Opinion Magazine
Number of visits: 9744647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુત્વ કોનું?: ફિલ્મને કારણે છેડાયેલા વિવાદનો જવાબ ઇતિહાસ અને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 October 2022

હિંદુ ધર્મ, હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચેનો ફેર સમજવા માટે ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર પ્રત્યેની આપણી અવગણનાને નેવે મુકવી પડશે.

દક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’ હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ થઇ ‘પોન્નીઅન સેલ્વન-1’ (PS-1). પ્રાચીન ભારતના ચોલ સામ્રાજ્યની પ્રગતિ અને વિકાસનો જેને શ્રેય અપાય છે તેવા રાજરાજા ચોલનની વાત આ ફિલ્મમાં કરાઇ છે.  આ ફિલ્મ કલ્કી ક્રિષ્ણમૂર્થી નામના લેખકની પાંચ ભાગમાં લખાયેલી ‘ફિક્શન’ નવલકથાના આધારે બનાવાઇ છે. આ ફિલ્મ રિલીઝ થઇ અને તેના ‘સિનેમેટિક’ વિવેચનને બદલે કોઇ બીજા જ મુદ્દે ચર્ચાનો વિષય બની ગઇ. રાજરાજા ચોલા હિંદુ રાજા હતો કે ન હતો તેની પર હુંસાતુંસી શરૂ થઇ ગઇ.

શરૂઆત થઇ જ્યારે ફિલ્મ રિલીઝ થવા ટાણે અભિનેતા વિક્રમે ચોલ વંશની સિદ્ધિઓની ચર્ચા કરી અને કેટલાકે ચોલ રાજાઓને હિંદુ રાજવીઓ તરીકે ઓળખાવ્યા. એવામાં તમિળ દિગ્દર્શક વેત્રિમારને એવી ટિપ્પણી કરી કે રાજરાજા ચોલનને સતત હિંદુ રાજા કહેવામાં આવી રહ્યા છે અને વલ્લુરનું ભગવાકરણ થઇ રહ્યું છે, અમારા પ્રતીક અમારી પાસેથી છીનવાઇ રહ્યા છે. આમાં ભા.જ.પ.ના નેતા એચ. રાજા ભડક્યા અને તેમણે કહ્યું કે વેત્રિમારનને ઇતિહાસ ખબર હશે, મને એટલો સારી પેઠે નથી ખબર પણ રાજરાજા ચોલને જો ચર્ચ કે મસ્જિદ બનાવ્યા હોય તો તે બતાડો. આટલું થયું અને અભિનેતા કમલ હાસનને વેત્રિમારનને ટેકો આપવા માટે એમ કહ્યું કે હિંદુ ધર્મ જેવો કોઇ શબ્દ રાજરાજા ચોલનના કાળમાં હતો જ નહીં, વૌનાનમ, શિવમ અને સમનામ જેવા શબ્દો ચલણમાં હતા અને અંગ્રેજોએ ભારત પર શાસન કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે બધાને એક સરખી ઓળખાણ આપવા – પોતાને સરળતા રહે તે માટે – હિંદુ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો.

આ વાત આગળ વધે તે પહેલાં આ ચર્ચા, આ સંદર્ભ, આ ટિપ્પણીઓ પછી તે વેત્રિમારનની હોય કે કમલ હાસનની કે ભા.જ.પ.ના નેતા એચ. રાજા, બધું જ બિનજરૂરી છે એ સમજી લેવું પડે.  માત્ર વિરોધ દર્શાવવા કે સવાલ ખડો કરવાના ઇરાદાથી વેત્રમારને આવી કોઇ ટકોર કરવાની જરૂર હતી જ નહીં. કમલ હાસન માત્ર અભિનેતા નથી – રાજકારણી પણ છે. એ જે બોલ્યા તે  તેમની રાજકીય ઓળખના સંદર્ભે હોઇ શકે, તો ભા.જ.પા.એ જે કહ્યું તે તેમની રાજકીય વિચારધારાને આધારે હતું.

આ વિગતો તેની ‘ક્રોનોલૉજી’ અને સંદર્ભ સમજવા આપવી જરૂરી હતી. આમાં બે મુદ્દા ખડા થાય છે. એક તો એક કે ચોલ વંશનો ધર્મ કયો હતો? હિંદુત્વ શું સામ્રાજ્યવાદની અંગ્રેજોની ભેટ છે? આ વિવાદ પર બધા મન ફાવે તેમ પોતાની વાત મૂકે છે આમાં હિંદુ ધર્મને નહીં પણ વાદને પકડીને હોહા કરનારા રાજકારણીઓને પણ મજા પડી ગઇ છે કારણ કે એમને તો એટલું જ જોઇતું હતું.

પહેલા સવાલની ચર્ચા વિગતવાર કરીએ તો જે રીતે અબ્રાહમનો ધર્મ જે એક આખા વંશ કે સમુદાયને લાગુ પડે છે તેવો કોઇ એક જ ધર્મ ચોલ વંશ વખતે નહોતો. ચોલ વંશના ઇતિહાસ અનુસાર તેઓ શૈવિઝમ – શિવભક્તિમાં (શૈવવાદ) માનતા હતા. તાંજોર જે ચોલ વંશનું પાટનગર છે ત્યાંનું બ્રિહદેશ્વર મંદિર ચોલ વંશનું સૌથી અગત્યનું સ્થાપત્ય ગણાય છે – આ મંદિર શિવ મંદિર છે. ૮૦૦થી ૧૨૦૦ સી.ઈ.માં બંધાયેલા મંદિરો એક યા બીજી રીતે શિવ મંદિરો જ છે. શૈવવાદ તો વેદિક યુગ પહેલાની પરંપરાઓમાં પણ હતો. ઇતિહાસકાર અનુસાર બી.સી.ઇ. – એટલે કે બિફોર ધી કૉમન એરા એટલે કે ઈસવીસન પૂર્વેની સદીના છેલ્લા તબક્કા દરમિયાન. વૈદિક દેવ રુદ્રની પૂજા થવા માંડી, સાથે શિવની જે ભક્તિ થતી તે બ્રાહ્મણોની માન્યતાઓમાં ઉમેરાઇ. વળી, તામિલ કે દ્રવિડ મૂળના લોકો શિવમાં માનતા અને વૈદિક કાળનો ધર્મ આર્યન હતો – જે બધું સમયાંતરે સમાંતર થયું. જો કે ચોલ વંશના એક માત્ર ભગવાન શિવ નહોતા, ચોલ રાજા આદિત્યએ વિષ્ણુના મંદિરો પણ બનાવડાવ્યા છે. દક્ષિણ ભારતના પલ્લવ અને પાંડવા વંશમાં બૌદ્ધ અને જૈન ધર્મ પણ અનુસરાયો છે પણ જે તે રાજ્યમાં અમુક જ ધર્મ કેન્દ્ર સ્થાને હતો એવું ઇતિહાસમાં ક્યાં ય ટાંકેલું નથી. રાજાને જે દેવની પૂજા કરવી હોય તેની પૂજા થતી. 

તે સમયે હિંદુ શબ્દ અસ્તિત્વમાં હતો નહીં, પણ રાજાઓ જે શૈવવાદ કે વૈષ્ણવવાદમાં માનતા હતા તેમનું સામાન્યીકરણ તો હિંદુ રાજા તરીકે જ થાય. શિવ હોય કે વિષ્ણુ હોય બધા આખરે આપણા ૩૩ કરોડ દેવોના વિશાળ સમૂહનો જ હિસ્સો છે.

અહીં કમલ હાસનની વાતના સંદર્ભને આપણે અને કમલ હાસન બન્નેએ સમજવા જરૂરી છે. હવે એમ કહેવું કે હિંદુત્વ તો સામ્રાજ્યવાદની દેન છે એ પણ વેતા વગરનું છે કારણ કે જે રીતે ભા.જ.પા.ને બધો વાંક નહેરુનો દેખાય છે એ રીતે બુદ્ધિજીવીઓ કોઇ પણ વાતને મામલે અંગ્રેજો પર દોષનો ટોપલો ઢોળે છે, જે સાવ ખોટું છે. જમણેરીઓને એમ માનવું છે કે સામ્રાજ્યવાદે આપણને જાતિવાદ આપ્યો અને હિંદુત્વ તો સદીઓથી હતું તો ડાબેરીઓ એમ કહે છે કે જાતિવાદ પહેલેથી હતો પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોએ આપણને હિંદુત્વ આપ્યું. આ બન્ને વાતોમાં અધુરું સત્ય છે એમ કહીએ તો ચાલે. વર્ણવ્યવસ્થા આપણે ત્યાં વૈદિક યુગથી છે. જાણીતા લેખક અમિષ ત્રિપાઠી સાથેની એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે એક સમયે તો માણસ જે કામ કરતો તેનાથી જ તેની જાતિ નક્કી થતી, વર્ણવ્યવસ્થા પણ એ જ રીતે ઘડાઈ હતી. સામ્રાજ્યવાદી અંગ્રેજોને કારણે આપણે હિંદુ ધર્મ વિષે જે રીતે વાત કરીએ છીએ, તેનો સંદર્ભ લઇએ છીએ તે બદલાયું – તેની પાછળ કાયદાથી માંડીને, વસ્તી ગણતરીના કારણો છે કોઇ બીજા ઇમોશનલ કે રાજકીય કારણો નથી. એ વાત અલગ છે કે અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોના ભાગલા કરીને દાટ વાળ્યો પણ ત્યારે પણ વાત ધાર્મિક નહીં રાજકીય જ હતી.

ભારતની વિવિધતાને જોડતી કડીઓમાંની એક કડી બહુમતીમાં અનુસરાતો હિંદુ ધર્મ અથવા તેવી માન્યતાઓ રહી છે અને વિદેશી અવલોકનકારની નજરમાં તે કડી હિંદુત્વ હતી જેને ‘વાદ’ અને ‘રાજકારણ’ સાથે કોઇ લેવાદેવા નહોતી – પણ કમનસીબે તેને આધુનિક ઇતિહાસમાં એટલે કે ભાગલા સમયે અંગ્રેજોએ તોડી-મરોડીને વાપર્યો અને આ અળવિતરી સમજ કે ગેરસમજને આજે રાજકારણીઓ કોટે વળગાડીને પોતાના દાવપેચ કર્યા કરે છે.

હિંદુત્વની ચર્ચા ફિલોસોફી, ઇતિહાસ અને ધર્મની એરણે સુક્ષ્મ રીતે થાય તે જરૂરી છે. સદીઓ જૂના ધર્મને વાદના ઘોંઘાટમાં લપેટીને લોકોને માથે રાજકીય ખેલ કરાય ત્યારે બધું ગોટે જ ચઢે.

બાય ધી વેઃ

એક સમયે ડાયનોસૉર્સ અસ્તિત્વમાં હતા પણ ત્યારે તેમને ડાયનોસૉર્સ કહેવાય એવું કોઇને નહોતી ખબર. પણ શું એનો અર્થ એમ કે ડાયનોસૉર્સ – ડાયનૉસૉર્સ મટીને ગરોળી કે સાપ થઇ ગયા? આ હિંદુ ધર્મને લઇને થયેલી ચર્ચા કંઇ આવી જ છે. ધર્મને મનમાં રખાય, કોટે ન વળગાડાય પણ લોકોની નબળાઇ રાજકારણીઓ જાણે છે એટલે તેઓ ધર્મને નામે રમી લે છે. હિંદુ ધર્મ, હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચેનો ફેર સમજવા માટે ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર પ્રત્યેની આપણી અવગણનાને નેવે મુકવી પડશે. હિંદુત્વની ઓળખ ઘેરી છે. તેના સંદર્ભને વૈદિક કાળથી માંડીને સલ્તનત કાળ, મુગલ કાળ અને સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની ચારણીમાંથી પસાર કરીને સમજવા માટે ધીરજ અને મોકળું મન જોઇએ કોઇ રાજકારણીઓનો ઘોંઘાટ નહીં. અંગ્રેજોએ જે કહ્યું એ કહ્યું પણ આપણે તો આપણા પ્રાચીન કાળના રાજાઓની માન્યતાઓને ગણતરીમાં લેવી ઘટે. જાહેરમાં બોલાયેલી કોઇપણ વાતના પ્રત્યાઘત હોય છે તે બોલનારને બરાબર ખબર હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઑક્ટોબર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—166

દીપક મહેતા|Opinion - Opinion|15 October 2022

બરફનો પ્રવાસ બોસ્ટનથી બોમ્બે

બરફના બેતાજ બાદશાહ જ્યારે મુંબઈ આવ્યા હતા 

ત્યારે હતી બજારુ બરફની બોલબાલા

આજે બોમ્બેની વાત કરતાં પહેલાં લટાર મારીએ અમેરિકાના બોસ્ટન શહેરમાં.

બોસ્ટન શહેરના ટ્યુડર કુટુંબમાં બીજા બધા ભણેશરી, પણ ફ્રેડરિકભાઈએ તેર વરસની ઉંમરે સ્કૂલને રામરામ કરી દીધા. હતો તવંગર કુટુંબનો નબીરો. એ અને એનો ભાઈ કુટુંબની મોટી એસ્ટેટમાં ભટક્યા કરે. જાતજાતના નુસખા અજમાવે. શિયાળામાં બંને ભાઈઓ તળાવમાં જામેલો બરફ ઉસેટીને ઠંડુ શરબત, કોલ્ડ મિલ્ક, વગેરેની લિજ્જત માણે. પણ તળાવ તો ખાસ્સું મોટું. બે ભાઈઓ વાપરી વાપરીને કેટલો બરફ વાપરે? એક દિવસ કોણ જાણે ક્યાંથી, ફ્રેડરિકભાઈના ભેજામાં એક કીડો ચવડી આયો : આપણે માણીએ છીએ એવી બરફની, ઠંડા પીણાની મોજ દુનિયાના બીજા લોક પણ કેમ ન માણે? આપણે આ તળાવમાંનો બરફ ગરમ પ્રદેશોમાં એક્સપોર્ટ કેમ ન કરીએ? માલ તો લગભગ મફતમાં મળશે, ઊંચા ભાવે પરદેશોમાં વેચશું. ડોલરના તો ઢગલે ઢગલા થશે. પણ લોકોને તેમની વાતમાં તસુભાર પણ વિશ્વાસ બેઠો નહિ. અરે, કોઈ વહાણ બરફ લઈ જવા તૈયાર નહિ. આ બરફ તો થોડા દિવસમાં પીગળીને પાણી થઈ જાય. એવું કામ કરવામાં તો આપણી કમાણી પણ પાણીમાં જાય!

બરફનો બેતાજ બાદશાહ ફ્રેડરિક  ટ્યુડર

પણ ફ્રેડરિકભાઈ કાંઈ સહેલાઇથી હાર માને તેવા નહોતા. કોઈ વહાણ ભાડે નથી આપતું? વાંધો નહીં, આપણે પોતાનું વહાણ ખરીદી લઈએ. એ વખતે મોટી ગણાય એવી રકમ પાંચ હજાર ડોલર ખરચીને પોતાનું વહાણ ખરીદી લીધું! ૧૮૦૬ના ફેબ્રુઆરીની દસમીના ‘બોસ્ટન ગેઝેટ’ અખબારમાં છપાયું : “આ જોક નથી, સમાચાર છે. ૮૦ ટન બરફ લઈને એક વહાણે ગઈ કાલે બોસ્ટનનો કિનારો છોડ્યો. આ વહાણનો પ્રવાસ લપસણો નહિ બને એવી અમે આશા રાખીએ છીએ.”

પણ બન્યું બરાબર એવું જ. વહાણમાંનો બરફ સહીસલામત પહોંચ્યો તો ખરો, પણ એને ખરીદવા માટે કોઈ તૈયાર નહિ! ફ્રેડરિકે લોકોને ઘણા સમજાવ્યા: અહીંની બળબળતી ગરમીમાં આ બરફ તમને ઠંડક આપશે, તમને શાતા આપશે. પણ વાત લોકોને ગળે ઊતરી નહિ. એટલે ગઈ સો ટકાની ખોટ! બંને ભાઈઓએ ભેગા મળીને ધંધો શરૂ કર્યો હતો. પણ પહેલી સફરે જ ખોટ જોઈ વિલિયમ તો આ ધંધામાંથી ખસી ગયા. પણ ફ્રેડરિકભાઈ હાર્યા નહિ. બીજી વાર પ્રયત્ન કર્યો. ફરી નિષ્ફળતા. દરમ્યાન કુટુંબની આર્થિક સ્થિતિ પણ ઘસાતી ચાલી. એટલે ખરચ પર કાપ મૂકાયો.

બરફના વેપારમાં બે મોટી મુશ્કેલી : એક તો બરફ પહોંચે ત્યાં સુધીમાં અડધો તો પીગળી ગયો હોય. એટલે બાકીનો વેચાય ત્યારે ભાવ લગભગ બમણો રાખવો પડે. પણ આવા ઊંચા ભાવે એ ખરીદે કોણ? રસ્તામાં બરફ બહુ ઓગળી ન જાય એ માટે કરવું શું? એ જમાનામાં અમેરિકામાં મકાનો બાંધવામાં લાકડું જ વપરાય. લાકડાની મોટી મોટી સો-મિલમાં પુષ્કળ વ્હેર પડે. ફ્રેડરિકભાઈએ આ વ્હેર પાણીને ભાવે ખરીદ્યો. અને બરફનાં ગચિયાં ઉપર છાંટ્યો. વળી, એ શઢવાળાં વહાણોનો જમાનો. ભર દરિયે વહાણ હાલકડોલક ન થાય એ માટે વહાણના ભંડકિયામાં નીરમ કહેતાં બેલસ્ટ તરીકે રેતી ભરાય. ફ્રેડરિકભાઈએ વહાણવટીઓને સમજાવ્યા : તમે રેતીને બદલે અમારો બરફ વહાણમાં ભરો. એ માટે અમે તમને થોડા પૈસા પણ આપશું. હા, પણ જેટલું નૂર થાય તેના કરતાં તો ઘણા ઓછા. એટલે નૂરનો ખરચ પણ ઘટ્યો. અને થોડા વરસમાં તો ફ્રેડરિકભાઈ ‘આઈસ કિંગ’ – બરફના બાદશાહ – તરીકે ઓળખાવા લાગ્યા.

૧૮૩૩માં ફ્રેડરિકભાઈએ હરણફાળ ભરી. અડધી દુનિયા વટાવીને બરફ મોકલ્યો હિન્દુસ્તાનના એ વખતના પાટનગર કલકત્તા. ૧૮૩૩ના મે મહિનાની બારમી તારીખે ૧૮૦ ટન બરફ ભરેલું પહેલું વહાણ કલકત્તા જવા બોસ્ટનથી રવાના થયું. પૂરા ચાર મહિનાની મુસાફરી પછી એ વહાણ કલકત્તા પહોચ્યું ત્યારે તેમાં ૧૦૦ ટન જેટલો બરફ બચ્યો હતો. બાકીનો મુસાફરી દરમ્યાન પીગળી ગયો હતો. કલકત્તાના અંગ્રેજ અમલદારો અને માલેતુજારોને તો બરફનું ઘેલું લાગ્યું. હિન્દુસ્તાનની કાતિલ ગરમીથી બચવા આજ સુધી કેવા કેવા નુસખા અજમાવેલા : બારી-બારણાં પર ખસના પડદા બાંધી તેના પર થોડી થોડી વારે પાણી છંટાવતા. ઓરડાઓની છત પર મોટા મોટા પંખા લગાડી દેશી મજૂરો પાસે તેને સતત ખેંચાવતા. બંગલાના બગીચામાં ફુવારા રાખતા. પણ આમાનું કશું આ બરફની તોલે તો ન જ આવે. આ તો ઠંડા ઠંડા, કૂલ કૂલ! 

ફ્રેડરિકભાઈ હતા ધંધામાં પૂરેપૂરા પાવરધા. એમને તરત ખ્યાલ આવ્યો કે કલકત્તાને બદલે બરફ મુંબઈ અને મદ્રાસ (હાલનું ચેન્નાઈ) બંદરે ઉતારીએ તો ઘણા પૈસા અને સમય બચી જાય. અને ફ્રેડરિકભાઈ આવ્યા હિન્દુસ્તાન. કલકત્તા ગયા ત્યારે એક વાત તરત ધ્યાનમાં આવી : હિન્દુસ્તાન સુધી બરફ પહોંચે છે તો સહી સલામત. પણ પછી હિન્દુસ્તાનની ગરમીમાં તરત પીગળવા લાગે છે. એટલે બરફને સંઘરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. અને દેશનું પહેલું ‘આઈસ-હાઉસ’ બન્યું કલકત્તામાં. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના દાદા દ્વારકાનાથ ટાગોરનો બહોળો વ્યાપાર. ઘણા અંગ્રેજ વેપારીઓ સાથે ઘરોબો. એટલે તેમણે કલકત્તામાં આઈસ-હાઉસ બાંધવા માટે તવંગરો પાસેથી ફંડ-ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. માલેતુજાર લોકોએ પૈસા ઊભા કર્યા. અને બંધાયું દેશનું પહેલું આઈસ-હાઉસ.

મુંબઈના એપોલો બંદરે બરફ ઉતારતા મજૂરો

અને બીજું આઈસ-હાઉસ બન્યું આપણા આ મુંબઈમાં. એ માટે ફ્રેડરિકભાઈ મુંબઈ આવેલા.  ‘બોમ્બે ટાઈમ્સ એન્ડ જર્નલ ઓફ કોમર્સ’(આજનું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’)એ ફંડ-ફાળો કરી પૈસા ભેગા કરેલા. એ રીતે ૩,૯૦૦ રૂપિયાની માતબર રકમ એકઠી થયેલી. આજે જ્યાં કામા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂની ઇમારત ઊભી છે ત્યાં ૧૮૪૩માં એ બંધાયું હતું. એપોલો ગેટ નજીક, એટલે બંદરેથી આ ગોદામ સુધી બરફ પહોંચાડતાં ઝાઝી વાર ન લાગે. આ આઈસ-હાઉસ ગોળ ઘુ

મ્મટના આકારનું હતું, અને તેનું એકમાત્ર બારણું હતું તેને મથાળે. ઈમારતની બહાર અને અંદર પગથિયાંવાળી સીડી. બહારની સીડી દ્વારા મજૂરો બરફ ઉપર ચડાવે અને બીજી બાજુ અંદર રહેલા મજૂરો એને સંઘરવા માટે નીચેનાં ભંડકિયામાં લઈ જાય. પછી જ્યારે જયારે બરફ જોઈએ ત્યારે ત્યારે એ જ રીતે કાઢી લેવાનો. બસ, મુંબઈના અંગ્રેજોને જ નહિ, ધનવાનોને પણ, હવે તો બરફ વગર ચાલે જ નહિ! એ વખતે મુંબઈમાં બરફ ચાર આને (આજના ૨૫ પૈસા) પાઉન્ડ – લગભગ અડધો કિલોના ભાવે વેચાતો. આમ આદમીને તો ખરીદવો પોસાય જ નહિ!

પણ હા. આ ફ્રેડરિકભાઈ જે બરફનો વેપાર કરતા એ કોઈ મશીનથી નહોતો બનતો. પણ શિયાળાની કાતિલ ઠંડીમાં બોસ્ટનનાં તળાવો ઠરીને હિમ થઈ જાય ત્યારે એ બરફનાં મોટાં મોટાં ગચિયાં મજૂરો કાઢી લેતા અને પછી એ ગચિયાને સરખા માપસર કાપીકૂપીને વખારોમાં ભરી રાખતા.

પણ કહે છે ને, કે જે ઊગે છે તે આથમે છે. જેનો આરંભ તેનો અંત. ધીમે ધીમે આ ‘કુદરતી’ બરફનો વિરોધ થવા લાગ્યો. તળાવોનું પાણી ચોખ્ખું હોય કે નહિ, એ બરફ ખોદનારા અને એનાં ગચિયાં બનાવનાર મજૂરો કેટલી ચોખ્ખાઈ જાળવતા હોય, વગેરે સવાલ થવા લાગ્યા. પણ સૌથી મોટી મુશ્કેલી તો એ કે આ રીતે બરફ માત્ર શિયાળામાં જ મળે. પછી એને આખું વરસ સંઘરી રાખવો પડે. તેમાંનો ઘણો પીગળી જાય. એટલે પછી શરૂ થયા મશીન વડે બરફ બનાવવાના પ્રયોગો. એક-બે નિષ્ફળ પ્રયોગ પછી ૧૮૫૩માં એલેક્ઝાન્ડર ટ્વિનિંગને તેના મશીન માટે અમેરિકામાં પેટન્ટ મળ્યું, અને ત્યારથી કુદરતી બરફના વેપારનાં વળતાં પાણી થયાં.

ગ્રેટ વેસ્ટર્ન  હોટેલની બાજુમાં આવેલું આઈસ હાઉસ

વખત જતાં હિન્દુસ્તાનમાં પણ આઇસ ફેકટરીઓ શરૂ થઈ એટલે બરફની આયાત બંધ થઈ. સૌથી પહેલાં મદ્રાસમાં ઇન્ટરનેશનલ આઈસ કંપનીએ સ્ટીમ મશીનનો ઉપયોગ કરીને ફેક્ટરી આઈસ બનાવ્યો. એટલે ફ્રેડરિકભાઈનો મદ્રાસ સાથેનો ધંધો ઠપ. મદ્રાસનું આઇસ-હાઉસ પણ સરકારે હસ્તગત કરી લીધું. આજે વિવેકાનંદ હાઉસ તરીકે તેનો નવાવતાર થયો છે. પછી મદ્રાસનો વા પહોંચ્યો કલકત્તા. ૧૮૭૮માં બેંગાલ આઈસ કંપનીએ બરફ બનાવ્યો અને ફ્રેડરિકભાઈના હાથમાંથી કલકત્તા પણ ગયું. વખત જતાં ત્યાનું આઈસ-હાઉસ તોડી પાડવામાં આવ્યું. જ્યારે એ જમાનાની પ્રખ્યાત ગ્રેટ વેસ્ટર્ન હોટેલની બાજુમાં આવેલું મુંબઈનું આઈસ-હાઉસ ૧૯૨૦ના અરસામાં નેસ્તનાબૂદ થયું.

મુંબઈના મધ્યમ વર્ગનાં ઘરોમાં રેફ્રિજરેટર તો ૧૯૫૦-૧૯૬૦ના દાયકામાં દેખાવા લાગ્યાં. એટલે આજે જે ‘બજાર આઈસ’ તરીકે ઓળખાય છે તેની એ પહેલાંના જમાનામાં ભારે બોલબાલા. એ વખતે શહેરમાં ઠેર ઠેર બરફની દુકાનો હતી. એટલું જ નહિ, બળદ ગાડીમાં બરફ ભરીને ઠેર ઠેર વેચાતો. બરફની મોટી મોટી પાટો. ઉપર લાકડાનો વ્હેર કહેતાં ભૂસું ભભરાવેલું હોય અને પછી ગુણપટમાં વીટેલ હોય જેથી બરફ ઝટ પીગળે નહિ. ઘરાક માગે તેટલો બરફ દુકાનદાર કે ગાડાવાળો આપે. સ્ક્રૂ ડ્રાઈવર જેવા તીણા સાધનથી કાપીને ઘરાકને જોઈતો હોય તેટલો બરફ આપે. તો વળી કેટલાકને ત્યાં તો રોજનો ગાડાવાળો બાંધેલો હોય. ઠરાવેલા ટાઈમે બરફ આપી જાય.

ઉનાળામાં ઠંડુ પાણી પીવું છે? પાણીમાં નાખો બરફ. લાલ, લીલું, પીળું શરબત પીવું છે? ઉમેરો તેમાં બરફ. હજી મિક્સર-ગ્રાઇન્ડર આવ્યાં નહોતાં એટલે મિલ્કશેક બનાવવાનું અઘરું. પણ દૂધમાં કોઈ શરબત નાખો, પછી ઉમેરો બરફ, એટલે દૂધ-કોલ્ડડ્રિંક તૈયાર. અને બરફ-ગોળાની લારીની આસપાસ તો બાળકો મધમાખીની જેમ તૂટી પડે, ઉનાળામાં. બે પૈસાના એ બરફ ગોળાની લિજ્જત આજના મોંઘા દાટ ગોળામાં ક્યાંથી આવે?

ઠંડા ઠંડા કૂલ કૂલ

જે જમાનામાં ખાવા-પીવામાં આ ‘બજાર આઈસ’ છૂટથી વપરાતો એ જમાનાના લોકો આજના લોકો કરતાં વધુ માંદા પડતા? મોટે ભાગે ના. આજે ઘરે બનાવેલા આઈસનો ઉપયોગ કરવાથી લોકો માંદા ઓછા પડે છે? ના. હંમેશ બોટલ્ડ વોટર પીનારાની તબિયત માટલામાં ભરેલું નળનું પાણી આખી જિંદગી પીનારા કરતાં વધુ સારી રહે છે? અને પેલા ફૂટપાથ પર બેસી આઈસ્ક્રીમ કે કુલ્ફી વેચનારાનું શુ? હા, હા. મુંબઈ અને આઈસક્રીમ-કુલ્ફીની વાતો કરશું હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 ઓક્ટોબર 2022

Loading

નવી દિશા તરફ

સુરેશ જાની|Opinion - Opinion|15 October 2022

અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક સામે નજર કરે તે પહેલાં, તેની નજર થોડેક જ દૂર, તેના તરફ આવી રહેલી ચાર સ્ત્રીઓ તરફ ગઈ. આમ તો બધી ગરીબ વર્ગની દેખાતી હતી, પણ તેમના ચહેરા પર અજીબો ગરીબ ઉત્સાહ છવાયેલો હતો. તે સ્ત્રીઓ રેહાનાની નજીક આવી અને તેમની વાતોમાંથી થોડાક શબ્દો તે પકડી શકી. તેમાંથી તેને એટલી સમજ પડી કેમ તેઓ સ્ત્રીઓને થતાં અન્યાય અને શોષણ સામે જાગૃત થવા જેવી કાંઈક વાતચીત કરી રહી હતી.

જેણે અન્યાય, શોષણ, મારપીટ અને તબાહી સિવાય કશું જ જોયું ન હતું, અને આટલી યુવાન વયે પાંચ દીકરીઓની મા બની ગઈ હતી, તેવી રેહાનાને આ વાતોમાં રસ પડ્યો. શાક ખરીદવાનું બાજુએ મૂકીને રેહાના તે સ્ત્રીઓની નજીક ગઈ. હવે તો તેને એમની વાતો બરાબર સંભળાવા લાગી. ‘ઘરમાં થતા જોર જૂલમ હવે સહન નહીં જ કરીએ.’ તેવો નિર્ધાર એમની વાતોમાંથી વ્યક્ત થતો હતો.

રેહાનાથી બોલ્યા વિના ન રહેવાયું, “હું તમારી સાથે આવી શકું?”

આટલો સવાલ પૂછવાની હિમ્મત અને આ ‘દિશા’માં ચાલવાની શરૂઆતે રેહાના અને તેના જેવી હજારો અસહાય સ્ત્રીઓની જિંદગી બદલી નાંખી.

…………

માંડ તેર વર્ષની હતી, ત્યારે રેહાના ચોધાર આંસુએ રડતી રડતી ઘેર આવી હતી. પાડોશીના યુવાન દીકરાએ તેને ફોસલાવીને બોલાવી હતી, અને તેની ઉપર કારમો બળાત્કાર કર્યો હતો. ઘરમાં એની માએ તો તેને બાથમાં ઘાલી સહાનુભૂતિ બતાવી. પણ તેના અબ્બા અને કાકાનો વર્તાવ તેની કાચી ઉમરમાં ન સમજી શકાય તેવો કઠોર હતો. તેને એટલી ખબર પડી કે, તે ઊંડા અંધાર્યા અંધકારમાં ધકેલાઈ ગઈ છે, અને હવે તેના માટે જીવનમાં કોઈ જ આશા બાકી રહી નથી.

થોડાક જ દિવસ અને તેના નિકાહ એક પચાસ વર્ષના, કદરૂપા અને કઠોર માણસ સાથે થઈ ગયા. અબ્બાની વસ્તીથી તે બહુ દૂર ફંગોળાઈ ગઈ. તેને તો નિશાળમાં ભણવા પાછું જવું હતું, સહેલીઓ સાથે ગપસપ કરવી હતી, સંતાકૂકડી રમવી હતી. હવે એ બધી સુભગ આશાઓ કચડાઈ ગઈ. રેહાના પણ કચડાતી જ રહી. લગ્ન તો કહેવાનાં જ હતાં. દરરોજ રાતે તે ખાવિંદના બળાત્કારનો ભોગ બનતી રહી. પોતાની કોઈ જ મરજી વિના એ પાંચ બાળકીઓની મા પણ બની ગઈ. દિલ ખોલીને રડવા માટે તેને એકાંત સિવાય કોઈ જ આશરો ન હતો. તેને આપઘાત કરવાના વિચારો સતત આવતા. પણ એ ‘પાપ’ કહેવાય એટલી એને ખબર હતી, એટલે તે આ નરકની વેદના સહન કરતી રહી.

………..

હા! શાક લેવાના બદલે તે ચાર સ્ત્રીઓની સાથે જવાની ‘દિશા’એ રેહાનાની જીવનની દિશા બદલી નાંખી. સહરાનપુરમાં મુખ્ય મથક ધરાવતી ‘દિશા’ નામની એક સમાજસેવાની સ્થાનિક મિટિંગમાં હાજરી આપવા એ સ્ત્રીઓ જઈ રહી હતી. રેહાનાએ ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ અને બે ઉજળિયાત વર્ગની દેખાતી અને સભાનું સંચાલન કરતી મહિલાઓ સાથે બે કલાક ગાળ્યા. તેને લાગ્યું કે, તેના જીવનમાં નવી રોશની ‘આવું’ ‘આવું’ કરી રહી છે. છેલ્લે એક ઉજળિયાત મહિલાએ એને ‘દિશા’માં જોડાવા આમંત્રણ આપ્યું. ઘરનાં માણસો સિવાય કદી એકલી બહાર ગઈ ન હતી, તેવી રેહાનાને ડર લાગ્યો. ‘કાંઈક નવા કાળાં કુંડાળામાં તો નહીં ફસાઈ જવાય ને?’ પણ તેણે તે મહિલાને અઠવાડિયા પછી, એ જગ્યાએ ભરાનારી મિટિંગમાં હાજર રહેવા ખાતરી આપી.

અઠવાડિયા પછી રેહાના ‘દિશા’ની સ્વયંસેવિકા બની ગઈ. આવી બે ત્રણ મિટિંગો બાદ તેના પતિને રેહાના શાક લઈને મોડી ઘેર આવે છે, તેવી બાતમી મળી. મારઝૂડનો સિલસિલો ચાલુ થઈ ગયો. પણ તેની રેહાનાને ક્યાં નવાઈ હતી? હવે તો તેને મળેલી જીવનની આ નવી દિશામાં આગળ ને આગળ વધવા કૃતનિશ્ચય હતી. તેણે પતિને હિમ્મતપૂર્વક સંભળાવી દીધું કે, “ખાવાનું ખાવું હોય, અને રાતે રંગત માણવી હોય તો, આ હરકત તેણે ચલાવી લેવી પડશે.”

આમ બોલવાની તેનામાં હિમ્મત આવી ગઈ હતી, એટલું જ નહીં, અત્યાચારો અને મારઝૂડનો મુકાબલો કેવી રીતે કરવો, તેની તાલીમ પણ તેને ‘દિશા’એ આપી હતી. જીવનમાં ઊગેલી નવી સવારમાંથી કોઈ તેને નિબીડ રાત્રિના અંધકારમાં હડસેલી ન શકે, તેટલી તાકાત તેના પ્રાણમાં હવે સંચરવા લાગી હતી. પછી તો તે બુરખો પહેરીને ‘દિશા’ની સહરાનપુર ખાતેની મિટિંગોમાં પણ હાજરી આપવા લાગી. પોતાના જેવી અન્ય દુખિયારી સ્ત્રીઓના જીવનમાં આશાના કિરણનો સંચાર શી રીતે કરી શકાય? – તેની ભાંજગડ હવે તેના દિમાગમાં પાંગરવા માંડી.

૨૦૦૫ – ‘દિશા’ના માર્ગદર્શન હેઠળ રેહાના જાતે જ આવી સંસ્થા ચલાવવા કાબેલ બની ગઈ. મુઝફ્ફરનગરમાં દબાતી, કચડાતી, મુસ્લિમ સ્ત્રીઓ માટે તેણે ‘અસ્તિત્વ’ની સ્થાપના કરી. ઘણી બદનસીબ સ્ત્રીઓ તેની સાથે જોડાઈ. હવે રેહાનાને કોઈ તાકાત રોકી શકે તેમ ન હતું. રેહાના હવે પિંજરમાં તરફડતી કબૂતરી રહી ન હતી. મુક્ત ગગનમાં વિહાર કરતી ગરૂડ પંખીણીમાં તેના હોવાપણાનું અભ્યુત્થાન થયું હતું.

પોસ્ટરો બનાવવા, દમન સામે અવાજ ઊઠાવતી મહિલા-કૂચો યોજવી, શાળાઓમાં બાળકીઓને તેમના હક્કોની જાણકારી આપવી, વિ. વિવિધ પ્રવૃત્તિઓથી ‘અસ્તિત્વ’ ધમધમવા લાગી. રેહાનાને ઘર અને સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, એટલું જ નહીં પણ ટોળાંઓનો મુકાબલો, પોલિસના લાઠીમારનો પણ કર્યો છે. જૂઠા આક્ષેપોના આધારે જેલવાસ પણ કર્યો છે.

પણ જાગી ઊઠેલા તેના પ્રાણને
હવે કોઈ ગુંગળાવી શકે તેમ નથી.

૨૦૧૩

નવ જ વર્ષની રેખા પર પાંચ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. રેહાના એમને જેલ ભેગા કરીને જ જંપી. તેના આ આક્રોશને સમાજમાંથી અદ્દભુત પ્રતિભાવ પણ મળ્યો. રેખા સાથે લગ્ન કરવા એક આદર્શવાદી યુવાન પણ તૈયાર થયો.  રેહાનાના આ વિજયે તેનું રૂપાંતર એક અનોખી મહિલા પ્રતિભામાં કરી દીધું. આવી હજારો બાળકીઓનાં જીવનમાં રેહાના અને અસ્તિત્વે બગાવતનો બુંગિયો ફૂંક્યો છે. રેહાનાને ગર્વ છે કે, તેના પિતા અને પતિને પોતાની ભૂલ સમજાઈ છે, અને તેમનો સહકાર પણ હવે રેહાનાની અસ્કયામત બન્યાં છે.

અસ્તિત્વ માત્ર સ્ત્રીઓ માટે જ કામ કરે છે, તેમ નથી. કોમી હુલ્લડો વખતે પણ અસ્તિત્વે શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સહયોગ આપ્યો છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગરના શામલી વિસ્તારમાં થયેલા કોમી રમખાણોમાં અસ્તિત્વે પાયાનું કામ નીડર રીતે કર્યું હતું, અને અપૂર્વ સામાજિક ચાહના અને માન મેળવ્યાં હતાં.

ભ્રષ્ટાચાર અને રાજકારણીય દખલોથી ખદબદતી, ઉત્તર પ્રદેશની બદનામ સ્થાનિક સરકારી સંસ્થાઓ ભલે તેના કામને ન બીરદાવે, સમાજ તરફથી અને બીજી ઘણી બિન સરકારી સંસ્થાઓનાં સહકાર અને મદદ અસ્તિત્વને મળતાં રહ્યાં છે. શરૂઆતમાં જાટ વિસ્તારમાં તેણે ઓફિસ રાખી હતી. પણ મુસ્લિમ મહિલા હોવા માટે તેને તે ખાલી કરવી પડી હતી. મુસ્લિમ વિસ્તારમાં તે બુરખો પહેરતી ન હોવાના કારણે તેનો વિરોધ થયો હતો. પણ ધીમે ધીમે તેના કામને મળતી સફળતા અને સામાજિક સ્વીકારના કારણે હવે તેની ઓફિસ ધમધોકાર ચાલતી થઈ ગઈ છે. તેની ઓફિસમાં રાણી, ઉસ્માન અને ગૌરવ તેને મદદ કરે છે. જાતજાનાં આધુનિક સાધનો પણ તેઓ વાપરે છે.

વર્ષોની સાધના, તપસ્યા અને આમરણ જંગના પ્રતાપે બાઈજિંગ – ચીનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તીકરણ અધિવેશનમાં રેહાનાએ વિશેષ અતિથિનું પદ શોભાવ્યું હતું – એ સમાચાર સાથે વીરમીએ.

સંદર્ભ –

http://www.thebetterindia.com/19535/rehana-adeeb-muzzaffarnagar-domestic-violence-astitva-ngo/

https://yourstory.com/2017/04/rehana-adeeb/

https://thewire.in/4452/in-riot-hit-muzaffarnagar-an-ngo-focuses-on-female-victims-of-violence/

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,3871,3881,3891,390...1,4001,4101,420...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved