સામી દિવાલ પર
સૌને દેખાય એમ લટકાવેલું અજન્ટા ઘડિયાળ,
તમને દેખાય છે?
ગઇકાલે મધરાતે જ
કલાકે કલાકે
ટકોરા મારતાં લોલક ને
ફાઈલની વચ્ચે મૂકી
ફાઈલોના ઢગલા વચ્ચે દબાવી
ચાવી-તાળા વગરના કબાટમાં મૂકાવી દેવાયું છે ..
અને આજે સેકન્ડ બતાવતા લાંબા ને સૂકલકડી કાંટાને પોલીસચોકીના લાંબા-જાડા
સળિયાઓ પાછળ ધકેલી દેવાયો છે ..
લાંબા- જાડા મિનિટ કાંટા ને ય પોલીસ ખેંચીને, ફરિયાદી કાગળમાં લપેટીને લઈ ગઈ છે.
સામે સૌને દેખાતી ઘડિયાળમાં દેખાતો નાનો ને તગડો કલાક કાંટો સતત
અવિરત ચાલ્યા કરે છે ..
બેટરી સેલની સાથે મૈત્રીપૂર્ણ ગોષ્ઠિ કરતો કરતો
કલાક પછી કલાક પછી કલાક એમ ફર્યા કરે છે ..
કલાક કાંટો ચાલ્યા કરે છે,
આરામથી અને આરામ સાથે.
(મોરબી માનવસર્જિત કરુણાંતિકા; 31 ઓકટોબર 2022)
![]()



42 વર્ષના બ્રિટિશ-ઇન્ડિયન ઋષિ સુનક, યુનાઇટેડ કિંગડમના સૌથી યુવાન પ્રધાન મંત્રી બન્યા, તેમાં દેશ-દુનિયાના ભારતીયોનાં હૈયે હરખ સમાતો ન હોય, તે સમજી શકાય તેમ છે તે એક વાત. એ હરખ અસ્થાને છે તે બીજી વાત. હરખનું મુખ્ય કારણ એ છે કે જે બ્રિટિશરોએ ભારતીયો પર બસો વર્ષ રાજ કર્યું હતું … રાજ કર્યું હતું એટલું જ નહીં … ભારતીયોને બધી રીતે એડી નીચે કચડી રાખ્યા હતા, તે બ્રિટિશરો પર આવે એ વ્યક્તિનું રાજ છે, જેનાં મૂળિયાં એ જ ભારતમાં છે. અંગ્રેજીમાં આને સ્વીટ રિવેન્જ કહે છે. સાદી ભાષામાં, કુદરતનો ન્યાય.