Opinion Magazine
Number of visits: 9745205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પતિ, પત્ની, વો, કુટુંબ અને મોબાઈલ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2022

તમને એવું લાગે છે કે કોઈ છેતરી રહ્યું છે? મને તો લાગે છે. મોટે ભાગે બે પ્રકારના માણસો જોવા મળે છે. એક છેતરે છે ને બીજા છેતરાય છે. છેતરપિંડી એ આજના યુગનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એ એક જ ક્ષેત્રમાં છે એવું નથી. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી. જે એમ માનતા હોય કે પોતાને કોઈ છેતરી ન શકે, તો એ ભીંત ભૂલે છે. કોરોનાનો જ દાખલો લઇએ. ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ફતવાઓ બહાર પડી ચૂક્યા છે. એમાં સાચું ખોટું કૈં પરખાય છે? કોરોના હોય અને તેની કાળજી રાખવાની હોય તેની ના નથી, પણ જે રીતે એની લહેર ઊઠે છે તે કૈં લીલાલહેર માટે તો નથી જ ! એ એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે. મોટે ભાગે બે મોઢાંની વાતો ચાલે છે. એક કહે છે એમાં ડરવા જેવું કૈં નથી ને બીજું કહે છે ચિંતા કરવા જેવું તો છે જ ! આ વાતો નિયમિત રીતે થોડે થોડે મહિને આપણા કાન ખોતર્યા કરે છે. જરા સ્કૂલો ચાલવા પર આવે છે કે આ ડર ફેણ પછાડીને બેઠો થાય છે. કોઈ રોગ આટલો નિયમિત જોયો નથી. આ તે રોગ છે કે પ્રીમિયમ લેવા આવતો કોઈ એજન્ટ ! કોરોના આવે છે કે કોઈ લાવે છે તે જ નથી સમજાતું.

કોઈ જાણે નક્કી કરીને બેઠું છે કે ભણતર સરખું ચાલવા ના દેવું. ભણતર હવે માસ પ્રમોશનનું જ બીજું નામ હશે કે શું? આ દેશમાં ધંધાધાપા જરા ગતિ પકડે છે કે કોરોનાની બૂમરાણ મચે છે. લોકો માસ્ક કાઢીને ફરતાં  થાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની આલબેલ ફરી પોકારાય છે. આ કુદરતી નથી લાગતું. લોકો ડરેલા જ રહે એવી વ્યવસ્થા તો ઊભી નથી થઈને? આમાં કોનો શું ઇરાદો છે તે નથી સમજાતો, પણ એટલું છે કે ઘરથી માંડીને મહાનગર સુધી કોઈ ઠેકાણે ન પડે એવો રાક્ષસી ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગે છે.

થોડું લાઉડ થિંકિંગ કરવા જેવું છે.

એક તરફ આપણો દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દેશવિદેશમાં ભારત નામ કમાઈ રહ્યું છે ને બીજી તરફ ઘણી બધી બાબતોમાં તેનો નંબર વિશ્વમાં પાછળને પાછળ જઈ રહ્યો છે. અન્નક્ષેત્રે ભારત એટલું સ્વાવલંબી થયું છે કે તે બીજા દેશોનું પેટ ભરવા લાગ્યું છે, તો અહીં ઘરનાં ઘંટી ચાટે … એવું કેમ થાય છે? આ અઠવાડિયામાં જ સરકારે દસ લાખ નોકરી ઊભી કરવાનું આશ્વાસન આપ્યું છે, તો સવાલ એ છે કે નોકરી ન હોવાને કારણે કે નોકરી છૂટી જવાને કારણે એ કયા લોકો છે જે આત્મહત્યા કરે છે? એક તરફ સરકાર અગ્નિપથ સ્કિમમાં યુવાનો માટે ચાર વર્ષની નોકરી સૈન્યમાં લઈને આવે છે ને એને એક દિવસ પણ નથી થતો ને બિહાર, હરિયાણા … જેવાં સાત રાજ્યોમાં ટ્રેન રોકવા – સળગાવવાના, રસ્તા રોકવાના હિંસક વિરોધ શરૂ થઈ જાય છે, રોહતકમાં એક વિદ્યાર્થી આ જ મામલે આત્મહત્યા કરી લે છે. ચાર વર્ષ પછી એમને અર્ધલશ્કરી દળોમાં કે આસામ રાઈફલ્સમાં અગ્રિમતા આપવાની સરકાર ખાતરી આપે છે, પણ કોઈ ટાંપીને બેઠું હોય તેમ સ્કિમ જાહેર થાય છે તે સાથે જ વિરોધ પણ શરૂ થઈ જાય છે.

એક જ દિવસમાં બે સમાચાર એવા આવે છે જેમાં મોંઘવારી વધે છે ને મોંઘવારી ઘટે પણ છે. આપણે ટેકનોલોજીમાં, વિજ્ઞાનમાં, કૃષિમાં, ઉદ્યોગોમાં બધી જ દિશાએ પ્રગતિ કરી છે. આ સાચું હોય તો લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન રહે એટલાં કામ હોય. કોઈ કામધંધા ને નોકરી વગરનું જ ન હોય, પણ હકીકત એ છે કે લોકોને રોજગારી નથી ને શિક્ષિત બેકારો આત્મહત્યા કરે છે. સરકાર લાખોની સંખ્યામાં દર વર્ષે જેટલી નોકરીઓ ઊભી કરે છે, એટલામાં તો કોઈ નોકરી વગરનું જ ન રહે, પણ સૌ જાણે છે કે હાલત શું છે? ચિત્ર તો એવું ઉપસે છે કે આપણે પાયામાંથી જ ભ્રષ્ટ અને અપ્રામાણિક છીએ. અહીં કોઈ સરકારની ટીકા કરવાનો હેતુ નથી. સારું પણ આ દેશમાં થાય જ છે, પણ તંત્રો કે મીડિયા જે રીતે સક્રિય છે તે સાચું ચિત્ર લોકો સુધી પહોંચવા નથી દેતાં.

અને લોકો? શું કહેવું લોકોને ! એ જીવે છે કે કેમ એની જ ખબર જ નથી પડતી. પેટ્રોલના ભાવ વધે છે, તો ચૂપ છે. ઘટે છે તો ચૂપ છે. પેટ્રોલની અછત ઊભી થાય છે તો લાઇન લાગવા માંડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ વધે છે તો અહીં ભાવ વધારાની ચેતવણી અપાયાં કરે છે. કેમ જાણે ત્યાં ભાવ ઘટે તો અહીં પણ ભાવ ઘટી જવાના હોય ! ભાવ વધે કે ઘટે લોકો નિર્જીવની જેમ એ વેઠી લે છે. આ અવાજ વગરની, વિરોધ વગરની પ્રજા છે. આ પ્રજા ઘરમાં પણ ચૂપ છે, પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી છે. તમે નહીં માનો મારી વાત, પણ આ સાવ નવરી પ્રજા છે. એ માત્ર ટાઈમપાસ કરે છે. આમ તો સમય કોઇની પાસે નથી ને કામ પણ કોઈની પાસે નથી. એમની પાસે એક જ કામ છે ને તે મોબાઈલ મચડવાનું. કામ હોય કે ન હોય, લોકો પાસે મોબાઇલની નોકરી તો છે જ ! લોકો એમાં જોતરાયેલા રહે છે. મોબાઈલને આ લોકો નવરો પડવા જ દેતા નથી.

આમ તો મોબાઇલની નોકરી નથી, તો ય તેની ઘણી ફરજો લોકો બજાવે છે. પોતે તો બહુ મેસેજ કરી શકતા નથી, પણ આવેલા મેસેજ ફોરવર્ડ કરવાની વણલખી ફરજ લોકો એવી રીતે બજાવે છે કે એમ ન કરે તો ગુજરી જાય. કેટલા બધા વીડિયો ઉતારવાના ને વાયરલ કરવાના હોય છે ! કેટલા બધા વીડિયો, એવા જ નવરા મિત્રો, ગ્રૂપ્સમાં મોકલે તે ફોરવર્ડ નહીં કરવાના? નોકરીધંધો ન થાય તો ચાલે, પણ ફોરવર્ડ ન થાય તો જીવવું ઝેર થઈ જાય ! આખા દેશમાં જાણે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાલે છે ને ઘણાં એમાં જોડાયેલાં છે. એનું આઉટ પુટ આમ જુઓ તો કૈં નથી, છતાં લાખો લોકો એમાં ગાંઠના ખર્ચીને વ્યસ્ત હોવાની ‘પવિત્ર’ ફરજ બજાવે છે.

કેટલાંક ઘરોમાં મોબાઈલને કારણે મરણ થયું હોય એવી શાંતિ પથરાઈ જાય છે. મિત્રો, મોંમાં મોં નાખવા જેટલા નજીક હોય, છતાં વાત કરવાને બદલે તેઓ એક બીજાને મોબાઈલ ‘મારે’ છે. કાનમાં કહેવાના મેસેજ હવે ફોરવર્ડ થયા વિના રહેતાં નથી. ઘરમાં માબાપ અને દીકરો કે દીકરી જ હોય, એક જ રૂમમાં ટી.વી. જોતાં બેઠાં હોય, પણ તેમની વચ્ચે કોઈ વાત નથી થતી ને એ ત્રણે પાછાં બીજાઓ જોડે મેસેજ, વીડિયોની આપલે કરતાં રહે છે. આ ત્રણે પાસે પાસે છે, પણ નજીક કોઈ નથી. નજીક તો દૂરના લોકો જ છે. ઘરનાં લોકો દૂર થઈ ગયા છે ને દૂરનાં લોકો ઘરમાં આવી ગયા છે.

મોબાઈલે બીજું કૈં કર્યું હોય કે ન કર્યું હોય, પણ લોકોએ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરેક જણ કોઈ કાવતરું કરી રહ્યું હોય એવું જ લાગે છે. એ ખરું કે સોશિયલ મીડિયા પર કોઈ રાખડી બંધાવવા આવતું નથી કે માબાપ કે કાકાકાકી શોધવા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર લોકો ડોકાય છે એવું પણ નથી. જે મૈત્રી થાય છે તેમની વચ્ચે જ્ઞાન વિજ્ઞાનની વાતો થાય છે એવું પણ નથી. મોટે ભાગે તો નામ છુપાવીને એકબીજાનો લાભ લેવાની ગણતરીએ જ લોકો સોશિયલ મીડિયામાં મળતાં હોય છે. એમનો હેતુ આમ તો એકબીજાના ઉપયોગનો જ હોય છે. આ બધું જાહેર થાય એવું હોતું નથી એટલે ઘરથી છુપાવવાની ફરજ પડે છે. પતિ, પત્નીને પણ હવે તો બીજા સ્ત્રી, પુરુષ મિત્રો હોય છે. એમની સાથે ચેટિંગમાં ઘણો સમય જતો હોય છે. એટલો સમય પતિ, પત્ની પર કે પત્ની, પતિ પર ધ્યાન આપી શકતાં નથી. પત્ની સામે બેઠી હોય, પણ વ્યસ્ત એ દૂરના પુરુષ મિત્રમાં હોય છે તો એ જ રીતે પતિ પણ સ્ત્રી મિત્ર સાથે ગપાટતો હોય એમ બને. આ પાછું જાહેર ન થઈ જાય તે સાચવવાનું હોય છે. એ સચવાય છે, પાસવર્ડથી. વાત ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે એટલે પાસવર્ડ નાખવો જ પડે છે. પતિ, મિત્ર સાથે કેવી વાત કરે છે તે જાણતો હોય છે એટલે એવી જ વાત પત્ની પણ કરતી હશે એવું એ ધારી લે છે. એ જાણવાની તેને ઈચ્છા હોય છે, પણ જાણી શકે એમ નથી, કારણ, પત્નીએ પાસવર્ડ નાખેલો છે. એવું જ પતિ પણ કરી બેઠો હોય છે એટલે પત્ની પણ જાણી શકતી નથી. વારુ, કોઈ, કોઈને પાસવર્ડ આપવા રાજી નથી. આપે તો પોતાની વાત પતિ કે પત્ની જાણી જાય એવી શંકા છે. જેમની વચ્ચે સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ તે પતિપત્ની એક બીજા પર જ વિશ્વાસ ન મૂકે એવી સ્થિતિ છે ને જે દૂરનાં મિત્રો છે, જેમને કદાચ જોયા પણ નથી, તેના પર વિશ્વાસ મૂકીને અંગતમાં અંગત વાત પણ કહી દેવાતી હોય છે. પછી કૈં વાંકું પડે છે તો આ જ મિત્રો એકબીજાને ઉઘાડા પાડવામાં જરા પણ શરમ રાખતા નથી.

પતિ કે પત્ની મોબાઇલમાં વ્યસ્ત હોય, વીડિયો કે મેસેજ વાયરલ કરવામાં પડ્યાં હોય ને એમાં ઘરમાં ધ્યાન ન અપાતું હોય તો પતિ કે પત્નીને વાંકું પડે જ છે. કેટલી ય પત્નીઓએ તેમના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો કરી છે તો કેટલાક પતિઓએ પણ પત્નીની મોબાઈલ પરની વ્યસ્તતાને મામલે વાંધો ઉઠાવ્યો છે. ફરિયાદો ન થઈ હોય તો પણ, કુટુંબનાં અન્ય સભ્યો પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતાં જ હોય છે. બાળકો મોબાઈલ ગેમ્સમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં છે કે કેટલીક જોખમી રમતોમાં જીવ પણ ગુમાવે છે. થોડા દિવસ પર જ એક માએ દીકરાને પબજી ન રમવા દેતાં માને ગોળીએ દેવાના સમાચાર હતા. કાલના જ સમાચાર છે કે એક 16 વર્ષની છોકરી મોબાઈલ રીપેર નહીં થાય એમ જાણતાં ફાંસો ખાઈ લે છે. આમાંનું કોઈ, કૈં પણ ન કરે તો મરી જાય એમ નથી, પણ મોબાઇલના વ્યસને નવરાશ એટલી ઊભી કરી છે કે મહત્ત્વનાં કામો બાજુએ મૂકીને પણ લોકોએ મોબાઈલને શરણે જવામાં જ મોક્ષ જોયો છે.

આ કૈં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાથી અટકવાનું નથી. મોબાઇલના સારા ઉપયોગો પણ છે જ, પણ વાત એટલા પૂરતી જ મર્યાદિત થાય તો ફેર પડે. એ તો થાય કે નયે થાય. ટૂંકો ને સાચો રસ્તો એ છે કે જરૂર પૂરતા ઉપયોગની વાત જે તે વ્યક્તિ પોતે જ શરૂ કરે. એટલું તો જે તે વ્યક્તિના હાથમાં છે જ. બાકી બધાંને સુધારવાનું શક્ય નથી. દરેક જણ પોતાનો વિવેક જાગ્રત કરે તો ય ઘણું છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત—14

સુમન શાહ|Opinion - Opinion|16 June 2022

જ્યોત ૧૪ : પાત્ર નહીં, ચરિત્ર :

કાવ્ય, કથા કે નાટકમાં પાત્રો હોય છે.

પાત્ર લેખકે સરજેલું માનવી છે, એ શબ્દાવતારે હોય છે, તેમ છતાં, જીવતાજાગતા મનુષ્યની જેમ વિચારે છે, બોલે છે, વર્તે છે.

એટલે મને તો શકુન્તલા, ગોરા, અમૃતા, ઍના કૅરેનિના, રાસ્કોલનિકોવ, “ધી ઓલ્ડ મૅન એન્ડ ધ સી’-નો ઓલ્ડ મૅન સાન્તિયાગો, “આઉટસાઈડર”-નો મ્યરસૉં, “વેઇટિન્ગ ફૉર ગોદો”-ના વ્લાદિમીર-ઍસ્ટ્રેગોન અને પોત્ઝો-લકી તેમ જ “વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-નાં હોસે આર્કાદિયો બ્વેન્દિયા કે ઉર્સુલા મારી આસાપાસમાં હરતાંફરતાં લાગે છે – જાણે ઘરનાં સભ્યો કે સ્વજનો. ક્યારેક મ્યરસૉં સાથે મનોમન વાતો પણ થાય છે.

જો કે અંદરખાને લેખક એને પોતાના સર્જનનું પાત્ર એટલે કે ભાજન અથવા વાસણ સમજીને જ ચાલતો હોય છે. એમાં એ ભાવનાઓ વિચારો અને સર્જન પાછળના આશયને ભરતો-સંભરતો હોય છે.

આપણે સાંભળ્યું છે કે પાત્રમાં પ્રાણ ફુંકાવો જોઈએ. પણ વાસણ સમજો તો એમાં કેમ કરીને પ્રાણ પ્રગટે? આપણે સાંભળ્યું છે કે લેખકે પરચિત્તકાયાપ્રવેશ કરવો જોઇએ. પણ વાસણ ગણો તો એમાં કઈ રીતે પ્રવેશી શકાય? વિચારીએ.

આ મામલામાં લેખકની કસોટી થતી હોય છે : પાત્રનું માનવી રૂપે આલેખન કરવું કે હાથવગા વાસણ તરીકે? સામાન્ય લેખકો પાત્રને વાસણ કે કઠપૂતળી ગણીને વર્તે અને માની લે કે કસોટીમાંથી પોતે પાર ઊતરી ગયા. પરન્તુ સમર્થ લેખકો પાત્રનો મનુષ્યાવતાર સરજે છે, પાત્રો જીવન્ત લાગે છે.

જો કે એમ કરવા જતાં સમર્થોને એક ડાયલેમાનો – શૃંગાપત્તિનો – સામનો કરવો પડે છે : પાત્રોને જીવન્ત રાખવા જાય છે, તો સર્જનાત્મક આશયને અસર થાય છે. અને જો આશયને ચરિતાર્થ કરવા જાય છે, તો પાત્રોની જીવન્તતા જોખમાય છે.

પણ સમર્થો પાસે બે એવી ચીજો છે જેથી શૃંગાપત્તિનું નિવારણ આપોઆપ થઈ જાય છે :

પહેલી ચીજ એ કે સમર્થોની એક જુદા જ પ્રકારની સાહિત્યિક વ્યક્તિતા હોય છે. એમને પોતાની સર્ગશક્તિનો ગર્વ હોય છે. સ્વતન્ત્રે જીવતા હોય છે, સ્વાયત્ત હોય છે, આત્મશ્રદ્ધાળુ હોય છે. ઉપરાન્ત, તેઓ તત્સમ વૃતિને વરેલા નથી હોતા – સ્થિતસ્ય સમર્થનમ્ કદી ન કરે. જરૂર પડ્યે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સામે સર્જનાત્મક વિદ્રોહ કરતા હોય છે. પરિણામે, સંસારને તેની મૂળ ભાતમાં અને તેમાં જીવતા મનુષ્યને તેની અસલિયતમાં પામી શકે છે.

મૂળ ભાત અને અસલિયત સાથે સંકળાયેલી બીજી ચીજ એ કે મનુષ્યજીવનને તેઓ સપાટીથી તળ લગી પામવા મથતા હોય છે. દર્શાવે છે કે માણસનાં સપનાં તેની ચોપાસ વિસ્તરેલી સિસ્ટમ્સમાં કેવાં તો સપડાયાં હોય છે. ધાર્મિક, રાષ્ટ્રીય કે સામાજિક સંઘર્ષોના નિરૂપણમાં વ્યક્તિના પછડાટ કે આછેરા સુખની વાત કર્યા પછી, કે તેની સાથે, તેઓ પાત્રને એક વ્યક્તિ રૂપે સવિશેષે જુએ છે. વ્યક્તિના ભાવજગત અને જ્ઞાનજગત વચ્ચેના સંવાદ કે વિ-સંવાદને દર્શાવ્યા પછી છેલ્લે તેને એક અસ્તિત્વ રૂપે – ઍક્ઝિસ્ટન્સ રૂપે – પ્રમાણે છે. તેને તેના સત્ત્વની – ઇસૅન્સની – પ્રામાણિક શોધમાં જોતરે છે.

તાત્પર્ય, તેઓ પાત્રને નથી ભરતા, ચરિત્ર ગૂંથે છે. અંગ્રેજીમાં એક જ શબ્દ છે, ‘કૅરેક્ટર’ – ‘ચરિત્ર’. પાત્ર જીવતું-જાગતું મનુષ્ય એ કારણે અનુભવાય છે કે તે એક ચરિત્ર હોય છે. એટલે, પ્રાણ ફૂંકવા જવાની કે એના ચિત્તમાં કે કાયામાં પ્રવેશ કરવાની જરૂરત નથી રહેતી.

સર્જક વ્યક્તિ પોતાનું પાત્ર સ્વાયત્ત રહી શકે તે માટે એનાથી રીસ્પૅક્ટેબલ ડિસ્ટન્સ જાળવે છે; પોતાનો આશય ચરિત્ર પર થોપતો નથી; આશયને ચરિત્રમાં મૂકીને કળાએ કળાએ મૉડિફાય કરતો રહે છે. નહિતર એ “સરસ્વતીચન્દ્ર”-ના ત્રીજા-ચૉથા ભાગનો ચિન્તક બની જાય. ચરિત્ર પણ સ્વાયત્ત હોવાથી સર્જનાત્મક આશયને આત્મસાત્ કરી શકે છે, અને તેથી, પોતાના સત્ત્વને ડૅવલપ કરતો રહે છે. “સરસ્વતીચન્દ્ર”-ના પહેલા-બીજા ભાગનાં ચરિત્રો એ મુજબ જીવે છે.

સમર્થો જરૂર પડ્યે પેલું ડિસ્ટન્સ ઘટાડી શકે છે, વધારી શકે છે. કહેવું જોઈએ કે એ ડિસ્ટન્સ રીસ્પૅક્ટેબલ છે એટલું જ ઇલાસ્ટિક પણ છે.

યાદ રહે કે ચરિત્રોને ‘મુખ્ય’ / ‘ગૌણ’ ગણીએ છીએ એ કોટિકરણ ઉચ્ચાવચતાના ધોરણે થયું છે. એથી એમ સૂચવાય છે જાણે સર્જકે અમુક પાત્રો વિશે ગૌણ ભાવ કેળવેલો છે અને તેમનાં સર્જન અંગે ખાસ ધ્યાન નથી આપ્યું. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. સમજી શકાય છે કે મોટાં અને વધારે કામ સૉંપાયાં હોય એટલે ચરિત્ર ‘મુખ્ય’, નાનાં અને ઓછાં સૉંપાયાં હોય એટલે ‘ગૌણ’.

પણ ચરિત્રો સર્જકનાં સન્તાન હોય છે. એને મન ચરિત્ર ચરિત્ર વચ્ચે કે તેમનાં કામો વચ્ચે મુખ્ય-ગૌણના ભેદ નથી હોતા. આખ્યાનકારે કૃષ્ણ અને સુદામાને સરજ્યા પછી સુદામાની પત્નીને પણ એટલી જ કાળજીથી સરજી હોય છે. અને એને જે કામ સૉંપ્યું હોય છે તેનું કળાપરક મૂલ્ય જરા પણ ઓછું નથી હોતું. મુનશીએ કાક કે મંજરીને તેમ જ તેમનાં કામોને જેટલું મહત્ત્વ આપ્યું હોય છે એટલું ઉદો મહેતાને કે રાણકને અને તેમનાં કામોને આપ્યું જ હોય છે.

હા, કોઇ કોઇ નવલકથાકારો પક્ષપાત કરીને નાયિકાને ‘અતિ મુખ્ય’ ચીતરતા હોય છે; એના લાલનપાલનમાંથી ઊંચા જ નથી આવતા; જાણે એ એમની પ્રિયતમા હોય … ભલે …

= = =

(June 16, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાંસદો-ધારાસભ્યોનાં પેન્શનનું ઔચિત્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 June 2022

દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેના ધારાસભ્યોને પેન્શન મળતું નથી. કારણ કે ગુજરાતમાં હજુ ગાંધીની આણ પ્રવર્તે છે કે ગાંધીનું તપ સાબૂત છે. ગાંધીજી માનતા હતા કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકસેવાને વરેલા હોઈ તે ‘મતદારોની પરિસ્થિતિમાં અને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે’. પ્રધાનો કે ધારાસભ્યો ‘સાહેબ લોકોની જેમ ન રહી શકે સરકારી સાધનોનો ઉપયોગ પણ ખાનગી ઘરકામ માટે ન કરી શકે’.

પણ આજે તો સાંસદો અને ધારાસભ્યો તગડા પગાર-ભથ્થાં તો મેળવે જ છે. સાંસદ કે  ધારાસભ્ય મટી ગયા પછી પેન્શન અને તેમના મરણ પછી તેમના વારસદારોને કુટુંબ પેન્શન પણ મળે છે! ગુજરાત તેમાં અપવાદ છે. ગુજરાતના સાંસદોને પેન્શન મળે છે પણ ધારાસભ્યોને મળતું નથી! તે મેળવવાના પ્રયાસો જરૂર થયા છે, પરંતુ ગાંધીમાર્ગી લોક આંદોલનોને કારણે સફળ થઈ શક્યા નથી.

થોડા દિવસો પહેલાં ગુજરાત એક્સ એમ.એલ.એ. કાઉન્સિલે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની તેમની પુરાણી માંગ દોહરાવી છે. તો ગુજરાતના સરકારી કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવા સંગઠિત તાકાત સાથેનું અસરકારક આંદોલન ઉપાડ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માને રાજ્યમાં ‘એક ટર્મ એક પેન્શન’ની નીતિ જાહેર કરી છે તેને કારણે પણ ધારાસભ્યો-સાંસદોના પેન્શનનો પ્રશ્ન ચર્ચામાં છે.

સરકારી કે અન્ય સેવામાં કામ કરતા અધિકારી-કર્મચારીને પાંત્રીસ-ચાલીસ વરસની નોકરી પછી પેન્શન મળે છે. પરંતુ આપણા માનનીય સાંસદો અને ધારાસભ્યોને એક દિવસ (રિપિટ એક દિવસ) માટે પણ જો તે સાંસદ કે ધારાસભ્ય બને તો પેન્શન મળે છે! પેન્શનપાત્ર નોકરી ધરાવતી વ્યક્તિ નિવૃત્તિ કે રાજીનામા પછી એમ.પી., એમ.એલ.એ. બને તો તેને તેની અગાઉની નોકરીનું પેન્શન યથાવત મળતું રહે છે તે ઉપરાંત એમ.પી.એમ.એલ.એ.નું પેન્શન મળે છે. જો કોઈ ધારાસભ્ય, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બને તો તેને  ધારાસભ્યના પેન્શન ઉપરાંત લોકસભા-રાજ્યસભાના સભ્યનું પેન્શન પણ મળે છે. જો ધારાસભામાં કે સંસદમાં એકથી વધુ ટર્મ ચૂંટાયા હોય તો ટર્મદીઠ પેન્શન મળે છે.

ઘણા માનનીય પૂર્વ જનસેવકોને મળતું પેન્શન રાષ્ટ્રપતિના કે ટોચના સનદી અધિકારીઓના પગાર કરતાં પણ વધુ હોય છે. પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી પ્રતાપસિંહ બાદલ શાયદ દેશમાં સર્વાધિક વાર ધારાસભ્ય હોવાનો વિક્રમ ધરાવે છે. જેટલીવાર ચૂંટાવ તેટલીવારના પેન્શનના હિસાબે અગિયાર વારના ધારાસભ્ય બાદલસાહેબને મહિને ૫.૭૬ લાખ રૂપિયાનું પેન્શન મળે છે. પંજાબના બીજા પૂર્વ મુખ્ય મંત્રી રાજિંદર કૌર ભટ્ટલને માસિક રૂ. ૩.૨૫ લાખ પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને ૨ લાખ, પૂર્વ ધારાસભ્ય અજય યાદવને રૂ. ૨.૩૮ લાખ બિહારના રમઈ રામને રૂ.૧.૪૬ લાખ માસિક પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભજનલાલના પત્ની જસમાદેવીને તેમનું ખુદનું પૂર્વ ધારાસભ્યનું માસિક રૂ.૬૧,૮૦૦ અને ભજનલાલના વિધવા તરીકે કુટુંબ પેન્શન રૂ. ૯૯,૬૧૯ મળે છે.

ધારાસભ્યોના પેન્શન રાજ્યેરાજ્યે અલગ અલગ હોય છે. પંજાબમાં મહિને રૂ. ૭૫,૦૦૦; મણિપુરમાં ૭૦,૦૦૦; મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦; ઝારખંડમાં ૪૦,૦૦૦; હિમાચલમાં ૩૬,૦૦૦; રાજસ્થાનમાં ૩૫,૦૦૦; ઉત્ત રપ્રદેશમાં ૩૦,૦૦૦ અને મધ્ય પ્રદેશમાં ૨૫,૦૦૦ પેન્શન મળે છે. જો કે આ તો મૂળભૂત પેન્શનની રકમ છે તેના પર મોંઘવારી અને અન્ય ભથ્થા ઉમેરાય છે. એક અંદાજ મુજબ દેશમાં એક સાંસદને માસિક સરેરાશ રૂ.૨.૬૮ લાખ અને ધારાસભ્યને એકાદ લાખ પેન્શન મળે છે.

દુનિયાના અન્ય દેશોમાં જનપ્રતિનિધિઓના પગાર-ભથ્થા નિર્ધારિત કરવા માટે આયોગ કે સમિતિ જેવી અલગ વ્યવસ્થા હોય છે, પરંતુ ભારતમાં દલા તરવાડીપણું ચાલે છે એટલે સાંસદો કે ધારાસભ્યો પોતે જ પોતાના પગાર અને પેન્શન નિર્ધારિત કરે છે અને વધારે છે. ‘સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪’માં અત્યાર સુધીમાં ત્રીસ કરતાં વધુ સુધારા થયા છે. સત્તાપક્ષ અને વિપક્ષ આ એક બાબતમાં એક મત હોય છે એટલે વગર ચર્ચાએ, સર્વાનુમતે, ભારે નફફટાઈથી પોતાના જ પગાર અને પેન્શનમાં પોતે જ વધારો કરતું બિલ પસાર કરી દે છે. સાંસદોને ૧૯૭૬માં રૂ. ૩૦૦ માસિક પેન્શન મળતું હતું જે ૨૦૧૮માં વધારીને ૨૫,૦૦૦ થયું છે. જો કે દેશના ૨૧ રાજ્યોના ધારાસભ્યો કરતાં સાંસદોને મળતું પેન્શન ઓછું છે. 

ચૂંટાયેલા જનપ્રતિનિધિને આપવામાં આવતું પેન્શન કેટલું ઉચિત છે તે ચર્ચાનો વિષય છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જનપ્રતિનિધિનો હવાલો આપીને તેનું ઔચિત્ય સમજાવી શકાય તેમ નથી. કેમ કે દેશમાં ૮૨ ટકા સાંસદો અને ધારાસભ્યો કરોડપતિ છે. વળી તમામને પેન્શન તો જરા ય વાજબી નથી. મોટા રાજનેતા, ઉદ્યોગપતિ, ફિલ્મકાર, ધારાશાસ્ત્રી, અખબાર કે મીડિયા સમૂહના માલિક પણ હાલના માપદંડે પેન્શનને પાત્ર છે કે પેન્શન મેળવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકેનું પેન્શન અને સવલતો ભોગવે છે સાથે ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું પેન્શન પણ મેળવે છે. હિંદી ફિલ્મોના એક જમાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર, ઉદ્યોગપતિ રાહુલ બજાજ, નવીન જિન્દાલ અને સાવિત્રી જિન્દાલ એવાં કેટલાંક નામ છે જેમને પેન્શન મળતું હતું કે મેળવે છે.

હરદમ રાગ સેવા આલાપતા રહેતા પ્રજાના સેવકો પ્રજાના પૈસે નિવૃત્તિ પછી પણ પેન્શન રૂપી મેવા મેળવતા રહે તે જરા ય ઉચિત નથી. ધારાસભ્યોના પગાર અને પેન્શન પાછળ ૨૦૧૮માં દેશમાં રૂ. ૧૧૦૦ કરોડ અને સાંસદોના પગાર-પેન્શન પાછળ રૂ.૩૦૦ કરોડ ખર્ચાયા હતા. બેવડા કે ત્રેવડા પેન્શન પર પણ જો લગામ મુકાય તો મોટી બચત થઈ શકે તેમ છે. પંજાબમાં વરસે રૂ. ૮૦ કરોડની બચત થવાની છે.

વળી પંજાબના તમામ રાજકીય પક્ષોએ એક કાર્યકાળ માટે એક જ પેન્શનના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. પ્રકાશસિંહ બાદલે હવેથી પેન્શન નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં જ્યારે સાંસદોના પેન્શનમાં વૃદ્ધિ અંગે તત્કાલીન લોકસભા સભ્ય અને હાલના યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળની સંસદીય સમિતિએ પેન્શનની મૂળભૂત રકમ રૂ. ૩૫,૦૦૦ રાખવા ભલામણ કરી હતી. પણ સરકારે તેના બદલે રૂ.૨૫,૦૦૦ જ પેન્શન માન્ય રાખ્યું હતું.

જન સેવકો કર્મચારીઓ જેવી પગાર-ભથ્થાની અપેક્ષા ન રાખી શકે જ્યારે કેન્દ્ર અને રાજ્યોના બજેટમાં સરકારી કર્મચારી-અધિકારીના પગાર કરતાં પેન્શનની રકમ વધુ હોય અને કેન્દ્ર સરકારે ૨૦૦૪થી સરકારી કર્મીઓ માટે પેન્શન યોજના બંધ કરી દીધી હોય ત્યારે તો સાંસદો-ધારાસભ્યોનું પેન્શન જરા ય ઉચિત ઠરતું નથી. વડા પ્રધાનની એક હાકલે હજારો લોકોએ રેલવે અને ગેસની સબસિડી જતી કરી હતી. વડા પ્રધાન ખમતીધર સાંસદો અને ધારાસભ્યોને પણ પેન્શન જતું કરવા અપીલ કરે તો કેવું સારું .                         

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 11 

Loading

...102030...1,5141,5151,5161,517...1,5201,5301,540...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved