવા જોઈએ. કારણ કે નહીંતર શક્તિશાળી જ નબળાઓને એ માટે મજબૂર કરે છે કે તેઓ જ એક થઈને પોતાનો બચાવ કરે. અને પોતાના ભૌતિક સુખસગવડને જ અંતિમ સત્ય ન માનવું, બલકે તેનાથી મુક્તિ મેળવીને જ તેની સેવા વ્યાપક બનાવવી જોઈએ.” પછી તેઓ રાષ્ટ્રની વાત રજૂ કરે છે અને કહે છે : “હું કોઈ રાષ્ટ્રના વિરોધી નથી. બલકે તમામ રાષ્ટ્રોની વિચારનો હું વિરોધી છું. રાષ્ટ્ર ખરેખર છે શું?” એને લઈને તેઓ કહે છે : “રાષ્ટ્રનો અર્થ છે – તમામ લોકોની સંગઠિત શક્તિ. સંગઠનનું જોર હંમેશાં એ વાત પર રહે છે કે તમામ લોકો શક્તિશાળી અને સમર્થ બને. શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી આ અતિ ઉત્સાહ મનુષ્યની ઉર્જાને સારી પેઠે નિચોવી કાઢે છે અને પછી તે સમૂહને નૈતિક સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”

વિશ્વનું કોઈ પણ મસમોટું સંગઠન લો, તેનું સ્વરૂપ ટાગોરે જે આલેખ્યું આપ્યું છે તેનાથી વેગળું હોતું નથી. તેમણે કહ્યું છે તે જ રીતે મશીનની જેમ તે ચાલે છે અને તેમાં માનવતાના જ કચ્ચરધાણ નીકળે છે. રાષ્ટ્રવાદ કે અન્ય સંગઠનનાં નામે આ પૂરી વ્યવસ્થા કેમ ટકે છે તેનું પણ કારણ આગળ ટાગોર આપે છે : “આ રીતે વ્યવસ્થામાં એક અહંકાર પણ જન્મે છે અને આ અહંકાર તેમને કર્તવ્યનો અમલ કરવાનું હોય છે. સ્વભાવથી ન્યાયપ્રિય અને સારાં લોકો પણ કર્મ અને વિચારોથી નિર્દયી અને અન્યાયી હોઈ શકે છે. અને વધુમાં તેઓ એવો પણ વિચાર કરે છે કે આ રીતે તે દુનિયાને કર્મફળ પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છે. સ્વભાવ અને કર્મથી પ્રામાણિક લોકો આત્મોત્કર્ષ માટે બીજાના માનવઅધિકારોને છીનવી શકે છે. અને ગરીબો પર દોષારોપણ કરીને એવું ઠસાવી શકે છે કે આનાથી વધુ સારો વ્યવહાર માટે તે યોગ્યતા નથી ધરાવતા.”

માણસના સ્વભાવ અને વ્યવહારને ટાગોરે સચોટ રીતે આલેખિત કરી આપ્યો છે અને તેમાં તેમણે તમામ પાસાંને ખોલી આપ્યા છે. જેમ કે આગળ તેઓનું કહેવું છે કે, “આપણાં રોજિંદા જીવનમાં આપણે જોયું છે કે વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા નાનાં નાનાં સંગઠન પણ લોકોમાં કઠોર ભાવનાઓ રોપે છે. આપણે સરળતાથી અનુમાન કરી શકીએ છીએ કે જ્યારે દુનિયાના તમામ લોકો રૂપિયા અને સત્તાને મેળવવા દોટ લગાવશે ત્યારે વિશ્વમાં કેવું નૈતિક પતન થશે.”

દુનિયાના કેટલાંક વ્યવહાર-નિયમ શાશ્વત છે અને તેને ટાગોરે બખૂબી દાખવી આપ્યા છે. તેમના આ દર્શનને એક સદીથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આપણી આસપાસનું વાતાવરણમાં આજે પણ તેમના દર્શનનાં વિશ્વને જોઈ શકીએ છીએ. વિશેષ કરીને તેમણે દાખવેલી રાષ્ટ્રવાદીની બદીઓ આજે વધુ નજરે પડી રહી છે. અને એટલે જ તે વખતે ય તેમણે કહ્યું હતું : “રાષ્ટ્રવાદ એક મોટું સંકટ છે. આ વર્ષોથી ભારતની અનેક સમસ્યાઓનું કારણ છે.” આ વિધાન ભારત આઝાદ નહોતું ત્યારનું છે અને તેમાં તેમણે શાસકોના રાષ્ટ્રવાદની વાત કહી છે, પરંતુ આજે તે જ માર્ગે વર્તમાન ભારત આગળ ધપી રહ્યું છે.

ટાગોરના વિચારોનું આલેખન નોબલ સન્માન મેળવનારાં અમર્ત્ય સેને પણ ‘અર્થતંત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ’ પુસ્તકમાં કર્યું છે. તેઓ લખે છે : “ટાગોર આઝાદીના આંદોલનમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પણ વિરોધી હતા. એ જ કારણે તેમણે સમકાલિન રાજકીય કાર્યક્રમોમાં ભાગ ન લીધો. તેઓ ભારતની આઝાદી ઇચ્છતા હતા પરંતુ વિશ્વના અન્ય હિસ્સામાંથી જે શીખી શકાય તે શીખવા પણ ઇચ્છુક હતા. તેમને ભય હતો કે પશ્ચિમને નકારીને આપણે પૂર્ણ રીતે ભારતીય પરંપરાનો અમલ કરીને પોતાને ખૂબ સંકુચિત બનાવી દઈશું. ટાગોરનો આવા રાષ્ટ્રવાદ પ્રત્યે વિરોધ સતત વધતો રહ્યો. વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝને 1908માં લખેલાં એક પત્રમાં ટાગોર લખે છે : ‘દેશભક્તિ એ આપણો અંતિમ આધ્યાત્મિક આશ્રય ન હોઈ શકે – મારો આશ્રય તો માનવતા હશે. હું હીરાના કિંમતમાં ચમકતાં પથ્થર નહીં ખરીદું. અને જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી દેશભક્તિનો માનવતા પર વિજય નહીં થવા દવું.’” અને ‘ઘરે બાઈરે’ નામની તેમની નવલકથાના પાત્ર નિખિલ પણ અંત સુધી જે કહે છે તેમાં ટાગોરના દૃષ્ટિબિંદુને વિવેચકોએ જોયો છે. તેમાં નિખિલ કહે છે : “હું મારા દેશની સેવા કરવા તૈયાર છું. પરંતુ હું પૂજારી તો સત્યનો જ રહીશ. તેને દેશથી પણ હું મૂકું છું. પોતાના દેશને ઈશ્વર બનાવીને પૂજવો તે તેને અભિશાપ આપવા બરાબર છે.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,5501,5511,5521,553...1,5601,5701,580...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved