Opinion Magazine
Number of visits: 9458891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં તબીબી શિક્ષણની દશા અને દિશા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 May 2022

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અઢારેક હજાર ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા, તેમાં મુખ્યત્વે મેડિકલ સ્ટુડન્ટ હતા. એશિયાની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતા અને ફાઈવ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનાં સપનાં જોઈ રહેલા વિશ્વગુરુ ભારતના હજારો વિદ્યાર્થીઓ ડોકટરીની પઢાઈ માટે યુક્રેન જાય છે તે જાણીને નવાઈ લાગે છે. પરંતુ દર વરસે આઠ લાખ ભારતીય છાત્રો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશની વાટ પકડે છે અને ઘણા બધાં ત્યાં જ સ્થાયી થઈ જાય છે તે જાણીને તો આપણું આશ્ચર્ય આઘાતમાં પરિણમે છે.

આજે પણ મોટા ભાગના વિધાર્થીઓનો “ભણીને શું બનવું છે?’ એવા સવાલનો જવાબ “ડોકટર” જ હોય છે. કેમ કે તે દુનિયાનો સૌથી સન્માનિત વ્યવસાય મનાય છે. ડોકટરની રોજી લોકોની બીમારી પર ભલે આધારિત હોય આ વ્યવસાય સાથે પ્રતિષ્ઠા અને પૈસા ઉપરાંત દરદીઓનો આદર અને પ્રેમ પણ જોડાયેલો છે. જો કે ડોકટર બનવું આસાન નથી, તબીબી શિક્ષણ અઘરું પણ છે અને મોંઘું પણ છે. ભારતમાં તબીબી શિક્ષણની મર્યાદિત તકો અને ખાનગી કોલેજોની આસમાન આંબતી ફીને કારણે ગરીબોનાં બાળકો માટે ડોકટર બનવું સ્વપ્નવત્‌ છે.

વિજ્ઞાન પ્રવાહની ચોક્કસ વિષયો સાથેની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા (૧૨-સાયન્સ) પાસ કર્યા પછી સાડા પાંચ વરસના સ્નાતક કક્ષાના તબીબી શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે. દેશની આશરે ૫૮૬ મેડિકલ કોલેજોની ૮૯,૮૭૫ બેઠકો માટે ગયા વરસે સોળ લાખ વિદ્યાર્થીઓએ નેશનલ એલિજીબિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ) માટે અરજી કરી હતી.૧ ૯૯૦માં કાયદામાં સુધારો કરીને સરકારે મેડિકલ એજ્યુકેશનના દ્વાર ખાનગી કોલેજો માટે ખોલી દીધાં છે. એટલે દેશમાં સરકારી કરતાં ખાનગી મેડિકલ કોલેજોની સંખ્યા વધારે છે.

સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો માટે ‘નીટ’ની પ્રવેશ સમાન પરીક્ષા પાસ કરવી  અનિવાર્ય છે. પરંતુ બંનેની ફી અને ખર્ચમાં જમીન-આસમાનનું અંતર છે. વળી સરકારી મેડિકલ કોલેજોમાં માંડ ૩૦,૦૦૦ બેઠકો જ છે જ્યારે ખાનગી કોલેજોમાં તેથી બમણી બેઠકો છે. ભારતમાં સરકારી તબીબી કોલેજમાં વાર્ષિક એક-બે લાખ રૂપિયાનો ફી સહિતનો ખર્ચ થાય છે, પણ ખાનગીમાં તે ફી અનેક ગણી વધારે છે. એક અંદાજ મુજબ સરકારી કોલેજમાં પચીસેક લાખના ખર્ચે ડોકટર બની શકાય છે પણ ખાનગી કોલેજોમાં તે ખર્ચ એક-દોઢ કરોડનો થઈ જાય છે. ભારતમાં મર્યાદિત બેઠકો અને ખાનગી કોલેજોની મોંઘી ફી કરતાં વિદેશમાં મેડિકલ શિક્ષણ માટેની વધુ તક અને ઓછો ખર્ચ હોવાથી મોટા પાયે ભારતીય વિદ્યાર્થીઓ યુરોપ, અમેરિકા જ નહીં રશિયા, ચીન, યુક્રેન, ફિલિપાઈન્સ, કઝાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધ્ધાંમાં ભણવા જાય છે.

તબીબી શિક્ષણમાં પ્રાદેશિક અસમાનતા પણ ભારોભાર છે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં એક પણ મેડિકલ કોલેજ નથી. આશરે પાંસઠ કરોડની વસ્તીના હિંદીભાષી રાજ્યોના ફાળે મેડિકલ કોલેજોની ત્રીસ ટકા જ બેઠકો છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર અને તેલંગણાના ફાળે અડતાળીસ ટકા બેઠકો છે. સૌથી વધુ બેઠકો કર્ણાટકને મળી છે. પાંચ હજાર કરતાં વધુ મેડિકલ કોલેજોની સીટ્સ ધરાવતા રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર, ગુજરાત, તમિલનાડુ, તેલગંણા અને ઉત્તર પ્રદેશ છે. એટલે ઉત્તર ભારતના વિધાર્થીઓને મેડિકલ એજ્યુકેશનમાં ઓછી તક મળતાં તેમણે ડોકટર બનવા વિદેશોમાં ભણવા જવું પડે છે.

લગભગ ભારત જેટલી જ વસ્તીના ચીનમાં ભારત કરતાં ત્રણ ગણી મેડિકલ કોલેજોની સીટ્સ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડે એક હજારની વસ્તીએ એક ડોકટર હોવો જોઈએ. ભારતમાં તેનાથી અગિયાર ગણા ઓછા ડોકટરો છે. એટલે તબીબોની તીવ્ર અછત છતાં નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે ચારસો કરોડ જેટલો મોટો ખર્ચ અને ફેકલ્ટીનો અભાવ હોવાથી મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો થતો નથી.

તબીબી કોલજના પ્રવેશમાં ૮૫ ટકા રાજ્ય અને ૧૫ ટકા નેશનલ ક્વોટા નિર્ધારિત કર્યો છે. આરોગ્ય રાજ્યનો વિષય હોવા છતાં તબીબી શિક્ષણ સંપૂર્ણ કેન્દ્રને આધીન હોય તેવી પરિસ્થિતિ છે. તેને કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ રહે છે. તમિલનાડુએ કાયદો ઘડીને ‘નીટ’ની પરીક્ષામાંથી તેમને બાકાત રાખવાનું નક્કી કર્યું છે. આ કાયદાનું એક કારણ તમિલનાડુના કેટલાક તેજસ્વી વિધાર્થીઓએ નીટની પરીક્ષામાં નિષ્ફળ જતાં કે તેના ડરથી કરેલા આપઘાત છે. સૌને માટે શિક્ષણના બંધારણીય આદર્શ છતાં જેમ તબીબી શિક્ષણ સૌને માટે સહજ નથી તેમ તે કથિત ઉચ્ચ વર્ગ અને અમીરો માટેનું શિક્ષણ પણ છે. તબીબી શિક્ષણનું અંગ્રેજી માધ્યમ અને મોંઘા ખર્ચા અનામત નીતિ છતાં વંચિત વર્ગો માટે અશક્ય જેવું બની ગયું છે.

બાર સાયન્સના ટ્યૂશન, નીટ માટેનું કોચિંગ અને ખાનગી કોલેજમાં ડોનેશન, મોંઘી ફી  અને બીજા દૂષણોને કારણે સેવાભાવનાને વરેલો મનાતો તબીબ પછીથી વેપારી બની જતો જોવા મળે છે. તબીબી શિક્ષણના ખાનગીકરણને કારણે તેનું વેપારીકરણ થયું છે. તે પણ તે માટે કારણભૂત છે. પોણા ભાગનું ભારત ગામડાં કે નાના નગરોમાં વસે છે અને પોણા ભાગના ડોકટરો મહાનગરોમાં છે તેના લીધે પણ આરોગ્ય સેવાઓ સૌને સુલભ નથી. આજે પણ ૨૮ ટકા દરદીઓ ડોકટરના અભાવે મરણ પામે છે.

કેન્દ્ર સરકારે તેની રાજકીય વિચારધારાને અનુરૂપ ડોકટર્સ માટેના ઓથમાં સુધારો કર્યો છે પણ દુનિયામાં રોગો વિશેના તાજા સંશોધનો સાથે તબીબી શિક્ષણના પુરાણા અભ્યાસક્રમને અપડેટ કરવાનું સૂઝતું નથી. સરેરાશ આયુષ્યમાં વધારા સાથે મોટી ઉંમરના દરદીઓના રોગોને મહત્ત્વ આપવાનું મેડિક્લ કોર્સમાં ઉમેરણ થવું જોઈએ. તબીબોનું સામાજિક ઉત્તરદાયિત્વ જેમાં દરદીઓ પ્રત્યે સંવેદનાસભર, સમાન અને સહાનૂભૂતિપૂર્ણ વ્યવહારનો સવાલ કાયમ વણઉકલ્યો રહે છે તેને પણ અભ્યાસક્રમમાં સ્થાન નથી. માત્ર સારવારમાં પારંગત બનાવવા સાથે ડોકટરો આરોગ્યનું અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નીતિ, નિયમો, પ્રબંધન, માનવીય વર્તણૂંક અને જાહેર આરોગ્ય પણ શીખે તેવો અભ્યાસક્રમ ઘડાવો જોઈએ.

રાષ્ટ્રીય કક્ષાએ તબીબી કોલેજોમાં પ્રવેશ માટે ‘નીટ’ની જેમ અભ્યાસક્રમની સમાપ્તિએ ‘નેક્સ્ટ’ (નેશનલ એલિજિબિટી કમ એકઝિટ ટેસ્ટ) માટે રાષ્ટ્રીય સર્વસંમતિ સાધવાનો પ્રયાસ થતો નથી. એલોપેથિકની સાથે આયુષ ડોકટરોની સંખ્યા ઉમેરી ડોકટર્સની અછત ન હોવાનું ચિત્ર ઊભું કરીને સરકાર વાસ્તવિકતા સ્વીકારતી નથી.

ખાનગી તબીબી કોલેજોમાં ભણેલા ડોકટરોની તુલનાએ સરકારી કોલેજોમાં ભણેલા ડોકટરોની ગુણવત્તા અને કૌશલ ચડિયાતાં મનાય છે. સરકારનું ખાનગી કોલેજો પર નિયંત્રણ ન હોવાનું આ પરિણામ છે. વિદેશોમાંથી ડોકટરીનું ભણી આવેલા માટે પ્રેકટિસ શરૂ કરતાં પૂર્વે ભારતમાં પરીક્ષા આપવી પડે છે, તેમ અહીંના તબીબોની દક્ષતાનું પરીક્ષણ, સાતત્યપૂર્ણ તબીબી શિક્ષણ અને વ્યવસાયનો પરવાનો દર દસ વરસે તાજો કરાવવાની જોગવાઈ કરવી જોઈએ. કોરોના મહામારીમાં ડોકટરો, નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફે અવિસ્મૃત એવી યોદ્ધાની ભૂમિકા ભજવી છે તેમનો આ સેવાભાવ મહામારી પૂરતો મર્યાદિત ન હોય તેવું તબીબી શિક્ષણ હોવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

જલિયાંવાલા હત્યાકાંડ : ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શરૂઆત

સોનલ પરીખ|Opinion - Opinion|5 May 2022

દસેક મિનિટ જ ચાલેલા જલિયાંવાલા હત્યાકાંડના પડછાયા ખૂબ લાંબા અને ઘેરા હતા. ભારતમાં બ્રિટિશ શાસનના અંતની એ શરૂઆત હતી. ભારતની જનતાએ અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર રાખેલો વિશ્વાસ આ બનાવથી તૂટ્યો. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કૉંગ્રેસ છોડી … શું થયું હતું આ હત્યાકાંડની પહેલાં અને પછી?

ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ એટલે જલિયાંવાલા બાગ હત્યાકાંડ. એની સ્મૃતિ આજે પણ આપણું લોહી ગરમ કરી દે છે. 13 એપ્રિલે આ ઘટનાને 113 વર્ષ થશે. આ ઘટના અમૃતસરમાં 1919માં બની હતી.

પહેલા વિશ્વયુદ્ધમાં ભારતના આગેવાનોએ બ્રિટિશ સરકારને સમર્થન આપ્યું હતું. 13 લાખ ભારતીય સૈનિકો યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 60,૦૦૦ જેટલા સૈનિકો શહીદ થયા. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે, તેવી આશા ગાંધીજી સહિત સૌને હતી, પણ યુદ્ધ પૂરું થયું એ જ વર્ષે, અંગ્રેજ સરકારે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા અને રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો રૉલેટ કાયદો માર્ચ 1919માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે, કારણો આપ્યાં વગર ગમે તેટલો સમય કારાવાસમાં રાખી શકે ને તેની સામે અપીલ થઈ ન શકે.

ગાંધીજી જ નહીં, કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ આ કાયદાનો પ્રચંડ વિરોધ કર્યો. 6 એપ્રિલે મુંબઈમાં સત્યાગ્રહસભા ભરાઈ. દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન થયું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં.

સૌથી ગંભીર પ્રત્યાઘાત પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપી, ગાંધીજીને પંજાબ આવતાં રોક્યા અને પંજાબના આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની 8મી એપ્રિલે ધરપકડ કરી. લોકો ખિજાયા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅંકો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસે ગોળીબાર કર્યા, થોડાં માર્યાં ગયા, થોડા ઘવાયા. ઓડવાયરે 12મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કર્યું.

લશ્કરી વડા હતા જનરલ રેજિનાલ્ડ ડાયર. એમણે તરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો. આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હતી. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13-4-1919ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભા ભરાઈ, જેમાં લગભગ 10,000 લોકો એકઠા થયા. જલિયાંવાલા બાગ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે.

સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે આ પ્રવેશદ્વારે આવ્યા અને કોઈ ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. લોકોમાં નાસભાગ થઈ. કેટલાક દીવાલો કૂદી ગયા, કેટલાકને આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોએ દોરડાં નાખીને બચાવી લીધા, કેટલાક કૂવામાં કૂદી પડ્યા.

કુલ 1,650 રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. લાશોના ઢગલા થયા, અનેક માણસો નાસભાગમાં કચડાઈ મર્યા. ગોળીઓથી વીંધાયેલી દીવાલો પર મોડી રાત સુધી ઘાયલોના ચિત્કારો અથડાતા રહ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 તથા ઘવાયેલાઓની સંખ્યા 1,200ની હતી. પણ ખરા આંકડા મુજબ મૃત્યુ પામેલાની સંખ્યા 1,200 ઉપર હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3,600 જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

દસેક મિનિટમાં જ પૂરા થઈ ગયેલા આ આખા કાંડના પડછાયા ખૂબ લાંબા પડ્યા. બીજા દિવસે જનરલ ડાયરે ખુલ્લી ધમકી આપી, ‘શાંતિ જોઈતી હશે તો મારા હુકમો માનવા પડશે.’ પોતાના કૃત્યને ‘જરૂરી’ અને ‘વયાપક અસર પાડનારું’ ગણાવી જનરલે કહ્યું કે વધારે ગોળીઓ હોત તો મેં ગોળીબાર ચાલુ રખાવ્યા હોત.’ પંજાબના ગવર્નરે હત્યાકાંડને ટેકો આપ્યો અને માર્શલ લૉ જાહેર કર્યો. દિવસો સુધી, ઘરની બહાર નીકળે તેને 200 વાર સુધી પેટે ઘસડાઈને ચાલવાની શિક્ષા થતી. ડૉક્ટરો કે દૂધ-શાક જેવી ચીજો વેચનારા પણ એમાંથી બાકાત ન હતા. લોકો ઊકળી ઊઠ્યા. લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસુર વગેરે શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. સેંકડો લોકોની ધરપકડ કરી ફાંસી અને દેશનિકાલ જેવી સજાઓ આપી.

જલિયાંવાલા હત્યાકાંડ એ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શરૂઆત હતી. ઑડવાયર અને ડાયરનો કાળ બ્રિટિશ ગેરવહીવટનો કાળ ગણાય છે. ભારતની જનતા અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર વિશ્વાસ રાખતી હતી, એ આ બનાવથી તૂટ્યો. લોકો લોહી ઊકળી ઊઠ્યું, રાષ્ટ્રપ્રેમ પ્રજ્વલિત થયો. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કૉંગ્રેસ છોડી. ભાગલાનું બીજ વવાઈ ચૂક્યું.

‘બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નિમાને સરકારની ખફગી વહોરીને પણ આ બનાવ આંતરરાષ્ટ્રીય અખબારોમાં તસવીરો સાથે મૂક્યો. આ ગુસ્તાખી બદલ સરકારે એમને દેશનિકાલ કર્યા. વાઈસરૉય ચૅમ્સફર્ડે હત્યાકાંડની ટીકા કરી. ડાયરને નિવૃત્ત કરી યુરોપ મોકલી દેવાયા. ત્યાં તેમના વખાણ થયા અને તેમને માટે 26,000 પાઉન્ડનું વિશેષ ભથ્થું એકઠું કરાવ્યું. ટાગોર અને દીનબંધુએ આ ઘટનાને ‘ભીષ્ણ કૃત્ય’ ગણાવી. ગાંધીજીએ કહ્યું, ‘આ થોડાં શરીરો પરનો નહીં, દેશના આત્મા પરનો હુમલો છે.’ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ સરકારને પાછો આપતાં વાઇસરૉયને કડક પત્ર લખ્યો.

જનરલ ડાયરને કદી પોતાના કૃત્યનો અફસોસ થયો નહીં. 1921ની 21 જાન્યુઆરીએ ‘ગ્લૉબ’માં પ્રગટ થયેલા એક લેખમાં એમણે લખ્યું, ‘ભારતીયોમાં સ્વતંત્રતાને સમજવાની કે ફ્રી પ્રેસ અને ફ્રી સ્પીચનો અધિકાર વાપરવાની બુદ્ધિ નથી. ગાંધી અંગ્રેજ સરકારનો વિરોધ કરે છે, પણ તેનામાં સક્ષમ સરકાર ઊભી કરવાની તાકાત નથી. બ્રિટિશ શાસન ચાલુ રહે તેમાં જ ભારતનું ભલું છે.’

1927માં જનરલ ડાયરનું મૃત્યુ થયું. એમની હત્યા થઈ એવું પણ એક સ્રોત કહે છે. પણ તેઓ જલિયાંવાલાંના ઓળામાંથી છેક સુધી મુક્ત નહીં થઈ શક્યા હોય, કેમ કે મરણ પહેલાં એમણે કહેલું, ‘અમૃતસરની સ્થિતિ જાણનારાઓ કહે છે કે મેં બરાબર કર્યું હતું. પણ બીજા ઘણાબધા છે જે કહે છે કે મેં ખોટું કર્યું હતું. હવે મૃત્યુ નજીક છે, મારો સર્જનહાર જ હવે તો ચુકાદો આપશે …’ ઓડવાયરને 1940માં સરદાર ઉધમસિંહે મારી નાખ્યો અને પોતે ફાંસીએ ચડી ગયો. તેની શહાદતથી દેશના યુવાનોમાં નવી ઊર્જા આવી.

1920 પછી બ્રિટિશ શાસનના પાયા ડગમગવા લાગ્યા. હિંદુમુસ્લિમ હુલ્લડ અને સ્વતંત્રતાની સતત માગણીએ સરકારને નાકે દમ લાવી દીધો. સરકારે નાના બંધારણીય સુધારાઓ કરી બધું ઠંડુ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ સુધારા એટલા ઓછા, એટલા અપૂરતા હતા કે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગને સંતોષ થયો નહીં અને કોમી હિંસા પણ અટકી નહીં. દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને પૂરું થયું. સદીઓથી શાસન કરતા અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લીધી. ભારતે આંતરવિગ્રહ, સામૂહિક હિજરત અને ભાગલા સાથેનું લોહિયાળ સ્વાતંત્ર્ય મેળવ્યું.

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટૉની બ્લૅર જલિયાંવાલા હત્યાકાંડને ‘બ્રિટિશ સામ્રાજ્યનું કાળું પ્રકરણ’ કહે છે. 1997માં રાણી એલિઝાબેથ અમૃતસર આવ્યાં ત્યારે તેમને કહ્યું, ‘જલિયાંવાલા બાગમાં જે થયું તે નહોતું થવું જોઈતું, પણ ઇતિહાસને ફરી લખી શકાતો નથી’, જ્યારે તેમના પતિ પ્રિન્સ ફિલિપે આખા બનાવને ‘અતિશયોક્તિભર્યો’ કહી વિવાદો નોતર્યા. સાતેક વર્ષ પહેલા તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમેરુને ભારત મુલાકાત દરમ્યાન જલિયાંવાલા બાગ શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ‘1919નો હત્યાકાંડ શરમજનક અને રાક્ષસી કૃત્ય હતું.’ બ્રિટિશ વડા પ્રધાન ટેરેસા મેએ આ હત્યાકાંડને 100 વર્ષ થયાં ત્યારે બ્રિટિશ ભારતીય ઇતિહાસમાં 'શરમજનક ડાઘ' ગણાવ્યો હતો. જો કે, તેમણે આ મામલે ઔપચારિક માફી માંગી ન હતી.

જલિયાંવાલા બાગમાં અત્યારે અમેરિકન સ્થપતિ બેન્જામિન પોલ્ક દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્મારક છે. ૧૩ એપ્રિલ ૧૯૬૧માં તેનું ઉદ્દઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમ જ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઍપ્રિલ 2022

Loading

એ લોકો જિજ્ઞેશ મેવાણીથી શા માટે ડરે છે ?

સૂરજ યેન્ગડે [અનુવાદ : સંજય સ્વાતિ ભાવે]|Opinion - Opinion|5 May 2022

[દલિત વિષયના વિશ્વવિખ્યાત યુવા અભ્યાસી સૂરજ યેન્ગડે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં  Dalitality નામની પખવાડિક કૉલમનું સંકલન કરે છે. પ્રસ્તુત લેખ એમનો પોતાનો છે.]

ભારતીય જનતા પક્ષ એક એવા બળદ જેવો છે ખુદને ખેતરનો માલિક ગણતો હોય. આ પક્ષ એ વાતથી લગભગ અજાણ છે કે જેના હાથમાં રાશ છે તે માલિક બળદને તાબામાં રાખે છે.

ભારતીય રાજકારણમાં લોકો માલિક છે – એવા લોકો કે જે બંધારણીય મૂલ્યો અને હકપરસ્ત લોકતંત્રની માવજત કરતા હોય. આ લોકો એવા લોકતંત્રમાં માને છે કે જેમાં ટીકા અને બિરાદરી આ સમવાયતંત્રી દેશના અસ્તિત્વનું અંગ હોય.

સરકાર કદાચ એમ માને છે કે લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે, એટલે જનતા ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીને ભૂલી જશે. લોકો જિજ્ઞેશની જેમ ગેરકાયદે કેદમાં ધકેલવામાં આવેલા બીજાઓને પણ ભૂલી જશે અને કોઈ નવી સમસ્યા તરફ વળી જશે. જો કે સરકાર ભૂલી જાય છે કે તેના આવાં કામ લોકોના માનસમાં અંકાયેલા રહે છે, અને તેનાથી જનતાને દમન સામે લડવાનું બળ મળે છે.

ભા.જ.પ.શસિત રાજ્ય આસામની પોલીસે જિજ્ઞેશની કરેલી ધરપકડ ભા.જ.પ. દ્વારા દમન પર, અને એક દલિત માટેના તેના ડર પર પ્રકાશ ફેંકે છે. જિજ્ઞેશ એવી સામાન્ય જનતાની હાલતનું પ્રતિનિધિત્વ કરે છે કે જે  જનતા માટે તેઓ અધિકારો માટે લડનાર હિરો હોય.

જિજ્ઞેશ અપક્ષ ધારાસભ્ય છે, પણ તેની પહોંચ આખા દેશમાં છે. અત્યારે હું ન્યુ યૉર્કથી આ કૉલમ લખી રહ્યો છું ત્યારે ડાયાસ્પોરા એટલે કે વિદેશસ્થિત ભારતીયો તેમ જ આંતરરાષ્ટ્રીય જૂથોમાં જિજ્ઞેશ માટેની ઝુંબેશની હલચલ ચાલુ થઈ ચૂકી છે.

જિજ્ઞેશને વધારે સારી રીતે ઓળખવા માટે તેના ભૂતકાળની કેટલીક વાતો જાણવાનું સારું રહેશે.

જિજ્ઞેશ નીચલા મધ્યમ વર્ગમાં કારકૂની કરતાં મા-બાપના કુટુંબનો છે. દબાયેલા લોકો બ્રાહ્મણવાદના ખોળે બેસી જાય તે માટેની ફળદ્રૂપ ભૂમિ સમા વિસ્તારમાં મોટો થયેલો જિજ્ઞેશ મુસ્લિમો સામે ત્રિશૂળ ઉગામતો દલિત સહજ રીતે બની શક્યો હોત. પણ એમ ન બન્યું, કેમ કે  તે સમાજમાં ચલાવવામાં આવતા ભેદભાવને તરત જ પામી જનાર દલિત પરંપરાનું સંતાન છે.

જિજ્ઞેશ લોકશાહી વિરોધના ક્ષેત્રે તાલીમ પામ્યો છે. એ પાવરધો પત્રકાર હતો. આગળ વધીને તેણે ઇટાલીના માર્ક્સવાદી ચિંતક ગ્રામસીએ નિર્દેશેલી એવી પ્રણિત બૌદ્ધિક સમજ વિકસાવી જેના થકી વ્યક્તિ ઉપેક્ષિતો, દલિતો, ઉજળિયાત અને કચડાયેલાની સીમરેખાઓ પર સહજ વિહાર કરી શકે. જિજ્ઞેશે વિચારપૂર્ણ નિબંધો લખ્યા છે અને ઉજળા ભવિષ્ય માટેની  વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પણ સમય આપ્યો છે. જિજ્ઞેશ ગુજરાતી ભાષા, કવિતા, ગઝલ, સંસ્કૃતિ અને તેના ગૌરવનો ચાહક છે.

આધુનિક ગુજરાત એટલે પબ્લિક રિલેશન અથવા લોક સંપર્ક દ્વારા ઊભાં કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત નહીં. આધુનિક ગુજરાત એટલે બાંધછોડ ન કરનાર દલિત દીપડાઓની ચળવળ, આદિવાસીઓએ પોતાની અભિવ્યકિત દ્વારા મેળવેલ સ્થાન, ભારત-પાકિસ્તાનની સરહદે કોમી રમખાણો ન થાય તેની તકેદારી રાખનાર શ્રમિક સંગઠનો. પણ બીજી બાજુ આ રાજ્ય ખૂબ પીડાદાયક હિંદુ-મુસ્લિમ ભાગલા, આભડછેટ અને જમીન અધિકારથી વંચિત આદિવાસીઓના નોંધારાપણાનું પણ સાક્ષી બનતું રહ્યું છે.   

એકંદરે માયૂસ અને નિરાશાજનક ભારતમાં મેવાણી લોકશાહી માટે ગૌરવ લેવાનો અવસર પૂરો પાડે છે.

એની ધરપકડમાં ય એ વાતનો આનંદ હોઈ શકે કે આખા રાજ્યના તંત્રને તેનાથી અઢી હજાર કિલોમીટર દૂર રહેતા એક ધારાસભ્ય ખાતર બેવડ વળવું પડ્યું. સીધી વાત છે કે આમાં શાસકોની અગ્રતા અને તેમનો ડર દેખાય છે.

અત્યાર સુધીમાં એ સાફ થઈ ગયું છે કે ભા.જ.પ.ને મેવાણીનો ડર છે. મેવાણી અને એના સાથીઓને એની મજા આવે છે. દેશ વ્યાકુળતાથી જેની રાહ જોતો હોય એવા એક નિર્વિવાદ નેતા તરીકેનું એનું સ્થાન વધુ પાકું બન્યું છે.

મેવાણીના મેન્ટૉર્સ એટલે કે માર્ગદર્શકોમાં એવા લોકો છે કે જેમણે ગુજરાતમાં કામદારોનાં સંગઠન બનાવ્યાં છે. આ દેશમાં નાતજાતની હિંસાના જમીન સાથેના સંબંધને સમજીને કર્મશીલતામાંથી રાજકારણમાં જનારા આગેવાનોનું એક નોખું કુળ છે અને જિજ્ઞેશ તે કુળના છે.

જિજ્ઞેશ એમની લડતને દલિતોના જમીન અધિકાર માટે દેશવ્યાપી આંદોલન ચલાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને દાદાસાહેબ ગાયકવાડના સંઘર્ષ સાથે જોડે છે. આ બંને આગેવાનોએ જે કર્યું તે જિજ્ઞેશે તેના રાજ્યમાં કર્યું. તેણે ગુજરાત જમીન ટોચ મર્યાદાના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને પાંચ એકર જમીન દલિતોને નહીં આપનાર રાજ્ય સરકારને પડકારી.

જિજ્ઞેશની ધરપકડમાં સરકારની ગણતરી ખોટી પડી. તેણે ભા.જ.પ.-વિરોધી જૂથમાં જિજ્ઞેશને  આગળ પડતો ગણવામાં ભૂલ કરી. આ ધરપકડે જિજ્ઞેશની રાજકીય કારકિર્દીના આલેખને વધુ પ્રભાવશાળી બનાવવામાં મદદ કરી છે.

રાજકીય કેદી બનવું તે કૉન્ગ્રેસ જેવા પક્ષમાં ચડતી માટેનું પગથિયું છે. જિજ્ઞેશ પાર્ટીમાં વધુ ઊંચાઈએ પહોંચશે અને દેશમાં બહુમતી અને લઘુમતી, ધર્મ અને  કોમના નામે ભાગલા પડાવનારની સામે હલ્લો બોલશે.

ચૂંટણીઓ નજીક છે ત્યારે જિજ્ઞેશ વિરોધ પક્ષનો ચહેરો બને એવું પણ થાય. શેરીમાં ઊતરીને સરકારની સામે લડવું એ જિજ્ઞેશ માટે નવું નથી.  જિજ્ઞેશે દલિતો માટે સાચી નિસબત ધરાવનાર નેતા તરીકે રાહુલ ગાંધીમાં વિશ્વાસ મૂક્યો છે.

જિજ્ઞેશે ભા.જ.પ. અને કૉન્ગ્રેસ એમ બંનેના હુમલાની સામે ટકી રહેવાનું થશે. જો એમાં એ સફળ થાય તો ભારતને એક એવો નેતા મળશે કે જેની સાથે ઘણાં વર્ષો કામ કરી શકાય. 

(સૌજન્ય , ધ ઇન્ડિયન એક્સપ્રેસ 1 મે 2022)

 02 મે 2022

https://indianexpress.com/article/opinion/columns/why-they-are-afraid-of-jignesh-mevani-7895447/?fbclid=IwAR0llA1wG47Y49RcI6PQIFMLfVsecDh5_rb_8OuGf90ebgHLFvyYX3_R_dY

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4071,4081,4091,410...1,4201,4301,440...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved