Opinion Magazine
Number of visits: 9672122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફ્રિન્જ: લટ, લટખોર અને લુનાટિક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 June 2022

ગયા સપ્તાહે એક અંગ્રેજી શબ્દ બહુ ચર્ચામાં હતો; ફ્રિન્જ એલિમેન્ટ. ભારતીય જનતા પાર્ટીની (ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવકતા નવીન કુમાર જિંદલે મહમ્મદ પૈગંબરને લઈને એક ટીપ્પણી કરી હતી. તેથી મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોમાં બહુ વિરોધ ઊઠ્યો હતો. તેના પગલે ભા.જ.પે. બંને પ્રવક્તાને પક્ષમાંથી પાણીચું પકડાવ્યું હતું. તે વખતે, કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે, ભા.જ.પ.ના લેટરપેડ પર લખાયેલું એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સૂચિત ટીપ્પણી ભારત સરકારનો મત નથી અને તે “ફ્રિન્જ એલિમેન્ટ”(નૂપુર શર્મા અને નવીન જિંદલ)ના વિચારો છે.

“ફ્રિન્જ એલિમેન્ટ” મોટા ભાગે મીડિયાનો શબ્દ છે. પહેલીવાર કોઈ પાર્ટીએ તેમના જ અધિકૃત પ્રવકતાઓથી અંતર કરવા માટે તેમને “ફ્રિન્જ એલિમેન્ટ” ગણાવ્યા હતા. ફ્રિન્જ એલિમેન્ટ એટલે શું? તેનો ચોક્કસ ગુજરાતી પર્યાય નથી. ફૂટકણિયા કે છૂટક કહેવાય? ગુજરાતી અખબારોમાં “લુખ્ખા તત્ત્વો” એવો એક શબ્દ છે. હિન્દીમાં તેને મળતા આવતા અમુક શબ્દો છે; ચિરકૂટ, છૂટભૈયે, લટખોર, નિગોડા, ટુચ્ચા અથવા અરાજક.

જે મુખ્ય ધારાનો હિસ્સો ન હોય, તેને ફ્રિન્જ કહેવાય છે. દાખલા તરીકે, એક મોટા સંગઠનમાં છેવાડાના અમુક લોકો અલગ રીતે વિચારે, બોલે કે વર્તે તો તેમને “ફ્રિન્જ એલિમેન્ટ” કહે છે. ઓક્સફર્ડ શબ્દકોશ પ્રમાણે, ફ્રિન્જ એટલે કપાળ પર લટકતો વાળનો આગળનો હિસ્સો. ગઈ પેઢીની લોકપ્રિય સાધના તેની હેર-સ્ટાઈલ માટે પણ એટલી જ જાણીતી હતી. તેના કપાળ પર હંમેશાં વાળની લટો ફેલાયેલી રહેતી હતી. તેને સાધના કટ કહેતાં હતા અને તેની સ્ત્રી ચાહકોમાં તે બહુ લોકપ્રિય હતી.

૧૯૫૩માં, હોલિવૂડમાં “રોમન હોલિડે” નામની ફિલ્મ આવી હતી. તેની હિરોઈન ઓડ્રી હેપબર્નને એવા વાળની ફેશન કરી હતી. હોલિવૂડમાં મનોરંજનની પત્રિકાઓ તેને ફ્રિન્જ કહેતાં હતાં. સાધના જ્યારે હિન્દી સિનેમામાં આવી ત્યારે, તેને તેના પહોળા કપાળને લઈને શરમની ભાવના હતી, અને તેને ઢાંકવા માટે, હબિબ અહેમદ નામના હેરસ્ટાઈલિસ્ટની મદદથી તેણે વાળની ફ્રિન્જ બનાવી હતી.

સાધના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “ફોટો ટેસ્ટમાં મારું પહોળું કપાળ દેખાતું હતું. તેને વાળની પટ્ટીઓ મારીને કવર કર્યું હતું. ‘લવ ઇન સિમલા’નું શુટિંગ શરૂ થવાનું હતું ત્યારે, નિર્દેશક આર.કે. નય્યરે કહ્યું કે પટ્ટીઓ નહીં ચાલે. એ વખતે ઓડ્રી હેપબર્નની ‘રોમન હોલિડે’ નવી જ રિલીઝ થઇ હતી. એટલે મને તાબડતોબ હેરડ્રેસર પાસે મોકલીને ફ્રિન્જ બનાવવામાં આવી.”

ઓક્સફર્ડ શબ્દકોશ કહે છે કે આ શબ્દનો સંભાવત: પહેલો ઉપયોગ ૧૮૭૦ના દાયકામાં ઇંગ્લેન્ડ અથવા સ્કોટલૅન્ડના એક સામાયિકમાં સ્ત્રી વાચકો માટે થયો હતો. તેમાં એક વિજ્ઞાપનમાં લખ્યું હતું, “આગળના વાળ માટે વાંકોડિયા અથવા ગુંથેલા ફ્રિન્જ.”

લગભગ એ જ સમયગાળામાં, ઓસ્ટ્રેલિયાના સમાચારપત્ર “સિડની મોર્નિંગ હેરાલ્ડ”માં એક સમાચારમાં આવું વાક્ય હતું: “તેમની ઊંચી અને કડક કાઠી રઈસ અને પ્રતાપી લાગતી હતી. માથું પ્રભાવશાળી અને સફેદ ભ્રમરવાળો ચહેરો મોસમના મારથી તરડાયેલો હતો. તેમના ઊંચા લલાટ પર સફેદ વાળની ફ્રિન્જ ઝૂલતી હતી.”

ફ્રિન્જ શબ્દનો ઇતિહાસ 14મી સદી સુધી જાય છે. તે વખતે તેને “ફ્રેન્જ” કહેવાતો હતો, અર્થ થતો હતો “સુશોભનની કિનારી.” જૂની ફ્રેંચ ભાષામાં, ફ્રેન્જનો અર્થ “તંતુ, લટ, ઝાલર, કિનારી” થતો હતો 19મી સદીમાં આવતાં સુધીમાં તેનો અર્થ “ધારની બહારનો હિસ્સો, અથવા હાંસિયો” થતો હતો.

અંગ્રેજી ભાષાશાસ્ત્રીઓ કહે છે કે આ શબ્દ દેશી લેટિન ભાષાના “ફ્રિમ્બિયા” પરથી આવ્યો છે, જેનો અર્થ સીમા અથવા સરહદ થાય છે. જૂનાં જમાનામાં કપડાં, મુગટ કે ઘોડાની જીનનું સુશોભના કરવા માટેની વસ્તુઓને ફ્રિન્જ કહેવાતી હતી.

મજાની વાત એ છે કે દાયકાઓ સુધી “ફ્રિન્જ” શબ્દ પુરુષના ચહેરા પરના વાળ માટે વપરાતો હતો. ઓક્સફર્ડ એના માટે “ન્યૂગેટ ફ્રિન્જ” શબ્દ આપે છે; અર્થ થાય છે દાઢી. ઇંગ્લિશ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સે ૧૮૫૩માં એક પત્રમાં આવું લખ્યું હતું, “મેં મારું સરસ રેઝર ઉઠાવ્યું, અને દાખલો બેસાડવા માટે, મારી હડપચી નીચેની આખી ન્યૂગેટ ફ્રિન્જ ઉડાવી દીધી.” ઓસ્ટ્રેલિયાના બીજા એક સમાચારપત્રમાં મૂંછો માટે ફ્રિન્જ શબ્દ વપરાયો છે.

આના પરથી “ફ્રિન્જ સાયન્સ” એવો શબ્દ બન્યો છે. સ્થાપિત વૈજ્ઞાનિક થિયરીઓથી હટીને જેની કલ્પના કરવામાં આવે તેને ફ્રિન્જ સાયન્સ કહે છે. ઘણીવાર સ્યુડો-સાયન્સને પણ ફ્રિન્જ કહેવામાં આવે છે. દાખલા તરીકે, ખગોળશાસ્ત્રમાં જ્યારે પહેલીવાર બ્લેક હોલની કલ્પના કરવામાં આવી ત્યારે, મુખ્ય ધારાના વિજ્ઞાનીઓએ તેને ફ્રિન્જ સાયન્સ કહીને ખારીજ કરી નાખ્યું હતું.

માણસોના સંદર્ભે, એવો જ એક શબ્દ “લુનાટિક ફ્રિન્જ” છે. મરિયમ-વેબસ્ટર શબ્દકોશ અનુસાર, રાજકીય અથવા સામાજિક સમૂહ અથવા કોઈ ચળવળમાં સૌથી આત્યંતિક કે મૂર્ખામીભર્યા વિચારોવાળા માણસોને લુનાટિક ફ્રિન્જ કહેવાય. લેટિનમાં, ચંદ્ર માટે લુના શબ્દ છે, મતલબ ગાંડો. પાગલખાના માટે અંગ્રેજીમાં લુનાટિક અસાઈલમ શબ્દ છે.

આ શબ્દ પ્રચલિત કરવાનું માન, અમેરિકાના ૨૬મા પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટને જાય છે. ૧૯૧૩માં, ફરીથી પ્રેસિડેન્ટ બનવાની નાકામ કોશિશ પછી થોડા જ સમયમાં, રૂઝવેલ્ટે અમુક ચિત્રકારોના કળાપ્રદર્શન અંગે અકળાઈને લખ્યું હતું. આ ચિત્રકારો જેવું પેઈન્ટિંગ અગાઉ કોઈએ કર્યું નહોતું. તે વખતના કળાજગતમાં આ ચિત્રકારો “લુનાટિક ફ્રિન્જ” કહેવાતા હતા. રૂઝવેલ્ટે “હિસ્ટ્રી ઓફ લિટરેચર” આવું લખ્યું હતું:

“… આપણે એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ કે કોઇ પણ પ્રગતિશીલ ઝુંબેશના વફાદાર અનુયીઓમાં લુનાટિક ફ્રિન્જ હોય છે. તાજેતરના આ કળા પ્રદર્શનમાં લુનાટિક ફ્રિન્જનો દબદબો જોવા મળ્યો હતો.”

અહીં, લુનાટિક ફ્રિન્જ એટલે માથાફરેલા ચિત્રકારો તો ખરા જ, પરંતુ તેનો સંદર્ભ અસલમાં પાગલ કરતાં માથામાં સરસ રીતે ગોઠવાયેલા વાળમાંથી “વિદ્રોહ” કરીને લલાટ પર છૂટા પડી ગયેલા ફ્રિન્જ વાળના અર્થમાં છે. આગળ વાત કરી તેમ, બ્રિટિશ હેરડ્રેસરો કાટ-છાંટ કરીને આંખની ભ્રમર સુધી વાળ લટકતા રાખે તેને ફ્રિન્જ કહેતા હતા.

નોર્થ અમેરિકન અંગ્રેજીમાં તેને “બેંગ્સ” કહે છે; ભ્રમરની ઉપર કપાળમાં ઝાલરની જેમ લટકતા વાળ. ગાય કે ઘોડાની પૂંછને સીધી કાપવામાં આવે તેને “બેંગ્સટેઈલ” કહે છે. કપાળ પરના વાળ પણ એવા છુંછા જેવા હોય છે એટલે તે ફ્રિન્જ કહેવાય.

બાય ધ વે, નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલને લુનાટિક ફ્રિન્જ કહેવાય?

પ્રગટ : ‘મોર્નિંગ મ્યૂસિંગ’ નામકલેખકની કોલમ, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 જૂન 2022 / ‘ફાયરવોલ’ નામક લેખકની કોલમ, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર” 19 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉખાણું

બીજલ જગડ|Opinion - Opinion|22 June 2022

હથેળીમાં ચીતરી રેખાઓનું ગામ,
લૂમખઝૂમખ રેખા ડાળભરેલું ગામ.

ડુંગર ફરતાં આંટા કેટકેટલા ફરીશ,
આરે સંસાર કુરુક્ષેત્રનું અમર ધામ.

સૂરજ જીવાડે ધરતી એને પાલવે,
ભીતર ભાત્યું પાડે મારો ઘનશ્યામ.

યુગયુગનાં અંધારા છતાં દીસે નકશો,
મારાગ ને મારગમાં ભળવાનું ઠામ.

જોગાનુજોગ છે, સંબંધ કંઈ નથી ?
કાગા રે કાગા ઉખાણું તારું નામ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

જ્ઞાન(ચંદ)નો શિકાગો રેડિયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 June 2022

સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”માં આલિયા ભટ્ટનું એક દૃશ્ય છે. તે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલા સ્ત્રી-સંમેલનમાં એક ભાષણ આપે છે. વાસ્તવમાં, ગંગુબાઈ કોઠેવાલી નામની અસલી મેડમે પણ આવું જ ભાષણ આપ્યું હતું, અને તેનાથી પ્રભવિત થઇને જ સ્થાનિક રાજકારણીઓએ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે તેની મુલાકાત ગોઠવી હતી. ફિલ્મમાં આલિયા આગ ઝરતું ભાષણ આપે છે, તે ઘણું લોકપ્રિય થયું છે. થોડા અંશો :

“હમારે દરવાજે પર કોઈ ભી આયે, હમ કિસી કો ભી હિકારત સે નહીં દેખતે. હમ ના મજહબ પૂછતે હૈ, ના જાત. કાલે સે જ્યાદા નહીં, ગોરે કમ નહીં. અમીર હોય યા ગરીબ, સબ કા રેટ એક. જબ હમ કિસી સે યે ભેદભાવ નહીં કરતે, તો હમસે યે ભેદભાવ કયું? હમ હી આપકે સમાજ સે બાહર કયું? હમારા ધંધા શરીર કા હૈ, તો હમ શરીર બેચતે હૈ. બદન તુડવા કર કામ કરતે હૈ હમ, તો ક્યા ગલત કરતે હૈ? ઇનકો સિર્ફ હમારી દુકાન પે ઈતરાજ કયું? આદમી લોગ આતે હૈ આપકે હી મહોલ્લે સે હમારે મહોલ્લે મેં. ફિર ભી, હમારા હી મહોલ્લા બદનામ કયું?”

 

આલિયાનો અવાજ અને આ શબ્દો તો ગંભીર હતા જ, પરંતુ એ અવાજ અને શબ્દોમાં વધુ તાકાત આવી હતી શિકાગો રેડિયોમાંથી. તમે જો એ ભાષણને ધ્યાનથી સાંભળ્યું/જોયું હોય, તો તમને યાદ હશે કે આલિયા “શિકાગો રેડિયો” લખેલા માઈક્રોફોનમાંથી બોલે છે. કદાચ ધ્યાન ના પણ ગયું હોય. બહુ સાધારણ વસ્તુ હતી. પિરિયડ ફિલ્મો હોય એટલે એમાં નાની-મોટી ઘણી ચીજો એવી હોય છે, જે સેટ ડિઝાઈનરના માથાનો દુ:ખાવો હોય, આપણો નહીં.

જો કે, ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શિકાગો રેડિયોની ભૂમિકા બહુ મોટી છે એટલે તેને યાદ કરવો જરૂરી છે. તમે જો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના તેઓ સાર્વજનિક ભાષણ આપતાં ફોટોગ્રાફ્સ જોયા હોય તો, તમને તેમના માઈકની આગળ અર્ધ ચંદ્રકારમાં “શિકાગો રેડિયો” લખેલું વાંચવા મળ્યું હશે. આ લખનારે કેટલીય વાર એ જોયું હતું, પણ અમેરિકાના શિકાગોની કોઈ કંપની લાઉડસ્પીકરની સિસ્ટમ બનાવતી હશે એવું માનીને જોયું-ન જોયું કર્યું હતું, પરંતુ “ગંગુબાઈ કાઠિયાવાડી”ના એ દૃશ્યને યાદ કરીને, ઇતિહાસ, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ અને રાજનીતિનાં ક્ષેત્રને લગતી અવનવી વાર્તાઓના ડિજીટલ પોર્ટલ “પેપરક્લિપે” શિકાગો રેડિયોનો ઇતિહાસ દોહરાવ્યો, ત્યારે ખબર પડી કે અવાજ મોટો કરવાની આ સિસ્ટમ સંપૂર્ણપણે ભારતીય છે અને આપણને આઝાદી મળી તેના ૩૮ વર્ષ પહેલાં તેનો જન્મ થયો હતો.

જ્ઞાનચંદ ચન્દુમલ મોટવાણી નામના સિંધ, પાકિસ્તાનના એક સિંધી યુવાને, 12 વર્ષની ઉંમરે રબ્બર સ્ટેમ્પ અને પતંગો બનાવતાં-બનાવતાં ટેલિગ્રાફની તકનીક શીખી લીધી હતી. એમાં તેને બ્રિટિશ રેલવેમાં સિગ્નલરની નોકરી મળી ગઈ. એમાં એની કુનેહ એટલી સરસ હતી કે નોર્થ-વેસ્ટર્ન રેલવેના પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેકટિંગ ટેલિગ્રાફ માસ્ટરનું પ્રમોશન મળ્યું હતું. નોકરીમાંથી બચાવેલા ૩૦૦ રૂપિયામાંથી તેણે ૧૯૦૯માં સિંધમાં ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક એન્ડ ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી.

એ કંપનીનો પહેલો ધંધો ફ્લેશલાઈટ અથવા બેટરીનો હતો. આ એ સમય હતો જ્યારે ટેલિફોનની તકનીક પણ ભારતમાં આવી હતી. દસ વર્ષ સુધી બેટરીના ધંધામાં મહારત હાંસલ કર્યા પછી, ૧૯૧૯માં, જ્ઞાનચંદે મુંબઈની વાટ પકડી, અને ત્યાં એક નવી જ કંપની સ્થાપી; શિકાગો ટેલિફોન સપ્લાય કંપની. તે વખતે અમેરિકાના શિકાગોમાં એ જ નામની કંપની હતી, અને મોટવાણીએ તેની પરવાનગી લઈને મુંબઈ, કોલ્હાપુર અને ત્રાવણકોર રાજ્યમાં સરકારી ઓફિસો, ફેકટરીઓ, મિલો અને રેલવેને ટેલિફોન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.

ટેલિફોનની તકનીકની સાથે, વિશ્વમાં બ્રોડકાસ્ટિંગ પણ પ્રચલિત થઇ રહ્યું હતું. મોટવાનીને એમાં રસ પડ્યો. ૧૯૨૩ સુધીમાં તો તે રેડિયો રિસીવિંગ સેટ્સની આયત કરીને ભારતમાં વેચતો હતો. ૧૯૨૬ સુધીમાં તો તેની શિકાગો રેડિયો કંપની રેડિયો, ટેલિ-કોમ્યુનિકેશન્સ અને લાઉડસ્પીકરનાં સાધનો વેચતી હતી. ૧૯૨૫માં, શિકાગો રેડિયોની બ્રાંચ લાહોર, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર, લખનૌ, કાનપુર અને સિકંદરાબાદમાં ફેલાયેલી હતી. 

કહેવાય છે કે, 1929ની શરૂઆતમાં એક મંચ પરથી બીજા મંચ પર જઈને હજારોની મેદનીને સંબોધતા ગાંધીજીને જોઈને મોટવાનીને તેમનો અવાજ મોટો થાય તેવું સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમાંથી શિકાગો રેડિયો લાઉડસ્પીકરનો જન્મ થયો હતો. થોડા જ સમયમાં, ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રસના નેતાઓ શિકાગો રેડિયોમાંથી અંગ્રેજો વિરુદ્ધ લોકોમાં જુસ્સો ભરતા હતા.

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ રાજકીય રેલીઓમાં લાઉડસ્પીકર પર જુસ્સાદાર ભાષણ આપવાની રીત પાછળ ધાર્મિક પરંપરા જવાબદાર છે. રેલીઓમાં તો ખેર રાજકીય વિચારોને એક જ જગ્યાએથી એક સાથે હજારો લોકો સુધી પહોંચાડવાનો ઉદેશ્ય છે, પરંતુ બોલતા શબ્દનો એક ધાર્મિક ઇતિહાસ પણ છે.

પૌરાણિક સમયમાં શબ્દને ભ્રહ્મ અથવા ઈશ્વર સ્વરૂપ માનવામાં આવતો હતો. આપણે ત્યાં શબ્દને શબ્દભ્રહ્મ અથવા નાદભ્રહ્મ કહે છે. પ્રાચીન ઋષિઓ સૃષ્ટિની ઉત્પતિ નાદમાંથી થયાનું માનતા હતા.

અનાદિનિધનં ભ્રહ્મ શબ્દટવાયદક્ષરમ
વિવર્તતે અર્થભાવેન પ્રક્રિયા જગતોયત:

અર્થાત્‌, શબ્દરૂપી ભ્રહ્મ અનાદિ, વિનાશ રહિત અને અક્ષર (નષ્ટ ન થાય તેવો) છે તથા તેની વિવર્ત પ્રક્રિયાથી જ આ જગત ભાસિત થાય છે. બાઈબલમાં વિધાન છે; આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વર પાસે હતો, અને શબ્દ ઈશ્વર હતો.

મધ્ય મેક્સિકોની માયા સંસ્કૃતિનું સંશોધન કરતાં આર્કીઓલોજીસ્ટનો દાવો છે કે મંદિરોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે તેના ગુંબજોમાં શબ્દ એમ્પલીફાય થઇને દૂર સુધી જતો હતો. વિશાળ મંદિરો એ રીતે લાઉડસ્પીકરની ગરજ સારતાં હતાં.

દેશમાં અત્યારે મસ્જિદોમાં અઝાન વખતે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલે છે. પરંતુ જ્યારે લાઉડસ્પીકર નહોતાં ત્યારે, મસ્જિદનો મૌઝિન (અઝાન માટે સાદ પાડે તે) મસ્જિદની મિનારતમાંથી બાંગ પોકારતો હતો. એ અર્થમાં મિનારત લાઉડસ્પીકરનું જ સ્વરૂપ હતું.

ટૂંકમાં, અવાજને તેના પ્રાકૃતિક અંતરથી આગળ લઇ જવા માટે અને તેને એક સાથે અનેક લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાતમાંથી લાઉડસ્પીકરની શોધ થઇ હતી. જૂના જમાનામાં ગામમાં કોઈને બૂમ પાડવી હોય તો, તે બે હાથની હથેળીઓ ભેગી કરીને તેનું ભૂંગળું બનાવતો અને પછી એમાં બોલતો, જેથી તેનો અવાજ એમ્પલીફાય થતો.

ભારતની સ્વતંત્રતા ચળવળના નેતાઓએ એ રીતે જ લોકો સુધી આઝાદીનો નારો પહોંચાડ્યો હતો. લાઉડસ્પીકરની કમાલ પર ગાંધીજીએ કહ્યું હતું, “મારી વાતોમાં લોકો જે રીતે જયજયકાર કરતાં હતા તે પરથી લાગે છે કે લોકો બહુ ધ્યાનથી મને સાંભળતા હતા.” પંડિતજીએ કહ્યું હતું, “તમારા લાઉડસ્પીકરોએ કમાલનું કામ કર્યું છે અને એ એરેન્જમેન્ટની બધા સરાહના કરે છે.” પંડિતજી આઝાદીની પૂર્વસંધ્યાએ તેમના “ટ્રાયસ્ટ વિથ ધ ડેસ્ટીની” ભાષણના સંદર્ભમાં વાત કરતા હતા. એ ભાષણ શિકાગો રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. કેવું કહેવાય, આઝાદીનું જ્ઞાન જ્ઞાનચંદ મોટવાનીના શિકાગો રેડિયોમાંથી આવ્યું હતું!

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જૂન 2022

Loading

...102030...1,4811,4821,4831,484...1,4901,5001,510...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved