Opinion Magazine
Number of visits: 9670985
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (ઉપકારક માહિતી) 

સુમન શાહ|Opinion - Literature|27 August 2022

આ નવલકથા સાત પેઢીની મહા સાહસકથા છે. દરેક પેઢીનાં પાત્રોનાં પારસ્પરિક સમ્બન્ધો અને વ્યક્તિત્વલક્ષણો પ્રકરણોમાં નિર્દેશ પામ્યાં જ છે. છતાં, નીચે મેં એ સમ્બન્ધો અને લક્ષણોને જરા વધારે સ્પષ્ટ કરતી માહિતી આપી છે. એથી કથાને સમજવામાં ઉપકાર થશે.

અહીં દરેક પેઢી ભૂલોનું પુનરાવર્તન કરે છે. વળી, અગાઉની પેઢીની સફળતાઓને માણે પણ છે. બ્વેન્દ્યા પરિવારનાં સભ્યો માર્ક્વેઝનાં પ્રોટેગનિસ્ટ્સ છે. માર્ક્વેઝ સૂચવે છે કે ઇતિહાસ પુનરાવર્તનશીલ છે. પાત્રોનાં નામો સરખાંસરખાં રાખીને એમણે પુનરાવર્તનને આકાર આપ્યો છે. બ્વેન્દ્યા વંશની દરેક પેઢીના પુરુષો હોસે આર્કાદિયો કે ઔરેલિયાનો છે, સ્ત્રીઓ ઉર્સુલા, અમરન્તા, અને રેમેડિયોસ છે. નવલકથાની સંરચના પણ ચક્રાકાર રાખી છે. એમાં સરખા સરખા સંજોગોમાં સંભવેલી ઘટનાઓ પણ પુનરાવર્તન પામ્યા કરે છે.

હોસે આર્કાદિયો નામનાં અહીં પાંચ પાત્રો છે. ઉર્સુલા એ દરેક માટે કહે છે કે એ ‘આવેગશીલ અને સાહસિક’ છે. કોઇકે ગણી કાઢ્યું છે કે નવલકથા સમગ્રમાં ઔરેલિયાનો નામનાં બાવીસેક પાત્રો છે. ઔરેલિયાનો આર્કાદિયોથી અવળી વ્યક્તિતા ધરાવતા હોય છે, તેઓ ‘અતડા છે પણ સાલસ અને સરળ’ છે.

આવાં વિરુદ્ધ લક્ષણવન્તાઓએ મુશ્કેલીઓ સરજી છે. એમના તાપ-પ્રતાપે માકોન્ડો દૂષિત અને ભયગ્રસ્ત રહ્યું છે. તેઓએ પોતાની જિન્દગીઓમાં વિનાશ નૉતર્યો છે, એમાં માકોન્ડોની વસતી જાણ્યેઅજાણ્યે સંડોવાઈ ગઈ છે.

એટલે, બે સરખાં પાત્રનામ વચ્ચેનો ફર્ક સમજવામાં અને કોઈને સમજાવવામાં તકલીફ થાય છે.

વિદ્વાનોની ભલામણ છે કે વાચકે એ તકલીફ વેઠી લેવી, કેમ કે, છેવટે તો માર્ક્વેઝ એ જ દર્શાવી રહ્યા છે કે માનવસ્વભાવ કદી બદલાતો નથી, અને તેથી બ્વેન્દ્યાઓ પણ પુનરાવર્તનના ચક્રમાં ફસાયેલા છે. કથાપ્રવાહને આત્મસાત કરવા માટે પાત્રોનાં પૂરાં આખ્ખાં નામોને જ અનુસરવું હિતાવહ પુરવાર થશે. જો કે એથી ક્યારેક બે નામ વચ્ચેનો ફર્ક પણ નહીં પકડી શકાય -જેમ કે, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને એનો દીકરો તે હોસે આર્કાદિયો … જો કે, પછીનાં પ્રકરણોમાં એમ આવશે કે એ ઔરેલિયાનો સેગુન્દોનો દીકરો પણ હોસે આર્કાદિયો છે, એને હોસે આર્કાદિયો – બીજો કહેવો જોઇશે, ભલે માર્કવેઝે એમ નથી કહ્યું.

સાત પેઢીઓની આ મહા સાહસગાથામાં પુનરાવર્તન ઉપરાન્તનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ incest છે – ગોત્રગમન – નજીકનાં સગાં વચ્ચે સમ્ભોગ, નિષિદ્ધ સમ્ભોગ. લગભગ દરેકનું એથી જુદું જાણવું અસંભવ છે. કથાચક્રમાં એના નિર્દેશો પણ અવારનવાર થતા રહ્યા છે. બ્વેન્દ્યા પરિવારના એ રસાયણના મૂળમાં ભૂતકાલીન નિષિદ્ધ સમ્ભોગો જ છે. એટલે લગી કથકે જણાવ્યું છે કે ‘ઉર્સુલાની એક માસી હોસે આર્કાદિયોના કાકા સાથે જોડાયેલી, પરણેલી, ને છોકરો જન્મેલો … બૂચના આકારની કુમળાં હાડકાંની પૂંછડી સાથે છોકરો મોટો થયો, પૂંછડીને છેડે ગુચ્છાદાર નાની ચોટલી હતી.’

ઉર્સુલા અને હોસે આર્કાદિયો એમના મૂળ વતનથી દેશનિકાલ કરાયેલાં છે.

પહેલી પેઢી એ બન્નેથી છે – ઉર્સુલા ઇગોરાન અને હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :

હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :

આપણે જોયું કે એ માકોન્ડોનો સ્થાપક છે, બ્વેન્દ્યા પરિવારનો પહેલો કુળપૂર્વજ છે. એનામાં સરસ નેતૃત્વશક્તિ છે, સાથોસાથ, પૂરા કાળની સહજતા, નિર્દોષતા પણ છે. પહેલાં કંઈ ન્હૉતું ત્યાં એણે માકોન્ડો વસાવ્યું – જંગલમાં મંગલ; અને પછી માકોન્ડોને તેમ જ પરિવારને બહારના સભ્ય સમાજ સાથે જોડ્યું; નવા જમાનાની દિશામાં સંકોર્યું, દોર્યું.

એની એ નિસબત અને તે પાછળની શોધબુદ્ધિ આપણને સ્પર્શે છે. જેમ કે, જિપ્સીઓ લાવેલા એ ઊડતી કારપેટને (ઉડન ખટોલા?) રીયલમાં જોવા એણે પોતાની લૅબમાં પુરાઇને રીતસરની તપશ્ચર્યા કરી છે. પ્રાચીન જાદુઓને એટલે કે ચમત્કારોને એણે વૈજ્ઞાનિક વિચારોમાં અથવા વિભાવનાઓમાં બદલવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. એ સદા જ્ઞાન-વિજ્ઞાન માટે મથ્યા કરે છે. એની એ ઝંખના એના વારસોમાં પણ ઊતરી છે.

પણ અવળું એ બને છે કે પરિવારની કુદરતી નિર્દોષતાનો નાશ થાય છે. ક્રમે ક્રમે હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો સમગ્ર જ્ઞાનપુરુષાર્થ એને પણ થકવે છે, એ નિર્ભ્રાન્ત થતો થતો પાગલ થઈ જાય છે. જ્ઞાનઝંખના અને પ્રગતિલાલસાનું એક પરિણામ, બુદ્ધિનાશ – મનુષ્યજીવનની અર્થહીનતાનો, ઍબ્સર્ડિટીનો, કરુણ પુરાવો.

એને એવું થયેલું કે પોતે ‘શાશ્વત ગતિ’ – ‘પર્પેચ્યુઅલ મોશન’ – સરજી શકાય એવું સાધન શોધી શક્યો છે. એક એવી યુક્તિ કે જે વડે વસ્તુને એક વાર ગતિશીલ કરી દો પછી સદા કાળ ગતિમાં જ રહે. આપણને યાદ છે કે એણે સરજેલી બૅલેરિના ત્રણ દિવસ લગી નાચ્યા કરેલી. આમ તો, એવી ગતિ શક્ય નથી, એ સંભવે માત્ર સમય વિનાના વિશ્વમાં.

એની એ ધૂને એને ગાંડો બનાવી દીધો. હોસેનું જીવન નિ:સમયને શરણે વીતવા લાગ્યું. આપણે જોયું છે કે મંગળવાર થયેલો સોમવાર એના ચિત્તમાં સોમવારનો સોમવાર જ રહેલો. નવલકથામાં પણ ભૂત વર્તમાન ભવિષ્ય – ત્રણેય કાળનું વારંવાર અધિવ્યાપન – ઓવરલૅપિન્ગ – થયા કરે છે. નિ:સમયમાં જીવતો હોસે વારસદારોને ભૂત ભાસે છે પણ તેથી જ એની ઉપસ્થતિ માકોન્ડોમાં સૌને નિરન્તર અનુભવાય છે.

બ્વેન્દ્યા પરિવાર

Pic Courtesy : Family Tree

ઉર્સુલા ઇગોરાન :

ઉર્સુલા સૌથી વધુ જીવી છે, સૉ વરસથી પણ વધારે. અણજાણ રેબેકાને એણે અપનાવી અને દીકરીની જેમ ઉછેરી. એના ટેબલ પર અનેક મહેમાનો, વટેમાર્ગુઓ પણ, જમી ગયા છે. એને કશા સ્પિરિચ્યુઅલ ધખારા નથી. એ વ્યવહારુ સ્ત્રી છે, વાસ્તવનું માણસ. બન્યું એમ કે એના તમામ વારસો કાં તો લફરાંમાં કાં તો યુદ્ધ સંડોવાયાં. એથી તો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ જાય. પણ ઉર્સુલાનો જીવનપુરુષાર્થ એ હતો કે બ્વેન્દ્યા પરિવાર કદી તૂટી ન જવું જોઈએ. ઉર્સુલા સૌનો કાયમી ટેકો બની રહી ને સૌ ભલે સારાનરસા કારણોથી પણ જોડાયેલાં રહ્યાં.

જો કે અમુક પરિણામ માટે એ કડવી પણ બનેલી, જેમ કે, હોસે આર્કાદિયો અને રેબેકાને એણે ઘર બહાર કાઢી મૂકેલાં. મૂળે તો એ કારણે કે નજીકનાં સગાં વચ્ચેનો જાતીય સમ્બન્ધ, એનું પોતાનું પોતાના જ કઝિન સાથેનું એ જ રીતનું હતું. એ એને પહેલેથી સાલતું’તું, સતાવતું’તું. એ અપ્રતિમ ગિલ્ટને એ જીવતી રહી. એને ડર રહ્યા કર્યો છે કે ડુક્કરની પૂંછડીવાળું બાળક અવતરશે તો … નિષિદ્ધ સમ્બન્ધોના રસાયણે રસાયેલા પરિવારનો વિનાશ થાય એ એનો ભય સાચો પડે છે.

બીજી પેઢી : અમરન્તા, હોસે આર્કાદિયો, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, રેમેડિયોસ મોસ્કોતે, અને રેબેકા.

અમરન્તા :

અમરન્તા હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનની દીકરી છે. એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા અને હોસે આર્કાદિયોની બહેન થાય છે.

આપણે જોયું કે એને રેબેકા માટે ઘણી ઈર્ષા છે, ઘૃણા છે. એને એમ થઈ ગયેલું કે એના પિએત્રો ક્રેસ્પોને રેબેકાએ ઝૂંટવી લીધો. મૂળમાં તો અમરન્તા, ઔરેલિયાનો હોસેની ઇન્સેન્શયસ પૅશનનો ભોગ બની છે, એ ઘટનાનો ટ્રૉમા એના જીવનમાંથી નષ્ટ નથી થયો. તેથી એ પુરુષમાત્રથી ડરે છે, એટલે લગી કે પિએત્રો જ્યારે એના પ્રેમમાં પડ્યો, એણે એને ફગાવી દીધો. પિએત્રોએ આપઘાત કર્યો. પસ્તાવા રૂપે અમરન્તાએ હાથ બાળ્યો ને જીવનભર એ પર કાળું કપડું બાંધી રાખ્યું. આપણે જોઈશું કે વૃદ્ધ થઈ ત્યારે એને એનો ખરો પ્રેમી મળી તો ગયો, કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ, પણ એને ય એણે તિરસ્કાર્યો અને કાયમ માટે ફગાવી દીધો – ત્યારે પણ કારણમાં હતો પેલો ટ્રૉમા અને તેથી જન્મેલો ડર.

અમરન્તાને સરખું જીવવા ન મળ્યું એની વેદનાથી એ સદા રોષિત અને કટુ રહી છે. કરુણતા એ છે કે એ એકાકી કુંવારકા રૂપે – લોન્લિ વર્જિન રૂપે – મરી છે.

હોસે આર્કાદિયો :

હોસે આર્કાદિયો, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો પહેલો પુત્ર છે. એને શક્તિ સામર્થ્ય વારસામાં મળ્યાં છે. એ પણ આવેગભર્યું જીવતો હોય છે. એક જિપ્સી છોકરી પાછળ એ ભાગી ગયેલો. પાછો ફરે છે ત્યારે જંગલી અને પશુ ભાસે છે. બ્વેન્દ્યાઓએ અપનાવેલી અનાથ રેબેકાને પરણે છે. પણ પિલાર તરનેરા સાથે સમ્ભોગથી જોડાય છે. તરનેરાથી જનમેલા આર્કાદિયોનો એ બાપ બને છે. કર્નલ ઔરેલિયાનો બ્વેનદ્યા અને અમરન્તાનો એ ભાઈ થાય છે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા :

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો બીજો પુત્ર છે. રેમેડિયોસનો વિધુર છે. આમ તો એને કશું સ્પર્શી શકે એવો એનો સ્વભાવ નથી. પણ બાલિકા વધૂ રેમેડિયોસથી એ પહેલી વાર લાલાયિત થયેલો. રેમેડિયોસના મરણ પર એને સમજાય છે કે પોતે થવો જોઈએ એટલો આર્દ્ર નથી થઈ શકતો. જો કે જુદી જુદી ૧૭ સ્ત્રીઓથી જન્મેલા ૧૭ દીકરાઓનો એ બાપ પણ છે. એ ૧૭નું દરેકનું નામ પણ ઔરેલિયાનો રાખવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે એ એક અચ્છો સિલ્વરસ્મિથ તો છે જ પણ કવિ છે, કાવ્યો કરે છે. એની અનેકવિધ કલ્પકતાને પ્રતાપે સૅંકડો સુવર્ણ માછલીઓના સર્જનનું એ આયોજન કરી શક્યો છે.

આપણે જોયું છે કે એ કેવો તો મહાબાહુ છે. કૉન્ઝર્વેટિવ ગવર્ન્મૅન્ટના ભ્રષ્ટાચાર સામે એ ક્રોધે ભરાયો, લિબરલ્સ સાથે જોડાઈને સિવિલ વૉરનો સેનાની બન્યો, વિદ્રોહ કર્યો, અને તે દિવસથી એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા કહેવાય છે. બને છે એવું કે વરસો લગી લડાઈ, લડાઈ ને લડાઈને કારણે એ વધુ સખત થતો ગયો, એની સ્મૃતિ નષ્ટ થવા લાગી. સુલેહપત્ર પર સહી કરી આપે છે ને પોતાની વર્કશોપમાં પાછો ફરે છે. છેવટે એનું રહ્યુંસહ્યું ભાવજગત પણ ભુંસાવા માંડ્યું. એણે કાવ્યો બાળી દીધાં. વીસેક સુવર્ણ માછલીઓ બનાવી પણ છેલ્લે એને ય ઑગાળી નાખી. એ પણ એકાકી જીવનને પામ્યો.

એની સમજ બની કે સમય ચક્રાકારે ફરતો રહે છે, અને એના જેવા માણસ માટે વર્તમાન સિવાયનું કશું છે જ નહીં. એને સમજાય છે કે સિવિલ વૉર કે કોઈપણ લડાઈ મિથ્યા છે, બન્ને પક્ષ લડતા રહે એ જ ફલશ્રુતિ છે. એણે આપઘાતનો પ્રયાસ કર્યો એની પાર્શ્વભૂમાં એની આ નિર્ભ્રાન્તિ છે, નૈરાશ્ય છે.

રેમેડિયોસ મોસ્કોતે :

રેમેડિયોસ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની બાલિકા વધૂ છે. સંભવત: કસુવાવડમાં એનું મૃત્યુ થયું છે.

રેબેકા :

રેબેકા અનાથ હતી. એનાં મૂળ વિશે કોઈને કશી જ જાણ નથી. એક દિવસ એ બ્વેન્દ્યાઓને ત્યાં આવી ચડે છે. બ્વેન્દ્યાઓ એને અપનાવી લે છે, પરિવારજન ગણે છે. એને માટી અને ભીંતના પોપડા ઉખેડીને ખાવાની ટેવ હતી. એને અનિદ્રાનો રોગ હતો. એના અનિદ્રારોગનો ગામ આખાને ચેપ લાગે છે. એ કારણે લોકોની સ્મૃતિ પણ ચાલી જાય છે. એના પતિ હોસે આર્કાદિયોના અવસાન પછી એને એમ લાગે છે કે – મારું કોઈ નથી – ન પરિવાર – ન ગામ. રેબેકા એકાન્વાસી થઈ જાય છે, એના ખંડેર થઈ ગયેલા ઘરની બહાર કદીપણ જોવા નથી મળી. 

++

આ બે પછીની પાંચ પેઢીઓની વાત હવે પછી, જરૂરતે જરૂરતે, ક્રમે ક્રમે.

(August 27, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એન્ડ્રોઈડના આકાશમાં –

યોગેશ ભટ્ટ|Poetry|27 August 2022

પોષ વદની પરોઢે ઊગતી 

આછી શી ચન્દ્રી … 

મારા ‘એન્ડ્રોઈડ’ના આકાશમાં 

ક્યાં ય દેખાતી નથી …….

એને શોધવા

“ગણ્યા ગણાય નહીં, 

વિણ્યા વિણાય નહીં, મારી

છાબડીમાં માય નહીં ..‌.!” 

– એવા એવા

કરોડો કરોડો તારલિયાઓને 

મારા આભલામાં લાવી લાવીને 

દરેકને પૂછતો રહું છું :

ને ….. લે, 

સૂરજ પણ આઆઆઆ .. ઊગ્યો 

વાદળોની કરવટો વચ્ચે … 

ઝાંખો પાંખો! –

ક્યાં છે તું?…… કહીશ?

Loading

જ્યોર્જ ફર્નાન્ડિઝ : મજદૂર નેતાથી રક્ષામંત્રી!

કિરણ કાપુરે|Opinion - Opinion|27 August 2022

પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન પર હાલમાં ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ના નામે પુસ્તક પ્રકાશિત થયું છે. જ્યોર્જના અવસાનને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. આ ફાયર બ્રાન્ડ નેતા તેમના અવસાનના એક દાયકા અગાઉથી જ જાહેરજીવનથી અલોપ થઈ ચૂક્યા હતા. અલોપ થવાનું એક કારણ કેન્દ્રમાં મંત્રીપદું સંભાળતી વખતે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અને બીજું, લાગુ પડેલી અસાધ્ય બીમારીઓ. આજે રાજકીય જગતના એવા ઘણા ચહેરાઓ છે જેઓ મીડિયામાં અવારનવાર દેખા દે છે. તેમની હાજરી માત્રથી ન્યૂઝ બને છે, જ્યોર્જ ફર્નાન્ડિઝને પણ આવા ન્યૂઝ-મેકર નેતા કહી શકાય. 1998થી 2004 દરમિયાન ભા.જ.પ.ની આગેવાનીમાં રચાયેલી ‘એન.ડી.એ.’ સરકારમાં તેઓ રક્ષામંત્રી રહ્યા. અને પછી તો તેઓ એક સિઝનડ્ રાજકીય નેતા તરીકે સ્થાપિત થયા. તે અગાઉના જ્યોર્જ ફર્નાન્ડિઝની છબિ ટ્રેડ યુનિયનિસ્ટ તરીકેની રહી. તેમની ટ્રેડ યુનિયનિસ્ટની છબિ વર્ષો સુધી દેશના બહુલક લોકોના માનસ પર જડાયેલી રહી; પણ રાજકારણમાં પ્રવેશ પછી તે છબિ ધૂંધળી થતી ગઈ અને પછી તો સાવ ભૂંસાઈ.

ટ્રેડ યુનિયનિસ્ટનો રસ્તો સીધો દિલ્હીના ગલિયારા સુધી પહોંચ્યો તે દરમિયાન તો તેમની રજૂઆત સુધ્ધા બદલાઈ; એટલે જ્યારે 2004માં રક્ષામંત્રીના પદે હતા તે સમયે ‘આપ કી બાત બી.બી.સી. કે સાથ’ નામના કાર્યક્રમમાં રૂબરૂ થયા ત્યારે એક શ્રોતાએ તેમને બે પ્રશ્નો કર્યા. જ્યોર્જ ફર્નાન્ડિઝને થયેલાં તે બે તીખાં સવાલો આ હતા : “અમે તમને ટ્રેડ યુનિયનના એક મસીહાથી ઓળખતા હતા. આજે તે ઓળખ અમારા મસ્તિષ્કમાંથી અલોપ થઈ ચૂકી છે. તમે રામમનોહર લોહિયાના માર્ગે ચાલ્યા તે વાત પૂરી થઈ ચૂકી છે. અને બીજો પ્રશ્ન કે તમારો રક્ષામંત્રી તરીકેનો કાર્યકાળ રહ્યો તેમાં તમારી ભૂમિકા જયલલિતાને કે મમતા બેનરજીને મનાવવાની, તો વળી ક્યારેક ચંદ્રાબાબુ નાયડુને મનાવવાની રહી. બીજાનું ઘર તોડીને ‘એન.ડી.એ.’ સરકારનું ઘર કેવી રીતે ટકી શકે તે તમારું મુખ્ય કામ રહ્યું છે.” બી.બી.સી.નો આ કાર્યક્રમ દુનિયાભરમાં સંભળાતો હતો.

આ પ્રશ્નોના ઉત્તર જે રીતે અપાયા તેમાં ટ્રેડ યુનિયનિસ્ટ જરા સરખો નહોતો, બલકે તે એક સરેરાશ રાજકીય નેતા હતો. જવાબમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ આ રીતે બોલે છે : “હું રક્ષા મંત્રી છું, ટ્રેડ યુનિયનિસ્ટ નથી. ટ્રેડ યુનિયનિસ્ટ હતો ત્યારે મજૂરો માટે જીજાન લગાવીને કામ કર્યું. હવે હું રક્ષા મંત્રી છું અને તે નાતે જે કામ મારું છે તે કરી રહ્યો છું. કોઈને તે પસંદ હોય ન હોય.” બીજા પ્રશ્નના બચાવમાં જ્યોર્જ કહે છે કે, “મારે સુરક્ષાના કારણે સૌને મળવું પડે અને હું પ્રથમ રક્ષામંત્રી છું જે સિયાચીન 38 વાર ગયો છું. મારી પહેલાં ભાગ્યે કોઈ રક્ષામંત્રી એક વાર પણ ત્યાં ગયા હશે.”

ખડતલ બાંધાના જ્યોર્જ ફર્નાન્ડિઝ જ્યારે તસવીરો અને વીડિયોમાં દેખા દે ત્યારે તેમની મક્કમતા ચહેરા પરથી ઝળકતી હતી. તેમનું પાંત્રીસી પહેલાનું જીવન ઊથલપાથલ ભર્યું રહ્યું. જ્યોર્જ મૂળે મેંગ્લોરના અને 1946માં તેમને પાદરી બનવા અર્થે બેંગ્લોર મોકલવામાં આવ્યા. પણ ત્યાં ન ટક્યા ને 1949માં તેઓ મુંબઈ આવ્યા. અખબારમાં પ્રૂફરિડર તરીકે જોડાયા. પછીથી દેશના રક્ષામંત્રી બનનારા આ વ્યક્તિ યુવાન મુંબઈના ચોપાટી પર ઊંઘી જતો, જ્યાં તેને પોલીસ આવીને ઊઠાડીને બીજે મોકલતી. આ દરમિયાન પ્લેસિડ ડિ મેલો, રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા અને સોશિયલિસ્ટ મૂવમેન્ટમાં જોડાયા. 1950 અને 1960ના દાયકામાં તેમના એક અવાજે મુંબઈમાં સદંતર બંધ પળાતો. ઇન્ડિયન રેલવેમાં તેમણે કરેલી અનેક હડતાળો આજે પણ મુંબઈની વાતોમાં વણાયેલી છે. યુવાન જ્યોર્જ મુંબઈ પર મજૂરવર્ગ પ્રત્યેની નિસબતના કારણે રીતસરનું ‘રાજ’ કરવા લાગ્યા. દેશને આઝાદ થયાને હજુ બે દાયકા થયા હતા ત્યાં જ્યોર્જે આર્થિકનગરી પર પોતાનો અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. પાંત્રીસના જ્યોર્જની આ સફળતા અદ્વિતીય લેખાતી. પછી તો રાજકારણનો માર્ગ પણ ખૂલ્યો અને તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય થયા. 1967માં તેમણે મુંબઈની દક્ષિણ બેઠક પરથી કૉંગ્રેસના કદાવર નેતા એસ.કે. પાટીલને હરાવ્યા. તે વખતે નામ મળ્યું : ‘જ્યોર્જ ધ જાયન્ટકિલર’. જે પક્ષમાંથી લડ્યા તે હતો ‘સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી’, તે પછીનું જોડાણ જનતા દળ સાથે રહ્યું અને અંતે 1994માં પોતાની જ ‘સમતા પાર્ટી’ સ્થાપી.

શિખરે પહોંચ્યા પછી નીચે આવવાનું થાય તેમ જ્યોર્જની ખ્યાતિ મુંબઈમાંથી ઓસરવા લાગી. ખ્યાતિ ઓસરવામાં ફટકો આપનારું એક ફેક્ટર પ્રાઇવેટ સેક્ટરનો વધતો વ્યાપ હતો. અત્યાર સુધી જ્યોર્જનું જીવન રસપ્રદ લાગે છે અને તેથી તેઓ પુસ્તકના વિષય બન્યા. હવે તે પુસ્તક ચર્ચામાં પણ છે. પુસ્તક પ્રકાશિત કર્યું છે પ્રતિષ્ઠિત પેંગ્વિન પ્રકાશને અને પુસ્તકના લેખક છે રાહુલ રામાગુંદમ્‌. લેખક રાહુલ જામિયા માલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં એસોશિયેટેડ પ્રોફેસર છે. ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ પુસ્તકમાં લેખકે જ્યોર્જના જીવનનાં અનેક કિસ્સા ટાંક્યા છે, જે આજ દિન સુધી જાહેર થયા નથી. તેમાં સૌથી ચર્ચિત પ્રકરણ તેમના લગ્નજીવનનું છે. જ્યોર્જનાં પત્ની લીલા કબીર હતાં. એક તરફ લગ્નજીવન શરૂ થયું અને બીજી બાજુ જ્યોર્જનો ગ્રાફ જાહેરજીવનમાં ઊંચો ચઢતો ગયો. દીકરો સુશન્તોના આગમન પછી પણ જ્યોર્જનું પરિવાર પ્રત્યેનું આકર્ષણ ન રહ્યું. 1980 આવતાં સુધીમાં તો આ લગ્નજીવન તૂટ્યું અને જ્યોર્જના જીવનમાં જયા જેટલીનો પ્રવેશ થયો. જયા જેટલી સાથેનો સંબંધ આજીવન ટક્યો. જ્યોર્જના અંગત-જીવનની સ્ટોરીઓ તેમનાં રક્ષામંત્રી કાળ દરમિયાન પણ ખૂબ પ્રકાશિત થઈ. આજે તેમણે સ્થાપેલા ‘સમતા પાર્ટી’નું નામોનિશાન નથી; પરંતુ જ્યોર્જ રક્ષામંત્રી હતા ત્યારે દિલ્હીમાં જયા જેટલીનો પણ દબદબો રહ્યો. તે દરમિયાન તહેલકા મેગેઝિને ‘ઓપરેશન વેસ્ટ લેન્ડ’ નામનું જે સ્કેન્ડલ બહાર પાડ્યું હતું, તેમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને જયા જેટલી સહિત ભા.જ.પ.ના અનેક નેતાઓના નામો ખરડાયાં. આ બધા નેતાઓ પર રક્ષા મંત્રાલયમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપ હતા. 2020માં જયા જેટલીને કોર્ટે આ મામલે ચાર વર્ષની જેલની સજા પણ સુનાવી.

જ્યોર્જના જીવનનાં આરંભના પડાવમાં સૌથી અગત્યનો રહ્યો તેમાં એક છે 1974ની રેલવેની હડતાળ. તે વખતે જ્યોર્જ ‘ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન’ના પ્રમુખ હતા. કારીગર વર્ગને મળતાં ઓછાં ભથ્થા સિવાય પણ અનેક માંગણીઓ આ હડતાળ પાછળ હતી. દેશના ખૂણેખૂણેથી હડતાળને સપોર્ટ મળ્યો. સરકારે સખ્ત પગલાં લીધાં. ધરપકડો કરી. એમ પણ કહેવાય છે કે આ દેશવ્યાપી વિરોધથી તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને અસુરક્ષિતતા અનુભવાઈ અને 1975માં તેમણે કટોકટી લાદી. કટોકટીકાળની જ્યોર્જની હાથમાં હાથકડી સાથેની તસવીર તે સમયની એક આઇકોનિક તસવીર બની ચૂકી છે.

કટોકટી પછી પૂરા દેશમાં જ્યોર્જ ફર્નાડિઝનું નામ ચર્ચામાં આવ્યું અને 1977માં લોકસભાની ચૂંટણીમાં તેઓ બિહારના મુઝ્ઝફરનગરમાંથી ત્રણ લાખ વોટથી જીત્યા. આ જીતથી મુઝ્ઝફરનગર લોકસભાની ચૂંટણી માટે તેમનું કાયમી ક્ષેત્ર બન્યું. આશ્ચર્યની વાત એ છે કે તેઓ જેલમાં હોવાથી પોતાના મતક્ષેત્રમાં એક દિવસ સુધ્ધા જઈ શક્યા નહોતા. કૉંગ્રેસની સરકાર ગઈ અને જનતા સરકાર બની. જનતા સરકારમાં તેઓ કેન્દ્રના ઉદ્યોગ મંત્રી બન્યા. તેમના મંત્રીકાળ દરમિયાન તેમણે મલ્ટિનેશનલ કંપની ‘આઈ.બી.એમ.’ અને ‘કોકાકાલા’ પર તવાઈ આણી. ફરી તે વખતે પણ તેમના કેન્દ્રી સમાચાર અખબારોમાં ચમક્યા. અહીંયા પણ સરકારમાં મહત્ત્વને પદે સંભાળતી વખતે તેમણે અટલ બિહારી વાજપેયી અને અડવાણી જેવાં નેતાઓનો આર.એસ.એસ. સાથેના જોડાણની ટીકા કરી. આ મુદ્દે સરકાર ભીંસમાં મૂકાઈ અને જનતા (સેક્યૂલર) પાર્ટીનું શાસન આવ્યું. વી.પી. સિંઘના વડા પ્રધાન કાર્યકાળ દરમિયાન પણ તેઓ રેલવે મિનિસ્ટર રહ્યા. આજે વખણાતી કોંકણ રેલવેનો પાયો નાંખનાર જ્યોર્જ હતા અને તે સિવાયના પણ રેલવેમાં ધરમૂળથી પરિવર્તન તેમણે કર્યા. 1994માં સમતા પાર્ટી સ્થાપ્યા બાદ તેમની નજદીકી ભા.જ.પ. સાથે વધતી ગઈ અને 1998માં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સની સરકાર બની ત્યારે તેમાં તેઓ રક્ષામંત્રી બન્યા. તેમના રક્ષામંત્રીના કાર્યકાળ દરમિયાન કારગિલ યુદ્ધ થયું અને પોખરણ પરમાણુ પરીક્ષણ થયું. ઠીકઠાક આ કાર્યકાળમાં ધબ્બો ત્યારે લાગ્યો જ્યારે તેહલકાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને તે પછી યુ.પી.એ.ની સરકાર આવી. 2009માં રાજ્યસભાના સભ્ય બન્યા ત્યાર બાદ જ્યોર્જ ક્યારે ય જાહેરમાં ન દેખાયા. જ્યોર્જનું જીવન ખાસ્સું ઉતારચઢાવવાળું રહ્યું અને દેશની કેટલીક અતિ મહત્ત્વની ઘટના સાથે જ્યોર્જ સંકળાયેલાં રહ્યા છે. તેમના આ પુસ્તકમાં બધું જ વિસ્તારથી ચર્ચાયું છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,4101,4111,4121,413...1,4201,4301,440...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved