Opinion Magazine
Number of visits: 9671831
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેન્શન જોઈતું હોય તો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 September 2022

કાવ્યકૂકીઝ

0

તમે માનો કે ની માનો, પણ અ’વે તો અભણો જ

ભણેલાને ભૂ પીવડાવતા છે, જો !

આ માસ્તરો મોટે ઉપાડે જૂનું પેન્શન

માંગવા ગઈલા તે ફાટફૂટ લઈને પાછા આઈવા

એ લોકોએ હમજવું જોઈએ કે અંગ્રેજો ગિયા ઓય

તો હો ડિવાઇડ એન્ડ રૂલ તો અ’જી ચાલતું જ છે

પેન્શન તો બાજુ પર રિ’યું

માસ્તરો વગર ફોગટના કુટાઈ મઈરા

અ’વે પેન્શન તો મલવાનું ઓહે ત્યારે મલહે

પણ અત્તારે તો ગાડું ઘોંચમાં પઈડું જ કે’ની !

એક વાત નોકરિયાતોએ હમજી લેવી જોઈએ

કે નોકરી જ જાં’ પાકી ની ઓય

તાં’ પેન્શન પાકું કાં’થી ઓય?

અ’વે તો નોકરી મલે તો હો બઉ છે

મારો પોઇરો સાયેબને પૂછે કે પેન્શન મલહેકે?

તો સાયેબ કે’ય કે પેન્શન તો મલહે

પણ પગારનું પાકું ની !

ને માસ્તરોનું હું છે કે

આખો વખત નોકરી જ કઇરા કરે

ઉપરથી વસ્તી ગણતરી ને ટીકાકરણ હો કરે

અઈલા જાં’ ટીકા થાય એવું જ ની ઓય

તાં’ ટીકાકરણ કાં’થી ચાલે?

હું છે કે માસ્તરોએ કામ ઘટાડવું જોઈએ

એ હાળા ભણાવવાને બદલે

ઇતરપ્રવૃત્તિમાં જ ગોંધાઈ રે’ય તો

પોઈરાઓ ઉઠાં જ ભણાવે કે બીજું કૈં?

સ્કૂલમાં હાળા માસ્તર ઓછા ને પ્લાસ્ટર વધારે

અ’વે હું છે કે પોઈરાઓ જેમ ની ભણે તેમ

વધારે હારા માર્કે પાસ થાય છે

એટલે હો ભણાવવા હારું

બઉ માસ્તર રાખતા ની મલે

માસ્તર તો અ’વે યુનિયનમાં ઓય તો ઓય

બાકીના સાયેબોને જવાબો લખવા કામ લાગે

જતે દા’ડે માસ્તરો

ટ્યૂશન ક્લાસમાં જોવા મલે તો મલે !

સ્કૂલમાં તો એનું કામ જ ની મલે

બેચાર રાખવા ઓય તો ઠીક છે

કારકૂનીમાં કામ લાગે, બાકી ચાલે !

અ’વે તો લાગે છે, માસ્તરો રોજ પર જ રાખ્ખે

તે હો કલાક પર !

એવું થહે તો જ પેન્શનનું પાકું થહે

તમને અહવું આવે છેને, પણ આ હાચું છે

જો એક વાર ચૂંટણી જીતીએ

ને પાંચ વરહ ભવનમાં બેહીએ તો

એકથી વધારે વખત પેન્શન મલે એમાં ફેર ની

અ’વે પેન્શન એમને આપીએ કે આમને?

એટલે તીહ વરહનો નોકરો કૂટો

તો હો પેન્શન ની મલે એમ બને.

પેન્શન જોઈતું જ ઓય તો ચૂંટણી જીતો

ભલે નોકરી કાચી, પણ પેન્શન તો પાકું  .. .

000

(‘સંદેશ’ની બુધવારની પૂર્તિ)
e.mail : ravindra21111946@gmail.com

Loading

નવરાત્રિ ..! (ગીત)

કવયિત્રી : ભૂમા વશી ~ આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ|Opinion - Opinion|28 September 2022

કાવ્યનો આસ્વાદ ~ 

નવરાત્રિ (ગીત)

સૂરની દેવી સરસ્વતી
ને સૂરના ઈશ સુરેશ
સૂર શબ્દનાં ઝાંઝર રણઝણ,
માએ કર્યો પ્રવેશ

શાંત ઝરૂખે બેસું ત્યાં તો
ઝગમગ દીવા થાય
શબ્દ સૂરની પાયલનાં
ઝરણાં આ વહેતાં થાય
પહેલા ટહુકે, પછી એ બોલે,
કિલકારી પણ થાય
ભીતર થનગન નાચે કોઈ,
ઝળહળ ઝળહળ થાય
ડમરુ લઈને તાલ દઈને,
નર્તન કરે રવેશ
– સૂરની દેવી સરસ્વતી …

મેઘધનુષી રંગોની રંગોળી
અહીં વેરાય
મોરપિચ્છના ટહુકે ટહુકે
અમૃતરસ રેલાય
શ્વેતકમળની પાંખડીઓથી
વેદઋચા વેરાય
સ્પર્શ માત્રથી રૂંવે રૂવે
સૂર બધાં રેલાય
માની આભા જોતાં જોતાં,
પામી કંઈ વિશેષ
– સૂરની દેવી સરસ્વતી ….

                             – ભૂમા વશી

નવરાત્રિ આવે અને માતાજીનાં અર્ચના, પૂજન, આરાધનાનો પર્વ બધાં જ રંગે ચંગે ઉજવે. માતાજીની પૂજા એ શક્તિપૂજા છે. આ શક્તિ ક્યારેક માતૃ રૂપેણ તો ક્યારેક વિદ્યા રૂપે તો ક્યારેક શત્રુઓના વિનાશ કરનારી હોય છે. આપણી હિંદુ ફિલસૂફી પ્રમાણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે. આપણે આ સૌ દેવી-દેવતાઓનું સ્મરણ અને પૂજન કરીને કદાચ આપણી અંદર વસેલી સચ્ચાઈ અને સારપનો ઉત્સવ કરીએ છીએ પણ શક્તિ વિનાની સચ્ચાઈ, સારપ અને સમજદારી અધૂરી રહી જાય છે. નવરાત્રિની ઉજવણી એટલે આપણી અંદર રહેલી – “શક્તિ રૂપેણ સંસ્થિતા” -ની દિવ્ય Awareness –  જાગરૂકતાનો ઉત્સવ.

આપણા પુરાણોમાંના એક, શ્રીમદ્ ભાગવત પુરાણમાં જ્ઞાન (Knowledge) અને વિજ્ઞાન(Science)નો મહિમા બરાબરની હિસ્સેદારીથી કર્યો છે. આપણે જો એ વૈજ્ઞાનિક દૃષ્ટિથી નિહાળીએ તો આ કરોડો દેવી-દેવતા બધાં જ – Permutation & Combinations of Genes – અનેક પ્રકારના જનિન તત્ત્વોના સંયોજન રૂપે દરેક માણસની અંદર, એની ખૂબી-ખામી બનીને જ ગૂંથાયેલા છે. આમ વિચારતાં જ अहम् ब्रह्मास्मिની અદ્ભૂત અનુભૂતિ અચાનક થઈ જાય છે. બ્રહ્મ અને શક્તિનો સંબંધ સૂક્ષ્મ રીતે, બીજું કંઈ નથી પણ જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન જ છે.

માણસની અંદર જે જૈવિક તત્ત્વ (Genetics) છે, એને લૌકિક કે દૈહિક સંદર્ભમાં માત્ર બહારના દેખાવથી ન મૂલવીએ તો આત્માના અલૌકિક ને પારલૌકિક તત્ત્વને જોવા માટે ને એની અનુભૂતિ માટે મનની આંખો ખૂલી જાય છે અને દિવ્ય દર્શનની અનુભૂતિ અનાયાસે થઈ જાય છે. પણ, આ દર્શનને પચાવવા સમજદારી સ્વરૂપે શક્તિની અને વિવેકબુદ્ધિ સ્વરૂપે શિવની કૃપા હોવી ખૂબ જરૂરી છે. આમ તો શિવ ભલે સંહાર-વિસર્જનના દેવતા ગણાય છે પણ વિનાશ કે સંહાર કરતા સમયે સૌથી વધુ વિવેક જાળવવાની ક્ષમતા અને સમતા હોવી આવશ્યક છે. બ્રહ્મા સર્જન કરે અને ક્યારેક એ સર્જન સહેજ નબળું પણ થઈ જઈ શકે, તો વિષ્ણુના શિરે જે પણ સર્જન થયું હોય એને નિભાવવાની અને સુધારવાની જવાબદારી આવી જાય છે. પણ શિવ? એને માથે તો દરેક સર્જિત જીવને એનાં કર્મો પ્રમાણે વિલય પમાડવાની જે જવાબદારી છે એમાં જો જરાકે વિવેક ચૂકી જવાયો તો? તો, તો, વિશ્વમાં કેવી અંધાધૂંધી તથા “શત્ મુખ વિનિપાત્”ની સ્થિતિ થઈ જાય!

નવરત્રિમાં શિવ અને શક્તિ બેઉનો મહિમા ગવાય છે, જે આપણને યાદ અપાવે છે કે વિવેકહીન શક્તિ અને શક્તિહીન વિવેક, બેઉ એકબીજા વિના અપંગ છે. Genetics – જનિન તત્ત્વોના સંયોજનના પરિપ્રેક્ષ્યમાં આ વાત કેટલી સચોટ છે!

શક્તિની ઉપાસના અનેક દેવીના રૂપમાં કરાય છે. મા સરસ્વતી, વિદ્યાની શક્તિ પ્રદાન કરનારી મા સરસ્વતી સૂર અને શબ્દોની દેવી છે.

અને સુરેશ એટલે કે સુર-દેવોના ઈશ્વર, ઈન્દ્રદેવને પણ સ્મરી લેવાય છે.

સુરેશ- ઈન્દ્રને યાદ કરીને એના દરબારમાં વહેતા સૂર અને ગીત-સંગીતનો મહિમા બહુ સિફતથી કવયિત્રી કરી જાય છે.

સૂર, શબ્દો અને સંગીતના ઝાંઝરને રૂમઝુમ કરતી શ્વેતાંબરા સરસ્વતી મનોજગતમાં વિરાજે તો જીવન ન્યાલ થઈ જાય! દેવી સરસ્વતીની કૃપા પામવા માટે અંતરમાં જ્ઞાનવિજ્ઞાનને પામવાની આરત હોવી જરૂરી છે. આ આરતની પરાકાષ્ઠા મનના બધાં જ સંતાપને શાંત કરી દેવાય તો જ થાય છે. જ્ઞાનની, વિદ્યાની દેવી, સરસ્વતીની આગતાસ્વાગતામાં શાંતિની શક્તિ ન હોય તો એની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી. આ બહુ મોટી વાત કહી છે. આ સાથે જે અધ્યાહાર રહ્યું છે તે એ છે કે મનની શાંતિ સાથે વિદ્યાની દેવી પ્રસ્થાપિત તો થાય છે, પણ, એના કાયમી નિવાસ માટે મનમાંથી અહંકાર ખેરવી નાખવો પડે છે અને નમ્રતા કેળવવી પડે છે. કારણ, જ્ઞાનને રોમરોમ Assimilate – આત્મસાત કરવા માટે કે પચાવવા માટે નમ્રતા હોવી આવશ્યક છે. મનની પરમ શાંતિની જેમ જ, નમ્રતા – Humblenessથી મોટી શક્તિ બીજી નથી અને એક શક્તિ જ બીજી શક્તિના ધોધને સહજતાથી ઝીલી શકે ને?

અહીં બહાર બતાડવાની કે દેખાડાની નમ્રતાની વાત નથી પણ, અંતરથી નમ્રતા અનુભવીને, દેવી સરસ્વતીની કૃપા ઝીલી લઈને, એની સેવામાં સમર્પિત થવાની વાત છે. એકવાર આ સમર્પણ થઈ જાય પછી બહારના કાવાદાવા અને એકમેકને ઊંચા-નીચા દેખાડવાના વરવાં પ્રદર્શનોની (કુ)ઈચ્છાશક્તિથી નિર્લેપ થઈ જવાય છે.

હવે આંખ મીંચીને એ દૃશ્ય મનમાં ખડું કરી જુઓઃ – ‘મનના ઝરુખામાં જઈ શાંત બેઠાં હોઈએ, મા સરસ્વતીના આશિષના, કૃપાના, બારે કોઠે દીવા પ્રગટ્યા હોય, ક્યારેક શબ્દ, સૂર અને સંગીતની પાયલની રૂમઝુમનો રવ નિર્મળ ઝરણાંનો કલરવ બની અત્ર, તત્ર, સર્વત્ર વહેતો હોય તો ક્યારેક એ મુક્ત પંખીના ટહુકા બનીને રોમરોમમાં વ્યાપી જતો હોય…!” પછી તો “ન દીન, હૈ, ન દુઃખ હૈ, ન સુખ હૈ, ન દુનિયા – સિર્ફ મૈં હું સિર્ફ મૈં…..!”ની અનુપમ અનુભૂતિ બાકી રહી જાય છે.

આચાર્ય રજનીશ કહે છે તેમ, “આ ‘હું’ તત્ત્વને અહમ્‌થી અલગ કરીને ઈશ્વરના અંશ તરીકે જોશો તો એક આખું અનંત બ્રહ્માંડ ઉઘડી જશે.”

અહીં અનાયસે નરસૈયો યાદ આવી જાય છે કે “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે!”

જ્યારે આ બ્રહ્મ અને ‘હું’ (‘અહમ્‌’ રહિતનો) એક બની જાય છે ત્યારે અંગેઅંગ આનંદ, નૃત્ય બનીને નીતરે છે. દેવી સરસ્વતીના શક્તિપ્રપાત સાથે શૈવ તત્ત્વ ત્રીજી આંખ બનીને ખૂલી જાય છે અને અંતરમાં એક Liberation – બંધનમુક્તિની પ્રતીતિ થાય છે.

આ પ્રતીતિ એકવાર થઈ જાય પછી તો એ શૈવતત્ત્વનું ડમરું એક અનોખા લય અને તાલ સાથે આત્મામાં વાગતું રહે છે અને આ નશ્વર દેહ સ્વયં જ રવેશ બની જઈને નર્તન કરવા માંડે છે.

આવી સ્થિતિ જો કાયમ રહે તો એ જ સદેહે પામેલી સમાધિ અને પરમ મુક્તિ બની જાય છે. આ છે શિવ અને શક્તિના સાયુજ્યથી નીપજતો પરમ આનંદ, જેની આગળ ન કશું છે, ન પાછળ કશું છે.

“બસ, એક અદ્વૈત બ્રહ્મ છે અને હું છું …!
તારી સીમા ક્યાં ય નથી,
અને સીમાહીન તારી સંગે વિસ્તરેલી હું છું ..!”

આમ બધી સીમાઓની પેલે પાર, મેઘધનુષો રંગોની રેલમછેલ કરી રહ્યાં હોય અને સૂર-સંગીત વાતાવરણમાં મહેકી રહ્યાં હોય, ત્યાં જો મોરપિચ્છધારી શ્રીકૃષ્ણની વાંસળીના સૂરોનું માધુર્ય મમતા બનીને વરસી ન રહ્યું હોય તો જ નવાઈ!

બંસીધર શ્રીકૃષ્ણ, શક્તિ ને શિવ જ્યાં પરસ્પર સંગ હોય ત્યાં બસ, અહમ્‌ ઓગળે જ છે અને વેદવાણીનું નવનીત જિહ્વા પર વસી જાય છે. એ પાવન ક્ષણે પછી બધી જ ઐહિક અને દૈહિક ઈચ્છાઓ ખરી પડે છે.

આ કાવ્ય થકી ‘પેલે પાર’ના દ્વાર આપણા જેવા સંસારીઓ માટે કદાચ ન પણ ખૂલે, છતાં પેલે પાર શું હશે એ માટેની એક જિજ્ઞાસા તો આ ગીત જરૂર જન્માવી જાય છે. આત્મા થકી આત્માને પામવાની સુષુપ્ત અને અદમ્ય ઝંખના ન હોય તો આવું કાવ્ય લખી જ ન શકાય.

ડૉ. ભૂમા વશીને આ પારલૌકિક અનુભૂતિને કવિતામાં સુંદર રીતે સજાવવા બદલ ખૂબ અભિનંદન.

એમની કલમ વધુ ને વધુ સજ્જતા કેળવતી જાય એવી જ શુભેચ્છા.

***

September 25, 2022
e.mail : jayumerchant@gmail.com

Loading

શરીરનાં માપનાં કપડાં હોય કે કપડાંનાં માપનું શરીર?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 September 2022

આજના સમયમાં જે કેટલુંક વિચિત્ર ચાલી રહ્યું છે એ ચિંતા ઉપજાવનારું છે. ચિંતા એ વાતે પણ થાય છે કે કોઈને કશું ખોટું થઈ રહ્યું છે એવું તો લાગતું જ નથી ને કરુણતા એ છે કે ખોટું એટલું ચાલે છે કે સાચું પણ ખોટું લાગવા માંડે. જે પ્રકારનું છીછરાપણું તમામ ક્ષેત્રોમાં આજકાલ દેખાય છે તે પરથી તો એવું લાગે છે કે અસત્ય જ સત્ય છે, અપ્રમાણિકતા જ પ્રમાણિકતા છે, અનીતિ જ નીતિ છે. રાજકારણથી માંડીને સમાજકારણ સુધીના તમામ સ્તરે એટલી હદની ભ્રષ્ટતા ફેલાઈ છે કે ક્યાં ય થોડી પણ સચ્ચાઈ કે અચ્છાઈ નજરે પડે છે તો આનંદ થાય છે. આખી દુનિયા ખોટા ભપકા ને દેખાડામાં એવી ગળાડૂબ છે કે દરેક સંબંધ ગ્રાહક-વેપારીનો સંબંધ થઈને જ રહી ગયો હોય એવો વહેમ પડે છે. ઇરાદો લૂંટવાનો હોય, પણ દેખાવ એવો હોય કે બધાં જ આપણું હિત ઈચ્છે છે. આપણામાં સારા-ખરાબની પરખ જ રહી ન હોય તેમ બધાં જ આપણને સલાહ આપે છે કે અમુક જ કરો કે તમુક તો ન જ કરો. સાબુ કયો વાપરવો તે કંપનીઓ નક્કી કરે છે, ફેરનેસ ક્રીમ કયું સારું તેની કોઈ ખાતરી કર્યાં વગર દેખાદેખી જ આપણે એ ખપમાં લેતાં રહીએ છીએ. કઈ સીઝનમાં શું પહેરવું, કયું બોડી લોશન કઇ સીઝનમાં વાપરવું જેવી એટલી સલાહો જાહેરાતોમાં અપાય છે કે વાત ન પૂછો. શરીર દેખાવમાં કઇ કઇ રીતે સારું લાગે તેને માટે એટલી જાહેરાતો આંખ સામે ખડકાતી રહે છે કે જોનારને લઘુતાનો જ અનુભવ થાય. એમ લાગે છે કે જાણે આપણામાં કૈં નથી ને જે છે તે જાહેરાતોમાં જ છે. એમાં તનની જેટલી વાતો છે, એની જેટલી કાળજી લેવાય છે એટલી મનની લેવાતી નથી. જગતમાં સારું બધું જાહેરાતોમાં જ બચ્યું હોય તેમ બધું સુંદર તો એમાં જ દેખાય છે ને વાસ્તવિકતા એટલી વરવી છે કે ઘણીવાર તો પીડાવાનું જ સામે આવે છે. જાહેરખબરનું આટલું જોર આપણી બેવકૂફીને આભારી છે એવું નથી લાગતું? નબળી વસ્તુ ખપે છે એમાં આપણો ફાળો ઓછો નથી. વસ્તુનો ઉપાડ ધારવા જેટલો ન થાય તો જાહેરાત થાય જેથી વધુ ઉપડે કે બહુ ઉપડે તો વધુ ખપાવવા પણ જાહેરાત થાય. આમ તો જાહેરાત આપણા ખર્ચે ને જોખમે જ થતી હોય છે. આપણે એટલા અંધ છીએ કે જાહેરાતને સાચી માનીને ખરીદતાં રહીએ છીએ ને પરિણામ મોટે ભાગે છેતરાવામાં જ આવતું હોય છે.

આમ તો જેણે જેની જાહેરાત કરવી હોય તે કરી જ શકે છે ને જેણે જે વસ્તુ જાહેરાત જોઈને કે જોયા વગર ખરીદવી હોય તે ખરીદી જ શકે છે, પણ જ્યાં લોકોને છેતરવાનો ને લોકોને નુકસાન થાય એ રીતે પરાણે ખેંચવાનો પ્રયત્ન થાય છે ત્યાં લાલબત્તી ધરાવી જોઈએ એટલું જ કહેવાનું છે. મોટે ભાગના લોકો અક્કલ બાજુ પર મૂકીને આંધળું અનુકરણ કરતાં હોય ત્યારે તેની દયા જ ખાવાની રહે. એક દાખલાથી આ વાત જોઈએ. કોઈ પૂછે કે તમે કપડાં કોની પાસે સિવડાવો છો? તો તમે કહેશો ટેલર પાસે. તમે કપડું આપો ને દરજી માપ લે ને તે પ્રમાણે કપડાં સીવે એમ બને, પણ કોઈ કપડાં લઈ જાય ને દરજીને કહે કે આ માપનું શરીર સીવી આપો તો દરજી એની વાત માનશે? નહીં માને, પણ આવું નથી જ થતું એવું નથી. થાય છે, થવા લાગ્યું છે. સાધારણ રીતે આજકાલ ટાઈટ જિન્સ પહેરવાની ફેશન છે. પેન્ટ એટલું ફિટ હોય કે પગ નીકળી આવે, પણ પેન્ટ ન નીકળે, તો સવાલ થાય કે આટલું ફિટ પહેરવાની જરૂર ખરી? આવું પહેરવાથી આનંદ આવતો હશે કે કેમ તે તો પહેરનાર જાણે, આવું ગમે છે એટલે પહેરાય છે, એવું પણ ઓછું જ છે. મોટે ભાગે તો આ બધું બીજાને દેખાડવા થાય છે. ખાસ કરીને આપણે શરીર ઢાંકવા કપડાં પહેરતાં હોઈએ છીએ, પણ હવે એવું લાગે છે કે શરીર ઉપસે એ રીતે કપડાં પહેરવાનો ટ્રેન્ડ ચાલે છે. આ ક્રેઝ કદાચ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. લાગે છે તો એવું કે તે શરીર દેખાડવા કપડાં પહેરે છે. કપડાં એવી રીતે પહેરવાની ફેશન છે કે શરીરનો આકાર તંતોતંત ઉપસે. પ્રગટે. એ પણ માની લઇએ. કોઈને શરીર પ્રગટ કરવાની ઈચ્છા હોય ને તે તેવું પહેરે તો ભલે, તેમ ! પણ ફિટ કપડાંમાં શરીર પૂર્યું ન પુરાય ને બહાર દેખાવા તસતસી ઊઠે તો સ્વસ્થ રહેવાં કપડાં થોડાં ઢીલાં કરાય ને ! તેને બદલે કપડાંમાં શરીર ખોસવા, તેને કપડાંનાં માપનું કરાય એમાં અક્કલ વપરાતી હોય એવું લાગે છે? શરીરની સર્જરી કરીને તેને કપડાંનાં માપનું કરાય ત્યારે એવું કરનારા પર હસવું કે રડવું તે સમજાતું નથી.

કેટલીક સ્ત્રીઓ સરસ ફિગર ધરાવતી હોય છે, છતાં તે ટાઈટ કપડાં પહેરવામાં સંકોચ અનુભવે છે. તેનું કારણ એ છે કે એમ કરવા જતાં કપડાં પર અંગોના આકાર ઉપસી આવે છે ને એને કારણે તે સંકોચ અનુભવે છે. આ સંકોચ નિવારવા તે શું કરે છે? કપડાં ઢીલાં નથી કરતી, પણ જે ભાગ ઉપસી આવે છે તેની સર્જરી કરાવે છે. કેટલીક યુવતીઓ તો અંગોના આકાર ઉપસે એટલે જ ટાઈટ કપડાં પહેરતી હોય છે ને કમાલ એ છે કે આકાર ઉપસે છે તો સંકોચ અનુભવે છે ! એમાં હદ તો ત્યારે થાય છે કે એ આકાર ન ઉપસે એટલે એ કોસ્મેટિક સર્જરી કરાવે છે. ડોકટરો એવી સર્જરી કરે પણ છે. એ ડોકટરો સ્ત્રીઓને સમજાવી શકે કે સર્જરી કરવા કરતાં થોડાં ઢીલાં કપડાં પહેરવામાં કોઈ નુકસાન નથી. આમ પણ બહુ ટાઈટ કપડાં શરીરને માટે લાભદાયી નથી, પણ એવી સલાહ આપવાને બદલે ડોકટરો સર્જરી કરતાં હોય છે. એ ખરું કે જિમનાં કપડાં, સ્વિમિંગ કોસ્ચ્યુમ્સ વગેરે … ટાઈટ હોય છે ને યુવતીઓ વધુ હેલ્થ કોન્શિયસ થઈ હોય તો પણ, કપડાંનાં માપનું શરીર કરવાનું તો ભેજામાં ઉતરતું નથી. કપડાંનો ટ્રેન્ડ બદલાય એટલે શરીરને કાપીકૂપીને સરખું કરવાની વાત તો ક્રૂર માનસિકતાનો જ પડઘો પાડે છે. શરીરની કોઈ તકલીફ હોય અને કપડાં માટે નહીં, પણ શરીર માટે સર્જરી કરવી પડે તેનો તો શો વાંધો હોય, પણ શરીરનો ઉભાર ટાઈટ કપડાંને લીધે દેખાતો હોય તો કપડાં બદલવાં એ વધારે બુદ્ધિગમ્ય છે, નહીં કે તેને માટે શરીર બદલવું કે સર્જરી કરાવીને શરીરનો કુદરતી આકાર બગાડવો.

તબીબી કારણોસર સર્જરી કરવી જ પડે તેનો તો કોઈને જ વાંધો ન હોય, પણ કપડાં બદલવાથી જ ચાલી જતું હોય ત્યાં પેશન્ટ્સને સર્જરી માટે પ્રેરવામાં માનવીય અભિગમ જણાતો નથી. તેને ‘સેલ્ફ એનહાન્સમેન્ટ’ કે ‘સેલ્ફ એસ્ટીમ’ને નામે કોઈ ઘેલછાને તો પ્રોત્સાહન નથી અપાતું ને તે પ્રમાણિકતાપૂર્વક જોવાનું રહે. વધારે સાચું તો એ છે કે આ બધું ફેશન દાખલ, હાઇફાઈ કલ્ચરના દેખાડવા થતું હોય છે ને એમાં ઘણું એવું છે જે જરા ય અનિવાર્ય નથી. જ્યાં કશુંક અનિવાર્ય જ હોય ત્યાં કશું કહેવાનું નથી. શરીરને સપ્રમાણ રાખવા જે કરવું પડે તે તો ઠીક છે, પણ કપડાંનાં માપનું શરીર કરવાનું, ફેશન દાખલ સર્જરી કરાવવાનું ભૂત ઉતરવું જોઈએ. સ્ત્રીઓ ગામડાંમાં પણ રહે જ છે ને ટાઈટ કપડાં વગર કે તેને અંગેની સર્જરી કરાવ્યા વગર પણ તે સહજ અને સહજીવન જીવે જ છે. આવી ફેશન વગર તે કૈં કાચું ખાતી નથી. એ જો શક્ય હોય તો શહેરની, ખાસ તો મેટ્રો સિટિઝની સ્ત્રીઓ આધુનિક દેખાવા આમ ઘેલી થાય તે ખરેખર પુનર્વિચારને પાત્ર છે. કમ સે કમ એને તબીબોએ અનિવાર્ય નહીં એવાં કારણોસર પ્રોત્સાહિત ન જ કરવી જોઈએ. આ સર્જરી જોખમી નથી, તેની ખાસ આડઅસર નથી, છતાં તબીબો તેને પ્રોત્સાહિત ન કરે એટલી અપેક્ષા સહેજે રહે. જ્યાં જરૂરી છે ત્યાં આવી સર્જરી ભલે થાય, પણ કપડાંનાં માપનું શરીર કરવાની વાત ફેશન પૂરતું જ મહત્ત્વ ધરાવતી હોય ત્યાં ડૉક્ટર તરફથી કોઈ પણ પ્રકારનું ઉત્તેજન પેશન્ટને ન અપાય એટલું જોવાવું જોઈએ. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 25 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,3761,3771,3781,379...1,3901,4001,410...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved