Opinion Magazine
Number of visits: 9670482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક હસુ-કથા

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 September 2022

‘બોલ, ભાઈ ! તું શેને માટે આવ્યો છે?’ રાજાએ પૂછ્યું.

‘મહારાજ ! હું પ્રધાન થવા આવ્યો છું.’

‘મને મહારાજ ન કહેવો. હું રસોઇયો નથી.’

‘ભલે મહા- રાજજી. મારામાં પ્રધાન થવાની લાયકાત …’

‘મને ખબર છે, તું પીએચ.ડી. છે ને તારો થિસિસ તેં જ લખ્યો છે …’

‘મને પ્રધાન બનાવવા …’

‘તું યોગ્ય છે, પણ પ્રધાનમાં ન ચાલે. ‘

‘હું ન ચાલું? ‘

‘હા. પ્રધાન તો અભણ જ હોવો જોઈએ. એ ગરબડ ન કરે તો બધું બરાબર ચાલે ને બધું બરાબર ચાલે તો રાજમાં ચલાવવા જેવું શું રહે?’

‘ભલે, તમે રાજ કરો.’

‘તું શું કરીશ?’

‘હું થિસિસ લખી આપીને તારાજ કરીશ.’

‘સરસ. અયોગ્ય જગ્યાએ યોગ્ય અને યોગ્ય જગ્યાએ અયોગ્ય હોય એ રાજકારણની તાસીર છે.’

‘હું આજે નષ્ટાચાર શીખ્યો …’

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

અરુણાચલમાં સૂર્યોદય

સુરેશ જાની|Opinion - Opinion|17 September 2022

અપર સુબન્સરી, અરુણાચલ પ્રદેશ, માર્ચ – ૨૦૧૨

આદિત્ય ત્યાગી! તમે હમણાં જ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટના અનુસ્નાતક નિષ્ણાત બન્યા છો. એ અગાઉ તમે દિલ્હી યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. ભારતના વડા પ્રધાને શરૂ કરેલા, પછાત ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી તકો શોધવા અપાતી ફેલોશીપની (Prime Minister’s rural development fellowship) પહેલી બેચમાંથી તમે ઊગતા સૂર્યના આ સાવ પછાત અને પર્વતાળ વિસ્તારમાં પહેલું કદમ મુક્યું છે. આવા બીજા ૧૫૦ તરવરતા યુવાનો પણ દેશના વિવિધ ભાગોમાં આવી કામગીરીમાં  જોડાયા છે. આખા ય ભારત દેશમાં સવારની  સૌથી પહેલી રોશની આ રાજ્યમાં પ્રગટે છે. પણ અહીંની સ્થાનિક પ્રજા સાવ અજ્ઞાન, અંધકાર અને દરિદ્રતામાં સબડે છે.

તમને અભ્યાસ દરમિયાન મળેલ જ્ઞાન અને ભારત સરકારે આ કામ માટે આપેલી અઢી મહિનાની પાયાની તાલીમના આધારે તમે ‘કાંઈક નવું’ કરવા કટિબદ્ધ બન્યા છો.  ૨,૦૦૦ કિલોમિટર લાંબા રૂટ પર, મેકમોહન રેખાની સમાંતરે, હાઈવે બનાવવાનું કામ તો હાથમાં લેવાય ત્યારે ખરું;  પણ થોડાક જ અભ્યાસ બાદ તમને આ વિસ્તારમાં ભૂતકાળમાં પ્રચલિત અને અહીંની પ્રજાની જીવાદોરી જેવા વેપારની જાણ થઈ છે. પગપાળા અને ખચ્ચર / યાકના સહારે ચાલતો એ વ્યવસાય હવે સાવ મૃતપ્રાય બની ગયો છે. તમારી કુશાગ્ર બુદ્ધિ આ વ્યવસાયને પુનર્જિવિત કરી શકાય કે કેમ ? – તેનો અભ્યાસ કરવા તમને પ્રેરે છે. હાઈવે તો બનવાનો જ છે, અને પગપાળા વેપાર ફરીથી ચાલુ ન કરી શકાય, પણ આ પર્વતાળ અને રમણીય વિસ્તારમાં યુવાનોમાં સાહસિકતા પ્રગટાવે તેવી ‘ટ્રેકિંગ-તાલીમ’ યોજના બનાવી શકાય, તેવી કલ્પના તમારા દિમાગમાં ઝબકી ગઈ છે.  એ કામ શરૂ થાય તો અહીંની ખડતલ પ્રજા માટે રોજગારી અને બીજા વ્યવસાયોની તક ઊભી કરી શકાય.

એવરેસ્ટ સર કરનારા સાહસિકોની સાથે જોડાયેલા શેરપા યુવાનોની ટીમ તમે તૈયાર કરો છો. પાંચ દિવસના પગપાળા પ્રવાસના અંતે તમે જી.પી.એસ.માં ચાલી શકે તેવો આધુનિક નકશો તૈયાર કરી દીધો છે. સાથે સાથે રાતવાસા માટે સગવડ અને આપત્તિમાં બચાવ માટે ઊભા કરવાના સૂચિત મથકો સ્થાપવા માટેની પાયાની માહિતી પણ તમે ભેગી કરી દીધી છે.

ડિસેમ્બર – ૨૦૧૫

તમે કરેલ સંશોધન અને અભ્યાસના આધારે, વેપારી તેમ જ સાહસવૃત્તિને ઉત્તેજન આપતા ટ્રેકિંગ પ્રોજેક્ટનાં કામનો હવાલો તમને સોંપવામાં આવ્યો છે. તમે આ દૂરંદેશીવાળા અને નવતર પ્રોજેક્ટમાં ગળા ડૂબ ખૂંપી ગયા છો. સાથે સાથે સાડા ત્રણ વર્ષના આ પ્રદેશના વસવાટે તમને અહીંનાં બાળકોનાં શિક્ષણ માટે પણ સજાગ બની ગયા છો.

આ ગઈ સાલની જ વાત લો ને? તમારા ઘરની ઓસરીમાં તમે સેલ ફોન પર યુ-ટ્યુબ વીડિયો જોઈ રહ્યા હતા, ત્યાં જ અચાનક તમારા ધ્યાનમાં આવ્યું કે, તમારી પાછળ કોઈક ઊભું છે. તમે પાછળ જોયું તો, ઘરમાં કામ કરવા આવતી બાઈની સાથે આવેલો તેનો છ વર્ષનો દીકરો બહુ જ ધ્યાનથી વીડિયો જોઈ રહ્યો હતો. તમે એને બાળકોનાં શિક્ષણને લગતા બે વીડિયો બતાવ્યા અને એક વીડિયો ગેમ રમવાનું પણ શીખવાડ્યું. પછી તો આ લગભગ રોજનો ક્રમ બની ગયો.

ત્રણ મહિના પછી કામવાળી બાઈ હરખાતી હરખાતી આવી અને તમને એના દીકરાનું માર્ક શીટ બતાવી. ડાબી બાજુથી પાંચમાં નંબર રાખતા અને લગભગ દરેક વિષયમાં નાપાસ થતા, તેના દીકરાનો ક્લાસમાં દસમો નમ્બર આવ્યો હતો. તે બધા જ વિષયોમાં પાસ પણ થયો હતો. ગણિતમાં તો ૯૨ માર્ક લાવ્યો હતો. તમે એક ટેબ્લેટ તેના દીકરાને ઈનામમાં અપાવ્યું. મા દીકરો તો રાજીના રેડ બની ગયાં. તમે તેના થોડાક મિત્રોને તમારા ઘેર બોલાવ્યા અને તેમને પણ આ નવી તરાહના શિક્ષણથી માહેર કર્યા. તે બધા પણ બરાબર ભણતા થઈ ગયા.

અને … આદિત્ય ત્યાગી! એ દિવસથી તમારા જીવનને એક નવી જ દિશા મળી ગઈ.

બાળકોનાં શિક્ષણમાં રસ હોય તેવા મિત્રોને તમે આ વાત કરી અને તેમને પણ આમાં રસ પડ્યો.

અને એક નવી નક્કોર સંસ્થા શરૂ કરવાનો સંકલ્પ તમારા દિમાગમાં દૃઢ બની ગયો.


આઈ-સક્ષમની વેબ સાઈટ પરથી ઘણી બધી માહિતી આ રહી …

http://www.i-saksham.org/

આઈ-સક્ષમની શરૂઆત બિહારના એક જિલ્લા જમુઈના મુખ્ય મથક જમુઈમાં થઈ. નક્સલવાદીઓના ત્રાસથી પીડાતા જનુઈમાં શિક્ષણ સાવ ખોરંભે પડ્યું હતું. આઠમા ધોરણનો વિદ્યાર્થી બીજા ધોરણના દાખલા પણ બરાબર કરી શકતો ન હતો. તેના ઉદ્દભવની આ કથા આપણા દિલો દિમાગમાં એક નવી જ અનુકંપા જગવી જશે. 

http://isaksham.blogspot.in/2015/02/the-day-when-idea-of-i-saksham-was.html

ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં આ નવા અભિગમને `સમાવી લેવાના પ્રતાપે ૧૧મા ધોરણની વિધાર્થિની  મમતાનું જીવન જ બદલાઈ ગયું છે. તેને ભણવા માટે જન્મજાત  મુશ્કેલી હતી. તેના લગ્ન પણ સાવ નાની ઉમરે નક્કી થઈ ગયા હતા. માબાપને સમજાવી તેને નવી તરાહથી સહાય કરવામાં આવી, અને તેનાં લગ્ન મુલતવી રખાયા. આજે તે બીજાં બાળકોને ભણાવે છે, અને મહિને ₹ ૩૦૦૦ કમાતી થઈ ગઈ છે. આવી જ એક કિશોરી, આગતા હાંસદા સ્ત્રીઓ અને કિશોરીઓને માસિક સ્રાવ વિ. સ્ત્રીઓ અંગેની બાબતોમાં શિક્ષણ આપતી થઈ છે.

અરુણાચલમાં પ્રગટેલા આ સૂર્યોદયની રોશની દેશમાં ઠેર ઠેર ફેલાવા લાગી છે. ટેબ્લેટના ઉપયોગથી વીડિયો / રમત / કોયડા વિ. જાતજાતની અને ભાતભાતની રીતે વિશ્વ કક્ષાનું શિક્ષણ બાળકો મેળવી શકે છે, નિશાળમાં ભણેલા પાઠની પ્રેક્ટિસ જાતે કરી શકે છે.

અત્યાર સુધીમાં ૪,૦૦૦ વિદ્યાર્થીઓને આઈ-સક્ષમે આમ તૈયાર કર્યા છે. એમને દોરવણી આપી શકે તેવા શિક્ષકો તૈયાર કરવાનું અને આવા પછાત વિસ્તારોના યુવાન યુવતીઓમાં નવ જાગૃતિ લાવવાનું યજ્ઞ કાર્ય પણ તેઓ કરે છે. અલબત્ત એના માટે થોડીક ફી જરૂર રાખી છે, જેથી આ અભિયાનનો થોડોક ખર્ચ નીકળે. આવા ૪૦ આઈ-સક્ષમ મિત્રોની સેના પણ આ કામમાં જોટાઈ છે. અલબત્ત ભારતમાં અનેક ભાષાઓના કારણે આ કામ અંગ્રેજી જેટલું સહેલું નથી જ. વળી સાધન સામગ્રી ખરીદવાનો અને તેમની મરામતનો પ્રશ્ન તો ઊભો જ છે. પણ દેશની અનેક સંસ્થાઓએ આ ઉમદા કામમાં મદદનો હાથ લંબાવ્યો છે. મોટા પાયે, સાદી ડીઝાઈનના ટેબ્લેટ ઓછી કિમ્મતે ખરીદવા અને જરૂરી સોફ્ટવેર મેળવવા આઈ-સક્ષમ કટિબદ્ધ છે. આ ત્રણ વર્ષમાં ઊભા કરાયેલા માળખાના આધાર પર કોઈ સંસ્થા સ્થાનિક ભાષામાં કામ કરવા તૈયાર હોય તો તેમને પણ ઉત્તેજન આપવા આદિત્ય અને તેના સાથીઓ તૈયાર છે.

સાભાર – શ્રેયા પરીખ ,  Better India, ઈ-સક્ષમ 

સંદર્ભ –

http://www.thebetterindia.com/26440/how-games-videos-help-rural-kids-learn-better-and-give-youth-an-opportunity-to-earn-extra-income/

https://pmrdfellows.wordpress.com/pmrd-fellows-details/north-eastern-states/arunachal-pradesh/aditya-tyagi/

https://www.facebook.com/aditya.tyagi.313?lst=548087885%3A582054047%3A1490556062

વાચકોની જાણ સારુ –

અમદાવાદની હીરલ શાહે એકલા હાથે આવાં કામને માટે જરૂરી સામગ્રી તૈયાર કરવાના યજ્ઞની નોંધ લેવા, નીચેની વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતી, તેને મદદ કરવા કોઈ વાચક તૈયાર થાય તો સોનામાં સુગંધ ભળે. 

http://evidyalay.net/

e.mail : surpad2017@gmail.com

Loading

‘નવા યુગનો નાંદી’ અને ‘પ્રાણવંતો પૂર્વજ’ વીર કવિ નર્મદ 

સોનલ પરીખ|Opinion - Opinion|17 September 2022

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા [એટલે કે 24 ઑગસ્ટ 2022ના રોજ] જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. વાત કરીએ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમની, એમની જિંદગીની …

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે; નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ, સુધારાનો સેનાની એવાં એવાં વિશેષણોથી જેને નવાજવામાં આવે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. પણ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ હતી, એમની જિંદગી હતી. કહેતા, ‘ઝટ્ટ ડોળી નાખો રે મનજળ થંભ થયેલું’ સાહિત્ય, સમાજ, શિક્ષણ, ધર્મ, જીવન તમામ ક્ષેત્રે સ્થગિતતા અને બંધિયારપણાનો સતત વિરોધ કરનાર નર્મદ, અર્વાચીન ગુજરાતી ભાષા આમ તો દલપતરામથી પ્રગટી ગણાય, છતાં અર્વાચીનોમાં આદ્ય ગણાય છે, કેમ કે નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂર્ણ અર્થમાં પ્રગટી છે.

પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. જન્મ 1833માં, મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ પહેલાં. જન્મ સુરતમાં અને ભણતર સુરત અને મુંબઈમાં. મુંબઈમાં તેઓ ઘણું રહ્યા, મુંબઈના પ્રવાહો ઝીલ્યા, પોતે પણ ખીલ્યા-ઊઘડ્યા-વિસ્તર્યા, મગજ મુંબઈની હવાથી છલોછલ રહ્યું, છતાં દિલ ભરીને ચાહ્યું તો સુરતને જ – ‘મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી’ ‘ભટનું ભોપાળું’ના સર્જક અને વિવેચક નવલરામ (જન્મ – 1836) અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર (જન્મ – 1835) નર્મદના સમકાલીનો – સહાધ્યાયીઓ પણ હોઈ શકે.

શિક્ષણ દરમ્યાન ધીરા ભગતની કાફીઓ વાંચી નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા મળી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પણ પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈમાં અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી મળવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ છપાવીને પ્રગટ કર્યું અને આમ ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.

1852માં નર્મદ રાંદેરની એક શાળામાં શિક્ષક હતા. સર્જનસાધના ચાલુ જ હતી. એક કડિયો એક દિવસ છંદોબદ્ધ ગાન ગાતો હતો. નર્મદે એને અટકાવીને પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ ‘મારી પાસે એક પુસ્તક છે, છંદરત્નાવલિ.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું એ કોઈને આપતો નથી. મારે ઘેર આવીને જોવું હોય તો જોજો.’ ‘પણ મારે એમાંથી નોંધો કરવી હોય તો?’ ‘તે કરજો ને. પણ ઘેર લઈ જવા નહીં દઉં.’ નર્મદે એના ઘેર જઈ પુસ્તક વાંચ્યું, ફરી ફરી વાંચ્યું અભ્યાસ કર્યો. એમાંથી શબ્દોમાં રસ પડી ગયો અને ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર કર્યો.

પહેલું પુસ્તક ‘અલંકારપ્રવેશ’ 1857માં પ્રગટ થયું, છેલ્લું ‘ધર્મવિચાર’ 1886માં. આ ત્રણ દાયકામાં એમણે સોએક જેટલાં પુસ્તકો આપ્યાં. યુનિવર્સિટી અને છાપખાનાં તાજાં શરૂ થયાં હતાં એનો ભરપૂર લાભ નર્મદને સાહિત્યસર્જન અને સમાજસુધારો આ એની બન્ને પૅશન સંદર્ભે પુષ્કળ મળ્યો.

1856માં નર્મદે ‘તત્ત્વશોધક સમાજ’ની સ્થાપના કરી. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહુકાહુ થાય’ એવી નોકરી 1858માં કોઈને જણાવ્યા વિના છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ અને ‘ડગલું ભર્યું કે ના હઠવું.’ ‘કન્યાકેળવણી’ ગ્રંથ લખ્યો, હિંદુ ધર્મમાં વ્યાપેલા કુરિવાજો જોઈ નર્મદે ‘હિંદુઓની પડતી’ ગ્રંથ લખ્યો જે સુધારાનું બાઈબલ ગણાયો. વિધવાવિવાહને ઉત્તેજન તો આપ્યું, પણ દાખલો બેસાડવા પોતે એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં.

સુધારાના વિચારોને વાચા આપવા નર્મદે 1864માં ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. પહેલા અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: અમારા નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપકની ને બહાર ડાંડિયો હોય; ડાંડીની મહેનતથી ધજાડાંડી સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય …’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયા’ના લેખોએ જ નર્મદને ‘સુધારાના સેનાની’નું બિરુદ અપાવ્યું. નર્મદ એના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની તે નર્મદે એનાથી વર્ષો પહેલાં સેવી હતી.

‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો હતો. ‘વીરસિંહ’ને તે મહાકાવ્ય તરીકે રચવા માગતો હતો. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. આ જ છંદમાં અન્ય કાવ્યો રચાયાં : ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો બાગે, યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે’ જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત’ આજે પણ મન મોહી લે.

મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી નર્મદે કાવ્યનાં અનેક સ્વરૂપે લોકો સમક્ષ ઉઘાડ્યાં. ગુજરાતી ગદ્યને ઘડવામાં એનો સિંહફાળો છે. રસપ્રવેશ, અલંકારપ્રવેશ, પિંગળપ્રવેશ, નર્મદ વ્યાકરણ જેવાં એમનાં કાવ્યશાસ્ત્રનાં પુસ્તકોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’ લખી નર્મદ મહાત્મા ગાંધીના સમર્થ પુરોગામી બન્યા છે. ‘આ તો બસ એક ખરડો છે જે હું લોકો સમક્ષ મૂકું છું.’ એવી નમ્રતા દાખવનાર નર્મદ ગુજરાતી ભાષાના માનસન્માન માટે અત્યંત જાગૃત હતા અને એને માટે બેધડક લડતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા પણ તેને અંગત માનસન્માનનો વિષય ન બનાવવા સજાગ રહ્યા. એમના ઘરનું નામ ‘સરસ્વતીમંદિર’ હતું.

પશ્ચિમના અંગ્રેજી કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યોનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતાઓ ગણાય. નર્મદ ખૂબ પ્રવાસ કરતા. પરદેશ ગયા નહોતા, પણ મહીપતરામ પરદેશ જવા માગતા હતા એમને ખૂબ મદદ કરી. પણ એ જ મહીપતરામે પાછા આવી નાત આગળ નાકલીટી તાણી પ્રાયશ્ચિત કર્યું ત્યારે એની ખૂબ ટીકા કરી. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઈ એમણે ‘બ્રહ્મગિરિ’ નામનું સુંદર કાવ્ય રચ્યું હતું : ‘ચોપાસ બધું સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જૌં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.

આર્થિક મુશ્કેલીઓ ખૂબ તાવતી. પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાળદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી સ્વીકારવી પડી ત્યારે નર્મદની આંખોમાં આંસુ હતાં. સંકલ્પ તોડ્યાના આઘાતમાં ત્યાર પછી બહુ જીવ્યા પણ નહીં. 1866માં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયમાં સુધારાની પ્રવૃત્તિ છોડી તેઓ ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા. 

‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના અવસાન સંદર્ભે આપણી ભાષાના કોઈ કવિએ આવી વાણી ઉચ્ચારી નથી. સંદેશ છે, ‘નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક’ રસિકડા સંબોધન નર્મદ જ કરી શકે – કહે છે, ‘હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી’ અને ‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.

ગુજરાતી ભાષાની થતી ઉપેક્ષા અને ભાષાગૌરવના અભાવને જોઈ નિરંજન ભગતે લખ્યું છે, ‘ક્યાં તુજ જોસ્સો કૅફ, ક્યાં આ જંતુ માણહાં; માથા પરની રૅફ, નર્મદ સહેજ ખસી ગઈ’ નામર્દાઈનું આ મહેણું વાગે એવું છે, પણ ખોટું નથી. ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની સુગંધ છે, એની માટીની મહેક છે. એ ન ભૂલીએ. પણ ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમનો અર્થ અન્ય ભાષાનો બહિષ્કાર એવો ન કરીએ. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે એનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

છબીસૌજન્ય : ‘વિકિપીડિયા’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 ઑગસ્ટ 2022

Loading

...102030...1,3881,3891,3901,391...1,4001,4101,420...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved