Opinion Magazine
Number of visits: 9458671
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરાંભીનાં સ્મરણો (૩) : સાંજ

સુમન શાહ|Opinion - Opinion|23 July 2022

સુખ્યાત હિન્દી નવલકથાકાર ‘અજ્ઞેય’-નું એક વાક્ય મને વસી ગયું છે : શામ બડી ગમગીન હોતી હૈ : જો કે સાંજ વિશેના મારા અંગત અનુભવો જુદા છે; મને સાંજ ગમગીન લાગી જ નથી; ક્યારેક ક્યારેક લાગી હતી.

અધ્યાપકે બે-ત્રણ પીરિયડ સળંગ અને ખરા દિલથી ભણાવ્યું હોય, વિષયમુદ્દાઓની ચર્ચાઓ કરી હોય, તો એ પછી એણે મૌન સેવવું જોઈએ, હી શૂડ સ્પૅર હિઝ બ્રીધ. હું ભાષા-ભવનથી ઘરે પ્હૉંચીને પંદરેક મિનિટ પડી રહેતો, રીલૅક્સ્ડ્.

મેં યુનિવર્સિટી કૅમ્પસના અમારા ટૅનામૅન્ટના ઍન્ટ્રન્સથી મેઇન ડોર સુધીની એક પગથી બનાવેલી અને એની બન્ને બાજુએ ફૂલછોડ ઉગાડેલા – ઝેનિયા વગેરે. ચા-પાણી પછી એ છોડવાઓને હું પાણી પાતો, ઉનાળો બેસતો હોય એેટલે વિશેષ સંભાળ લેતો. આંગણામાં બે આસોપાલવ ઊભા’તા, બે આંબા હતા, બોગનવેલ હતી, બીજાં વૃક્ષ હતાં. મેં દરેક વૃક્ષને આપણા કોઇ ને કોઇ સાહિત્યકારનું નામ આપેલું. કૅમ્પસમાં અનેક લીમડા અને શિરીષ હતા, હજી હશે, બન્નેની મિશ્ર સુવાસ હવામાં લ્હૅરાતી હોય. એ બધું હજી ભુલાયું નથી..

એ પછી કીચનમાં મદદમાં પ્હૉંચી જતો. એક સવાલ દરેક ગુજરાતી ઘરમાં સ્થાયી છે : સાંજે શું બનાવશું? : હું મૂળે ટીચર તે એક વાર તો આખા અઠવાડિયાનું ટાઇમટેબલ બનાવી રાખેલું – સોમવારે શું … મંગળવારે શું … પૂછવાની જરૂર જ નહીં. એણે પૂર્વતૈયારી કરી રાખી હોય. બધું રંધાતું જાય. કૂકરની સીટી વાગે. બાસમતીની વરાળ અને તેની સુગન્ધમાં મોગરાનાં ફૂલની સુગન્ધ ભળે. મોગરવેલ કીચનની બારી લગી વિકસી આવેલી … બોલાવે આપણને … હું ખરલબત્તાથી ચટણી વાટતો, પાપડ શેકતો. સાંજ નમવા માંડે.

મારે જણાવવું જોઈએ કે હું રોટલી સિવાયની કોઈપણ વાનગી બનાવી શકું છું, પણ ત્યારે વઘાર હું જ કરતો, કેમ કે, સરસ કરી જાણું છું. તેલ થોડું કે અતિ ગરમ થઈ જાય તે ન ચાલે. મેથી કે જીરું માત્રબ્રાઉન થવું જોઈએ, બળી જાય તે ન ચાલે. બળેલી મેથી માંખોનાં મરેલાં બચ્ચાં લાગે, ન ચાલે. રાઇ બળી જાય ત્યાં લગી બીજે ફાંફાં ન મરાય. રાઈનો દરેક દાણો તતડીને ફૂટવો જોઈએ, ‘ધાણી’ બનવો જોઈએ. આખું લાલ મરચું બચારું કાળું થઈ ગયું હશે, તો ત્યાં રહ્યું રહ્યું પણ આંખોમાં ચચરશે. સાણસી તત્પર રાખતો, નહિતર સારોભલો વઘાર બળી જાય. ભૂખ તો કકડીને લાગી હોય, એટલે શરૂ થઈ જવાનું …

૧૨-૧૫ વયસ્કોના સંયુક્ત પરિવારમાં એ એકની એક દીકરી, લાડમાં ઊછરેલી, એને એકપણ વાનગી બનાવતાં આવડતી ન્હૉતી, ચા બનાવી શકે. તમામ રસોઈ એને મેં શીખવેલી, પણ, પણ, એ જાતે ને જાતે એટલું બધું શીખી ગઈ કે કેટલીક બાબતો મારે એની પાસેથી શીખવાના વારા આવેલા; દાખલા તરીકે, કચોરીના ઘૂઘરાની કાંગરી. એણે અનેક વાર શીખવેલું, કાંગરી મારાથી વળે જ નહીં, ઘૂઘરો કાંણો થઈ જાય …

આમ, મારા અને પછીથી તો અમારા ચારેયના દરેક દિવસની સાંજ સ્થૂળ-સૂક્ષ્મ બધા અર્થમાં રસદાયક બની રહેતી. 

ચોમાસામાં સાંજ તરફ ઢળતી બપોર ઘરમાં ઘૂમટો રાખીને ઊભેલી નવોઢા લાગે. કેમ કે મેઘ ગોરમ્ભાયો હોય. વીજ ચમકે. જોતજોતાંમાં વરસવા માંડે. ત્યારે ગરમ ગરમ સુખડી સાથે તળેલા અને મીઠુંમરચું ભભરાવેલા સિંગદાણા અમારું પ્રિય ખાણું બની રહેતું. એટલું બધું ન્હૉતાં ખાતાં છતાં મને એને ‘ખાણું’ કહેવું ગમે છે. હું જાણીસમજીને મિયાં મલ્હારની કૅસેટ મૂકતો. પવનના સૂસવાટે વેગવન્ત થતી ઝાપટો પેલા છોડવા નમી નમીને સહ્યે જતા, એ જોઇને મલકી પડાતું. વરસાદ ક્યારેક અચાનક રહી જતો. પેલો ઘૂમટો ખસી જતો ને ઘરમાં બેજોડ શાન્તતા ફરવા લાગતી. ઘર અને બહારનો ભેદ ભુંસાઈ જતો. હળવો ઠંડો પવન વાતો. કૅમ્પસ ભીનું ને ભૂરું લાગતું. ચૂપ થઈ જતાં. આંગણામાં, રહ્યાંસહ્યાં ટીપાં અને રેલાતા રેલા, સંતોષભર્યું બોલતાં હોય. મલ્હારની રાગિણી અટકી ન હોય …

શિયાળા માટે દલપતરામે સાચું કહેલું : શિયાળે શીતળ વા વાય : રજાઇ ઓઢીને ઊંઘમાં જેટલે ઊંડે ગરકી જવાય, એટલે જવાનું અને ભાન તો પડવું જ ન જોઈએ કે સવાર ક્યારે પડી. એ રાતો એ મધરાતો એ મળસકાં; વળી ને સવાર, બપોર, ને વળી, સાંજ. નિત્શે કહે કે આ તો ‘ઇટર્નલ રીકરિન્ગ’ છે, તો ભલે, મને તો અનન્તનું એ પુન: પુન: આવર્તન વ્હાલું લાગે છે. એ પર ફિલસૂફીનો વાઘો નથી ચડાવવો.

મહાકવિ કાલિદાસને ઉનાળાની ભારતીય સાંજનો, નિદાધે પરિણામરમણીય સાંજનો, સુખદ પરિચય હતો. “અભિજ્ઞાનશાકુન્તલમ્”-માં સૂત્રધાર નટીને ગાવાનું કહે છે. કહે છે કે આજકાલ શરૂ થયેલા આ ઉપભોગક્ષમ ગ્રીષ્મકાળને વિષય બનાવીને ગા. ઉપભોગક્ષમ કેટકેટલી રીતે? કહે છે, સલિલસ્નાન સુભગ હોય; પાટલપુષ્પોના સંસર્ગથી વનના વાયુ સુરભિત હોય; પ્રગાઢ છાયામાં નિદ્રા સુલભ હોય; દિવસો બધા પરિણામરમણીય હોય. સૂત્રધારનો આશય એ હતો કે નટીનું ગાન સાંભળવાથી વિદ્વાનોની પરિષદને આનન્દ થાય. નટી પાસે રખાયેલા એ જાતના ઉપભોગલક્ષી આશય વિશે હું વિચારમાં પડી ગયેલો.

મને કંઇક વાંચીને સૂઇ જવાની ટેવ હતી, કેટલુંક હું એને પણ વાંચી સંભળાવતો. ત્યારે સાર્ત્ર અને કામૂમાં માથાં મારવાનું થતું. કામૂએ પોતાનાં કોઈ પાત્રો વિશે લગભગ એમ કહ્યું છે કે એ લોકોએ ભૂતકાળમાં વેઠેલી ગરીબીમાં એક મીઠાશ હતી. સાંજ પડે, ઘરમાં તેલનો દીવો બળતો હોય, બધું સાદુંસરળ હોય, કરકસરિયું, અને એમાં એક ઊંડો આત્મસંતોષ હોય. વગેરે. સાંજના ઉપભોગની મારી વ્યાખ્યા કામૂ કહે છે એવી, કંઈક સાદગીપરક હતી, સૂત્રધારે, કાલિદાસે, કરી તેવી ન્હૉતી – કેવી રીતે હોઈ શકે?

એ જમાનામાં સેલ કે સ્માર્ટ ફોન હતા નહીં. ત્યારે પણ બે પ્રિયજન ધગશ અને ઉન્માદથી પ્રેમને જીવતાં હતાં. નિયત મિલનસ્થાને રોજ સાંજે પ્રિય જ પ્રિયાની રાહ જોતો, કેમ કે નીકળી આવવાની જુક્તિઓ કરવામાં પ્રિયાને વાર લાગતી. અને પૂરી નિષ્ફળતાને પરિણામે એ આવી શકી જ ન હોય તે દિવસે એ સાંજ પ્રિય માટે મૂઢ માર બની રહેતી. એવી સાંજનાં ગમગીની-ભીનાં સ્મરણો ય છે, નથી એમ નથી.

ઍન્ટન ચેખવની જેમ મેં કહ્યું નથી કે હું કદી પ્રેમમાં પડ્યો જ નથી. એમની જેમ એમ પણ નથી કહ્યું કે મારું હૃદય પિયાનો છે ને એની ચાવી ખોવાઈ ગઈ છે. ના, મારું હૃદય હૃદય છે અને એની ચાલક ચાવી ખોવાઈ જાય એવા દુર્ભાગ્યથી કોઈકે ને કોઈકે મને હમેશાં બચાવી લીધો છે. એટલે, હું મને પ્રેમભિક્ષુક જરૂર કહું છું પણ સાથોસાથ કહી શકું છું કે મારી ઝોળી કદી ખાલી રહી નથી …

= = =
(July 22, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભીખુભાઈ વ્યાસ – મુરબ્બી ઓછા, મિત્ર વધારે

કેતન રુપેરા|Opinion - Opinion|23 July 2022

‘નિરીક્ષક’ના ૧૬ જૂનના અંકમાં સત્યકામ જોષીએ ભીખુભાઈ વ્યાસને આપેલી સર્વાંગી અંજલિ પછી, એમના સાદગીભર્યાં જીવન, સાતત્યભર્યાં કામ અને સૌમ્ય-હસમુખા વ્યક્તિત્વ અંગે વિશેષ કશું લખવાનું બચતું નથી. પણ એમનો એ લેખ આવ્યો ત્યારે અડધોપડધો લખાયેલો અને પછી સંપાદકીય કર્મ વચ્ચે … “ઠીક છે, બહુ મોડું થઈ ગયું હવે” એવી લાગણીથી ત્યાં જ વિરમાવી દીધેલો તે, નિરીક્ષક-તંત્રીના ધક્કાથી સૌ વાચકો સમક્ષ ….

°°°

ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવાને નાતે કોઈ વિદ્યાર્થીને ભીખુભાઈના કામનો સામાન્ય પરિચય હોય એ બનવાજોગ છે, પણ વ્યક્તિ ભીખુભાઈના પરિચય માટે એનું પોતાનું કામ કંઈક અસામાન્ય બની રહે તો ભીખુભાઈ ખુદ ઉંમર-પદ-પ્રતિષ્ઠા-અનુભવ … જેવી, મોટા હોવા માટે સમાજમાં જોવાતી-ગણાતી કોઈ પણ ઉપાધિ અવગણીને સામે ચાલીને સંબંધ બાંધી જાય – અને હા, એ સહજ હોય, સ્વાભાવિક હોય; અનૌપચારિક હોય, અનિયતકાલીન હોય.

વાત જાણે એમ બની કે ઑક્ટોબર ૨૦૧૭માં ‘नवजीवन’નો અક્ષરદેહ’ના ૫૦ અંક પૂર્ણ થવા નિમિત્તે ૫૧થી ૫૩ એવા ત્રણ અંકો સમાય એવો દળદાર પુસ્તક-પરિચય વિશેષાંક સંપાદિત કર્યો (સહયોગ : કિરણ કાપુરે) હતો. ગુજરાતી પત્રકારત્વ, સાહિત્ય અને ગાંધીવિચાર સાથે સંકળાયેલા ૫૦થી વધુ મહાનુભાવો દ્વારા લખાયેલાં, ૧૦૧ ગાંધીવિચારવિષયક પુસ્તકોના પરિચયનો એ વિશેષાંક હતો. જેમજેમ, જ્યાં-જ્યાં અંક પહોંચતો ગયો, તેના લેખિત-ટેલિફોનિક પ્રતિભાવ આવતા ગયા. કોઈ એક બપોરે ઇન્દુકુમાર જાનીનો ફોન આવ્યો. એમણે  વિશેષાંક માટે ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણી’ (જુગતરામ દવે) અને ‘મહાત્મા ગાંધી, કાઁગ્રેસ અને હિંદુસ્તાનના ભાગલા’ પુસ્તક(લે. દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ)નો પરિચય લખી આપ્યો હતો. ફોન રીસિવ કરતાં જ એમણે વાત શરૂ કરી. “રચનાત્મક કામમાં મારા ગુરુ જેવા કહેવાય એવા ભીખુભાઈ વ્યાસને તમને મળવું છે. અંક જોઈને બહુ જ ખુશ થયા છે. બપોર પછી તમે નવજીવનમાં છો, તો મળવા આવે.” આ અગાઉ, અશ્વિનભાઈ (અધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)એ ભીખુભાઈને આ અંકની પી.ડી.એફ. મોકલી આપેલી હતી. એની પણ કંઈક છાપ મનમાં હોઈ શકે.

તો, ઇન્દુભાઈની એ વાત સાંભળીને સહજપણે જ ખુરશી પરથી ઊભા થઈ જવાયેલું. જાણે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે એમ મોટા સાહેબનો ફોન આવે ને કોઈ પોલીસ સલામ ભરતો ખુરશી પરથી ઊભો થઈ જાય એવું, પણ ફરક એટલો કે એ કોઈ નિયમ-કાયદાની શિસ્તથી નહીં, એથી તદ્દન વિરુદ્ધ હૃદય પર અંકિત આદરથી થયેલું. ઇન્દુભાઈને જવાબ આપતાં કહ્યું કે ભીખુભાઈ જેવી વ્યક્તિ માટે તો મારા પ્રણામ, વંદન, નમસ્તે … ને એવું જ બધું હોય. એમણે થોડા આવવાનું હોય ?! એમને આપણું કામ ગમ્યું એનો જ આપણે મન આનંદ, હું જ આવી જઉંને ખેતવિકાસ પરિષદ. કહો ને કેટલા વાગ્યે પહોંચું ?

સામેથી જવાબ મળ્યો – ના, ના, એમને સાથે-સાથે નવજીવન પણ જોવાઈ જાય ને.

આવા સંવાદ ક્યારેક થોડા શરમ-સંકોચ અને આગળ શું બોલવું તે સૂઝે નહીં, એવી સ્થિતિમાં મૂકી દેતા હોય છે, એવો અનુભવ ઘણાંને હશે. પછી ‘આજ્ઞાંકિત’ બનીને મીઠો ને હર્ષાદરભર્યો આવકાર આપવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહેતો હોતો. એમ જ બન્યું. ભીખુભાઈ નવજીવન પધાર્યા. અડધોએક કલાક બેઠા. ધરમપુરના કામની, નઈ તાલીમ શિક્ષણની, ગુજરાતમાં આ શાળાઓની સ્થિતિની … બધી અલપઝલપ વાતો તો થઈ જ. મને ય વતનના ગામથી લઈને કારકિર્દીની શરૂઆત, વ્યવસાય, ગાંધીવિચારમાં પ્રવેશ … બધું પૂછી લીધું. જતાં-જતાં ધરમપુર આવવાનું આમંત્રણ આપતા ગયા. એ આમંત્રણ તો હજુ ય ઊભું જ છે, પણ આ લખી રહ્યો છું, ત્યારે જૂનું ફંફોસતાં જે મળી આવ્યું ….

Dear Ashvinbhai, 

I briefly visited Ahmedabad last month. Ketan was on top agenda. Through Jani [Naya Marg] I contacted him and then met him in Navjivan. 

I received the issue mentioned by you from Jani and one more issue [earlier one] from Ketan himself. I was highly impressed with Ketan – apart from his journalistic talent, as a person as well. I think it was an instant friendship – though we met for the very first time.

Will try to see you next time, when I happened to be in A. Love.

Good Wishes for the New Year.

Bhikhubhai 

[30 Oct 2017, 09:45] 

એ પછી તો બહુ નિયમિતપણે બંને પક્ષે થયેલાં કામની ઝલકનું મેઇલવ્યવહારથી આદાનપ્રદાન થતું રહ્યું. પ્રતિભાવ પણ અપાતા રહ્યા. વર્ષ ૨૦૨૦માં એક આદિવાસી વિદ્યાર્થીએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી, એ ઘટનાનો બહુ આનંદ હતો એમને. ન માત્ર એ મળ્યાનો, કેમ કે એ અગાઉ ઘણા વિદ્યાર્થીઓએ આવી ડિગ્રી મેળવી હશે, પણ ભણવા સાથે એ વિદ્યાર્થી જિમ્નેશિયમમાં પણ આગળ રહેતો. એવામાં છેલ્લા સિમેસ્ટરમાં એને ‘સી’ ગ્રેડ આવ્યો. સ્વાભાવિક જ “He was so nervous. He was quite confident to get First [A] Class. He was advised to apply for rechecking his answer papers. It was done and he got first class. Now he is preparing to give a special test for getting a decent [A Grade] government job – as he has got high merits all throughout.” (June 5, 2020). સત્યકામભાઈએ ઉલ્લેખ કર્યો છે તે સ્વીડનની ટફ સંસ્થાને જાણવી હતી તે કોવિડ દરમિયાન અને પછીની તળ વાસ્તવિકતા સુધીનાં વિગત-અહેવાલ શેર કરતા. “They wanted to know the ground reality, with focus on the poor – Dharampur in particular and my frank observations about the situation in general.” (May 25, 2021) 

જેમજેમ એમના કામને નિયમિતપણે જાણવાનું થતું ગયું તેમતેમ પહેલી મુલાકાત આટલી બધી ફળદાયી બની રહ્યાના આનંદ-આશ્ચર્ય થતાં રહ્યાં. યોગાનુયોગ જ આ પ્રેમ અને આદરનું આ શિખર છેલ્લા મેઇલવ્યવહાર – ઇન્દુકુમારના જવા નિમિત્ત–સુધીના રહ્યા. બંનેએ ઇન્દુભાઈને લખેલી હૃદયાંજલી એકમેકને મોકલાવેલી. ભીખુભાઈના કામનાં જે છેલ્લાં થોડાં વર્ષોનાં દસ્તાવેજીકરણમાંથી પસાર થવાનું થયું, એમાં એમની લેખનશૈલીની નિપુણતા છતાં એ વાત પકડાયા વગર રહેતી નથી કે (રાજ્યને વાંધા પડી શકે એવાં) રચનાત્મક કાર્યો કરવામાં એમણે અને સંસ્થાએ વેઠવો પડેલો સંઘર્ષ ઓછો નહીં રહ્યો હોય.

ભીખુભાઈએ કરેલાં કામનાં વર્ષો અને એના વ્યાપ આગળ પરિચયના આ પાંચેક વર્ષ કંઈ બહુ મોટો ગાળો નથી. ૯૨ વર્ષના એમના જીવનકાળમાં દસ-વીસ વર્ષથી લઈને પચાસ-સાઠ વર્ષના જાહેરજીવનનો નાતો ધરાવતા લોકો હશે. સગીર અને યુવાનોથી લઈને અમૃતજયંતીએ પહોંચવા આવેલા કે પહોંચેલા વડીલો ય એમાં હશે. ભીખુભાઈ સાથેનાં સૌનાં પોતપોતાનાં સંસ્મરણો હશે. સૌની પોતીકી ‘એક્સક્લુઝિવ’ કહેવાય એવી પળો હશે. પણ પોતાના અનુભવે અને એમના વ્યક્તિત્વના અવલોકને એટલું કહી શકું કે એક  વાત એમના સૌની સાથેના સંબંધમાં લઘુતમ સામાન્ય અવયવ બની રહી હશે :  ભીખુભાઈ મુરબ્બી ઓછા, મિત્ર વધારે.

જેમ નાની ઉંમરે કોઈ વ્યક્તિમાં પરિપક્વતાની ઝલક વર્તાઈ આવે, તો નક્કી એનાથી ઉંમરમાં મોટા સાથે હળવુંમળવું અને મિત્રતા, તેના માટેનું એક સંભવિત કારણ હોય છે, એમ જ મોટી ઉંમરે કોઈ વ્યક્તિમાં બાળસહજ ખુલ્લાશ અને હળવાશ વર્તાઈ આવે, ત્યારે એમનાથી ઉંમરમાં નાના સાથે હળવુંમળવું અને મિત્રતા, તે માટેનું કારણ હોય છે. ભીખુભાઈમાં આ બંનેનો સુભગ સમન્વય હતો. ખરું ને?

ભીખુભાઈને આદિવાસી બાળકોનાં પોષણ-શિક્ષણથી લઈને આદિવાસીઓના સર્વાંગી ઉત્થાનનાં લગભગ બધાં કાર્યો સિત્તેર-બોંતેર વર્ષ સુધી (૧૯૫૦–૨૦૨૨) સાતત્યપણે કરતાં જોઈને, આદિવાસીઓ માટે એવી જ અપાર લાગણી ધરાવતા ઠાકોરભાઈ દેસાઈનું સંક્ષિપ્ત જીવનચરિત્ર કહી શકાય, એવા વિશેષ પુસ્તકમાંનો એક પ્રસંગ યાદ આવી જાય છે. ઝીણાભાઈ દરજી જેવા એક સમયના અગ્રણી કાઁગ્રેસનેતા પર ભીખુભાઈનો પ્રભાવ અને અમરસિંહ ચૌધરીને તો દિલ્હી દોરી જનાર જ ભીખુભાઈ, એ છતાં રાજકીય પદ-પ્રતિષ્ઠાથી દૂર રહીને આદિવાસીઓ માટે કરેલાં અવિરત કામનું રહસ્ય, કદાચ એ પ્રસંગમાંથી મળી આવે. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વકુલનાયક અને નવજીવનના મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈ (૧૯૩૮–૨૦૧૧) લિખિત અને બાબુભાઈ જશભાઈ પટેલની પ્રસ્તાવના-પ્રાપ્ત પુસ્તક ‘રવિયા દૂબળાના રખેવાળ’નો એ સંવાદ જેટલો ત્યારે, એટલો જ અત્યારે પણ સુસંગત છે.

હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીકાળે (૧૯૬૫–૧૯૭૧) ઠાકોરભાઈ દેસાઈ પંચાયત, સહકાર, ખેતી ખાતાનાં પ્રધાન હતા. ભીખુભાઈની મુખ્ય કાર્યપ્રવૃત્તિ રહી એવી સર્વોદય યોજનાઓ અને ખાદીગ્રામોદ્યોગ અંગેની પ્રવૃત્તિ પણ આ ખાતાને હસ્તક હતી. આઝાદી પછી; મૂળે, મુંબઈ રાજ્યે ગાંધીજીની સ્મૃતિમાં સર્વોદય યોજનાઓ શરૂ કરેલી. “આ સર્વોદય યોજનાઓ રચનાત્મક કાર્યકરો દ્વારા ચાલતાં ગ્રામોદ્યોગનાં વિવિધ કામોનું સરકાર સમર્થિત વ્યવસ્થિત સ્વરૂપ હતું. આ યોજના દ્વારા પછાત યા અણવિકસિત ગામોને સર્વોદય યોજનાઓમાં આવરી લઈ, તેના નિયામક તરીકે સ્થાનિક સંનિષ્ઠ રચનાત્મક કાર્યકરને રોકી, ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ ચાલતી.” મુંબઈમાંથી સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના પછી ય આ યોજના અહીં ચાલુ જ રહી હતી. યોજનાને દસેક વર્ષ થયાં એટલે તેનું મૂલ્યાંકન કરીને ચાલુ રાખવી કે કેમ તે અંગે એક સમિતિ નિમાઈ. તેણે આ યોજના ચાલુ રાખવા સૂચન કર્યું હતું. બીજી બાજુ, સર્વોદય યોજનામાં જે કામો થાય છે, તેવાં જ કામો રાજ્ય તેની કમ્યુનિટી ડેવલપમેન્ટ, ખેતી-પશુપાલન વિકાસ વગેરેની યોજનાઓમાં કરે જ છે, તેવા વિગત-આંકડા સાથે એ ખાતાએ આ યોજનાઓને ચાલુ રાખવા અંગે પ્રશ્નો જન્માવ્યા. એ ખાતાના સચિવ સર્વોદય યોજનાઓના ખાતા સંબંધિત મંત્રી અને સચિવ સાથે આ અંગે એક મીટિંગ ઇચ્છતા હતા. ઠાકોરભાઈએ તેમની વિનંતી સ્વીકારી. મીટિંગમાં સચિવ તરફથી જે પ્રશ્નો કરાય તેનો જવાબ આપવા ઠાકોરભાઈએ જાણીતા રચનાત્મક કાર્યકર [અને પછીનાં વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ બનેલા] નવલભાઈ શાહને સાથે રાખ્યા હતા. હવેની વાત પુસ્તકના લેખક જિતેન્દ્ર દેસાઈના શબ્દોમાં :

[સચિવ] શ્રી રાણાએ પોતાની વાત શરૂ કરી અને જણાવ્યું કે સ્વરાજ્ય મળ્યું, ત્યારે પછાત વિસ્તારના ગ્રામવિકાસ માટે સરકારની કામગીરી બરાબર ગોઠવાઈ નહોતી. પ્રજાના વિકાસ માટેની યોજનાઓ હતી નહીં. તે સંજોગોમાં આ સર્વોદય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતનું નવું રાજ્ય થયું. ત્યારે તેને ચાલુ રાખવામાં આવી હતી. આ યોજનાઓ પંચવર્ષીય હતી, પણ હવે જુદાં જુદાં વિકાસ કામો માટે સરકારની કામગીરી ગોઠવાઈ ગઈ છે. કમ્યૂનિટી ડેવલપમેન્ટ યોજના, પશુપાલન અંગેની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે. એટલે …

ઠાકોરભાઈ સચિવશ્રીની વાતનો દોર પામી ગયા હતા. એટલે તેમણે તેમની વાત અધવચથી અટકાવીને પૂછ્યું, “મિ. રાણા! દેશ ગમે તેટલો ગરીબ હતો ત્યારે પણ મારા ને તમારા બાપદાદા બે ટંક દાળભાત, શાક, રોટલી ખાતા હતા ને?”

“હા જી.” રાણાએ મિતાક્ષરી જવાબ આપ્યો.

“હું, તમે ને અહીં બેઠેલા બધા જ અધિકારીઓ ને આપણે સહુ આજે પણ દાળભાત, રોટલી, શાક ખાઈ શકીએ છીએ, ખરું ને?”

“યસ સર.” પાછો એ જ મિતાક્ષરી જવાબ.

“અને હવે મારા અને તમારા દીકરા પણ દાળભાત, રોટલી, શાક ખાઈ શકશે ખરા ને?” ઠાકોરભાઈએ પૂછ્યું.

“શ્યોર … સર …” રાણાએ કહ્યું.

ત્યાં બેઠેલા અધિકારીઓ અને નવલભાઈ સુધ્ધાં ઠાકોરભાઈની આ દાળભાત, રોટલી, શાકની વાતથી અકળાયા. તેમને આ પ્રશ્નોત્તરી વિચિત્ર લાગી. કોઈને વાત વિસંગત લાગતી હતી, કોઈને વિચિત્ર.

સર્વોદય યોજનાઓના ખાતાના પ્રધાન તરીકે ઠાકોરભાઈ મીટિંગના અધ્યક્ષ હતા. તેમણે સચિવશ્રી સામે જોઈ કહ્યું, “જુઓ મિ. રાણા, આખરે રાજ્યે ગરીબો માટે આ સર્વોદય યોજનાઓ શરૂ કરી હતી ને ચલાવી છે. સર્વોદય યોજના જ્યાં ચાલે છે, ત્યાં–ત્યાં તે વિસ્તારના ગરીબ લોકો જ્યાં સુધી આપણી જેમ બે ટંક દાળભાત, શાક, રોટલી ખાતાં ન થાય, આપણે તેમને એ સ્તરે ન લાવીએ, ત્યાં સુધી આ યોજના ચલાવવી કે બંધ કરવી, તેની ચર્ચા ઉપસ્થિત કરવામાં ડહાપણ નથી.”

સમિતિમાં સન્નાટો પડી ગયો. ચર્ચા સમેટાઈ ગઈ અને ઔપચારિક શુભેચ્છા સાથે સહુ છૂટા પડ્યા. ત્યાં હાજર રહેલા સહુ અધિકારીઓને ઠાકોરભાઈના શબ્દો યાદ રહી ગયા હશે : પછાત વિસ્તારમાં જ્યાં સર્વોદય યોજના ચાલે છે, ત્યાંના ગરીબમાં ગરીબ માણસ આપણી જેમ દાળભાત, શાક, રોટલી ખાતો ન થાય, ત્યાં સુધી યોજના બંધ કરવાનો વિચાર પણ ન કરવો!

છેલ્લાં થોડાં વર્ષોમાં, વિવિધ ક્ષેત્રમાં કામ કરનાર આવાં ઘણાં વ્યક્તિત્વો ગુજરાતે ગુમાવ્યાં. કંઈક વધારે જ ગતિએ ગુમાવ્યાં. ચુનીકાકાથી લઈને ઇલા પાઠક, ગિરીશ પટેલ, મુકુલ સિન્હા, ઇન્દુકુમાર જાની, મહેશ દવે, પ્રો. બંદૂકવાલા … દેશ અને રાજ્યને જ્યારે નાત-જાત-કોમથી ઊંચા ઊઠીને, પણ છેવટે લોકો માટે કામ કરનાર આવાં વ્યક્તિત્વોની હાજરીની સૌથી વધારે જરૂર છે, ત્યારે એ ખોટ તો સાલશે જ. એલ.ઈ.ડી. અને ફ્‌લડ લાઇટોથી ઝળાંહળાં બતાવાતા વિકાસ વચ્ચે સાચા રસ્તે દોરી જનાર આવાં કેટલાંક ફાનસની ખોટ ઘણા બધા દીવડાએ મળીને જ પૂરવી પડશે ને?! 

•

e.mail : ketanrupera@gmail.com 
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 06-07 

Loading

ગુલામમોહમ્મદ શેખ સાથે વાર્તાલાપ

મુનિ દવે|Opinion - Opinion|22 July 2022

“ઇન્ડિયન એક્સપ્રેસ’(4 ઍપ્રિલ 2022)ના Idea Exchangeમાંથી મુનિ દવેએ કરેલ આ અનુવાદ પ્રકાશિત કરતી વેળા સવિશેષ આનંદ એ વાતનો છે કે ‘નિરીક્ષક’ના સન્માન્ય સુહૃદ ગુલામમોહમ્મદ શેખ પણ આ અનુવાદમાંથી પસાર થયા છે અને એને એમના સંમાર્જનનોયે લાભ મળ્યો છે. મૂળ પ્રકાશનથી કેટલાક માસના અંતરે આ અનુવાદ પ્રકાશિત કરવાનું બની રહ્યું છે ત્યારે વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના તાજેતરના ઘટનાક્રમની પડછે એનું વાંચન એક મૂલ્યવર્ધિત અનુભવ બની રહે છે

•••

વંદના કાલ્રા [Vandana Kalra] : તમે ૧૯૮૧માં કહેલું કે ભારતમાં રહેવું એટલે એકી સાથે અનેક સમયો અને સંસ્કૃતિઓમાં રહેવું. શું આ વિચારની સુસંગતતા આટલાં વર્ષોમાં વધી છે ? અને એ ગાળામાં કરેલ ચિત્રોને, દાખલા તરીકે ‘City for Sale’ને કેવી રીતે જુઓ છો ?

ઉત્તર [ગુલામમોહમ્મદ શેખ] : એ સમયની કૃતિઓમાં પહેલી હતી ‘About Waiting and Wandering’, બીજી ‘Speaking Street’, ત્રીજી ‘Revolving Routes’ અને ચોથી ‘City for Sale’. એ બધીનો સંબંધ વાસ્તવિક પરિસ્થિતિઓ વિશેનો છે અને બધી એકબીજી સાથે સંકળાયેલી છે. ‘Speaking Street’ તો બાળપણમાં રહ્યો તે શેરીનું (જાણે કે) પુનઃ સર્જન છે. મારો જન્મ ૧૯૩૭માં એટલે વડોદરા ભણવા આવ્યો એ પહેલાંનાં અઢાર વરસ સુરેન્દ્રનગર નામના નાનકડા શહેરમાં ગાળ્યાં હતાં. અમે રહેતાં એ સાંકડી શેરીમાં એક મસ્જિદ હતી, એને ઘુમ્મટ નહોતો અને એની દીવાલો લીલા ઈનેમલ રંગે રંગેલી હતી. શેરી વચાળે બેસી લોક માછલાં વેચે, બીજા રેંકડીઓ હંકારે. ચિત્રના નીચલા ભાગે ચાલીમાં રહેતા લોકોનાં ઘર અને ઓરડે રોજબરોજની ઘટનાઓનું સહિયારું ચિત્રણ છે. એમાં એક છોકરો બારી બહારની દુનિયા નિહાળે છે – તેમાં મારી છબી – મારા ‘portrait’ જેવું છે. શેરીમાં બાળપણ (કેમ) વીત્યું એ વિચારતા એ ચિત્ર દોરેલું. હજુ ય યાદ છે કે મદ્રેસામાં હું કુરાનનું અરબી ભાષામાં પઠન કરતા શીખ્યો અને નિશાળમાં સંસ્કૃત ભણ્યો. આમાંથી જ જીવનની બહુવિધતાની અને જુદી જુદી આસ્થા-પ્રણાલીઓની શીખ મળી.

એ ચિત્રનો છેડો એથી મોટા ‘City for Sale’ નામના ચિત્ર સાથે બંધાય છે. એ ચિત્રના મૂળ હું જ્યાં રહું છું તે બરોડા, અથવા આજના વડોદરામાં છે. ૧૯પપમાં હું વિદ્યાર્થી તરીકે ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્‌સમાં ભણવા આવ્યો અને ભણીને ત્રણ વર્ષ ત્યાં જ ભણાવ્યું. પછીના ત્રણ વર્ષ (કોમનવેલ્થ) શિષ્યવૃત્તિ હેઠળ લંડનમાં અને પાછો ફર્યો ૧૯૬૬માં. વડોદરા પહેલી વાર આવ્યો ત્યારે એ શહેરે માત્ર કલા-જગતનો જ નહિ, જગત આખાની કલાનો પરચો કરાવ્યો હતો, પણ ૧૯૬૯માં એ શહેરની ઓળખ બદલાઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ભયંકરમાં ભયંકર એવાં કોમી-રમખાણો થયાં, પછી લોકો મને મારું નામ મનમાં રાખી જોતા થઈ ગયા. મને ત્યારે જે ઓળખ મળી તે પહેલી વાર વડોદરા આવ્યો ત્યારની ઓળખથી સાવ વિપરીત હતી. પહેલાનું વડોદરા તો હતું સાવ ખુલ્લા દિલનું, ઉદાર અને બહુઆયામી. ૧૯૬૯માં પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. આ ચાર ચિત્રો અમુક અર્થમાં, એ ગાળે જિવાયું તેનાં પ્રતિબિંબ જેવાં છે. ‘City for Sale’ મોટું છે અને અનેક આકૃતિઓ અને ભાત-ભાતનાં પાત્રોથી ભરપૂર છે. એમાં ત્રણ પુરુષો બીડી પેટાવવા (ને બહાને) ભેગા થયા છે. એમાં કંઈક બીજું પેટાવવાનાં એંધાણ છે? (ડાબે, નીચે) એક બાઈ શાકભાજીની રેંકડી ફેરવે છે, તે આખી જાણે કે શહેરમાં ઢોળાય છે. અને ચિત્રની વચ્ચોવચ્ચ ‘સિલસિલા’ નામની ફિલ્મ ચાલે છે. સાવ ઉપરના ભાગે (ડાબે) હુલ્લડ મચ્યું છે.(આમ) ચિત્રમાં શહેરનાં જુદાં જુદાં સ્થળોનું એકી સાથે ચિત્રણ છે : એક સ્થળ રમખાણે રગદોળાય છે, પણ બીજા ભાગમાં ફિલ્મ શો. આ તો જાણે કે જોયું તેની કબૂલાત, એથી થોડો છુટકારો ય અનુભવ્યો હતો.

વંદના કાલ્રા : હમણાં હમણાં તમે એ વિચારણા આગળ ધપાવી છે અને કબીર તથા ગાંધી પંથે શાંતિ અને ભાઈચારા તરફ વળ્યા છો; એ વિશે કંઈક ?

ઉત્તર : ગાંધી તો હું નિશાળમાં હતો ત્યારથી જ ભેગા થયા હતા. ‘સત્યના પ્રયોગો’ (૧૯ર૭) વાંચેલું ય અને ત્યારથી એ મનમાં વસેલું રહ્યું છે. ૧૯૬૯-૭૦ના ગાળે ગાંધી અવનવા વેશે, રૂપે આવતા રહ્યા પણ એમને ચિતરવા કેમ એની સૂઝ પડે નહિ, કારણ કે મેં એમને સાક્ષાત જોયા જ નહોતા. (છેવટે) ખૂબ તસવીરો જોઈ – એમાંથી કશુંક ગોઠવાતું લાગ્યું. જુવાનીમાં આફ્રિકામાં વકીલાત કરતા તે ગાળાની તસવીર લઈને પહેલું ચિત્ર પાડ્યું. ત્યાર બાદ બીજી બે-ત્રણ વાપરી તે તસવીર (આફ્રિકાથી) ભારત પરત ફર્યા ત્યારની – પણ મૂળે તો અબનીન્દ્રનાથ ટાગોરે કરેલા ચિત્રના આધારે.

કબીર બીજી રીતે આવ્યા. નિશાળમાં ભણતો ત્યારથી એમની બાનીનો પરચો તો થયો હતો, પણ ચોમેર વકરતાં સંઘર્ષોના સંદર્ભે એમની સુસંગતતા પિછાણવાનું બન્યુ. થયું કે કબીરને ચીતરું, પણ ચિતરવા કેમ? મારા ગુરુ કે.જી. સુબ્રહ્મણ્યન્‌ના ગુરુ બિનોદ બિહારી મુખર્જીએ શાંતિનિકેતનમાં ભારતીય સંતોનું વિશાળ ભીંતચિત્ર કર્યું, એમાં કબીર પણ પાડ્યા હતા. વિનોદબાબુને જાણ કે કબીર વણકર હતા એટલે એ તો ઉપડ્યા વણકરવાસ અને ત્યાંથી એમના કબીરને લઈ આવ્યા. મને છેવટે બ્રિટિશ મ્યૂઝિયમના સંગ્રહમાંથી ઉત્તર મુઘલ કાળનું એક ચિત્ર મળ્યું તેના આધારે કબીરની હસ્તીને મનમાં ગોઠવી. જેમ જેમ કબીર મનમાં રમતા થયા તેમ તેમ હું કબીરવાણીનું પઠન કરતો ગયો – તો ય કબીરનું દૃષ્યરૂપ પાડવાનું અઘરું થતું ગયું. પછી જ્યારે કુમાર ગાંધર્વને કબીર-વાણી ગાતા સાંભળ્યા ત્યારે થયું કે એ ગાય તેમ હું વાણીને જ ચિતરું તો કેમ ? આમે ય કળાના ઇતિહાસમાં કવિતાના ચિત્રણનાં ઢગલાબંધ ઉદાહરણો છે જ ને!

વંદના કાલ્રા : તમે તમારી કવિતા અને ચિત્રો વચ્ચેના સંવાદને કેવી રીતે જુઓ છો ?

ઉત્તર : કવિતા નિશાળમાં હતો ત્યારથી લખવા માંડી’તી પણ ચીલાચાલુ ઢબે, અક્ષર મેળની અને બીજી ગીતો જેવી. વડોદરા આવતા, ગુજરાતીમાં આધુનિકતાના પ્રણેતા મારા નવા ગુરુ સુરેશ જોષી મળ્યા. એમણે બોદલેર, રિલ્કે, લોર્કા જેવા કવિઓની ઓળખ કરાવી. આ બધા મોટા ગજાના કવિઓને વાંચતા મારું લખેલું નકામું લાગ્યું એટલે મોટા ભાગનું ફેંકી દીધું અને અક્ષરમેળ મૂકી અછાંદસ તરફ વળ્યો. થયું કે બોલાતી ભાષા વાપરું, પણ બોલાતા બોલમાં મારે મારો પોતાનો અવાજ શોધવાનો હતો – તે એ અર્થમાં કે પામવું હતું તે માત્ર આધુનિક નહિ, પણ જે સાવ મારું પોતાનું હોય. એ જ રીતે ચિતરવામાં ય ભારે સંઘર્ષ કરવો પડ્યો. બધા વિદ્યાર્થી જાણે કે એ કરે તે બધું શિક્ષકની છાયામાં – એટલે એ છાયામાંથી નિકળવું રહ્યું. મેં વડોદરાની બહાર જોવા માંડ્યું – એમ.એફ. હુસેન તરફ નજર નાંખતા ઘોડાની આકૃતિ જડી પણ હુસેનના અને મારા ઘોડામાં મોટો ફેર હતો. એમના ઘોડા તો જાણે કાલાતીત, ઉર્જાથી થનગનતા અને હોય તેથી ઘણા મોટા. મારું એકલવાયું જનાવર કદાચ મારા જાત અનુભવમાંથી નિપજ્યું હતુંઃ એ તો મારા બાળપણની ઘોડાગાડીનો ઘોડો, જોતરેલો અને જોતરું કાઢી છૂટવા મથતો ઘોડો.

દેવયાની ઓનિયાલ : ભારતમાં કળા-શિક્ષણ બાબતે તમારો શું મત છે? તમે તો ઊગતી જુવાનીમાં જ ભણાવવા માંડેલું. એ દિવસોની થોડી વાત કરશો?

ઉત્તર : કળા-શિક્ષણ તો બાલવાડીથી જ શરૂ થવું જોઈએ અને બાળકોને સંગ્રહસ્થાનો અને કળાની ગેલેરીઓ દેખાડવા લઈ જવા જોઈએ. એવું મેં માત્ર પશ્ચિમના દેશોમાં જ નહિ, પણ ઈન્ડોનેશિયા જેવા દેશમાં ય જોયું છે. ત્યાં ભુલકાંને સંગ્રહસ્થાનમાં લઈ જાય અને સૌ ટીણિયાં નાનકડી નોટબૂકમાં ચિત્રો જોઈને નોંધ ટપકાવે. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્‌સ (મ.સ. વિશ્વવિદ્યાલય) ૧૯પ૦માં સ્થપાઈ ત્યાં લલિત કળાને ભારતમાં પહેલીવાર યુનિવર્સિટીમાં અપાતા શિક્ષણનો દરજ્જો મળ્યો, એટલે ડિપ્લોમાને બદલે ડિગ્રી અપાતી થઈ. એ સંસ્થાના પ્રણેતાઓએ દેશના સ્વાતંત્ર્ય સાથે સુસંગત થાય એવી પહેલ કરતી વેળા નવા કળાકારની કલ્પના એક સુશિક્ષિત અને આધુનિક દેશના નવા નાગરિક રૂપે કરી અને અમલમાં મૂકી. સંસ્થા પ્રમાણમાં નાની અને શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર ૧ઃ૧૦ કે ૧ઃ૧પ સુધીનો. સ્ટુડિયો બનાવડાવ્યા તે ગોદામ જેવડા વિશાળ, રાત-દિવસ ઉઘાડા. મારા જેવા નાને ગામથી આવેલા વિદ્યાર્થીને તો શિક્ષકોને નજર સામે કામ કરતા જોવાનો અને એમની પાસેથી શીખવાનો અનેરો લ્હાવો મળ્યો. અમે બેન્દ્રે સાહેબને, અમારા મોટેરા જ્યોતિ ભટ્ટ, શાંતિ દવે અને જી.આર. સંતોષને ચિતરતા જોતા. મારે આર્થિક મુસીબતો વેઠવી પડી પણ ગ્રેજ્યુએશનનાં ચાર વરસ કાઢ્યા, છેવટે અનુ-સ્નાતકે ય થઈ ગયો. હું એમ.એ.ના બીજા વર્ષમાં હતો ત્યારે ભણતા ભણતા ભણાવવાની નોકરી મળી – એ ગાળે મારા સાથી વિદ્યાર્થીઓને મારી પાસે ભણવાનો વારો આવ્યો! છતાં ય લાગે છે કે કળા-શિક્ષણ એક ઉપેક્ષિત વિદ્યા રહી છે. આપણા દેશ માટે એક સર્વગ્રાહી દૃષ્ટિએ કળાશિક્ષણની નવી પદ્ધતિ વિકસાવવાની જરૂરત છે. એ પદ્ધતિ માત્ર એક માળખાની – standardised – ન હોય, એવી પદ્ધતિ જે આપણા બહુવિધ અને અવનવા – અભિગમો ધરાવતા દેશને સુસંગત હોય – જેમાં દરેક રાજ્ય, દરેક સંસ્કૃતિ સમાવિષ્ટ હોય.

લીના મિશ્ર : થોડા સમય પહેલા વડોદરા છાપે ચડેલું કારણ કે ચન્દ્રમોહન નામના વિદ્યાર્થીને એની કળાકૃતિઓ પ્રદર્શિત કરવા દેવાઈ નહોતી. વળી એવા પણ સમાચાર આવ્યા કે બે જુદા જુદા ધર્મની વ્યક્તિઓનાં લગ્ન વિશે પહેલો કોર્ટ કેઈસ નોંધાયોઃ એ તો આપણા ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન ગણાય. શહેરમાં એવી કઈ વાત વણસી કે લોકોએ એ વિશે અવાજ ઉઠાવ્યો નહિ? શું કળાકારોની અભિવ્યક્તિનો અવકાશ સંકડાઈ ગયો છે?

ઉત્તર : કોઈએ અવાજ ઉઠાવ્યો નહિ, એવું નહોતું. તે ગાળાના ફેકલ્ટીના હંગામી અધ્યક્ષ (ડીન) પ્રા. શિવજી પણિક્કર બહારનાં તત્ત્વોએ ઊભા કરેલા હોબાળા સામે, વિદ્યાર્થીના પક્ષે અડગ ઊભા રહ્યા હતા. ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ, કળા-સંસ્થા પર થયેલ હુમલાનો વિરોધ લગભગ વરસેક લગી, અનેક રૂપે ચલાવ્યો હતો. અમારામાંના ઘણા, (સાહિત્ય-વિવેચક) ગણેશ દેવી સુધ્ધાં બોલ્યા હતા. પણ તમે જે મુદ્દો ઉઠાવ્યો છે તે(નું અર્થક્ષેત્ર) વ્યાપક છે. કળા-સંસ્થાઓ અને કળા-શિક્ષણમાં કળાકારોને કામ કરતા રહેવા માટે ખુલ્લા વાતાવરણની તાતી જરૂર છે. બહારના મુદ્દાઓ ઘુસાડી દઈને વિવાદો અને સંઘર્ષો ઊભા કરાય છે અને એ સંસ્થાઓને ઝીલવું પડે છે. કળાકારો તો તેમના વિચારો તેમની કૃતિઓ દ્વારા પ્રગટ કરતા આવ્યા છે. અને કરતા રહેશે જ. જર્મન નાટ્યકાર અને કવિ બર્ટોલ્ટ બ્રેશ્તને ટાંકુંઃ ‘શું અંધકારભર્યા સમયમાાં ગીત ગાઈ શકાશે ખરું ? જવાબ આવો છે : ‘હા’, એ ટાણે અંધકારમય સમયનું ગાણું ગવાશે.’

બહારની દખલગીરી મોટે ભાગે રાજકારણપ્રેરિત હોય છે. આપણે એનો સામનો કરવો રહ્યો, પણ આપણી સર્જન-પ્રવૃત્તિ જાળવીને જ. જો તમે કામ કરવાનું મૂકી દો, ચિતરવાનું છોડી દો તો એ વધુ ભયંકર છે. ઉદારમતવાદી વિચારણા વડોદરાના પાયામાં હતી અને કેટલેક અંશે એ હજુ સાબૂત છે. આપણી કળામાં અને કળાકારોની દુનિયામાં હજુ ભાગલા પડ્યા નથી. ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના મારા પાંચેક શિક્ષકોનો દાખલો દઉં. સૌથી પહેલા અધ્યક્ષ (ડીન) માર્કંડ ભટ્ટ ગુજરાતી (બ્રાહ્મણ) તે પારસી પેરીનને પરણેલા. મહારાષ્ટ્રના એન.એસ. બેન્દ્રે મોનાને પરણ્યા તે તમિળ હતાં. બંગાળી શંખો ચૌધરી પારસી સહ-કળાકાર (સિરેમિસ્ટ) ઈરાને અને કે.જી. સુબ્રહ્મણ્યન્‌ પરણ્યા સુશીલાને – એ પંજાબી હતાં. છેલ્લા બે જોડાં શાન્તિનિકેતનમાં ભણતાં ત્યારે ભેગા થયાં’તાં. અમારે માટે તો આ ટચૂકડું ભારત, બહુવિધ ભારતઃ એ કોઈ એકવિધતાના ચોકઠામાં બંધાયેલું નહોતું. અમારામાંના ઘણાને અમારા જીવનસાથી ફેકલ્ટીમાં ભણ્યા અને ભણાવ્યું તેમાંથી જ મળ્યા. કાશ્મીરી રતન પારિમૂને ગુજરાતી નયના મળ્યાં, મહારાષ્ટ્રના પી.ડી. ધુમાળ બંગાળી રીનીને પરણ્યા, તો મારા જેવો ગુજરાતી, પંજાબી નીલિમાને પરણે એની શી નવાઈ ? આ તો ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસની સંસ્કારધારા છે : અમે જીવ્યા તે માત્ર જીવવા ખાતર નહિ, પણ સહિયારું જીવવા.

શાઈની વર્ગીઝ : તમારે મતે આજે કેવાં મૂલ્યો સાધવાની જરૂર છે, – જેમાંથી આવતી કાલના ભવિષ્યનો પાયો નંખાય?

ઉત્તર : તમારા પ્રશ્નનો જવાબ જરા જુદી રીતે આપું. નિખાલસપણે કહું તો હાલની ભારતીય કળા હજુ પણ જીવંત અને ગતિશીલ છે. ત્રણ-ચાર પેઢીના કાળાકારો કામ કરે છે. ૯૭ વર્ષના ક્રિશન ખન્ના તે હુસેનની પેઢીના, પછી આવે અમારી પેઢી. ત્યાર પછીની પેઢીમાં અતુલ ડોડિયા, સુદર્શન શેટ્ટી અને બીજા. તેથી આગળની યુવા પેઢી ય સક્રિય છે. હું આ, પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર ચિતરવા નથી કહેતો. હું તો ફક્ત એ જ કહેવા માગું છું કે કળા અને કળાકારોની દુનિયામાં અરસ-પરસ સંવાદ ચાલે છે અને બધા દૃઢનિશ્ચયી સૃજનશીલ છે. હરખ તો એ વાતનો ય કે આપણે ત્યાં અનેક મહિલા-કળાકારો છે. એ ઉપરાંત કેટલા ય કળાકાર-દંપતી છે. એ બધાં આગવું સર્જન પોતપોતાની રીતે કરે છે. આમાં મનુ અને માધવી પારેખ, અર્પિતા અને પરમજીત સિંહ, રીના અને જીતીશ કલ્લાત, અતુલ અને અંજુ ડોડિયા, ભારતી ખેર અને સુબોધ ગુપ્તા તો ખરાં, પણ બીજાં ય છે. આવું બીજા દેશોમાં પ્રવર્તતું હોય તો એની મને જાણ નથી. જરા સરલીકરણ કર્યાના ભોગે કહું છું કે આ બધા કળાકારો જે મૂલ્યોનું જતન કરે છે તે મુક્ત ભાવે સૃજનશીલ રહેવાનાં મૂલ્યો જ છે. આમાંના મોટા ભાગના કળાકારો સાંપ્રત સમયના પ્રસ્તુત વિષયો અને સમસ્યાત્મક મુદ્દાઓને આવરી લે તેવી દૃષ્યભાષા શોધવા પ્રવૃત્ત છે. આ ઉપરાંત કેટલાક યુવા કળાકારો ય છે. આ જુવાન કળાકાર બી.આર. શૈલેષ ગુરુકુળમાં ભણીને આવ્યો છે, સંસ્કૃત બોલે છે, તે પછી ચિત્રકામ શીખવા આવ્યો અને પછી ડિજિટલ પ્રકાર અને ઈન્સ્ટોલેશનના ક્ષેત્રે ઝંપલાવ્યું. એની સર્જનસૃષ્ટિમાં ગુરુકુળ સંસ્કારોની ઉજવણી સાથે વિવેચના ય સામેલ છે.

રીંકુ ઘોષ : એક બાજુથી તમે કળા અને આશાને એક સાથે મૂકો છો પણ સાથો સાથ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અને લલિત કલા અકાદમી જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં સડો પેઠો છે તેમને એમાંથી છોડાવવાને બદલે એથી દૂર રહેવાનું પસંદ કરો છો. તમારા જેવા મોટા ગજાના કળાકારો કશું  કરે નહિ તો યુવાન કળાકારોને અભિવ્યક્તિની છૂટ કેમ મળે ?

ઉત્તર : એ સાચું નથી. કળાકારોએ હંમેશ કોઈને કોઈ રીતે અવાજ ઉઠાવ્યો છે. ભૂતકાળમાં, ૧૯૬૦ના દશકે જે. સ્વામીનાથને એમણે પોતે કાઢેલ સામયિક ‘કોન્ટ્રા’(૧૯૬૬-૬૭)માં અકાદમીનો ઉધડો લીધો હતો. અમારા પોતાના સામયિક ‘વૃશ્ચિક’(૧૯૬૯-૭૩)માં મેં અને ભૂપેન ખખ્ખરે (લલિત કલા) અકાદમીમાં સુધારાઓ માટે એની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. એ લડત ત્રણ વરસ ચાલી જેને કારણે કેન્દ્ર સરકારને ખોસલા કમિશન નીમવું પડ્યું હતું. કમિશને અમે સૂચવ્યા તેમાંના ઘણા સુધારા સ્વીકાર્યા હતા. એટલે એવું નથી કે કળાકારો પરિવર્તન લાવ્યા નથી. પરંતુ આપણી સંસ્થાઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે તે ય સાચું. સરકારી સંગ્રહસ્થાનો અને અકાદમીઓ કળાની દુનિયાની પ્રવૃત્તિઓથી અજાણ રહે છે, એમના અધ્યક્ષ કળાની દુનિયાની બહારના હોય છે, અને નિમણૂકો ય ઉભડક થાય છે. તો પછી શું અમારે કર્મશીલ થઈ જવું? કે.જી. સુબ્રહ્મણ્યનને કોઈએ આ સવાલ પૂછ્યો ત્યારે એમણે સચોટ જવાબ આપ્યો હતો કે ‘હા, હું જરૂર સક્રિય થઈશ પણ કળાકાર-કર્મશીલ તરીકે, કર્મશીલ-કળાકાર તરીકે નહિ.’ કળાકારોની યુવા પેઢી પણ પરિવર્તન માટે જરૂરી કર્મશીલતાના રસ્તા ખોળવા પ્રવૃત્ત છે.

પારોમિતા ચક્રબર્તી : તમે તમારાં પત્નીને મળ્યા એ સમયની વાત કરશો? તમે કહ્યું કે કળાકારોની કોમમાં બીજી કોમના જીવનસાથી મળવાનું સામાન્ય હતું. મોટાં શહેરોમાં કયાં ય લવ-જિહાદના ભૂત જે આજે આગળ તરી આવ્યાં છે તે હતાં ખરા?

ઉત્તર : આમ તો એ મુદ્દાઓ વિષે આગળ કહી દીધું છે. મેં એનો જવાબ ચિત્રો દ્વારા આપ્યો છે. ‘City for Sale’ એ નગર-કેન્દ્રી ચિત્ર છે, એમાં તમે જે સંઘર્ષાત્મક પરિસ્થિતિની વાત કરો છો તેનું જ ચિત્રણ છે.

અંગત વાત કહેવી અઘરી છે, પણ હા, એ સમયે કળાકારો એકબીજાં સાથે હળે-મળે, એકબીજાંને ઓળખે, પછી મિત્રો બને અને છેવટે જીવનસાથી થઈ જાય એની નવાઈ નહોતી. સૃજનશીલતાનો વ્યવસાય જ અમને નિકટ લઈ જતો. મારા કેટલાક મિત્રો અને વિદ્યાર્થીઓ તેમની કોમની બહાર પરણ્યા છે. તમે આ માન્યતામાં વિશ્વાસ ધરાવો છો કે તે કે પછી તમે કેરળના છો કે બિહારના, એ બધું કળાકારોની દુનિયામાં વર્જ્ય ગણાતું. કળાનું ધ્યેય જ છે જોડવાનું, કળા આપણને એકબીજાની નજીક લાવે છે અને જીવવા માટે એક નવી દુનિયાની નવાજેશ કરે છે. કળા હંમેશાં આશા જન્માવે છે એવું કહેવા પાછળ મારો હેતુ એ છે કે આશાનું બીજ સૃજનકર્મના મૂળમાં છે. હું હજુ ય માનું છુ કે સૃજનશીલ જીવન તમને જરાક અદકેરો ઈન્સાન બનાવે છે કારણ કે એ ભાગલા ભાંગે છે, સહિયારું શીખવે છે, બીજાને મળવા માટે દોરે છે અને ખરેખર તો એ બની શકે એટલા ઝાઝા લોકો સાથે નાતો જોડી આપે છે.

સ્વાંશુ ખુરાના : તમે તમારી કૃતિઓ પર કુમાર ગાંધર્વનાં કબીર ભજનોની અસરનો ઉલ્લેખ કર્યો છે. તમારી સૃજનસૃષ્ટિમાં એથી બીજા કોઈ સંગીતકારો તમારી ચેતનામાં સળવળે છે ખરા?

ઉત્તર : હા, હું સંગીત ખૂબ સાંભળું છું. હમણાં કોરોના કાળમાં અમે બ્લ્યૂ ટૂથ સ્પિકર લીધું – એ દ્વારા રોજ સવારે ચિતરતા ચિતરતા સંગીત સાંભળું છું. મલ્લિકાર્જન મન્સૂરને, ભીમસેન જોશીને પ્રેમપૂર્વક સાંભળું, કિશારી આમોનકરની ગાયકી પણ માણું. આમ તો હું સંગીતકારોને ઓળખતો નથી પણ ૧૯૮૦ના ગાળે કુમાર ગાર્ધવને ભારત ભવન(ભોપાલ)માં ગાતા સાંભળતો ત્યારે એમનો થોડો નાતો બંધાયો હતો. કબીર-ક્ષેણીનાં ચિત્રોમાં બે જોડિયાં છે : એક મોટું ‘એક અચંભા દેખા રે ભાઈ’ નામનું છે એની જોડી ‘હીરના’માં છે. એ છે કુમાર ગાંધર્વના ‘હીરના’ ભજનને મારી અંજલિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 03-05

Loading

...102030...1,3131,3141,3151,316...1,3201,3301,340...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved