કોઈ કોઈવાર એવી ઈચ્છા થાય છે કે,
કાચની બંગડી તોડવાની જેમ ચાલ,
બે ચાર કાયદાકાનૂન તોડી નાખું.
માથાના તાજને પછાડું પગને તળિયે.
જેના પગ નીચે છું એને માથે ચડી બેસું.
બંગડી તોડવાની જેમ અવજ્ઞાને ઈચ્છું.
ધરમતલામાં ભરબપોરે બેસી જાઉં,
ઈચ્છા થાય છે ધોમતાપમાં બ્લૅક આઉટનો હુકમ કરું.
ઈચ્છા થાય છે છેતરપીંડીને મારી જનસેવાની સાચી વ્યાખ્યા સમજાવું.
ઈચ્છા થાય છે ઠગનેતાને મોઢે ચૂનો અને મેશ ચોપડું.
ઈચ્છા થાય છે ઑફિસે જવાનું નામ આપી બેલૂરમઠ જાઉં.
ઈચ્છા થાય છે મરઘાંબતકાંની દુકાને ધર્મ-અધર્મનું લિલામ કરું.
ફુગ્ગો ખરીદું, ફુગ્ગો ફોડું.
કાચની બંગડી જોતાવેંત તોડું,
ઈચ્છા થાય છે હવે પૃથ્વીને ઊલટીસૂલટી કરી
મૉન્યુમૅન્ટ પાસે ઊભી રાખીને કહું,
મને કંઇ જ ગમતું નથી.
(સૌજન્ય : પુસ્તક “હાવરા સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી” – સુનીલ ગંગોપાધ્યાયનાં કાવ્યો – અનુવાદ : નલિની માડગાંવકર : પ્રથમ આવૃત્તિ : ૧૯૮૫ : પ્રકાશક : શ્રીમતી કમલિની હર્ષદ ભણશાળી, રજિસ્ટ્રાર શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરશી રોડ મુંબઈ – ૪૦૦ ૦૨૦)
![]()


ગયા રવિવારે [28 ઑગસ્ટે], દિલ્હીના નોઇડામાં ગેરકાયદે બાંધવામાં આવેલાં સુપરટેક લિમિટેડનાં 32 માળનાં ટ્વિન ટાવર્સ તોડી પાડવામાં આવ્યાં, ત્યારે મીડિયાની હેડલાઇન્સમાં તેના માટે “ભ્રષ્ટાચારનાં ટાવર્સ” એવો શબ્દ વાપરવામાં આવ્યો હતો. 11 માળના લાઇન્સન્સ પર ત્રણ વાર રિવિઝન કરીને બંને ઈમારતને કેવી રીતે 32 માળ સુધી લઇ જવામાં આવી, તેમાં કેવી રીતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો, કેવી રીતે વહીવટદારો, બિલ્ડરો અને રાજકારણીઓએ સાંઠગાંઠ કરી, કેવી રીતે ઘર ખરીદનારાઓને વંચિત રાખવામાં આવ્યાં અને કેવી રીતે 13 વર્ષ સુધી લોકોને કોર્ટના ધક્કા ખાવા પડ્યાં તેની એક એવી ભ્રષ્ટ વાર્તા આ ટ્વિન ટાવર્સ પાછળ છે, જે ભારતના લગભગ દરેક શહેરમાં નાના-મોટા અનેક ટાવર્સને પણ લાગુ પડે છે.
