Opinion Magazine
Number of visits: 9568930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પગ મને ધોવા દ્યો, રઘુરાય! 

ઈમરાન દલ|Opinion - Opinion|5 September 2022

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારે ય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલાં દાતણો વડે. જો કે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજે ય કોયડો છે.

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છુટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા.  એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીનાં ધાવણ યાદ આવી જતાં. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ, અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારે ય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયાં હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપનાં ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે.

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું.

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો.

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા.

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)
સૌજન્ય : ઈમરાનભાઈની ફેઈસ દીવાલેથી સાદર

Loading

કાંટો – ફોર્ક

ભદ્રા વડગામા|Opinion - Short Stories|5 September 2022

સુંદર ફૂલોથી શણગારેલા એક નાનકડા સિનેગોગમાં લગ્નના સફેદ ડ્રેસમાં સજ્જ થઈ સૂઝન પોતાની એન્ગેજમેન્ટ રીંગને આંગળિયોથી ફેરવતી ફેરવતી ઉદાસ ચહેરે સાવ એકલી વિચારમગ્ન બેઠી હતી. બીજા હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડ્યો હતો.

‘બેટા, અહીં એકલી બેઠી શું કરે છે?’ સૂઝન કંઈ કહે તે પહેલાં તેને પ્રેમ નીતરતી આંખે જોતાં દાદીમાએ ઉમેર્યું, ‘તું કેટલી સુંદર લાગે છે આજે!’

‘તમે પણ ખૂબ સુંદર લાગો છો, દાદીમા!’

‘ખુશ તો છોને?’

‘હા, દાદીમા ખૂબ ખુશ છું.’

‘તો પછી આ ચહેરા પર સ્મિત કેમ નથી?’ સૂઝનના સુંદર મુખને ચૂમતાં દાદીમાએ પૂછ્યું.

‘મને ડર લાગે છે.’

‘ડર શેનો? કોલીન બહુ સરસ પુરુષ છે, તને ઘણું સુખ આપશે, પ્યાર અને જતનથી તને સંભાળશે.’

‘હા પણ દાદીમા, એકવીસ વર્ષની વયે હું ઉતાવળ તો નથી કરતી ને? મા 30 વર્ષે પરણી હતી અને તમે પણ પરણ્યાં ત્યારે કંઈ નાનાં તો નહોતાં?’

‘હું 28ની હતી.’

દાદીમાએ થોડીવાર મૌન રહી ઉમેર્યું, ‘પણ તારા દાદા મારા પહેલા પતિ નહોતા. હું 18 વર્ષની વયે ફ્રેડીને પરણી હતી. એ મારો પહેલો પ્યાર હતો. 60 વર્ષ થયાં તો પણ અમારો એ લગ્ન દિવસ મને હજુ પણ યાદ છે. હું તારા જેવી જ સુંદર લાગતી હતી. અમે સાધારણ કુટુંબના હોવાથી આજના જેવી ઝાકઝમાળ નહોતી, પણ ખૂબ આનંદથી એ દિવસ અમે સૌએ માણ્યો હતો.’

‘ખરેખર, દાદીમા? મને તો એ વાતની ખબર જ નહોતી.’

‘તારે એ જાણવાની જરૂર પણ નહોતી, બેટા.’

‘પછી શું થયું?’

‘પછી આવ્યા હિટલરના સૈનિકો અને બીજા યુવાનો સાથે તારા દાદાને પણ પકડીને લઈ ગયા.’

બે ઘડી બન્ને સ્ત્રીઓ ઊંડા વિચારમાં ગરકી પડી.

‘મેં ઘણાં વર્ષો સુધી એમની રાહ જોઈ પણ એ પાછા આવ્યા જ નહીં.’

અને દાદીમાએ પોતાની હેન્ડબેગમાંથી બે કાંટાવાળું હેન્ડલ વગરનું એક નાનકડું ફોર્ક કાઢ્યું. જ્યાંથી ફોર્ક તૂટેલું હતું ત્યાં પ્લાસ્ટિકના પીળા રંગના હેન્ડલનો થોડો ભાગ રહી ગયો હતો. દાદીમાએ સૂઝનને તૂટેલો ફોર્ક આપતાં કહ્યું, ‘સૈનિકો આવ્યા ત્ચારે અમે જમતાં હતાં. ફ્રેડીએ પોતાનો ફોર્ક તોડી મને અડધો આપતાં કહ્યું હતું, ‘આ સાચવીને રાખજે; તે તારા માટે ભાગ્યશાળી નીવડશે. અને થયું પણ તેમ જ. મને તારા દાદા મળ્યા અને ભલે આજે એ હયાત નથી પણ એમણે મને અત્યંત પ્રેમ કરી બહુ સુખી રાખી હતી. મારા માટે આ ફોર્ક ખરેખર ભાગ્યશાળી નીવડ્યો છે. એ હવે હું તને આપું છું, તેને સાચવીને રાખજે; તું પણ મારી જેમ સુખી થઈશ.’

‘ચાલો બન્ને બહાર, બધાં વાટ જુએ છે. ગ્રુપ ફોટો પડાવવાનો છે.’ દાદી-પૌત્રીના વાર્તાલાપમાં ભંગ પાડતો ફોટોગ્રાફર આવી ચડ્યો.

એકાદબે ફોટા લઈ, ફોટોગ્રાફરે કહ્યું, ‘ચાલો હવે બન્ને પક્ષનાં માતાપિતા અને દાદાદાદી આવી જાઓ!’

બધાં ભેગાં થતાં હતાં તે દરમિયાન કોલીનની નજર સૂઝનના હાથમાં પકડેલા અડધા ફોર્ક ઉપર પડી. ‘આ શું છે?’ તેણે પૂછ્યું. 

‘ગુડ લક માટે દાદીમાએ મને એ આપ્યું છે.’

‘ન હોય! આ જો, મને મારા દાદાએ શું આપ્યું છે.’ અને કોલીને તેની પાટલૂનના ખીસામાંથી કશુંક કાઢ્યું.

અને માની ન શકતી હોય તેમ કોલીને હાથમાં પકડેલા પીળા રંગના એક નાનકડા હેન્ડલને સૂઝન સૂનમૂન બની જોઈ રહી.

ત્યાં તો વાઈન ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો. દાદીમાના હાથમાંથી એ સરકી જમીન પર ચૂરેચૂરા થઈ પડ્યો હતો.

બધાંની નવાઈ વચ્ચે દાદીમા કેટલીયે વારથી એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેલા, પણ ફોટોગ્રાફરની હાકથી ઊભા થઈ બહુ ધીમે પગલે ડગમગતી ચાલે આવી રહેલા એક વૃદ્ધ પુરુષ તરફ દોડ્યાં.

‘ફ્રેડી, ઓહ ફ્રેડી! ખરેખર તમે જ છો?’ ફ્રેડીના ચહેરા પર હાથ ફેરવતાં આંસુ ભરી આંખોથી દાદીમા ફરી ફરી પૂછતાં હતાં.

‘હા રૂથ, હું જ છું; તારો ફ્રેડી.’ અને આખું કુટુંબ આ અપૂર્વ મિલનને કશું સમજ્યા વિના જોઈ રહ્યું,  

અને કોલીને પીળું હેન્ડલ સૂઝને પકડેલા બે કાંટાવાળા ફોર્કમાં બરોબર ગોઠવી દઈ સૂઝનને પોતાના બાહુમાં સમાવી લીધી.

11.11.2014
[મૂળ અંગ્રેજી પરથી]
e.mail : bv0245@googlemail.com

Loading

— એવું હોય તો અંગ્રેજીને જ રાષ્ટ્રભાષા કરવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 September 2022

સરકારની આરતી ઉતારનારા અને હિન્દુત્વનો શંખ ફૂંકનારાઓને અંગ્રેજી લોહીમાં ઊતરી ગઈ છે એનો વાંધો નથી. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં પણ ભારતમાં અંગ્રેજી બોલાતી હોવાનું કેટલાક ભારતીય અંગ્રેજો માનતા હોય તો નવાઈ નહીં. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તેની માતૃભાષા અંગ્રેજી કરવા સરકાર અને તેનાં ભક્તજનો મથી રહ્યા છે તે જગજાહેર છે. એટલે જ ખાનગી સ્કૂલોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જે અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચલાવીને નોટ છાપે છે ને બીજી તરફ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થાય છે ને ભૂલેચૂકે જો કોઈ સ્કૂલ ખૂલે છે તો તેનું માધ્યમ અંગ્રેજી હોય છે. ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો બંધ કરાવવામાં સરકારનો ફાળો મોટો છે. એવી સ્કૂલો બંધ કરાવવામાં સરકારને રસ છે, કારણ સ્કૂલો બંધ થાય તો સ્કૂલો ચલાવવાની ઉપાધિમાંથી તેનો છૂટકારો થાય. શિક્ષકોને પે સ્કેલ આપવાનો ને તેનું પેન્શનનું કૂટવાનું ને ઉપરથી શિક્ષણ મફતમાં આપવાનું, એ ઝંઝટ જ શું કામ જોઈએ? એનાં કરતાં ખાનગી સ્કૂલો ખૂલે તો વધારે ફી ઉઘરાવીને અને સસ્તા માસ્તરો રાખીને સંચાલકો કમાતા હોય તો એ વેપલો શું કામ ન કરવો? એમાં સરકારને રસ એટલે પણ છે કે ઘણી સ્કૂલો સરકારી મંત્રીઓ ને તેમનાં મળતિયાઓ દ્વારા ચાલે છે એટલે છેવટે તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ ને ! વળી ખાનગીમાં તો પગાર જ ખેંચીને આપવાનો હોય ત્યાં પેન્શનનો તો સવાલ જ નથી ઊભો થતો ! આવો નફાકારક વેપાર છોડીને સરકારી સ્કૂલો ખોલીને મફત શિક્ષણ આપવાનું ? છટ્ !

એક સમય હતો જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદનું નામ આપવામાં ય ઘણા અખાડા થયેલા. નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય’ ગણાયો હોય તો ભલે, પણ તેનું નામ જોડતાં સુરતના જ શિક્ષણવિદોને પેટમાં દુખેલું, પણ, પછી તો ઝુંબેશ ચાલી ને વર્ષો પછી યુનિવર્સિટીને નર્મદનું નામ અપાયું. ગમ્મત તો એ છે કે દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી હતી, પણ એમાં ગુજરાતીનો વિભાગ જ ન હતો. અંગ્રેજીનો હતો, પણ ગુજરાતીનો વિભાગ ન હતો. યુનિવર્સિટીને નર્મદનું નામ હતું, પણ એ જે ભાષામાં લખતો હતો એ ગુજરાતીનો વિભાગ જ ન હતો ! તે આ લખનારે ને અન્ય સાહિત્યકારોએ ઉપાડો લઈને કરાવ્યો ને હવે દસેક વર્ષથી ગુજરાતીનો વિભાગ ચાલે છે. હિન્દીનો સ્વતંત્ર વિભાગ શરૂ થવાની વાત છે, તેનું ભવન પણ તૈયાર હોવાનું કહેવાય છે, પણ સંસ્કૃતમાં તો વિદ્યાર્થીઓ જ નથી ને થાય એને માટેની કોશિશો ને તકો ય ઓછી છે એટલે એનું ભવન તો કલ્પનામાં જ રચીને સંતોષ માનવો પડે એ સ્થિતિ છે.

આટલી વાત એટલે કરવી પડી, કારણ સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવી જોઈએ એવી અરજી સુપ્રીમકોર્ટ સામે આવી ને કોર્ટે અરજદારને વેધક પ્રશ્નો પૂછી અરજી ફગાવી દીધી. સુપ્રીમકોર્ટમાં નિવૃત્ત બ્યુરોક્રેટ કે.જી. વણઝારા તરફથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની અરજી કરાઇ હતી તેને ફગાવતાં સુપ્રીમના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચે જણાવ્યું કે આ મુદ્દો નીતિગત છે ને સરકારના દાયરામાં આવે છે એટલે સરકાર જ બંધારણમાં સુધારો કરીને જે તે નિર્ણય લઈ શકે, એટલે અરજદારે આ પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવો જોઈએ – એવી સૂચના સુપ્રીમે અરજદારને આપી. અરજદારે કલમ 32નો હવાલો આપતાં કહ્યું કે સુપ્રીમકોર્ટ કેન્દ્રનો મત જાણીને એ અંગે ચર્ચા શરૂ કરી શકે. વધારામાં અરજદારે સુનાવણી દરમિયાન બ્રિટિશ શાસન વખતના કલકત્તાના સુપ્રીમના જજના નિવેદનનો હવાલો આપતાં કહ્યું કે તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાં એક વાત સ્પષ્ટ છે કે સંસ્કૃત માતૃભાષા છે. તેનાં જવાબમાં જજોએ એ ઉમેર્યું કે સંસ્કૃત માતૃભાષા છે ને હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યા છે એ અમે પણ માનીએ છીએ, પણ તેને આધારે કોઈ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર ન કરી શકાય.

બેન્ચે અરજદારને એમ પણ પૂછ્યું કે કેટલાં શહેરોમાં સંસ્કૃત બોલાય છે ને તમે એક વાક્ય પણ સંસ્કૃતમાં બોલી શકો એમ છો? કે તમારી રીટ અરજીનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકો એમ છો? સુપ્રીમે અરજદારની બોલતી તો બંધ કરી, પણ તેથી વાતનો છેડો આવતો નથી. અરજદારને સંસ્કૃત નથી આવડતું એટલે રાષ્ટ્રભાષા સંસ્કૃત ન થાય તો સવાલ એ છે કે અરજદારને સંસ્કૃત આવડતું હોત તો સંસ્કૃત રાષ્ટ્રભાષા થઈ હોત? ન જ થઈ હોત, કારણ અરજદારની આવડત કે અણઆવડત પર તો કોઈ ભાષા ને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું અવલંબિત ન હોય ને ! વળી એ કામ સુપ્રીમનું નહીં, પણ સરકારનું છે તે કહેવાની જરૂર ખરી?

એ સાચું કે સંસ્કૃત તરફ પ્રજાનો ઝુકાવ જ નથી. આમ પણ ભાષા પ્રીતિ આપણા સ્વભાવમાં જ નથી. વ્યવહાર પૂરતી ભાષા જાણીને હેતુ તો વધુ આર્થિક ઉપાર્જનનો જ મોટે ભાગની પ્રજાનો હોય છે, ત્યાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની વાત કોઈને પણ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. દક્ષિણની પ્રજાનું માતૃભાષા માટેનું વળગણ જ એટલું તીવ્ર છે કે તેઓ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. હિન્દીને નકારવા ત્યાં આંદોલનો પણ થયાં છે ને જો સરકારનો ‘વન નેશન, વન લેન્ગ્વેજ’નો કન્સેપ્ટ મનમાં હોય તો હિન્દીની બાબતે દક્ષિણનાં રાજ્યો સફળ થાય એવું લાગતું નથી. એવામાં અંગ્રેજી રાષ્ટ્રભાષા થાય તો બને કે દક્ષિણનાં રાજ્યોને ય વાંધો નહીં હોય. તેનું કારણ એ છે કે અંગ્રેજી બધે જ ચાલે છે. એ સ્થિતિમાં અંગ્રેજી માતૃભાષા ને રાષ્ટ્રભાષા થાય તો કદાચને સ્વમાની નહીં એવી આપણી પ્રજાને ય વાંધો નહીં હોય.

આપણી સરકારો પણ અંગ્રેજી માટે તૈયાર થાય તો આઘાત ન લાગે. એની નાનમ પણ ન હોય કદાચ. એકતરફ હિન્દુત્વનું આક્રમણ ને બીજી તરફ અંગ્રેજીની ગુલામી આપણાં લોહીમાં ઊતરી ગઈ છે. તેમાં પણ ગુજરાત તરફથી અંગ્રેજીને રાષ્ટ્રભાષા કે માતૃભાષા બનાવવાની પહેલ થાય તો નવાઈ નહીં. અંગ્રેજીનો એક ભાષા તરીકે કોઈ વાંધો નથી. એ પણ છે કે વિદેશ જઈને ભણનારને કે કેટલાક વિષય અહીં રહીને ભણનારને અંગ્રેજી વગર છૂટકો નથી, આટલાં વર્ષો પછી પણ એ સ્થિતિ નથી કે જે તે વિષયનાં પુસ્તકો પ્રાદેશિક ભાષામાં મળી રહે કે તેનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં સરળ થાય. એ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી અંગ્રેજીમાં ભલે શિક્ષણ અપાતું, પણ બધાં કૈં વિદેશ જવાના નથી કે બધાં જ અહીં રહીને ય ડૉક્ટર, વૈજ્ઞાનિક કે એન્જિનિઅર થવાના નથી, તો જે અંગ્રેજી વગર ચલાવી શકે એમ છે તેમને માથે અંગ્રેજી થોપવાનો અર્થ ખરો? અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધે ને ગુજરાતી માધ્યમની સકૂલો બંધ થાય, સરકાર, સરકારી સ્કૂલો બંધ કરતી જાય તો માતૃભાષાનું અને અન્ય પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ ઘટે છે એવું ખરું કે કેમ? આમ થાય તો એ ભાષાનું સાહિત્ય, એને અનુષંગે આવતી સંસ્કૃતિ, લોપ પામે તે યોગ્ય છે? અંગ્રેજોને હોય તેનાં કરતાં આપણાં દેશી અંગ્રેજો, આટલે વર્ષે પણ અંગ્રેજીનો નફાકારક ધંધા તરીકે ઉપયોગ કરે ને એનો કોઈ સંકોચ ન હોય એ શરમજનક છે,

અંગ્રેજો આવ્યાં તે પહેલાં પણ ગુજરાતી, સંસ્કૃત, મરાઠી વગેરે ભાષાઓ હતી જ, તેનું શિક્ષણ અપાતું હતું, તેનું સાહિત્ય હતું, તેની સંસ્કૃતિ હતી. આજે તપાસવા જેવું છે કે માધ્યમિક શિક્ષણ દરમિયાન સ્કૂલોમાં કેટલી ભાષાઓ ભણાવાય છે? એક સમય હતો જ્યારે સંસ્કૃત તો ઠીક, અર્ધમાગધી બોર્ડની પરીક્ષામાં વિષય તરીકે લઈ શકાતી. આજે કેટલી ભાષાઓ સ્કૂલોમાં ભણાવાય છે તેનો સર્વે કરવા જેવો છે. અંગ્રેજીને બાદ કરતાં આજનું ભાષા શિક્ષણનું દારિદ્રય આંખે ઊડીને વળગે એવું છે. એક કાળે જે તે ભાષાના પંડિતો ને વિદ્વાનો મળી રહેતા, આજે તો આખું કોળું દાળમાં ગયું હોય એવો ઘાટ છે. અંગ્રેજીએ કારકૂનો પેદા કરવામાં એટલો મોટો ફાળો આપ્યો છે કે દેશ કારકૂની કરવામાંથી જ ઊંચો નથી આવતો. એમાંથી પણ પંડિતો ને વિદ્વાનો મળ્યા જ છે, પણ મોટે ભાગે તો દેશને કારકૂનો જ મળ્યા છે. એમાં ભાષા કરતાં પણ ગુલામ માનસિક્તાએ વધારે ભાગ ભજવ્યો છે ને હજી એની પકડમાંથી છૂટવા આપણે તૈયાર નથી તે દુખદ છે.

અરજદાર સુપ્રીમમાં સંસ્કૃતમાં જવાબ ન આપી શક્યો ને સંસ્કૃત હવે બોલાતી નથી તેને પરિણામે એ સ્થિતિ સર્જાઈ છે એવું કોર્ટનું કહેવું હતું, પણ આ જ દેશમાં એક કાળે સંસ્કૃતની બોલબાલા હતી, સંસ્કૃતમાં મહાકાવ્યો સર્જાયાં, વિશ્વ સાહિત્યમાં જોટો ન જડે એવા સર્જકો સંસ્કૃતે આપ્યા એ કદી ભૂલવા જેવું નથી. સંસ્કૃત દેવભાષા હતી, તો તેને  દેવલોક પહોંચાડી કોણે? સંસ્કૃત ભણવા દેશ તૈયાર નથી એ સ્થિતિ સર્જી કોણે? વિદેશથી લોકો સંસ્કૃત શીખવા ભારત આવતા હતા, તે હવે અહીંથી શીખવા વિદેશ જાય તેવી સ્થિતિ કોને આભારી છે? હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ તેનો દક્ષિણનાં રાજ્યોમાં સ્વીકાર નથી. ત્યાંની પ્રજાને માતૃભાષાનું એટલું વળગણ છે કે હિન્દી ત્યાં સ્વીકૃતિ પામે એ અશક્યવત્‌ છે. એ પ્રજાને અંગ્રેજીનો વાંધો નથી એનું આશ્ચર્ય છે. એ રીતે જોતાં તો અંગ્રેજી આખા દેશમાં ચાલે એમ છે. સંસ્કૃત તો રાષ્ટ્રભાષા નહીં થાય, પણ અંગ્રેજી થાય તો નવાઈ નહીં? અહીં એવો પ્રશ્ન થાય છે કે આપણે સ્વતંત્ર થયા છીએ ખરાં ? કમ સે કમ અંગ્રેજીની ગુલામી આપણે સ્વતંત્ર થયા પછી પણ 75 વર્ષથી ચાલુ જ રાખી છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,3601,3611,3621,363...1,3701,3801,390...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved