Opinion Magazine
Number of visits: 9458550
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂરની તારાજીઃ  વિકાસની ભૂખ ભાંગવા થતા શહેરીકરણને કુદરતનો જવાબ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 July 2022

ચીન, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન જેવા વિકસિત અન વિકાસશીલ બન્ને પ્રકારના દેશો પૂરના પ્રકોપનો ભોગ બન્યા છે, ત્યારે નબળા અર્બન પ્લાનિંગની વાસ્તવિકતા સ્વીકારવી રહી.

ગુજરાતમાં વરસાદ સંતાકૂકડી રમે છે, મુંબઈ જળબંબાકાર છે, દક્ષિણ ભારત, આસામ જેવા પ્રદેશો વરસાદમાં હજી કેટલી તારાજી થશે તેની ચિંતામાં ભીંજવાઇ રહ્યા છે. આપણે, જે લોકો વરસાદમાં હેરાન થતા હોઇએ, વૉટરલોગિંગની ચર્ચાઓ કરતા હોઇએ તેમને એમ થાય કે માળું આપણે ત્યાં બધું આવું જ થાય છે. જરા સરખો વરસાદ પડે અને જનજીવન ઠપ્પ! પરંતુ આવું તો એવા દેશોમા પણ થાય છે અને અત્યારે થઇ રહ્યું છે જે દેશોને આપણે વિકસિત અને અત્યાધુનિક માનીએ છીએ.

જેમ કે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં અને સિડનીની આસપાસના વિસ્તારોમાં પૂરનાં પાણી એવી રીતે ફરી વળ્યાં કે 85,000થી વધુ લોકોનાં ઘરો તારાજ થઇ જવાની વકી હતી. જુલાઇના પહેલા અઠવાડિયા પછી નદીઓનાં પાણી ઓસર્યાં અને વરસાદનું જોર જરા ઓછું થયું. છતાં ય સિડનનીની ઉત્તર અને પશ્ચિમે આવેલી હૉક્સબેરી-નેપિઅન નદીઓમાં પાણીનું સ્તર પૂરનાં સ્તરની નજીક જ રહ્યું. સિડનીના અમુક હિસ્સામાં રહેવાસીઓને તાત્કાલિક ઘરો ખાલી કરવાની સૂચના અડધી રાત્રે અપાઇ. ચીનમાં વરસાદે એવી તારાજી સર્જી છે કે ન પૂછો વાત. હોંગકોંગના દક્ષિણપૂર્વિય વિસ્તારોમાં પાણીમાંથી ડઝનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, આ દુર્ઘટના એટલા માટે ઘટી કે ચાબા ટ્રોપિકલ તોફાને એન્જિનિયર વેસલના બે કટકા કરી દીધા. ચાબા આ વર્ષે ચીનમાં આવેલો પહેલો ઝંઝાવાત – તોફાન છે, જેના પગલે ભારે વરસાદ અને વંટોળિયો પણ આવ્યા અને જે વિસ્તારો વરસાદ અને વાવાઝોડાને કારણે પાણીમાં તરબોળ હતા તેણે બમણો કહેર ભોગવ્યો. ચીનના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં લોકોને તેમના ઘરો ખાલી કરાવાયા છે. 1961 પછી પહેલીવાર ચીનમાં આટલો બધો વરસાદ પડ્યો છે, ગયા વર્ષે ચીનમાં પૂરને કારણેક લગભગ ૪૦૦ જણનાં મોત થયા હતા. બીજી તરફ યુ.એસ.એ.ના યલોસ્ટોન નેશનલ પાર્કમાંથી પસાર થતી નદીમાં જૂન મહિનામાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યાં, રસ્તા અને પૂલ ધોવાઇ ગયા, ગટર લાઇન્સ તૂટી ગઇ અને પાર્કનો સંપર્ક બહારના લોકો સાથે ભાંગી પડ્યો. હજારો લોકોને પાર્કમાંથી બહાર કઢાયા. સો વર્ષના ઇતિહાસમાં પાર્કમાં આ રીતે પૂરનાં પાણી નથી ફરી વળ્યાં. વળી આ વર્ષની શરૂઆતમાં આફ્રિકાના ટાપુ દેશ માડાગાસ્કરમાં 40 હજારથી વધુ લોકો પૂરને કારણે બેઘર થઇ ગયા. પૂરની તારાજી સામે લડી રહેલા દેશોની યાદી બહુ લાંબી છે. મલેશિયા, પાકિસ્તાન, ઇક્યુડોર, ઓમાન, બાંગ્લાદેશ, ઇસ્ટ આફ્રિકા, યુરોપ તથા એશિયાઇ દેશો, વગેરે. દરેક દેશમાં થયેલા જાનમાલના નુકસાનની યાદી પણ બહુ લાંબી છે. દુનિયાની કૂલ વસ્તીના ૨૩ ટકા લોકો પૂરનાં જોખમનો સીધો સામનો કરતા હોય છે અને આ જોખમનો વિસ્તાર સમયાંતરે બહોળો થઇ રહ્યો છે.

પર્યાવરણમાં આવેલા મોટા ફેરફારો એટલે કે ક્લાઇમેટ ચેન્જ – ગ્લોબલ વૉર્મિંગ આ તારાજી કરતા પૂરનું કારણ છે. ક્લાઇમેટ ચેન્જ એક એવું પર્યાવરણીય નુકસાન છે જે માનવસર્જીત છે. પરંતુ માત્ર પર્યાવરણમાં આવેલા ધરખમ ફેરફારો જ આ પ્રકારની કુદરતી આફતોનું કારણ નથી. અંગ્રેજીમાં એક શબ્દ છે ‘અર્બન ફ્લડીંગ’. હાલમાં જે રીતે અલગ અલગ દેશો પૂરનો સામનો કરી રહ્યા છે તેની પાછળ રેઢિયાળ રીતે બંધાયેલા શહેરો, વિચાર્યા વગર થયેલું ટાઉન પ્લાનિંગ, આડેધડ થયેલા ‘વિકાસ’ને કારણે જમીન પર આવેલા દબાણનો મોટો હાથ છે. પાણીને જવાનો રસ્તો મળે જ નહીં તે રીતે ઊભા કરાયેલા શહેરી બાંધકામ અર્બન ફ્લડિંગનું કારણ બને છે. દુનિયા આખીમાં શહેરોનો વિસ્તાર થઇ રહ્યો છે એ તો ખરું જ પણ વસ્તીની સમસ્યા પણ મોટી થઇ રહી છે. લોકોને સમાવવા માટે માળખાકીય સુવિધાઓ ખડી થાય જેમાં નદી કિનારાના પ્રદેશો, અતિવૃષ્ટિ પછી પૂરનાં પાણીને વહેવાં માટેના મેદાનો કે વેટલેન્ડઝને ગણતરીમાં લેવામાં નથી આવતા. 

શહેરીકરણને આંકડાથી નાણવાનો પ્રયાસ કરીએ તો વિશ્વમાં ૮૫ ટકા જેટલા શહેરી વિસ્તારો છેલ્લા ચાર દાયકામાં વિસ્તર્યા છે, જે વિસ્તાર 1985માં 6,93,000 કિલોમિટર હતો તે 2015માં 1.28 મિલિયન થયો છે.  1,45,000 KM2 જેટલા વિસ્તાર એ રીતે વિકસ્યા હતા જ્યાં પૂરનું સીધું જોખમ છે – વળી આ તો 2015ના રિપોર્ટના આંકડા છે – તેમા બીજાં સાત વર્ષના વિસ્તરણનો ઉમેરો પણ કરી લેવો. 1985થી અત્યાર સુધીમાં વિશ્વના 122 ટકા જેટલા વિસ્તારો પૂરનાં જોખમ હેઠળ જીવી રહ્યા છે. ઇસ્ટ એશિયા અને પેસિફિક રિજનમાં જોખમી વિકાસ સૌથી વધુ ઝડપથી થયો છે. વધતી જતી વસ્તીને સમાવવા માટે આપણે જમીનની તંગીનો સામનો પણ કરી રહ્યા છીએ પણ તેમાં કુદરતી પ્રવાહોના આવન-જાવનની ગણતરી કરવાનું ચૂકી જઇએ છીએ. આગામી ૩૦ વર્ષમાં વસ્તી બમણી થવાની છે અને કુદરતી આફતોની વાત કરીએ તો પૂર સૌથી મોટી આફત કહેવાય. પૂર ટાળી ન શકાય તેવું જોખમ છે અને તેનો જોર કેટલું હશે તે કળવું મુશ્કેલ હોય છે. માણસે કુદરત સાથે કરેલા ચેડાનું પરિણામ તેણે ભોગવવું જ રહ્યું અને દર વર્ષે પૂરનો સમાનો કરતા દેશોને હવે આ સમજાય તો સારું. 

વળી, પૂર માત્ર જે-તે રાષ્ટ્રની અમુક વસ્તી પર જ અસર કરે છે તેમ નથી. ખેતી પર તેની અસર થાય એટલે આયાત-નિકાસ પર પણ તેનો પ્રભાવ પડે. જ્યાં આયાત-નિકાસને આધારે અર્થતંત્રની સ્થિરતાનો ક્યાસ કાઢી શકાતો હોય તેવા દેશોના અર્થતંત્ર પર પણ તેની અસર વર્તાય. કુદરતી આફતને કારણે કોઇ એક રાષ્ટ્રની નહીં પણ આખી દુનિયાના અર્થતંત્ર પર અસર પડે છે કારણ કે આ આખું ચક્ર ડોમિનો ઇફેક્ટની માફક ચાલે છે. 

વર્લ્ડ બૅંકના એક રિપોર્ટ અનુસાર જે વિશ્વના જે લોકો પૂરની અસરમાં આવશે તેમાંથી 89 ટકા નિમ્ન તથા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. 9.8 ટ્રિલિયન ડૉલર્સ જેટલી આર્થિક પ્રવૃત્તિઓ એવા વિસ્તારોમાં થઇ રહી છે જ્યાં પૂરની શક્યતાઓ છે. પૂર સામે રક્ષણ મળે તે માટે પગલાં લઇ શકાય તેવું તંત્ર મોંધું અને સમય માંગી લે તેવું છે, વળી જે બચાવ તંત્ર એક સ્થળે કે એક રાષ્ટ્ર માટે ચાલે તે બીજે ચાલી જ શકે, કે લાગુ કરી જ શકાય તેવું જરૂરી નથી. 

બાય ધી વેઃ 

અન્ય કોઇ પણ કુદરતી આફતની સરખામણીએ પૂરની અસરો વૈશ્વિક સ્તરે વ્યાપક હોય છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થાય છે તો પૂરને કારણે થયેલા નુકસાનનો આંકડો કરોડો ડૉલર્સમાં પહોંચે છે. આવનારાં વર્ષોમાં દુનિયા આખી પર પૂરનું જોખમ વધી રહ્યું છે કારણ કે વિકાસ સતત થઇ રહ્યો છે, વળી, જેટલો વિકાસ વધારે તેટલું નુકસાન પહોંચી શકે તેવી મિલકત, માણસો, તંત્ર બધું જ વધારે. ભૂખમરો, દુકાળ, યુદ્ધ, વાઇરસ પછીની આર્થિક અસ્થિરતા, બદલાતી સરકારો અને તેના ફિતૂરની સાથે સાથે પૂરનું જોખમ નિયંત્રિત કરી શકાય તે દિશામાં વૈશ્વિક સ્તરે ગંભીરતાથી વિચાર કરાય તે અનિવાર્ય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 જુલાઈ 2022

Loading

પપ્પાનું પ્રગતિપત્રક

રીતિ શાહ|Profile|10 July 2022

સાહિત્ય-સમાજ-વિદ્યાકીય બાબતો-ચળવળો-જાહેર જીવન … આવા અનેક વિષયોમાં આશ્ચર્યજનક સાહજિકતાથી વિહરી શકતા પ્રકાશ ન. શાહ ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું અનન્ય પાત્ર છે. તેમની દીર્ઘ મુલાકાતનું એક પુસ્તક સાર્થક પ્રકાશન દ્વારા પ્રગટ થઈ ચૂક્યું છે. આ લેખમાં દુનિયાએ જોયેલા ‘પ્રકાશ ન. શાહ’ કરતાં વધારે, દીકરીએ જોયેલા પિતાનું આત્મીય ચરિત્ર આલેખાયું છે.

—

મમ્મી-પપ્પા બંને સરખું ભણેલાં, પણ ઘરઘાટી રણવીર, દરજુભાઈ, શિવુભાઈ, ડ્રાઇવર સહુ કોઈ માનતું કે ભાભી (મમ્મી) ભાઈ (પપ્પા) કરતાં વધુ ભણેલાં છે. પપ્પાને એચ.કે. કૉલેજમાં લેક્ચરર તરીકે શરૂઆતમાં જે પગાર મળતો, તેના કરતાં વધારે તો ઘરના ફુલટાઇમ ડ્રાઇવરને મારા દાદા ચૂકવતા હશે. રણવીર માંદો પડે એટલે પપ્પા એને લીંબુનું શરબત પિવડાવે અને પોતું મૂકે. કૂતરા-બિલાડાનું બગાડેલું સાફ કરવાની રણવીરને ભારે સૂગ એટલે એ કામ પપ્પાનું. નોકરચાકરની જાહોજલાલીવાળા દાદાના ઘરમાં પપ્પાનો હાથ નહિવત્. પણ દાદાના અવસાન પછી ઘરઘાટી વિદાય થતાંની સાથે જ પચાસની ઉંમરે પહેલું કામ પપ્પાએ ચા બનાવતાં શીખવાનું કર્યું. છેલ્લા ત્રણ દાયકાથી સવારની પહેલી ચા પપ્પાના હાથની જ. મોતિયાના ઑપરેશન વખતે સિત્યોતેરની ઉંમરે પહોંચેલા પપ્પાનો ડૉ. સમીક્ષાબહેન ત્રિવેદીને એકમાત્ર પ્રશ્ન, “શું હું ચા બનાવી શકીશ?” છેલ્લાં વર્ષોમાં પપ્પાએ વાસણ ધોવામાં પણ ઠીક-ઠીક સિદ્ધિ હાંસલ કરી. દિલ્હી મારે ઘરે આશિષના વિકલ્પે પપ્પા વાસણ ધોઈ નાખે. વડોદરા ‘લોકસત્તા’ના દિવસો યાદ કરતાં મિત્ર હર્ષવદન ત્રિવેદી કહે, “ત્યારે તો પ્રકાશભાઈને ચા બનાવતાં પણ નહોતી આવડતી. વીજળીનો ગોળો જાય કે બીજાં નાનાં-મોટાં ઘરનાં કામ હોય અને નયનાબહેન અમદાવાદ હોય ત્યારે તે કામ અજયભાઈ(ઉમટ)નાં ને મારાં.”

“આને તો ‘ભૂકિકાખર્ખરિકા’ કહેવાય.”

ખાખરો, દહીં, સેવ-મમરા કે બીજું જે પણ કાંઈ પડ્યું હોય તે ભેગું કરીને પપ્પા અમને ઘણી વાર ‘મિસળ’ ખવડાવે. એવું સ્વાદિષ્ટ બને કે મમ્મી-દાદીમાને થાય આ તો ભેળપૂરીની લારી કરે તો ય ગાડું ગબડી જાય. ખાખરાનો ભૂકો જોઈ વિસ્મય પામેલી દોહિત્રી (ઋતા-સેતુભાઈની દીકરી) સુરતાને નાના કહે, “આને તો ‘ભૂકિકાખર્ખરિકા’ કહેવાય.” આજે પણ ઘરમાં ચટણી, પાણીપૂરીનું પાણી, કચુંબર, કાચી કેરીનું અથાણું, વગેરે ચાખીચાખીને બનાવવાનું કામ પપ્પાનું જ. બોર્નવિટા નાખી ચૉકલેટી શ્રીખંડના અખતરા પણ ક્યારેક કર્યા હશે. દહીં અલગ અલગ રીતે મેળવ્યા પછી છેવટે અમુલનું જ પસંદ કરે. જેલમાંથી એસિડિટી લઈને આવ્યા પછી મરચું તો છોડ્યું પણ ભોજનમાં ગોળ, ખાંડ, મીઠાના વપરાશમાં મર્યાદા બહાર ઉદારતા દાખવે. ખાખરા-પાપડ પર ઘીની નદીઓ વહેતી હોય. ડાયબિટીસ બૉર્ડરલાઇન પર આવ્યા પછી બે-ત્રણ દિવસ બધા નિયમો જળવાય પણ ખરા. પપ્પાની ‘શ્રદ્ધા’ એવી કે શરીરની અડધી મુશ્કેલીઓ તો નિયમ જાણવાથી જ થાય છે એટલે પાછા મુહૂર્ત જોઈને અમલમાં મુકાયેલા નિયમો પ્રયત્નપૂર્વક ભૂલી જવાય.

(ડાબેથી) જમાઈ સેતુ શાહ-દીકરી ઋતા, હાથમાં સુરતા, નયનાબહેન, દીકરી રીતિ, અમૃતા, જમાઈ આશિષ મહેતા. (બેઠેલાં) માતા ઇન્દુબહેન, પ્રકાશભાઈ

બાપુજીના (પપ્પાના નાના) ઘરનું હરતું-ફરતું વંચાતું આભૂષણ એટલે ક્રૉસવર્ડ પઝલ ભરીભરીને ઇનામમાં જીતેલાં પુસ્તકોથી ખીચોખીચ ભરેલી લોખંડની મોટી પેટી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે મિલિટરી ડૉક્ટર તરીકે અને પછીથી પરિવાર સાથે આફ્રિકા વસી ડૉક્ટર તરીકે સેવા આપનાર પપ્પાના નાના ફૂલચંદભાઈએ સંતાનોનાં નામ ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોનાં નામ પરથી ઇન્દુ (પપ્પાનાં મમ્મી) અને મહેન્દ્ર પાડેલાં.

પપ્પાનું પ્રાથમિક શિક્ષણ વડોદરા મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં. વડદાદા, દાદા બંને ગર્ભશ્રીમંત, પણ પપ્પાનાં પ્રાથમિક શાળાનાં વર્ષોમાં કુટુંબે આર્થિક કઠણાઈ પણ જોઈ. એ વર્ષો વાંચન-રસિક માતા ઇન્દુબહેન, પિતાજી નવીનચંદ્ર અને ચાર વર્ષ નાની હોંશીલી બહેન પ્રફુલ્લાના સંગમાં લહેરથી પસાર થઈ ગયાં. બાળક પ્રકાશને પાટો બંધાવવાનો બહુ શોખ. કંઈ થયું ના હોય તો પણ મોટીને (માતા ઇન્દુબહેનને) કહે, મને પાટો બાંધી દે ને. મોટી પણ મોટે ભાગે દીકરાને નારાજ ના કરતી. મોટેરાંઓની ગેરહાજરીમાં ક્યારેક બે નિશાળિયાં ભાઈબહેન રસોઈના અખતરા પણ કરતાં. એક વાર પાણીથી સુખડી બનાવવાનો પ્રયોગ પણ ભાઈબહેને કરેલો. પપ્પાને ફટાકડા બિલકુલ ના ગમે, પણ દિવાળીની આગલી રાત્રે ઈંટોની ઓટલી બનાવીને બહેન પ્રફુલ્લા સાથે મોડે સુધી જાગીને પણ રંગોળી અચૂક કરે. પપ્પાનો પહેલવહેલો લેખ તે નવમા-દસમામાં ‘ગરબો’ વિશે હતો, તેમાં ગરબો એટલે માથે માટલી અને તે માટલીનાં કાણાંમાંથી બહાર રેલાતો દીવાનો પ્રકાશ એટલે ગરબો એવું અવલોકન હતું. બાળક પ્રકાશ ક્યારેક અકળાતો, ગુસ્સે પણ થતો. રિસાય ત્યારે માળિયામાં ચઢી જતો. અપરિગ્રહનો ગુણ તો છેક નિશાળના દિવસોથી. ખપ પૂરતા માર્ક આવે એટલે બસ. મોટીના શબ્દોમાં, “ઘરનું બધું કામ પતાવીને છેક સાંજે હું પ્રકાશને શોધવા નીકળું કે કાલે પરીક્ષા છે અને હજુ કેમ આવ્યો નથી? ત્યારે તે તો શાંતિથી સૂરસાગર તળાવની પાળે ડોલતો હોય.”

પપ્પાને પ્રાથમિક શાળાના મિત્રો ઝાઝા નહીં પણ, તેમના પહેલા ધોરણના શિક્ષક સ્વ. રમણભાઈ ક્ષત્રિય અમારા ઘરે ઘણું આવતા. પપ્પાના વાંચનઘડતરમાં મોટીની સાથે તેમનો પણ અમૂલ્ય ફાળો. દસકાઓ પછી પણ કલાકોના કલાકો સુધી શિક્ષક સાથે વાત કરતાં પપ્પાને અમે બંને બહેનો, હું અને ઋતા, અહોભાવથી જોઈ રહેતાં. બીજે છેડે, તેમના વિદ્યાર્થીમિત્ર રાજુકાકા (અમેરિકા-નિવાસી રાજેન્દ્ર દવે) પણ અવારનવાર ટપકી પડતા, ક્યારેક અમને પપ્પાના એચ.કે.ના વર્ગની ઝલક આપી હસાવતા. ગુરુજનો કે વિદ્યાર્થીવૃંદ સાથે ગોષ્ઠિ કરવામાં પપ્પાને ઉંમર ક્યારે ય અંતરાય નહોતી બનતી. વર્ષો પછી પપ્પાના એક શિક્ષક, નામે વિષ્ણુભાઈ પાઠક, સ્વલિખિત કાવ્યસંગ્રહ લઈને ખાસ ગુરુપૂર્ણિમાના દિવસે જ વિદ્યાર્થી પ્રકાશના ઘરે આવેલા. મમ્મીના શિક્ષક ક્યારેક મળી જાય તો પપ્પા તેમની સાથે ‘ટીચર-ઈન-લૉ’ના સંબોધન સાથે વાતની શરૂઆત કરે.

1955માં મણિનગર છોડ્યું, પણ ત્યાંના પાડોશીઓ સાથેના સંબંધ અકબંધ. પૂનાથી સરલાબહેનની રાખડી અચૂક આટલાં વર્ષો પછી પણ આવે. મકાનમાલિક હીરાબહેનનાં સંતાનોના પણ તે મામા. 1956માં નવરંગપુરામા ‘પ્રકાશ’ બંગલામાં સ્થાયી થયા પછી પપ્પાના પહેલવહેલા સમવયસ્ક મિત્ર દિલીપકાકા (ત્રિવેદી અટકથી મુક્ત સ્વ. દિલીપ ચંદુલાલ). મિત્ર તરીકે પહેલવહેલી વાર ઘરે આવતી નયનાના (મારી મમ્મી) મનમાં ‘પ્રકાશ ન. શાહ’ વિષે વિદ્યાપ્રેમી અકિંચન બ્રાહ્મણના સંતાન જેવી છાપ હતી.

સંરક્ષણ ફાળામાં મહાદેવ દેસાઈ સુવર્ણચંદ્રક

પપ્પાની બાળપણની આવી કેટલીક વાતો અમે બંને બહેનોએ નાનપણમાં સાંભળેલી. ઇન્ટરમાં નાપાસ થયાનું તો અમારી દર પરીક્ષાએ સાંભળવા મળતું. નિશાળના દિવસોમાં આર.એસ.એસ.માં તેમની સક્રિયતા વિષે પણ ખ્યાલ હતો, પણ શારદામણિ દેવી શતાબ્દી નિમિત્તે ગુજરાતવ્યાપી નિબંધસ્પર્ધામાં કે મહાદેવભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યાનું તો છેક 2019માં ઉર્વીશભાઈની (કોઠારી) કલમે જ સાંભળ્યું. (એટલે જ પપ્પા જેવા થવાની અપેક્ષાઓના ભારથી અમારું બાળપણ મુક્ત રહ્યું.) તો પછી ચીનના આક્રમણ વખતે સંરક્ષણ ફાળામાં પપ્પાએ મહાદેવ દેસાઈ સુવર્ણચંદ્રક અર્પણ કર્યાની તો ક્યાંથી ખબર હોય? પપ્પા કટોકટી કાળે જેલમાંથી નિયમિત ઘરે કાગળો લખતા, તે વખતે તો હું માત્ર બે વર્ષની હતી. આ લખતી વખતે પહેલી જ વખત તેની સ્કેન-કૉપી જોઈ ત્યારે વિચારમાં પડી ગઈ, કે આ ચિત્રો કોણે દોર્યાં હશે. છેવટે પપ્પાને પૂછી જ લીધું કે, “આ ચિત્રો તમે કોની પાસે દોરાવ્યાં છે?” આશ્ચર્ય! ત્યારે ખબર પડી કે તેમને ચિત્રકામ પણ કૉપીકામની રીતે આવડે છે.

(ડાબેથી) અમૃતા, સુરતા, રીતિ, ઋતા અને નયનાબહેન સાથે

પપ્પાની અમુક પ્રિય રમૂજોમાંની એક : શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને ભાષણ આપતાં કહ્યું કે, “બાળકો, તમારી ઉંમરે રાજેન્દ્ર પ્રસાદ કેટકેટલું કરતા હતા.” ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું કે, “પણ સાહેબ, તમારી ઉંમરે તો એ રાષ્ટ્રપતિ થઈ ગયેલા.” જેણે અનેક લોકોને ખડખડાટ હસાવ્યા હશે તો અનેકને સાંત્વન પણ આપ્યું હશે. બીજી એક જૉક પણ અવારનવાર કહેતા કે પરિણામપત્રક મોટેથી વાંચતા છોકરાને બાપે ખખડાવી નાંખ્યો, “આટલા ઓછા તો કાંઈ માર્ક હોય?” ત્યારે છોકરાએ ધીમેથી કહ્યું, “બાપા, આ મારું નહીં, તમારું પરિણામપત્રક છે.”

પૈસાની સરળ લેવડદેવડ

મમ્મી-પપ્પાના આવા હળવા વલણને કારણે જ અમે બંને બહેનો નિરાંતે મોટી થઈ. પૈસાની લેવડદેવડ પપ્પા સહિત સૌ કુટુંબીજનોની અન્ય સાથે એટલી સરળ રહેતી કે મારી ખાસ્સી મોટી ઉંમર સુધી મારી સાદી સમજ એવી હતી કે આ ધોબીકાકા, શાકવાળા દેવેન્દ્રભાઈ વગેરે સૌ પૈસા આપીને જાય છે તેમાંથી આપણું ઘર ચાલે છે. એ લોકો બાકી રકમના છૂટા પૈસા આપતા હતા, અને બાળકો નિશાળે જાય તેમ પપ્પા ઑફિસે જાય અને એમાં પગાર પણ મળે, એવો ખ્યાલ મને ઘરના વાતાવરણમાંથી નહોતો આવ્યો. પપ્પાને જાહેરમાં પ્રથમ વખત સાંભળ્યા તે 1986માં. જ્ઞાતિના પ્રસંગમાં. બહેન ઋતા એસ.એસ.સી.માં નાતમાં પ્રથમ આવી હતી અને એને પપ્પાને હાથે નાત તરફથી ઘડિયાળ મળવાની હતી.

આમ તો પપ્પા ઘણા મિત્રોનાં સંતાનોનાં નામ પાડવા માટે જાણીતા. મારા જન્મ સમયે મારી રાશિ ‘તુલા’ જાણી હૉસ્પિટલમાં જ સ્નેહીમિત્ર સ્વ. પનુભાઈ ભટ્ટે ‘ર’ અને ‘ત’ ભેગા કરીને તરત જ ‘રીતિ’ લખી નાખેલું. થોડીક મોટી થતાં મેં આટલા નાના, માત્ર બે અક્ષરના નામ સામે વાંધો લીધો ત્યારે પપ્પાએ મને સમજાવેલું કે તારું ખરું નામ તો ‘રઘુકુળ રીતિ’ છે. ‘રીતિ’ તો અમે તને લાડમાં બોલાવીએ છીએ. (વરિષ્ઠ પત્રકાર સ્વ. તુષારભાઈ ભટ્ટ સુધારો કરીને મને ‘ગાંધીકુળ રીતિ’ બોલાવતા.) નાનપણમાં હું જૈન દેરાસરની પાઠશાળાએ જતી ત્યારે સૂત્રો સમજ્યા વગર ગોખ્યા કરતી દીકરીને જોઈ પપ્પાની અકળામણ હળવી મજાકરૂપે વ્યક્ત થતી, હું પણ મલકી ઊઠતી. આ રીતે જ મારા મોટા ભાગના બાળપ્રશ્નોનું સમાધાન થઈ જતું.

માત્ર મૌન શ્રોતા

“જો પછી તારું બે કાન વચ્ચે માથું કરી નાંખીશ.” એમ મલકાતાં મલકાતાં બોલતા પપ્પાનો અવાજ ઘરમાં તો ક્યારે ય ઊંચો નહોતો થતો. આજે પણ મારી અને મમ્મીની ચીક-ચીકમાં પપ્પા માત્ર મૌન શ્રોતા રહે. આ તો જાહેરજીવનના પ્રસંગોમાં પપ્પાને સાંભળતી થઈ ત્યારે ખબર પડી કે એમનો અવાજ ઊંચો પણ થાય છે. આ તે વળી કેવા પપ્પા – ધમકાવે પણ નહીં! બાળપણમાં મને તેઓ ક્યારે ય ‘નૉર્મલ પપ્પા’ (જો કે આજે હું ‘નૉર્મલ’ને બદલે ‘ચીલાચાલુ’ શબ્દ વાપરવાનું પસંદ કરું) જેવા લાગ્યા જ નહોતા. પરીક્ષાના માર્ક વાંચ્યા વગર આડેધડ પરિશ્રમી દીકરીઓના પ્રગતિપત્રકમાં સહી ઠોકે રાખતા પપ્પાને નૉર્મલ પપ્પા તો કેવી રીતે કહેવાય? એવી તો કંઈ કેટલી ય મૂંઝવણો મારા બાળમને અનુભવી હશે.

મારો જન્મ જુલાઈમાં. જ્યારે મારું બાળમંદિરમાં ઍડ્મિશન થયું ત્યારે મોટા ભાગની નિશાળમાં ઑગસ્ટ પછી જન્મેલાં બાળકોને એક વર્ષ પાછળ રાખતાં જ્યારે શારદામંદિરમાં જૂન પછી જન્મેલાં બાળકોને એક વર્ષ પાછળ રાખતાં. જુલાઈમાં જન્મેલાં બીજાં બાળકોના વાલીઓના સૂચનથી તે વર્ષે જ સ્કૂલે નિયમ બદલ્યો અને વહેલા પહેલા ધોરણમાં જવાનો વિકલ્પ સામે આવ્યો ત્યારે મમ્મી-પપ્પાએ તેનો અસ્વીકાર કરેલો. મારા માટેનાં મમ્મી-પપ્પાના આ નિર્ણય અંગે મને મા બન્યા પછી જ માન થયું.

બાળપણમાં સાથે બેડમિંટન, પત્તાં-કેરમ રમતા પપ્પા કે લૉગાર્ડનમાં વિમાન-રોકેટ પર ચઢવા ઉત્સાહિત કરતા પપ્પા યાદ આવે છે, પણ ક્યારે ય પાઠ્યપુસ્તક કે ઈતર પુસ્તક વાંચવાનું દબાણ કરતા પપ્પા યાદ આવતા નથી. ઋતા માટે ‘ચાંદામામા’, ‘બુલબુલ’, ‘રમકડું’ વગેરે­­ મૅગેઝિનો બંધાવેલાં, પણ મેં રસ નહોતો લીધો. તો એ પણ ઠીક. આ તો દસમા ધોરણના લાંબાલચક વૅકેશનમાં સમય કેવી રીતે પસાર કરવો એ મહાપ્રશ્ન સામે આવ્યો, ત્યારે પપ્પાએ કુશળતાથી ધીરે રહીને મને ઈશ્વર પેટલીકરની નવલકથાઓ તરફ વાળી. તે પૂર્વે સાંભળ્યું હતું કે કાશીબહેનને (સ્વ. ઈશ્વર પેટલીકરનાં પત્ની) પપ્પા અવાર-નવાર કહેતા કે “કાશીનું મરણ જ નહીં, જમણ પણ વખણાય!” તે પછીનાં વર્ષોમાં નવું વાંચન શરૂ કરતાં પહેલાં હું પૂછું હવે કયું પુસ્તક લઉં, ત્યારે પપ્પા ફટ દઈને સૂચન કરવાને બદલે આગળના પુસ્તકને આધારે વિચારીને બીજું સૂચન કરે. ક્યારે ય કોઈ પણ પ્રશ્નનો સીધો ઉકેલ આપવાના બદલે હંમેશાં પપ્પા સંદર્ભ આપે, સ્વાધ્યાય કરવા સૂચવે.

૧૯૮૮ની સાલમાં દાદાના અવસાન પછી સ્પૉર્ટ્સ ક્લબનું સભ્યપદ જાળવી રાખવાની તક જતી કરતા પપ્પા નવમા ધોરણમાં ભણતી મને તે વર્ષોમાં સમજાયા નહોતા. પપ્પા દાદા-દાદીને ક્યારે ય પગે નહોતા લાગતા, ન તો અમને કોઈને પણ “જે-જે” કરવાનું સૂચન કરતા. દાદા હતા ત્યાં સુધી તો દર દિવાળીએ ઘરમાં દાદાનાં પિતરાઈ ભાઈ-બહેનો ભેગાં થઈ ચોપડાપૂજન કરતાં. પેટીઓ ભરીને દારૂખાનું આવતું. પછીનાં વર્ષોમાં ઉત્તરાયણમાં ટુક્કલો પણ ચડતી. પપ્પાને આ બધામાં નહિવત્ રસ. હા, ઉત્તરાયણની સવારે એ ધના સુથારની પોળમાં વિક્રમભાઈ-ભદ્રાબહેનને (સવાઈ) ઘરે અચૂક લઈ જતા. છેક સુધી મિલમાં અને માર્કેટમાં બંને જગ્યાએ સક્રિય રહેલા દાદા રોટરી ક્લબમાં પણ નિયમિત જતા. દાદાના મિત્રમંડળની પાર્ટીઓ પણ અવારનવાર ઘરે થતી. દાદા-દાદી બંને એટલાં તો યુવાન દેખાતાં કે પપ્પાના નવપરિચિત મિત્રો દાદા-દાદીને પપ્પાનાં ભાઈ-ભાભી જ સમજી બેસતા. બીજી બાજુ, ઘરે પહેલવહેલી વાર આવનાર અમારી બહેનપણીઓ પપ્પાને અમારા દાદા સમજી બેસતી. ધીરેધીરે હું પણ ચોખવટ કરવાનું ટાળવા લાગેલી. પપ્પાના કોઈ કોઈ વાળ ધોળા થવા લાગેલા અને દાદા-દાદી બંને ડાઇ કરતાં હતાં.

નિશાળના દિવસોમાં બહેનપણીઓના બંગલે પોતાના વાહનના બદલે રિક્ષા લઈને તેડવા આવતા પપ્પાને જોઈને શરમ આવતી. બહેનપણીઓ અને કઝીન્સના વાદેવાદે પપ્પાને ‘ડૅડી’ કે ‘ડૅડ’ જેવાં સંબોધનો કરવાના નિષ્ફળ પ્રયત્ન કરી જોયેલા. ક્યારેક શર્ટ-પેન્ટ પહેરીને સ્કૂટર દોડાવતા પપ્પાની કાલ્પનિક છબી પણ મારા બાળમને જોઈ હશે. મિત્રના સ્કૂટરની લિફ્ટ લેતા પપ્પા પોતાના બંને પગ એક જ સાઇડ રાખવાનું પસંદ કરતા. સરદાર પટેલ સ્મારક ભવનથી ઘરે આવતાં સુભાષબ્રિજ પરથી પસાર થવાનું હોય ત્યારે જીતુભાઈના (સ્વ. જિતેન્દ્રભાઈ દેસાઈના) સાઇડકારમાં પાછળની સીટનો વિકલ્પ હોય તો પણ પપ્પા આરામથી હોડકામાં જ બેસવું પસંદ કરે.

નવલભાઈને (પૂર્વ શિક્ષણ મંત્રી) જ્યારે ધોતિયાના પોશાકમાં મોટી ઉંમરે ગિયર વગરનું લ્યુના શીખીને આત્મવિશ્વાસપૂર્વક હાંકતા જોયા ત્યારે થયેલું કે પપ્પા આમાંથી કંઈક પ્રેરણા લે તો ઠીક. એક દિવસ ઉપરના રૂમની બારીએથી ડોકિયું કર્યું તો “આશ્ચર્ય! શું સાચે પપ્પા લ્યુના શીખી રહ્યા છે!” નીચે જઈ જોયું તો તે નવલભાઈના લ્યુનાને ધક્કા મારી ચાલુ કરવામાં મદદ કરી રહ્યા હતા.

લગ્ન-બેસણા-સ્મશાન સર્વત્ર ચાલે

પપ્પાનો કાયમી પોશાક તો લગ્ન-બેસણા-સ્મશાન સર્વત્ર ચાલે તેવો ખાદીનો સફેદ ઝભ્ભો અને લેંઘો. પ્રવાસમાં ય બૅગોને તાળાં નહીં મારવાનાં. રિક્ષાનાં મીટર ક્યારે ય ચેક ના કરે. આટલાં વર્ષોથી સતત રિક્ષામાં બેસવાના કારણે કેટલાક રિક્ષાવાળાઓ પણ એમને ઓળખે. ઘરના ઝાંપે હું રિક્ષામાંથી ઊતરતી હોઉં તો ક્યારેક રિક્ષાવાળાભાઈ પણ કહે, “બહેન, અહીં પેલા કાકા રહે છે ને તે બહુ સારા છે!” પપ્પા ઘડિયાળ રાખતા, પણ ગજવામાં. કાંડે બાંધવી ના ગમે. મારા દાદાને પરફ્યૂમનો ભારે શોખ. અમેરિકા ગયેલા ત્યારે તે વિવિધ પ્રકારની ટાઈ અને પરફ્યૂમની ઘણી બૉટલ લાવ્યા હશે. પપ્પા ક્યારે ય એ વસ્તુઓની સામે જુએ પણ નહીં.

દોહિત્રીઓ સાથે : પ્રકાશભાઈના ખોળામાં અમૃતા, નયનાબહેનના ખોળામાં સુરતા

1985માં પપ્પાને જર્મની જવાનું થયું ત્યારે નાછૂટકે બૂટ ખરીદેલા. મમ્મીના ખૂબ આગ્રહથી માત્ર મારા અને ઋતા માટે એક ફ્રૉક અને કોઈકે ભેટ આપેલી થોડીઘણી ચૉકલેટ માત્ર લાવેલા. હાથખર્ચી માટે મળેલી ખાસ્સી રકમ બીયરના અભાવે બચી ગઈ તો ત્યાંની કોઈ સ્કૂલમાં દાન કરીને આવ્યા હતા. પર્યુષણ પ્રતિક્રમણમાં જતાં મારાં દાદીમાને ક્યારેક ચોવીસમી ઑગસ્ટે ઊજવાતી જયંતિ દલાલ સ્મૃતિ સંધ્યામાં ખેંચી જતા. વીસ-એકવીસ વર્ષે જ્યારે મારી બધી કઝીન્સ પરણીને ઠરીઠામ થવા લાગેલી ત્યારે ત્રેવીસ-ચોવીસે પહોંચેલી ઋતા માટે ઘરમાં કોઈ હલચલ શરૂ થઈ નહોતી. વળી એમાં પાછા લગ્ન અંગે પપ્પાના વિચારો – “ઋતાને લગ્ન ના કરવાં હોય અને સ્વતંત્ર કારકિર્દી ઘડવી હોય તો પણ હું રાજી છું.” – જ્યારે જાણ્યા ત્યારે તો થયું કે પપ્પાએ પોતે જ લગ્ન નહોતાં કરવા જોઈતાં. ત્યાં તો મમ્મી-પપ્પાનાં મિત્ર ભદ્રાબહેન-વિક્રમભાઈ (સવાઈ) એ હકુભાઈ-વિલુબહેનના દીકરા (પદ્મશ્રી હકુ શાહ) સેતુભાઈ સાથેના પરિચયનું નિમિત્ત બન્યાં. હરખ વ્યક્ત કરતો દીનામાસીનો (સ્વ. ચી.ના. પટેલનાં દીકરી) ફોન આવ્યો અને મને કહે, “હવે પપ્પા સંસારી બનશે.” પહેલી મુલાકાતમાં પપ્પાએ આર્કિટેક્ટ સેતુભાઈ સાથે ‘નળિયા ચાળવા’ની વાત માંડી.

સારા સંસ્કારી લોકોનું કામ નથી

સાતમા ધોરણમાં હતી ત્યારે પપ્પાએ બાબુભાઈ જશભાઈ, ભાઈદાસકાકા (સ્વ ભાઈદાસભાઈ પરીખ), સ્વ. ઇલાબહેન પાઠક, સ્વ. જયંત પંડ્યા, હસમુખકાકા (હસમુખ પટેલ), વગેરે સાથે મળીને નાગરિક સમિતિ રચી અને 1987ની અમદાવાદ સુધરાઈની ચૂંટણીમાં ઊભા રહેલા. એ વખતે એક બહેનપણીએ ટકોર કરતાં કહ્યું હતું કે, “કોઈને આ વાત કહેતી નહીં, રાજકારણ-ચૂંટણી વગેરે સારા સંસ્કારી લોકોનું કામ નથી.” મને પણ બહેનપણીની વાત જ ત્યારે સાચી લાગી હતી. (તે વખતે મારા ભાવિ પતિ એમના પડોશમાં આ જ સમિતિ માટે ચૂંટણીપ્રચારમાં જોડાયેલા હતા.) વર્ષો પછી સાંભળેલું કે કટોકટી વખતે પપ્પાના જેલવાસ દરમ્યાન મમ્મીને પણ પરિવારના અંગત મુરબ્બી વડીલ મિત્રે સલાહ આપેલી કે “નયના, એક સ્ત્રી તરીકે તારું કામ છે કે તારા વરને જેલમાંથી પાછો બોલાવ અને આ બધી પ્રવૃતિઓનું વ્યસન બંધ કરાવ.”

પિતાજી નવીનચંદ્રે બનાવેલા વિશાળ બંગલામાં યુવામિત્રો સાથે ચાલતી પપ્પાની ‘આરત’ નામના રચનાત્મક અને વૈચારિક જાગૃતિ અભિયાન જૂથની પ્રવૃત્તિઓ કેટલીક વાર તો શકરીબા(લાંબો સમય પથારીવશ રહેલાં પપ્પાનાં દાદીમા)ના ઓરડામાં જ ચાલતી, જેથી બાને એકલું ના લાગે. તે વખતે મારી મમ્મી ક્યારેક સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાં સોશિયોલૉજીનાં લેક્ચર લેવા જતી ત્યારે શકરીબા સૂચન કરતાં, “નયના, તું ઠેઠ એટલે આઘે ભણાવવા જાય છે એને બદલે પાઠશાળાએ (બાજુમાં આવેલા દેરાસરમાં) જતી હોય તો!” પપ્પાને જ્યારે લાંબો તાવ આવે ત્યારે પપ્પાનાં મામી માનતા માને. ઘરે આવીને ભાણિયા પ્રકાશની નજર ઉતારી જાય. પપ્પા અંદરથી અકળાતા હશે, પણ મામીની લાગણી દુભાય એવું કશું ના બોલે.

માતા ઇન્દુબહેન સાથે જમવાના ટેબલ પર

પપ્પાનાં એક વડોદરાવાસી ફોઈ પણ ખૂબ ભાવ રાખે. રોજ-રોજ ‘લોકસત્તા'ની ઑફિસે ફોન કરી પ્રકાશની ખબર લેતાં મુક્તાફોઈને ‘લોકસત્તા’ની ઑફિસે ફોઈમાંથી ‘ફૈબા’નું પ્રમોશન આપેલું. તે મુક્તાફોઈના શબ્દોમાં, “પ્રકાશ, તેં ‘લોકસત્તા' છોડ્યું તો ય હજુ ય તારું નામ રોજ વાંચું છું.” પ્રિન્ટલાઇનમાં ‘પ્રકાશન’ શબ્દ વાંચીને ફોઈ રાજી રહેતાં કે ભત્રીજાનું નામ હજુ ય છપાય છે. તો વળી, આજથી સહેજે વીસ–પચીસ વર્ષ પહેલાં અવસાન પામેલા પપ્પાનાં લાઇબ્રેરિયન માસી (મોટીના મામાનાં દીકરી સરોજબહેન શાહ, એમ.જે. લાઇબ્રેરી) તે વખતે કહેતાં, “પ્રકાશ, હું તો તારી પર પીએચ.ડી. કરી શકું.” તે પછીનો પપ્પાનો આલેખ જોતાં આજે તો સરોજમાસીને ડબલ પીએચ.ડી. કરવું પડે!

જાહેર જીવનનાં અનેક અગ્રણી વ્યક્તિત્વો સાથે પપ્પાને અંગત મૈત્રી. તેમનો જાહેર પરિચય થાય તે પહેલાં અમને ઘણી નાની, બાળમંદિરની ઉંમરથી જ વ્યક્તિગત પરિચય થવા લાગેલા. તો બીજી બાજુએ આજના જાણીતા પત્રકારોમાંના ઘણાખરાને તો ઘરઆંગણે જ અમારે પત્રકારત્વનાં વિદ્યાર્થી/વિદ્યાર્થિની તરીકે મળવાનું થયેલું.

શરદપૂનમની રાત્રે માવળંકરસાહેબના (સ્વ. પુરુષોત્તમ ગણેશ માવળંકરના) ઘરે થતા ગરબામાં એક વાર ઝીણાદાદાની સાથે ઓળખાણ કરાવતાં પપ્પાએ મને કહ્યું, “તમારી શાળાની બાજુમાં સી.એન. વિદ્યાલય છે ને, તેના આચાર્ય …” પપ્પા વાક્ય પૂરું કરે તે પહેલાં જ મેં બાળભાવે ઝીણાદાદાને પૂછી નાંખેલું, “તે તમારી સ્કૂલમાં પથરા પડેલા?” તે વખતે અનામત આંદોલનના દિવસોમાં સી.એન. પર પથરા પડ્યા હતા. બીજે દિવસે તેમણે સી.એન.ની બાળસભામાં એક બાળકી કહીને મારી વાતનો ઉલ્લેખ કર્યો હતો તે જાણીને બાળકી ખુશ. તે વખતે બાળકીને ખબર નહોતી કે તેની પ્રિય કવિતા “પરોઢિયે પંખી જાગીને …”ના કવિ ‘સ્નેહરશ્મિ’ એ જ આ ઝીણાદાદા.

ત્રીજા ધોરણમાં ‘છોડ’ કવિતા ભણી તે જ દિવસે રાત્રે પાઠકકાકા (કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક) દીકરીઓ સાથે ઘરે આવેલા, અને બીજે દિવસે ક્લાસમાં મારો વટ પડી ગયો હતો. તે વખતે જાણતી નહોતી નહિતર સૌને કહી નાંખ્યું હોત, “ભવિષ્યમાં મારાં લગ્નનું મંગલાષ્ટક પણ કવિશ્રી હરિકૃષ્ણ પાઠકની કલમે જ લખાશે.” નવમા ધોરણની બાળસભામાં હું શ્રી ઉમાશંકર જોશી વિષે બોલવા ઊભી થયેલી ત્યારે મારા વક્તવ્યમાં ‘ઉમાશંકરભાઈ’ને બદલે ‘ઉમાશંકર’ શબ્દ જ આવ્યો હતો. બીજે દિવસે શિક્ષિકાએ માનવાચક શબ્દ ન વાપરવાને કારણે ટીકા કરેલી.

પટેલસાહેબ (સ્વ. ચી.ના. પટેલ) જેવા કોઈ કોઈ વડીલ વીલ લખતી વખતે પપ્પાને સંભારે ત્યારે પપ્પા વિશેષ હોવાની લાગણી જરૂર થતી. મલ્લિકા સારાભાઈનું મોસાળું કરતી વખતે સૌનાં ‘મા’(સ્વ. રંજનબહેન જયંતિ દલાલ)ને ‘દીકરો’ પ્રકાશ સાંભરી આવે. ઉનાળો આવતાં જ માના હાથે બનાવેલાં કેરીનાં અથાણાંની બરણી આવવાની જ. જીજી (સુભદ્રાબહેન ભોગીલાલ ગાંધી) પણ મમ્મી-પપ્પા પર માતૃતુલ્ય વહાલ વરસાવતાં. જીજી-દાદા(ભોગીભાઈ-સુભદ્રાબહેન ગાંધી)ના વડોદરાના ઘરે બાળપણમાં ક્યારેક રાત રહેવાનું પણ અમારે થતું. નારાયણભાઈ દેસાઈનો ફોન આવે અને અમે ક્યારેક એમનું સંબોધન સાંભળીએ, “જય … પ્રકાશ? નારાયણ!” ‘દર્શક’દાદા(મનુભાઈ પંચોળી)ની અંતિમ અવસ્થાના દિવસોમાં પપ્પા તેમની સાથે હતા. કૃપાલાણીદાદા, રવિશંકર મહારાજ, જીજી-દાદા, દિલખુશભાઈ દીવાનજી, વગેરેની વૃદ્ધાવસ્થાનાં વર્ષોમાં તેમના ખાટલા પર બેસી કલાકોના કલાક સુધી વાતો કરતા યુવાન પપ્પા મારા બાલ્યકાળમાં મને જરા ય રસિક નહોતા લાગતા, પણ મારી દીકરીને નાનાની જીવનશૈલી આકર્ષક લાગી હશે. તે બાળમંદિરમાં હતી ત્યારે નાના જેવા થવાની એને હોંશ હતી. એના શબ્દોમાં એના નાનાની જિંદગી એટલે “ખૂબ મમ્‌મમ્ કરવાનું, બહાર ફરવાનું અને ક્યારેક-ક્યારેક ઑફિસ જવાનું.”

પપ્પા આશ્રમ રોડ પર બહેરા-મૂંગાની શાળા અને માઉન્ટ કાર્મેલની વચ્ચે ભરચક ટ્રાફિકમાં સ્થિત મહાદેવને એટલી સહજતાથી ‘ટ્રાફિકેશ્વર મહાદેવ’ કહેતા કે અમે માનતાં થઈ ગયેલાં કે એ જ સાચું નામ છે. એક વખત આ શબ્દપ્રયોગ મારા મોઢે સાંભળી મીનાબહેન (મીનાક્ષીબહેન જોષી, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રસી) ખડખડાટ હસેલાં. જો કે તેમના હાસ્યનું રહસ્ય મને ઘણા વખત પછી સમજાયું.

ભૌગોલિક જ્ઞાન ઐતિહાસિક કહેવાય

પપ્પાને રસ્તાઓ ભાગ્યે જ યાદ રહે. હસમુખકાકા (વિરમપુરવાળા હસમુખ પટેલ) કહેતા, “પ્રકાશભાઈનું ભૌગોલિક જ્ઞાન ઐતિહાસિક કહેવાય.” વડોદરા ‘લોકસત્તા'કાળના શરૂઆતના દિવસોમાં રિક્ષામાં પોતાના ઘરે પરત આવવામાં પણ રોજ રસ્તો પૂછવો પડતો ત્યારે અમે એક કાયમી રિક્ષા બંધાવી દેવાનું સૂચન કરેલું. ‘દિવ્ય ભાસ્કર’માં હતા ત્યારે રોજ કાર લેવા-મૂકવા આવતી, ત્યારે એક વાર ડ્રાઇવરે મજાકમાં કહેલું કે, “સાહેબને ‘સંદેશ’ની ઑફિસમાં મૂકી દઈએ તો પણ કદાચ ખબર ના પડે!” પપ્પાનો ક્રિકેટવિષયક તંત્રીલેખ પોંખાય ત્યારે આશ્ચર્ય જરૂર થાય, કારણ તે લેખ લખવા પૂરતું જ પપ્પાએ ક્રિકેટ જોયું હોય. એમાં કોઈ ઇમોશનલ મોમેન્ટ ઝિલાય એટલે ભાથું મળી ગયું.

મને તો મોટે ભાગે પપ્પા નરસિંહ મહેતાની નવી એડિશન લાગતા. ધીરેધીરે સુવર્ણાબહેન, સ્વ. લાભશંકર ઠાકર, સ્વ. બકુલ ત્રિપાઠી જેવા વડીલ મિત્રો સાથે પપ્પાની ગેરહાજરીમાં થતી મારી મુલાકાતો મને ઘર બહારના તેમના જાહેર વ્યક્તિત્વથી પરિચિત કરતી ગઈ. માત્ર સાહિત્ય-કવિતાનું ગાણું ગાતાં ભજિયાંની જેમ પુસ્તકોનાય ઘાણ ઉતારનાર કવિ અને સમાજનાં બીજાં કામો કરતાંકરતાં સાહિત્ય સાથે ય નિસબત રાખનાર દ્વારા રચાતા સાહિત્ય વચ્ચેનો ભેદ સુરેશ દલાલનું ઉદાહરણ આપીને લાભશંકરભાઈએ વૈદ્યગીરી કરતાંકરતાં મને સમજાવ્યો હતો. એ મુદ્દે વધુ સમજ સુવર્ણાબહેન સાથે મળીને ચર્ચા કરતાં અને ચર્ચાપત્રો લખતી વખતે થતી ગઈ. અમારાં બંનેના સહિયારા નામ ‘રીતિકા પરમાર’થી ભૂમિપુત્ર વગેરેમાં ત્રણ-ચાર વાર કંઈક પ્રકાશિત પણ થયું હશે.

ઘરના દરવાજે સતત ઘંટડી રણક્યા કરે. પારાવાર કામોની વચ્ચે પણ હળવાફૂલ રહેતા પપ્પા ઉમળકાથી બારણું ખોલે. એક દિવસ મેં રઘવાટમાં બારણું ખોલ્યું તો આંગણે ઊભેલો કુરિયર કહે, “સૉરી હોં, બહેન, આજે તમને ડિસ્ટર્બ કરવા પડ્યાં, બાકી પેલા દાદા તો અમસ્તા નવરા જ બેઠા હોય છે ને!” હિન્દી ‘જનસત્તા’ના સ્થાપક તંત્રી સ્વ. પ્રભાષ જોશીના દીકરા સોપાનના અવલોકન પ્રમાણે પહેલાંના જમાનામાં લોકોના ચહેરા પર રમતી હળવાશ આજકાલની દોડાદોડીમાં વિલુપ્ત થઈ રહી છે. સોપાન હિન્દીના પ્રખ્યાત કવિ અને ‘સંપૂર્ણ ગાંધી વાંઙ્‌મય’ના સંપાદક ભવાનીપ્રસાદ મિશ્રાનો દાખલો આપીને કહે કે તેઓ કવિતા લખતા હોય અને નાનું બાળક રમતુંરમતું આવે તો ભવાનીબાબુ કલમ બાજુ પર મૂકીને તેની સાથે રમવા લાગે. આ વાત સોપાન બાકી રહેલા અપવાદોમાં પ્રકાશભાઈનું નામ આપવા માટે કરે. પપ્પા પોતે ચીલાચાલુ નહીં પણ ચીલાચાલુ લોકો સાથે લહેરથી સમય પસાર કરી શકે, તેમની સાથે હસી શકે, તેમને હસાવી શકે. ખાણી-પીણી, ટી.વી.-સિનેમા, પ્રવાસ જેવા કોઈ પણ વિષય પર વાત કરી શકે. માણસમાત્ર તેમને ગમે.

1991માં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિમાંથી ગણતરીનાં અઠવાડિયાંમાં રાજીનામું આપીને આવ્યા પછી પપ્પાએ ઘરની પાછળના ભાગમાં પથરા કઢાવીને ક્યારો મોટો કરાવ્યો. જાતે દુકાનમાં જઈને ગાર્ડનમાં પાણી છાંટવા માટેના ફુવારાની પસંદગી કરી અને કહે કે નવલભાઈ (ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન) અને અતુલ(નવલભાઈના જમાઈ અને પપ્પાના મામાના દીકરા)ની જેમ હવે આપણે તાજાં શાકભાજી ઉગાડીને ખાઈશું. ત્યાં તો ‘ટાઇમ્સ’ના મૅનેજર અને અજયભાઈ ઉમટ રાજીનામું પાછું ખેંચી લેવા અથવા કોઈક રીતે ફરી ગોઠવાવાની દરખાસ્ત લઈને આવ્યા. આંગણાની લૉનમાં જ બેઠક ગોઠવાઈ. ત્યારે પપ્પાએ ઊખડી ગયેલું ઘાસ બતાવતાં કહેલું કે, “અત્યારે તો છાપામાં ગુમાવેલી અનેક સાંજો અહીં ગાર્ડનિંગમાં આપવાનું મન છે.” આ સાંભળ્યું ત્યારે મને થયેલું, “અરે! હું બહેનપણીઓ આગળ શું મોઢું બતાવીશ!” મારી એક પણ બહેનપણીએ ‘જનસત્તા’ તો જોયું પણ નહોતું, છેક આટલાં વર્ષે પપ્પા એક જાણીતા છાપાના તંત્રી બન્યા પણ એ ઓળખાણ લાંબું ના ટકી. પપ્પા જે રીતે નામ લખતા – ‘પ્રકાશ ન. શાહ’ – તે વાંચીને અમુક બહેનપણી વળી સ્વ. તુષારભાઈ ભટ્ટની જેમ ‘ન.’ની મજાક કરતાં કહેતી પણ ખરી, ‘પ્રકાશભાઈ નયનાબેન શાહ!’.

નેવુંના દાયકાની શરૂમાં મમ્મી-પપ્પા સાહિત્ય પરિષદના અધિવેશન માટે કોઈમ્બતૂર ગયેલા, ત્યારે ઘરેથી ઋતાનું સ્પાર્ક ચોરાઈ ગયું. અજયભાઈ ઉમટની મદદ લઈ ઋતાએ નજીકની નવરંગપુરા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. થોડા દિવસોમાં પોલીસ ચોરને લઈને ઘરે આવી. ત્યારે તે ચોર સાથેનો પપ્પાનો ભદ્ર વ્યવહાર હું તો જોતી જ રહી ગઈ. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્” જેવાં અનેક સુવાક્યોથી ભરાયેલી મારી નિબંધની નોટ જીવંત થઈ ગઈ. તે પછી કૉલેજનાં વર્ષોમાં કવિ ન્હાનાલાલ જયંતી નિમિત્તે એક વખત કવિનાં પુત્રવધૂ પુષ્પાબહેન કવિ, સ્વ. યશવંત શુક્લ અને પપ્પાને સાબરમતી જેલમાં કેદીઓ સાથે બેસીને મેં સાંભળેલાં.

ચાહકવર્ગ પણ બધે વાઇફાઇ

માનવમાત્રને ચાહતા પપ્પાનો ચાહકવર્ગ પણ બધે વાઇફાઇ. અજાણ્યા સ્થળે પણ એમનું મોબાઇલ નેટવર્ક સહેલાઈથી પકડાય. એક વાર અમે મહી કાંઠે એક રિસૉર્ટમાં ગયેલાં. ત્યાં લેંઘા-ઝભ્ભાધારી પગમાં ડગુમગુ ચંપલ પહેરેલા પંચોતેર વર્ષના નાના એકમાત્ર આત્મવિશ્વાસની મૂડીએ સાત-આઠ વર્ષની દોહિત્રી સાથે ઍડ્વેન્ચર સ્પૉર્ટ્સમાં જોડાતાં જોઈ થોડી જ વારમાં લિપસ્ટિકથી ચમકતા હોઠોવાળી પચાસ-સાઠે પહોંચેલી યુવાન દેખાવા મથતી હિલ-ધારી ટૂંકમાં હાઇફાઇ બહેનોનું ટોળું ડાયેટરી ટિપ્સ લેવા ઊભરાવા લાગ્યું. પપ્પાએ પણ ઠાવકાઈથી ઉત્તરો આપવા માંડેલા. (શું ખાવ છો? બગાસાં. પીવામાં શું? પાણી.) આ કાકા ઊંડા લાગે છે, એમની હેલ્થનું રહસ્ય પ્રગટ નહીં કરે એવી ખાતરી થતાં ખડખડાટ હાસ્ય સાથે ટોળું વિખરાયું. તે પછી ઍડ્વેન્ચર કરતા પ્રકાશ ન. શાહના ફોટા રિસૉર્ટના ડિસ્પ્લે બોર્ડ પર પણ ચમક્યા હતા. બે વર્ષ પૂર્વે મમ્મી હૉસ્પિટલમાં હતી, તેને મળીને પપ્પા અને હું ઘરે પાછાં ફરતાં હતાં ત્યારે લિફ્ટમાં એક કૉલેજિયન જેવો દેખાતો યુવક અચાનક જ પપ્પાને કહે, “કાકા, તમે હજુ ય સ્માર્ટી દેખાઓ છો!”

ઍડ્વેન્ચર સ્પૉર્ટ્સનો આનંદ

1992માં અમે સૌ મમ્મી-પપ્પાના હનીમૂન સ્થળ માથેરાન ફરવા ગયેલાં ત્યારે તો અમારા ઘણા આગ્રહ છતાં તે ઘોડા પર નહોતા જ બેઠા, પણ જેસલમેરમાં અમે બહેનોએ પપ્પા-મમ્મીને છોડ્યાં નહીં અને જબરદસ્તીથી ઊંટસવારી કરાવેલી. વર્ષો પછી પપ્પાએ કહેલું કે કોઈ પણ પ્રાણી મારો ભાર ઊંચકે તે મને ન ગમે. 1986માં કાશ્મીર પ્રવાસ વખતે દાદાનો ખૂબ આગ્રહ કે ઋતા-રીતિને વિમાનની સફર કરાવો. શ્રીનગર જતી વખતે તો પપ્પાએ એરહોસ્ટેસે પીરસેલાં ચીઝલિંગસ (ચીઝનાં બિસ્કિટ) ભરપેટ ખાધાં. પણ પછી ઋતાની અને મારી વાતચીતથી તેમણે જાણ્યું કે બિસ્કિટ તો ચીઝમાંથી બનેલાં હતાં, તો પાછા ફરતી વખતે તેઓ એક પણ બિસ્કિટને અડ્યા નહીં. (એક વાર તેમણે ટી.વી.માં ડુક્કરની ચરબીમાંથી બનતા ચીઝનો વીડિયો જોયેલો.) એક વખત અમે ચાર દિલ્હી ગયેલાં ત્યારે જનપથ પરના શોરૂમમાં અડધા ભાવે મળતા કોલ્હાપુરી ચંપલ છોડીને રિગલ સિનેમાની બાજુના ખાદી ભંડારમાંથી બિલકુલ તેવાં જ ચંપલ (ઓછા મજબૂત જણાતાં) લગભગ બમણી કિંમત ચૂકવીને ખરીદતા પપ્પા સમજાતા નહોતા.

ઉનાળાના વૅકેશનમાં ફરવા જવાનું થાય, પ્રવાસ માટેની બૅગ ભરાય એમાં સૌથી વધારે વજન તો પુસ્તકોનું જ રહેતું. ત્યારે પ્રશ્ન થતો, શું આ પુસ્તકો અમદાવાદમાં બેસીને ન વાંચી શકાય? રેલવે સ્ટેશન પહોંચીએ ત્યારે ટ્રેન ઊપડું-ઊપડું થતી હોય અને પપ્પા તો બુકસ્ટૉલ પર નિરાંતે ઊભા હોય. બા સાથે તીર્થસ્થળે જઈએ ત્યારે પપ્પા બે મિનિટમાં દર્શન કરી લે, પછી બહાર નીકળીને ઝાંખા પડી ગયેલાં ઐતિહાસિક લખાણો ઝીણી આંખે શિલાલેખમાંથી ઉકેલવામાં મશગૂલ થઈ જતા. તે પપ્પાને જ્યારે મહારાજસાહેબ પ્રદ્યુમનસુરી વિજયજીનું તેડું આવે કે ચિત્રભાનુ ખાસ વાતો કરવા ઘરે આવે ત્યારે મને આશ્ચર્ય થતું. 1983માં સ્વ. પ્રભાષ જોશીના અમદાવાદકાળ દરમ્યાન અમને હોટલોનો પણ પરિચય થવા લાગેલો. રૂપાલી સિનેમાની બાજુમાં આવેલી સાઉથ ઇંડિયન હોટલ વુડલૅંડમાં ઢોસો ખાઈને બહાર નીકળતાં જ પપ્પા પાછા ફૂટપાથ પર પથરાયેલાં મૅગેઝિનો જોવામાં ખોવાઈ જતા. ઘરે પણ થોડા-થોડા દિવસે ક્યારેક ડાહ્યાભાઈ તો ક્યારેક રભુભાઈ સેકન્ડહેન્ડ પુસ્તકોના થેલા લઈને આવતા. કોઈના પણ આગમનથી ખુશ થતાં મારાં બાના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર પણ ત્યારે ખુશી નહોતી જણાતી. આ તો થયું મારું શાળાકાળનું અવલોકન. મારી દીકરીના 2010 પછીના શબ્દોમાં “નાનાના ઘરે આટલાં બધાં પુસ્તકો છે, પણ મેં તેમને હાથમાં લઈને ક્યારે ય એક પણ પુસ્તક વાંચતા જોયા નથી. જ્યારે જુઓ ત્યારે ટી.વી. અને ફેસબુક. નાના સાથે તેણે ‘મહાભારત’, ‘રાજા રસૌયો ..’ અને બીજી ઘણી સિરિયલો જોઈ.

કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં મેં ઘણી નોકરીઓ બદલી. દરેક નોકરીના પહેલા પગાર વખતે પપ્પાનું સૂચન રહેતું કે કંઈક ઉપયોગી વસ્તુ ખરીદીને જ્યાં નોકરી કરતા હોઈએ તે સંસ્થાને ભેટમાં આપવી. જૉબમાં માંડ એકાદ મહિનો થયો હોય, ધ્યાન નવી નોકરી તરફ હોય તો ત્યારે સ્વાભાવિક જ પપ્પાની વાત ગોઠતી નહીં. કારકિર્દી, લગ્ન વગેરે જિંદગીના અનેક મહત્ત્વના નિર્ણયોમાં પૂરતી મોકળાશ આપનાર પપ્પા અમારી વર્ષગાંઠમાં અમને મળેલી ભેટો જેનેતેને પરત કરવાનો નિર્ણય અમને પૂછ્યા વગર જાતે જ લેતા. પપ્પાનો ભેટ નહીં લેવાનો આગ્રહ પહેલેથી જ પાકો. 1969માં મમ્મી-પપ્પાના લગ્નપ્રસંગે તેમનાં નામ લખીને લગ્નભેટમાં પુસ્તક લઈને આવેલા ઉમાશંકરભાઈને તે દિવસે તો પુસ્તક પાછું લઈ જવું પડેલું. પણ ચમત્કારિક રીતે મારા જન્મ પછી જે ઘરમાં તેમના ટેબલ પરથી કશું ય ક્યારેય ખોવાતું નહોતું (કે જડતું ય નહોતું) એવા ઉમાશંકરભાઈના ઘર ‘સેતુ’માંથી 1969માં હસ્તાક્ષર કરેલું તે પુસ્તક પાછું મળી આવ્યું અને એક સવારે તેમને મળવા ગયેલા પટેલસાહેબ (સ્વ. ચી.ના. પટેલ) સાથે મારા અને ઋતાનાં નામ તેમાં ઉમેરીને તે પુસ્તક મોકલાવેલું. “હવે તો લેશો ને …”

મૂઓ! સોરાયસીસ છો ને રહે …

રઘુવીરભાઈના પુસ્તક ‘તિલક કરે રઘુવીર’માં અવારનવાર ‘પ્રકાશ ન. શાહ’નો ઉલ્લેખ આવે. એટલે ‘પ્રકાશ ન. શાહ’ વિષે સ્વતંત્ર લેખ લખવાને બદલે તે પુસ્તક જ તેમણે ભગતસાહેબના હસ્તે (સ્વ. નિરંજનભાઈ ભગત) નયનાબહેન-પ્રકાશભાઈને અર્પણ કરેલું. 2000ની આસપાસ પપ્પાને સોરાયસીસ થયેલું, અને ડૉક્ટરે માત્ર મગ ખાવાની છૂટ આપેલી. ત્યારે એક દિવસ રઘુવીરભાઈ ખેતરમાં જાતે ઉગાડેલા મગ લઈને ઘરે આવ્યા અને મજાક કરતાં કહ્યું કે “જ્યાં સુધી ભા.જ.પ. માટેની તમારી દાઝ ઓછી નહીં થાય ત્યાં સુધી આ રોગ ઓછો નહીં થાય.” પપ્પાએ પ્રત્યુત્તરમાં કહ્યું, “મૂઓ! સોરાયસીસ છો ને રહે, ના મટે તો ય વાંધો નહીં.”

પપ્પાના ‘જનસત્તા'કાળના યુવામિત્ર ડૉ. ગીતેશભાઈ (શાહ) પાસે અમે બંને બહેનો કેમિસ્ટ્રી ભણ્યાં. પછીનાં વર્ષોમાં મેં એમની કંપની મૅગ્નમ લિમિટેડમાં પણ કામ કર્યું. પપ્પાના મામા (સ્વ. મહેન્દ્રભાઈ મહેતા) ગુજરાતીના વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા, તે અમારા શાળાકીય ગુજરાતી અભ્યાસમાં ઘણો રસ લેતા. તે મામા જ્યારે પોતાના વાંચન-લેખન અંગે ‘પ્રકાશ’ને કન્સલ્ટ કરે, ત્યારે પપ્પાના ગુજરાતી ભાષા પર પ્રભુત્વ વિષે મને અહોભાવ જાગતો. તે જ રીતે દર્શકદાદાનાં દીકરી સુમેધાબહેન ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટરેટ કરવા અંગે પપ્પા સાથે વાત કરે કે મલ્લિકાબહેનને (સારાભાઈ) દીકરા રેવંતના અભિનય અંગે પપ્પા સાથે ચર્ચા કરતાં જોઈને આશ્ચર્ય જરૂર થાય.

પપ્પાના સ્નેહીઓ અત્ર તત્ર સર્વત્ર. ‘લોકસત્તા'કાળ દરમ્યાન પપ્પાએ વડોદરામાં ભાડાનું ઘર નક્કી કર્યું ને તરત જ પપ્પાના જેલના સાથી મનુભાઈ પટેલ(જેમનું મેં પૂર્વે ક્યારે ય નામ નહોતું સાંભળેલું)ના ઘરેથી બે પલંગ અને મોસ્કોથી લાવેલું નાનકડું ડાઇનિંગ ટેબલ આવી ગયેલાં. અહીં દિલ્હીમાં મારા ઘરનું ડાઇનિંગ ટેબલ એ પ્રભાષકાકાના (સ્વ. પ્રભાષ જોશી) કુટુંબની ભેટ.

2008માં બા ગયાં પછી ઘરમાં રહ્યા માત્ર મમ્મી-પપ્પા. તે વખતે વિપુલભાઈ-કુંજબહેન જેવા પરદેશનિવાસી મિત્રોની કૌટુંબિક હૂંફ શિયાળે-શિયાળે મળતી રહી છે, કોરોનાકાળે પાડેલી રિસેસ ઝડપથી પૂરી થશે જ.

e.mail : shah.reeti@gmail.com

[બાળવાર્તા લેખન-કથન, અનુવાદ, ધ્વનિમુદ્રણમાં સક્રિય લેખિકા અગાઉ સોફ્ટવેર પ્રોગ્રામર હતાં.]

તસવીર સૌજન્ય : બિનીત મોદી, ઋતા શાહ

સૌજન્ય : “સાર્થક જલસો  – 16”, મે 2022; પૃ.28-37 

Loading

ચલ મન મુંબઈ નગરી—153

દીપક મહેતા|Opinion - Opinion|9 July 2022

સી. પી. ટેન્ક નામમાંના ‘સી.પી.’ તે કોણ?

પિરોજાબાઈ અને રુસ્તમજી પરણ્યા કઈ રીતે?

દરિયા પાસે આવેલો ભીખા બહેરામનો કૂવો

એનું સત્તાવાર નામ ભલે ગમે તે હોય, લોકો તો આજે પણ એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે. ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામનિશાન રહ્યું નથી, છતાં. પણ એ વિસ્તારના રહેવાસીઓમાંથી પણ બહુ ઓછાને ખબર હશે કે ‘સી.પી.’ એટલે કોણ? ’સી’ કાવસજી અને ‘પી’ એટલે પટેલ. આખું નામ કાવસજી પટેલ ટેન્ક. જો કે આજે હવે ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામોનિશાન ત્યાં રહ્યું નથી. આ કાવસજીનું ખાનદાન તે મુંબઈમાં વસવાટ કરનારું પહેલવહેલું પારસી ખાનદાન. સુરતના મોગલાઈ રાજ્યના તાબા હેઠલનું એક નાનકડું ગામ. નામ સુમારી. પારસીઓની ઠીક ઠીક વસતી. તેમાંના એક દોરાબજી નાનાભાઈ. એવણે માદરે વતન શા સબબે છોડવાનું નક્કી કરેલું એ અંગે તો કશું જાણવા મળતું નથી. પણ પોતાના કુટુંબકબીલાને લઈને ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવી વસ્યા. ત્યારે અંગ્રેજોએ તો મુંબઈની ધરતી પર પગ પણ મૂક્યો નહોતો. રાજ હતું પોર્ટુગીઝ સરકારનું. એ વખતે મુંબઈ સાત ટાપુનું શહેર પણ બન્યું નહોતું. સાતે સાત ટાપુ એકબીજાથી અલગ હતા. મુંબઈ એટલે એક જ ટાપુ. અને પોર્ટુગીઝ સરકારને મુંબઈના અને તેના લોકોના વિકાસમાં મુદ્દલ રસ નહિ. એમને રસ હતો જાતજાતના વેરા નાખીને પોતાની તિજોરી ભરવામાં. અને સરકારી નોકરોને સરકારની તિજોરી ભરવા કરતાં પોતાના ઘરની તિજોરી ભરવામાં વધુ રસ. એટલે અહીંના લોકોની ભાષા, તેમના રીતરિવાજ, ગમાઅણગમા વિષે ભાગ્યે જ કશું જાણતા. દોરાબજી ગુજરાતી ઉપરાંત થોડુંઘણું મરાઠી અને પોર્ટુગીઝ પણ જાણતા. પોર્ટુગીઝ કઈ રીતે શીખ્યા હશે તે તો ખોદાયજી જાણે. એટલે પોર્ટુગીઝ સરકારને આ માણસ કામનો જણાયો. એટલે રાખી લીધા દોરાબજીને સરકારી નોકરીમાં. પછી કાળચક્ર ફર્યું. પોર્ટુગીઝ શાસન ગયું અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ આવ્યું. પોર્ટુગીઝ અમલદારો દોરાબજીના કામથી એટલા તો ખુશ, કે મુંબઈ છોડતી વખતે તેમણે દોરાબજીને નોકરીમાં રાખી લેવા અંગ્રેજ અમલદારોને સિફારિશ કરી. અને એટલે દોરાબજી બન્યા અંગ્રેજ સરકારના ચાકર.

એ વખતે તો અંગ્રેજ સરકારને પણ ફક્ત કરવેરા ઉઘરાવવામાં રસ. પણ એ વખતના મુંબઈમાં નહોતા કોઈ ધંધાધાપા, નહોતા કોઈ વેપારવણજ. હતા તો ફક્ત મચ્છીમારી કરતા કોળીઓ. આવામાં સરકારની આવક તો કેમની વધે? પણ કોળીઓ તો છે ને! નાખો એમના પર ટેક્સ! ૧૬૬૮માં અંગ્રેજ સરકારે બધા માછીમારો પર નાખ્યો ‘બોડી ટેક્સ.’ એ વખતે તો રૂપિયા-આના-પાઈનું ચલણ પણ નહોતું. પણ આજની ગણતરીએ દરેક માછીમારે દર વરસે છ રૂપિયા તેત્રીસ પૈસાનો ટેક્સ ભરવાનો. અને આ ટેક્સ ઉઘરાવવાનું કામ સરકારે સોંપ્યું દોરાબજીને. બસ, એવણ વિષે આટલી જ બાબત જાણવા મળે છે. તેઓ ક્યારે ગુજરિયા તે બી જાણવા મળતું નથી.

દોરાબજીને બે બેટા. મોટા માકુજી તો ઈ.સ. ૧૭૪૦માં વગર વારસે આ ફાની દુનિયામાંથી કૂચકદમ કરી ગિયા. પણ નાલ્લા બેટા રુસ્તમજીએ બાપનું નામ રોશન કર્યું. ઈ.સ. ૧૬૬૭માં જન્મ. દોરાબજીની કામગીરીથી ખુશ થયેલી અંગ્રેજ સરકારે તેમના બેટા રૂસ્તમજીને પણ નોકરીમાં રાખી લીધા. કામ તો એ જ – કોળીઓ પાસેથી ટેક્સની વસૂલી કરવાનું. પણ ચાણક બુદ્ધિના રૂસ્તમજીએ જોયું કે મુંબઈના ટાપુનું બહારના આક્રમણથી રક્ષણ કરવા માટે અંગ્રેજ સરકારે ઝાઝી સગવડ ઊભી જ નહોતી કરી. રુસ્તમજીને ખબર કે કોળીઓ હોય ગરમ દિમાગના. વખત આવ્યે લડી જાણે. એટલે તેમણે કોળીઓને તેમના ફાજલ વખતમાં ‘લશ્કરી તાલીમ’ આપવાનું શરૂ કર્યું. હા, અંગ્રેજ સૈનિકોની બનેલી નાનકડી ફોજ હતી ખરી, મુંબઈનું રક્ષણ કરવા માટે. પણ બન્યું એવું કે થોડા વખત પછી મુંબઈમાં મરકીનો રોગ ફેલાયો જેમાં મોટા ભાગના અંગ્રેજ સૈનિકો મરી ગયા. આ તકનો લાભ લઈને ઈ.સ. ૧૬૯૨માં જંજીરાના સીદીઓએ મુંબઈ પર ચડાઈ કરી. એ વખતે ગવર્નર તો સુરતમાં રહેતો. બીજો કોઈ મોટો અંગ્રેજ ઉપરી પણ હાજર નહિ. એટલે રૂસ્તમજીએ આગેવાની લઈને કોળી સેનાની મદદથી સીદીઓને હરાવીને તગેડી મૂક્યા. અને પછી તરત આ ખબર કાસદ દ્વારા મોકલ્યા સુરતની અંગ્રેજ સરકારની કોઠીએ. તેમની મુખ્ય માંગણી હતી મુંબઈનો કારભાર સંભાળવા માટે કોઈ અંગ્રેજ અમલદારની નિમણૂક કરવાની.

સુરતથી હાકેમ આવ્યો પણ ખરો. રુસ્તમજીની બહાદુરીની તારીફ કીધી. એક અંગ્રેજ અમલદારની નિમણૂક કરી. અને રૂસ્તમજીની બહાદૂરી અને વફાદારીની કદર રૂપે તેમની નિમણૂંક મુંબઈના ‘પટેલ’ તરીકે કરી, અને એ પણ વંશપરંપરાગત! અને ત્યારથી રૂસ્તમજી અને તેના વંશવારસો ‘પટેલ’ તરીકે ઓળખાવા લાગ્યા. એટલું જ નહિ, માછીમારો પાસેથી રૂસ્તમજી જે ‘બોડી ટેક્સ’ ઉઘરાવે તેનો અમુક ભાગ તેમને મળે એવી જોગવાઈ પણ કરી. અને હા, કોળીઓમાં અંદરોઅંદર જે કાંઈ નાના-મોટા ટંટાફિસાદ થાય તેનો ઇન્સાફ કરવાનું કામ પણ એવણને જ સોંપ્યું. હવે, તે વખતે મુંબઈ આવવાજવા માટે જમીન રસ્તા તો હતા જ નહિ. બધી આવનજાવન દરિયાઈ માર્ગે નાનાંમોટાં વહાણો દ્વારા. એટલે કંપની સરકાર કાયમ માટે જરૂર પ્રમાણે વહાણો ભાડે રાખે. આ રીતે વહાણો ભાડે રાખવાનું કામ પણ રૂસ્તમજીને સોંપાયું. અને તે પણ વંશપરંપરાગત ધોરણે! આ વહાણોને જે જરૂરી માલસામાન જોઈએ તે પૂરો પાડવાનો ‘કન્ટરાક’ પણ રુસ્તમજી પાસે! વળી બીજી બી એક તજવીજ કીધી. મુંબઈના બારામાં માછીમારોની જે બી હોડી કે વહાણ નાંગરે તેની પાસેથી વહાણ દીઠ એક માછલી ઉઘરાવવાનો હક્ક રુસ્તમજીને આપ્યો! અને આ બધા ઉપરાંત દર મહિને આજના ૬૯ રૂપિયા જેટલો માતબર પગાર પણ બાંધી આપ્યો!

મચ્છીમારી પછી મુંબઈના રહેવાસીઓનો બીજો મુખ્ય ધંધો હતો ખેતીનો! હવે તો ખેતવાડી, ફણસ વાડી, કાંદા વાડી, ફોફળ વાડી, તાડ વાડી, મુગભાટ લેન જેવાં લોકજીભે ટકી રહેલાં નામોમાં જ એ ખેતરો જોવા મળે. એ વખતે મુખ્ય પાક ડાંગરનો. અને ખેતરમાંના પાકની લણણી કરતાં પહેલાં ખેડૂતો સરકારી વેરો ભરી, રૂસ્તમજી પાસેથી લિખિત પરવાનો લઈ, પછી જ લણણી કરી શકતા.

રૂસ્તમજી પટેલ એક પછી એક ત્રણ વાર અદરાયા. તેમાં ત્રીજી વખત અદરાયા તેની હકીકત તો બડી ગમ્મત ભરેલી છે. એવણનું નામ પિરોજાબાઈ. જનમ ઈરાનમાં. એ વખતે દેખાવડી છોકરીઓને ઉપાડી જતા એટલે તેમનાથી બચાવવા મા-બાપે એક જર્મન મુસાફરને સોંપી અને કહ્યું કે આ છોકરીને હિન્દુસ્તાન લઈ જજો અને બને તો કોઈ સારા જરથોસ્તી વેરે અદરાવજો. પિરોજાબાઈ હિન્દુસ્તાન આવ્યાં ત્યારે એમની ઉંમર ૧૩-૧૪ વરસની. મુંબઈ આવીને પેલા મુસાફરે ભીખા બહેરામને એ છોકરી સોંપીને કહ્યું કે કોઈ સારો પારસી છોકરો જોઈ એની વેરે આ છોકરીને પરણાવજો.

આ ભીખા બહેરામ તે આજના ચર્ચ ગેટ સ્ટેશનથી થોડે દૂર આવેલો પ્રખ્યાત કૂવો બંધાવનાર શેઠ. તેમની અટક તો હતી ‘પાંડે’ પણ વધુ જાણીતા ભીખા બહેરામ તરીકે. એવણનો જનમ ક્યારે થયેલો તે તો જાણવા મળતું નથી. પણ બેહસ્તનશીન થયા તે ઈ.સ. ૧૭૮૩ના ઓગસ્ટની ૨૩મી તારીખે. છેક ૧૭૨૫માં તેમણે ‘અંગ્રેજ બજાર’(આજનું હોર્નિમેન સર્કલ)માં દુકાન ખોલી હતી. તેમાં ગ્રેટ બ્રિટનથી આયાત કરેલો સામાન વેચતા. મોટા ભાગના ઘરાક અંગ્રેજ, જે ભીખાશેઠને એક પ્રામાણિક દુકાનદાર તરીકે ઓળખતા. તેમણે કૂવો બંધાવ્યો ત્યારે નહોતું ચર્ચગેટ સ્ટેશન, નહોતી ચર્ચ ગેટ સ્ટ્રીટ. કિલ્લાની બહારની જગ્યા ‘પવન ચક્કીના મેદાન તરીકે ઓળખાતી કારણ ચર્ચ ગેટની બહાર મોટી પવન ચક્કી હતી. તેનાથી થોડે દૂર ભીખાશેઠે બંધાવ્યો કૂવો. અને એ કૂવાથી થોડે દૂર હતો દરિયા કિનારો.

ભીખાજીના વડવા ખરશેદજી પહોંચાજી પાંડે ઈ.સ. ૧૬૬૫માં ભરૂચ છોડી મુંબઈ આવેલા. એ વખતે ગુજરાતમાં મરાઠા અને મુસલમાનો વચ્ચે લડાઈ ચાલતી હતી. કોણ જાણે કેમ પણ ખરશેદજી જાસૂસ હોવાનો વહેમ પડ્યો એટલે તેમને કર્યા કેદ. વલસાડ પાસેના પારનેરાના કિલ્લામાં બનાવ્યા બંદીવાન. પણ પછી ત્યાંથી છૂટીને આવ્યા મુંબઈ. એ વખતે તો હજી મુંબઈનો કિલ્લો બંધાતો હતો. એટલે અહીં આવીને મજૂરો અને બાંધકામ માટેનો સામાન પૂરો પાડવાનો કોન્ટ્રેક્ટ લીધો.

એ વખતે કેટલાક પારસી જુવાનો કોટ વિસ્તારમાં આવેલા તળાવની પાળે ભેગા બેસી ગપ્પાં મારતા. (ત્યારે મુંબઈમાં ઘણી જગ્યાએ આવાં નાનાં-મોટાં તળાવ હતાં.) ભીખા બહેરામ પિરોજાબાઈને એક સાંજે ત્યાં લઈ ગયા. અને પેલા છોકરાઓની ઓળખાણ કરાવીને કહ્યું કે આમાંથી કોઈ પણ એકને પસંદ કરી લે. પણ તેમાંના કોઈની સામે પણ જોયા વગર છોકરીએ તો અજાણ્યા રૂસ્તમજી પાસે જઈને એમનો હાથ પકડી લીધો! આ જોઈને ભીખા બહેરામ શેઠ તો ડઘાઈ જ ગયા. પણ કોઈ કશું બોલે એ પહેલાં હાથ છોડાવીને રૂસ્તમજી તો ત્યાંથી ચાલતા જ થયા! બીજે દિવસે પિરોજાબાઈને લઈને ભીખાશેઠ એ જ જગ્યાએ ગયા. પણ તે દિવસે તો રુસ્તમશેઠ બીકના માર્યા ત્યાં આવેલા જ નહિ! એટલે ભીખાશેઠે કહ્યું : ‘હવે તો તમુ બીજા કોઈ માટીડાને પસંદ કરી લો.’ ફરી એ જ જવાબ : ‘અદરાઉં તો રૂસ્તમજી શેઠ સાથે. બીજા કોઈ સાથે નહિ.’ છેવટે પીરોજાને સાથે લઈને ભીખાશેઠ અને બીજા બે-ચાર મોવડીઓ રુસ્તમજીને ઘરે ગયા. અને તેમને પિરોજાબાઈ સાથે લગ્ન કરવા મનાવ્યા. આગલી બે ધણિયાણીથી સંતાન થયું નહોતું એ ખોટ પણ પછી પિરોજાબાઈએ પૂરી કરી, ચાર ચાર દીકરા આપીને. એ ચાર તે કાવસજી, દોરાબજી, કેખુશરો, અને તેહમૂલજી. ઘણી જાહોજલાલી ભોગવીને 96 વરની પાકટ વયે રુસ્તમજીશેઠ પરવરદિગારની ખિદમતમાં પહોંચી ગયા.

ત્યારે ‘પટેલ’નો હોદ્દો તેમના ૧૯ વરસની વયના કાવસજીને મળ્યો. એમનો મુખ્ય વ્યવસાય નાના મોટા વાહન સરકારને પૂરા પાડવાનો. ઈ.સ. ૧૭૭૪મા મરાઠા સરદાર રઘુનાથ દાદાસાહેબ પાસેથી ઠાણે અને વસઈની હકૂમત અંગ્રેજ સરકારે લઇ લીધી ત્યારે એ બંને જગ્યાનો વહીવટ સરકારે કાવસજી શેઠને સોંપ્યો. કારણ હવે માછીમારો પરનો ‘બોડી ટેક્સ’ અહીં પણ લાગુ કરવાનો હતો. કહેવાય છે કે થાણેનો તાલુકો અંગ્રેજ હકૂમત નીચે આવ્યો ત્યાર ત્યાં પારસીઓની વસ્તિ મુદ્દલ હતી જ નહીં. પણ ત્યાં જરૂરી સગવડો ઊભી કરીને એવાને ઘણા પારસીઓને વસાવ્યા. અને હા, પેલું સી.પી. ટેંક નામનું તળાવ ઈ.સ. ૧૭૮૦ના અરસામાં બંધાવ્યું તે પણ આ કાવાસજી પટેલ શેઠે જ. ૧૮૩૪ સુધી તો એ તળાવ અંગેનો નાનોમોટો બધો ખર્ચ આ પટેલ કુટુંબ જ કરતુ હતું. પણ પછી સરકારે આ તળાવ પોતાને હસ્તક લઇ લીધું અને ત્યારથી એની પાછળનો બધો ખરચ પણ સરકાર કરવા લાગી. સખાવતનાં બીજા કામ બી કર્યા પછી ૫૪ વરસની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા.

કહે છે કે કાવસજી એકદમ ફૂટડા, દેખાવડા હતા, અને એટલે માતાએ તેમણે પહેલેથી જ ઈરાની પોશાક જ પહેરાવ્યો હતો. કાવસજીએ પણ આખી જિંદગી એ જ પોશાક અપનાવ્યો હતો. પટેલ ખાનદાનનાં કાવસજી પછેના નબીરાઓ વિશેની વાતો હવે પછી.

જો કે બે-ત્રણ પેઢી પછી રૂસ્તમજી પટેલના પોતારાઓ આમાંની કોઈ જવાબદારી સંભાળી શક્યા નહિ. એટલે તેમની પાસે રહી ફક્ત ‘પટેલ’ની અટક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2022

Loading

...102030...1,3291,3301,3311,332...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved