Opinion Magazine
Number of visits: 9670955
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૮) : વાણી અને લેખન : 

સુમન શાહ|Opinion - Literature|14 September 2022

સાહિત્યસર્જકો અને સાહિત્યના અધ્યાપકોનો પાયાનો સમ્બન્ધ વાણી અને લેખન સાથે છે. પ્રજાજનોની સરખામણીએ તેઓ સરસ બોલતા હોય છે, સરસ સરજતા હોય છે, લખતા હોય છે.

વાણી બાબતે આપણી ભાષામાં બે કહેવતો છે : બોલે તેનાં બોર વેચાય : ન બોલ્યામાં નવ ગુણ : બન્ને કહેવતો એકબીજાની વિરોધી લાગે છે.

અધ્યાપક પોતાના વર્ગમાં સાહિત્યના શિક્ષક તરીકે શુદ્ધ ભાષામાં બોલે, મધુર બોલે, ને અર્થપૂર્ણ વાત કરે તો એનાં બોર જરૂર વેચાય. વ્યાખ્યાન એ જો હસીને કરે તો ઘણાં વેચાય. બને કે દીવેલિયા મૉઢે બોલતા અધ્યાપક માટે વિદ્યાર્થીઓને – એમને આજે શું ખાધું હશે, જેવા પ્રશ્નો થાય.

ટી-ટેબલ પર અન્ય અધ્યાપકો વચ્ચે એ મૌન જાળવે એમાં એનું હિત છે. પણ ઘરે જઈને મૌન ન જાળવે એમાં ય એનું હિત છે. કેમ કે એને પાછો આવેલો જોઈને ઘરનાં તો ખુશ થઈ ગયાં હોય : પત્ની પૂછે, ચા હમણાં બનાવી દઉં કે થોડી વાર પછી? : જવાબમાં અધ્યાપકે ફટાફટ બે-ત્રણ હકારવાચક વાક્યો બોલી નાખવાં જેથી ચિન્તાળુ પત્નીને શાન્તિ થાય કે – ચાલો આજે પણ એમને બહુ કષ્ટ નથી પડ્યું. અધ્યાપક-દીકરીને પિતા પૂછે : બેટા, આવી ગઈ, સરસ; ટ્રાફિક તો ન્હૉતો નડ્યો ને? : એવા પ્રશ્નના જવાબમાં અધ્યાપક-દીકરી સસ્મિત જરાક મૌન પાળે અને તે પછી ટ્રાફિકનું લાંઆંબું વર્ણન કરે તો એ વધારે વ્હાલી લાગે. બાકી, કશું કહ્યા વિના સીધી એના રૂમમાં ચાલી જાય, તો – એવું તે શું થયું હશે, જેવા પ્રશ્નો જાગે.

વક્તાએ પોડિયમ પર પૂરી તૈયારી સાથે જવું, અગડમ્ બગડમ્ કે કવેતાઈ ન બોલવું. વાસી ન બોલવું કેમ કે બોરાં વેચનારા પણ તાજાં નવાં બોરાં લઈને ઊભા હોય છે. એણે એવી ઠાંસ ન રાખવી કે જે બોલીશ તે ઝિલાશે કેમ કે હું તો અનુત્તમ અછાન્દસકાર તરીકે સાહિત્યસમાજમાં વરસોથી છવાઈ ગયેલો છું. સભામાં કાનફૂસિયાં કે ફુસફુસાહટમાં એને માટે શું યે ક્હૅવાયેલું એની જાણ થોડીક વારમાં એના સિવાયનાં સૌને થઈ જતી હોય છે. એણે વિષય માગે તેટલું જરૂર બોલવું પણ એટલું ઓછું પણ ન બોલવું જેથી એ કંગાળ ભૂખડીબારસ લાગે. એણે એવી તુમાખી ન રાખવી કે સંસ્થાનો પ્રમુખ છું કે બેઠકનો અધ્યક્ષ છું એટલે જેટલું બોલીશ એટલું ચાલી જશે. આયોજક અને શ્રોતાઓ અદૃશ્ય ચીડથી એને વિશે શું યે બબડતા હોય તે તો હું યે નથી જાણતો. સૉરિ, જાણું છું પણ આ સ્થાને કહી નથી શકતો.

અધ્યાપકે તેમ જ કોઈપણ વક્તાએ સમજી રાખવું કે મૌન તત્ત્વાર્થમાં વાણીનું જ એક રૂપ છે. મૌનનો એક અર્થ સમ્મતિ થાય; બીજો, અસમ્મતિ થાય. મૌન સમ્મતિ અને અસમ્મતિ વચ્ચેનો સંમિશ્ર અર્થભાવ પણ સૂચવે. વાણી ઉપરાન્ત મૌનના એ બધા ભેદ સાચવી જાણે એને નવ તો નહીં પણ એક-બે ગુણ અવશ્ય લાધે.

લેખન બાબતે પણ આપણી ભાષામાં એક કહેવત છે : લખતાં લહિયો થાય : આ કહેવતને સમજવી જોઈએ – ઊંધું ઘાલીને લખ્યે રાખીશ તો એક દિવસ લહિયો થઈ જઈશ, અતિ ન લખીશ. અલબત્ત, એક જમાનામાં લહિયાઓ પણ માગ્યા મુજબનું ચૉકક્સ લખી આપતા’તા. કહેવતના ઉત્તરાર્ધમાં કહ્યું છે – પૂછતાં પણ્ડિત નીપજે. મતલબ, અતિ ન લખવું પણ બહુ પૂછવું જરૂર.

અધ્યાપકે સમજી રાખવું કે બોલવું, મૌન પાળવું તેમ વાંચવું ને ખૂબ જ પૂછવું એ એના અધ્યાપકીય જીવનની જીવાદોરી છે.

કેટલાક નિ:સામાન્ય નવલકથાના લેખકો એમની જાણ બ્હાર લહિયા થઈ ગયા હોય છે. એવો એક લહિયો લોકપ્રિય અને મોટો સાહિત્યસેવક હોય એમ અમારા ભાષાભવનમાં એના વક્તવ્ય દરમ્યાન આત્મપ્રશસ્તિ કરવા લાગેલો – જુઓ ને, લખી લખીને મને આંગળીએ કેવાં આંટણ પડી ગયાં છે. બાજુમાં બેઠેલા મને સજા જેવાં એનાં આંટણ જોતાં સારું લાગેલું. એવાઓ કોઈને કશું પૂછતા જ નથી, પૂછ્યા વિના કોઈનું તફડાવી લે છે ખરા. એમને કદીપણ પણ્ડિત તો થવું જ નથી હોતું. એટલું જ નહીં, પણ્ડિતોને સમીક્ષકોને કે અધ્યાપકોને ભૂતકાળમાં ગાળો દઈ ચૂક્યા હોય છે. કેમ? કેમ કે એઓએ એમની રચનાઓની ટીકાટિપ્પણી કરી હોય છે, અને ‘ટિકાટિપ્પણી’ સંજ્ઞાના તત્ત્વાર્થની એમને કશીયે ખબર હોતી જ નથી.

એ મુદ્દો જુદો છે કે ન લખવાથી સાહિત્યજગતને ફાયદો થાય કે નહીં.

પણ કેટલાક ક્હૅતા હોય છે કે હું તો પૂર્ણતાવાદી છું, પરફૅક્શનિસ્ટ, એકદમ સારું ન લખાય તો ન જ લખું. એ ભૂલી જાય છે કે એકદમ સારા માટે જેવો કે તેવો શુભારમ્ભ કરવો પડે છે અને જીવ માને નહીં ત્યાંલગી મંડ્યા રહેવું જરૂરી હોય છે. કેટલાક ક્હૅતા આવે છે, સુમનભાઈ, તમારી બધી વાત બરાબર, પણ સામ્પ્રતમાં સાહિત્યની કોઈને જરૂર જ નથી. સાહિત્યની વાત કે ચર્ચાની પણ કોને જરૂર છે? વિદ્યાર્થીને ડિગ્રી જોઈએ છે, જ્ઞાન નહીં. જવાબમાં હું એને કહેતો હોઉં છું કે સામ્પ્રત જો એવું દયાજનક છે તો સમજ, કે એ વાસ્તવિકતા જ તારે કે મારે લખવા માટેનું મોટું કારણ છે. મારી એ વાત પણ એને બરાબર લાગે એ માટે એ મને તાક્યા કરે છે.

ન લખવાથી શું થાય એ સમજી લેવાની જરૂર છે – ધીમે ધીમે લેખનશક્તિ નામે જે કંઈ હોય એનો નાશ થવા માંડે. પહેલાં, ફકરો ભરીને ઇમેઇલ કરે કે મૅસેજ મોકલે, પછી નાના ફકરા, પછી બે-ત્રણ વાક્યો, પછી એકાદ શબ્દગુચ્છ, એ પછી ઓકે, હા, હમ્મ, અને છેવટે, નમસ્કારનું કે કોઈપણ સગવડસાધક ઇમોજી.

તાત્પર્ય, એક દિવસ એવો આવે જ્યારે એ ઇચ્છે તો પણ લખી ન શકે – ન એક વાક્ય કે ન એક કાવ્યપંક્તિ. આંગળાં પેન પકડે ખરાં, પણ એની સર્જકતા વસૂકી ગઈ હોય એટલે કશું ટપકે જ નહીં. લેખક તરીકે એ મટી / મરી ગયો હોય. લેખક તરીકેનું પોતાનું જ અવસાન એ જીવતેજીવત અનુભવ્યા કરે. ઇમોજીઝ જોયા કરે. ઇમોજીને હું લેખકના અવસાનનું પ્રતીક સમજું છું.

ટૂંકસાર એ છે કે સાહિત્યકારજીવે નિરન્તર કંઈ-ને-કંઈ લખવું. એ જરૂરી નથી કે લખ્યું તે બધું પ્રકાશનયોગ્ય હોય. પણ મશહૂર ગાયકો, હરિપ્રસાદ કે શિવકુમાર, રોજ રિયાજ કરે, એમ સાહિત્યકારજીવે પણ રોજ સવારે બપોરે કે રાતે શબ્દની ઉપાસના-સાધના-આરાધના કરવી જરૂરી છે. અકારણ લખનારો જ કદાચ ખરો તપસ્વી છે.

કલાસર્જનના મર્મીઓ ‘પ્રતિભા’ અને ‘વ્યુત્પત્તિ’-ને સર્જનનો મહત્ હેતુ ગણે છે પણ એમ પણ સૂચવે છે કે ‘અભ્યાસ’ એટલે કે નિરન્તરની સાધના નહીં હશે તો એ બે મહત્ હેતુ વ્યર્થ નીવડશે; હું એટલે લગી કહું કે અજાગલની જેમ લટક્યા કરશે. દરેક માણસે ભોજન તો કરવું જ પડે છે – પ્રતિભાવન્ત અને વ્યુત્પન્ન મોટાએ – આપોપા મોટાએ – કે નવોદિતે. ‘અભ્યાસ’ લેખકમાત્રનો ખોરાક છે.

વાણીસંયમ, લેખનવિવેક વગેરે વિશે પણ કહી તો શકાય પણ સમજદારો વચ્ચે આટલા ઇશારા કાફી છે. 

(September 14, 2022: USA)

અજાગલ = બકરીના ગળાના આંચળ

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શ્રદ્ધા વગરનું શ્રાદ્ધ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2022

કાવ્યકૂકીઝ 

મારું પહેલું શ્રાદ્ધ આવી રહ્યું છે ત્યારે –   

કેમ છો, છોકરાંઓ,  

હવે હું નથી એટલે મજામાં તો હશો જ !

આમ મને ભૂખે માર્યો 

પણ શ્રાદ્ધ દૂધપાકથી કરશો તે ખબર છે 

પણ તેમાં ટીકડી નાખવાનું ભૂલશો નહીં 

મર્યાં પછી પણ ડાયાબિટીસ મટ્યો નથી 

એટલે બહુ ગળ્યું કૈં કરશો નહીં 

આડે દા’ડે તો રીંગણ ખાવ જ છો 

પણ મારી બાજમાં રીંગણ મૂકશો નહીં 

મૂકશો તો બાજને હું અડીશ નહીં !

મારી દીકરીને શ્રાદ્ધમાં જમવા તેડજો 

એને દૂધપાક જોર કરી કરીને ખવડાવજો 

કારણ એને એ જરા પણ ભાવતો નથી

એમ થશે તો મારી ઈચ્છા વિરુદ્ધ એ પરણેલી 

એ વાતનો બદલો લઈ શકાશે 

મારી મિલકતના ભાગ પડી ગયા હશે  

એટલે ચારેક ઘરોમાં મારું શ્રાદ્ધ થશે 

પણ હું ચાર ચાર બાજ જમી શકું એમ નથી    

કૂતરાની જેમ હડે હડે મને કર્યો  

ને ઘરમાં કૂતરાનો નંબર પહેલો રાખ્યો   

હવે અમે બંને સરખા છીએ 

એટલે કૂતરાની બાજમાં જ મોં મારી લઇશ 

મન્ચૂરિયન કે પિત્ઝા, પ્લીઝ, ના મૂકશો   

મને એ નથી જ ભાવતાં !

જો કે મારો જનમ શેટ્ટીને ત્યાં થયો છે 

ને દૂધને બદલે મારો બાપ સાંબર જ પાય છે 

એ તો બોલાતું નથી એટલે ઢીંચી જાઉં છું

બાકી ભાવે તો ગુજરાતી થાળી જ ! 

બને તો કેળાં બાજમાં મૂકજો 

ને છાલ કાઢીને વળી કેળાં ધોવા ના બેસતાં  

તમે તો પાણી પણ ધોઈને વાપરો એમાંના છો 

પણ મને બધું ચાલશે 

ને છેલ્લે ખાસ વાત 

મર્યા પછી હું પૂર્વજ નહીં, પશ્ચિમજ થયો છું 

મતલબ, બધા કાલાકૌવા જ થાય એવું નથી 

હું કાકાકૌવા થયો છું 

પંદર દા’ડા કાગડાને બાજ મૂકો છો 

પણ પછી તો એનો ભાવેય નથી પૂછતાં 

એટલે મારી બાજ કાકાકૌવાને જ મૂકજો 

ને આજુબાજુ કોઈ કાગડી ન હોય તે જોજો  

તમારી મમ્મીએ હજી મારો કેડો મૂક્યો નથી  

વધારે શું કહું? આવજો –

000

e.mail : ravindra21111946@gmail.com
(“સંદેશ” બુધવારની પૂર્તિ)

Loading

કવિતા એટલે

બીજલ જગડ|Opinion - Opinion|14 September 2022

કવિતા એટલે ધકધક શબ્દોનો નાદ,

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે ચશ્માંની પ્રીતમાં ફૂટે યાદ,

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે વણબોલાતી વાતોનો સાદ,

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે મનની સંજીવની મહાપ્રસાદ,

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે અંતરથી અંતરનો નાદ

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે પરબ્રહ્મ સ્વયંભૂનો પ્રસાદ 

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

કવિતા એટલે શબ્દોનાં ઘરેણાંનો વરસાદ,

કાગળ ને કલમ કરે સામસામે સંવાદ.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3911,3921,3931,394...1,4001,4101,420...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved