Opinion Magazine
Number of visits: 9568917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતના ગણનાપાત્ર દેશો માટે ચીન એક કોયડો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2022

ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કાઁગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું. શી ઝિંગપીંગની કલ્પનાના અખંડ ચીનમાં તાઈવાનનો અને ભારતનાં બે પ્રદેશ લડાખ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચીનના નકશાઓમાં પણ તાઈવાન ઉપરાંત ભારતના આ બે પ્રદેશોને ચીનના પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યા છે. આ સિવાય શી ઝિંગપીંગે એમ પણ કહ્યું હતું કે ચીનનું સૈન્ય વિશ્વનું સૌથી તાકાતવાન સૈન્ય હશે અને ૨૦૩૫ સુધીમાં ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે મોખરે હશે. તેમણે આજના યુગમાં ત્રણ તાકાત બતાવી હતી; આર્થિક તાકાત, લશ્કરી તાકાત અને વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત. ચીનમાં આ ત્રણેયનો સંગમ જોવા મળે છે એટલે ચીનની હરણફાળને હવે કોઈ રોકી શકે એમ નથી. તેમણે વિશ્વદેશોને ચીનની કૂચમાં ભાગીદાર બનવાનું પણ ઈજન આપ્યું હતું.

શી ઝિંગપીંગ દેંગ ઝીયાઓપીંગ પછીના સૌથી શક્તિશાળી નેતા છે એમાં કોઈ શંકા નથી. અસંવેદનશીલ ખડૂસ છે અને ઉપરથી મહત્ત્વાકાંક્ષી છે. તેઓ ત્રીજી વખત ચીનના પ્રમુખ બનવા માગે છે અને હકીકતમાં તો તેઓ આજીવન પ્રમુખ બનવા માગે છે. ચીનની કાઁગ્રેસનો ભવ્ય તાયફો યોજીને તેઓ ચીનની તાકાતનું અને પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરવા માગે છે. મેસેજ મુખ્યત્વે ત્રણ દેશો માટે છે; અમેરિકા, રશિયા અને ભારત. અમેરિકાએ ઉપર કહી એ ત્રણેય બાબતે (આર્થિક, લશ્કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજી) ચીનનું ચડિયાતાપણું માન્ય રાખવાનું છે. રશિયાએ ચીનનો મોટાભાઈ તરીકે સ્વીકાર કરવાનો છે અને રશિયાએ તે કરી પણ લીધો છે. અને ભારત માટે? ભારત હવે ચીનની હરીફાઈ કરવાનું કે તેની બરાબરી કરવાનું સપનું માંડી વાળે. લડાખ અને અરુણાચલ પ્રદેશની કેટલીક ભૂમિ જતી કરીને ચીન સાથે સમજૂતી કરે અને  પોતાની ઓકાત સમજીને ડાહ્યા પાડોશી દેશની માફક વર્તે. શી ઝિંગપીંગે અમેરિકા-ભારત-જપાન-ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવતી ચીન સામેની ઘેરાબંધી(ક્વાડ)ને પણ હસી કાઢી હતી અને કહ્યું હતું કે જગતે અજેય ચીન નામની વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખવું રહ્યું.

આ હુંકાર અભિમાનજન્ય છે કે વાસ્તવિક? બન્ને છે. હકીકતમાં ચીન ઝડપભેર આગળ નીકળી રહ્યું છે અને તેના રથને રોકવો મુશ્કેલ છે. જગતનાં ગણનાપાત્ર દેશો માટે ચીન એક કોયડો બની ગયું છે. પણ આ રીતે અભિમાનપૂર્વક તાકાતનું પ્રદર્શન કરવા પાછળનો શો ઉદ્દેશ? ઉદ્દેશ ઘરઆંગણેનો છે. ચીનની અંદર અશાંતિનો ચરુ ખદબદી રહ્યો છે અને ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે છે. ચીનના સામ્યવાદી પક્ષની કાઁગ્રેસ ચાલી રહી છે ત્યારે ચીનનાં કેટલાંક શહેરોમાં શી ઝિંગપીંગ વિરુદ્ધ પોસ્ટરો ફૂટી નીકળ્યાં છે અને પ્રત્યક્ષ વિરોધપ્રદર્શનોની ઘટના પણ બની રહી છે. શી ઝિંગપીંગ જાણે છે કે આવનારાં વર્ષોમાં ચીન જો પછડાટ ખાશે તો એ આંતરિક વિદ્રોહનાં કારણે અને એવી શક્યતા પૂરી છે. ક્યાં સુધી લોકોને ડરાવી-દબાવી રખાશે? ક્યાં સુધી વાસ્તવિકતાઓ છુપાવી શકાશે? ક્યાં સુધી પોતાનાં અને ચીનના ઐશ્વર્યનાં પ્રદર્શનો યોજીને લોકોને કેફમાં રાખી શકાશે? ક્યાં સુધી? જેનો આરંભ હોય એનો અંત તો આવે જ છે. એ સંભવિત સંકટને બને એટલું આગળને આગળ ઠેલવવા માટે ચીનાઓને અને વિશ્વને આંજી નાખનારા તાયફાઓ યોજવામાં આવે છે અને શી ઝિંગપીંગના તેમ જ ચીનના ઐશ્વર્યનું પ્રદર્શન કરવામાં આવે છે.

પણ ચીનની આંતરિક વાત જવા દઈએ. ભવિષ્યમાં (નજીકના કે દૂરના) ચીનનું જે થવું હોય તે થાય, પણ અમેરિકા અને ભારત શી ઝિંગપીંગના હુંકારને કઈ રીતે જોઈ રહ્યા છે? આ બે દેશો એવા છે જેણે ચીનની તાકાતના યથાર્થનો સ્વીકાર કરવાનો છે અથવા યથાર્થનો મુકાબલો કરવાનો છે અથવા શી ઝિંગપીંગ કહે છે એમ ચીનની તાકાતનો કહેવાતો દાવો યથાર્થ ન બને એ માટે પ્રયાસ કરવા પડે એમ છે. વળી અમેરિકા અને ભારતને એકબીજા ઉપર ભરોસો નથી. ભારત પાસે અમેરિકાથી સાવચેત રહેવા માટે ઘણાં કારણ છે. અમેરિકા ભૌગોલિક રીતે ચીનથી ઘણું દૂર છે, જ્યારે ભારત ચીનની પડોશમાં છે. ઉપરથી બે દેશો વચ્ચે સરહદી ઝઘડો છે અને હજુયે ભારત ચીનની બરાબરી કરવાનાં સપનાં જોઈ રહ્યું છે. ચીનના ઉદયમાં સૌથી મોટું સંકટ ભારત માટે છે.

અને ભારતની શું પ્રતિક્રિયા છે? ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સેન્ટર ફોર કોન્ટેપરી ચાઈના સ્ટડીઝ નામની એક સંસ્થામાં બોલતા કહ્યું હતું કે ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી અને ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યા પછી ભારત અને ચીન વચ્ચે મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો વિકલ્પ હવે બચ્યો નથી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછીથી છેક ૨૦૧૨-૨૦૧૪ સુધી, એટલે કે અનુક્રમે ઝિંગપીંગ-મોદીના ઉદય સુધી, મતભેદોને બાજુએ રાખીને અન્ય મોરચે આગળ વધવાનો વિકલ્પ હતો અને બન્ને દેશોએ તેનો લાભ લીધો હતો. ૨૦૧૪થી ૨૦૨૦ સુધી નરેન્દ્ર મોદીની સરકારે નવી સ્થિતિમાં મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો, જેમાં તેને સફળતા મળી નહોતી. વિદેશ પ્રધાન કહે છે કે ૨૦૨૦ની ઘટના પછી તેના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

તો સવાલ એ છે કે ભારત પાસે વિકલ્પ શો છે? જો મતભેદને કે ઝઘડાને બાજુએ મુકીને આગળ વધવાનો વિકલ્પ ન બચ્યો હોય તો તેનો ઉકેલ શોધવો પડશે. ચીન મ્યાનમાર જેવો ઉપેક્ષા કરી શકાય એવો મામુલી દેશ નથી. પણ આપણા વિદેશ પ્રધાને નવી સ્થિતિમાં નવા વિકલ્પની કોઈ વાત જ નથી કરી. 

દરેક સમસ્યાનો ઉકેલ તો હોય જ છે અને ઉકેલ જો મુશ્કેલ હોય તો ઉકેલ સ્વીકાર્ય બને એ રીતની ભૂમિકા બનાવવી જોઈએ. ઉકેલ જો જોખમી હોય તો જોખમ ઉઠાવવાની તૈયારી કરવી જોઈએ અને પ્રજા તેમ જ રાજકીય પક્ષો જોખમમાં સાથ આપે એવી ભૂમિકા બનાવવી જોઈએ. એવી ભૂમિકા બનાવવા માટે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. વિદેશ પ્રધાને પોતે જ કબૂલ કર્યું છે કે સાત દાયકા જુનો વિકલ્પ હવે હાથવગો નથી. પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર વાસ્તવિકતાથી ભાગે છે. ચર્ચા કરવાથી દૂર ભાગે છે. મોઢું ફેરવી લે છે. કેમ જાણે મોઢું ફેરવી લેવાથી વાસ્તવિકતા મટી જવાની હોય!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2022

Loading

મુનશીથી દર્શક … વાયા ગો.મા.ત્રિ.!

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|19 October 2022

પ્રમુખીય

હમણાં દર્શકવિષયક બળવંત તેજાણીની હસ્તપ્રતમાંથી પસાર થતાં સ્વાભાવિક જ દર્શકની એ કેફિયતનુમા ઉક્તિનું સ્મરણ થયું કે એમણે પોતાની આરંભિક રચનાઓ – જેમ કે ‘બંદીઘર’ – પર ર.વ. દેસાઈની અસર હોવાનું નોંધ્યું છે. અહીં આ ક્ષણે ‘બંદીઘર’ (‘કબ્રસ્તાન’) કે ‘જલિયાંવાલા’ની ચર્ચામાં જવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, મુનશીમુગ્ધ ગુજરાતમાં ર.વ.ના પ્રવેશ સાથે જે paradigm shift તરેહના સંકેતો સમજાય છે એની જિકર જરૂરી સમજું છું. (મુનશીથી દર્શક એવી જે એક પર્યેષણા, બંકિમ-રવીન્દ્રને સમાંતર કરી રહ્યા છીએ, એથી સ્તો!)

ર.વ.ની સામાજિક નવલકથાઓ થકી જે ઉઘાડ આપણે ત્યાં થયો એમાં મોટી વાત એ બની કે પ્રતાપી પાત્રોની રાજમહેલાતી સૃષ્ટિથી તેમ તે પૂર્વે વાલકેશ્વર અને સુંદરગિરિની સધ્ધરલોક-અધ્ધરલોક સૃષ્ટિથી ઉફરાટે એક નવો નાયક આપણી સામે આવ્યો. કંઈક ગાંધીરંગી, કંઈક ડાબેઝૂક, લગરીક રોમૅન્ટિક એવા મધ્યમવર્ગી નાયકો એ ર.વ.નો વિશેષ રહ્યો. જોવાનું એ છે કે મુનશી બ્રાન્ડ ખાસંખાસ પ્રતાપી પાત્રો (તે સિવાયનાં સૌ માનવજંતુડાં જાણે) વચ્ચે આ નવો નાયકવર્ગ પોતાની જગ્યા બનાવી શક્યો; અને તે પણ તમને ને મને આંજ્યા વગર.

મુનશી ને ર.વ. બેઉ વંચાતાવેચાતા હતા અને સહસા ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ પોતાની જગ્યા બનાવી લે છે. બે’ક દાયકા પર નીતિન વડગામાએ મને ગુણવંતરાય આચાર્ય અધ્યયન ગ્રંથ (શતાબ્દી ગ્રંથ) માટે લખવા નિમંત્ર્યો ત્યારે (શિખાપંડિત તો હું ક્યાંથી હોઉં પણ) સામાન્ય છાપને ધોરણે મુનશી – ર.વ. – આચાર્ય સમયસંક્રાન્તિ જોતાં જે સમજાય છે એનો ખયાલ કંઈક વિગતે ચર્ચવાનું બન્યું હતું. હમણાં મેં કહ્યું કે ર.વ. આવતે રાષ્ટ્ર પ્રતાપી પાત્રો અને રાજવટ, કાંઈક સાંસ્કૃતિક ભભક, હિંદુ રાજવટ આદિને સમાવતે છતે લાંઘી જતી ને લાંઘતે છતે સમાવતી મધ્યમવર્ગી ને જનસાધારણલક્ષી ખયાલાત બને છે.

જ્યાં સુધી આચાર્યનો સવાલ છે, તમે જુઓ, બેસતે સ્વરાજે તે હિન્દુપત પાદશાહત ગ્રંથાવલિ હાથ પર લે છે. છતે ભાગલે (કે એથી જ) આ નવલશ્રેણી પૂંઠે પોતાની ભાવભૂમિ એ બેબાક બોલી બતાવે છે કે “હિંદુસ્તાનની સાંસ્કારિક ભૂગોળ – સાંસ્કૃતિક ભૂગોળ આજે ધાર્મિક ભૂગોળમાં ફેરવાઈ જવાનો મહાભય ઊભો થયો છે.”

મુનશી કરણ ઘેલાની ઉત્તર કથા ‘ભગ્ન પાદુકા’ લઈને આવ્યા, તો આચાર્ય ‘રાય હરિહર’ આદિ વિજયનગર ગ્રંથાવલિ. આ હરિહર, વિજયનગર સામ્રાજ્યનો સ્થાપક, તે કોણ. કરણની પુત્રી દેવળદેવી દેવગિરિના યાદવરાજને વરી. એ લગ્નથી જે સંતાન થયું તે રાય હરિહર. વિજયનગર સામ્રાજ્યનો સ્થાપક. આ સામ્રાજ્યનો મહિમા આપણા આચાર્યને શી વાતે વસ્યો છે તે અહીં નોંધવાજોગ છે ‘…એ સામ્રાજ્યે હિંદુત્વને, આર્યત્વને – ખાસ કરીને નાગરિકત્વને – એક અનેરો રંગ આપ્યો છે … નાગરિકત્વ શબ્દ પર ખાસ ભાર મૂકવો ઘટે, કેમ કે સાંપ્રદાયિક વફાદારીઓની ઉપરવટ નાગરિકત્વની વફાદારીનો જેટલો સ્પષ્ટ ખ્યાલ આપણને વિજયનગર સામ્રાજ્યમાં મળે છે એવો ને એટલો તો કોઈ પણ બીજામાંથી મળતો નથી.’

વાચક જોશે કે ઇતિહાસવસ્તુ સાથે એક વાર્તાકાર તરીકે કામ પાડતાં આચાર્યને થતો અને વાચકને પણ થઈ શકતો આનંદ સ્વાતંત્ર્યસંગ્રામ અને સ્વરાજસાધનામાં હોઈ શકતી, સહજ ક્રમે આમ આદમી ભણી ઢળતી નાગરિક નિસબતનો છે. એમની જે બે નવલશ્રેણીનાં દૃષ્ટાંત આપ્યાં તે જો કે સ્વાતંત્ર્યોત્તર છે, પણ ‘કચ્છમાં ક્રાંતિ’ તો એ છેક 1931માં લઈ આવ્યા હતા જેમાં એમને ઇષ્ટ ડિંડિમિકાઘોષ તો એ અને એ જ છે કે “જો લોકોમાં જાગૃતિ હોય, ચેતના હોય, તો આપણે આપણો કારભાર ચલાવી શકીએ.” નાના મનાયેલાં માનવીની કથાઓ પોતાને વધુ ગમે છે એવું એ લગભગ ધ્રુવગાન પેઠે કહેતા રહ્યા છે.

દર્શક તો મોડેથી આવ્યા. એમનો જન્મ 1914માં. આચાર્યનો 1900માં. ને ર.વ.નો 1892માં. મુનશી વળી 1887માં રાષ્ટ્ર-રાજ્ય કહો, પ્રતાપી પાત્રો કહો, સામ્રાજ્ય કહો, એમાં મનેર માનુષ અગર ઘરનું ઘર બિલકુલ મજ્જાગતપણે જોતા મુનશીનયને મુકાબલે નાગરિક સંક્રાન્તિનો વૈકલ્પિક વિશ્વદૃષ્ટિ શો પ્રકર્ષ દર્શકમાં જોવા મળે છે, અને એ પણ એમણે હજુ ત્રીસીયે નહોતી વટાવી તે પૂર્વેથી. તમે જુઓ ગુજરાત જ્યારે ઉમાશંકર કહેતા તેમ પ્રભાતના પહોરમાં લશ્કર કૂચ કરતું હોય તેવી રવાનીવાળી મુનશીની નવલકથાઓમાં, ર.વ.ની એક યુગમૂર્તિની હોઈ શકે તેવી નવલકથાઓમાં કે ગુણવંતરાય આચાર્યના ગાજુસ પ્રવેશમાં હુલસતું હતું ત્યારે દર્શક ‘દીપનિર્વાણ’ લઈને ચુપચાપ આવે છે. જેમ મુનશી તેમ દર્શક પણ પ્રાચીન ભારત પાસે જાય છે. એમનું આ જવું ત્યારે બન્યું છે જ્યારે પોતે સંગ્રામવશ બંદીજન છે અને બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે :

“‘દીપનિર્વાણ’ પણ 1942માં જેલમાં લખાયેલું … ભારતનો સંગ્રામ હાર અને જીત વચ્ચે ઝોલાં ખાતો હતો. બીજું વિશ્વયુદ્ધ પણ આમ જ ઝોલાં ખાતું હતું … બીજી બાજુ ઇંગ્લૅન્ડની મૂડીવાદી લોકશાહી પણ જે અડગ રીતે એકલી યુદ્ધ આપતી હતી તે પણ મનમાંથી આફરીન પોકારાવતી હતી. નાનકડા ગ્રીસે ઈરાની શહેનશાહતનો જે વિરલ સામનો મૅરેથોન, સેલેમીસ, થર્મોપોલીમાં કર્યો તે નજર સામે જાણે થઈ રહ્યો હતો. મનમાં સળવળાટ થતો હતો. કોઈકે તો આને પ્રેમાનંદની માતા ગુર્જરીમાં ઉતારવા કોશિશ કરવી જોઈએ. તેમાં જયસ્વાલનું ‘હિંદુ પૉલિટી’ હાથ આવ્યું. તેમાં ગણરાજ્યોએ ઍલેક્ઝાન્ડરના કરેલા સામનાનું વર્ણન વાંચ્યું. મૅક્રિન્ડલના એ વિગતો આપતા ગ્રંથો મંગાવ્યા. ફરીફરી વાંચ્યા. હર્ષનો રોમાંચ અનુભવ્યો. જે ઇંગ્લૅન્ડ કરતું હતું, જે ઍથેન્સે કર્યું હતું તે અમે પણ કર્યું હતું. રગો કલમ લેવા માટે ઝણઝણવા લાગી. અકસ્માત રૉકહિલનું ‘બુદ્ધ‘ વાંચ્યું. તેણે મને છેવટે ધક્કો માર્યો …”

અહીં મુદ્દો એ છે કે રણોદ્યત છતાં આ રાષ્ટ્રવાદ વ્યાપક વિશ્વસંદર્ભમાં વિચારે છે અને પોતે જેનું સંસ્થાન છે એ મુલકનીયે નાત્સી બળો સામે ફતેહ ઇચ્છે છે. અહીં મુદ્દો એ છે કે રાષ્ટ્રીય જોસ્સો કોઈ અમૂર્ત આક્રમક ખયાલાતમાં નહીં પણ ગણરાજ્યની ગરવી પરંપરામાં અને એ ધોરણે પ્રતિકારની પ્રજાસૂય ધારામાં ઠરવા કરે છે.

મુનશીથી દર્શકની ધાટીએ વાત કરતે કરતે હું એક માંચીમુકામ ચૂકી ગયો, પનાલાલ પટેલ અને ‘માનવીની ભવાઈ’. લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે એમાં લોકની પ્રતિષ્ઠા થઈ છે. ઇતિહાસ રાજામહારાજાઓનો નહીં પણ પ્રજાઓનો લખાવો જોઈએ, એકદા વૉલ્ટેરે કહ્યું હતું. રાજાઓ અને પ્રતાપી પાત્રો, વીરનાયકો ધીમન્તશ્રીમન્ત એલિટથી હટી લોકની કથા તે ‘માનવીની ભવાઈ’નો નિઃશેષ વિશેષ છે.

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એથી આગળ કંઈક નવી ભોં ભાંગે છે. ‘લોક’ અને ‘લોકયતિ ઇતિ લોકઃ’ બેઉ અહીં મળવા કરે છે. શ્રમિક – બૌદ્ધિક જુવારાંનું ભાંગવું તે તરફ દર્શકની સહજ ગતિ છે. કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રચર્ચા અને રાષ્ટ્રચર્યાનો આલેખ આપણે ભલે મુનશીથી દર્શકની ધાટીએ કર્યો, પણ ગોપાળબાપાની વાડી સાથે દર્શક ગુજરાતના સમાજ-અને-સંસ્કૃતિ-ચિંતનને ગો.મા.ત્રિ.ના કલ્યાણગ્રામથી ગોપાલગ્રામ લગી સંક્રાન્ત કરી આપે છે.

દર્શકની આ ગુંજાશ, કહો કે એમનો આ ગોપાલગ્રામ પ્રકર્ષ, ઉમાશંકરને બહુ વહેલાં પમાયેલ છે, છેક 1944માં. તાપીતટે માંડવીમાં પ્રાસ્તાવિક વચનો લખી તો રહ્યા છે ‘દીપનિર્વાણ’ના બીજા પુનર્મુદ્રણને અવસરે. પણ કૃતિની સમૃદ્ધિ ઉપસાવતે ઉપસાવતે ન જાણે કેમ ને ક્યારે એ સીધા કર્તા પર આવી લાંગર્યા છે. ‘દીપનિર્વાણ’ એમના મતે “ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા, – ખાસ કરીને ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની જેનામાં કાંઈક ઝાંખી થતી હોય એવા એક લેખકની કૃતિ ઠેરવવા બસ છે.”

જેણે સક્રિય ને સવિશેષ તો સ-ભાન જીવનનો અતિ અલ્પ હિસ્સો સાહિત્યસર્જનને આપ્યો, જેણે પ્રધાનપણે પ્રવૃત્તિમાર્ગમાં મુક્તિ જોઈ એનામાં ગો.મા.ત્રિ.ને અભીષ્ટ સાક્ષરજીવનની ઝાંખી જોવું કોઈકને નવાઈભર્યું લાગે તો ભલે લાગે. પણ, કલ્યાણગ્રામનું ગોપાલગ્રામમાં સમુત્ક્રાન્ત થવું તેમાં એનો ખુલાસો પડેલો છે. કોઈને દૂરાકૃષ્ટ લાગે તો છો લાગતું, પણ ‘સાક્ષરજીવન’ના બીજા પ્રકરણના ઉપસંહારમાં એ અંશતઃ જોઈ શકાશે.

બને કે દેખીતો જરી જુદી ચર્ચાએ ચડી ગયો લાગું. ગમે તેમ પણ, રાષ્ટ્રવિષયક વિમર્શને સાંકડા ને વળી હ્રસ્વદૃષ્ટિ દાયરામાંથી સંસ્કૃતિ અને સભ્યતાના વ્યાપક ફલક પર મૂકી આપતી વિશ્વગુજરાતી વિચારરૂખનું ઇંગિત પકડાય તો આ દેખીતું વિષયાંતર પણ કર્યું પ્રમાણ.

સપ્ટેમ્બર 22, 2022
(પ્રગટ : “પરબ”, ઑક્ટોબર 2022; પૃ. 06-08)

Loading

ભારતીય બંધારણ મુજબ ધર્મનિરેપક્ષતા યાને બિનસાંપ્રદાયિકતા શું છે ?

પ્રતિભાવ : બકુલા ઘાસવાલા|Opinion - Opinion|19 October 2022

(ઈતિહાસ, અર્થ, સમજૂતી તેમ જ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સાથે)

પુસ્તક આલેખન : અશ્વિન ન. કારીઆ

હું જ્યારે જ્યારે મારા અસ્તિત્વ અને હયાતી વિશે વિચારું છું ત્યારે ત્યારે મને યાદ આવે છે કે હું સરહદથી અનહદ, સ્વથી સમષ્ટિ, પિંડથી બ્રહ્માંડ અને અંગતથી વિશ્વસંગતની વિભાવનામાં માનું છું, છતાં મને મારા દૈનિક જીવનને સંલગ્ન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક પરંપરાઓ સતત યાદ આપે છે કે મારા પર મારી બોલી, આહાર, પોશાક, સંબંધોની પણ એવી અસર દૃઢ થયેલી છે જેને કારણે મારું Conditioning જ એવું છે કે હું ભારતીય, ગુજરાતી, વલસાડી, અનાવિલ ઉપરાંત કોની પુત્રી, કોની પત્ની, કોની મા, કોની દાદી, કોની બહેન અને અન્ય સગપણો વિશે પણ વિચારું છું ! આમ ‘હું’ અને મારો દરજ્જો સ્થાપિત થતો રહે છે ત્યારે ભૂલી જાઉં છું કે હું એક ‘વ્યક્તિ’ છું . મારા સ્વતંત્ર દેશનું બંધારણ મને સમાનતા, સમાદર આપે છે અને સતત યાદ કરાવે છે કે સર્વ નાગરિકો વર્ણ, વર્ગ, જાતિ, લિંગભેદથી પર પહેલાં ભારતીય છે.

મારું બંધારણ મને એમ નથી કહેતું કે સંશયાત્મા વિનશ્યતિ ! એ કહે છે કે વૈજ્ઞાનિક વલણ દાખવો અને અંગત સ્તરે કે વ્યક્તિગત રીતે શ્રદ્ધા હોય તે ધર્મનું પાલન કરો. જો તમને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ન હોય તો તે તમારી અંગત સમજણ છે. બંધારણ કહે છે કે રાજ્યનો એમાં કોઈ હસ્તક્ષેપ નથી કે તમે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કે અન્ય ધર્મ-સંપ્રદાયના અનુયાયી તરીકે ક્યા પરમ તત્ત્વમાં શ્રદ્ધા ધરાવો છો. તે સાથે બંધારણ દરેક દેશવાસીના અધિકાર અને ફરજો વિશે સ્પષ્ટ છે. આમ તો આ કેળવણી અને સમજ આપણને બાળપણથી નાગરિકશાસ્ત્રમાં મળતી રહી છે. તો પણ કેટલીક પરંપરાગત સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક માન્યતાઓનાં કારણે આસપાસનો પરિવેશ ભૂલવા જ ન દે કે તમે ભણેલાં છો કે અભણ, તમે ગામડાંનાં છો કે મહાનગરનાં, તમારી જ્ઞાતિ, કોમ અને ધર્મ ક્યો છે, તમે નર છો કે નારી કે પછી નાન્યતર ? મને એક સ્ત્રી તરીકે જન્મજાત અનુભવ છે કે અમુકતમુક અપવાદ બાદ કરતાં મારું સ્થાન દુય્યમ જ રહ્યું છે ! કુમારિકા, સૌભાગ્યવતી, ત્યક્તા, વિભક્તા, વિધવા જેવાં લટકણિયાંઓએ અમારા વ્યક્તિત્વનો કેટલો હ્રાસ કર્યો છે ! તાજેતરમાં બેટી-સ્ત્રીઓ પર સતત વધી રહેલી હિંસાનાં સમાચારો જાણીને મન ભારે ઉદ્વિગ્ન છે. આપણા ગુજરાતમાં ૧૩-૧૪ વર્ષની એક કિશોરીનો એનાં જ પાલકો દ્વારા બલિ ચડાવી દેવાય અને એની ચીસ ક્યાં ડૂબી ગઈ તેનું ઓસાણ ન રહે, ત્યારે રહી રહીને એ સવાલ ઊઠે છે કે એ કોઈને કશું કહી શકે એવું વાતાવરણ પેદા કેમ ન થયું ? ‘એ દેશની ખાજો દયા’ આવી દયા ખાવા જેવી હાલતથી બદતર હાલત હોય ત્યારે ગર્વથી કાંઈ કહેવાની સ્થિતિમાં છીએ ખરા ? આપણી બંધારણીય વિભાવનાથી આપણે કંઈકેટલા જોજનો દૂર છીએ ! બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણસભાના એક સભ્ય ગુજરાતી વિદુષી હંસાબહેન મહેતા હતાં. એમણે Woman -Womenમાં Man -Men શબ્દ ઈંગિત છે જ કહીને સ્ત્રીઓને ‘વ્યક્તિ’ તરીકે પ્રસ્થાપિત કરવા યુનો સુધી મથામણ કરી છે તે તો ન જ ભુલાવું જોઈએ.

મને  આ પચીસેક પાનાંમાં લખાયેલી પુસ્તિકાનો બહોળો પ્રસાર થાય અને ભારતીય જનસમુદાય પોતાના પ્રથમ શ્રદ્ધેય પુસ્તક તરીકે આપણાં બંધારણને પ્રાથમિકતા આપે એમાં ખાસ રસ છે. બંધારણકર્તાઓએ સર્વાંગી વિકાસની પરિકલ્પના સાથે ભારતીયતાની એવી વ્યાખ્યા કરી છે જેમાં એમણે  સમાનતા, બંધુતા (ભગિનીત્વની ભાવના એ શબ્દમાં આવી જાય છે ! ), સામાજિક ન્યાય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાષ્ટ્રની એકતા, અખંડતાનો મહિમા કર્યો છે. બંધારણનું આમુખ આ વિભાવના સ્પષ્ટપણે મુખર કરે છે જે અશ્વિન કારીઆ આલેખિત બંધારણનું મહત્ત્વ સમજાવતી આ પુસ્તિકાનાં મુખપૃષ્ઠ પર જોઈ-વાંચી શકાય છે. ભારતીય બંધારણમાં બિનસાંપ્રદાયિક, લોકશાહી રાજ્યની પરિકલ્પના સાકાર કરવા માટે જે નાગરિકધર્મ – અહીં ધર્મ એટલે ફરજો-જવાબદારીઓ સમાવિષ્ટ છે તે વિશેની સાદી સમજ આ પુસ્તિકા થકી મળે છે. ભારત ‘અનેકતામાં એકતા’ની ભાતીગળ સાંસ્કૃતિક ધરોહર અને પૃષ્ઠભૂમિ ધરાવે છે. પુસ્તિકાના અંતિમ પૃષ્ઠ પર ‘શબ્દ એ જ શસ્ત્ર’ શીર્ષક હેઠળ ફિલ બોસ્મન્સનું રમેશ પુરોહિત અનૂદિત વિધાન પ્રસ્તુત છે જે ધ્યાનથી વાંચવાં – સમજવાં જેવું છે. આ પુસ્તિકામાં ધર્મનિરેપક્ષતાનો ઇતિહાસ, સિદ્ધાંત અને તેનાં અપવાદો, લક્ષણો, સર્વોચ્ચ અદાલતના કેટલાક ચુકાદાઓ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે. ધર્મનિરપેક્ષતા શબ્દ 1976માં બંધારણમાં સુધારો કરી ઉમેરાયો તેથી એવો પ્રચાર થાય છે કે ભારત ત્યારથી જ ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. પુસ્તિકામાં જુદી જુદી બંધારણીય જોગવાઈઓ તેમ જ સર્વોચ્ચ અદાલતના મુકાદાથી એ પ્રતિપાદિત કરાયું છે કે બંધારણની શરૂઆતથી જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે.

અશ્વિનભાઈ આ પુસ્તિકાના લેખન માટે અધિકૃત વ્યક્તિ છે, તેઓ કાયદાતજ્જ્ઞ છે, એમણે બંધારણ અને કાયદા વિશે ભાવિ વકીલોને શિક્ષણ આપ્યું છે. નિવૃત્તિ પછી સતત કાર્યરત રહીને સમાજમાં વિવેકબુદ્ધિપૂત્ વલણ કેળવાય તે માટે અંધશ્રદ્ધા નિર્મૂલનના ગિરીશ સુંઢિયા અને અન્ય કર્મઠ રેશનાલિસ્ટ સભ્યોની સાથે મળીને પ્રયાસો કર્યા છે અને હજી કરતા રહે છે. આ નાનકડી અને અગત્યની પુસ્તિકાને આવકાર.

પ્રાપ્તિસ્થાન : ગિરીશ સુંઢિયા, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, ૬૯/૨, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ-વે, પાલનપુર – ૩૮૫ ૦૦૧. : મો. નં. ૯૪૨૬૬૬૩૮૨૧ : Email – girlishsundhiya62@gmail.com : સહયોગ રાશી : ₹ ૩૦/-

e.mail : bakula.ghaswala@gmail.com 

Loading

...102030...1,3151,3161,3171,318...1,3301,3401,350...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved