
વિનોદિની નીલકંઠ
અમે ખૂબ નાનાં હતાં ત્યારની આ વાત છે. ત્યારે અહીં (સાબરમતી આશ્રમમાં) મકાનો હજી બંધાવાના હતાં. કાચાં મકાનો હતાં એમાં આશ્રમ ચાલતો. ત્યારે કંઈ આશ્રમનો વિસ્તાર મોટો નહીં, એટલે બા-બાપુજીને જંજાળ ઓછી. અમે સૌ રમતાં રમતાં તરસ્યાં થઈએ એટલે બા કને દોડી જઈએ. બા અમને ખૂબ પ્રેમથી પાણી પાય. તે સ્નેહ તો હજી એવો ને એવો યાદ છે.
મારા પિતા સ્વ૦ શ્રી રમણભાઈ નીલકંઠને બાપુ સાથે સારો સંબંધ એટલે અમારા પગ આશ્રમમા જવા ઝટ ઊપડતા. અને અમે બાને પાણી પીવાના બહાના હેઠળ ઠીકઠીક ઊઠવેઠ કરાવીએ. પણ બા કંટાળે જ નહીં. બા તો બસ, એ જ પ્રેમથી જ્યારે જઈએ ત્યારે પાણી પાય. એવો પરમ પ્રેમ શી રીતે ભૂલી શકાય ?
બીજો પ્રસંગ પ્રાર્થનાનો છે. ત્યારે પ્રાર્થના બાપુ પોતે કરાવતા. અમે ભાઈબહેનો કોઈકોઈ વાર પ્રાર્થનામાં જઈ ચઢતાં. ત્યારે અમે બહુ નાનાં. બાપુ અમને શીખવે : “પ્રાર્થનામાં આંખ મીંચીને બેસીએ તો આપણે સહેલાઈથી એકચિત્ત થઈ શકીએ. કોઈની સામે નજર ન પડે અને મન વિચારે ન ચઢે.”
એક દિવસ એક બાળાએ પ્રાર્થનામાં આંખ ઉઘાડી રાખેલી. બાપુ તે જોઈ ગયા. પ્રાર્થના પૂરી થઈ કે તરત બાપુએ મીઠી ટકોર કરી : “પેલાં બહેને આજે પ્રાર્થનામાં આંખ મીંચી ન હતી!”
“બાપુ, ત્યારે તમે ય આંખ નહીં મીંચી હોય ! નહીં તો તમને કેમ ખબર પડે કે અમુક જણે આંખ ઉઘાડી રાખી છે?” પેલી હાજરજવાબી છોકરીએ તરત બાપુને જવાબ આપ્યો.
બાપુ ખડખડાટ હસી પડ્યા. શું તેમનું એ મુક્ત હાસ્ય! આખા ય જગતમાં મહાન પુરુષ ગણાતી વિભૂતિ નાનકડી બાળાના કહેવા પર આવું મોકળા મને હસે એ અમારા માટે બહુ મોટી વાત ગણાય.
બાપુનું એ મુક્ત હાસ્ય હજી મારા કર્ણપટે અથડાયા કરે છે !
-2-
વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી એક વાર અમારે ત્યાં આવ્યાં. અમે એમને આશ્રમમાં લઈ ગયાં. બાપુની નજર બહુ ઝીણી; નવો ચહેરો આવ્યો કે તેના પર દૃષ્ટિ પડ્યા વિના રહે નહીં. અમને તરત પૂછયું : “તમારી સાથે આ કોણ આવ્યું છે ?”
“વડોદરાનાં અમારાં બહેનપણી છે. પ્રજ્ઞા એમનું નામ.” અમે જ્વાબ આપ્યો.
“પ્રજ્ઞા એટલે ડાહી. જણાય છે તો એવી જ!” બાપુએ હસતાં હસતાં કહ્યું. પછી પૂછ્યું : ‘પ્રજ્ઞા, તું કાંતે છે ખરી?’
‘”ના. .” પ્રજ્ઞાએ શરમાતા શરમાતા કહ્યું.
“દીકરી ગમે તેવી ડાહી હોય પણ જો તે કાંતે નહીં તો હું એને પ્રજ્ઞા (ડાહી) ન કહું! ‘ બાપુએ હસીને ટકોર કરી.
અને છેલ્લે એક વિદેશનો પ્રસંગ યાદ આવે છે. હું અમેરિકા ભણવા ગઈ હતી. તે વખતે મારે કેટલીક સંસ્થા જોવા જવાનું થયું.
એક કેળવણી સંસ્થામાં ગઈ અને મારે બોલવાનો પ્રસંગ આવ્યો. વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો : “તમે તો ગાંધીના દેશનાં છો. ગાંધી કેવા છે તે કહો !”
બાપુ વિષે હું જે કંઈ જાણતી હતી તે બધું મેં કહ્યું. એ સાંભળી એક બદામી રંગના વાંકડિયા વાળવાળા ને આસમાની રંગની આંખવાળા એક મઝાના છોકરાએ આંગળી ઊંચી કરી. એને પ્રશ્ન પૂછવો હતો. મેં પ્રશ્ન પૂછવા કહ્યું.
“મારી મમ્મી કહે છે કે જે માણસે પૂરો પોશાક પહેર્યો હોય તે જ માણસ સભ્ય અને સજ્જન કહેવાય. ત્યારે ગાંધી આવડા મોટા માણસ ગણાય તોયે ઢીંચણની ઉપર રહે એવુ ટૂંકું કપડું કેમ પહેરે છે? એવાં કપડાં પહેરનારને સભ્ય, સજ્જન કહી શકાય ખરા કે ?”
એનો પ્રશ્ન, અમેરિકન સમાજની રહેણીકરણી, રીતરિવાજ જોતા સાવ સ્વાભાવિક હતો.
મેં બાપુ શા કારણે માત્ર એક ટૂંકી ધોતી પહેરે છે ને માત્ર એક પછેડી ઓઢે છે તે માટેની એમની પ્રતિજ્ઞા કહી સંભળાવી. જ્યાં સુધી કરોડો હિન્દીઓને પૂરતાં વસ્ત્ર ન ન મળે ત્યાં સુધી હું પૂરાં વસ્ત્ર નહીં પહેરું એવી બાપુની પ્રતિજ્ઞા હતી એ કહ્યું.
પેલો છોકરો ને બધાં વિદ્યાર્થીઓ મારો ખુલાસો દંગ થઈને સાંભળી રહ્યા.
પ્રશ્ન પૂછનાર છોકરો કહે : “ત્યારે તો હવે તમને થોડા દિવસમાં જ ગાંધીના કારણે સ્વરાજ મળવાનું, ને ત્યારે દેશમાં સૌને પૂરતાં કપડાં મળવાનાં. અને ત્યારે ગાંધી પણ પૂરો પોશક પહેરશે. એમનો એ પૂરા પહેરવેશવાળો ફોટો પડાવીને તમે મારા પર મોકલી આપશો?”
“જરૂર!” મેં ખુશીથી હા પાડી.
સ્વરાજ તો મળ્યું, પણ બાપુએ પૂરાં કપડાં પહેર્યાં હોય એવી એમની છબિ પાડવાનું ન બન્યું !
હજી મને એ અમેરિકન બાળકની વાતો યાદ આવે છે! એ બાળ વિદ્યાર્થીના મનોરથ પાર પડે તે પહેલાં જ બાપુને આપણી પાસેથી છીનવી લેવાયા.
29-30 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 327-328