Opinion Magazine
Number of visits: 9669178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“આટલાં જૂઠાણાં ફેલાવવાનો અધિકાર તમને કોણે આપ્યો?”

અનુવાદક : નંદિતા મુનિ|Opinion - Opinion|14 November 2022

રાજમોહન ગાંધીનો જવાહરલાલ નેહરુ વિશે ફેલાવાતા જૂઠા સમાચારો બાબતે અફસોસ

‘ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવ’માં મહુવા મોઇત્રા સાથે પોતાના છેલ્લા પુસ્તક ‘1947 પછીનું ભારત :  ચિંતન અને સ્મૃતિઓ’ વિશે ચર્ચા કરતી વખતે ઇતિહાસવિદ્‌ રાજમોહન ગાંધીનો કંઠ લાગણીથી અવરુદ્ધ બની ગયો હતો.

પ્રશ્ન : તમને સૌથી દુ:ખદ વસ્તુ શું લાગે છે?

ઉત્તર : ઉચ્ચ સ્થાનેથી અત્યાચારો વિશે સેવવામાં આવતું મૌન.

પ્રશ્ન : આવું કોણે જણાવ્યું?

ઉત્તર : એ જ વ્યક્તિએ, જેનો કંઠ વર્તમાન ભારતમાં જવાહરલાલ નેહરુને નફરતનું નિશાન બનાવવાની નવી પ્રણાલિકા વિશે વાત કરતા રુંધાઇ ગયો હતો.

પ્રશ્ન : ભારતીયો હજી નેહરુ પ્રત્યે આટલી ઊંડી લાગણી ધરાવે છે?

ઉત્તર : હા. કમ સે કમ એક ભારતીયને તો એવી લાગણી છે જ. અને શક્ય છે કે હિમાલયને પણ એવી લાગણી થતી હોય.

***

નેહરુ વિશે ફેલાવાઈ રહેલા વિષાક્ત જૂઠાણાં અને ભારતીય સમાજના એક મોટા હિસ્સા દ્વારા એના સત્ય તરીકે સ્વીકાર વિશે એક સાહિત્ય ઉત્સવમાં બોલતી વખતે ઇતિહાસકાર રાજમોહન ગાંધી લાગણીવશ થઈ ગયા હતા.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી હાલ અર્બાના-શેમ્પેઇન, યુ.એસ. ખાતેના ઈલિનોઈ વિશ્વવિદ્યાલયમાં  સંશોધન પ્રાધ્યાપક છે. કસૌલી(હિમાચલ પ્રદેશ)માં યોજાતા ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવમાં તેઓ પોતાના નવા પુસ્તક ‘1947 પછીનું ભારત : ચિંતન અને સ્મૃતિઓ’ વિશે તૃણમૂલ કાઁગ્રેસનાં લોકસભા સદસ્ય મહુઆ મોઈત્રા સાથે ચર્ચા કરી રહ્યા હતા.

નેહરુ વિશે પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું હતું કે “જે રીતે અમેરિકામાં રહેતા શ્વેતવર્ણીઓનો મોટો ભાગ એવું માનવા લાગ્યો છે કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં નહોતો થયો, એ જ રીતે ભારતમાં અત્યારે કરોડો ભારતીયો એવું માનવા લાગ્યા છે કે જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુ મુસ્લિમ હતા. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

“જો મોતીલાલ નેહરુ કે એમના કોઇ પૂર્વજ મુસ્લિમ હોત – જે તદ્દન ખોટી વાત છે – તો પણ, એ કોઈ ગુનો કે ગેરલાયકાત તો નથી જ. પૂર્વજોનાં કૃત્યના કારણે કોઇ પણ વ્યક્તિ પર આરોપ મૂકવો, સજા આપવી કે હત્યા કરવી યોગ્ય નથી.”

87 વર્ષની વયના વિદ્વાને આગળ ઉમેર્યું: “નેહરુએ જેલમાં ચૌદ વર્ષ ગાળ્યા, અને જેલની બહાર આવ્યા ત્યાં તરત એમનાં પત્નીનું અવસાન થયું. એમ છતાં, એક સારા, મહાન અને ઓજસ્વી વ્યક્તિ વિશે કેટલી સાવ જૂઠી વાતો ફેલાવાઇ છે! નેહરુની નીતિઓની તમે ટીકા કરી શકો, પણ આવાં નરાતાળ જૂઠાણાં ફેલાવવાનો હક્ક તમને કોણે આપ્યો છે?”

લાગણીથી કંઠ રુંધાઇ જવાના કારણે રાજમોહન કેટલોક સમય બોલી ન શક્યા. પછી એમણે શ્રોતાજનો સામે – જેમાં કાઁગ્રસના એક સમયના મંત્રી મણિશંકર ઐયર પણ શામેલ હતા – અંગુલિનિર્દેશ કર્યો અ‍ને કહ્યું : “હા, આ બાબતે હું ભાવુક થઈ જાઉં છું. અને હિમાલયને જોઈને મારી આ લાગણી વધારે તીવ્ર બને છે. જવાહરલાલ નેહરુ હિમાલયને ચાહતા હતા. હિમાલય આ જૂઠાણાંનો વિરોધ કરશે, ખુદ પૃથ્વી પણ વિરોધ કરશે. એમની નીતિઓની જેટલી આકરી ટીકા કરવી હોય એ કરવાની તમને સ્વતંત્રતા છે; પણ એક ઉમદા અને સારા માનવ વિશે ગંદા જૂઠાણાં બોલવાની નીચતા તો ન બતાવો.”

મહાત્મા ગાંધી વિશે રાજમોહને કહ્યું : “ગાંધી અને ભારતના બીજા કેટલા ય લોકો બાબતે આશ્ચર્યજનક વાત છે કે એમના સમયના તમામ પ્રશ્નો હલ ન કરવા માટે તો ઠીક, પણ વર્તમાન સમયના પ્રશ્નો હલ ના કરવા માટે પણ એમનો દોષ કાઢવામાં આવે છે. આ તો બહુ વધારે પડતું કહેવાય. ગમે તેમ તો ય, એ માનવી હતા. કેટલાક પ્રશ્નો આપણે પણ હલ કરવાના રહે …

“માની લો, કે એમણે હજાર – અરે, દસ હજાર ભૂલ કરી. ગાંધી, નહેરુ અને પટેલ – માની લો કે એમણે લાખો ભૂલ કરી. પણ એ લોકો જેમાં વિશ્વાસ રાખતા હતા એ આદર્શોનું શું?”

એમણે આગળ ઉમેર્યું : “ગાંધીની નિંદા કરો, તો એ તો સલામત છે. એમને કશું નુકસાન થવાનું નથી. પણ જો તમે સમાનતા, મૈત્રી, પારસ્પરિક આદર, શ્રદ્ધા કે ગૌરવને નુકસાન પહોંચાડશો, તો હું તમારો શત્રુ છું.”

સ્વાતંત્ર્ય પછીના કાળમાં ભારતીય પ્રજાનાં મૂલ્યોમાં આવેલા પરિવર્તન વિશે અફસોસ કરતાં રાજમોહન ગાંધીએ જણાવ્યું : “ભારતના મોટા ભાગના લોકોએ નિશ્ચય કર્યો હતો કે ભાગલા સમયના અત્યાચારો છતાં, ભારત સર્વનો દેશ બનશે. અત્યારે તમે જાણો જ છો કે શું થઈ રહ્યું છે. અનેક દુ:ખદ ઘટના થઈ રહી છે; યંત્રણાજનક બનાવો બની રહ્યા છે. અને સૌથી દુ:ખદ ઘટના શું છે એ જાણો છો?  આ અત્યાચારો વિશે ઉચ્ચ સ્થાનેથી સેવવામાં આવતું મૌન.”

એમણે ઉમેર્યું : “મૌન એક ઉમદા સદ્‌ગુણ છે … પણ તમે એક રાષ્ટ્રના નેતા હો અથવા અસરકારક મંચ ધરાવતા વ્યક્તિ હો; લોકો તમને સાંભળતા હોય, તમને માન આપતા હોય અને તમારા અનુસરણમાં પોતાના વિચારો ઘડતા હોય ત્યારે, કંઇક ક્રૂર કે નિર્મમ ઘટના બને ત્યારે તમારે કંઈક બોલવું જ રહ્યું.”

વિપક્ષોની એકતાની સંભાવના વિશે તેમણે કહ્યું : “(અત્યારના ભારતના વિપક્ષોની) નીતિ છે કે શત્રુઓને ભૂલી જવા અને સાથીઓનો નાશ કરવો. આનો હલ શોધવો પડશે.

“આ માટે જરૂરી છે હૃદયની ઉદારતા, ધૈર્ય, બધી દિશામાં સંપર્ક કરીને સૌને સાથે લાવવાવાળી વ્યક્તિઓ. કદાચ જરૂરી છે કે કોઇ અગત્યની ભૂમિકાવાળી વ્યક્તિના પતિ કે પત્ની એને ભારપૂર્વક કહે કે  “બંધ કરો આ બધી મૂર્ખતા! એને બદલે કંઇક રચનાત્મક કામ કરો.”

રાજમોહન ગાંધી 1989માં અમેઠી બેઠક પરથી રાજીવ ગાંધી સામે જનતા દળના ઉમેદવાર તરીકે, અને 2014માં પૂર્વ દિલ્હીની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેઓ અસફળ રહ્યા હતા.

એ પછીથી તેઓ પક્ષમાં સક્રિય રહ્યા નથી, પણ 2019માં પૂર્વ દિલ્હીની બેઠકના ‘આપ’ના ઉમેદવાર અતીશીને એમણે સમર્થન આપ્યું હતું. હિમાચલની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર બેઠક જીતવા માટે ‘આપ’ ઉત્સુક છે.

(તા. 18 ઑક્ટોબર 2022ના ‘ટેલિગ્રાફ’ અખબારમાંથી)
e.mail : nandita.muni@gmail.com
મૂળ અંગ્રેજી લખાણની લિંક :

https://www.telegraphindia.com/india/rajmohan-gandhi-rues-fake-news-about-jawaharlal-nehru/cid/1892660                                        

Loading

લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહે તો જ કામ થાય : સરદાર પટેલ 

સોનલ પરીખ|Opinion - Opinion|13 November 2022

·       ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ

·       વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મક્કમતાથી સામનો કરો

·       મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા

·       જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે, અહિંસક એને કહેવાય એને 

·       લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય 

—     સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’એ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં.

દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું. 

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.

સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’

સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર 2022

Loading

યુ.એસ.એ.માં મધ્યસત્રની ચૂંટણીનો મોટો પ્રશ્નઃ ટ્રમ્પનું પુનરાગમન થાય તો શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 November 2022

યુ.એસ.એ.ની મધ્યસત્રની ચૂંટણીમાં ‘ટ્રમ્પ’ના સિક્કા ધાર્યા એટલે ઉછળ્યા નહીં, પરંતુ ધારો કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની વાપસી થાય તો શું?

યુ.એસ.એ.માં હાલમાં મધ્યસત્રની ચૂંટણી ચાલી રહી છે. ભલે આપણે મેચની ચિંતા કરતા હોઇએ પણ યુ.એસ.ની ચૂંટણી આખી દુનિયા માટે એક અગત્યનું જોણું તો છે જ. એમાં ય વળી કૉવિડ-19ની કટોકટી અને ૬ જાન્યુઆરી ૨૦૨૧માં યુ.એસ. કેપિટલ પરના હુમલા પછી યુ.એસ.માં આ પહેલી ચૂંટણી છે.

મધ્યસત્રની ચૂંટણી શરૂ થઇ તે પહેલાં અટકળો શરૂ થઇ જાય તે સ્વાભાવિક છે. મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દેખાવ નબળો હશે અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ તથા સેનેટ પર રિપબ્લિકન્સનો કાબૂ હશે પ્રકારની ચર્ચાઓ પણ છેડાઇ. આ સાથે સૌથી મોટી અટકળ પર વાત શરૂ થઇ કે શું વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી શક્ય છે?

ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને ગમે કે ન ગમે – વાસ્તવિકતા એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં તે એક અગત્યનો ચહેરો તો છે જ. રિપબ્લિકન પાર્ટીને જો પ્રમુખ પદ માટે ઉમેદવાર જાહેર કરવાનો આવે તો પૂરી શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાહેર થાય. જો મંગળવારે જ્યોર્જિયા, ન્યુ હેમિસ્ફિયરનાં પરિણામો પછી ટ્રમ્પનું કદ રિપબ્લિકન પાર્ટીમાં જરા ઘટ્યું છે ખરું. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે મધ્યસત્રની ચૂંટણીમાં ઝૂકાવ ભલે વ્હાઇટ હાઉસમાં બેઠેલાની વિરોધમાં હોય પણ જ્યારે પ્રમુખ પદ માટે ચૂંટણી થશે ત્યારે આવું નહીં જ હોય. આમ પણ પારંપરિક રીતે જે પક્ષ સત્તા પર હોય તેને મધ્યસત્રની ચૂંટણીમાં જરા પાછી પાની કરવાનો જ વારો આવે છે કારણ કે લોકો તેમની વિરોધમાં મત આપીને પોતાનો રોષ અને અસંતોષ જાહેર કરે છે.

ટ્રમ્પને હવે પહેલા જેટલો બહોળો મજબૂત ટેકો મળવાનો નથી. છતાં ય અમુક વિશેષજ્ઞોએ એવી ધારણાઓ કરીને પોતાની ટિપ્પણીઓ આપી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફરે તો શું થાય? પહેલાં ય ટ્રમ્પે અણધારી જીત મેળવી છે અને માટે ભલે તેમની તરફી ઝૂકાવ કે ટેકો ઓછાં હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પને તદ્દન નકારી કાઢવાની ચૂક યુ.એસ. રાજકારણમાં અત્યારના તબ્બકે કોઇ કરવા નથી માંગતું. જો બાઇડનના અપ્રુવલ રેટિંગ્ઝ સાવ નીચે છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક સાથે ત્રણ ઇલેક્શનમાં હાર કોટે વળગાડી છે. યુ.એસ.ના રાજકારણમાં ટ્રમ્પ તરફીઓમાંના કેટલાકને ગવર્નર પદ માટે ટ્રમ્પે પસંદ કરેલા ઉમેદવારો સામે વાંધો છે કારણ કે એ ઉમેદવારો પ્રાઇમરી ચૂંટણીમાં તો જીતી ગયા પણ જનરલ ઇલેક્શનમાં કંઇ ખાસ ઉકાળી ન શક્યા. આ તરફ ટ્રમ્પે પોતાના કક્કો ખરો કરવામાં કઇ બાકી ન રાખ્યું – મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળા હિસાબે જાહેરમાં તો એમ જ કહ્યું કે ભલે ગઇકાલની ચૂંટણી નાસીપાસ કરે તેવી હતી પણ મારે માટે ૨૧૯ વિન્સ અને ૧૬ હાર જરા ય ઓછી નથી. ટ્રમ્પ સાહેબ ટ્વીટર પર તો છે નહીં, એટલે આ વાત તેમણે ટ્રુથ સોશ્યલ નેટવર્ક પર લખી હતી.  જો કે અમેરિકામાં હાલમાં બ્રાન્ડ ટ્રમ્પને બહુ વધારે માન-મરતબો આમે ય નથી મળતો.

ટ્રમ્પને મધ્યસત્રની ચૂંટણી પહેલાં પુછવામાં આવ્યું કે જો આ પરિણામો રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં હોય તો એમને કેટલી વાહવાહી મળવી જોઇએ તો તેમનો જવાબ હતો કે બધી જ ક્રેડિટ તેમને જ મળવી જોઇએ, વળી ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો એ લોકો હારી જાય તો એમણે તેમનો વાંક ન કાઢવો. કાંટો આવે તો હું જીતું અને છાપ વે તો તમે હારો વાળું ટ્રમ્પનું ગણિત કોઇને ય આંખમાં ખૂંચે એવું તો છે જ. મીડિયા ટાયકૂન રૂપર્ડ મર્ડોકનો ટેકો ટ્રમ્પને માટે હવે રહ્યો નથી. તેમના માધ્યમો પર ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ‘લૂઝર’ ગણાવી દેવાયા છે, વળી જે રાજકારણીઓને ટ્રમ્પે ટેકો આપ્યો તે બધા હારને રસ્તે હતા એવું પણ કહેવાયું.

આ બધી તો યુ.એસ.એ.ના આંતરિક અભિપ્રાયો અને ગમા-અણગમાની વાત છે. પરંતુ જો ટ્રમ્પ ફરી યુ.એસ.એ.ના પ્રમુખ બને તો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ તેનો ઘેરો પ્રભાવ પડે. ખાસ કરીને ક્વૉડ દેશોના સંબંધે જાપાન અને ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં બાકીના રાષ્ટ્રો એક સરખા ઝુકાવ વાળા એટલે કે જમણેરી હોય. હવે ઘર ભણી નજર કરીએ તો ભારતે તો રિપબ્લિકન સાથે પણ સારું રાખ્યું છે અને ડેમોક્રેટ્સ સાથે પણ દિલ્હી ઑફિસની દોસ્તી સારી જ રહી છે. આવું હોય ત્યારે ભારતને અમેરિકાના પ્રમુખ તરીકે કોણ આવે છે તેનાથી બહુ ફેર કદાચ પડે. યુ.એસ. અને ભારતના સંબંધો બન્ને પક્ષો માટે અગત્યના રહ્યા છે. મધ્યસત્રની ચૂંટણીનો કોઇ સીધો પ્રભાવ ભારત – યુ.એસ.ના સંબંધો પર ન પડે. ભારત માટે યુ.એસ.ના પ્રમુખ પદે કોણ બેઠું છેનો પ્રશ્ન ત્યારે જ જરૂરી બને જ્યારે ‘સિવિલ ન્યુક્લિયર કોર્પોરેશન’ જેવા મોટા નિર્ણયો લેવાતા હોય.

બાય ધી વેઃ

આમ આપણને ઘેર બેઠા એવો વિચાર આવે ખરો કે યુ.એસ.એ.માં જે થવું હોય એ થાય આપણે શું? પરંતુ રશિયાએ જાહેર કરેલું યુદ્ધ, માથે તોળાતી મંદી, ઇમિગ્રેશનના મુદ્દાઓ જેવું કેટલું ય છે જે સીધી કે આડકતરી રીતે આપણને અસર કરે જ છે. વળી વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા યુ.એસ.એ.ની પ્રજા ધર્માંધતા, ખ્રિસ્તી રાષ્ટ્રવાદ, ઝેનોફોબિયા(બીજા રાષ્ટ્રના લોકો પ્રત્યેનો અણગમો)ના પક્ષમાં મત આપે છે કે પછી ડેમોક્રેટ્સની પસંદગી કરે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ ચિવટથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પગલાં લેવા રહ્યાં કારણ કે માત્ર બે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની દોસ્તીથી કે સારાસારીથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. આપણે વિકાસશીલ દેશ છીએ અને માટે જ આપણે માટે આંતરરાષ્ટ્રીય રાજકારણના વાટાઘાટ બહુ મહત્ત્વનાં હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022

Loading

...102030...1,3301,3311,3321,333...1,3401,3501,360...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved