Opinion Magazine
Number of visits: 9745449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2022

સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.

બીજી એક ઘટના એવી છે જેમાં ચૌદ વર્ષની દીકરી સાથે સગો બાપ જ મહિનાઓથી છેડછાડ કરે છે. દીકરીને લાગ્યું કે માને કહીશ તો તે સાચું નહીં માને એટલે તેણે ચાઇલ્ડ હેલ્પ લાઇનની મદદ લીધી. બાપ સગી દીકરીને પરાણે ભોગવે એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે એટલે લાગણી, વાત્સલ્ય કઇ હદે દાવ પર લાગ્યાં છે તે સમજી શકાય એવું છે. આમન્યા, મર્યાદા ન જાળવવાથી જ સુધરેલા ગણાઈએ એવું ચિત્ર ઘણા સમાજમાં ઉપસે છે. બાપ-દીકરી કે મા-દીકરાનો પ્રેમ હજી નિર્મૂળ થયો નથી, પણ આવી ઘટનાઓ આવનાર ભવિષ્ય માટે દહેશત જગાવે તેવી છે. જગતમાં સારું હજી છે, પણ જે ગતિથી નિર્લજ્જતા, નાલાયકી અને નફફટાઈનો વધારો થઈ રહ્યો છે તે ચિંતા ઉપજાવનારો છે.

એક ઘટના મધ્ય પ્રદેશના મનાસાના નિમચની છે. રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ પૂજા માટે ચિત્તોડગઢ ગયો હતો. ત્યાં સરપંચનો 65 વર્ષનો અસ્થિર મગજનો દીકરો ભંવરલાલ જૈન 16 મેએ પૂજા પછી ગુમ થઈ ગયો. એનો ગયા ગુરુવારે, મનાસા પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટરને અંતરે, મૃતદેહ મળી આવ્યો. આ વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં ભંવરલાલને એક માણસ ધડાધડ તમાચાઓ ઠોકે છે. વૃદ્ધ તેને રોકવાની કોશિશ કરે છે, પણ પેલો માણસ માર્યે જ જાય છે. એવો આરોપ એ માણસ પર છે કે એના મારથી વૃદ્ધનું મૃત્યુ થયું છે. પોલીસ ફરિયાદ થઈ છે. આ આરોપી બી.જે.પી. નેતા છે ને મરનાર ભંવરલાલ પણ બી.જે.પી. નેતાનો ભાઈ છે. આરોપીએ ભંવરલાલને ધડાધડ તમાચાઓ એટલે માર્યા કે તેને શક હતો કે તે મુસલમાન છે. તેણે ભંવરલાલ પાસેથી આધારકાર્ડની માંગણી કરી, પણ અસ્વસ્થ મનોદશાને કારણે ભંવરલાલ સાચી ઓળખ ન આપી શકયો. મારનાર બી.જે.પી. નેતાની ઓળખ દિનેશ કુશવાહા તરીકે થઈ છે. તે ભા.જ.પ. યુવા મોરચા અને જિલ્લા નિગમમાં પદાધિકારી છે. તેની પત્ની મનાસા નગરપરિષદમાં ભા.જ.પ.ની જિલ્લાધિકારી છે. આરોપીએ જ વીડિયો વાયરલ કર્યો જે ભંવરલાલના સંબંધીઓની નજરે ચડયો ને એને આધારે પોલીસે દિનેશની ધરપકડ કરી છે. જૈન સમાજ અને પરિવારજનોની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે કલમ 302 અને 403 આરોપી પર લગાવી છે.

એ ખરું કે સચ્ચાઈ, અચ્છાઈ હજી બચી છે, પણ આ અને આવી ઘટનાઓ પરથી એમ લાગે છે કે હોદ્દાની, ઉંમરની કોઈને જરા જેટલી પણ શરમ નડતી નથી. ખબર નહીં, પણ કેમ, કારણ વગરની તુમાખી, બદમાશી, હલકટાઈ બતાવવાનું ઝનૂન હાલની પ્રજામાં સામાન્ય થઈ પડયું છે. પૈસાનો, સત્તાનો છાક એવો છવાયો છે કે રાઈ, રસોઈમાં વપરાવાને બદલે મગજમાં ભરાઈ ગઈ છે. એક રેસિડેન્શિયલ ડૉક્ટર પણ હોસ્પિટલ પોતાને નામે ચડી ગઈ હોય તેમ ગમે તેને દબડાવતો થઈ જાય છે. એને એ ખબર જ નથી પડતી કે પોતે સિવિલનો એક ડૉક્ટર છે ને તેને કોઈ અધિકાર નથી પહોંચતો, દરદીને એમ ધમકાવવાનો કે પૈસા નહીં મળે તો નાખેલો સળિયો પગમાંથી ફરી કાઢી લેવાશે. એક ડૉક્ટર આવી વાત કરી જ કઇ રીતે શકે? ડૉક્ટર આટલો બધો પોતાના ધંધાથી ડિટેચ્ડ ને મતલબી હોઈ શકે? એનામાં સંવેદના જેવું કૈં હોય જ નહીં એ કેવું? એનામાં ને ટપોરીમાં કોઈ ફેર જ નહીં? જો કે, બધા એવા નથી તે આશ્વાસન છે, પણ ચિંતા પણ છે જ કે બધા આવા થઈ રહ્યા છે. ડોકટરોને દરદીઓ પણ ધાકધમકી આપે છે ને તેમના પર હુમલાઓ પણ કરે છે, એ જો ખરાબ હોય તો ડોકટરો ધમકી આપે એ પણ એટલું જ ખરાબ છે.

સ્ત્રીઓ અનેક રીતે શોષણનો ભોગ થતી આવી હોય ત્યાં બાપ જ ઊઠીને દીકરીને બગાડે એ તો બધી રીતે અક્ષમ્ય છે. તેને થઈ શકે તેવી મહત્તમ સજા થવી જ જોઈએ. જે દીકરી માટે સૌથી મોટું આશ્વાસન હોય, જેની છાયામાં દીકરી સૌથી વધુ નિર્ભય હોય એ છાયા આટલી દાહક કેવી રીતે હોય? બીજાના ત્રાસથી થાકીને જે દીકરી બાપની છાયામાં દોડી આવતી હોય એ જ છાયા અગ્નિસંસ્કારની ગરજ કેવી રીતે સારી શકે? સામાજિક સંબંધો ને વાત્સલ્ય દાવ પર લાગ્યાં હોય એવા દિવસોમાં આપણે જીવી રહ્યાં છીએ. એમ લાગે છે કે બહારથી બધું ટાપટીપવાળું છે, પણ અંદરથી બધું સડી ગયું છે.

દેખાડાનો યુગ ચાલે છે. એમ લાગે છે કે બધાં જ પોતાની વેચાણકિંમત લગાવીને બજારમાં વેચાવા ઊભાં છે. બધાં જ પોતાનો ભાવ ઉપજાવવા બોલી લગાવી રહ્યા છે. આમ જેનું કૈં ઉપજે એમ નથી તે વધારે બૂમાબૂમ કરે છે. આવી હલકટાઈનો મોટો ફાલ ઊતરી રહ્યો છે. સાધારણ નેતા, જે કોઈ મોટા હોદ્દે પણ નથી ને હોય તો પણ તેને, તેનાથી મોટી ઉંમરના વૃદ્ધને તમાચા મારવાનો શો અધિકાર છે ને તે પણ કઇ વાત પર? ભા.જ.પ.ના દિનેશ કુશવાહાને શક હતો કે ભંવરલાલ મુસલમાન છે. તેની પૂછપરછ કરવાનું દિનેશ કુશવાહાને કયું કારણ હતું તે નથી ખબર. એવી પૂછપરછ વાતચીત પૂરતી સીમિત હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ધડાધડ તમાચા મારવા સુધી પહોંચે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. ધારો કે કુશવાહાને  કોઈ વાતે શંકા હોય તો તે પોલીસને સોંપી શકે, પણ તે પોતે હિંસક ન્યાય કરવા બેસે એ જંગાલિયતનો નિર્લજ્જ નમૂનો છે. ભંવરલાલ કોણ છે એ નક્કી કરવાનું કોઈકે એને સોંપ્યું હતું કે એને એમ જ શૂરાતન છૂટ્યું હતું ને તેણે વૃદ્ધનો જીવ લીધો એ નથી ખબર. કોઈ મુસ્લિમ હોય એટલી શંકા પરથી તેને મારવા કેમ લેવાય? એ હિન્દુ હોય કે મુસલમાન કે કોઈ પણ કોમનો જ કેમ ન હોય, એની સાથે દિનેશને લેવાદેવા જ શી હતી? એ મુસલમાન હોય તો પણ એને શું દુખતું હતું તે નથી સમજાતું. મુસ્લિમ સમજીને ભંવરલાલને દિનેશે માર્યો ને એ ભા.જ.પ.નો જ સંબંધી નીકળ્યો તો એને એ હવે જીવતો કરી શકે એમ છે? જો નહીં, તો એનો જીવ લેવાનો એ નેતાને શો અધિકાર હતો? એ અધિકાર એને આપ્યો કોણે? એ આપનારે એને જીવ લેવાની સત્તા પણ આપી હતી કે શું?

છેલ્લા થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અમુકતમુક પક્ષના હોવા માત્રથી ઉદ્ધતાઈથી, બેશરમીથી, તુમાખીથી વર્તવાનું જાણે લાઇસન્સ મળી ગયું હોય તેમ પક્ષના કાર્યકરો વર્તી રહ્યા છે. એમાં હોદ્દો જેટલો નાનો તેટલો રુઆબ મોટો. ઉચ્ચ હોદ્દે બિરાજનારા આટલા છીછરા ભાગ્યે જ કોઈ હશે, પણ નાનાં હોદ્દે બેસનાર વધારે વહેમથી પીડાતા હોય છે. બધું સુધારી દેવાનું એમને જ કહી દેવાયું હોય તેમ અમસ્તા જ આ સજ્જનો કોલર ઊંચા રાખતા થઈ જાય છે ને ઘાટ ગાડાં નીચે ચાલતાં કૂતરાથી બહુ જુદો હોતો નથી. એમને એમ જ લાગે છે કે પક્ષ એને લીધે જ છે. આ સારું નથી. એમાં એમનું તો ખાસ બગડતું નથી, પણ પક્ષની ઇમેજને એથી ધોકો જરૂર પહોંચે છે. પક્ષના મોવડી મંડળે પણ આવાં છીછરાં તત્ત્વોને ઓળખીને તેમને  નિયંત્રિત કરવા જોઈએ. વાત, દિનેશ કુશવાહા પૂરતી કે અહીં નિર્દેશી એટલી ઘટનાઓ પૂરતી જ સીમિત નથી, એવા ઘણાં છે જેમને એમ જ લાગે છે કે પક્ષે તેમને હિટલર બનવાનો પરવાનો આપી દીધો છે ને હવે એ ધારે તેને ગેસ ચેમ્બરમાં ધકેલી શકે એમ છે. આવાં માણસો ન્યાય ગજવામાં લઈને ફરે છે ને ગમે તેનો ન્યાય રસ્તામાં જ કરી નાખે છે. ભંવરલાલનું મોત એનો તાજો દાખલો છે. રાજકીય પક્ષોએ એ જોવાની જરૂર છે કે તેના કાર્યકરો બેફામરીતે ન વર્તે.

ને પક્ષ કે કોઈ કહે તો જ આપણને સમજાય એ કેવું? એક સાધારણ માણસ પોતે ન સમજી શકે એવી અઘરી બાબત છે આ? ડૉક્ટરને એ ભણાવવું પડે કે દરદી એને ભગવાન માને છે તો એ ભગવાન પાસે મોકલી આપવા જેવી અભદ્રતા ન જ દાખવે કે બાપને એ કહેવું પડે કે કમ સે કમ દીકરીને તો દીકરી રહેવા દે ! સામેનો માણસ હિન્દુ છે કે મુસ્લિમ એ નક્કી કરવાનું ફરજમાં ન આવતું હોય તો કોઈ પક્ષના હોવા માત્રથી કોઈ પણ એવી દાદાગીરી કે ગુંડાગીરી ન જ કરી શકે જે તેને ને તેના પક્ષને જોખમમાં મૂકે.

ખરેખર, સારા થવું આટલું ખરાબ તો ક્યારે ય ન હતું !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2022

Loading

રામભક્ત રંગબાજ : કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

કિરણ કાપુરે|Opinion - Opinion|23 May 2022

રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે, અને અત્યારે તે નામ ચર્ચામાં છે, તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર છે અને તેઓ દેશના ગ્રામિણ પરિવેશથી માંડીને શહેરી ચમકદમક ભર્યાં જીવનને સારી રીતે સમજે છે. તેમનાં પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટી.વી. ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે. આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગલેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.

હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુકલ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવાં નામો તેમાં તરત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ-મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલાં તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલાં જાતભાતનાં વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરા ય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે. અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલાં સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે. વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે. અને આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત ‘રામભક્ત’ છે. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ લીધું. માટે જ તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પણ આસ્થા ધરાવે છે. જો કે પાંડે પાસેથી શિક્ષણ લેતાં લેતાં સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે. અને તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેનાં કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.

આપણા દેશના કોઈ પણ નાનાં શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છે. જેમાં દોસ્તી છે, સહભાગિતા છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ-મુસ્લિમોના ઝઘડા થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સીમિત છે.

આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજનો આ માહોલમાં ભંગ ત્યારે પડે છે, જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતાંવેત જ ભા.જ.પ.ને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે, પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાનાં-નાનાં નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ-મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ-મુસ્લિમ તરીકે જોવા લાગ્યા. અને તેમાં પિસાય છે પહેલાં આશિકનું દરજીકામ અને પછી તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાંથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. અને એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?”

ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાંક સંવાદ સમાજનું પરિદૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે : “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું : “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે, જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી છે. એક તરફ  ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બૂ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈના રંગ પૂર્યાં છે. જો કે હિંદુ મિત્રોની જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત કરી શકે છે. પરંતુ તેના આ વિજય વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો. અને તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરુણ અંજામ આવે છે.

નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતી કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશાં થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, રામનો માર્ગ પીડાનો છે. આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. આ નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ જતાં પહેલાં તે પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી નિરાશા અનુભવે છે. પરંતુ તેમ છતાં દેશ છોડતાં પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાગે પગંબર કે વારિસ હમેશા કે લિએ સુખી હો ગયે? શાંતિ કી ખાતિર કૃષ્ણ ને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હમેશા કે લિએ સમુદ્ર મે સમા ગઈ.”

e.mail : kirankapure@gmail.com

Loading

સંઘ કાંઈ બધું નથી. અદાલતના દ્વાર ખખડાવો, અપવિત્ર કામ કરનારાઓને ઉઘાડા પાડો.

રમેશ ઓઝા|Opinion - Opinion|22 May 2022

કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આંધણ મુકાઈ ગયા છે અને મથુરાની મસ્જિદમાં આંધણ મુકવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતે જી.એસ.ટી. વિષે જે ચુકાદો આપ્યો છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે; એટલે પહેલાં એના વિષે ચર્ચા કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્યો કરવસૂલી વિષે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે અને એમાં કેન્દ્રની મંજૂરી કે સંમતિ જરૂરી નથી. ભારત એક સંઘરાજ્ય છે અને સંઘરાજ્યનો અર્થ જ પરસ્પર સહયોગ થાય છે. રાજ્યો ભારતીય સંઘના ઘટક છે, આશ્રિત નથી.

હકીકતમાં દેશમાં આજે જે બની રહ્યું છે એ સમજવું હોય તો કમ સે કમ આઠ દાયકા પાછા ફરવું જોઈએ, જ્યારે નજીકના ભવિષ્યમાં દેશને આઝાદી મળશે એ સ્પષ્ટ થઈ ગયું હતું અને સ્વતંત્ર ભારતનું સ્વરૂપ કેવું હશે એ વિષે ચર્ચા શરૂ થઈ હતી એટલું જ નહીં, સ્વતંત્ર ભારતને આકાર આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક તેના મુખપત્રોમાં વખતોવખત તેની ભૂમિકા માંડતો હતો. એ પછી ગાંધીજીની હત્યા થઈ, સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો, ચોક્કસ બાંયધરીઓ પછી એ પ્રતિબંધ ઉઠ્યો ત્યારે સંઘને લાગ્યું કે આપણો પોતાનો રાજકીય પક્ષ હોવો જોઈએ અને સંઘે ભારતીય જનસંઘની સ્થાપના કરી. એ સમયે સંઘને એમ લાગતું હતું કે હિંદુઓને હિંદુહિત શેમાં છે એ વાત શબ્દ ચોર્યા વિના ફોડ પાડીને કહેવી જોઈએ. આખરે તેમના હિતની વાત છે એટલે આજ નહીં તો કાલે તેમને એ વાત સમજાશે જ અને આપણી સાથે આવશે. આ સિવાય ભારતનાં વિભાજનનું પાપ કાઁગ્રેસને માથે છે એટલે એનો પણ લાભ મળશે અને લોકો હિંદુઓ આપણા તરફ વળશે.

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘ એ સમયે પોતાની વિચારધારા અને એજન્ડાને અત્યાર કરતાં પ્રમાણમાં વધારે પ્રામાણિકતાપૂર્વક વાચા આપતા હતા. નાગરિકત્વનું સ્વરૂપ, લોકતંત્ર, સંઘરાજ્ય, રાષ્ટ્રભાષા, સ્ત્રી-પુરુષ સમાનતા, ચાતુર્વર્ણ્ય, હરિજનોને ન્યાય, અનામત, સ્ત્રીઓ અને પછાત કોમોને અન્યાય કરનારા હિંદુઓના પારંપારિક રિવાજો, ઇતિહાસલેખન વગેરે બાબતે એ સમયે સંઘ અને સંઘનો પક્ષ પોતાની બાજુ રાખતા હતા. તેમને એમ હતું કે કાઁગ્રેસના રાજકીય દૃષ્ટિકોણ સામેનો હિંદુ રાષ્ટ્રનો વૈકલ્પીક દૃષ્ટિકોણ પણ લોકોની નજરમાં આવશે અને ધીરેધીરે હકની રાજકીય જગ્યા બનતી જશે.

પણ એવું બન્યું નહીં. ૧૯૬૨માં ત્રીજી વાર કાઁગ્રેસનો પ્રચંડ વિજય થયો એ પછી સંઘને એમ લાગ્યું કે આપણે આપણી વાત સ્પષ્ટપણે કહેતા રહીશું તો ગજ વાગવાનો નથી. હિંદુઓએ તો ગાંધી-નેહરુની કલ્પનાનું ભારત અપનાવી લીધું છે એટલે હવે આપણે આપણી ભાષા અને રજૂઆત બદલવાં જોઈએ. એ પછી એજન્ડા છૂપાવવાનું, અનેક મોઢે બોલવાનું, ભ્રમમાં નાખવા માટે ગોળગોળ બોલવાનું, સવાયા લોકતાંત્રિક બનીને ફરવાનું, સાચા અને સવાયા સેક્યુલર હોવાનો દાવો કરવાનું, સવાયા ફેડરલિસ્ટ હોવાનો દાવો કરવાનું અને બીજા અનેક પ્રકારના સોંગ રચવાનું શરૂ થયું. ટૂંકમાં હમ ભી ડીચ કહીને અવદીચોની નાતમાં પ્રવેશવાનું શરૂ કર્યું. આ બાજુ વિરોધ પક્ષોના અવદીચો પણ એટલા જ હતાશા એટલે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા એમ કહીને તેમણે જનસંઘીઓને સાથે લેવા માંડ્યા. આ બધું પહેલાં નહોતું એવું નથી, ૧૯૬૨ પછી બહુ વ્યવસ્થિત રીતે એક પ્રકારની ભ્રમજાળ રચવામાં આવી.

મુંબઈમાં ‘રામભાઉ મહાલગી પ્રબોધિની’ નામની સંઘની એક સંસ્થા છે, જે ડોકયુમેન્ટેશનનું કામ કરે છે. અત્યારે બી.જે.પી.ના રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે તેમાં કર્તાધર્તા હતા. મેં એકવાર ત્યાં જઇને વિનય સહસ્ત્રબુદ્ધેને કહ્યું કે મારે સંઘની સ્થાપનાથી લઈને ૧૯૬૨ સુધીનું સંઘસાહિત્ય (પુસ્તકો નહીં ઠરાવો, વક્તવ્યો, મુખપત્રોમાં માંડેલી બાજુઓ વગેરે) જોવું છે. તેમના કાન તરત સરવા થયા. ૧૯૬૨ પહેલાંનાં જ દસ્તાવેજો શા માટે? એ પછી હું કોણ છું, શું કરું છું વગેરે તમામ પ્રકારની માહિતી માગી હતી. મેં તેમને કહ્યું હતું કે મારે અસ્સલ સંઘ અને અસ્સલ એજન્ડા સમજવો છે. તમે ઉપલબ્ધ નહીં કરો તો અલગ અલગ જગ્યાએ ભટકવું પડશે એટલું જ. તેમણે સંઘપરિવારની પારદર્શકતા વિષે થોડું ભાષણ આપ્યું અને મને જે સાહિત્ય જોવું હતું એ જોવા આપ્યું.

અસ્સલ સંઘે તેના અસ્સલ એજન્ડામાં ભારતીય સંઘરાજ્ય અથવા સમવાય ભારતને નકાર્યું છે. એક રાષ્ટ્ર એક પ્રજા, એક રાષ્ટ્ર એક ભાષા, એક રાષ્ટ્ર એક કાનૂન, એક રાષ્ટ્ર એક સત્તાકેન્દ્ર વગેરે સંઘના અસ્સલ એજન્ડાનો ભાગ છે. એક સમયે જ્યારે હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક …’ની બાંગ સાંભળીને ગદગદ નહોતા થતા ત્યારે તેને છુપાવવામાં આવ્યા હતા અથવા એક વાતના અનેક અર્થ નીકળે એમ બોલવાનું શરૂ કર્યું હતું. હવે કેટલાક (દસમાંથી ત્રણ કે ચાર) હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક…ની’ બાંગ સાંભળીને ગદગદિત થઈ જાય છે, ત્યારે હવે સંઘપરિવારે તેની મૂળ ભાષામાં બોલવાનું અને તેને લાગુ કરવાનું શરૂ કર્યું છે. આમાં નવું કાંઈ જ નથી, બધું જ હતું, કહેવામાં પણ આવતું હતું પણ પછીનાં વર્ષોમાં ભ્રમજાળ રચવામાં આવી હતી.

માટે મેં તાજેતરના મારા લેખોમાં અરુણ શૌરીનો હવાલો આપીને જે લેખ લખ્યા હતા તેમાં પહેલા બે લેખોમાં મેં કહ્યું હતું કે જો અરુણ શૌરી એમ કહેતા હોય કે બૌદ્ધિક પ્રમાદને કારણે તેઓ સંઘને ઓળખવામાં થાપ ખાઈ ગયા તો એ ખોટી વાત છે. બીજા લેખમાં વળી પાછો અરુણ શૌરીનો હવાલો આપીને મેં લખ્યું હતું કે જ્યારે પણ બંધારણીય ભારતને ઉગારવાનો વખત આવે ત્યારે વડી અદાલતોના અને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવો. વખતે ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો પણ પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરનારાઓ ઊઘાડા પડશે. બીજો ફાયદો પણ જેવો તેવો નથી.

જી.એસ.ટી.ની બાબતે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવાથી ફાયદો થયો છે અને ઘણો મોટો ફાયદો થયો છે. ‘એક રાષ્ટ્ર એક કર’ના નામે ભારત નામનાં સંઘરાજ્યને અથવા સમવાય ભારતને દફનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. રાજ્યો પોતાનાં રાજ્યમાં સ્વતંત્રપણે કરનિર્ધારણ ન કરી શકે. જો કોઈ રાજ્ય કરનિર્ધારણમાં પોતાનાં હિતમાં ખાસ ફેરફાર ઇચ્છતું હોય તો તે રાજ્યે માત્ર ભલામણ કરવાની અને એ ભલામણ કરવામાં પણ કમ સે કમ બીજાં દસ રાજ્યોની સંમતિ લાવવી જરૂરી છે. વળી એ ભલામણ, એટલે કે દસ રાજ્યોએ મળીને કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારવી જ પડે એવું જરૂરી નથી. આ ઉપરાંત જમા થયેલી વેરાની રકમમાંથી રાજ્યોનો હિસ્સો કેન્દ્ર આપે અને મન થાય ત્યારે આપે. આ આર્થિક વેરાકીય વ્યવસ્થા નથી, પણ ફેડરલ ઇન્ડિયાને ખતમ કરવાની યોજના છે. દસ રાજ્યોએ સાથે આવવાનું એનો દેખીતો અર્થ એ કે એ રાજ્યો ગેરબી.જે.પી. શાસનવાળા હોવાં જોઈએ. અને એ પછી પણ કેન્દ્ર સરકારે એ ભલામણ સાંભળવી હોય તો સાંભળે. યુ.પી.એ. સરકારે આકાર આપેલા જી.એસ.ટી.ના મૂળ મુસદ્દામાં આવી જોગવાઈ નહોતી.

આજકાલ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ‘ડબલ એન્જીન’ની વાત અચૂક કહેવામાં આવે છે એ યાદ હશે. ડબલ એન્જીન એટલે રાજ્યમાં ભા.જ.પ.ની સરકાર હશે તો પહેલું એન્જીન (કેન્દ્ર સરકાર) બીજા એન્જીન (રાજ્ય સરકાર)ને ડીઝલ આપશે અને જો બી.જે.પી.ને નહીં ચૂંટીને આપો તો વિરોધ પક્ષોની સરકારવાળા રાજ્યોની સપ્લાઈ લાઈન કાપી નાખવામાં આવશે. આ સમગ્ર ભારતના સહિયારા વિકાસ માટેની આર્થિક વ્યવસ્થા નથી, પણ ફેડરલ ઇન્ડિયા ઉપર કુઠારાઘાત કરનારી વ્યવસ્થા છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે.

માટે ઊહાપોહ કરતા રહો અને અદાલત સહિત લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 મે 2022

Loading

...102030...1,5451,5461,5471,548...1,5601,5701,580...

Search by

Opinion

  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved