દીકરીઓ હવામાં જ પેદા થાય છે.
દેખાતી નથી નિસ્પંદ પળોમાં એ.
બહુ બારીક અનુભૂતિ કરનારાઓને જ
એની ઝાંખી થાય તો થાય.
દીકરીઓ આમ આઘીપાછી થયા કરે.
થાય કે આવી જશે આકાશ સાવ હેઠું.
આમ હાથ ઊંચો કરો કે અડકી લેવાય.
અચાનક ફાટે ધરતી ને ઊછળે લાવા.
ખળખળતાં ઝરણાંઓ કૂદી આવે બહાર.
ટેકરીઓ રૂપાળી રૂપાળી થઈ જાય.
લાગે નજીકનું ને દૂરનું બધું રૂપાળું.
સમજાય નહીં કે શું થઈ રહ્યું છે.
એનો શ્વાસ અથડાયો એ નરમ પાંખડી હતી?
દૂરનો હિમપર્વત હતો એ હતી એની
ક્યારે ય ન પીગળતી આંગળી?
ચકરાઈ જવાય, બધું ઊંધુંચત્તું મગજમાં.
રાત તો બસ રાત જ રહે ને
દિવસ તો બસ દિવસ જ દિવસ.
હવા ફરફરે તો પણ લાગે કોઈનો નિશ્વાસ.
કે અચાનક કોઈ ચુડેલનું ખડખડાટ અટ્ટહાસ્ય.
દીકરી, તને કેમ ચાહવી?
ક્યારેક મન ભર્યું ભર્યું થઈ રહે
ને એકદમ બધું ક્યાંય ગાયબ—
ભૂલશો નહીં, બધી જ સ્ત્રીઓ દીકરીઓ છે.
∆
*બુકર પ્રાઈઝ પુરસ્કૃત પુસ્તક ‘રેત સમાધિ’ના એક પ્રકરણનો અંશ.
![]()


અનુવાદ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ હવે જૂની થઈ છે : અનુવાદિત કૃતિ (translated text) મૂળ કૃતિ(source text)ને ‘વફાદારીપૂર્વક’ વળગી રહે છે કે કેમ એ બિલોરીકાચ લઈને નજર રાખતા લોકોનો ઉદ્યમ કંટાળો ઉપજાવે છે. અનુવાદિત કૃતિએ શું ગુમાવ્યું છે એ વાત બહુ ચાલી, અનુવાદિત કૃતિ શું મેળવી આપે છે એની વાત હવે થવી જોઈએ. મુખ્ય પ્રશ્ન છે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચે એક પ્રકારનો અધિક્રમિક (hierarchical) સંબંધ ઊભો કરવાનો—મૂળ કૃતિ ઊંચી ને અનુવાદિત કૃતિ નીચી, મૂળનો લેખક ક્રિયેટીવ અને અનુવાદક માત્ર લહિયો. આ માન્યતાઓથી દૂર થઈશું તો અનુવાદ વિશે થોડી સંકુલતાથી વિચારવાનું શરૂ કરી શકાશે.
‘રેત-સમાધિ’ના અનુવાદક આ ધ્વનિને અંગ્રેજીમાં ઉતારવા માટે કઈ કઈ ટેકનીક વાપરે છે? શબ્દધ્વનિ અને અર્થ વચ્ચેની ખેંચ-તાણમાં કોને પ્રાધાન્ય આપે છે? ધ્યાનથી, ઊંડાણપૂર્વક સમજી શકાય એટલા માટે મેં એક નાનકડો અંશ પસંદ કર્યો છે, મૂળ હિન્દીમાં પૃષ્ઠ ૨૩૨-૨૩૩ (રાજકમલ પ્રકાશન, છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૨) અને અંગ્રેજીમાં પૃષ્ઠ ૪૭૧-૪૭૩ (પેંગ્વિન બુક્સ, ૨૦૨૨).
અંગ્રેજીમાં ઉમેરેલું વાક્ય આ ત્રણે અર્થોની ત્રુગલબંધી (!!) થકી મુખ્ય કથાનકને આગળ ધપાવે છે, અને નાયિકા કેવી રીતે પોતાની મંઝીલની નજીક છે એ પણ દર્શાવે છે. આમ, સરવાળા થકી અનુવાદ મુખ્ય કૃતિમાં વૃદ્ધિ કરે છે.