લાંબા સમય સુધી પાકિસ્તાન આર્થિક રીતે ભારત કરતાં સદ્ધર દેશ રહ્યો છે, પણ છતાં ય આજે દિશાહિનતાનો શિકાર છે, જ્યારે ભારત પાસે બધું હોવા છતાં સાર્વત્રિક દૃષ્ટિકોણ ચુકાઇ જાય છે
1947ના ઑગસ્ટ મહિનાની એ રાતે વિધાતાએ બે રાષ્ટ્રોનાં નસીબ લખ્યાં, ભારત અને પાકિસ્તાન. આ ઘટના અનેકો વાર ચર્ચાઇ છે, ચર્ચાતી રહેશે અને તેને લગતા નવા નવા પાસાઓ પર આવનારા વિચારકો, બિનવિચારકો, કર્મશીલોથી માંડીને સરમુખત્યારો પોતાની રીતે વાત કરવાનું ચાલુ રાખશે. 75 વર્ષ બહુ લાંબો સમય ગાળો છે – આજે બન્ને રાષ્ટ્ર આગવી રીતે એક એવા મુકામ પર છે જ્યાં જવાબો છે તો સવાલો પણ છે. આમ તો આ વિષય એવો છે કે, ‘બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી …’ એટલે આપણે બહુ લાંબા ન થવાને બદલે અર્થતંત્રની દૃષ્ટિ આ રાષ્ટ્રો ક્યાં ખડા છે તેની પર નજર નાખીએ.
શરૂઆતી વર્ષોમાં તો ભારત અને પાકિસ્તાન બંનેની હાલત લગભગ સરખી હતી – અરાજકતા, ઉત્સાહ, પીડા, અસ્પષ્ટતા સાથે બંને રાષ્ટ્ર પગભર થવાના પ્રયાસ કરી રહ્યા હતા. પચાસના દાયકાથી બન્ને રાષ્ટ્રોમાં વહીવટી તંત્રના એવા બદલાવ આવ્યા જેને કારણે તેમના આર્થિક-સામાજિક કલેવર પર પ્રભાવ પડ્યો. ભારતમાં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે સામાજવાદનું મોડલ અપનાવ્યું તો પાકિસ્તાને લોકશાહીનું બાળ મરણ થવા દીધું, જનરલ અયૂબ ખાનની પાકિસ્તાની સરકાર પરની દાદાગીરી ચાલી ગઇ. આ ફેરફારને કારણે તાત્કાલિક આર્થિક ખાઇ ખડી ન થઇ પણ પાકિસ્તાન માટે સાંઇઠના દાયકામાં આર્થિક વિકાસનો જાણે ધડાકો થયો – ભલે એ વિસ્ફોટ જેટલો મોટો નહોતો પણ તમે માનશો ભારત ત્યારે હજી દુકાળ, ગગડેલું નાણું અને યુદ્ધની સુરંગો પરથી સલામત રીતે પાર નીકળાય તેની માથાકૂટમાં હતો. સિત્તેરના દાયકાના અંતે પાકિસ્તાનની પર કેપિટા જી.ડી.પી. ભારત કરતાં દોઢ ગણી હતી અને પશ્ચિમી દેશોનો તેને તગડો ટેકો હતો. આ તરફ ભારત ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર હેઠળ ખાનગી મિલકતોના રાષ્ટ્રીયકરણમાં વ્યસ્ત હતો. ભારત પાસે પોતાનું ધન હતું પણ તેને હસ્તગત કરવું, તેને વ્યવસ્થિત કરવું, વગેરે મહેનત માગી લે તેવું કામ હતું. પાકિસ્તાન ભારત કરતાં આર્થિક રીતે સદ્ધર હતું એ વાંચીને જો તમારા નાટકું ટિચકું ચઢી ગયું હોય તો આ જાણી લો કે 75 વર્ષમાં માત્ર તે સમયે જ એટલે કે 1970માં જ પાકિસ્તાનની આવક ભારત કરતાં વધારે હતી અને તેની આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ હતી – એ પછી એ દિવસો પાકિસ્તાનના નસીબમાં નથી લખાયા. વળી બાંગ્લાદેશના ભાગલા પછી પાકિસ્તાનનાં નાણાનું મૂલ્ય ઘટ્યું અને થોડા સમય માટે પર કેપિટા આવક ઘટી. જ્યારે ભારત અને પાકિસ્તાને આઝાદીના 25 વર્ષ ઉજવ્યા ત્યારે પણ બન્ને લગભગ અડોઅડ હતા. પાકિસ્તાનમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મોટા પાયે થતું હતું અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફથી એકથી વધુ વાર નાણાંકીય સહાય મળી ચૂકી હતી. ભારતમાં રાજકીય ચહલપહલ વધારે હતી, આર્થિક સ્તરે બદલાવ તો આવતા હતા પણ મોટામસ દેશ માટે સ્થિરતા અને નોંધપાત્ર વિકાસ થોડા અઘરા હતા.
જ્યારે Y2Kનો વખત આવ્યો, ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનું ડિલાઇસન્સિંગ થયું અને કારગિલ યુદ્ધ બાદ પશ્ચિમી મહાસત્તા ગણાતા અમેરિકામાં 9/11ની ઘટના ઘટી પછી બંન્ને રાષ્ટ્રોના આર્થિક ભવિષ્યમાં બહુ મોટા વળાંક આવ્યા. ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુધર્યા જેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની આર્થિક ભેદરેખા ઘેરી બની. 2000ના દાયકામાં ભારત એટલું મજબૂત બન્યું કે તેને ચીનના સ્પર્ધક તરીકે જોવાયું. ભારત માટે ચીન શત્રુ બન્યું તો પાકિસ્તાને તો રશિયા, ચીન અને યુ.એસ.એ. પાસેથી જેટલું મળે એટલું લેવાનું રાખ્યું – આખરે લાલચ નડી અને તેમના રાજકીય તાણાવાણા પર ભારે અસર પડી. દાયકા સુધી ચીન અને યુએસએ વચ્ચે સેતુ બન્યાની રૂએ પાકિસ્તાને ઘણા લાભ મેળવ્યા પણ તાજેતરના સંજોગોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ સૈન્ય પાછું ખેંચી લીધું તે પછી તેને પાકિસ્તાનની લગીરેક પરવા નથી. આતંકવાદીઓ સાથેનો મેળ અને 10.886 બિલિયન ડૉલર્સના તગડા દેવાએ તો પાકિસ્તાનનો દાટ વાળ્યો જ છે પણ રાજકીય અસ્થિરતાએ જાણે ધાર પર ઉભેલાને ધક્કો મારી આપ્યો છે.
ભારતે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સ્તરે સર્વિસ એક્સપોર્ટર તરીકે પોતાનું ખાસ સ્થાન ખડું કર્યું છે તો વૈશ્વિક ટેક્નોલૉજી ડેવલપમેન્ટનો લાભ પણ ભારતે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પોતાના યોગદાનથી મેળવ્યો છે. મિડલ-ઇસ્ટમાં લેબરની નિકાસને કારણે પાકિસ્તાનને પાછળ પાડી દેવામાં ભારતને સરળતા રહી. યુ.એસ.એ. સાથે ભારતના સંબંધો ચોક્કસ સુધર્યા પણ કાશ્મીરને મામલે જે થયું તે પછી વૈશ્વિક સ્તરે ભારતની છબી પ્રત્યે જરા સંદિગ્ધ નજર પણ કરાઇ. જો કે વૈશ્વિક સત્તા મનાતા મજબૂત દેશોએ ભારતને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું જેને લીધે અર્થતંત્ર પાકિસ્તાન કરતાં બહેતર બન્યું.
સામાજિક સ્તરે જોઇએ તો પાકિસ્તાન ગરીબી, નિરક્ષરતા, ભ્રષ્ટ સત્તાધીશો, ફુગાવો, બેરોજગારી, અવ્યવસ્થા, હિંસાના બનાવો, સ્ત્રી પુરુષમાં ભેદભાવ – પિતૃસત્તાક માનસિકતા જેવી સમસ્યાઓથી ભરપૂર છે. લાહોર, કરાચી કે ઇસ્લામાબાદ જેવા છુટાછવાયા શહેરોમાં આધુનિકતાનું એક સ્તર પથરાયેલું જોવા મળે, બૌદ્ધિક અને વૈચારિક કામ કરનારા પણ પાકિસ્તાનમાં છે જ પણ તેની સામે અરાજરકતા ફેલાવનારાઓની સંખ્યા મોટી છે. જે મુસલમાનો અલગ વિચારી શકે છે , કટ્ટરવાદી નથી તેઓ બીજા રાષ્ટ્રોમાં શિફ્ટ થઇ ચૂક્યા છે.
આ સામે ભારતની વાત કરીએ તો આપણે આર્થિક રીતે પાકિસ્તાન કરતાં બહેતર છીએ – બસ એટલું જ. બાકી આપણું અર્થતંત્ર અત્યારે ડામાડોળ છે, બેરોજગારીનો દર પણ વધતો રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો આપણે તળિયે છીએ. આપણે એક રાષ્ટ્ર તરીકે સમજવું રહ્યું કે એક કોમની બીજી કોમ સામે લડાવી મારવાથી મહાન દેશ નહીં બની શકાય. બંધારણીય અધિકારોથી અમુક નાગરિકોની દૂર રાખવાથી દેશનો વિકાસ નહીં થાય. ધ્રુવીકરણનું રાજકારણ આપણને પોસાય તેમ છે જ નહીં. આપણે આસપાસ જોઇ રહ્યા છીએ કે શ્રીલંકાની શું વલે છે તો પાકિસ્તાન કેવી હાલતમાં છે ત્યારે આપણે કૉલર ઊંચા રાખીને ખુશ થવાને બદલે આપણે ક્યાંક આંધળુકિયા કરીને અથવા તો સફળતાના ભ્રામક મદમાં એ સંજોગોમાં ન મુકાઇ જઇએ તેની કાળજી રાખવી જરૂરી છે.
બાય ધી વેઃ
એક તુક્કો એવો કરીએ કે ધારો કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે સંબંધ સુધારવાનું નક્કી કરે તો શું થાય? હા પાકિસ્તાન તરફથી વધુ બદલાવની આવશ્યકતા છે. નૈતિક, સંવેદન, રાજકીય અને વ્યૂહાત્મક રીતે કાશ્મીરનો મામલો બહુ માઠી રીતે બિચકેલો છે પણ શું કેન્દ્ર સરકાર રાવલપીંડી અને ઇસ્લામાબાદના અગ્રણીઓને કોઇ વ્યવસ્થિત ઉકેલની દિશામાં વિચારતા કરી શકશે? શું પાકિસ્તાની વિચારશીલો સત્તાધીશોના હુંકારને અવગણી શકશે?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2022
![]()


ભારતીય લશ્કરની 8th Jammu & Kashmir Light Infantryમાંથી ૩૭ વર્ષની સેવા બાદ ૨૦૧૬ની ૩૦મી સપ્ટેમ્બરે, મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથને હવે પછીનું જીવન કેવી રીતે જશે, એની કોઈ જ કલ્પના ન હતી. લશ્કરી મથકમાંથી માન સન્માન મેળવીને સરકારી ક્વાર્ટરના એર-કન્ડિશન્ડ બેડરૂમમાં સોમનાથને ઊંઘ આવતી ન હતી. પ્રવૃત્તિ સભર કારકિર્દીની વિવિધ ઘટનાઓ તેમના ચિત્તમાં ઉપરતળે થઈ રહી હતી. પણ એ બધાંની વચ્ચે વળી વળીને તેમના બહુ જ વ્હાલા (*)સૂબેદાર નિહાલસિંહની યાદ તેમને સતાવતી હતી. નિહાલસિંહે કારગિલ મોરચે દેશની સેવામાં આપેલું, પોતાના જાનનું સર્વોચ્ચ બલિદાન તેમના દિલને કોરી રહ્યું હતું. ‘આ બધી આરામદાયક સુવિધાઓ અને તગડું પેન્શન, નિહાલસિંહની શહાદતની આગળ ધૂળ બરાબર પણ નથી. એના જેવા હજારો જવાનોની આહૂતિ વિના આ બધી સુખ સગવડો મારા જેવા લોકો શી રીતે ભોગવી શકે?’

વીડિયો –
મહેન્દ્ર મેઘાણી ગયા. ગયા જૂન મહિનામાં તેમણે સોમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને જાણે કે શતાયુ થઈને ઉંમરને જીતવાનું લક્ષ કેમ પ્રાપ્ત કરી લીધું હોય એમ લક્ષ પ્રાપ્ત કરીને તેઓ બાજુએ ખસી ગયા. મહેન્દ્રભાઈ આખી જિંદગી લક્ષ સાથે જીવ્યા અને જરા પણ અહીંતહીં વિચલિત થયા વિના સાતત્યપૂર્વક પોતાના માર્ગે ચાલતા રહ્યા. લક્ષ હતું; ગુજરાતને માણસાઈ કેળવવા માટેનું વૈચારિક ભાથું પૂરું પાડવાનું. સારું વાંચન લોકો સુધી પહોંચશે તો લોકો વિચારતા થશે, શંકા કરતા થશે, પ્રશ્ન પૂછતા થશે, સારાસાર વિવેક કરતા થશે અને આપોઆપ કેળવાશે. પ્રજા નામના છોડને ગ્રીનહાઉસમાં ઉછેરવાનો ન હોય કે તેનાં બોનસાય કરવાનાં ન હોય, તેને મુક્ત રીતે ઉછેરવા દેવો જોઈએ અને તેમાં આપણું કામ ખાતર-પાણી આપવા પૂરતું જ હોય. પ્રજાને વિચારથી વંચિત રાખીને વાડે પુરવાની તો કલ્પના જ અસહ્ય છે.