Opinion Magazine
Number of visits: 9672126
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરાંભીનાં સ્મરણો (૫) ચોરી

સુમન શાહ|Opinion - Opinion|3 August 2022

નાનપણમાં હું ડરપોક હતો. મોટેરાં રાતે રાતે ભૂતપ્રેતની વાતો ખાસ કરે. મારી કલ્પના ચગતી હશે એટલે ડર ન્હૉતો લાગતો, ઠીકઠીક મજા આવતી’તી, પણ ચોરોની વાતો નીકળે એટલે હું બીતો, વિચારમાં પડી જતો. મને થતું, મધરાત પછી પાછલે બારણેથી ઘૂસશે તો …

છીંડાં પાડે, પાડી શકે, કેમ કે દીવાલો જૂની તે દોદળી થઈ ગઈ હોય. પરસોતમને તાં ચોરી થઈ …જગાભાઈને તાં ચોરી થઈ … રોજ સવારે એવા માઠા સમાચાર મળે જ મળે … લોકો સાંત્વન આપવા, ખરેખર તો કુતૂહલવશ, મળવા જાય – કેવી રીતે થયું? – શું શું ચોરાયું? – દાગીના? – રોકડા? – કેટલા વાગ્યે થયું? – તમે ભરઊંઘમાં હશો …

બા મને ત્રીજે માળ કશુંક લેવા મોકલે તો જઉં ખરો પણ કચવાતો, કેમ કે ડરું – કોઈ ભરાઈ બેઠો હશે તો …

આગળના જમાનામાં કેટલાક ચોર વંડીએથી દાખલ થાય. ઘરડેરાં ઘરેણાંનો દાબડો ભીંતમાં સંતાડતા. ભીંતમાં બાકોરું પાડતા, એમાં દાબડો મૂકતા ને પછી બાકરું સીડી દેતા. એટલે, જો પધાર્યા હોય તો ભીંતોને પણ ન છોડે. મેં બા-ને પૂછેલું – આપણી ભીંતમાં તો દાબડો નહીં હોય ને? પિતાજીએ કહેલું – હોઈ શકે, દાદા-પરદાદાના વારાનો. તો મેં કહેલું – જોઇ પાડીએ. અને અમે ભાઈબહેનોએ એક આશાસ્પદ ભીંતને ખાસ્સી ‘ખખડાવી’ જોયેલી. કશું મળેલું નહીં, અટકી ગયેલાં. જો કે, રીપેરિન્ગનો મહા મોટો ખરચો ઊભો કરેલો.

અમારા ઘરનું મુખ્ય બારણું સડક પર પડે. સામેનું ઘર મોટે ભાગે બંધ રહે. કેમ કે એ લોકો ગામડે રહેતા’તા. એક વાર એ ઘરમાં ચોર પૅઠા ને ખાસ્સું રહી પડ્યા; ચા બનાવી, રાંધ્યું, ખાધું-પીધું. ગામડેથી પેલાં આવ્યાં હશે ને જોયું હશે તો રસોડું રફેદફે, ને બધું ફલ્લંફલ્લા. દાગીના રાખેલા નહીં એટલાં તેઓ બચી ગયેલાં.

ચોરો ગૃહસ્થની જેમ, ભલે બીજાને ત્યાં, પણ રહી પડે ને જાતે રાંધે, એવું તો કેમ બને? મને થતું, એટલા તો તેઓ સામાન્ય માણસ ખરા જ ને વળી ! કદાચ એમને ચોરીના ધંધાનો કદીક કંટાળો આવતો હશે – અસ્તિત્વનું એક રસાયણ કંટાળો છે.

ઍમ. એ.-માં ભણતાં ભણતાં સમજવા મળેલું કે ફ્રૅન્ચ માનસ જુદું હોય છે : જો સમાજ વ્યક્તિને એના હક-હિસ્સાથી વંચિત રાખતો હોય તો સમાજને જ શા માટે ચોર ન ગણવો? ધનવાનો જરૂરતથી વધુ એકઠું કરીને બેઠા હોય છે, એ સંઘરાખોરોને ત્યાંથી ચોરો થોડુંક લઈ જવાની ખરેખર તો કુનેહભરી તસ્દી લેતા હોય છે; એ અર્થમાં ચોરો સમાજસેવા કરે છે; સૌએ એમનો આભાર માનવો જોઈએ. પરિગ્રહ પણ સામાજિક ચોરી જ ને?

ફ્રૅન્ચ સાહિત્યકાર ઝાં જેને વેશ્યાસુત હતા, પાલક માતાને ત્યાં ને પછી અન્યોને ત્યાં ઊછરેલા; કવિ, નવલકથાકાર, નાટ્યકાર, નિબન્ધકાર, પોલિટિકલ ઍક્ટિવિસ્ટ. તેમછતાં, એમના બારામાં માન્યામાં ન આવે એવી હકીકત એ છે કે યુવાકાળમાં તેઓ ચોરીઓ કરતા’તા, પકડાયેલા ને એમને એકથી વધુ વાર જેલમાં ધકેલવામાં આવેલા. એમણે એક નવલકથા લખી છે, “ધ થીફ’સ જર્નલ”, ૧૯૪૯. હકીકતો અને પોતાની વીતકવારતાનું એમાં મિશ્રણ છે. નાયક સ્પેન ઇટાલિ ઑસ્ટ્રીઆ ઝેકોસ્લેવેકીઆ નાઝિ જર્મની અને બેલ્ઝિયમમાં ભટકતો રહે છે.

જેનેએ નવલમાં શક્ય એટલાં દુષ્કૃત્યોનું અથવા અસામાજિક કૃત્યોનું નિરૂપણ કર્યું છે. એટલું જ નહીં, ’ચાળીસીનાં સર્વમાન્ય બૂર્ઝવા મૂલ્યોનો ધ્વંસ કર્યો છે બલકે પ્રતિ-મૂલ્યોનું સ્થાપન કર્યું છે. વિદ્વાનો કહે છે કે જેનેએ ત્રિગુણ(!) સાધના કરી છે : સમલૈંગિકતા, ચોરી, અને દગાબાજી : એમનો કથાનાયક ચોરીનું હરેક કામ એક જાતની ‘ધાર્મિકતા’-થી કરતો હોય છે. કથક જણાવતો રહે છે કે ચોર ચોરીને માટેની પૂર્વતૈયારી એવા ‘ધર્મ’ભાવથી કરતો હોય છે, જેમ સાધુ પોતાના પવિત્ર જીવન માટે ઇશ્વરને પાર્થના કરતો હોય છે.

સાર્ત્રે એ નવલના અનુલક્ષમાં પુસ્તક લખ્યું છે, “સેઇન્ટ જેને, ઍક્ટર ઍન્ડ માર્ટિર”, ૧૯૫૨. સાર્ત્ર એમ સૂચવી રહ્યા છે કે ‘પ્રતિભા’ કશી બક્ષિશ નથી, પણ વ્યક્તિએ અનેક વિટમ્બણાઓમાંથી ખાંખતથી શોધી કાઢેલો જીવનોપાય છે. સાર્ત્રે અસ્તિત્વાદી ફિલસૂફની નજરે આ મનુષ્યમાં ‘અભિનેતા’ જોયો છે, ‘શહીદ’ જોયો છે. એમને જેને ‘સન્ત’ લાગ્યો છે. આપણને ન ગમે, પણ ફિલસૂફી કાતિલ હોય છે, તથ્યોનું નર્યું નિસ્યન્દન કાઢી આપતી હોય છે.

એક વાર મારા પર બહુ વીતેલી. સાતમા ધોરણની શાળાન્ત પરીક્ષા હતી – વર્નાક્યુલર ફાઈનલ. એ પરીક્ષામાં ચોરી મેં કરી જ ન્હૉતી છતાં સુપરવાઈઝરે મને ઊઠાડી મૂકેલો. બનેલું એમ કે હું એકીપાણી માટે બહાર નીકળલો. કોઇકે મને કહ્યું – આ તારી બાજુવાળાને આપી દેજે. કશીક ચિઠ્ઠી લાગેલી. મેં પેલાને આપી કે તરત સુપરવાઈઝરે મારું કાંડું પકડ્યું, મારી ઉત્તરપોથી આંચકી લીધી ને મને વર્ગની બ્હાર કાઢી મેલ્યો. તેથી, પેલાનું શું થયું તેની મને ખબર ન પડી. ‘કાંણિયાકાકા’-ની દુકાન નજીક હતી, હું ત્યાં જઈને રડી પડ્યો. શું થયું શું થયું-નો જવાબ આપી શકેલો નહીં કેમ કે ધ્રૂસકે ભરાઈ ગયેલો. 

છેવટે પિતાજીને બોલાવ્યા હશે તે મને હેડમાસ્ટર પાસે લઈ ગયેલા – મારા દીકરાનો વાંક શું છે? એને શી ચોરી કરી, કહો તો? તે દિવસે મારા સદનસીબે ‘ડિપોટી માસ્ટર’ આવેલાં – ઇન્દિરા ભણોત. મારી ઉત્તરપોથી મારા હાથમાં મૂકતાં મને કહે – બાકી છે એ સવાલોના જવાબ તું લખી શકે? મેં હા પાડી. મેં ફટાફટ લખી નાખ્યું. જોઇને એ ખુશ થઈ ગયાં. પિતાજી કશું બોલ્યા નહીં. રાતે મને તાવ હતો, પણ સવારે પેલો સુપરવાઈઝર ક્ષમાયાચના માટે ઘરે આવેલો. હું એને કતરાતી તીખી નજરે જોઈ રહેલો. એ પરીક્ષામાં ડભોઇ તાલુકામાં હું ફર્સ્ટ આવેલો. મારાં વર્ગશિક્ષક ઉષાબેને મને ઊંચકીને ચૂમી લીધેલો. બાએ ખુશી જાહેર કરેલી કે એ મને પાટલૂન કરાવી આપશે. એ મારું પહેલું પાટલૂન હતું – બદામી રંગનું, સુતરાઉ, બટન પણ દરજીએ જાતે બનાવેલાં, સુતરાઉ; ઝિપર તો ક્યાંથી હોય? હોય એવી ખબર પણ કોને હતી?

મેં ક્યારે ય ચોર લોકો કરે એવી જાતની ચોરી નથી કરી, તે છતાં, તે દિવસ પછી હું સમજેલો કે ચોરી માટે કોઈને અજાણ્યે પણ મદદ કરવી એ ય એ કૃત્યનો જ ભાગ ગણાય. ગુજરાત યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજોમાં પરીક્ષાચોરોને પકડવા જવાના ફ્લાઇન્ગ સ્ક્વૉડમાં જોડાવા હું આનાકાની કરતો’તો. કદાચ ૧૯૯૦ આસપાસની વાત છે. કેમ કે ત્યારે કેટલાક જુનિયર સુપરવાઈઝરો જ ચોરી કરવા દેતા’તા; બદલામાં, પરીક્ષાખણ્ડના દરેક પરીક્ષાર્થી પાસેથી રૂપિયા પડાવતા’તા. મને થાય, હું એમને શી રીતે પકડવાનો? અને પરોક્ષ ભાગીદાર ગણાઉં કે કંઈ બીજું?

પ્રૉ. પીરજાદા મને કહે – સુમનભાઈ, તમારા જેવી વ્યક્તિએ તો જવું જ જોઇએ. મનમાં રમૂજી થયેલી – શું હું ચોરીના ધંધાનો નિષ્ણાત છું તે મને લાયક વ્યક્તિ ગણી રહ્યા છે? મેં એમને હસતાં હસતાં કહેલું પણ ખરું – સર, હાઉ કૂડ યુ કન્સિડર મી સો કૉમ્પિટન્ટ? તો  સરસ બોલેલા – તમે છો જ, મેં હાથ ધરેલા આ કામને લાયક જેમ હું છું, તેમ તમે છો …

“મૃચ્છકટિક”-માં વર્ણવ્યું છે કે ચોરો કેવા કેવા આકારનાં રૂપાળાં બાકોરાં પાડે છે. મને થતું – શૂદ્રકને એ જ્ઞાન શાથી લાધ્યું હશે? પરન્તુ, આપણા પ્રાચીનો તસ્કરવિદ્યા જાણતા હતા, ચૌર્યશાસ્ત્ર પણ લખાયું છે. ડાકોર અને નડિયાદની કૉલજોના કૅમ્પસમાં અમારી ટૅક્સી પ્રવેશે એટલે એકોએક બારીએથી કાપલીઓનો વરસાદ વરસતો. કોઇ કોઇ માથાભારે તો રામપુરી ચપ્પુ બૅન્ચ પર ખુલ્લો રાખીને કાપલીમાંથી ઉતારો કરતા’તા. ચાલાક છોકરીઓ જાંઘ પર લખી લાવતી’તી. નડિયાદમાં તો કાપલીઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલતો’તો. કાપલી મોતી જેવા પણ એવા ઝીણા અક્ષરમાં બનાવી હોય કે કલાકૃતિ લાગે. બૂટ કે સૅન્ડલની એડીમાં કાપલીનો નાનકડો રોલ છુપાવી દીધો હોય. એડી આરામથી ખોલબંધ થાય એવી બનાવી આપનારા મોચી પણ એ ઉદ્યોગમાં જોડાયેલા.

આજે તો બૅન્કોને મૂરખ બનાવીને કરોડોની ચોરીઓ કરનારા રાષ્ટ્ર સ્તરના માલ્યા ને નીરવ જેવા ધનિક ચોરો અને તેમના ભેરુઓ વધતા ચાલ્યા છે, કેમ કે, સાથોસાથ, તસ્કરવિદ્યા પણ પ્રકાર પ્રકારે ફુલીફાલી રહી છે. એટલે તો, ચોરીમાં ‘સફેદ’ ચોરીનો પ્રકાર વિકસી રહ્યો છે; નજાકત પણ ભળી છે, સ્ત્રીચોરો મળવા લાગ્યા છે. સાચે જ, અતુલનીય છે ભારત !

લોકવાયકા છે કે શ્રીમન્તો પણ રેસ્ટોરાંવાળાએ જમવા આપેલા નાઇફ-ફૉર્ક ચોરી જાય છે. કહે છે, એમને છૂપો આનન્દ આવે છે. એવી ચોરીને નિર્દોષ ગણવી? સામે મળે ને નજર ચુરાવી લે એ ગુજ્જુ ચોરીને સદોષ ગણવી? એક સાહિત્યપરક સવાલ : સાહિત્યવસ્તુના ચોરને ચોર ગણવો કે કેમ? કેમ કે જુલિયા ક્રિસ્તેવા તો ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીની – આન્તરપાઠત્વની – વીગતે નિરૂપણા કરે છે. કોની ટૅક્સ્ટ કોનામાં ઘૂસી ગઈ કે કોણે સમજીવિચારીને પોતાને નામે ઘુસાડી દીધી એ સંશોધનનો મામલો છે. સંશોધનથી લાધેલા જ્ઞાન પછી પણ પ્રશ્ન ઊભો જ રહે છે કે સાહિત્યકારોને ચોર કહેવા કે શાહુકાર. પ્લેજ્યારિઝમ ઇઝ અન્ડર ક્વેશ્ચન !

દૉસ્તોએવ્સ્કી “ધ મીક વન” (“વિનીતા” અનુ૦ સુ૦) લઘુનવલમાં એવા મતલબનું કહે છે કે – પિસ્તોલ રાખશો તો હત્યા કે આત્મહત્યા અવશ્ય થશે. અમેરિકામાં નાગરિકો ગન રાખી શકે છે. અમેરિકન ચોર છડેચૉક ચોરી કરે છે, પણ મારીને જ જાય છે. સ્યુસાઇડ્સની ખબર નથી પડતી પણ ગ્રૂપ શૂટિન્ગ્સ વધી રહ્યાં છે.

મારી પાસે તો નથી પિસ્તોલ કે ગન કે રાયફલ. નાની લાકડી પણ નથી. જો કે મારી પાસે ચોરવા જેવું પણ કંઈ નથી, એટલે ચિન્તા નથી. હું તો વિદ્યાધની છું ને વિદ્યાની ચોરી નથી થઈ શકતી; બીજાઓને માત્ર આપી શકાય છે અને બીજાઓ માત્ર શીખીને મેળવી શકે છે. જો કે શીખનારા ઘટી રહ્યા છે એટલે એની પણ ચિન્તા નથી. પણ એ જ મોટી ચિન્તાનો વિષય નથી?

= = =

(August 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસાઈના મશાલચી  ડો. મફતભાઈ પટેલ : સંપાદક – દધીચિ ઠાકર 

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|2 August 2022

વિહંગાવલોકન :

નાનુબાપાના ‘સંવેદન સામયિક‘માં ‘અચલા’ની નોંધ કે જાહેરખબરમાં ડો. મફતભાઈ પટેલનું નામ જોયેલું ત્યારે એમની ઓળખાણ ન હતી. હજી પણ રૂબરૂ મેળાપ થયો નથી. દધીચિએ લગભગ એકસો ત્રેપન પરિચિતો-સ્વજનો-મિત્રો લિખિત ચારસો સાઠ પાનાનું દળદાર પુસ્તક મોકલ્યું અને મારી સામે મેં નજર ફેરવવા રાખ્યું ત્યારે પણ મને ખાતરી ન હતી કે હું એ પૂરું વાંચીશ. શરૂઆત કરી જેમના નામથી હું પરિચિત હતી એમના અને મફતભાઈના સંતાનોના લેખોથી. એમ કરતા ખાસ્સું વાંચી લીધું.

ડો. મફતભાઈ પટેલની ઓળખ આ રીતે મળી. હિંદી સાથે સુવર્ણચંદ્રક વિજેતા સ્નાતક, હિંદી, સંસ્કૃત અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપરાંત ડોક્ટરેટ. હિંદીમાં રાષ્ટ્રભાષા રત્ન, રત્નાકર, સંસ્કૃતમાં વિશારદ અને સાહિત્યશાસ્ત્રી. અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરપર્સન, શિક્ષણવિદ્, અચલા-ધરતી-હિંસા વિરોધ નામનાં સામયિકો સાથે સંલગ્ન તંત્રી-લેખક-સંપાદક, હિંદી ભાષા પ્રસારક, સમાજ સુધારક, સેવાદળથી રાષ્ટ્રીય સેવક સંઘ – જનસંઘ – ભારતીય જનતા પક્ષના મૂળસોતા કાર્યકર્તા, દુનિયાને સમજવા મથતા આકંઠ પ્રવાસી, હરિપુરા ગામના હામી અને નવસર્જક. તે પહેલાં તો પિતૃવત્સલ, મુઠ્ઠી ઊંચેરા, ઋજુ હૃદયી, ઉમદા માનવી.

દધીચિએ પોતાની કલમે એમનું જે શબ્દચિત્ર દોર્યું છે તેમાં પૌત્રભાવ છે તો સાથે દાદાના સમગ્ર વ્યક્તિત્વને પ્રમાણવાનો પ્રયત્ન પણ છે. સમાજસુધારક તરીકે રવિશંકર મહારાજથી પ્રેરાઈને એમણે યુવાવસ્થાથી જ સમાજના પ્રચલિત કુરિવાજો, રૂઢિ-રસમો અને વ્યવહારોનો વિરોધ કરવાનું વલણ કેળવેલું. તેઓ બાળલગ્નો, ખર્ચાળ લગ્નો, દહેજપ્રથાનો વિરોધ કરતા આવ્યા છે. મરણોત્તર ક્રિયાનું ભોજન ન ખાવું જેવા કુરિવાજો સામે આજીવન લડતા રહ્યા અને પોતે આચારવિચારનો મેળ જાળવી દાખલારૂપ પણ બન્યા. અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવા અને શિક્ષણસેવાને હંમેશાં પ્રાધાન્ય આપતા રહ્યા છે. વાંચન પ્રવૃત્તિને ધબકતી રાખવા એમણે પ્રયત્નો કર્યા છે જેનાં કારણે કડા ગામે એમણે સમૃદ્ધ પુસ્તકાલયનું સર્જન કર્યું. એમના ગુણાનુરાગીઓ એમને પ્રગતિશીલ, દીવાદાંડીરૂપ મુઠ્ઠી ઊંચેરા માનવી માને છે.

અનેક લેખકો ડો. અનિતા પટેલના મફતકાકા વિશેનાં વ્યક્તિ ચરિત્ર પ્રકારના પુસ્તક ‘માનવસેવાની સોનોગ્રાફી’થી પણ પ્રભાવિત થયા છે જે પુસ્તકમાંથી પસાર થતાં જણાય છે. ડંકેશ ઓઝાએ તો સરસ રીતે પુસ્તક પરિચય કરાવ્યો છે. એમના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પાસે એવા પ્રસંગો છે જે એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરે છે. એમની પાસે અપેક્ષા રાખીને નિજી કામ માટે આવનાર નિરાશ ન થાય, ગાંઠના ગોપીચંદન કરીને જાહેરકાર્ય માટે ન્યોછાવર થાય, પુસ્તકો વચ્ચે જીવન વ્યતિત કરનાર, બોલાયું તે બોલાયું …. હવે શું ? કાંઈ નહીં એવું વલણ ધરાવતા સાચુકલા ભડવીર, મોકળાશથી ખડખડાટ હસી શકનાર, પ્રેમાળ વડીલ, મિત્ર, સ્વજન તરીકે એમને યાદ કરવામાં આવ્યા છે.

એમનાં સંતાનોએ એમના હૂંફભર્યા વાત્સલ્યની ઊંડી અનુભૂતિ કરી છે. જાહેરજીવન સાથે અને ખાસ કરીને રાજકારણ સાથે સતત સંકળાયેલ દંપતીનાં સંતાનોનું જીવન પણ મોટાભાગે અંગત રહેતું નથી એ આ વ્યક્તિચરિત્ર દ્વારા આંખે ઊડીને વળગે એવું સત્યદર્શન કરાવે છે. ઘરમાં અગ્રિમ હરોળના નેતાઓની અવરજવર સાથે અંત્ય વર્ગના માનવીઓની અવરજવર રહેતી હોય તે વાતાવરણમાં બાળકોનું જે પ્રત્યક્ષ ઘડતર થાય તેનું આબેહૂબ વર્ણન સંજયભાઈ, હિનાબહેન, ધર્મ, અનારબહેન, જયેશભાઈ, સંસ્કૃતિએ કર્યું છે. એમણે દાદા કે પિતાને દેખાવે નાળિયેર જેવા કઠોર અને અંદરથી મલાઈદાર એ રીતે  નહીં  પણ બહાર કે ભીતર કોઈપણ રીતે ફક્ત ને ફક્ત પ્રેમાળ, ઋજુ, સંવેદનશીલ આપ્તજન તરીકે જ અનુભવ્યા છે.

એમને કેન્સરનું નિદાન થયું અને જે કારણ બહાર આવ્યું તે મને વાચક તરીકે આઘાતજનક લાગ્યું.  પ્રોફેસર કે શિક્ષક તરીકે સતત બોલવાના અને ચોકનો પાવડર ઊડવાના કારણે એમને ગળાનું કેન્સર થયું, કે તેઓ સાજા થઈ ગયા એ સારું થયું. શંકરસિંહ વાઘેલા-બાપુ, ડો. કેશુભાઈ પટેલ, રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, ડો. લીલાબહેન સ્વામી જેવાં પરિચિતો દ્વારા વર્ણવાયેલા મફતભાઈ વધારે સાચુકલા લાગે. નરહરિ અમીન, પ્રવીણભાઈ લહેરી, સુદર્શન આયંગાર, ભાગ્યેશ જહા, બળવંત જાની, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિનાયક રાવલ  જેવા મિત્રો-પરિચિતોની કલમે એમની જાહેર અને સેવાકીય કારકિર્દીની ઝલક પણ મળે છે. એમને માટે પોતાની લાગણી વ્યક્ત કરનારી વિવિધ અભિવ્યક્તિમાં  સંસ્કૃત, અંગ્રેજી ભાષા જોવા મળી તો કાવ્ય રચનાઓની ઝલક પણ જડી. એમનાં પુસ્તકોની નોંધ પણ લેવાયેલી છે જેમાં ‘દાદાની દીકરીઓ‘નો ઉલ્લેખ અનેક વાર થયો છે.

સામાન્ય રીતે આ પ્રકારનાં પુસ્તકો વ્યક્તિ પ્રત્યેનું ગુણાનુરાગી દર્શન કરાવતાં હોય છે એટલે વાચક તરીકે પણ ખ્યાલ હોય જ કે વાંચનસામગ્રીનું રૂપ કેવું હશે. મને અહીં વિશિષ્ટ શું લાગ્યું તો એ જ કે સામાન્ય રીતે આપણે પુરુષોની સફળ જીવનયાત્રામાં પત્નીના મૂકપ્રદાનની વાતો સાંભળતા-વાંચતા આવ્યાં છીએ, અહીં એક ઘરમાં દરેક સભ્ય સ્વતંત્ર વ્યક્તિ તરીકે કારકિર્દી બનાવે છે તે જાણવા મળ્યું. અલબત્ત, આનંદીબહેનની કલમનો પરિચય અહીં થયો નહીં. ગુજરાતનાં મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેનનાં નામ-કામથી પરિચિત પરંતુ ડો. મફતભાઈ પટેલ વિશે મને કોઈ વિશેષ જાણકારી ન હતી એટલે વિવિધ કલમો દ્વારા જે શબ્દાંકિત ચિત્ર જોવા મળ્યું એ ગમ્યું. એમાં સમાવિષ્ટ ચિત્રો સહિત એનું મુદ્રણ નયનરમ્ય છે. ભાઈ દધીચિએ આ પુસ્તક સપ્રેમ મોકલ્યું એ બદલ એનો આભાર અને માણસાઈના મશાલચીનું અભિવાદન.

[01 ઑગસ્ટ 2022]
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋષિ સુનકમાં ખુશ થવા જેવું ભારતીયપણું શું છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 August 2022

તમે સપરિવાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, ત્યારે એક દૃશ્ય અચૂક જોયું હશે. જમવાનું પતી ગયું હોય, અને વેઈટર અથવા તો મેનેજર તમારા ટેબલ પાસે આવીને તમારી સાથે અપેક્ષા સભર આંખો મિલાવે, એટલે તમે કહો કે “જમવાનું જોરદાર હતું,” અને એ એટલો બધો ખુશ થઇ જાય કે તમને એવું લાગે કે જાણે કિચનમાં એપ્રોન પહેરીને એ જાતે છેલ્લા અડધા કલાકથી તમારા માટે મરી-મસાલાનો વઘાર કરતો હતો!

બ્રિટનમાં, બોરિસ જોહ્નન્સનના રાજીનામા પછી, અગામી વડા પ્રધાનની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનકને લઈને છેલ્લા ઘણા વખતથી ભારતના લોકોની હાલત રેસ્ટોરન્ટના વેઈટર જેવી છે. બ્રિટનમાં હવે એક “ભારતીય વડા પ્રધાન” હશે તેવા શુભ સમાચારોથી ભારતીયોમાં “ગૌરવ”નું એક એવું સામૂહિક કલાઇમેકસ આવી ગયું છે, જાણે ઋષિ સુનકને બાળપણથી મોટા કરવામાં તેમનો સીધો હાથ હોય! આને બેગાની શાદી મેં અબ્દુલા દીવાના પણ કહી શકાય.

ડાયસ્પોરામાં ભારતીય નામો વાંચીને ભીના થઇ જતા ભારતીયો એ જાણવાની પણ તસ્દી લેતા નથી કે જેમની શાદીમાં તેઓ દીવાના થાય છે તે સાચે જ “આપણા”માંના છે કે “એ” લોકો પૈકીના. પહેલી વાત તો એ કે બ્રિટનમાં ચાન્સેલર ઓફ એક્સ્ચેકર (નાણા મંત્રી) રહી ચૂકેલા અને 2015થી સંસદ સભ્ય ઋષિ સુનક જન્મે જ બ્રિટિશર છે. સધર્ન ઇંગ્લેન્ડમાં આવેલા સાઉધમ્પટન શહેરમાં 1980માં તે જન્મ્યા હતા. તેમના સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.

તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક, સાઉથઇસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કોલોની એન્ડ પ્રોટેકટોરેટ ઓફ કેન્યા(હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા ટાંગાન્યીકા(જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં. યશ્વીર અને ઉષાનાં પેરેન્ટ્સ મૂળ પંજાબનાં હતાં અને ઇસ્ટ આફિકા સ્થળાંતર કરી ગયાં હતાં. સાઈઠના દાયકામાં બંને ઇંગ્લેન્ડ ગયાં હતાં. યશ્વીર જનરલ ફીઝીશિયન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં.

ઋષિએ હેમ્પશાયરની સ્કૂલમાં અને વિન્ચેસ્ટર બોર્ડિંગ કોલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તે સાઉધમ્પટનની હોટેલમાં વેઈટરનું કામ કરતા હતા. 2001માં તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમનાં લગ્ન, ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિની પુત્રી આકાંક્ષા મૂર્તિ સાથે થયાં છે. ઋષિ ચાન્સેલર હતા ત્યારે ટેક્સના મામલે વિરોધ પક્ષોએ આકાંક્ષાને નિશાન બનાવી હતી.

એક ભારતીય સમાચારપત્રને ઋષિએ કહ્યું હતું, “વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ એવું ખાનું હોય છે, હું તેમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.”

ઋષિ સુનક, બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા તેમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈપણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો, કોમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડા પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.

તો, ઋષિ સુનક તેમની પ્રતિભાના જોરે એક ઉદારવાદી દેશમાં ટોચ સુધી પહોંચે, તેમાં આપણે શું કામ ખુશ થવું જોઈએ? જયારે પણ ભારતીય મૂળની કોઈ વ્યક્તિ યુરોપ-અમેરિકામાં સફળ થાય છે ત્યારે આપણે એવી રીતે ખુશ થઈએ છીએ જાણે તેની સફળતામાં આપણું યોગદાન હોય. એમ તો એવા ઘણા ભારતીયો રશિયા, ફ્રાન્સ કે ચીનમાં પરસેવો પાડે છે, પણ તેમને અમેરિકા-બ્રિટન જેવી સફળતા નથી મળતી.

બુનિયાદી રૂપે, વ્યક્તિ અંદરની હોય કે બહારની, દેશ મેરિટ અને ટેલેન્ટને કેટલું મહત્ત્વ આપે છે, તેના પર તેની સફળતાનો આધાર રહે છે. ભારત સરકારનો તાજો અહેવાલ કહે છે કે 2021માં, દોઢ લાખથી વધુ ભારતીયો ભારતનું નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઇ ગયા છે. તેમાં સૌથી વધુ લોકો અમેરિકા (78,284), ઓસ્ટ્રેલિયા (23,533), કેનેડા (21,597) અને બ્રિટન (14,637) ગયા છે.

કેમ? અલગ-અલગ કારણો છે, પરંતુ આખી દુનિયામાં સામાન્ય વલણ એવું છે કે લોકો સામાજિક-આર્થિક કારણોસર બીજા દેશમાં જાય છે. અમુક લોકોને બીજા દેશમાં તેમની ટેલેન્ટની વધુ સારી રીતે કિંમત થતી દેખાય છે, જયારે અમુક લોકોને વતનનું સામાજિક-રાજકીય વાતાવણ તેમની પ્રગતિમાં નડતરરૂપ લાગતું હોય છે. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેવા હાઈ-પ્રોફાઈલ લોકો કાયદકીય ચુંગાલમાંથી બચવા વિદેશ સ્થાયી થઇ જાય છે.

ટૂંકમાં, જે તે દેશનું સામાજિક-રાજકીય વાતાવરણ વ્યક્તિની સફળતા-નિષ્ફળતામાં ભૂમિકા ભજવે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસવુમન ઈન્દ્રા નૂઈ માટે હંમેશાં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે અમેરિકા ન ગઈ હોત, તો એક મલ્ટીનેશનલ કંપનીની સી.ઈ.ઓ. અને ચેરપર્સન બની હોત? પેપ્સિકોમાં તે જોડાઈ ત્યારે તેના એક્ઝીક્યુટીવ વર્ગમાં એક પણ મહિલા નહોતી અને બધા જ ગોરા અમેરિકનો હતા. તેમા છતાં, નૂઈ કંપનીમાં સૌથી ઊંચી પોસ્ટ પર પહોંચી હતી.

તેનું કારણ અમેરિકન બિઝનેસ કલ્ચર છે. નૂઈ તેમની આત્મકથામાં લખે છે કે, “દુનિયામાં યુ.એસ. હજુ પણ સૌથી ઉદાર દેશ છે.” પુસ્તકમાં તે એક પ્રસંગ ટાંકે છે. એકવાર બ્રિટનના વડા પ્રધાન સાથે તેમની લંચ-મિટિંગ હતી. બંને ગપસપ કરતા હતા, ત્યારે વડ પ્રધાને સહજ રીતે પૂછ્યું કે વર્ષો પહેલાં તમે ભારતથી યુ.કે. કેમ ન આવ્યાં? (સિત્તેરના દાયકામાં યુ.કે. હોટ-ફેવરીટ હતું). નૂઈએ વડા પ્રધાનને કહ્યું, “હું જો યુ.કે. આવી હોત, તો તમારી સાથે લંચ કરતી નહોત.”

નૂઈને અમેરિકાએ એટલો મોટો અવસર આપ્યો હતો કે તે દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીની સી.ઈ.ઓ. બની હતી અને તેના જોરે જ તે વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઊઠબેસ કરતી હતી. બ્રિટને આ તાકાત આપી હોત? એક ઈમિગ્રન્ટ, અને તે પણ મહિલા, માટે કોઈ કંપનીની સી.ઈ.ઓ. બનવાનું અમેરિકા સિવાય શક્ય નથી.

ભારતમાંથી બહાર જઈને સફળતાના પરચમ લહેરાવતા અગ્રવાલો, નડેલાઓ, નૂઈઓ અને પિચાઈઓ આપણી તાળીઓના હકદાર જરૂર છે, પણ આપણે તેમની ટેલેન્ટ અને જે તે દેશની ઉદારતા માટે ખુશ થવું જોઈએ, નહીં કે તેમના ભારતીય મૂળ માટે, કારણ કે ભારત કોઈ સ્પેશ્યલ ભૂમિ નથી કે તે દુનિયાના લીડરો પેદા કરે છે. આપણે તેમની સફળતામાંથી પ્રેરણા લઈને આપણી નિષ્ફળતા પર ચિંતન કરવું  જોઈએ.

ઈન્દ્રા નૂઈએ કહ્યું હતું, “હું એક એવી વાર્તા છું, જે માત્ર અમેરિકામાં જ ઘટી શકે.”

ઋષિ સુનક એક એવી વાર્તા છે, જે માત્ર બ્રિટનમાં જ આકાર લઇ શકે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4351,4361,4371,438...1,4501,4601,470...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved