Opinion Magazine
Number of visits: 9673458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છાની આશા

બીજલ જગડ|Opinion - Opinion|9 May 2022

રાખે છે એક લાગણી મુજ ને અમીર જેમ
પ્રેમમાં ભાવભીના નેણે નીર ઉભરાતાં જેમ.

મોર મારા મનનો ગહકતો રહ્યો છે રાતભર,
દિલની વીણા પર પ્રેમની ગઝલ લખાતી જેમ.

દૂધ જેવી ચાંદી ઊર્મિઓ પ્રેમ રંગે વરસતી રહી,
મેઘ-ધનુ અમૃત ધારા વરસાવે ધરતી પર જેમ.

હર્ષની હેલીમાં પ્રેમ મદિરા જામ નવા છલકાવે,
આંસુઓ કોરા જિંદગીની સુરા પીવાતી જેમ.

રંગમય વાતાવરણ નશીલી આંખો મદિલી ક્ષણો,
છાની અછાની પ્રણયની આશાઓ ફળતી જેમ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

જે કોઈ વ્યાખ્યામાં બંધાતી નથી તે મા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

મધર્સ ડે આવે છે એટલે સોશિયલ મીડિયામાં માતા વિષે સંકીર્તન ચાલુ થઈ જાય છે. મા જન્મજાત મૂરખ હોય તેમ બધાં જ તેને વતાવવા, વટાવવા નીકળી પડે છે. માનો એટલો મહિમા થાય છે કે મા વગર ઘડી પણ ચાલતું ન હોય તેમ તેનાં અછોવાનાં થાય છે. એમાં કેટલુંક સાચું પણ હશે જ, પણ મોટે ભાગે તો દેખાડો જ ચાલે છે. આવું કરવાનું કોઈ કહેતું નથી, કમ સે કમ મા તો નથી જ કહેતી, તો ય હરખપદુડાઓ અને મા ઘેલાંઓ માતૃવંદનાનું નાટક કરી લે છે. આવું દર વર્ષે ચાલે છે, પણ દરરોજ ચાલતું નથી. એ ચાલે છે મધર્સ ડે પૂરતું જ ! એ દિવસે વગર દીવાની જાણે આરતી જ થાય છે ને માને નકલી અજવાસથી આંજી નાખવાની કોશિશો થાય છે. મા એક જ દિવસ પૂરતી યાદ આવે છે ને બીજી જ સવારે ભુલાઈ જાય છે, કારણ બીજે દિવસે બીજો ‘ડે’ બારણું ઠોકતો આવી ચડે છે. તો, એની આરતી ઉતારવાની કે માનું જ ગાણું ગાયા કરવાનું? માને જ લઈને બેસી રહીએ તો ફાધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ચિલ્ડ્રન્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, ટાઈગર્સ ડે, ઘાસલેટ ડે, દિવાસળી ડેને કોણ ઉજવશે? એ દિવસોને નોધારા તો ન જ છોડાય ને ! મા તો મેનેજ કરી લેશે, ને એકાદ દિવસ તો વખાણી પણ ખરી, પછી બીજા દિવસોને ન ઉજવીએ તો એને ખોટું ન લાગે? આ બધા દિવસો વગર તો જીવાય જ કેમ?

ટૂંકમાં, મા વિષે જે ઠલવાય છે, તેમાંનું મોટે ભાગનું નકલી હોય છે, બીજાએ ફોરવર્ડ કરેલું હોય છે, એમાં  પોતાનું બહુ જ ઓછું હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનું તૂત ઊભું થયું છે, માની વેચાણ કિંમત વધી ગઈ છે. મા બહુ ઉપડે છે બજારમાં. એનો ભાવ બોલનારા, બોલાવનારા બહારના નથી. આખી નકલી સંસ્કૃતિ કામ ચલાઉ ધોરણે બધું મિકેનિકલી ઉજવ્યા કરે છે. એને એમ જ છે કે સમાજ સેવા ચાલી રહી છે, પણ ખરેખર તો નકલ સિવાય ભાગ્યે જ કૈં થાય છે. કમ સે કમ માને મામલે તો નકલ ન થવી જોઈએ, કારણ મા નકલી નથી હોતી ને નકલી રીતે સંતાનો સાથે નથી વર્તતી. 

મા વિષે એવું કહેવાયા કરે છે કે તેની બીજી જોડ નથી, તે જગત પર શાસન કરે છે, તેનાં વગર સંસાર સૂનો છે … વગેરે વગેરે. એમાં તથ્ય નથી એવું નથી, પણ એવું મનાય છે ઓછું. હવે વાત જુદી છે. માબાપને ગરજ હતી એટલે તેમણે સંતાનને જન્મ આપ્યો, બાપને ઘડપણમાં ટેકો મળી રહે એટલે તેણે સંતાનોને પેદાં કર્યાં, બાકી તેમણે જન્મ આપીને સંતાનો પર કોઈ ઉપકાર નથી કર્યો, બલકે, એમ પેદા કરીને માબાપે પોતાનો સ્વાર્થ સાધ્યો છે. ટૂંકમાં, ઘડપણમાં ટેકો કરે એટલે માબાપો સંતાનો પેદાં કરે છે. સંતાનો તો ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે … જેવી ઘણી વાતો ચર્ચાતી રહે છે ને તથ્ય એમાં પણ છે, ઘણાં માબાપો માટે, સંતાનો સપનાં પૂરાં કરવાનાં સાધનો જ છે. સંતાનોને પોતાની ઈચ્છા ને ગણતરી પ્રમાણે ઉછેરાય છે ને વેતરાય છે. સંતાનોએ માબાપની બહાર કશું જોવાનું જ નથી. તે માબાપને માટે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. એવાં સંતાનોમાં ને રોબોટ્સમાં ઝાઝો ફરક નથી. એવાં સંતાનો માબાપથી દબાઈ-ચંપાઈને જીવે છે, એમ એમની ખુશી, એમનાં સપનાં વગેરેની માબાપોને પરવા જ નથી હોતી. મોટે ભાગે આ સ્થિતિ સમાજમાં જોવા મળે છે, તો એવાં સંતાનો પણ છે જે માબાપનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને આગળ નીકળી જાય છે. તેમને પૈસે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. જેવો હેતુ સરે છે કે તે માબાપની સાથે નથી રહેતાં, માબાપ તેમની સાથે રહે છે. ક્યારેક તો સંતાનો માબાપથી અલગ થઈ જાય છે અથવા તો માબાપને જ અલગ કરી દે છે. એવું પણ થયું છે કે માબાપની મિલકત લખાવી લઈને માબાપને તગેડી મુકાયાં હોય. હવે એવા સંતાનો મધર્સ ડે કે ફાધર્સ ડેને નામે માબાપની આરતી ઉતારે તો તેમના પર  ભરોસો કેમ બેસે?

આ આજના સમયની જ વાત છે, એવું નથી. દરેક સમયમાં આવું થયું છે, થાય છે, સંતાનો માબાપની પૂરતી કાળજી લઈને માબાપનું ઋણ ઉતારે છે, તો સંતાનો માબાપને હડધૂત પણ કરે જ છે, ગમે એટલી ભયંકર જ કેમ ન હોય કે દીકરાનું ખૂન કરી નાખનારી મા જ કેમ ન હોય, પણ એ અપવાદોમાં છે, બાકી, માને સંતાનથી વધારે બીજું કૈં જ વહાલું નથી હોતું એ નક્કી છે. સંતાનો માટે જીવ આપી દેતી કે જીવ લઈ લેતી મા શોધવા દૂર જવું પડે એમ નથી. સ્ત્રી, જેવું માતૃત્વ ધારણ કરે છે, એ જ ક્ષણથી તે સૌમ્ય થવા લાગે છે. બાળક માટે મમત્વ જાગે છે ને એ પછી મમતાની મૂર્તિ બની ઊઠે છે. આવનાર સંતાનની સુરક્ષા માટે તે તેની આખી દિનચર્યા બદલી નાખે છે. તેનું ખાવાપીવાનું, ઊઠવા બેસવાનું, હરવા ફરવાનું, બધું બદલાઈ જાય છે. આખું શિડ્યુઅલ એ રીતે ગોઠવાય છે કે બાળકને ઊની આંચ ન આવે. બાળકનાં જન્મ પછી પણ માનું સમગ્ર વિશ્વ તે બાળકની ફરતે જ ગોઠવાઈ જાય છે. બાળકના ઉછેર વખતે એવો વિચાર કોઈ મા નથી કરતી કે જીવ રેડીને ઉછેરેલું બાળક તેનું કેટલું થશે કે બદલામાં તે શું આપશે? ના, એવું અપવાદરૂપે પણ મા નથી વિચારતી. એમાં ક્યાં ય દેખાડો નથી. એ કેવળ શુદ્ધ, નિર્વ્યાજ લાગણીનું જ રૂપ બની રહે છે. તે બાળક પર અધિકાર જમાવતી દેખાય છે, પણ ભીતરે તો તે કેવળ વાત્સલ્યનું રૂપ જ બની રહે છે. 

એ રીતે ઉછરેલું સંતાન મધર્સ ડેને નામે બહુ હેત વરસાવવાનું નાટક કરે કે ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટાબોટા મૂકીને, આની તેની ઉધારની પંક્તિઓ ફટકારીને માતાની ભક્તિ પ્રગટ કરે ને દુનિયા અંજાઈને લાઇક્સ મોકલે કે કોમેન્ટ્સ પાસ કરે તેનાથી મધર્સ ડે ભલે ઉજવાતો હોય, પણ દીકરો અંદરથી લજવાતો હોય તો નવાઈ નહીં, કારણ તે અંદરથી તો જાણતો જ હોય છે કે તે માને રડાવીને ‘સ્માઇલી’ મૂકી રહ્યો છે. કોણ જાણે કેમ પણ આપણને બધું જાહેર કરી દેવાનો જ ઉમળકો વધુ હોય છે, પણ કેટલીક લાગણીઓ અંગત જ હોય છે ને તે અનુભવવાની જ હોય છે, તે બોલકી નથી હોતી, તે સંતાનોએ સમજવાનું રહે. એનો એકડો નથી જ પડતો. કોઈ પણ જાતની જાહેરાત કે દેખાડા વગર સંતાન મા તરફ આછેરાં સ્મિત સાથે સાચું જુએ ને તો મા તેને વહાલથી વળગાડી લે એમ બને ને એ જ ક્ષણ મધર્સ ડે બની રહે, એવું નહીં? સંતાનની આંખમાં એ વાતે ઝળઝળિયાં આવે કે પોતે મા માટે કૈં ન કરી શક્યો એ ભાવ જ માતા માટે ઉપહાર બની રહે છે, તો સાધારણ મા, દીકરીને એક સારો ડ્રેસ નથી અપાવી શકતી એ વાતે રાતના અંધારમાં ઓશીકું ભીનું કરતી રહે ને બાજુમાં સૂતેલી દીકરીને એ ખબર પડતાં માને આખેઆખી ઓઢી લે એ ક્ષણ કોઈ પણ આનંદ કે ઐશ્વર્યને શરમાવે એમાં શંકા નથી.

સંતાનો માની ઉપેક્ષા સંદર્ભે એવો બચાવ કરતા હોય છે કે કાળઝાળ મોંઘવારીમાં પોતાનું કુટુંબ જ ન પોષાતું હોય ત્યાં માતા મફતમાં મળતી હોય તો ય મોંઘી પડે એમ બને. એવી સ્થિતિમાં દેખીતું છે કે મા ઉપેક્ષિત જ બની રહે. એવાં સંતાનોને મા પરવડતી નથી. એ તો મા જ મૂરખ છે કે એને કોઈ સંતાન મોંઘું પડતું નથી, નહીં તો બાળકને છાતીએ વળગાડતાં પહેલાં છોકરાને તે દૂધનું બિલ નથી ધરતી કે કહેતી નથી કે પહેલાં બિલ ચૂકવ, પછી દૂધ પી ! આવું કોઈ મા નથી કરતી એ કેવું મોટું વરદાન છે ! એટલીસ્ટ, ગમે તેવી જ ક્રૂર કેમ ન હોય, પણ કોઈ માએ આજ સુધી સંતાન પાસેથી દૂધની કિંમત નથી વસૂલી. 

મા ગમે એવી જ મોડર્ન કેમ ન હોય, તે સંતાનની અહર્નિશ ચિંતા કરતી રહે છે. દીકરાને કે દીકરીને મોડું થાય છે તો મા કેવળ પ્રતીક્ષા જ બની રહે છે. એટલે જ એક વિદેશી કવિ મિરોસ્લાવ હોલુબે માની અમર વ્યાખ્યા આમ આપી છે, ‘જે રાહ જુએ છે તે મા હોય છે …’ 

મા કૈં ન કરતી હોય ત્યારે પણ તે સંતાનોની રાહ તો જોતી જ હોય છે … મા એટલે જ પ્રતીક્ષા, એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

PM in Europe : ભારત માત્ર યુ.એસ.એ., જાપાન કે ઑસ્ટ્રેલિયા સાથે જ દોસ્તી રાખવા નથી માગતોનો સંદેશો પહોંચાડતી યાત્રા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 May 2022

રશિયાને મામલે ભારતના વલણ પર યુરોપિયન દેશોના મનમાં રહેલી સંદિગ્ધતા દૂર કરવામાં આ પ્રવાસ દરમિયાન પૂરો પ્રયાસ કરાયો

આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે. જો કે ભારત પહોંચીને તરત જ કામે ચઢી જવાના હતા એવા રિપોર્ટ્સ પણ હતા કારણ કે ગરમી અને વરસાદને લગતી કામગીરીની બેઠકો યોજાવાની હતી. આપણે વાત કરવાની છે તેમના યુરોપના પ્રવાસની મહત્તા અને કારણો અંગે જેમાં સ્વાભાવિક રીતે જ યુદ્ધમાં સપડાયેલા યુરોપનો મુદ્દો પણ હોય.  જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ – આ ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે ગયેલા વડા પ્રધાનનો આ વર્ષનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો.

૬૫ કલાકની આ મુસાફરીમાં વડા પ્રધાને યુરોપિયન નેતાઓ સાથે લગભગ ૨૫ જેટલી બેઠક કરી. યુરોપીય નેતાઓ પણ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે જેની પૃષ્ઠભૂમિમાં આ યુરોપનો પ્રવાસ નિયત કરાયો. યુરોપીય આયોગનાં અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેલ લેયન પણ આ પ્રવાસમાં સામેલ હતાં. તેમણે જ રશિયાના આક્રમક વલણ સામે મોરચો ઘડવાની વાત મૂકી હતી. ભારતે તેમની વાત શાંતિથી સાંભળી પણ ખરી. મોદીએ રશિયન પક્ષના આકલન માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની આગેવાની પણ કરી. ભારતે યુદ્ધને મામલે પોતાની પ્રતિક્રિયા યુનાઇટેડ નેશનમાં પણ સ્પષ્ટ જ રાખી હતી.  એ સમજવું રહ્યું કે આ પ્રવાસમાં મોદીએ પૂરેપૂરો પ્રયાસ કર્યો કે જે રીતે કેન્દ્ર સરકારે યુક્રેનને મામલે રશિયાની સીધે સીધી આકરી ટીકા ન કરીને વિશ્વ નેતાઓની નારાજી વહોરી લીધી હતી તે મામલે બધું જરા થાળે પાડી શકાય.

જર્મનીની વાત કરીએ તો યુરોપના અન્ય રાષ્ટ્રોની સરખામણીએ યુરોપ ભારત માટે બહુ અગત્યનો ભાગીદાર છે. દ્વિપક્ષી સંબંધોની દૃષ્ટિએ જર્મનીનું આગવું મહત્ત્વ છે, વળી યુરોપિયન યુનિયનમાં પણ તેની ચાવીરૂપ ભૂમિકા છે. ૨૦૦૦ મેની સાલથી ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલતી આવી છે.  ૨૦૧૧માં આ ભાગીદારી વધુ ઘનિષ્ઠ થઇ કારણ કે સરકારી વડાઓએ મળીને ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલ લૉન્ચ કરી. જર્મનીએ આ પ્રકારની સંવાદની શક્યતા બહુ ઓછા રાષ્ટ્રો સાથે ખડી કરી છે, અને ભારત તેમાંનો એક દેશ છે. વડા પ્રધાન ત્યાં હતા તે દરમિયાન છઠ્ઠી ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલનું આયોજન થયું જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ઝ સાથે વાતચીત થઇ. ભારતની રશિયા પરની આધિનતા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ કારણ કે જર્મનીએ રશિયાના આક્રમક વલણ સામે વ્યૂહાત્મક પસંદગી કરી છે તથા એનર્જીને મામલે પોતે રશિયા પર આધાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.  વડા પ્રધાન વિદેશ પ્રવાસે જાય અને ત્યાં જેટલી પણ સંખ્યામાં ભારતીયો હોય તેમને સંબોધવાનું ચૂકી જાય તે શક્ય નથી. વળી ભા.જ.પ.ની લીટી લાંબી કરવાનું તો ઠીક પણ કાઁગ્રેસ (પક્ષનું નામ લીધા વિના) પર આકરા પ્રહાર કરી તેમની લીટી ભૂંસવાનું તે ભૂલે તેમ નથી. જર્મનીમાં પણ તેમણે એ જ કર્યું.  કઇ રીતે ભા..જપા.એ રાજકીય અસ્થિરતાને એક બટન દબાવીને જ ગાયબ કરી દીધી છે તે વાત તેમણે કરી અને ભારતીય મતદારોની શક્તિની વાહવાહી કરી. જર્મનીની મુલાકાત પછી G-7માં ભારતની ગણતરી જર્મની કરશે કે નહીં તે જોવું રહ્યું.

ડેનમાર્કના ડેનિશ વડા પ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે નરેન્દ્ર મોદીને ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં યોજાયેલા વર્ચ્યુઅલ સમિટી પછી સારા સારી જ રહી છે.  ફ્રેડરિક્સન પણ ભારતની મહેમાનગતિ માણી ચૂક્યા છે. ભારત નોર્ડિક સમિટના કેન્દ્રમાં નાટો સાથે જોડાવા માગતા બે નોર્ડિક દેશનું વલણ પણ અગત્યનું ગણાય. નોર્ડિક દેશો સંશોધન, ક્લીન એનર્જી, ગ્રીન ટેક્નોલોજિ માનવાધિકાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં બહુ પાયારૂપ કામ કરતા હોય છે. ભારત જો તેમની સાથે હાથ મિલાવે તો આ તમામ પાસાઓ મજબૂત કરવાનું તેને માટે આસાન થઇ જાય. વળી ભારતમાં આ તમામ ક્ષેત્રે પૂરતી તકો છે અને મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ સિટી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ક્લીન ગંગા જેવી યોજનાઓમાં આ દેશોનું યોગદાન બન્ને તરફી રાષ્ટ્રો માટે લાભદાયી હોઇ શકે છે.

મોદીની માફક મેક્રોન પણ ફ્રાંસમાં ફરી વડા તરીકે ચૂંટાઇ આવ્યા અને તેમને માટે પણ બીજીવારની જીત અઘરી હતી. ભારત અને ફ્રાંસ વચ્ચેની દોસ્તી હંમેશાં સારી રહી છે અને ૧૯૯૮થી બંન્ને વ્યૂહાત્મક ભાગીદારીમાં રહ્યા છે. પોખરણ પરીક્ષણ બાદ ભારતની ટીકા ન કરનારા ગણતરીના રાષ્ટ્રોમાંથી એક ફ્રાંસ પણ હતું.  પુલવામા હુમલા પછી પાકિસ્તાન સ્થિત હાફીઝ સઇદને વૈશ્વિક આતંકીની યાદીમાં મુકવામાં ફ્રાંસે જરા ય વાર નહોતી લગાડી. રશિયા અને યુક્રેન બન્નેના વડા સાથે વાતચીતનો દોર જાળવવામાં પણ મોદી અને મેક્રોને સરખો જ અભિગમ રાખ્યો છે.  યુરોપિયન યુનિયનની પ્રેસિડન્સી આ વર્ષે થવાની છે ત્યારે ભારત અને ફ્રાંસ વચ્ચેની વાતચીત અગત્યની હોય તે સ્વાભાવિક છે.

મૂળે તો યુરોપિયન દેશોનો હંમેશાંથી એમ લાગ્યું છે કે મોદી સરકારે યુ.એસ., જાપાન, ઑસ્ટ્રેલિયા જ નહીં પણ યુ.એ.ઇ. જેવા યુરોપથી નાના અને ભૌગોલિક રાજનીતિમાં ઓછા મહત્ત્વના કહેવાય એવા રાષ્ટ્રોની સાથે સંબંધ જાળવવા પર વધારે ભાર મૂક્યો છે. યુરોપિયન દેશોની આ અલગાવની લાગણી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ આ બેઠક કરવી અનિવાર્ય હતી.  ભારતે યુરોપ સાથેના સંબંધોમાં વ્યાપર વાણિજ્ય પર જ ભાર મૂક્યો હતો. નેવુંના ઉત્તરાર્ધમાં યુરોપિયન દેશો સાથે રાજકીય સંવાદ અને મંત્રી સ્તરીય બેઠકોને પણ શરૂ કરાયા.  પર્યાવરણના બદલાવ, સુરક્ષા અને રાજકારણ, સ્વાસ્થ્ય, સ્પેસ અને પરમાણુ નિર્ણયો, આઇ.ટી. અને કોમ્યુનિકેશનને મામલે ભારત અને યુરોપના સંબંધો વિસ્તર્યા છે. ભારત માત્ર યુ.એસ.એ. કે જાપાનને જ મહત્ત્વ નથી આપતો તે સાબિત કરવા માટે પણ વડા પ્રધાનની આ યુરોપ યાત્રા બહુ અગત્યનું પગલું હતી. 

બાય ધી વેઃ

ગુજરાતીઓને માટે અર્થતંત્ર બહુ જરૂરી હોય છે. આપણે બોલીને બગાડવું નથી પણ ધંધો અટકે તે ન પોસાય. યુરોપિયન દેશો સાથે ભારતનો સંબંધ સચવાય તે જરૂરી છે અને રશિયાને વાંકુ ન પડે તે પણ જરૂરી છે. રશિયાના આક્રમક વલણને મામલે સાવચેતી ભર્યાં પગલાં તો લેવાશે પણ યુરોપિયન દેશોના વડાઓને માઠું ન લાગે અને ત્યાં જે દિશામાં વિકાસ થઇ રહ્યો છે તેની સાથે પગલાં મેળવવામાં ભારત કોઇ ગફલત નથી કરી રહ્યો તે દર્શાવવું આ પ્રવાસનો હેતુ હતો. સ્વાભાવિક છે કે યુક્રેઇન કટોકટીની ચર્ચા વિના આ પ્રવાસનો અંત ન જ આવ્યો હોય. સ્માર્ટનેસ એમાં છે કે ઘોંઘાટ કર્યા વિના બાવાના એકે ય ન બગડે તેની તકેદારી રાખવાની વડા પ્રધાને કોશિશ કરી છે. પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે યુરોપિયન દેશો પણ આજકાલના રાજનીતિ નથી ખેલી રહ્યા. ભારતે રશિયાને મામલે રાખેલી જાહેર ચૂપકીદી તેમને નડી હોવાની વાત યુરોપિયન મીડિયામાં ચર્ચાઇ છે. જર્મન મીડિયાએ મોદીની ટીકા કરી છે, તો ડેનમાર્કની મુલાકાત બે રાષ્ટ્રો વચ્ચેની દોસ્તી માટે અગત્યની ગણાઇ છે. બીજું, બાય ધી વે ,એ કે આ પ્રવાસ દરમિયાન પણ ‘સાહેબે’ પ્રેસના સવાલોના જવાબ આપવાની સાફ ના પાડી દીધી. ઓહ માય ગૉડ! (ખબર ન પડે તો ગૂગલ, ટ્વિટર વગેરે પર જરા તપાસી લેવું.)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  08 મે 2022

Loading

...102030...1,5361,5371,5381,539...1,5501,5601,570...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved