Opinion Magazine
Number of visits: 9671266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પાક વિરોધી પ્રવૃત્તિઓ ન કરી શકે એમ જ ભારતમાં રહેતા મુસ્લિમો પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓ ન જ કરી શકે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 September 2022

કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બર ને બુધવારે સવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પી.એફ.આઈ.) પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકતાં જ, પી.એફ.આઈ. સંગઠનને વિખેરી નાખવાની જાહેરાત કરવામાં આવી છે. પી.એફ.આઈ.ના સ્ટેટ જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તારે એમ જણાવ્યું છે કે પ્રતિબંધ મુકાયાના થોડા કલાકમાં જ અમે આ સંગઠન વિખેરી નાખ્યું છે. સેક્રેટરીએ એવો ખુલાસો પણ કર્યો કે અમે ત્રણ દાયકાથી સમાજના વિકાસનું કામ કરી રહ્યા હતા, પણ કાયદા સાથે બંધાયેલા હોવાથી આ સંગઠન વિખેરી નાખીએ છીએ. જો કે, સમાજના વિકાસનું એવું કયું કામ આ સંસ્થા કરતી હતી તેની ખબર પડી નથી, પણ પ્રતિબંધ સમાજના વિકાસને કારણે નથી મુકાયો તે કહેવાની જરૂર નથી. એ પણ છે કે સંગઠન, પ્રતિબંધને કાનૂની રીતે પડકારવાના મૂડમાં નથી એટલે પ્રતિબંધ ન મુકાવો જોઈતો હતો ને મુકાયો છે, એવું લાગતું નથી, નહીં તો સંગઠન વિરોધ ન કરવા જેટલું વિવેકી તો ક્યારે ય રહ્યું નથી. પી.એફ.આઈ. પ્રતિબંધિત થાય કે વિખેરાય, તે, તે સંસ્થા પૂરતું સ્વીકારવાનો વાંધો નથી, પણ તેથી નવું સંગઠન સ્થાપવાના માર્ગો બંધ થઈ જતાં નથી એ પણ ખરું.

પી.એફ.આઈ. પણ એ જ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. બાબરી ધ્વંસ પછી આતંકી ઈરાદાઓ પાર પાડવા 1994માં કેરળમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ(એન.ડી.એફ.)ની સ્થાપના થઈ. એ સંસ્થા બીજા રાજ્યોમાં પણ ફેલાઇ. 2003માં કોઝિકોડમાં આઠ હિન્દુઓની હત્યા થઈ. એમાં એન.ડી.એફ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. વધારામાં એનો એક છેડો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સુધી લંબાયાની વાત પણ હતી. એમાં વધુ સંડોવણી બહાર આવે તે પહેલાં 2006માં, દિલ્હીમાં, એન.ડી.એફ. અને દક્ષિણની બીજી ત્રણેક સંસ્થાઓની મીટિંગ મળી અને મૂળ સંસ્થાને વિકલ્પે નવી સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો વિચાર વહેતો થયો. પી.એફ.આઈ. ઉપરાંત સરકારે બીજા આઠ સંગઠનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)ની સઘન તપાસમાં એ બહાર આવ્યું છે કે પી.એફ.આઇ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન સાથે પણ તેનાં તાર જોડાયેલા છે ને પી.એફ.આઇ.ના ઘણા સભ્યો અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાકના આતંકવાદીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત દેશમાં કેટલીક પ્રવૃત્તિઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોની દોરવણી હેઠળ આ સંગઠનનાં નેજા હેઠળ ચાલે છે, જેનો હેતુ ભારતમાં રહેતા મુસ્લિમોને દેશ વિરુદ્ધ ઉશ્કેરવાનો છે. એને માટે મુસ્લિમ યુવકોનો દુરુપયોગ થાય છે, એવું કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ માને છે. એ ઉપરાંત પી.એફ.આઈ.ના સંસ્થાપક સભ્ય સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી)ના નેતા રહ્યા છે. વિદેશી સ્રોતો પાસેથી પૈસા મેળવી આતંકી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ આ સંસ્થા દ્વારા થતો હતો એવી વાત પણ છે. સૌથી વધારે આઘાતજનક તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સંસ્થાના નિશાના પર હતા ને 12 જુલાઈએ તેમની હત્યા કરવાનો આ સંગઠનનો મનસૂબો હતો. ઇ ડી એ કોર્ટમાં કહ્યું છે કે બિહારની રેલીમાં હુમલો કરવાનું કાવતરું હતું. એને માટે કેરળમાં હુમલાની ટ્રેનિંગનો કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આવું હોય તો શિક્ષાત્મક પગલાં સરકારે ભરવાં જ જોઈએ ને તે તેણે ભર્યાં છે.

આ બધું થતાં 22 સપ્ટેમ્બરે એન.એફ.આઈ. અને ઇ.ડી.એ 15 રાજ્યોમાં પી.એફ.આઈ.ના 93 સ્થળે ‘ઓપરેશન ઓકટોપસ’ હેઠળ દરોડા પાડયા. દરોડા દરમિયાન પી.એફ.આઈ.ની વિરુદ્ધ પુરાવાઓ મળ્યા. રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં તે ફેલાયેલું સંગઠન છે. તેની પાસે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સમિતિઓ છે. તેનાં સભ્યો ચૂંટણીઓ દ્વારા ચૂંટાય છે. તપાસ દરમિયાન સેંકડોની ધરપકડ પણ થઈ છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મુકાતાં કાઁગ્રેસ સહિત વિપક્ષોએ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ખરેખર તો પી.એફ.આઈ. અને અન્ય સંસ્થાઓની સ્થાપના કાઁગ્રેસી શાસન કેન્દ્રમાં હતું તે દરમિયાન થઈ હતી. એ વખતે કાઁગ્રેસે આવી સંસ્થાઓ પર રોક ન લગાવી, પરિણામે દેશમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા ને અનેક નિર્દોષોનાં લોહી રેડાયાં. કેટલાંક મુસ્લિમો આ વાત જાણે છે ને કહે છે કે આવી પ્રવૃત્તિઓને લીધે યુવકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. પી.એફ.આઈ.એ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોને લશ્કર અને આઈ.એસ.આઈ.એસ. જેવાં આતંકી સંગઠનોમાં જોડાવા પ્રોત્સાહિત પણ કર્યાં છે. એ જ કારણ છે કે અજમેર દરગાહના દીવાન ઉપરાંત ઘણાં મુસ્લિમોએ અને રાજ્યોએ પી.એફ.આઈ. પર મુકાયેલ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મૂકવાની વાત તો આસામ, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોએ કરી હતી.

એમ લાગે છે કે બાબરી ધ્વંસ પછીની મુસ્લિમોની આ પ્રતિક્રિયાઓ ત્રીસ વર્ષ પછી પણ શમતી નથી. કાઁગ્રેસી શાસનની કહેવાતી બિનસાંપ્રદાયિક રીતિ-નીતિઓની આડમાં કટ્ટરતા ઉછરતી આવી છે. આ ઉછેર દક્ષિણનાં રાજ્યોમાં વિશેષ થયો છે. પી.એફ.આઈ.નો જન્મ અને વિકાસ પણ કેરળમાં જ થયો છે. એને લીધે દક્ષિણી રાજ્યોમાં કટ્ટરવાદ કદાચ વધારે વકર્યો છે. બધા મુસ્લિમો કટ્ટર છે એવું નથી, પણ જે નથી એમને કટ્ટર બનાવવાનું કામ આવી સંસ્થાઓ કરતી રહે છે ને તેનું માર્ગદર્શન પાકિસ્તાની સંગઠનો પૂરું પાડે છે. કેટલા ય હિન્દુઓ ભા.જ.પ. સરકારની રીતિનીતિઓથી સંતુષ્ટ નથી, છતાં તેમને વિદેશી શત્રુઓને શત્રુતા વધારવામાં આમંત્રણ આપવાનું કદી નહીં સૂઝે, પણ કેટલાંક સંગઠનોને વિદેશી સહાય મેળવીને અહીં જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિકસાવવાનું ફાવે છે એ શરમજનક છે. પાકિસ્તાન જેવું અધમ રાષ્ટ્ર આ ધરતી પર બીજું નથી. તેનું અસ્તિત્વ પોતાને માટે તેમ જ અન્ય રાષ્ટ્રો માટે કદી ઉપકારક રહ્યું નથી. તે માંદું અને વિકૃત રાષ્ટ્ર છે. પોતે પોતાનું પૂરું કરી શકે એમ નથી એટલે ભારત સાથે તે શત્રુતા વધારીને ટકવા મથે છે. તેની મૈત્રી હંમેશાં દગાખોરીનું જ બીજું નામ રહી છે. વિશ્વમાં આતંક ફેલાવનાર તે એક માત્ર કાયર રાષ્ટ્ર છે. ભારતમાં જેટલા પણ આતંકી હુમલા થયા છે તેમાં તે સીધું સંડોવાયેલું છે. માત્ર ભાગલા વખતે થયેલા નરસંહારમાં  જેટલા હિન્દુઓ મર્યા તેટલા યુદ્ધ વગર સ્વતંત્રતાને નામે મર્યા નથી. પાકિસ્તાન હરામનું જ શોધતું પરોપજીવી રાષ્ટ્ર છે. તે અમેરિકા કે રશિયા કે ચીનના ખોળા બદલતું મતલબી રાષ્ટ્ર છે ને એને માટે તે ભારતની સરહદે સતત ઉપદ્રવ કરતું રહ્યું છે. પી.ઓ.કે. એ ભારતની ઉદારનીતિનું પરિણામ છે. ખરેખર તો તે આંચકી લેવાની જરૂર છે. તેને નક્શા પરથી દૂર કરી શકાય તો બને કે ભારતના મુસ્લિમો ભારત સંદર્ભે વિચારતા થાય. ઘણા મુસ્લિમોએ ભારતને પોતાનું રાષ્ટ્ર માન્યું છે, પણ કેટલાક મુસ્લિમો ભારતની ભૂમિ પર વસીને પાકિસ્તાનની વફાદારી દાખવે છે. એમણે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું છે. એ બધાં એમાં શું ખાટી જવાના છે તે તો તેઓ જાણે, પણ એ દેશહિતમાં નથી વિચારી રહ્યા એટલું નક્કી છે. 75થી વધુ વર્ષથી એઓ અહીં રહે છે, અહીંનું ખાય છે, પણ અહીંના થઈ શક્યા નથી. એ કેટલાં વર્ષો પછી અહીંના થશે તે નથી ખબર. આ બેવડી જિંદગી, નથી એમને અહીંના કરી શકતી કે નથી તો એ બીજે વસી શકતા. એને લીધે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. બીજી કોઈ લઘુમતી કોમને હિન્દુઓ જોડે પ્રશ્નો નથી. માત્ર કેટલાંક મુસ્લિમો નથી ઇચ્છતાં કે અહીંની પ્રજા સંપીને રહે. એમ કરવાથી એમના હાથમાં શું આવતું હશે, તે નથી ખબર, પણ અહીંની પ્રજા આતંકી ઓથાર વચ્ચે જીવે છે તેની ના પાડી શકાશે નહીં.

એ અત્યંત શરમજનક છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓ આ દેશમાં વિકસીને અહીં જ એની ઘોર ખોદે છે. આવું તો ભારતમાં જ બને. કોઈ દેશ લોકશાહીને નામે રાષ્ટ્ર વિરોધી આટલી હિંસક પ્રવૃત્તિઓ ન જ ચાલવા દે. પાકિસ્તાનમાં ત્યાંના હિન્દુઓ ભારતનું હિત ઇચ્છતી કોઈ સંસ્થા સ્થાપે તો પાકિસ્તાન તે ચાલવા દેશે? તો, અહીંના મુસ્લિમો ભારત વિરોધી, પાક પ્રેરી કોઈ સંસ્થા સ્થાપી જ કેવી રીતે શકે? લોકશાહી દેશમાં એવું ચાલે એવું ઘણા કહે છે, પણ લોકશાહીને નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ સ્થપાય તો તેને નિર્મૂળ કરવાનું કર્તવ્ય પણ લોકશાહી સરકારે બજાવવાનું રહે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ  ઈન્ડિયા પર પ્રતિબંધ મુકાયાની વાત હજી ચાલે જ છે ત્યાં પાકિસ્તાનને સૈન્યની માહિતી પૂરી પાડનારો જાસૂસ અમદાવાદથી પકડાય છે. કાલુપુરથી પકડાયેલા જાસૂસ અબ્દુલ વહાબ પઠાણની, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસરને સીમકાર્ડ પૂરા પાડવા બદલ ધરપકડ થઈ છે. એ અત્યંત દુ:ખદ છે કે 75 વર્ષથી વધુ સમય ભારતને સ્વતંત્ર થવાને થયો છતાં કેટલાક મુસ્લિમો આ દેશના થઈ શક્યા નથી ને દુશ્મન દેશની વફાદારી દાખવે છે. એમને શું કામ બક્ષવા જોઈએ તે કોઈ કહેશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૧૨) : સહૃદયો કે તકવાદીઓ?

સુમન શાહ|Opinion - Literature|29 September 2022

દરેક સજીવ, ખાસ તો માણસ, પોતાના પગ પર ઊભો રહીને જીવે છે. એટલી જમીન તત્કાળ પૂરતી એની હોય છે. એમાં એ ઉપકારક કેન્દ્ર ઊભું કરે છે, ત્યાંથી એના હેતુ પ્રમાણેની ત્રિજયાઓ અને ત્રિજ્યાઓ પ્રમાણેનાં વર્તુળો રચાય છે. ત્રિજ્યા અને તેથી રચાયેલા કોઈપણ વર્તુળનું ચાલક-નિયામક બળ, હેતુ છે.

લગભગ એ જ પ્રમાણે, સર્જક સાહિત્યકાર પોતાના પગ પર ઊભો હોય છે. એ જો સાહિત્યશાસ્ત્રીઓની, ધંધાદારી વિવેચકોની કે અધકચરા અધ્યાપકોની મનઘડંત માન્યતાઓના ટેકે ઊભો હશે તો એક દિવસે ગબડી પડશે. કેમ કે એઓ બધા વ્યવસાયમજબૂર હોય છે ને એમની માન્યતાઓ માન્યતાઓ હોવાથી એમાંથી તેઓ ગમે ત્યારે ખસી જઈ શકે એવા યુક્તિબાજ હોય છે. ન તો તેઓ વિશ્વસનીય, ન તો એમની માન્યતાઓ.

સર્જકને કાખઘોડી ન પાલવે. પડી ગયા પછીયે એ જાતે ઊભો થઈ શકવો જોઈએ, થાક્યા પછીયે દોડી શકવો જોઈએ.

સર્જનને સર્જન સિવાયનો કોઈ હેતુ હોતો નથી. ઇમાન્યુએલ કાન્ટની વાતને સમજનારા સૌ સુજ્ઞો જણાવે છે કે સર્જનમાં તો હેતુ વિનાની હેતુતા હોય છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.

વાહવાહીગ્રસ્ત.

Pic courtesy : Depositphotos

હેતુ કીર્તિનો હશે તો ત્રિજ્યા એટલી જ લંબાશે, વર્તુળ એટલું જ રચાશે. કીર્તિના બે પ્રકાર છે : એક પ્રકાર ચન્દ્રક ઇનામ ઍવૉર્ડનો છે અને બીજો સહૃદયોના આહ્લાદજન્ય સ્વીકાર અને આવકારનો છે.

પહેલો પ્રકાર રાજકારણથી રંજિત છે. એ માટેની શરત એ છે કે સર્જકને લાગવગ, લાગવગ-વિસ્તાર, જીહજૂરી અને શરણાગતિનાં લેખાંજોખાં આવડતાં હોવાં જોઈએ.

કીર્તિનો બીજો પ્રકાર સ્વયંભૂ છે, એ માટે સર્જકે કલા સરજ્યા પછી કંઈ જ કરવાપણું હોતું નથી.

કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ કાફ્કા કે ગોવર્ધનરામ લખતા થયા તે દિવસે મહાન ન્હૉતા, કાળક્રમે વધતા રહેલા સહૃદયસ્વીકારે એમને મહાન ઠેરવ્યા છે.

રવીન્દ્રનાથને નોબેલ અપાયું ત્યારે કેટલાક લોકો એમને અભિનન્દન આપવા ગયેલા પણ એમણે બારણાં બંધ કરી દીધેલાં. કેમ કે એ લોકો સહૃદય ન્હૉતા, લાગ જોઈને વાહવાહી કરનારા તકવાદી હતા, રવીન્દ્રસૃષ્ટિમાં કદી પ્રવેશ્યા જ ન્હૉતા.

દરેક સાહિત્યકારે જાતને પૂછી લેવું કે – હું સહૃદયોથી વીંટળાયેલો છું કે તકવાદીઓની વાહવાહીથી ગ્રસ્ત છું.

(September 29, 2022 : USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મુસલમાનોના કલ્યાણનો એકમાત્ર ઈલાજ માણસાઈ

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2022

ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જિદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે તેમ જ બાળકો સાથે વાતો કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું હતું કે ભારતમાં વસતા દરેક જણ હિંદુ છે જ એટલે હિંદુ બનવા માટે કોઈએ ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી. મુસલમાનો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એ પછી તેઓ પાંચ મુસ્લિમ મહાનુભાવોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે હિન્દુત્વ એક સર્વસમાવેશક વિચારધારા છે, જેમાં દેશમાં વસતા દરેક પ્રજાસમૂહને સમાન દરજ્જો અને સમાન અવસર આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું બંધારણ સંઘ માટે પવિત્ર ગ્રન્થ છે અને સંઘ તેમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છતો નથી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે જે દેશમાં સંપ ન હોય અને વિખવાદ હોય એ દેશ આગળ ન વધી શકે.

મોહન ભાગવતની મસ્જિદની મુલાકાતમાં પહેલ કોની હતી એ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, પરંતુ એમ કહેવાય છે કે એમાં મોહન ભાગવતે પહેલ કરી હતી. પાંચ મુસ્લિમ મહાનુભાવોએ તો સામેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે પહેલ તેમની હતી અને તેમણે મોહન ભાગવતની મુલાકાત માગી હતી. દેશમાં મુસલમાનો જ્યારે ગેરસમજનો ભોગ બનીને રાજકીય અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, એક પ્રકારની ભીંસમાં છે ત્યારે હિંદુ બહુમતી કોમ સાથે સંવાદ સાધવો જરૂરી છે. તેમણે મુસલમાનોની વધતી વસ્તી અને એકથી વધુ પત્ની કરવાનો રિવાજ કેવળ એક પ્રચાર છે અને તેમાં કોઈ તથ્ય નથી એ પ્રમાણો સાથે બતાવ્યું હતું અને મોહન ભાગવતે તેમની દલીલ સ્મિત સાથે સ્વીકારી હતી.

સંવાદની જ્યારે વાત આવે ત્યારે કેટલાક લોકો રાજી થઈ જતા હોય છે. એમાં માનસિક સુખ મળે છે. સંવાદ સાધવો જોઈએ, એકબીજાના દૃષ્ટિકોણ સમજવા જોઈએ, સેતુ બાંધવા જોઈએ, વગેરે. આવા જ કોઈક ભોળપણથી પ્રેરાઈને કે પછી મજબૂરી સમજીને મુસ્લિમ મહાનુભાવો મોહન ભાગવતને મળવા ગયા હતા. સંવાદ શ્રેષ્ઠ સાધન છે અને આજે દેશમાં જે રાજકીય સ્થિતિ છે એમાં મુસલમાનો માટે સંવાદ કરવા સિવાય બીજો વિકલ્પ પણ શો છે? હવે કદાચ તેમને લાગવા માંડ્યું હશે કે આવનારા દશક-બે દશક માટે હિન્દુત્વવાદીઓ રાજ કરવાના છે માટે તેમની મરજી જીતવી જરૂરી છે જેમ ૧૮૫૭ના નિષ્ફળ વિદ્રોહ પછી સર સૈયદ અહમદ ખાનને અંગ્રેજોની બાબતે લાગ્યું હતું.

જે લોકો આ સંવાદને ગંભીરતાથી લે છે એ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને હિન્દુત્વવાદીઓને ઓળખતા નથી. તેઓ વખતોવખત જરૂરિયાત મુજબ મધ ચટાડતા રહે છે અને ભોળિયાઓ એ મધને મધ સમજીને ચાટે છે અને રાજીના રેડ થઈ જાય છે. તેઓ અનેક મોઢે બોલે છે, વખતો વખત સૂર બદલે છે, એક કરતાં અનેક અર્થ નીકળે એ રીતે બોલે છે, જરૂર પડ્યે ડાહીડાહી વાતો કરનારાઓને આગળ કરે છે અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. સંઘના ૯૭ વરસના ઇતિહાસમાં કમ સે કમ ૯,૭૦૦ વખત આવું બન્યું છે. સો-બસો ઉદાહરણ તો એકબેઠકે યાદ કરીને હું ટાંકી શકું એમ છે. તેમણે ગાંધીજીને તો ઠીક, પણ તેઓ જેને માથે ઊઠાવીને નાચે છે એ સરદાર પટેલ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૪૮માં મુકવામાં આવેલો સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતા પહેલાં સરદારે મૂકેલી શરતો નહીં પાળીને વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૭૪-૭૫માં બિહાર આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૯૨માં તે સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, પણ સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદનામું આપીને સર્વોચ્ચ અદાલત સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

તેમણે જવાહરલાલ નેહરુને પણ રાજી કરવાની કોશિશ કરી હતી. સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ગુરુ ગોલવલકરે નેહરુના વખાણ કરતા લેખો લખ્યા હતા. ગરીબોની આંખોના નૂર, યુવાનોનું સપનું, ભવિષ્યદૃષ્ટા, ભારતભાગ્યવિધાતા જેવા શબ્દો નેહરુ માટે વાપરવામાં આવ્યા હતા. નેહરુના આટલાં વખાણ તો કોઈ ચાપલૂસ કાઁગ્રેસીએ પણ નહીં કર્યા હોય. કારણ એ હતું કે તેમને સરદાર પટેલે સલાહ આપી હતી કે તમે નેહરુનો વિશ્વાસ જીતો અને કાઁગ્રેસમાં જોડાઈ જાઓ. સંઘને આમાં કાઁગ્રેસને કબજે કરવાની તક નજરે પડી હતી. નેહરુએ જ્યારે તેમને ભાવ નહીં આપ્યો અને સંઘ ફાસીવાદી સંગઠન છે એમ કહ્યું એ પછીથી તેમણે ભારતભાગ્યવિધાતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું જે આજે પણ થંભી નથી. ગાંધીજીને તેમણે સત્તાવારપણે સંઘની શાખાઓમાં પ્રાત:સ્મરણીય લોકોની યાદીમાં મુક્યા છે, પણ બહાર નીકળીને તેમની વિરુદ્ધ કુપ્રચાર કરે છે.

મોહન ભાગવત સામે ચાલીને મુસલમાનોને મળવા ગયા એમાં તેમની મજબૂરી સમજી શકાય એમ છે. મુખ્ય કારણ એ છે કે દેશમાં પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે. જેમને સવર્ણોના વર્ચસવાળું માથાભારે હિંદુરાષ્ટ્ર જોઈતું નથી, એવા હિંદુઓ લગભગ ૬૦ ટકા છે અને તેઓ ભારતીય જનતા પક્ષને મત આપે એ હવે શક્ય નથી. જેમણે ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી પર શ્રદ્ધા રાખીને મત આપ્યા હતા એ હવે મત આપવાના નથી. એક તરફ માથાભારે હિંદુરાષ્ટ્રમાં માનનારા હિંદુ કોમવાદીઓ છે અને બીજી તરફ સેક્યુલર ભારત, સહિયારું ભારત, ફેડરલ ભારત, બંધારણજન્ય કાયદાના રાજમાં પોતાનાં સંતાનનું ભવિષ્ય જોનારું ભારત, ઉજ્વળ ભવિષ્ય તરફ નજર કરતું વિકાસલક્ષી ભારતમાં માનનારા હિંદુઓ છે. બીજા પ્રકારના હિંદુઓ બહુમતીમાં છે. સરેરાશ ૪૦ અને ૬૦ની છે.

સંઘપરિવાર જાણે છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ગાબડું પડશે તો તેમના મતોમાં પડવાનું છે, વિરોધીઓના મતમાં પડવાનું નથી. વિરોધી હિંદુ નાગરિકો સંગઠિત થઈ રહ્યા છે અને આક્રમક થઈ રહ્યા છે. તેમને સૌથી વધુ નફરત તુમાખી અને માથાભારેપણા સામે છે. મોહન ભાગવત એ પણ જાણે છે કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં જે હિંદુઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા તેમાંના અડધા તો મુસ્લિમવિરોધી છે, હિંદુ કોમવાદી નથી. હિંદુ કોમવાદીઓ ક્યારે ય સાથ છોડવાના નથી, પણ જો બિલ્કીસ બાનુના બળાત્કારીઓને તેમ જ તેનાં પરિવારના હત્યારાઓને છોડી મૂકીને આરતી ઉતારવામાં આવે ત્યારે મુસ્લિમ વિરોધીઓની અંદર રહેલો રામ જાગી શકે છે. તેમની અંદર પ્રતિક્રિયા છે, કોઈ પણ સંજોગોમાં કોમીદ્વેષ કરવાની નીચતા અને મૂર્ખતા તેમણે આત્મસાત નથી કરી. તેઓ અતિરેકી માથાભારેપણાને કારણે સાથ છોડી શકે છે જેમ તેમણે કેટલાક મુસલમાનોની અતિરેકી વર્તણૂકને કારણે કાઁગ્રેસનો સાથ છોડ્યો હતો.

સ્થિતિ એવી છે કે અત્યારે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાછા ફરવું મુશ્કેલ છે, એટલે એ મોરચો મોહન ભાગવતે સંભાળી લીધો છે. નીતિન ગડકરી અટલ બિહારી વાજપેયીની જેમ ડાહીડાહી વાતો કરવા લાગ્યા છે. ૨૦૨૪માં ઉકળતા દૂધની ઉપર ડહાપણની મલાઈ જામેલી જોવા મળશે. જો એમાં સફળતા મળી અને પાછા સત્તામાં આવ્યા તો પાછી મલાઈ તારવી લેવામાં આવશે.

આ ખેલ બેવકૂફ હોય એને જ ન સમજાય અને મને નથી લાગતું કે જે લોકો મોહન ભાગવત સાથે સંવાદ કરવા ગયા હતા તેમને આ વાત ન સમજાતી હોય. ખાસ કરીને જે પાંચ મુસ્લિમ મહાનુભાવ મોહન ભાગવતને સામેથી સમય માગીને મળવા ગયા હતા એમાંના બે સનદી અધિકારીઓ હતા અને એક પત્રકાર છે. તેઓ આ બધું જ જાણે છે. મુસ્લિમ મહાનુભાવોના પ્રતિનિધિમંડળમાંના એક એસ.વાય. કુરેશી ચૂંટણીપંચના વડા હતા અને તેમણે ભારતમાં મુસલમાનોની વસ્તી ઉપર એક પુસ્તક પણ લખ્યું છે. મોહન ભાગવત સાથે તેમણે જ ચર્ચા સૌથી વધુ કરી હતી. તેમણે પ્રમાણો સાથે જ્યારે કહ્યું કે મુસલમાનોની વસ્તીવધારાની વાતમાં કોઈ તથ્ય નથી અને માત્ર કોમને બદનામ કરવા માટેનો ખોટો પ્રચાર છે ત્યારે મોહન ભાગવતના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. એ સ્મિતમાં જે કબૂલાત નજરે પડે છે એ એસ.વાય. કુરેશીને નહીં નજરે પડી હોય?

પડી તો હશે જ. આ સિવાય સંઘનો અનેક મોઢે બોલવાનો અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરવાનો ઇતિહાસ પણ તેઓ જાણતા હોવા જોઈએ. અને એ છતાં ય તેઓ મળવા ગયા હતા. સામેથી સમય માગીને મળવા ગયા હતા. આનાં કારણો એસ.વાય. કુરેશીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ખુલાસાનો લેખ લખીને આપ્યાં છે. એ લેખમાં તેમણે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કર્યું છે કે જ્યારે આખી મુસ્લિમ કોમ ભીંસમાં હોય, આર્થિક-સામાજિક-રાજકીય રીતે હાંસિયામાં હોય ત્યારે બહુમતી કોમ સાથે સંવાદ સાધવા સિવાય બીજો વિકલ્પ શો છે?

વાત સંવાદની છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ જેમની સાથે સંવાદ સાધવા ગયા હતા એ સંઘપરિવારને મુસલમાનો માટે કોઈ હમદર્દી નથી. જો હમદર્દી હોત તો તેમનાં રાજકારણનું સ્વરૂપ જુદું હોત. વળી તેઓ ઇસ્લામ અને મુસલમાનો વિષે અજ્ઞાન આધારિત ગેરસમજ ધરવાતા નથી. તેઓ ગેરસમજ ફેલાવે છે, ગેરસમજ ધરાવતા નથી. મોહન ભાગવતના સ્મિતમાં જ આનું પ્રમાણ મળી જાય છે. જો આધુનિક દૃષ્ટિકોણ ધરાવનારા મુસ્લિમ આગેવાનો ગેરસમજ દૂર કરવા માગતા જ હોય અને તેમાં તેઓ પ્રામાણિક હોય તો તેમણે એવા હિંદુઓના માનસમાંથી ગેરસમજ દૂર કરવી જોઈએ જેઓ હિંદુ કોમવાદી નથી. તેઓ મુસલમાનો માટે સહાનુભૂતિ ધરાવે છે અને સહાનુભૂતિ નથી ધરાવતા તો અહિત તો ઈચ્છતા જ નથી. હિંદુ અને મુસલમાન શાંતિપૂર્વક સાથે રહે અને દેશ આબાદ થાય એમ તેઓ ઈચ્છે છે. તેઓ હિન્દુત્વવાદીઓની જેમ સ્થાયી સ્વરૂપે મુસ્લિમવિરોધી નથી.

આવા હિંદુઓ મોટી સંખ્યામાં છે જેઓ મુસલમાનોના દુશ્મન નથી, પણ મુસલમાનોના વલણના કારણે પ્રતિક્રિયામાં આવીને મુસ્લિમવિરોધી થયા છે. વળી તેઓ માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમો માટે ગેરસમજ ધરાવે છે એવું નથી, કેટલીક સમજ પણ ધરાવે છે અને એ સમજના પ્રશ્નો સાચા છે. એના વિષે ખુલાસા મળવા જોઈએ. સંવાદ વિવેકી મુસલમાનોએ પ્રતિક્રિયાગ્રસ્ત હિંદુઓ સાથે કરવો જોઈએ. પણ એને માટે એક મૂળભૂત જરૂરિયાત છે અને એ જરૂરિયાત છે જરૂર પડ્યે ધર્મની ઉપરવટ જઇને માણસાઈના પડખે ઊભા રહેવું. આ લખનાર અને આ લખનાર જેવા લાખો હિંદુઓ આ ધર્મ નિભાવે છે. વિવેકી હિંદુઓનો બુલંદ અવાજ તો સંભળાતો હશે! મુસલમાનોએ ભીંસ અને હાસિયામાંથી બહાર નીકળવું હોય તો એ લોકો સાથે સંવાદ કરવાનો કોઈ અર્થ નથી જેઓ મુસલમાનોને જાણીબૂજીને હાંસિયામાં ધકેલી રહ્યા છે. પણ હા,  સાર્થક સંવાદ માટે ઉપર કહી તે શરત અનિવાર્ય છે : જરૂર પડ્યે  ઇસ્લામની ઉપરવટ જઈને માણસાઈનો પક્ષ લેવો.

મુસલમાનોના કલ્યાણનો આ જ એકમાત્ર ઈલાજ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,3751,3761,3771,378...1,3901,4001,410...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved