Opinion Magazine
Number of visits: 9458823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મીરા’ 16મી સદીનો વિદ્રોહ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 May 2022

રાણા ભોજરાજ : “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા : “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા : “ઔર હમસે?”

મીરા : “આપ તો મેરે રાણા હો.”

•

હેમા માલિનીને એક રંજ રહી ગયો છે કે લતા મંગેશકરે તેમની ફિલ્મ “મીરા”નાં ભજનોને તેમનો અવાજ ન આપ્યો. સ્વરસામ્રાજ્ઞીના અવસાન પછી એક ઇન્ટરવ્યૂમાં ડ્રીમ ગર્લે કહ્યું હતું કે, “નિર્માતા પ્રેમજીએ મારી અને ધરમજી સાથે હીટ ફિલ્મો બનાવી હતી અને મેં તેમને મીરાબાઈનો વિષય સૂચવ્યો હતો. તેનું નિર્દેશન કરવા માટે મેં જ ગુલઝાર સાથે વાત કરી હતી. મારી ઈચ્છા હતી કે લતાજી તેનાં ભજનો ગાય. લતાજી પૂરી કારકિર્દીમાં મારો અવાજ રહ્યાં છે અને હવે હું જ્યારે મારી સૌથી ગમતી ભૂમિકા કરી રહી હતી ત્યારે તેમણે ના પાડી. મેં જાતે તેમને કહ્યું હતું કે તમે નહીં ગાવ તો મીરાબાઈ કી આવાજ નહીં હોગી. તેમણે નમ્રતાથી ના પાડી.” કેમ?

એક બીજા ઇન્ટરવ્યૂમાં લતાજીએ તેનો ખુલાસો કરતાં કહ્યું હતું, “મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ‘ચલા વહી દેશ’ આલ્બમમાં મીરાનાં ભજન ગાયાં હતાં. એટલે મેં નક્કી કર્યું હતું કે હું બીજા કોઈ માટે એ નહીં ગાઉં.” એ પછી વાણી જયરામ પાસે ફિલ્મનાં ભજનો રેકોર્ડ કરવામાં આવ્યાં અને વાણીને “મેરે તો ગિરધર ગોપાલ” માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં કુલ બાર ભજન હતાં. હેમા કહે છે કે વાણી સુંદર ગાયિકા છે, પણ તેનો અવાજ મારા માટે અનુકૂળ નહોતો. લતાજીએ મીરામાં મારા માટે ન ગાયું તેનો મને વસવસો છે. ગુલઝાર જો કે લતાજીએ કેમ ન ગાયું તેનું થોડુંક જુદું કારણ આપે છે, પણ તેની વાત પછી કરીએ.

“મીરા” 25 મે 1979ના રોજ રિલીઝ થઇ હતી. “મીરા”માં, એક બાજુ ૧૬મી સદીના એક રાજસ્થાની રજવાડામાં શાહી વ્યૂહરચનાઓના ભાગ રૂપે અટપટી ગોઠવણો અને સમજૂતીઓ હતી તો બીજી તરફ એના કેન્દ્રમાં રહેલી રાજપૂતાણી મીરા બાઈનો વિદ્રોહ હતો. ગુલઝાર મીરાને પૌરાણિક મીથ રૂપમાં નહીં, એક ઐતિહાસિક રૂપમાં જુએ છે અને મીરાને પહેલી આઝાદ નારી ગણે છે, જે તેની નિયતિ ખુદ પસંદ કરે છે.

ફિલ્મ પત્રકાર અનુરાધા ચૌધરી સાથેની એક મુલાકાતમાં ગુલઝાર કહે છે, “આ ફિલ્મ બનાવવા માંગતો હતો તેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે 1981ના વર્ષને મહિલા મુક્તિ વર્ષ તરીકે મનાવવામાં આવવાનું હતું. હું મીરાને દેશની પહેલી મુક્ત નારી તરીકે જોઉં છું. તેનામાં ઊંચું આત્મસન્માન હતું, તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી.”

મીરાની ખ્યાતિ એક આધ્યાત્મિક ભકત તરીકેની છે, પણ ગુલઝારને તેના અસલી જીવનમાં રસ હતો. એ કહે છે, “દેખીતી રીતે જ, હું વાર્તામાં આધ્યાત્મિક તત્ત્વ તો રાખવા માંગતો જ હતો, પરંતુ મારે મીરાની માઈથોલોજીક્લ છબીમાં ઔર રંગ પૂરવા નહોતા. હું એક ઐતિહાસિક ફિલ્મ બનાવવા માંગતો હતો જેમાં ઉચિત સંદર્ભો હોય. મેં જ્યારે મીરા વિશે સંશોધન શરૂ કર્યું તો મારા આશ્ચર્ય વચ્ચે કશું જ ઉપલબ્ધ નહોતું. એ ૪૦૦ વર્ષ પહેલાં જ જીવી ગઈ હતી, પણ ભારતમાં લેખિત ઇતિહાસની પરંપરા જ નથી, આપણી મૌખિક પરંપરા છે. મને કર્નલ ટોડના પુસ્તક “હિસ્ટ્રી ઓફ રાજસ્થાન”માં બધી જ વિગતો મળી ગઈ.”

“મીરા” પીરિયડ ફિલ્મ હતી, પણ તેની માવજત આધુનિક હતી. ફિલ્મમાં એક જગ્યાએ મીરાનો પતિ રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) તેના કૃષ્ણપ્રેમ અંગે પૂછે છે, “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા જવાબમાં કહે છે, “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા પૂછે છે, “ઔર હમસે?”

મીરા કહે છે, “આપ તો મેરે રાણા હો.”

૧૬મી સદીની એક સ્ત્રી કેવી રીતે તેના પતિ સાથે સામાજિક સંબંધ નિભાવવા તૈયાર છે, પણ પત્ની તરીકેનો સંબંધ કૃષ્ણ માટે અબાધિત રાખે છે તેની “સ્વામી અને રાણા”માં ખૂબસૂરત ગોઠવણ છે. ૧૬મી સદીના ભારતમાં જ્યાં સ્ત્રી પિતા, ભાઈ, પતિ અને પુત્રના આશ્રયમાં જીવતી હતી અને એ ચારેને પૂછીને તે પગલું ભરતી હતી, ત્યારે મીરા એવું જીવન જીવી હતી જે આજની ભણેલી-ગણેલી આધુનિક સ્ત્રીઓ પણ કલ્પના કરી ન શકે. મીરાએ ત્યારે પતિ, પિતા, ધર્મ, શાસન, સમાજ કે પરિવારના તિરસ્કારને સહન કરીને એ જ કર્યું હતું જે તેના દિલને યોગ્ય લાગ્યું હતું.

પતિનું બાળક જણવામાં કે પત્નીધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયેલી મીરાને જ્યારે મેણા મારવામાં આવે છે ત્યારે તે કહે છે, “મૈ આત્મા હૂં શરીર નહીં. મૈ ભાવના હૂં, કિસી સમાજ કા વિચાર નહીં. મૈ પ્રેમી હૂં, પ્રેમિકા હૂં, કેવલ પ્રેમ નામ કી જોગન. કિસી સંબંધ કી કડી નહીં., કિસી પરિવાર કી ખૂંટી સે બંધી સાંકલ નહીં.”

આ વિધાનમાં મીરાના એક એવા સ્વતંત્ર વ્યક્તિત્વની ઘોષણા હતી, જે રીતિ-રીવાજો અને જબરદસ્તીની ફરજોનું ગુલામ નથી. જે જમાનામાં બુદ્ધ બનાવાનું આસાન હતું પણ મીરા બનવાનું અશક્ય હતું, ત્યારે આ ભકતાણીએ ભક્તિના પથ પર આગળ જવાનો રસ્તો બતાવ્યો હતો.

ફિલ્મની વાર્તા અકબર(અમજદ ખાન)ના સમયની છે. રાજસ્થાનના મેડતા રજવાડાના રાજા વીરમદેવ રાઠોડને બે દીકરીઓ મીરા (હેમા), ક્રિશ્ના (વિદ્યા સિન્હા) અને એક દીકરો જયમલ (દિનેશ ઠાકુર) છે. મીરા ભગવાન કૃષ્ણની એટલી દીવાની છે કે તેમને જ પોતાના પતિ માને છે. વીરમદેવ એકમાત્ર એવો રાજા છે જે અકબરની સલ્તનત સામે ઝૂકવા તૈયાર નથી, અને એ માટે રાજા વિક્રમજીત (શમ્મી કપૂર) સાથે હાથ મિલાવે છે. એ સમજૂતીના ભાગ રૂપે, મીરાને વિક્રમજીતના દીકરા રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે પરણાવી દેવામાં આવે છે.

ઈચ્છા વિરુદ્ધ સાસરે વળાવાયેલી મીરાનો કૃષ્ણપ્રેમ અકબંધ રહે છે, જે ભોજરાજ અને તેના પરિવારને મંજૂર નથી. એમાં ખટરાગ વધી જાય છે અને મીરાને પતિ માટે પત્નીધર્મ ન બજાવતી, પરિવાર માટે વહુની ફરજ ન બજાવતી અને સમાજ માટે આદર્શ સ્ત્રી બનવાનો ઇન્કાર કરતી સ્ત્રી ગણીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેને જેલમાં કેદ કરવામાં આવે છે પણ તે ઝૂકતી નથી. તેને મૃત્યુદંડ ફરમાવામાં આવે છે અને સાર્વજનિક રીતે ઝેરનો કટોરો પીવાની સજા કરવામાં આવે છે. મીરાનો કૃષ્ણપ્રેમ એટલો અડગ છે કે તે હસતાં મોઢે ઝેર પીને કૃષ્ણનું ભજન ગાતી ગાતી મહેલ છોડી દે છે.

વાર્તાની દૃષ્ટિએ “મીરા” કૃષ્ણભક્તિ પરની ફિલ્મ છે, પરંતુ ઊંડેથી જુઓ તો તે એક સ્ત્રીના તેના શરીરને લગતા, સમાજને લગતા અને તેની ભક્તિને લગતા સ્વતંત્ર નિર્ણયોની કહાની છે. તેમાં તેને બેઈજ્જતી કે મૃત્યુનો ભય નથી. જે ધર્મ અદાલતમાં તેને મૃત્યુદંડ આપવામાં આવે છે તેમાં રાજ્યના કુલગુરુ (ઓમ શિવપુરી) સાથે મીરાનો એક સંવાદ છે :

“મીરા, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇન્‌કાર કિયા?”

“મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવ સાગર સંસાર સબ કાચો.”

“ક્યા તુમ સ્વીકાર કરતી હો કી રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?”

“જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.”

“તો અદાલત યે માન લે કી તુમ્હારે એક નહીં દો પતિ હૈ?”

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.”

“જો પરિવાર તુમ્હે જિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે’ નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?”

“આજ, ઇસ પલ, મેં અપના પરિવાર ઔર આપકે સમાજ દોનો કા પરિત્યાગ કરતી હૂં.”

“અપને અપરાધ કા દંડ જાનતી હો?”

“મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મેં ભી જાનતી હું. મેં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.”

હેમા માલિની આ દૃશ્યને તેનું સૌથી ગમતું દ્રશ્ય ગણાવે છે. હેમા કહે છે, “એમાં એક ગંભીર સામાજિક સંદેશ હતો. સાંકળોમાં બંધાયેલી મીરાને જ્યારે અદાલતમાં લાવવામાં આવે છે ત્યારે તેનો મોટો પડછાયો કુલગુરુ પર પડે છે અને તેઓ ગભરાઈ જાય છે. એ દૃશ્ય ઘણું પ્રતિકાત્મક હતું.”

“મીરા” માટે બે કલાકારો પહેલેથી જ નક્કી હતા; હેમા માલિની અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગુલઝારના ગમતા કમ્પોઝર તો આર.ડી. બર્મન હતા, પરંતુ નિર્માતા પ્રેમજી માટે થઈને તેમણે લક્ષ્મી-પ્યારે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગુલઝારે અગાઉ “પલકો કી છાંવ મેં”માં લક્ષ્મી-પ્યારે સાથે કામ કર્યું હતું અને આ વખતે પણ ઉત્સાહી હતા. બધાએ એવું પણ ધારી લીધું હતું કે મીરાનાં ભજનો લતા મંગેશકર સિવાય બીજું કોણ ગાય! ગુલઝાર કહે છે;

“ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ અને સંગીતની ચર્ચા માટે હું લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે બેઠો. અમે ડઝન જેટલાં મીરા ભજન પસંદ કર્યાં. અમે ટ્રેડ પેપરમાં આગોતરી જાહેરાત છપાવી હતી; આજની મીરા (લતા મંગેશકર) મીરા ફિલ્મનો મુહૂર્ત શોટની કલેપ આપશે. મેં મેરે તો ગિરિધર ગોપાલ ભજન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું, પણ લક્ષ્મી-પ્યારેએ જ્યારે ગીત કમ્પોઝ કર્યું ત્યારે લતાજીએ ગાવાની ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે તેમણે હજુ હમણાં જ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર માટે મીરાનાં ભજનો રેકોર્ડ કર્યા છે અને હવે એ જ ભજનો કોમર્સિયલ ફિલ્મ માટે નથી ગાવાં.”

ગુલઝારે તેમને આગ્રહ ન કર્યો અને વાતને ત્યાં પડતી મૂકી. એમાં બીજી મુસીબત થઇ. લતાજીએ ભજનો ગાવાની ના પાડી દીધી છે એવી ખબર પડી એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ ઊભા થઇ ગયા. “લતાબાઈ વગરની મીરા કેવી હોય?” એવું વર્ષો પછી પ્યારેલાલે કહ્યું હતું. ગુલઝારે બીજા વિકલ્પ તરીકે આશા ભોંસલેનો સંપર્ક કર્યો, પણ આશાએ દીદીનો ખ્યાલ રાખીને સલુકાઇથી ના પાડી દીધી, “જહાં દેવતા ને પાંવ રખે હોં, વહાં ફિર માનુષ પાંવ નહીં રખતે.”

ગુલઝાર કહે છે, “હવે હું ગભરાયો. અમારો સેટ તૈયાર હતો. પંચમ (આર.ડી. બર્મન) આમાં કારણ વગર ભરાઈ ગયો. હું એને હવે સંગીત માટે કહું તો તેની ઈજ્જત જાય એવી હતી. મારે એવા સંગીત દમદાર નિર્દેશકની જરૂર હતી જે લતાજી અને આશાજી વગર ભજનો કરી શકે. એમાં પંડિત રવિ શંકરનું નામ સુઝ્યું. એ વખતે એ ન્યૂયોર્કમાં હતા.”

ગુલઝાર પહોંચ્યા અમેરિકા. પંડિતજીને સ્ક્રીપ્ટ ગમી. ગુલઝારે કહ્યું કે તમે ધૂન પર અત્યારે જ કામ શરૂ કરો, હું રોકાઈ જઈશ. પંડિતજીને ગુલઝારની ઉતાવળ સમજાઈ ગઈ, પણ લતા મંગેશકરવાળો વિવાદ તેમણે પણ સાંભળ્યો હતો એટલે થોડા અચકાતા હતા.

ગુલઝાર કહે છે, “અમારા સદ્દનસીબે લતાજી એ જ વખતે અમેરિકામાં હતાં. મેં તરત તેમને ફોન કરીને મામલો સમજાવ્યો. તેમણે તરત કહ્યું કે તમ તમારે આગળ વધો. પછી પંડિતજીએ પૂછ્યું કે ગીતો કોણ ગાશે. મારા મનમાં વાણી જયરામનું નામ હતું, પણ બોલ્યો નહીં. મેં કહ્યું કે તમે જ પસંદ કરો. એ બોલ્યા- વાણી જયરામ ચાલે?”

પંડિતજીએ અમેરિકામાં ધૂનો તૈયાર કરી અને પછી ભારત આવીને નવ દિવસમાં 12 ભજનો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક રેકોર્ડ કરીને અમેરિકા પાછા વળી ગયા. પંડિતજીની જેમ હેમાએ પણ ઘણું એડજસ્ટમેન્ટ કર્યું હતું. ગુલઝારે હેમાને કહ્યું હતું કે એક દિવસ તારાં બાળકોને આ ફિલ્મ માટે ગર્વ થશે. વિનોદ ખન્ના ત્યારે તેની સફળતા અને શોહરતની ટોચ પર હતો પરંતુ કંઇક અંશે અંદરથી વિચલિત હતો અને સિનેમા છોડીને રજનીશ આશ્રમમાં જતા રહેવા માંગતો હતો. તેણે પણ મીરા પૂરી કરવા માટે બહુ સહકાર આપ્યો હતો. તેને કોઈ ફિલ્મ અધૂરી છોડવી નહોતી.

વિનોદ દિલથી આધ્યાત્મિક હતો અને તેને શાંતિ મળતી નહોતી. મીરા કરતી વખતે તે એટલો પ્રભાવિત થયો હતો કે એક દિવસ ગુલઝારને કહ્યું હતું, “હું મીરાની લાગણીઓ સાથે એટલું તાદામ્ય અનુભવું છું કે મને એવું થાય છે કે મારે મીરાની ભૂમિકા કરવા જેવી હતી.”

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સન્નાટો

નયના પટેલ|Opinion - Short Stories|12 May 2022

‘ચાલ મોઢું ખોલ, માર્ટિન’….

‘અં ……..હ’…..’

‘કમ ઑન, તારે સાજા થવું છે ને?’

‘પણ તને કોણે કહ્યું કે હું માંદો છું?’

‘જો તું માંદો નથી તો આ વોર્ડમાં કેમ આવ્યો?’

‘હું જાતે નથી આવ્યો …. મને …. પરાણે ….. મને કોણે અહીં ધકેલ્યો છે તને ખબર છે, નર્સ?’

‘ધેર યુ આર, તારે યાદ કરવું છે ને કે તને કોણે અહીં મોકલ્યો?’

‘યા .. યા.’

‘ઓ.કે. તો ડાહ્યો થઈને આ દવા પી લે. આ દવા તને એ યાદ કરવામાં મદદ કરશે.’ કહી જીનાએ દવાની ગોળીઓ માર્ટિનને આપી. આંખમાં શંકા સાથે માર્ટિન દવા ગળી ગયો.

‘જો, હવે ત્યાં કોમનરૂમમાં જઈને બધા સાથે બેસ. ઓ.કે.’ કહી જીના બીજા વોર્ડમાં ચાલી ગઈ.

મેન્ટલહેલ્થના વોર્ડમાં દરદીઓ માટે જીના ‘ફ્લોરેન્સ નાઈટિંગેઈલ’.

બીજા વોર્ડના પેલા ઇન્ડિયન દરદી – ધીરુ પાસે ગઈ એટલે ધીરુએ ગુજરાતીમાં બોલવા માંડ્યું. એમાં ધીરુનો વાંક નથી ઈટાલિયન પિતા અને અંગ્રેજ માને પેટે જન્મેલી જીનાની તાંબાવર્ણી ચામડી, ડાર્ક બ્રાઉન વાળ અને એવી જ કથ્થઈ આંખોની કીકીને લીધે ઇન્ડિયન જેવી જ લાગે.

એટલે હમણાં જ નવા નવા આવેલા ધીરુને ખાતરી જ હતી કે એ ઇન્ડિયન છે.

‘સ્ટોપ’નો ઈશારો કરી જીનાએ રમણને, જેને બધા ‘રે’ કહે છે એને બોલાવ્યો. એનું કામ પડતું મૂકી એ આવ્યો.

મોઢા પર અણગમો લીંપી એ આવ્યો, ‘યસ, જીના. હવી આજે શું કર્યું આણે?’ કહી ધીરુ સામે થોડા તિરસ્કારથી જોયું.

ધીરુ ભીંત તરફ મોં ફેરવી સૂઈ ગયો.

જીના નાના બાળકને સમજાવતી હોય તેમ, ‘જો ધીરુ, તારે જે કહેવું હોય તે હવે આ રેને કહે, ઓ.કે.?’

ધીરુ ચૂપચાપ ભીંત તરફ મોંઢું કરી સૂઈ રહ્યો.

જીના અંગ્રેજીમાં પૂછતી ગઈ અને રે એનું જેવું આવડે એવું ગુજરાતી કરતો ગયો.

‘તને અહીં રહેવાનું નથી ગમતું ને, ધીરુ?’

મોં ભીંત તરફ જ રાખી એણી માથું હલાવી ‘ના’ કહી.

‘ઓ.કે. તો હવે જલદી જવું હોય તો દવાની અસર કેટલી થાય છે તે જોવું પડેને?’

‘જે કે’વું એ કે, પન લોહી ટો ઉં ની જ લેવા દેઉં.’ રે એ કહ્યું કે એ બ્લડ ચેક કરાવવાની ના પાડે છે.

‘તને વાંધો શું છે, ધીરુ?’

એકદમ ગુસ્સામાં મોં જીના તરફ ફેરવી ધીરુ હાથ બતાવતા ઘાંટો પાડી બોલ્યો, ‘રાતના રોજ પેલો આવીને લોઈ પી જાય છે. મારામાં એણે લોઈ જ કાં રે’વા દીઢું છે?’

રેએ ફરી અનુવાદ કર્યો.

ભારોભાર કરુણાથી ધીરુ સામે જીના જોઈ રહી. વળગાડ, ભૂત-ડાકણ જેવા અંધશ્રદ્ધાની દુનિયામાંથી આવેલા ધીરુને લાગે છે કે કોઈ ખરાબ માણસ આવીને એનું લોહી રાત્રે પી જાય છે.

એને અપાતી દવાની માત્રા નક્કી કરવા માટે બ્લડ ચેક કરવું ખૂબ જ જરૂરી હતું, પણ આને કેમ કરી સમજાવવું એ જીનાને પણ સમજાયું નહીં.

ત્યાં તો બહાર એકદમ બૂમરાણ સાંભળી. આમ તો આ વોર્ડમાં એ કાંઈ નવી વાત નથી.

છતાં જીનાએ કોરીડોરમાં ડોકિયું કર્યું.

કોઈ આફ્રિકન-કેરેબિયન યુવાનને એડમિટ કરવા માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને ઍમ્બ્યુલન્સવાળા લોકો એને માંડ માંડ પકડી રાખતા હતા. પડછંદ દેખાતા એ યુવાનને હવે ગમે-તેમ બળજબરી કરીને ઈંજેક્શન દ્વારા દવા આપવી પડશે. આ પ્રોસીજર કરવા માટે સોશિયલ વર્કર, ટ્રોમા યુનિટનાં સીનિયર્સ વગેરે સૌ હાજર હતાં.

આવું જોઈને હંમેશની જેમ આવતાં આંસુને ખાળી જીના માંડ માંડ સ્વસ્થ થઈ અને એના કામે વળગી.

વોર્ડનું કામ પતાવી એ ઓફિસમાં આવી અને રિપોર્ટ્સ લખવા બેઠી.

મનને સ્વસ્થ રાખવાનો ધરખમ પ્રયત્ન કરતી જીનાને એક નર્સ ઉતાવળે ઉતાવળે બોલાવવા આવી, ‘માઈ ગૉડ, જીના, કમ ઑન, જલ્દી ચાલ.’

જીનાને થયું કે કોઈ દરદી માનતો નહીં હશે, એટલે, ‘આટલું લખવાનું પતાવી ….’ બોલવા જતી હતી, પરંતુ પેલી નર્સે વાક્ય પૂરું પણ કરવા ન દીધું અને એને લગભગ ઘસડીને બહાર લઈ ગઈ.

શું છે? શું છે? – જીના પૂછતી રહી પણ એ નર્સ પણ એટલી અવાચક હતી કે શું કહેવું તે એને ખબર નહોતી પડતી અને ત્યાં તો એડમિશન રૂમ આવી ગયો. 

જીનાને જોઈને ત્યાં ઊભેલા સોશ્યલ વર્કર, મેટ્રન, કન્સલ્ટંટ પણ પેલી નર્સની જેમ આશ્ચર્યચકિત બની એને તાકી રહ્યાં.

આ બધાના મોંઢાં પરના ભાવો જોઈને એ મૂંઝાઈ ગઈ. અને બીજી સેકંડે એની નજર દરદી પર પડી અને … અને એ પણ….!

સામે સૂતેલો દરદી શૂન્યમાં જોતો હોય તેમ બારણા તરફ કોરી ધકોડ આંખે જોતો હતો.

આંખમાં સન્નાટો!

આજુબાજુ શું બને છે તેનાથી બે-ખબર સૂતેલો એ દરદી નખશીખ ઇન્ડિયન હતો, વાળ કાબરચિતરા હતા, તે સિવાય આબેહૂબ જીનાનો જ ચહેરો! અરે, જમણા જડબા પર એવો જ મોટો તલ અને એ પણ એ જ જગ્યાએ!

પણ એ બને જ કેમ એના પિતા તો ઈટાલિયન છે!

જીના દોડીને ખાટલા પાસે ગઈ પણ દરદી તો ગૂમસૂમ ખૂલ્લી આંખે સૂતો હતો.

જીના એ ત્યાં ઊભેલા સૌની સામે જોયું.

બધાએ ખભા ઉલાળ્યા.

આવા અણજાણ્યા મળેલા આઘાતથી શૂન્યમનસ્ક જીના રૂમ બહાર નીકળી ગઈ.

કળ વળી પછી થયું, હશે, કો-ઈન્સિડન્ટ.

ઘણીવાર બે જણના ચહેરામાં સમાનતા હોય …. પણ મોંનો શેઈપ, નાકનો આકાર, અરે, આંખોના પોપચાં પણ જીના જેવાં જ ભારે!

ચાલો બીજું બધું તો બરાબર પણ તલ એ પણ જડબા પર અને વળી જમણા જડબા પર અને એક્ઝેક્ટ એક સરખી જ જગ્યાએ!!!!

સ્વસ્થ રહેવાનો દેખાવ કરતી જીના પેનને હાથમાં રમાડતાં રમાડતાં સ્વસ્થ થવાના ધમપછાડા કરતી રહી પણ ….

સોશ્યલ વર્કરે કહ્યું તે મુજબ દરદીનું નામ અવિનાશ. પરંતુ બધા એને ‘એવી’ કહેતા. છેલ્લાં ૨૫ વર્ષથી એને સીવિયર ડિપ્રેશન છે..

ઈઅન એવીનો નિમાયેલો સોશ્યલ વર્કર છે. સામાન્ય રીતે એવી શાંત, ધીર-ગંભીર. જરૂર પૂરતી જ વાત. ઈઅનને એટલી ખબર હતી કે એવીની ગર્લ ફ્રેંડ એને મૂકીને ભાગી ગઈ હતી, ત્યારથી એનું ડિપ્રેશન શરૂ થયું હતું. સ્યુસાયડલ (આત્મઘાતી) દરદી તરીકે ઈઅને એનું ખાસ ધ્યાન રાખવું પડતું.

આ વખતે પણ એવીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી દવા લેવાનું બંધ કર્યું હતું તે જ હતું.

પેલા દરદીને ફરી જોવાની અદમ્ય ઈચ્છા રોકી એ સૂનમૂન બેસી રહી.

બીજા સ્ટાફની જેમ જીના ક્યારે ય શીફ્ટ ક્યારે પૂરી થશેની રાહ ન જોતી. પરંતુ આજે તો મનમાં ઉલ્કાપાત મચ્યો હતો. એ અધીરી થઈ ગઈ હતી. એને ઘરે જઈને પાપાને આજના આ કો-ઈન્સિડન્ટની વાત કરવી હતી.

શીફ્ટ પૂરી થઈ અને પેલા દરદીને જે વોર્ડમાં રાખ્યો હતો ત્યાં ડૉકિયું કરવાની પ્રબળ ઈચ્છાને યુનિફોર્મની સાથે એના લોકરમાં ટીંગાડી એ ઘર તરફ ભાગી.

પ્રેમાળ અને આનંદી પાપાનો એ પ્રાણ છે. જીનાની ઉદાસી ડીનોથી એક ક્ષણ માટે પણ સહન ન થઈ શકે. મા અને બાપ બન્નેની બેવડી જ્વાબદારીઓ અને સાથે નાનકડુ રેસ્ટોરંટ, બસ ડીનોની આ જ દુનિયા. જીના માટે પણ પાપા અને હોસ્પિટલ આ બે જ દુનિયા.

આજે એનું મન એટલું બધું અસ્વસ્થ હતું કે કંઈ જ કરવાનું સૂઝ્યું નહીં. બસ, ઘરે જઈને અન્યમનસ્ક બેસી રહી.

પછી પાપાને ફોન કરવા જ ગઈ, ત્યાં ડીનોનો જ ફોન આવ્યો, ‘કેમ છે મારી પ્રીંસેસ?’થી રોજની જેમ એણે શરૂ કર્યું. જીનાએ મહામહેનતે અવાજને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીને કહ્યું, ‘હું મઝામાં છું, પાપા’ અને આગળ કંઈ બોલે તે પહેલાં જ એના અવાજ પાછળ છૂપાયેલી અકળામણ ડીનો કળી ગયો હોય તેમ, ‘શું થયું, ડારલિંગ? તારા અવાજ પરથી નથી લાગતું મઝામાં છે. હું અહીંથી કંઈ ખાવાનું લેતો આવું છું, રાંધવાની માથાકૂટ ન કરતી, હવે ખુશને, મારી દીકરી?’ અને જીના સાચે જ ખુશ થઈ ગઈ, મનમાં થયું , ચાલ આજે જે વાત જાણવી છે તે પૂછવાનો હવે ટાઈમ મળશે.

ડીનોએ આવીને જીનાને કપાળે ચુંબન કરી એના મોઢા પર રોજની જેમ પ્રેમથી હાથ ફેરવ્યો.

ને … ને .. જીનાની આંખમાંથી અચાનક શ્રાવણ-ભાદરવો ઊમટી પડ્યો.

ડીનો ઘડીભર તો અવાચક બની ગયો. જીના શાંત છે પણ ક્યારે ય આવી ઉદાસ તો હતી જ નહીં!

એને બાથમાં સમાવી માથે હાથ ફેરવતો રહ્યો.

કેટલી વારે જીનાના ડૂસકા સમ્યા.

‘બોલ તો, મારી દીકરીને કોણે દુભવી?’

આટલા પ્રેમાળ પિતાને કઈ રીતે જીના પૂછે કે ‘તું જ મારો પિતા છે? મારી મા કોણ છે, ક્યાં છે?’

જો કે નાની હતી ત્યારથી એના ‘મારી મમ્મી ક્યાં છે’ના નિર્દોષ પ્રશ્નના જવાબમાં ‘તારી મમ્મી નથી’ જ સાંભળ્યું છે.

આજે એને સાંભળવું હતું સત્ય – કેવળ એના અસ્તિત્વનું સત્ય!

માથું હલાવી પહેલા તો, ‘સોરી, પાપા’ કહી સ્વસ્થ થઈ.

હજુ અવઢવમાં છે. સત્યની પાછળથી ભોરીંગ નીકળશે તો?

આખા દિવસના થાકેલા આ મીડલ એઈજ માણસ જેણે એને આપ્યું જ છે ક્યારે ય કંઈ જ એટલે કંઈ જ લીધું નથી – અરે, અપેક્ષા સુધ્ધાં નથી રાખી તેને દુઃખી કરવાની જરા ય ઈચ્છા ન થઈ, પરંતુ પેલા દરદીનો ચહેરો પણ આંખ આગળથી હટતો નહોતો.

બન્ને જમી પરવાર્યા ….

ડીનોએ ફરી એની બાજુમાં બેસીને, ‘ડારલિંગ, મારાથી આવી જીના નથી જોવાતી, બેટા! જે કહેવું હોય તે કહી દે.’

જીના આ મા-કમ –બાપ સામે જોઈ રહી.

એણે ગળું ખંખેર્યું, ‘ઓ.કે. પાપા, મારે જે પૂછવું છે એનાથી આપણા પ્રેમમાં જરાકે ય ફેર પડવાનો નથી એની હું ખાતરી આપું છું.’

ડીનોને વર્ષોથી જેનો ડર હતો તે ક્ષણ આવી પહોંચેલી જોઈ, ‘પૂછ બેટા, આજે હું જે કહીશ તે સાચું જ કહીશ.’ કહી જીનાને માથે હાથ ફેરવ્યો.

પેલો આવનારી પળથી ડરતો – ધ્રૂજતો અવાજ એકદમ સ્વસ્થ ક્યારે થઈ ગયો જીનાને ખબર ન પડી, ‘પાપા, મને જન્મ આપીને જતી રહેલી સ્ત્રી કોણ હતી? મારે એ પણ નથી જાણવું કે એ જીવે છે કે મરી ગઈ.’

ડીનો પળ-બે પળ એની સામે જોઈ રહ્યો. કઈ રીતે શરૂ કરવું તે હજુ તો મનમાં ગોઠવતો હતો અને જીનાએ ફરી બોલવાનું શરૂ કર્યું, ‘પાપા, આજે કેમ અચાનક પૂછ્યું એમ થાય છે ને, તમને? તમે કાંઈ કહો તે પહેલા આજે શું બન્યું તે કહી દઉં,’ પછી ઊંડો શ્વાસ લીધો, ‘આજે એક દરદી મારા વોર્ડમાં એડમીટ થયો, એનું નામ ‘એવી-અવિનાશ’ છે – ઇન્ડિયન છે, પાપા.’

આવા કોઈ સંજોગો ડીનોએ કલ્પ્યા જ નહોતા એટલે એ પણ આશ્ચર્યથી જીનાને તાકી રહ્યો.

‘પાપા, હું એકલી જ નહીં મારા વોર્ડનો આખો સ્ટાફ એના ચહેરામાં અને મારા ચહેરામાં સામ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે – એટલે સુધી કે આ તલ પણ’ કહી એના જમણા જડબા પરનો તલ બતાવ્યો.

ડીનો ભૂતકાળની એ દોઝખ જેવી ગર્તામાં ડૂબી ગયો.

જીના પણ કંઈ જ બોલી નહીં, એને ખબર છે કે આ પ્રેમાળ પિતાએ ભૂતકાળનો કોઈ ખૂબ મોટો ઘા મનમાં ધરબી રાખ્યો છે. એને ફરી ખોતરવા એ બેઠી હતી. મલમ લગાડવાની જગ્યાએ એના પ્રેમના બદલામાં એના દૂઝતા ઘા પર નિમક છાંટવા બેઠી હતી! પણ એ પણ મજબૂર છે.

એને થયું કે પેલો કમનસીબ માણસ જો વોર્ડમાં ન એડમીટ થયો હોત તો આ રીતે દુનિયાના સૌથી પ્રેમાળ પાપાને આમ પીડત નહીં, પણ હવે એમના જવાબ પર કરોળિયાની જેમ ટિંગાતી જીનાએ ડીનોનો હાથ પોતાના હાથમાં લીધો.

એ સ્પર્શમાં માફી, પ્રેમ, ઋણ અને કંઈ કેટલું ય હતું.

જીના સામે ડીનો જોતો રહ્યો પછી ભૂતકાળ ખંખેરતો હોય તેમ જોરથી ડાબે-જમણે માથું હલાવ્યું, ‘બેટા, એ વાત સાંભળવી જ છે?

જીનાએ આંખોથી હા કહી.

મોઢું નીચું રાખી થોથરાતા અવાજે કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ એ છે કે હું જ્યારે એને મળ્યો ત્યારે ….. એ …. રેડલાઈટ એરિયામાં રહેતી હતી’.  રેડલાઈટ એરિયામાં જનાર વ્યક્તિને કદાચ શરમ ન આવે પણ એક બાપને એની દીકરીને કહેતાં શું થયું હશે એ ડીનો જ જાણે!

‘ઓ, એટલે કે એ વેશ્યા હતી?’ ડીનો ચૂપચાપ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તૈયારી સાથે ફ્લોરને જોતો રહ્યો.

આખા રૂમમાં એક સેકંડ માટે રેડ લાઈટ ઝબકી …. જીના એના પિતાને જોતી રહી પછી ભારોભાર સહાનુભૂતિ સાથે બોલી, ‘પાપા, તમે ઈટલીથી ત્યારે નવા નવા જ આવ્યા હતા ને?’

ડીનોએ નીચુ માથું રાખી ધીમે ધીમે માથું હલાવી ‘હા’ કહી.

‘પાપા, તમે એકદમ યુવાન હતા અને એકદમ હેન્ડસમ હતા ..’ પછી જીભ કચરી બોલી, ‘અરે, હજુ પણ છો જ’ …

‘બસ બેટા, મને કહેવા દે એ મારા પતનની વાત. એકલો હતો, કામ કરવા જ આવ્યો હતો, પરંતુ યુવાનીને ઉંબરે પગ દીધો હતો અને શરીર ….’

‘બસ પાપા, હું સમજી શકું એટલી યુવાન છું, છું ને?

જીના વાતાવરણને હળવું કરવા મથામણ કરતી હતી, ડીનો મ્લાન હસ્યો.

‘તને ખબર છે છોકરી, મને ઊંડી ગર્તામાં જતો તેં બચાવી લીધો હતો?’

‘એ કેવી રીતે, પાપા?’

‘કોઈ પણ સ્ત્રી પાસેથી મળતાં છીછરાં આનંદ કરતાં મને મારી દીકરીનાં વ્હાલની કિંમત સમજાઈ. અને પછી ક્યારે ય એ તરફ ફરીને જોયું નથી.’

ભૂતકાળનો પોપડો ઉખડ્યો, અસહ્ય પીડાને દબાવી એ બોલ્યો,

‘જ્યારે હું એને પહેલીવાર મળ્યો ત્યારે એણે મને કહ્યું કે એને જુદી જુદી નેશનાલિટીના લોકો અંગ્રેજ લોકો કરતાં વધારે ગમે છે. હું ઈટાલિયન હતો એટલે એને મારામાં રસ પડ્યો, એમ કહ્યું એટલે મેં માન્યું કે એ મારા પ્રેમમાં પડી છે. થોડા દિવસ રોજ મળ્યા અને એક દિવસ બિસ્ત્રા-પોટલાં સાથે મારા ઘરના ઉંબરે આવી ઊભી. મને તો પાછળથી ખબર પડી હતી કે ભાડું નહોતું ચૂકવ્યું એટલે વગર પૈસે મારા છાપરા નીચે આશ્રય લેવા જ આવી હતી, પણ મેં મૂર્ખાએ માન્યું એ મને પ્રેમ કરે છે એટલે સાથે રહેવા આવી.’

બોલીને એણે જીના સામે જોયું. જીના કરુણાથી વાત સાંભળતી હતી.

‘એ ઉંમર અને એકલતાએ મને ભોળવ્યો હતો ….. હું એનો વાંક નથી કાઢતો’.

પછીની કડવી વખ જેવી વાત કરતાં ડીનોને ખૂબ જહેમત પડતી હોય તેમ ધીરે ધીરે વાત આગળ વધારી, ‘થોડા દિવસ તો ખૂબ જ આનંદમાં પસાર થયા. પછી એને મોર્નીંગ સીકનેસ શરૂ થઈ. એ બહાવરી બની ગઈ.’

ડીનોને હવે આગળની વાત કરવા માટે સહારો જોઈતો હોય તેમ જીનાનો હાથ પકડી રાખ્યો, ‘એ જ સવારે જઈને એ પ્રેગ્નનસી ટેસ્ટ્નું કીટ લઈ આવી. ટોયલેટ્માંથી મોટેથી ગાળ સાંભળી. મને ખ્યાલ આવી ગયો એ પ્રેગ્નન્ટ હતી.’

હું ખુશ થઈ ગયો, પરંતુ એણે તો બહાર નીકળી ડોક્ટરની ઈમર્જન્સી એપોંઈટમેન્ટ લીધી. એને ચોથો મહિનો પૂરો થવામાં હતો. કોઈ મેડિકલ કારણ વગર એબોર્સન આમ તો ઈંગ્લેંડમાં મોટે ભાગે ન કરે અને હું તો એબોર્સનનો પાક્કો વિરોધી.

તે દિવસે હું ચૂપ રહ્યો….’ ડીનોને હવેની વાત કહેતા તકલીફ પડતી હતી, પરંતુ હવે ભૂતકાળને ખોદ્યો જ છે તો ભૂતાવળથી કેટલું બીવાનું?

‘હું તો એને મળ્યો હતો માત્ર બે મહિના પહેલા જ … હું કાંઈ ન બોલ્યો, એટલે એણે માની લીધું કે હું મૂર્ખ છું.

તને જ્યારે તાજી જ જન્મેલી જોઈને ત્યારે સાચું કહું, બેટા, મને બાપ કરતાં ય અદકેરું વ્હાલ છૂટ્યું.’

બીજે દિવસે ઘરે આવ્યા. મને થયું કાંઈ નહીં હવે તારો જન્મ થયો છે એટલે કદાચ એનો ધંધો છોડી દેશે. પણ …. એ તને છોડીને ત્રીજે જ દિવસે જતી રહી.’

‘અવિનાશ’ની આંખમાં હતો એ જ સન્નાટો જીનાની પાછળ પાછળ છાનોમાનો આવીને રૂમમાં જ ધામા નાંખી બેસી ગયો.

****************

e.mail : ninapatel47@hotmail.com

Loading

ખાધ્યાન્નમાં આત્મનિર્ભર ભારત ભૂખ્યું કેમ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 May 2022

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની વર્ચ્યુઅલ મિટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાધ્યાન્નનું સંકટ વેઠતા વિશ્વ માટે ભારતના અનાજના ભર્યા ભંડાર આપવાની ઓફર કરી છે. એ સર્વવિદિત છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાના ઘણા દેશોમાં અનાજની તંગી ઊભી થઈ છે. કહેવાય છે કે ખાધ્યાન્નમાં આત્મનિર્ભર ભારત પાસે એટલું બધું વધારાનું અનાજ છે કે તે દુનિયાના ઘણા દેશોની ભૂખ ભાંગી શકે તેમ છે. પરંતુ તેમાં વિશ્વ વ્યાપાર સંગઠનની શરત આડે આવે છે. વલ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની શરત છે કે દુનિયાના જે દેશોની સરકારોએ તેના નાગરિકો માટે ખાધ્યાન્ન ખરીધ્યું હોય તેની નિકાસ કરી શકાય નહીં. એટલે ભારતીય વડા પ્રધાન જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિને દુનિયાને ખાધ્ય સંકટમાંથી ઉગારવા ભારત આતુર હોવાનું જણાવી તેમાં મદદરૂપ થવાની અપીલ કરે છે ત્યારે વાસ્તવમાં તો તે ભારતીય નાગરિકોની જરૂરિયાત માટે ખરીદાયેલા અનાજના વિશ્વ વ્યાપારનો પરવાનો માંગે છે !

સરકારો થોડા ગૌરવ અને ઝાઝા ગર્વ સાથે છેક સિત્તેરના દાયકાથી ખાધ્યાન્નમાં દેશ આત્મનિર્ભર હોવાની ઘોષણાઓ કરે છે. વિશ્વમાં ખાધ્યાન્ન અને દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ, ફળો તથા શાકભાજીમાં દ્વિતીય અને ચોખાના ઉત્પાદનમાં તૃતીય ક્રમે છે. ૨૦૧૩ના વર્ષમાં વિશ્વના કુલ દાળ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૫ ટકા, ચોખામાં ૨૨ ટકા અને ઘઉંમાં ૧૩ ટકા હતો. ૧૯૫૦-૫૧માં દેશમાં માત્ર ૫૧ મિલિયન ટન અનાજનું ઉત્પાદન થતું હતું. જે વાર્ષિક બે ટકાના દરે વધીને ૨૦૧૬-૧૭માં ૨૭૨ મિલિયન ટન થયું હતું. દેશની વાર્ષિક ૩૦૦ મિલિયન ટન ખાધ્યાન્નની જરૂરિયાત સામે ૨૦૨૦-૨૧માં ૩૧.૦૭ કરોડ ટન અને ૨૦૨૧-૨૨માં ૩૧.૬૦ કરોડ ટન ખાધ્યાન્ન પેદા થવાનો સરકારી અંદાજ છે. સરકારનો એવો પણ દાવો છે કે પ્રતિ વર્ષ દેશમાં ૫૦ મિલિયન ટન વધારાનું અનાજ પેદા થાય છે.

ખાધ્યાન્નમાં આત્મનિર્ભર ભારત ખરેખર તો ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. ૨૦૧૫-૧૬માં દેશના કુલ અનાજ ઉત્પાદનમાં ૭૮ ટકા તો ઘઉં-ચોખા જ હતા. ચોખા, ખાંડ, કપાસ, માંસ અને મસાલાની જ ભારતમાંથી નિકાસ થાય છે. જ્યારે દાળ, ખાધ્યતેલ અને ફળોની આયાત કરવી પડે છે. તેનો મતલબ એ થયો કે દેશની આવશ્યકતા પ્રમાણેનું તમામ અન્ન દેશમાં પેદા થતું નથી. કૃષિ આયાત વધે છે અને નિકાસ ઘટે છે તે બાબત પણ તમામ ખાધ્યાન્નમાં દેશના આત્મનિર્ભર હોવાની પોલ ખોલે છે. ૧૯૯૦-૯૧માં દેશની ૨.૮ ટકા કૃષિ આયાતો ૨૦૧૪-૧૫માં વધીને ૪.૨ ટકા થઈ હતી. પરંતુ એ જ વર્ષોની કૃષિ નિકાસ ૧૮.૫ ટકાથી ઘટીને ૧૨.૭ ટકા થઈ હતી.વળી ૨૦૧૫-૧૬માં દેશની કુલ આયાતોમાં લગભગ ૮૦ ટકા તો ખાધ્યાન હતું.

ઘડીભર માની લઈએ કે દેશ અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે પણ શું દેશમાં જેટલું અન્ન છે તે તમામ સુધી પહોંચ્યું છે ? શું દેશમાં કોઈ ભૂખ્યું નથી ? ભૂખમરાએ દેશવટો લઈ લીધો છે ? આ સવાલના જવાબમાં વિશ્વ ભૂખમરા સૂચકાંકની હકીકતો આપણી સામે છે. ૨૦૨૦ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ૧૦૭ દેશોમાં ભારત ૯૪મા ક્રમે હતો, પણ ૨૦૨૧માં તે વધુ નીચે ગયો છે. ૨૦૨૧માં ૧૧૬ દેશોમાં વિશ્વગુરુ ભારત ૧૦૧મા ક્રમે હતો. બાળકોની ઉંમરના હિસાબે ઓછી ઊંચાઈ, ઊંચાઈના હિસાબે ઓછું વજન, પાંચ વરસના બાળકોનું મૃત્યુ પ્રમાણ અને અલ્પપોષણના ચાર માપદંડોના આધારે તૈયાર થયેલ ભૂખમરા આંકમાં ભારતના ભૂખમરાનું વિકરાળ ચિત્ર ઉપસે છે. પાડોશી દેશો નેપાળ, મ્યાંમાર, ભૂતાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ભૂખમરા સૂચકાંકમાં ભારત નીચે છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં ભૂખમરો બહુ ઓછો છે અને તે ટોચના ૧૬ દેશોની યાદીમાં છે પરંતુ ભારત તળિયાના ૧૬ દેશોમાં સામેલ છે ! 

રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ મુજબ સસ્તા અનાજની દુકાનોથી ઠરાવેલા ભાવ કરતાં પણ ઓછા ભાવે ઘઉં, ચોખા અને બીજી થોડી જીવન જરૂરી ચીજો મેળવવા હકદાર લોકોની સંખ્યા ૮૧ કરોડ છે. કોરોના મહામારી દરમિયાન માર્ચ ૨૦૨૦થી પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાનો સરકારનો દાવો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની આશરે ૨૫ કરોડની વસ્તીમાંથી ૧૫ કરોડ લોકોને મફત અનાજ મળે છે. આ રીતે ખુદ સરકાર દેશની ૫૭ ટકા વસ્તી ખરીદશક્તિવિહોણી અને ગરીબ હોવાનું સ્વીકારતી હોય ત્યારે અન્ન સ્વાવલંબનની શેખી શા કામની?

પેટ પૂરતું ખાવા ન પામતા લોકોની સંખ્યા દેશમાં ૨૦૧૪-૧૬માં ૪૨.૬૫ કરોડ હતી. ૨૦૧૭-૧૯માં તેમાં વૃદ્ધિ થઈ છે અને હવે તે ૪૮.૮૬ કરોડ છે. ૧૫થી ૪૯ વર્ષની ઉંમરની કુલ મહિલાઓમાંથી રક્ત અલ્પતા કે લોહીની કમી ધરાવતી મહિલાઓ ૨૦૧૯-૨૦માં ૫૭ ટકા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના દર ત્રણમાંથી બે બાળકો કુપોષિત છે તેમાંથી ૪૦ ટકા તો બિહાર અને ઝારખંડના છે. દેશના વિકસિત કે સમૃદ્ધ ગણાતા ગુજરાત, મહારાષ્ટૃ, કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમ જેવા રાજ્યોમાં કુપોષણની સમસ્યા છે. ગરીબી અને બેરોજગારીને કારણે પેટ પૂરતું ધાન ખરીદવાનાં નાણાંના અભાવે લોકો કુપોષણ, અલ્પપોષણ અને રક્ત અલ્પતામાં સબડે છે. રાજનેતાઓ અનાજના ભર્યા ભંડારના ઓડકાર ખાધે રાખે છે અને દેશની વસ્તીનો મોટોભાગ ભૂખ્યા પેટે જીવે છે.

અંગ્રેજ શાસનકાળના પરતંત્ર ભારતમાં ૧૯૦૩માં દર વરસે વ્યક્તિદીઠ ૧૭૭.૩ કિલોગ્રામ અનાજની ઉપલબ્ધતા હતી. આઝાદીના લગભગ સિત્તેર વરસો પછી ૨૦૧૬માં પ્રતિવ્યક્તિ પ્રતિવર્ષ ખાધ્યાન્ન ઉપલબ્ધતા ૧૭૭.૭ કિલો ગ્રામ થઈ છે. એટલે સ્વતંત્ર ભારતમાં માંડ ૦.૪ કિલો ગ્રામનો નજીવો વધારો થયો છે. એટલે ખાધ્યાન્નમાં આત્મ નિર્ભરતા ગરીબોનું પેટ ભરી શકી નથી.

સંપત્તિની અસમાનતા પણ આત્મનિર્ભરતાને બોદી બનાવે છે. ૨૦૨૦માં દેશમાં ૧૦૨ અબજોપતિઓ હતા ૨૦૨૧માં બીજા ૪૦ ઉમેરાયા અને ૧૪૨ થયા. દેશના ૫૫.૨ કરોડ લોકોની કુલ સંપત્તિ જેટલી સંપત્તિ તો દેશના સૌથી વધુ અમીર ૯૮ લોકો પાસે છે. અમેરિકા અને ચીન પછી અબજોપતિઓની સંખ્યામાં ભારતનું નામ છે. ખાધ્યાન્નમાં સ્વાવલંબી હોવાનો ખોટો ગર્વ કરવો કે વિકરાળ આર્થિક અસમાનતાની શરમ અનુભવવી તે જેટલું ઝટ સમજાય તેટલું સારું છે. બહુમતી વસ્તીને પેટ પૂરતું ધાન મળતું નથી અને મુઠ્ઠીભર અમીરો પાસે બેસુમાર સંપત્તિ છે. એ સંજોગોમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ખાધ્યાન્નમાં આત્મનિર્ભરતાના સંતોષ કરતાં દેશમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતાને ઓળખવાની અને ઉકેલવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,3981,3991,4001,401...1,4101,4201,430...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved