Opinion Magazine
Number of visits: 9458773
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિવારની વ્યવસ્થા તૂટે, એટલે ઘરમાં ટીવી સ્ક્રીન વધે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 May 2022

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. વ્યક્તિના અને સમાજના વિકાસમાં પરિવારની ભૂમિકા કેટલી મહત્ત્વની છે તેની જાગૃતિ ફેલાય તે માટે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૧૯૮૩માં, દર વર્ષે ૧૫મી જૂને ‘ઇન્ટરનેશનલ ડે ફોર ફેમિલીઝ’ ઉજવવાનું નક્કી કર્યું હતું. પૃથ્વી પર અંદાજે ત્રણ લાખ વર્ષથી પરિવારનું અસ્તિત્વ છે. મનુષ્યજાતિની કોઈ જૂનામાં જૂની (ઇવન લગ્ન પહેલાંની) કોઈ સિસ્ટમ હોય તો તે પરિવાર છે. તો પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘને તેના વિશે જાગૃતિ ફેલાવાની આની જરૂરિયાત કેમ લાગી? તેના જવાબમાં આપણે એક ફિલ્મની વાર્તા જાણીએ.

૧૯૯૦માં, બેરી લેવિન્સન નામના હોલીવૂડના નિર્દેશકે “એવલોન” નામની ફિલ્મ બનાવી હતી. એવલોનનો શબ્દશ: અર્થ થાય છે “સફરજનનો ટાપુ.” પ્રચલિત અર્થમાં તેને સ્વર્ગ કહેવાય છે. પ્રાચીન ઇંગ્લેન્ડની દંતકથાઓમાં ૫મી સદીના કિંગ આર્થરની એક વાર્તા મશહૂર છે. તેમાં, કામલાનના યુદ્ધમાં કિંગ આર્થર જખ્મી થયો ત્યારે, તેને નવજીવન માટે એવલોન નામના ટાપુ પર લઇ જવાયો હતો.

બેરી લેવિન્સને એવલોનના સ્વર્ગની કલ્પનાનો આધાર લઈને એવા પાંચ યહૂદી ભાઈઓ પર ફિલ્મ બનાવી હતી, જે પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડમાંથી માઈગ્રેશન કરીને, સ્વર્ગ સમાન અમેરિકા આવ્યા હતા અને ત્યાં વોલપેપરનો ધંધો ઊભો કર્યો હતો. સામ ક્રિચિન્સકી અને તેના ચાર ભાઈઓ, તેમના મૂળ વતનની માફક, અમેરિકામાં સાથે રહેતા હતા અને સાથે કામ કરતા હતા. આપણે ત્યાં જેમ મકરસક્રાંતિ અથવા બૈશાખી ઉજવાય છે, તેવી રીતે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગની પ્રથા છે. ફિલ્મમાં એવા એક પ્રસંગે, આ પાંચે ભાઈઓના કુલ ૨૬ પરિવારજનો ડીનર પર ભેગાં થયાં હતાં.

એ લોકો જ્યાં રહેતા હતા તે ૪૦ અને ૫૦ના દાયકાનું બાલ્ટીમોર શહેર  કૂદકે ને ભૂસકે વધી રહ્યું હતું, પરિવારોમાં ટેલિવીઝન આવ્યું હતું, ટેલિફોન આવ્યો હતો, નવાં સબર્બ બની રહ્યાં હતાં, નોકરી-ધંધામાં તેજી હતી અને માણસો વ્યસ્ત થઇ રહ્યા હતા. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, ક્રિચિન્સકી પરિવાર વિખરાવા લાગે છે. અમુક સભ્યો વધુ મોકળાશ અને પ્રાઈવસી માટે સબર્બમાં રહેવા જાય છે. એક ભાઈ બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. પરિવારના વડા સામ માટે સૌથી મોટો આઘાત એ હતો કે થેન્ક્સ ગિવિંગ ડીનર પર વિલંબથી આવે છે તો તેના વિના જ સૌ ખાવા બેસી ગયા હોય છે.

આપણી જેમ, યહૂદી પરિવારોમાં પણ ઘરની વડીલ વ્યક્તિને મૂકીને ખાવાનું ચાલુ કરી દેવું એ અનાદર કહેવાય છે. પરિવાર તુટવાની એ શરૂઆત કહેવાય. પ્રથા તૂટે એટલે પરિવાર તૂટે.

વર્ષો વીતે છે અને કુટુંબ-કબીલો નાનો થતો જાય છે. ૬૦ના દાયકા સુધીમાં તો વિસ્તૃત પરિવાર સાવ ખતમ થઇ જાય છે. હવે ભાઈઓ અને તેમના પરિવારમાંથી કોઈ આવતું નથી. સૌ તેમના કામમાં અને પરિવારમાં વ્યસ્ત છે. હવે, થેન્ક્સ ગિવિંગ ડીનર પર માતા-પિતા, દીકરો અને દીકરી ટેલિવીઝન સામે બેસીને ખાય છે. પછી તો દીકરો-દીકરી પણ ‘ઊડી’ જાય છે. ફિલ્મના છેલ્લા દૃશ્યમાં, સામ ક્રિચિન્સકી નર્સિંગ હોમમાં એકલતામાં જીવે છે અને વિચારે છે કે પરિવાર ક્યાં વિખરાઈ ગયો? તમે આખી જિંદગી પરિવારની મોટો કર્યો હોય, એકજુટ રાખ્યો હોય, પૈસા ભેગાં કર્યા હોય અને છેલ્લે તમે વૃદ્ધાશ્રમમાં એકાકી જીવન ગુજારીને મોતનો ઈન્તેજાર કરો.

આ ફિલ્મ આમ તો યહૂદીઓના માઈગ્રેશન પર હતી, પરંતુ એમાં મુખ્ય ચિત્રણ સ્વર્ગ સમા અમેરિકામાં પરિવારની વ્યવસ્થાના પતનનું હતું. ફિલ્મનો નિર્દેશક બેરી લેવિન્સન પોતે યહૂદી હતો અને તેણે આ ફિલ્મની વાત કરતાં એકવાર કહ્યું હતું, “મારા બાળપણમાં, અમે દાદા-દાદીઓને વળગીને બેસતા હતા અને અમારા પરિવારોની વાર્તાઓ સાંભળતા હતા … આજે લોકો ટી.વી. સામે એકલા બેસીને બીજા પરિવારોની વાર્તાઓ જુવે છે. ફિલ્મનો મુખ્ય વિષય પરિવારનું વિભાજન છે. આજે પણ એ વિભાજનની પ્રક્રિયા ચાલુ છે. એક સમયે, પરિવારો કમ-સે-કમ એક સાથે ટેલિવીઝન સામે બેસતા હતા. આજે દરેક વ્યક્તિ પાસે તેનો આગવો સ્ક્રીન છે.”

પશ્ચિમમાં પરિવારો તૂટી રહ્યા છે અને આ ફિલ્મ તેનું પ્રતિક છે. ન્યુક્લિયર ફેમિલી અથવા વિભક્ત કુટુંબની નવી પ્રથા સંયુક્ત કુટુંબની વ્યવસ્થાના પતનનું કારણ બની છે. લગ્ન, બાળકો, પેરન્ટીગ, સહજીવન વગેરે પારંપરિક બાબતોનો અર્થ બદલાઈ ગયો છે. ૬૦ના દાયકામાં બાળકોનો જન્મ પરિવારોમાં થતો હતો. આજે દશમાંથી ચાર બાળકો એકલી સ્ત્રી અથવા લગ્ન વગર કોઈની સાથે રહેતી સ્ત્રીના પેટે જન્મે છે. અમેરિકામાં વધુને વધુ સ્ત્રીઓ કામકાજ કરવા લાગી છે એટલે તેમની માતૃત્વની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે.

૧૯૬૦માં, ‘બેબી બૂમ’ વખતે ૭૩ ટકા બાળકો સંયુક્ત પરિવારમાં વૈવાહિત પેરેન્ટ્સ સાથે રહેતાં હતાં. ૧૯૮૦ સુધીમાં એવાં બાળકોની સંખ્યા ૬૧ ટકા થઇ ગઈ હતી. આજે માત્ર ૪૬ ટકા બાળકો જ એવા પરિવારમાં છે. પશ્ચિમમાં પરિવારનું માળખું કેમ બદલાઈ રહ્યું છે? થોડાં કારણો :

– બાળકો ૧૮ વર્ષનાં થાય એટલે તેમને ફરજિયાતપણે ઘર બહાર સ્વતંત્ર જીવવા મોકલી દેવામાં આવે છે.

– અભિવ્યક્તિની આઝાદી અને પસંદગીની સ્વતંત્રતાના કારણે બાળકો વડીલોના વિચારોનું સન્માન કરતાં નથી અને તેમને સહજીવન તેમ જ સહકારના પાઠ ભણવા મળતા નથી.

– ધાર્મિક અથવા સાંસ્કૃતિક મૂલ્યો એક જમાનામાં પરિવારમાંથી આવતા હતાં. પશ્ચિમમાં જે જવાબદારી સ્કૂલો પર નાખી દેવામાં આવી છે. 

– વૃદ્ધાશ્રમો, અથવા પશ્ચિમની ભાષામાં કહીએ તો રીટાયરમેન્ટ હોમ્સે, એક્સ્ટેન્ડેડ ફેમિલીની ઘોર ખોદી છે. બાળકોને ગ્રાન્ડપેરેન્ટ્સના અનુભવો નથી મળતા.

– હાથમાં મોબાઈલ અને ઘરમાં ટેલિવીઝનનાં કારણે સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે. સાથે બેસવું અને ગપસપ કરીને લગાવ મજબૂત કરવો હવે જરૂરિયાત રહ્યું નથી.

– નારી-સ્વતંત્રતાના મજબૂત અભિગમના કારણે પશ્ચિમમાં, વિશેષ તો અમેરિકામાં, ડિવોર્સ રમતવાત થઇ ગયા છે. લગ્નો આજીવન માટે નથી. સાથે રહેવું એ જરૂરિયાત ઓછું અને અનુકૂળતા વધુ છે.

– પશ્ચિમની સંસ્કૃતિ વર્કોહોલિક છે. ત્યાં સૌ ખૂબ કામ કરે છે. પરિણામે પરિવારજનો સાથે ભાવનાત્મક લગાવ ઊભો થાય તેવી સહિયારી પ્રવૃતિઓ ઘટી ગઈ છે. કોઈને એકબીજા માટે ટાઈમ નથી, એ આમ ફરિયાદ છે.

છેક ૧૯૩૩માં, ક્રિસ્ટોફર ડાવસન નામના ઇતિહાસકારે “ધ પેટ્રિઆર્કલ ફેમિલી ઇન હિસ્ટ્રી” નામના પુસ્તકમાં કહ્યું હતું કે ગ્રીક અને રોમન સામ્રાજ્યનું પતન તેના સમાજોમાં પરમ્પરાગત પરિવાર વ્યવસ્થાના પતનના કારણે આવ્યું હતું. આ વાત સાચી છે. સભ્યતાઓના પાયામાં પરિવારની વ્યવસ્થા છે. જ્યારે પરિવારના પાયા જ હચમચવા લાગે, ત્યારે સભ્યતા પણ જોખમમાં મુકાય.

ભારતમાં આપણે જાગવા જેવું છે. “પશ્ચિમ જેવો” વિકાસ કરવાની આંધળી દોડમાં આપણે પારિવારિક રીતે વિખરાઈ જઈએ એ એક અસલી જોખમ છે, કાલ્પનિક નહિ. ટેલિવીઝન સામે ભેગાં થઇને બીજા પરિવારોની વાર્તાઓ જોવાની શરૂઆત આપણે ત્યાં થઇ ગઈ જ ગઈ છે, અને હવે દરેકમાં હાથમાં મોબાઈલની દુનિયા પણ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 May 2022

કોરોના મહામાહી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકારો – સંપાદકો : રજની દવે, ડૉ. કિરણ સિંગ્લોત અને પારુલ દાંડીકર – પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, વડોદરા – કિંમત : રૂ. ૩૦૦

કોરોના! છેલ્લાં બે વર્ષથી જગત સામે, શેષનાગ પોતાની ફેણ ઊંચી કરી ફુત્કારતો હોય તેમ, ડાચું ફાડીને ઊભો છે. કરોડોને ડંખ મારી ભસ્મીભૂત કરી નાખ્યા છે. આજે પણ દરરોજ હજારોને ભરખી જાય છે. પહેલીવાર આધુનિક્તા વચ્ચે, અદ્‌ભુત વૈજ્ઞાનિક સંશોધનો અને મેડિકલ પ્રગતિ વચ્ચે, માનવજાત લાચારી અનુભવી રહી છે કે આ રાક્ષસથી કેમ છૂટકારો મેળવવો. આજે ભલે ઘટતો દેખાય છે, પણ અનેક દેશોમાં હજી તેની ફેણના ઝેરી લબકારાનો ભોગ હજારો લોકો બની રહ્યા છે.

કોરોનાએ તો જગતને સ્તબ્ધ કરી દીધું છે. તેણે જે નુકસાન કર્યું છે અને આજે પણ કરી રહ્યો છે, તેના રિપોર્ટો હચમચાવે છે. તે ચાલુ થયો ત્યારથી તેના પ્રભાવની નોંધો, ખાસ કરીને, પશ્ચિમના સંશોધકો કરી રહ્યા છે. ગુજરાતીમાં તેના વિશે છૂટક લેખો કે આંશિક માહિતી આપતાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે, પણ કોરોના વિશે સમગ્ર દર્શન કરાવતો કોઈ ગ્રંથ હજી પ્રકાશિત થયો હોય તેવું જાણમાં નથી.

સદ્‌ભાગ્યે, આ મહેણું હવે ટળ્યું છે. ગુજરાતમાં સર્વોદય ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને ‘ભૂમિપુત્ર’ નામનું લોકોને જાગૃત કરવા મથતું સામયિક પ્રકાશિત કરતી સંસ્થા ‘યજ્ઞ પ્રકાશને’ કોરોનાનું સમગ્ર દર્શન કરાવતું એક અત્યંત સુંદર વિશ્લેષ્ણાત્મક પુસ્તક ‘કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર’ નામે પ્રકાશિત કર્યું છે. યજ્ઞ પ્રકાશને આગળ પણ કેન્સર, પર્યાવરણ, પ્લાસ્ટિક, ખેડૂતના પ્રશ્નો, માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર પુસ્તકો પ્રકાશિત કરી લોકજાગૃતિું ગાંધીનિષ્ઠ કાર્ય કરેલ છો. એટલે તેના દ્વારા આ મુદ્દા પર વ્યાપક એ નિષ્પક્ષ દૃષ્ટિકોણ ધરાવતું પુસ્તક પ્રકાશિત થાય તે સ્વાભાવિક છે.

પહેલાં તેનો સ્થૂળ પરિચય કરીએ. આ કુલ ૬૦૮ પાનાં ધરાવતું દળદાર પુસ્તક છે. તેમાં અગિયાર વિભાગો પાડવામાં આવ્યા છે, જેમાં કુલ ૮૨ લેખોનો સમાવેશ કર્યો છે. આ લેખો ભારતના અને ગુજરાતના અભ્યાસી અને ખૂબ જ તટસ્થ લેખકોએ લખ્યા છે. એટલે તેની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા જળવાઈ છે. જે વિભાગો છે તેનાં શીર્ષકો છે તબીબી વિજ્ઞાન, આર્થિક પ્રવાહો, દલિતો, બહેનો, બાળકો, ગ્રામજનો અને કામદારોની સ્થિતિ, સામાજિક પ્રવાહો અને વલણો, કોરોના કાળમાં શિક્ષણ, પર્યાવરણ-ઈકોલોજીના સંબંધો અને અસરો, જનસ્વાસ્થય, સરકારની જવાબદેહી, વિવિધ લેખો, તેને લગતાં પ્રકાશિત થયેલાં પુસ્તકો. આ ઉપરાંત કાવ્યો અને ચિત્રો પણ આપેલ છે. એક એક લેખ વાચકને અસ્વસ્થ કરી શકવાની તાકાત ધરાવે છે.

સંપાદકીય વાંચતાં જ પુસ્તકનું મહત્ત્વ સમજાઈ જાય છે. તેમાં લખે છે, “મહામારીએ માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત સામાજિક, આર્થિક, વ્યાવસાયિક, શૈક્ષણિક, ધંધારોજગાર અને જનજીવન પર વ્યાપક અસરો પેદા કરી છે … તેના કારણે એક નવું જ કલ્ચર ઊભું થયું છે … તેનો સામનો કરવામાં બુદ્ધિશાળી માનવજાતે થાપ ખાધી છે. સૌ એકબીજાને ડરથી જોતા જાય છે … સારવારમાં ઔષધો અને રસીઓના સંશોધનો કોની કેવી સ્વાર્થી દાનત હતી … તેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવા પ્રકારની ભૌગોલિક અને રાજકીય તાણ ઊભી કરી છે … દુશ્મનોના ચહેરા માસ્ક પાછળ સંતાયેલા હોવાથી કોઈ કોઈનો ભાવ કળી શકતું નથી … ઑફિસ કામમાં હાઈબ્રીડ કલ્ચરનો ઉદય થયો છે … એટલે વિચારકો માને છે કે આને લીધે હવે નજીકના સમયમાં ભૂતિયાં શહેરો અસ્તિત્વમાં આવશે.”

દરેક વિભાગના લેખો વાંચવાથી પણ કોરોનાની વાસ્તવિક્તા ખ્યાલમાં આવે છે. કોરોનાની રસી વિશેના લેખોમાં ઘણે ઠેકાણે તેની અસરકારકતા વિશે ખુદ વિજ્ઞાનીઓ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આર્થિક પેકેટ બાબતે અર્થશાસ્ત્રી હેમંત શાહ જણાવે છે કે આ પૅકેટ જી.ડી.પી.ના માત્ર ૨.૯૫ ટકા છે. તેની જાહેરાતો મોટી છે, પણ વાસ્તવિક ખર્ચ તદ્દન ઓછું છે. વળી રાજકોષીય ખાદ્ય વધતી જાય છે. દેવું વધતું જાય છે. તેમાં વિદેશીઓને રાહત છે, ભારતીયોને નહીં, લોન મળે છે, રાહત નહીં. એટલે કે તે તેને મજાક ગણાવે છે.

કોરોના કાળમાં બહેનો, બાળકો, કામદારો કે ગ્રામજનોની હાલત બાબતના લેખો વાંચીએ તો તો હચમચી જ જવાય છે. બાળકોના શિક્ષણની ચર્ચા કરતાં એક લેખક કહે છે કે ચારે બાજુ ડિજિટલ અંધારું છે. બાળકો ભણવા માટે નિરંતર કમજોર થઈ રહ્યાં છે. દુનિયાભરમાં ૨૧.૪ કરોડ બાળકોના ભણવામાં ૭૫ ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે શાળાઓ ખુલશે પછી પણ કરોડો બાળકો શાળામાં નહીં આવી શકે.

કોરોનાની સામાજિક અસરો નોંધતાં ડંકેશ ઓઝા જાણીતા ઇતિહાસકાર યુવાલ હરારેનું વાક્ય નોંધે છે કે આવાં સમયમાં પ્રજા વધારે નમાલી બનશે. વધારે આદારિત બનશે. વધુ ડરપોક બનશે. દરેક દેશમાં રાજકીય સત્તા વધારે મજબૂત બનશે. તે વધારે ડર ફેલાવશે અને એકાધિકારવાદી બનશે. તો ક્યાંક હકારાત્મક અસરો પણ નોંધાઈ છે, જેવી કે, લોકો સ્વાવલંબન તરફ વળ્યા છે. પરસ્પર સહયોગ માટે તત્પરતા વધી દેખાય છે. પરસ્પર વિશ્વાસની ભાવના વિક્સી રહી છે. સર્જનાત્મકતાનાં દ્વાર ખૂલ્યાં છે. ચિંતન માટે સમય મળ્યો છે.

અન્ય લેખોનાં માત્ર શીર્ષકો જોઈએ તો પણ વિષયોનું વૈવિધ્યનો ખ્યાલ આવે છે. પર્યાવરણ પર બાયોમેડિકલનું જોખમ, ઝૂનોટિક રોગચાળો – માનવસર્જિત મહામારી, ધરતીને પડતી તકલીફો વગેરે. તો જાહેર આરોગ્ય વિભાગમાં ગુજરાતના અને દેશના આરોગ્ય માળખાની ચર્ચા છે. પ્રાણવાયુની કટોકટીની ચર્ચા છે. અન્ય રોગોની સારવાર વિશે ચર્ચા છે. સરકાર સંદર્ભના લેખોમાં પી.એમ. કેર્સ નિધિના દુરુપયોગની ચર્ચા, સરકારની કામ લેવાની ચર્ચા, મત અને મોતની ચર્ચા વગેરે વિષયો પર લેખો છે. તો વિવિધ લેખોમાં બાબા રામદેવ, આયુર્વેદ, હોમિયોપેથી, કોરોના અને માનસિક સવાલો, કોરોના અને કોમવાદ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા વિભાગમાં કોરોના બાબતે વિશ્વમાં લખાયેલ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં કોરોનાની માહિતી આપતાં પુસ્તકો સાથે અંગ્રેજીમાં લખાયેલ “કોરોના કાળમાં ભૂલોની હારમાળા”, “કોરોના મહામારી અને અકરાંતિયો મૂડીવાદ”, “પેન્ડેમિક–હાઉ ટુ સ્ટોપ નેકસ્ટ વન?”, ઉપરાંત હિન્દી પુસ્તકોનો પરિચય પણ આપ્યો છે.

કેટલાંક કાવ્યો પણ ધ્યાન ખેંચે છે. એક કાવ્યમાં કહે છે :

“માણસોએ
માણસોને પૂછ્યું,
ક્યાં ગયા
માણસો.”

બીજા એક કાવ્યમાં કહે છે :

“યે જો મિલાતે ફિરતે હો તુમ હર કિસીસે હાથ,
ઐસા ન હો કિ ધોના પડે જિંદગીસે હાથ.”

વગેરે.

સમગ્ર પુસ્તક વાંચીએ છીએ ત્યારે કોરોના વિશે અનેક દૃષ્ટિકોણો જોવા મળે છે. માનવ મર્યાદાઓ, સરકારી મર્યાદાઓ, માણસની સ્વાર્થી વૃત્તિ વગેરેની ચર્ચા છે, તો સમાંતરે ત્યારે થયેલાં ઉત્તમ અને હકારાત્મક કામો કે પગલાંઓ પણ જોવા મળે છે. આ દરમ્યાન જે પગલાં લેવાયાં તેની પણ સરસ માહિતી આપી છે. ભવિષ્યમાં શું પગલાં લેવાં જોઈએ તેનાં પણ સૂચનો છે. આમ, આ પુસ્તકમાં સ્થાનિકે, રાજ્યમાં, દેશમાં અને વિશ્વમાં કોરોના વિશે જે પણ કામગીરી થઈ છે કે ચિંતન થયું છે, તેના વિશે આપણને માહિતી મળે છે. આ ગ્રંથના મુદ્દાઓ પર માત્ર નજર પણ ફેરવીએ તો એક સંદર્ભ ગ્રંથ જેવો લાગે છે. જાણે પીએચ.ડી.નો થીસિસ હોય તેવું અનુભવાય છે. ગુજરાતીમાં એક જ ગ્રંથમાંથી આટલી બધી વ્યાપક, અભ્યાસી અને પ્રમાણભૂત માહિતી મળે તે તો આનંદજનક ઘટના ગણી શકાય. આ માટે પુસ્તકના સંપાદકો રજની દવે, ડૉ. કિરણ શિંગ્લોત અને પારુલ દાંડીકર તથા લેખકો ખૂબ અભિનંદનને પાત્ર છે.

આ ગ્રંથ સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, નીતિ ઘડનારી સંસ્થાઓને તે ઉપયોગી છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું જોઈએ અને કેમ વિચારવું જોઈએ.

આશા રાખીએ કે પુષ્કળ વાચકોના હાથમાં આ પુસ્તક જાય અને તેનું અધ્યયન થાય.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 11 તેમ જ 10

Loading

પંડિત શિવકુમાર શર્મા

નિલય ભાવસાર|Opinion - Opinion|16 May 2022

પદ્મભૂષણથી સન્માનિત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું હૃદયરોગના હુમલાને કારણે તારીખ ૧૦ મે, ૨૦૨૨ના દિવસે નિધન થયું. તેઓ ૮૪ વર્ષના હતા. તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માએ ક્યારેક કહ્યું હતું કે સંતૂર દુનિયાનું એકમાત્ર એવું તારવાળું વાદ્ય છે જે આ કલમ વડે જ વગાડી શકાય છે.

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં સંતૂરવાદક શિવકુમાર શર્મા હાજરી આપી ચૂક્યા છે. સપ્તકમાં શિવકુમાર શર્માનું સંગીત સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે તેવો દંભ કરતા શ્રોતાઓની પણ ભીડ જામતી હતી. આ લેખમાં એમના શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રથી અલગ ને ઓછા જાણીતા એવા ફિલ્મ ક્ષેત્રની સફરની વાત કરીશું. ૧૯૮૦ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે કે જેટલા તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ફાસલે’ (૧૯૮૫), ‘વિજય’ (૧૯૮૮), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧), ‘પરંપરા’ (૧૯૯૩), સાહિબાન (૧૯૯૩) ‘ડર’(૧૯૯૩)નો સમાવેશ થાય છે.

ખરેખર, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ ૧૯૬૫માં ‘જબ જબ ફૂલ ખીલે’થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલા થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ ૧૯૫૫માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો હતા અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા હતા. ઘણી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાનાં કૌશલ્યમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ એમણે અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણ કે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં ‘વક્ત’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું ત્યારે તેમણે ફિલ્મોના બૅકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના ‘Call of the Valley’ નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક ‘બાંસૂરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા’માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌ પ્રથમ ફિલ્મ ‘કાલા પથ્થર’ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેના કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે ‘સિલસિલા’ (૧૯૮૧) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવાં લોકપ્રિય કલાકાર હતાં. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. જાવેદ અખ્તરે આ ફિલ્મથી ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ તારીખ ૧ જુલાઈ, ૧૯૩૮ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાંક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો, કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. ‘સિલસિલા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. ‘સિલસિલા’ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઇચ્છતા હતા કે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે ‘સિલસિલા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની ‘સિલસિલા’માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે ‘ફાસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’માં યાદગાર સંગીત આપ્યું. ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘ડર’માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ ૧૯૯૩માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

Eamil : nbhavsarsafri@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 12 તેમ જ 15

Loading

...102030...1,3901,3911,3921,393...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved