Opinion Magazine
Number of visits: 9670528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૩)

સુમન શાહ|Opinion - Literature|20 November 2022

===  આ પ્રકરણમાં, ઔરેલિયાનો સેગુન્દોએ ‘‘સીઝ, કાઉ્સ, સીઝ, બીકૉઝ લાઇફ ઇઝ શૉર્ટ.’ (‘ગાયો થમ્ભો, થમ્ભો, કેમ કે જીવન ટૂંકું છે.’) એમ કહ્યું એ વિદ્વાનોમાં અને વાચકસમાજમાં ખૂબ પ્રશંસા પામ્યું છે. 

ખરેખર તો એણે માત્ર ગાયોને નહીં પણ એના સમગ્ર જાનવરોને લક્ષમાં રાખીને કહ્યું છે – કે તમે થમ્ભો, પ્રજનનને રોકો. કેમ કે એનાં જાનવરોનાં પ્રજનન કદી થંભ્યાં ન્હૉતાં. પરન્તુ નિરન્તર ચાલ્યા કરતી પાર્ટીઓ માટે અનેક ગાયો, ડુક્કર અને મરઘીઓનો વધ પણ વણથંબ્યો ચાલુ જ હતો, આંગણું લોહી અને કાદવકીચડથી ખદબદ થઈ જતું’તું. 

એટલે ઔરેલિયાનો કદાચ પોતાને પણ થોભી જવા કહે છે. જાનવરો જન્મ્યા કરે અને માણસોનાં ભોજન માટે મર્યા કરે એ વિષચક્રને એ તોડવા માગે છે. એ પશુપ્રજનનને તેમ જ પશુસંહારને રોકાવા માગે છે. એને જીવન ટૂંકું લાગે છે, પોતાનું, જાનવરોનું અને મનુષ્યમાત્રનું. 

સૂચવાય છે એમ કે જો જીવન ટૂંકું છે તો આ નવલકથા પણ ટૂંકી જ છે. જીવન સાન્ત છે તેમ કલા પણ સાન્ત છે. પરન્તુ એ વ્યંજિત કરે છે એ સંદેશ અનન્ત છે. ===

પ્રકરણ : ૧૩ :

ઉર્સુલાએ પૂરા ભાવથી હોસે આર્કાદિયો બીજો-ને પોપ બનાવવાનું ઝંખ્યું હતું. એનામાં એણે સુપ્રિમ પૉન્ટિફ-ની ભાવના, સર્વોચ્ચ ધર્માધિકારી-ની ભાવના, આકારી હતી. પરન્તુ એની એ શિક્ષાની કશી અસર જોવા ન્હૉતી મળતી એ વાતે એ દુ:ખી રહેતી’તી. જો કે એનો દોષ એણે પોતાના આવી પડેલા બૂઢાપામાં ન્હૉતો જોયો, વસ્તુ-પરિસ્થિતિઓને કાબૂમાં લેવાની પોતાની મથામણોમાં પણ ન્હૉતો જોયો. દોષ એણે ઝડપથી વિકસી રહેલા સમયના ભંગાણમાં, બ્રેકડાઉનમાં જોયેલો – જેની એ વ્યાખ્યા-વર્ણના ન્હૉતી કરી શકતી. એને સમજાવા લાગેલું કે સમય ત્વરાથી બદલાઈ રહ્યો છે. એ અનુભવતી હતી કે રોજ બ રોજની વાસ્તવિકતા પણ એના હાથમાંથી સરકી જઈ રહી છે; એ કહેતી, ‘વરસો હવે સાલાં પહેલાંની જેમ નથી પસાર થતાં’.

પહેલાં તો બાળકો મોટાં થવામાં વરસો લગાડતાં’તાં, એને થતું. હોસે આર્કાદિયો માટે બધાંએ તે દિવસોમાં એટલું જ યાદ રાખવાનું હતું કે જિપ્સીઓ જોડે જવા માટે એને શેની શેની જરૂર પડશે; કેમ કે એ મોટો ! અને, પોતાના શરીર પર સર્જકતાના પ્રતીક સમા સર્પ ચીતરાવીને પાછો આવ્યો, ખગોળશાસ્ત્રીની જેમ વાતો કરવા લાગ્યો, ત્યારે સૌને સમજાયું કે કર્યું-કારવ્યું બધું કેવું તો સમ્પન્ન થયું છે. અમરન્તા અને આર્કાદિયો ઇન્ડિયનોની ભાષા ભૂલીને સ્પૅનિશ શીખ્યાં એ દરમ્યાન પણ ઘરમાં કેટકેટલું ને કેવું કેવું બધું બનેલું. તેમ છતાં, કોઈના ય ધ્યાનમાં નહીં આવેલું કે ઉર્સુલા ઝડપથી ઘરડી થવા માંડી છે, એને અંધાપો ઊતરી રહ્યો છે.

ખરી વાત એ હતી કે ઉર્સુલા વિકસી રહેલા વૃદ્ધત્વનો પ્રતિકાર કરતી’તી. બાકી, પોતાની વયનો આંકડો પણ એને યાદ ન્હૉતો આવતો. એ બધી વાતે પરેશાન હતી કેમ કે એણે દરેક બાબતમાં દખલ કરવાની ટેવ પડી ગયેલી. અપરિચિતો એનાથી ચિડાયેલા રહેતા’તા કેમ કે એ લોકોને એ સવાલો બહુ કરતી’તી. પાછલાં વર્ષોમાં નબળાઈને લીધે એનાથી પથારીમાંથી બેઠા પણ ન્હૉતું થવાતું, પણ કોઈને ખબર જ નહીં પડેલી કે એ આંધળી થઈ ગઈ છે. લોક માને કે ઉર્સુલા હવે કશા કામની નથી રહી એ કારણે ઉર્સુલાએ પણ સામે ચાલીને કોઈને ય જણાવેલું નહીં. તેમ છતાં, રૂમમાં અંધારું હોય તો પણ સૉયમાં દોરો પરોવી શકતી’તી. બટનહોલ પર ટાંકા લઈને ગાજ કરી શકતી’તી. એને ખબર પડી જતી’તી કે – દૂધ ઊકળી ગયું છે ને તરતમાં ઉભરાઈ જશે …

એક વાર ફર્નાન્ડાએ આખું ઘર માથે લીધેલું કેમ કે એની વેડિન્ગરિન્ગ ખોવાઈ ગયેલી; ઉર્સુલાએ શોધી આપેલી – બાળકોના બેડરૂમમાં હતી. વાત સાદી હતી. બધાં ભલે લઘરવઘર પણ ઉર્સુલા પોતાની જ્ઞાનેન્દ્રિયોથી સૌને પામી જતી. સમયાન્તરે એ સમજી ગયેલી કે પરિવારનું દરેક જણ હરરોજ એ-ને-એ રસ્તે જ જાય છે, એ-નાં-એ જ કામો કરે છે બલકે અમુક સમયે શબ્દો પણ એ-ના-એ જ વાપરે છે. એણે અંકે કરેલું કે એઓ એમની અતિસાવધ દિનચર્યાથી જરા પણ ફંટાય છે, કશુંક નુક્સાન જરૂર સંભવે છે.

ઉર્સુલાને ખાતરી થઈ ગયેલી કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા ભલે ઘણાં યુદ્ધ લડ્યો પણ આદર્શો માટે ન્હૉતો લડ્યો. એને સાર મળી ગયેલો કે જે દીકરા માટે પોતે જિન્દગી ખરચી નાખી એનામાં પ્રેમ કરવાની હિમ્મત જ નથી ! ઉર્સુલાએ એક રાતે પોતાના ગર્ભમાં એને રડતો સાંભળેલો. રુદન નર્યો વિલાપ, એવો કે ઉર્સુલાની બાજુમાં સૂતેલો હોસે આર્કાદિયો બ્વેન્દ્યા ઊંઘમાંથી જાગી ગયેલો. જો કે હોસેને એ વિચારે ખુશી થયેલી કે એનો દીકરો જરૂર ગરુડવાદી બનવાનો (ગરુડવાદી = વૅન્ટ્રિલૉક્વિસ્ટ. જુદા જુદા અવાજ કાઢનાર મનોરંજનકાર). પણ બીજાંઓએ એમ ધારણા બાંધેલી કે એ પ્રૉફેટ, પયગમ્બર, થશે. પણ, ઉર્સુલા એકદમ ગભરાઈ ગયેલી. એને થાય – એવું રુદન ડુક્કરની પૂંછડીનો સંકેત હોય છે – જોતાં જ હબકી જઈએ. અને એણે ઈશ્વરને પ્રાર્થના કરી કે – હે પ્રભુ ! તું એને મારા ગર્ભમાં જ મૃત્યુ આપ ! પરન્તુ એના નિર્વ્યાજ વાર્ધક્યે એને એમ સુઝાડ્યું, અને એણે એકથી વધારે વાર એ કહ્યું પણ ખરું – કે માતાઓના ગર્ભમાં થતા બાળકના રુદનનો સંકેત એ નથી કે એ ગરુડવાદી થશે કે પયગમ્બર, પણ એ નિશ્ચિત છે કે એ બાળકમાં પ્રેમ કરવાનું સામર્થ્ય નહીં હોય.

ઉર્સુલાને થયું કે પોતાની પાસે હોસે આર્કાદિયોના વ્યવસાયને સુસ્થિર કરવા જેટલો સમય નથી, ત્યારે જાતને એણે કહ્યું : બાઈ, તું જંપ રાખ, બેબાકળા થવાય તો ભલે ! : અને એણે ભૂલો કરવા માંડી. આંખો તો ગયેલી પણ હૈયાસૂઝથી પરખાય એટલું જરૂર  પાકું પરખતી’તી. તો પણ એક વાર સવારે છોકરાના માથા પર એણે શાહીનો ખડિયો ઊંધો વાળી દીધેલો, એમ કે ગુલાબજળ છે ! વાતે વાતે દરેક બાબતમાં જાતને જોડવા માટેના એના ધખારાને કારણે એ ક્ષુબ્ધ રહેતી’તી, એનાથી વારંવાર ચિડાઈ જવાતું’તું; જાતને કરોળિયાના જાળામાં ગૂંથી લેનારી છાયાઓ શરૂ થઈ ગયેલી; તો પણ ઉર્સુલાએ એથી છૂટવાના સાચુકલા પ્રયાસ ચાલુ રાખેલા. એને ગડ બેસેલી કે – પોતે બેબાકલી થઈ જાય છે એ જરાજીર્ણતા અને અંધારા પરની વિજયપતાકા નથી બલકે સમયે ફરમાવેલી સજા છે. એટલે પછી એને વિચાર આવેલો કે પહેલાં, ભગવાને જ્યારે મહિના અને વર્ષો નક્કી નહીં કરેલાં, તુર્કીઓ કાપડના વાર નક્કી કરવા ગજ વાપરતા, ત્યારે બધી વસ્તુઓ સાવ જુદી હતી. હવે બાળકો જલ્દી મોટાં થઈ જાય છે, ઉપરાન્ત, લાગણીઓ પણ જુદી જ રીતે વિકસવા લાગી છે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો દિવસ વરસોથી હતો એવો જ હતો. પાછલી ભીંતેથી દેડકા, વાંદા ને તમરાંનો સમ્મિશ્ર સુન્ન ધ્વનિ એને મળસ્કાના પાંચના શુમારે જગાડી દે; હાડકાં થીજાવી દે એવી ઠંડીથી બચવા એ બ્હાર ન જાય; ગરમ ધાબળો લપેટી રાખે; ધાબળાને વાંદરાટોપી જેમ માથે ચડાવે, આંગળીઓથી મૂછ સરખી કરે ને આંગણામાં જઈ પેશાબ કરે. તડકા ચડવાને વાર હોય, વરસાદમાં સડી ગયેલી પામની ઝાવલીઓના પથારા પર હોસે આર્કાદિયો બ્વેન્દ્યા સૂતો હોય, પણ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને એ દેખાય નહીં કેમ કે એને એણે કદી જોયેલો જ નહીં. એણે અક્કલ વગરની એ વાત પણ નહીં સાંભળેલી કે જાગે એટલે એના પિતાનું ભૂત એને સમ્બોધે છે. એ ચૉંક્યો કેમ કે ઊના મૂત્રની ધારા એના જોડા પર તડતડ કરતી છાંટા ઉડાડતી’તી.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને સપનું આવેલું. સફેદ દીવાલોવાળા એક ખાલી ઘરમાંથી એ જતો’તો. એવા ઘરમાં દાખલ થનાર પહેલો મનુષ્ય પોતે હતો એ વાતે એ પરેશાન હતો. સપનામાં એને યાદ આવેલું કે આગલી રાતે પણ સપનું આવેલું અને એમાં એને એ જ દેખાયેલું જે આજે દેખાય છે; એટલું જ નહીં, પાછલાં વરસોની રાતોમાં આવેલાં સપનાંમાં પણ એ જ દેખાયેલું જે આજે દેખાય છે. એને ગમ પડી કે પોતે જાગશે ત્યારે સપનાંની દૃશ્યાવલિ યાદ નહીં આવે, ઊડી ગઈ હશે. કેમ કે એ સપનાં પુનરાવર્તનશીલ છે અને એ જાતનાં છે કે દૃશ્યાવલિની યાદ સપનામાં જ આવે, ન કોઈ બીજી રીતે ! થોડીવારમાં, વાળંદે વર્કશોપનું બારણું ખખડાવ્યું. એ જાગ્યો ને એને થયું કે ઝોકું આવી ગયેલું – કશું સપનુંબપનું ન્હૉતું ! એણે વાળંદને કહ્યું, ‘આજે નહીં, શુક્રવારે.’

ત્રણ મહિના પછી ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા અને ફર્નાન્ડા, મેમેને શાળાએ મૂકી આવે છે. સાથે, ક્લેવિકોડ – સાદી વાજાપેટી – લાવે છે, એટલે પિયાનોલાની જરૂર નથી રહેતી. અમરન્તા પોતાનું આવરણ શીવતી’તી ત્યારની વાત. બનાના-ફીવરનો વાવર આછો થઈ ગયેલો. માકોન્ડોના પુરાણા વતનીઓની આસપાસ નવા ઘણા લોકો આવી લાગેલા; જો કે ગત સમયના કીમતી આધારોને વતનવાસીઓ વળગી રહેલા અને સખત શ્રમ કરતા’તા; અને, એ વાતે નિરાંતજીવ રહેતા કે કોઇએ એમને સમાજબ્હાર તો નથી મૂક્યાં ! રોજે રોજ તેઓએ મહેમાનોને બપોરે બપોરે જમાડવા પડતા એટલે એમની દિનચર્યા પહેલાં જેવી ગોઠવાતી ન્હૉતી. વરસો પછી બનાના-કમ્પની ગઈ ત્યારે બધું ઠેકાણે આવેલું.

કમિલા સાગાસ્ટુમે = ધ ઍલિફન્ટ

રોજ અગિયાર વાગે ટ્રેન આવે એટલે ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા શૅમ્પેઇન અને બ્રાન્ડીનાં કેસિસ ઉતારી લેતો. સ્ટેશનેથી પાછાં ફરતાં રસ્તામાં વતનીઓ મળે કે પરદેશીઓ, ઓળખીતા, અજાણ્યા કે ઓછા અજાણ્યા મળે, સૌ જોડે એ કશા ફરક વિના કામચલાઉ કુમ્બિઆમ્બા (કુમ્બિયા નૃત્ય) કરી લેતો. બનતું એમ કે એના લોભામણા ચાળાથી મિસ્ટર બ્રાઉન પણ ચલિત થઈ જતો. ઔરેલિયાનો સેગુન્દો પેત્રા કોટ્સના ઘરે જઈ ચિક્કાર પીતો ને લુઢકી જતો. એ નાચતો ત્યારે જર્મન શેફર્ડ ડાઘિયા કૂતરા એની જોડે ને જોડે ભમતા રહેતા. ‘ટૅક્સાસ સૉન્ગ્સ’ એ જેમતેમ કરીને ઍકોર્ડિયનમાં બેસાડે ને ગાય. એક ક્ષણે એ ઊંચા અવાજે બૂમ પાડી ઊઠ્યો :

‘સીઝ, કાઉ્સ, સીઝ, બીકૉઝ લાઇફ ઇઝ શૉર્ટ.’ (‘ગાયો થમ્ભો, થમ્ભો, કેમ કે જીવન ટૂંકું છે.’)

એ કદી સરખો દેખાયો નહીં, કોઈ વડે ચહાયો નહીં. એનાં જાનવરોનાં પ્રજનન કદી થંભ્યાં ન્હૉતાં. નિરન્તર ચાલ્યા કરતી પાર્ટીઓ માટે અનેક ગાયો, ડુક્કર અને મરઘીઓનો વધ થતો, આંગણું લોહી અને કાદવકીચડથી ખદબદ ભરાઈ જતું. અસ્થિ-માંસ-મજ્જાના વધનું એ સદાકાલીન થાણું હતું. મરેલા વધ્યાઘટ્યા અવયવોથી ખાડો ભરાઈ જતો. શિકારી બાજપક્ષીઓને ફાવટ ન આવે એટલા માટે ખાડાને એ લોકો અવારનવાર ડાયનામાઇટ બૉમ્બ મારીને ખાલી કરી લેતા.

ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યાને ખાવામાં કોઈ હરાવી શકતું નહીં. એ એવો અપરાજિત ભક્ષક હતો. પણ એના કમનસીબ શનિવારે એક ટોટેમિક (કુળગુણી) સ્ત્રી કમિલા સાગાસ્ટુમે આવી ચડી, મલક આખામાં બધા એને ‘ઍલિફન્ટ’-ના શુભ નામથી જાણે. બન્ને વચ્ચેનું દ્વન્દ્વ મંગળવાર લગી ચાલેલું. શરૂઆતના ૨૪ કલાક દરમ્યાન રાત્રિભોજનમાં કસાવા, શક્કરિયાં જેવા કંદ યામ, તળેલાં કેળાં સાથે વાછરડાનું માંસ પીરસવામાં આવેલું, ઉપરાન્ત, દોઢ કેસ જેટલા શૅમ્પેઇન-બૉટલ; ઔરેલિયાનોને પોતાના વિજયની ખાતરી હતી.

જો કે વિજયની હાયવૉયમાં એ મોટા મોટા કૉળિયા ભરતો’તો, પણ એની હરીફ ઍલિફન્ટ તો માંસને એક સર્જ્યનની જેમ કુનેહથી કાપી કરીને કશી જ ઉતાવળ વિના નિરાંતે એક જાતની મૉજમસ્તીથી આરોગતી’તી. ઍલિફન્ટ વિશાળકાય અને સંગીન જરૂર હતી પરન્તુ એના એ સ્વરૂપ પર કોમળ સ્ત્રીત્વ ઝલમલતું વિરાજતું’તું. એનો ચ્હૅરો ઘણો સુન્દર હતો, હાથ કાળજી કરીને સરસ સાચવ્યા હતા. ઘરમાં પ્રવેશેલી ત્યારે એના એ અપ્રતિમ આકર્ષણથી લોભાયેલો ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા ધીમા અવાજે બોલેલો – દ્વન્દ્વ આની જોડે બેડમાં કરીશ, ટેબલ પર નહીં.

એ પછી, એણે નૉંધ્યું કે ઍલિફન્ટ તો સારી એકપણ ટેબલમૅનેર ચૂક્યા વિના વાછરડાના માંસ-ટુકડાને સિફતથી આરોગી શકે છે. એટલે એણે ગમ્ભીરતાથી સૌને જણાવ્યું કે – આ કોમળ અને મનમોહક સદા અતૃપ્ત હસ્તિપ્રકારિણી (પ્રોબોસડિયન) મહિલા ખરેખર તો એક અનુત્તમ નારી છે.

ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા સ્પર્ધા હાર્યો અને બેસુધ થઈ ગયો, ચૂસેલાં હાડકાંવાળી પ્લેટમાં નતમસ્તક ઝૂકી પડ્યો, કૂતરાની જેમ ક્રોધે બ્હાવરો થઈ ગયો, અને, વેદનાથી ઓહ્ ઓહ્ કરતો રહ્યો. અન્ધકાર વચ્ચે એને લાગ્યું કે એ લોકો એને ટાવરની ટોચેથી નીચે તળિયા વિનાના ખાડામાં ફૅંકી રહ્યા છે. ચેતનાની અન્તિમ ક્ષણે એને સમજાયું કે અન્ત વિનાના એ પછડાટમાં એની રાહ જોઈ રહ્યું છે, મૃત્યુ.

છેવટે એ કહે છે, ‘મને ફર્નાન્ડા પાસે લઈ જાઓ’. વગેરે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને વર્કશોપેથી પાછા ફરતાં લાગ્યું કે હવા ભેજરહિત સુક્કી છે. એને થયું આવા સમયે ન્હાઇ લેવું જોઈએ, પણ અમરન્તા ન્હાવા પહેલેથી ગયેલી હતી. એટલે પાછા જઈને એણે બીજા નમ્બરની નાની માછલી પર કામ કરવાનું શરૂ કર્યું. માછલીની પૂંછ પર એ આંકડો બેસાડવા જતો’તો ત્યારે એવો તીખો તડકો નીકળી આવ્યો કે એનો ફિશિન્ગ બોટમાં આવે એવો ચૂંઈઈ અવાજ આવ્યો. ત્રણ દિવસના ઝરમરિયા વરસાદથી ધોવાઈ ગયેલી હવામાં હવે ઊડતી કીડીઓથી ચિક્કાર હતી. પછી એને ભાન પડ્યું કે માછલીને સરખો ઓપ ન અપાય ત્યાં લગી પેશાબને પોતે ક્યારનો રોકી રાખ્યો છે.

ચાર ને દસે એ આંગણામાં ગયો ત્યારે દૂર એણે પિત્તળનાં વાજિન્ત્ર અને ઢોલનગારાંના ધ્વનિ અને બાળકોના કલશોર સાંભળ્યાં, અને, યુવાવસ્થા પછી પહેલી વાર એને અતીતની યાદોમાં રાચવું ગમ્યું, અને, એને જિપ્સીઓની એ અનેરી બપોરમાં એને ફરીથી જીવવું ગમ્યું જ્યારે પિતા એને બરફ જોવા લઈ ગયેલા. 

કીચનમાં સાન્તા સોફિયા દ લા પિયદાદ કરતી’તી એ કામ પડતું મૂકીને બારણે દોડી, અને બૂમ પાડીને બોલી, ‘એ તો સર્કસ છે’.  

ચેસ્ટનટે જવાને બદલે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા શેરીમાં પડતા બારણે થઈને પરેડ જોનારાઓમાં ભળી ગયો. બધાંની જોડે ઊભા ઊભા એણે જોયું કે સુવર્ણ પોશાકમાં સજ્જ એક સ્ત્રી હાથીના ગણ્ડસ્થળે બેઠી છે; એણે સવારી માટે ઉદાસ ઊંટ જોયું; એણે ડચ છોકરીના ડ્રેસમાં એક રીંછ જોયું – તાવડી પર ચમચી વગાડીને સંગીતના તાલ આપતું’તું. એણે જોયું કે પરેડના સમાપનમાં રંગલાઓ ‘કાર્ટવ્હીલ’ વગેરે અંગકસરતના દાવ કરતા’તા.

બધું પતી ગયું. અને પાંખાળી અસંખ્ય કીડીઓથી સભર હવામાં લંબાઈને જતી ખુલ્લી શેરીમાં ગણ્યાગાંઠ્યા જનો ન-કશાને તાકી રહ્યા’તા ત્યારે, વળી એક વાર એણે પોતાના દુ:ખદ એકાન્તનો ચ્હૅરો ભાળ્યો.

એ પછી એ ચેસ્ટનટ ગયો, સર્કસના વિચારો કરતાં કરતાં એણે પેશાબ કરવાનું ચાલુ રાખ્યું, પણ પોતાની સ્મૃતિને એ ફંફોસી શક્યો નહીં, કંઈ કરતાં કંઇ એને યાદ જ ન આવ્યું. નવજાત પંખીની જેમ પોતાના મસ્તકને એણે બન્ને ખભા વચ્ચે ઝુકાવી દીધું અને ચેસ્ટનટના થડ પર કપાળ ટેકવીને બસ સ્થિર ઊભો રહ્યો.

બીજા દિવસની સવાર થઈ પણ પરિવારમાં એ કોઈને ય દેખાયો નહીં. અગિયાર વાગ્યે ઘરના પાછળના ભાગમાં સાન્તા સોફિયા દ લા પિયદાદ કચરો ફૅંકવા જતી’તી, એણે જોયું કે આકાશેથી ગીધ ઊતરી રહ્યાં છે.

= = =

(Nov 20, 2022: USA) 
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—171

દીપક મહેતા|Opinion - Opinion|20 November 2022

કોમી રમખાણો અને ઠંડાં પીણાંની બોટલ 

આવી, ગઈ, ફરી આવી, પરદેશી કંપનીઓ  

તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, 

ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા.

૧૯૫૯માં આવેલી ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મનું મોહમ્મદ રફીના કંઠે ગવાયેલું આ ગીત. એક આદર્શને રજૂ કરતું ગીત. પણ હકીકત જરા જૂદી. હુલ્લડ, રમખાણ, વગેરે એ વખતનાં છાપાંમાં અવારનવાર વાંચવા મળતા શબ્દો. એ વખતે તો બે કોમોના નામ પણ લખાતાં. બંને કોમમાંથી કેટલા મરાયા, કેટલા ઘવાયા, એના આંકડા પણ છપાતા. અને આવાં હુલ્લડ કે રમખાણ થાય ત્યારે હાથવગું હથિયાર કયું? સોડા વોટરની બાટલીઓ. આછા લીલા, જાડા કાચની બાટલીઓ. અને ઢાંકણાવાળી નહિ. ગોળી વાળી. આજની સરખામણીમાં ત્યારે તેમાં ગેસ પણ વધારે. એક રસ્તા પર બે ટોળાં સામસામે આવી જાય ત્યારે બંને બાજુથી સોડા વોટર બોટલનો વરસાદ વરસે, સામા પક્ષ પર. જીવલેણ નહિ. પણ એક બાટલી પાંચ-સાતને સારી એવી ઈજા તો પહોંચાડે જ.

તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા

સોડાવોટરબોટલઓપનરવાલા! આવી અટક જેમનામાં જોવા મળે તે પારસીઓ એક જમાનામાં એરેટેડ વોટરના ક્ષેત્રે મુંબઈમાં છવાઈ ગયેલા. આનાં કેટલાંક કારણ. એક તો પહેલેથી જ પારસીઓ અંગ્રેજોની નજીક ગયેલા. બીજું, તેમની સાથે નાનામોટા વેપારનો પણ સંબંધ. લશ્કરમાં અને બીજે પણ માલસામાન, ખાધાખોરાકી, વગેરે પૂરાં પાડવાનું કામ ઘણા પારસીઓ કરે. એટલે અંગ્રેજોનો ‘સોડા-શોખ’ જોઇને જાતે બનાવવા લાગ્યા. પણ એ બનાવતા અંગ્રેજ સાહેબો માટે. ‘દેશી’ઓ માટે નહિ. અરે એ પોતે પણ પીતા નહિ! પણ ૧૮૫૦ના અરસામાં પારસીઓએ પોતે પણ ‘સોડા વોટર’ પીવાનું શરૂ કર્યું. દારુ સાથે અને દારુ વગર પણ. પછી ઈરાની હોટેલોએ એરેટેડ વોટરની બાટલીઓ વેચવાનું શરૂ કર્યું.

કોમી રમખાણોમાં છૂટથી વપરાતી ગોળીવાળી બાટલીઓ

દિનશાજી પંડોલે શરૂ કરેલી કંપની, પણ એનું નામ રાખ્યું ડ્યૂકસ. એમ કેમ? એ જમાનામાં પારસીઓ ક્રિકેટને ક્ષેત્રે પણ અગ્રેસર. પારસી ક્રિકેટ ટીમો મેચ રમવા માટે ગ્રેટ બ્રિટન જતી, ત્યાંથી આવેલી ટીમો સાથે અહીં મેચ રમતી. દિનશાજીની પોતાની ટીમ હતી. એવણ પોતે પણ સોજ્જા ક્રિકેટ ખેલાડી. મેચ રમવા બ્રિટન ગયા ત્યારે ‘ડ્યૂક’ કંપનીના બોલ વાપરેલા. એના નામ પરથી પોતાની કંપનીનું નામ રાખ્યું ‘ડ્યૂકસ.’ આ કંપનીની રાસ્બેરી સોડાએ તો એ જમાનામાં ધૂમ મચાવેલી. ૧૯૦૭માં બાર આના – આજના ૭૫ પૈસામાં એક ડઝન બોટલ વેચાતી.

પારસીઓ મુંબઈ બહાર ઠંડાં પીણાં લઈ ગયા. કલકત્તાથી કાલીકટ સુધી તો ગયા જ, પણ ૧૯૨૦ના અરસામાં પહોંચ્યા સિંગાપુર. ત્યાંની ફરામરોઝ અને ફિનિક્સ, બંને કંપનીઓ પારસી માલિકીની. ચીની અને મલય ભાષાઓમાં જાહેર ખબરો પણ છપાવે. અને છેક ૧૯૭૦ સુધી પી. ધનજીભાઈ એન્ડ સન્સ અમદાવાદમાં સોડાની બાટલીઓ બળદ ગાડામાં વેચતી!

આ ધંધામાં એ વખતે એક મુશ્કેલી એ હતી કે પીણાંની કિંમત કરતાં એ જેમાં ભરાય તે બાટલીની કિંમત ઘણી વધારે હતી. બીજી વાત એ કે જો ધંધામાં ટકી રહેવું હોય તો થોડે થોડે વખતે નવી ફ્લેવર બજારમાં મૂકવી પડે. આ રીતે રોજર્સ કંપનીએ એક નવા ડ્રિંકને ગુજરાતી નામ આપેલું, ‘કિક આપો.’ તો ડ્યૂક કંપનીએ હાફૂસ કેરીમાંથી બનાવીને ‘મેંગોલા’ બજારમાં મૂક્યું જેણે કેટલાંક વરસ ધૂમ મચાવેલી.

રંગ રંગની ભરી બાટલી

હજી નાનાં ગામોમાં સ્થાનિક કંપનીઓ અગાઉની કેટલીક ફ્લેવર્સ બનાવે અને વેચે છે. આવી એક બ્રાંડ તે સુરતની ‘સોસિયો.’ દેશમાં જ્યારે સ્વદેશી માટેની ચળવળ ચાલી રહી હતી ત્યારે, ૧૯૨૩માં અબ્બાસ રહીમ હજૂરીએ સુરતમાં કંપની કાઢી. તેમાં તાજાં ફળોના રસનો ઉપયોગ કર્યો તો સાથોસાથ પીણાંને કાર્બોનેટેડ પણ બનાવ્યું. એ સોસિયો એક જમાનામાં માત્ર ગુજરાતમાં જ નહિ, મુંબઈમાં પણ ધૂમ વેચાતું. આ સોસિયો નામ લેટિન ભાષામાંથી અપનાવેલું છે. પ્રશિષ્ટ રોમન ભાષામાં મિત્ર, સાથી માટે આ શબ્દ વપરાતો. પાલનજી અને કાતરક જેવી પારસીઓની કંપનીનાં પીણાં પણ લોકોમાં પ્રિય હતાં. પણ એ વખતે ઘણી ખરી કંપનીઓ પ્રાદેશિક હતી. આખા દેશમાં જેનું જાળું પથરાયું હોય તેવી કોઈ કંપની ભાગ્યે જ હતી.

૧૯૪૯માં એક આંચકા સાથે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકાના કોકા કોલાએ એ વરસે દેશમાં પ્રવેશ કર્યો અને જોતજોતામાં પોતાનું જાળું આખા દેશમાં ફેલાવી દીધું.

કોકા કોલાની પહેલી બાટલી કઈ રીતે પીધેલી એ આ લખનારને આજે ય બરાબર યાદ છે. ન્યૂ ઈરા સ્કૂલની કેન્ટિનમાં નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિન્કસ પણ વેચાય. દેશી કંપનીની બાટલીના બે આના. કોકા કોલાના ચાર આના. સ્કૂલમાં જતાં ઘરેથી રોજ ચાર આના મળે. આવતાં-જતાં ટ્રામની ટિકિટનો એક આનો. બાર વરસ સુધી અડધી ટિકિટનો એક ઢબુ, એટલે કે બે પૈસા. અને એ ય ટ્રાન્સફર સાથે. ઘર પાસેથી ટ્રામમાં બેસવાનું. ચર્ની રોડ જંકશન ઉતરવાનું. ત્યાંથી ગોવાળિયા ટેંક જતી ૧૦ કે ૧૬ નંબરની ટ્રામ પકડવાની. છેલ્લા સ્ટોપ પર ઊતરીને પાંચેક મિનિટ ચાલો એટલે આવે ‘ધન્ય ન્યૂ ઈરા.’ બપોરે અંબુભાઈની કેન્ટિનમાંથી બે આનામાં નાસ્તાની એક પ્લેટ લેવાની. પાંચ દિવસનું મેનુ ફિક્સ. બટેટા વડા, સમોસાં, બટેટા પૌઆ, ઉપમા, ભેળ. બ્રેડ બટર અને ચટણી સેન્ડવિચ રોજ મળે. ઘરેથી વધુ પૈસા તો માગવા મુશ્કેલ. એટલે બંદાએ બે દિવસ નાસ્તો ન કરી ચાર આના ઊભા કર્યા અને કોકા કોલા(હજી તે વખતે ‘કોક’ નામ પ્રચલિત બન્યું નહોતું)ની બોટલ ગટગટાવી.

એ વખતે સ્કૂલમાં એક નિયમ બહુ કડકાઈથી પળાય. સ્કૂલમાં હોય ત્યારે કોઈ વિદ્યાર્થી બહારનું કશું જ ખાઈ કે પી ન જ શકે. એક-બે શિક્ષક અને ત્રણ-ચાર વિદ્યાર્થિની ટીમ બાજ નજર રાખી રિસેસમાં સ્કૂલની બહાર ફરતી જ હોય. એક છોકરાએ ફેરિયા પાસેથી લઈને શીંગ-ચણા ખાધા. ટીમે એને હાજર કર્યો પ્રિન્સિપાલ એમ.ટી. વ્યાસસાહેબ પાસે. સાધારણ રીતે આવે વખતે છોકરાઓ માફી માગી છૂટી જાય. પણ પેલા છોકરાએ તો દલીલો કરી : શીંગ-ચણા આરોગ્ય માટે નુકસાનકારક છે? જવાબ મળ્યો : ‘ના. પણ બહારથી લઈને ખાધા કેમ?’ ‘કારણ આપણી કેન્ટિનમાં શીંગ-ચણા વેચાતા નથી. આ સાંભળી વ્યાસસાહેબે તરત ફોન કરીને બોલાવ્યા અંબુભાઈને : કેન્ટિનમાં શીંગ-ચણા વેચતા નથી?’ ‘ના સાહેબ.’ તો કાલ સવારથી વેચવાનું શરૂ કરો.’ પછી પેલા છોકરાને કહ્યું : ‘તેં આ અંગે ધ્યાન ખેંચ્યું તે સારું કર્યું. કાલથી કેન્ટિનમાંથી ખરીદીને બધા શીંગ-ચણા ખાઈ શકશે, તારે લીધે.

પણ આ તો વાત જરા આડે પાટે ચડી ગઈ. કોકા કોલા પછી આવ્યું પેપ્સી. પણ ધાર્યા પ્રમાણેનું વેચાણ મળ્યું નહિ એટલે ૧૯૬૨માં ઘરભેગું થઈ ગયું. કોકા કોલા આવ્યા પછી ‘દેશી’ કોલ્ડ ડ્રિંક’ની કંપનીઓએ હરીફાઈનો સામનો તો કરવો પડ્યો, પણ ટકી ગઈ. ૧૯૭૭માં બધી પરદેશી કંપનીઓને માથે આફત આવી. જનતા સરકારના ઉદ્યોગ ખાતાના પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસ સમાજવાદી અને ટ્રેડ યુનિયન લીડર. પરદેશી કંપનીઓના ભારે વિરોધી. તેમણે આકરા નિયમો બનાવ્યા. માત્ર કોકા કોલાએ જ નહિ, મોબિલ, કોડાક અને બીજી ૫૪ કંપની દેશ છોડી ગઈ. એ વખતે ફર્નાન્ડીસની દલીલ હતી : ‘દેશના લાખો ગામડાંમાં ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી, પણ કોકા કોલા મળે છે. આ કેમ ચાલે?’ પણ સરકાર એટલેથી અટકી નહિ. પોતાનું પીણું ‘૭૭’ બજારમાં મૂક્યું! બીજી કંપનીઓને તો ભાવતુંતું ને વૈદે કીધું. થમ્સ અપ, રીમઝીમ, લિમ્કા, સિટ્રા, કેમ્પા કોલા, જેવી કેટલીયે નવી બાટલીઓ ધૂમ વેચાવા લાગી. ‘૭૭’ લથડિયાં ખાતું પણ ચાલતું રહ્યું. પણ બે વરસ પછી જનતા સરકાર ભાંગી પડી અને તેની સાથે ‘૭૭’નો પણ ખુરદો બોલી ગયો.

કાળચક્ર ફરી એક વાર ફર્યું. નવી સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. પરદેશી કંપનીઓને દેશમાં આવકારી. આ વખતે પેપ્સી પહેલાં આવ્યું. ‘દેશી’ પીણાંઓએ, બરાબરની ટક્કર આપી. થમ્સ અપ અને પેપ્સી વચ્ચે જંગ જામ્યો. બંને બાજુથી જાહેર ખબરોનો વરસાદ વરસ્યો. પહેલો રાઉન્ડ ગયો દેશી ‘થમ્સ અપ’ની તરફેણમાં. પણ ૧૯૯૩માં કોકા કોલા ફરી દેશમાં આવ્યું. તેણે જૂદી રણનીતિ અપનાવી : ‘લડો નહિ, વિરોધીને ખરીદી લો!’ ખરીદ્યા પછી એક થમ્સ અપને બાદ કરતાં બીજાં બધાં પીણાં બનાવવાનું જ બંધ કરીને પોતાની પ્રોડક્ટ માટે મેદાન મોકળું કર્યું.

છતાં આજે ય કેટલીક જૂની બ્રાંડ ટકી રહી છે. તેમાંની એક છે રોજર્સ. મૂળ અંગ્રેજે સ્થાપેલી કંપની. પછી ગઈ પારસી પાસે. અત્યારે કચ્છી માડુ છેડા કુટુંબ પાસે રોજર્સ બ્રાંડ છે. મુંબઈની ધનિક ફૂડ એન્ડ બીવર્જિસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની જીરા મસાલા સોડા, ઓરેન્જ સોડા, આઈસ્ક્રીમ સોડા, અને રોજર્સની પ્રખ્યાત રાસ્બરી સોડા બનાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાર્બોનેટેડ ડ્રિન્કસ વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું છે. કંપનીઓ ફ્રૂટનો પલ્પ કે રસ ભેળવીને સોફ્ટ ડ્રિન્કસ બનાવતી થઈ છે. પહેલાં એક વ્યક્તિ પી શકે એટલું ડ્રિંક સમાય એવી જ બાટલીઓ બજારમાં મળતી. હવે બે-ત્રણ લીટરની બાટલીઓ પણ મળે છે. તો બીજી બાજુ કેન કે ડબલાંનો ઉપયોગ પણ વધતો જાય છે. અગાઉ કોલ્ડ ડ્રિંક ખરીદનારે કાચની બાટલી પાછી આપવી પડતી અથવા તેના વધારાના પૈસા ચૂકવવા પડતા. પ્લાસ્ટિક અને ડબલાંનો ઉપયોગ શરૂ થયા પછી આ મુશ્કેલી દૂર થઈ પણ કચરાના ઢગલા ઉભરાવા લાગ્યા. હવે રિસાઈકલીંગની વાતો તો થાય છે, પણ એનો અમલ?

ઠંડા પીણાં ભલે ગમે તેટલાં વેચાય, ચા-કોફીને તે હરાવી શકે તેમ નથી. આ ચા-કોફીની વાતો હવે પછી. ત્યાં સુધી માણો તમારા મનગમતા કોલ્ડ ડ્રિંકની લિજ્જત.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 19 નવેમ્બર 2022

Loading

ક્રિપ્ટોની કરન્સીઃ નિયમન વિનાનું, લાલચ જગાડે એવું ભ્રામક વિશ્વ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 November 2022

ઘણા ક્રિપ્ટો પ્રોજેક્ટ મોતના કૂવામાં ધકેલાયા પણ FTXનું પતન આંખે ઊડીને વળગે એવું છે. બેંકમેનની કરતૂતોને પગલે આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી શંકાના ઘેરાવામાં આવી ગઇ 

2018માં સુરતના એક બિલ્ડરે ગુજરાત સરકારને પત્ર લખીને પોતાની પાસેથી કરોડોના બિટકોઈનની ખંડણી લેવાઇ હોવાની જાણ કરી. તપાસ કરતાં બિલ્ડર પોતે જ ખંડણીખોર નીકળ્યા. ગુજરાતનું આ બિટકોઈન કૌભાંડ ખાસ્સું ગાજ્યું. ગુજરાતમાં એક કરતાં વધારે ક્રિપ્ટો કરન્સી કૌભાંડ થયા. બિટકનેક્ટ ડૉટ કૉમના માધ્યમથી લોકોને છેતરનારા દિવ્યેશ દરજી પણ સુરતના જ હતા. ભારતમાં અમિત ભારદ્વાજ, જેનું નામ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો પોન્ઝી સ્કીમર તરીકે ગેઇન બિટકોઇન કેસમાં બોલે છે, એણે તો લોકોનું કરી નાખ્યું એનું પણ તબિયત કથળતા મોત થયું.

આપણે ક્રિપ્ટો કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીની વાત છેડવી પડી છે કારણ કે આ બધા કૌભાંડો થયા, લોકો ક્રિપ્ટોને જાણતા થયા ત્યારથી લઇને આજ સુધી નવી નવી ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવી અને જતી પણ રહી. બિટકોઇન એ ઓરિજિનલ ક્રિપ્ટોકરન્સી છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇનના ભાવ તેના મૂળ ભાવથી 75 ટકા નીચે ગયા છે. જો કે આ માત્ર બિટકોઇન સાથે નથી થયું, બીજી ઘણી ક્રિપ્ટો કરન્સીના ભાવ સડસડાટ તળિયે પહોંચ્યા છે. એક સમયે બિટકોઇનને બીજી કોઇ પણ સંપત્તિ કરતાં બહેતર કે એના જેટલી જ મહામૂલી કરન્સી ગણવવામાં આવતી હતી. અત્યારે એવી હાલત છે કે મોટા ભાગના રોકાણકારો ખોટ ખાઇને ચુપચાપ બેઠા છે.

ક્રિપ્ટો કરન્સીની દુનિયાના જાણકારો માટે સેમ બેન્કમેન ફ્રાઇડનું નામ નવું નથી. તેણે એફ.ટી.એક્સ.કૉમ(FTX.COM)ની સ્થાપના કરી જે એક મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે – એક એવું પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાની ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરે અને પોતાની કરન્સી સ્ટોર પણ કરે. વિશ્વમાં બીજા ક્રમાંકે ગણાતી ૩૨ બિલિયન ડૉલર્સની ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીનું રાતોરાત બાષ્પિભવન થઇ ગયું. આર્થિક વહેવારમાં અનિયમિતતાઓ, ગ્રાહકોની ડિપોઝિટ્સથી પોતાની જ કંપનીની ક્રિપ્ટો કરન્સી ખરીદવાની ચેષ્ટાઓના ગોટાળાએ તેમની પોલ ખુલ્લી પાડી. એક સમયે જેની સરખામણી વૉરેન બફેટ જેવા માંધાતાઓ સાથે કરાતી હતી તે સેમ નાદારીના રસ્તે છે.

ચેતન ભગત જે મેનેજમેન્ટના વિદ્યાર્થી રહ્યા છે તેમણે ક્રિપ્ટો વિશે એવી ટિપ્પણી કરી કે ક્રિપ્ટો સામ્યવાદ જેવી બાબત છે તે લોકોને વિકેદ્રીકરણ દ્વારા સત્તા આપવાની વાત તો કરે છે, પણ અંતે સત્તા તો ગણતરીના લોકો પાસે જ રહે છે. ક્રિપ્ટો કરન્સીના ડિજીટલ લેજર – બ્લૉકચેન પર થતી લેવડદેવડ એટલી હદે ભ્રામક નીવડી કે કોણ બ્રોકર, કઇ બેંક, શું કોમોડિટી અને શું કલેક્ટિબલ જેવા પ્રશ્નો વચ્ચેની ભેદરેખા સાવ ઝાંખી જ થઇ ગઇ. પૉન્ઝી સ્કીમનું એક જ લૉજિક હોય છે – પૈસા આવ્યા કરે ત્યાં સુધી પૈસા બન્યા કરે.

FTXની સામે તેના સ્પર્ધક ચાંગપેન્ગ શાઓએ શિંગડા ઉલાળ્યા છે અને એમની લડાઇ ચાલી રહી છે. પરંતુ ક્રિપ્ટોમાં રોકાણ કરાનાર રિટેલ ખરીદદારોની પીડા જુદી છે. તેમણે ભવિષ્યની સંપત્તિને નામ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું અને ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવેલા કડાકાએ તેમની છાતીના પાટિયા બેસાડી દીધાં છે. 

રિટેલ રોકાણકારોના રોકાણનું કારણ હોય છે લાલચ. કોઇ પણ એસેટનો પરપોટો મોટો થઇ રહ્યો હોય ત્યારે અણધાર્યા વળતરો ભલભલાને લલચાવે. ગ્લોબલ સ્તરે લિક્વિડિટી પાંખી થઇ રહી છે ત્યારે માર્કેટમાં જોખમ લેનારા પણ ઘટશે અને ડિજીટલ કરન્સીના માર્કેટ પર પણ તેની માઠી અસર જ પડશે.

ક્રિપ્ટો અંતે તો એક ડિજીટલ ટોકન છે જે ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ માટે વપરાય છે. તેની ખાસિયત એ છે કે તે બેંક પર આધારિત નથી અને લોકો વચ્ચે સીધી જ લેવડ-દેવડ થતી હોય છે. ક્રિપ્ટો ઉત્સાહીઓએ નિયમન, બેંક્સ અને સરકારોના નિયંત્રણોથી પર જઇને મજા પડી ગઇ પણ એમને યાદ ન રહ્યું કે કરન્સીનું મૂલ્ય શેના લીધે નિયત થાય છે. રૂપિયાની વેલ્યુ ભારત સરકાર કરે તો ડૉલરની વેલ્યુ અમેરિકન સરકારને તોતિંગ સૈન્યની તાકતને આધારે થાય છે. ક્રિપ્ટો કરન્સીનો આવો કોઇ ટેકો નથી. ક્રિપ્ટોને કારણે અબજોપતિ બનેલા લોકો પણ છે કારણ કે ત્યારે ક્રિપ્ટોમાં લોકોને એવી રીતે વિશ્વાસ બેઠો જાણે કોઇ સંપ્રદાયના વડામાં કે કોઇ કલ્ટમાં બેઠો હોય.

આખરે ક્રિપ્ટોનો ફુગ્ગો ફૂટ્યો, આ વખતે FTXને કારણે ફૂટ્યો અને હવે ક્રિપ્ટોમાં કૂદી પડનારા ઓછા હશે એ ચોક્કસ. આર્થિક રોકાણોમાં સલામતી અને કેલ્ક્યુલેટેડ રિસ્કની સલાહ આપનારાઓના મતે ક્રિપ્ટો કોઇ રોકાણ નથી, એમાં ન પડવું જોઇએ. ઝડપથી પૈસા ક્યારે ય નથી કમાઇ શકાતા અને પૈસા કમાવાની જૂની રીતોમાં કશું જ ખોટું નથી કારણ કે તેમાં આપણને એક ખાતરી અને બાંયધારી મળે છે. જ્યાં નિયમન અને સરકાર મુક્ત વહેવાર હોય છે ત્યાં સૌથી વધુ ગોટાળા થાય છે.

પેન્ડેમિક દરમિયાન ક્રિપ્ટોએ સ્પીડ પકડી. આ સંજોગોમાં તેને લગતા નીતિ નિમયો હજી બરાબર ઘડાયા નહોતા. જે લોકો અતિ-ઉત્સાહિત થઇને ક્રિપ્ટોના ખરીદ-વેચાણમાં પડ્યા તેમને હજી તેની સાથે જોડાયેલું જોખમ ખબર નહોતી. જો બેંક ફડચામાં જાય તો સરકાર મદદ કરે પણ ક્રિપ્ટોને મામલે તો કોઇ એવું બૅક-અપ કે સપોર્ટ સિસ્ટમ જ નથી. કસ્ટમર સર્વિસને ફોન કરીને હેક્સને ઉલટાવી નથી શકાતા કે ખોટા ફંડ્ઝને પાછા નથી મેળવી શકાતા. ક્રિપ્ટો એક્સચેન્જને સરકારી બેલ-આઉટ પણ નથી મળવાનું. આમ તો ઘણા ક્રિપ્ટો પ્રોજેક્ટ મોતના કૂવામાં ધકેલાયા પણ FTXનું પતન આંખે ઊડીને વળગે એવું છે. બેંકમેનની કરતૂતોને પગલે આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી શંકાના ઘેરાવામાં આવી ગઇ. FTXની પડતી એવા સમયે આવી જ્યારે ટૅક સ્ટોક્સમાં કડાકો બોલાયો છે. એમેઝોન, ટ્વીટર અને મેટા જેવી કંપનીઓએ છટણીના મામલે ભૂકો બોલાવી દીધો છે. વળી આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા માટે ટૅક કંપનીઓના વ્યાજ દરો એવા પણ નથી કે નાણાં ઉછીના લઇ શકે. પેન્ડેમિકને કારણે છેલ્લાં બે વર્ષમાં ઉછાળો આવ્યો હતો તે શમી રહ્યો છે. હાલમાં વ્યાજના દર પણ ઊંચા છે જે કંપનીઓના વેલ્યુએશન અને કેપિટલ એક્સેસમાં નડરત બન્યા છે. લિક્વિડિટીની કટોકટીની સીધી અસર ક્રિપ્ટોકરન્સીની દુનિયા પણ થાય જ.

ક્રિપ્ટોમાં ઝંપલાવનારાઓએ વિચારવું રહ્યું કે નવી, હજી જેની ક્ષમતા પુરવાર નથી થઇ એવી અને જે હજી અનિયંત્રિત છે તેવી અસ્ક્યામતો પર તેઓ નિવૃત્તિની યોજના માટે આધાર રાખે એ કેટલું યોગ્ય? આ ક્રિપ્ટોની દુનિયામાં એવા એસેટ્સ પણ છે જે ખરેખર તો છે જ નહીં.

બાય ધી વેઃ

તાજેતરમાં જ બર્કશાયર હાથવેના વાઇસ ચેરમેન ચાર્લી મુંગેરે હમણાં એક ઇન્ટરવ્યુમાં ક્રિપ્ટો કરન્સી અને ક્રિપ્ટો કરન્સી વાળાને ઝાટકી નાખતા કહ્યું હતું કે બિટકોઇનને બધું તો બાળ વેશ્યા વૃત્તિ જેવું છે. ક્રિપ્ટો હૉટ ગણાય છે એટલે બધા તેમાં ઝંપલાવે છે. તેમણે FTXના સ્થાપક બેંકમેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ લોકો સંસ્કૃતિના પતનને પ્રોત્સાહન આપી રહ્યા છે. સંપત્તિ વધારવા યેનકેન પ્રકારેણ કંઇ પણ કરી છુટતા લોકો માટે મુંગેરનો તિરસ્કાર આ વાતચીતમાં દેખાઇ આવતો હતો. ક્રિપ્ટો રિયલ એસેટ છે જ નહીં તેવું તે ભાર દઇને કહે છે અને તેમના મતે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી એટલે અડધી છેતરપિંડી છે અને બાકી ભ્રમ છે. વૉરેન બફેટે ક્રિપ્ટો વિશે કહ્યું હતું કે તે પોતે ક્યારે ય ક્રિપ્ટો કરન્સી નહીં ખરીદે કારણ કે અંતે તે એ કોઇને વેચી દેશે કારણ કે એનો બીજો કોઇ ઉપયોગ પણ નહીં હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 નવેમ્બર 2022

Loading

...102030...1,3251,3261,3271,328...1,3401,3501,360...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved