Opinion Magazine
Number of visits: 9669123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિભાજન

મૂળ અંગ્રેજી : ડબ્લ્યુ.એચ. ઑડન * અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|19 December 2022

દૂત કાર્ય પર આવ્યા હતાં

વિભાજન કરવાનું સોંપાયું હતું 

કદી ના દીઠેલા દેશનું જેના બે સમુદાયો

હતાં એકબીજાના કટ્ટર વિરોધી,

એમના વિભિન્ન ખાનપાન ને વિસંગત દેવો.

“સમય”, એમને લંડનમાં કહેવામાં આવેલું, 

“છે ટૂંકો”. પરસ્પર સમાધાન કે

તાર્કિક ચર્ચા માટે નથી સમય રહ્યો :

વિભાજન જ છે ઉપાય હવે.

વાઇસરૉયના મતે, એમના પત્ર પરથી જણાય છે,

એમની સાથે તમે ઓછાં દેખાઓ એ જ સારું રહેશે,

તેથી અલાયદો ઉતારો શોધ્યો છે તમારા માટે.

ચાર ન્યાયાધીશો પૂરા પાડીશું તમને,

બે મુસલમાન, બે હિન્દુ,

મસલત ભલે કરો એમની સાથે

અલબત્ત, આખરી નિર્ણય તમારો જ રહેશે.”

હત્યારાઓને દૂર રાખવા બગીચામાં પોલીસના 

રાતદિવસના પહેરા વચ્ચે એકાકી પ્રાસાદમાં બંધ

એ વળગ્યા કામે, લાખોનું ભાવિ કરવા નક્કી.

નકશા એમની સામે હતાં પુરાણા ને વસ્તીના આંકડા

લગભગ ચોક્કસ ખોટા, પણ સમય જ ન્હોતો

ચકાસવાનો આંકડા કે તપાસવાનો

વિવાદાત્મક વિસ્તારોને.

ભયજનક સ્તરે હવામાન ગરમ હતું,

ને હાલત હતી મરડાથી બગડેલી,

તેમ છતાં કાર્ય સાત સપ્તાહમાં પૂર્ણ કરાયું, 

સરહદો નક્કી કરાઈ, ને

સારા કે નરસા માટે એક ખંડ વિભાજીત કરાયો.

બીજા જ દિવસે એમણે ઈંગ્લૅન્ડની દરિયાવાટ પકડી

જ્યાં સારા વકીલ પેઠે ભૂલી શકે એ મુક્કદમો.

પરત ક્યારે ય નહીં ફરે, એવું ભયભીત હૈયે એમણે

કહ્યું એમના ક્લબને, રખે ને એમને કોઈ ઠાર મારે ગોળીએ.

e.mail: rupaleeburke@yahoo.co.in

Partition

° WH Auden

Unbiased at least he was when he arrived on his mission,

Having never set eyes on the land he was called to partition

Between two peoples fanatically at odds,

With their different diets and incompatible gods.

“Time,” they had briefed him in London, “is short. It’s too late

For mutual reconciliation or rational debate:

The only solution now lies in separation.

The Viceroy thinks, as you will see from his letter,

That the less you are seen in his company the better,

So we’ve arranged to provide you with other accommodation.

We can give you four judges, two Moslem and two Hindu,

To consult with, but the final decision must rest with you.”

Shut up in a lonely mansion, with police night and day

Patrolling the gardens to keep the assassins away,

He got down to work, to the task of settling the fate

Of millions. The maps at his disposal were out of date

And the Census Returns almost certainly incorrect,

But there was no time to check them, no time to inspect

Contested areas. The weather was frightfully hot,

And a bout of dysentery kept him constantly on the trot,

But in seven weeks it was done, the frontiers decided,

A continent for better or worse divided.

The next day he sailed for England, where he could quickly forget

The case, as a good lawyer must. Return he would not,

Afraid, as he told his Club, that he might get shot.

Loading

જય જય ‘વરવી’ ગુજરાત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 December 2022

નર્મદની માફી સાથે કહેવું પડે છે કે એની ‘જય જય ગરવી ગુજરાત’ આજે ઘણી બધી રીતે ‘વરવી’ ગુજરાત થઈ ગઈ છે. એનો સો ટકા આનંદ છે કે ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભા.જ.પ.નું શાસન ફરી એક વાર સ્થપાયું છે ને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ ‘ગુજરાતના નાથ’ બન્યા છે. એમને અને એમનાં મંત્રીમંડળને, વચ્ચે કોઈ બદલાવ વગર, પૂરો કાર્યકાળ ગુજરાતની સેવા કરવાનો મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતી પ્રજા જે રાજકીય પરિણામો આપે છે તે આખા દેશની દિશા નક્કી કરવામાં માર્ગદર્શક બની રહે છે. દેશના વડા પ્રધાન ગુજરાતના છે ને તેમણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે તે હવે કોઇથી અજાણ્યું નથી. ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે તો ચમકી જ, પણ તેણે વૈશ્વિક સ્તરે ઑસ્કારનું બારણું ય ખખડાવ્યું છે તેની નોંધ લેવી પડે. એ કેમ ભુલાય કે દેશનો રાષ્ટ્રપિતા એક ગુજરાતી છે ને એ એક જ છે. એનો આનંદ છે કે એ રાષ્ટ્રપિતા તો વૈશ્વિક પિતાની ગરજ પણ સારે છે. ભારતનો લોખંડી પુરુષ પણ એક જ છે ને તે પણ ગુજરાતી છે. આ બંને ગુજરાતીઓએ આમ તો વકીલાત દેશ-વિદેશમાં કરી, પણ ભણ્યા ગુજરાતમાં ને ગુજરાતીમાં. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી, પછી તેનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા. વધારામાં, નવસારીના દાદાભાઈ નવરોજીએ માર્ચ, 1856થી 1865-‘66 દરમિયાન લંડનની યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના, હા, ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એક સમયે લંડનમાં ગુજરાતી ચાલ્યું, પણ ગુજરાતમાં હવે ગુજરાતી શીખવામાં ગુજરાતીઓને નાનમ લાગે છે. ભારત ગુલામ હતું ત્યારે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ભારત આઝાદ થયું, ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ને કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો સરકાર જ બંધ કરી રહી છે. ગુજરાતમાં માતૃભાષા તરીકે ગુજરાતી નહીં ભણાવાય તો શું બંગાળ, મહારાષ્ટ્રમાં ભણાવાશે? બીજી તરફ આપણે લવારા કરતા રહીએ છીએ કે ‘જય જય ગરવી ગુજરાત’, તો સીધું પૂછવાનું થાય કે ગુજરાતને આપણે ગરવી રહેવા દીધી છે ખરી? જો ગરવી હોય જ તો ગુજરાતમાં ગુજરાતીનો આટલો અનાદર કેમ?

શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા અંગે હાઇકોર્ટમાં થયેલ એક પી.આઈ.એલ.માં સ્પષ્ટ કહેવાયું છે કે ગુજરાતની 15 શાળાઓમાં ગુજરાતી ભણાવાતું જ નથી, એ મામલે હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા અંગે સરકારે નીતિ ઘડેલી છે, તો દરેક શાળામાં ગુજરાતી ભણાવાય તેની સરકારે તાકીદ કરવાની રહે ને જે શાળાઓ આ નીતિનો અમલ કરવામાં અખાડા કરતી હોય તેની સામે કડક પગલાં ભરવાનાં રહે. જો શાળાઓ સરકાર પાસેથી લાભ મેળવતી હોય તો શાળાની ગુજરાતી ભણાવવાની નીતિનો અમલ જે તે શાળાએ કરવાનો રહે જ. સરકારથી તેની જ નીતિનો અમલ ન કરાવાતો હોય તો હાઇકોર્ટ તેમાં દખલ કરશે ને એ અંગેનો સ્પષ્ટ નિર્દેશ આપશે એવું કોર્ટે કહ્યું છે. ખાનગી શાળાઓ કે બોર્ડ શાળાઓ ચલાવતાં હોય તો ગુજરાતી ફરજિયાતપણે ભણાવવાનું રહે જ છે એ કહેવાનું હોય નહીં, પણ સરકારે ઘડેલી નીતિનો અમલ કરાવવા હાઇકોર્ટે દખલ કરવી પડે એ કેવું?

હાઇકોર્ટને ખબર હશે જ, પણ ઘણાં નહીં જાણતા હોય કે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકો શાળામાં ગુજરાતી બોલતાં પકડાય તો તેમને દંડ કરવામાં આવે છે. અહીં અંગ્રેજીનો મહિમા થાય એનો કશો વાંધો નથી, પણ ગુજરાતી ભાષાનું અપમાન એટલે છે કે તે બોલવાથી દંડ થાય છે ને આઘાતજનક એ છે કે ગુજરાતી બોલવા બદલ આ દંડ ગુજરાતમાં થાય છે અને વધારે આઘાત તો એ વાતે લાગે છે કે ગુજરાતીઓને એનો જરા જેટલો ય વાંધો નથી.

ગુજરાતી માધ્યમની સ્કૂલો તો બંધ થતી જ રહે છે, પણ જે સ્કૂલો ચાલે છે, એમાં પણ ગુજરાતી ભણાવવાની અનુકૂળતા નથી. એક તરફ ‘ભિક્ષાને બદલે શિક્ષા’નું સૂત્ર મુખ્ય મંત્રીએ આપ્યું હોય ને બીજી તરફ શાળાઓમાં ઓગણીસ હજારથી વધુ ઓરડાની અછત વચ્ચે શાળાઓ ચાલતી હોય એ પણ કમાલ જ છે ને ! રાજ્યની 700થી વધુ સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. એ પણ વિચિત્ર છે કે એક તરફ શિક્ષિત બેરોજગારો પાસે નોકરી નથી ને બીજી તરફ સ્કૂલો છે તો ભણાવવા માટે શિક્ષકો નથી. સરકારના કહેવા મુજબ બજેટમાં સૌથી વધુ જોગવાઇઓ શિક્ષણ માટે થાય છે, પણ વક્રતા એ છે કે સ્કૂલોમાં શિક્ષકોની જગ્યાઓ પુરાતી નથી. છેલ્લાં પાંચ વર્ષમાં 4 લાખથી વધુ નવા વિદ્યાર્થીઓએ સ્કૂલોમાં પ્રવેશ લીધો હોય, તો સરકાર એવું કઇ રીતે કહી શકે કે વિદ્યાર્થીઓ નથી મળતા એટલે સ્કૂલો બંધ થાય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ દાખલો લઇએ તો ગયા એપ્રિલમાં 15 સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયેલો જેમાં 11 સ્કૂલો અંગ્રેજી માધ્યમની હતી. બીજી તરફ ગયે વર્ષે 69 સ્કૂલો બંધ થઈ તેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો 50 હતી. વારુ, નવી સ્કૂલો ખોલવાની જેટલી અરજીઓ આવે છે એમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો ખોલવાની એક પણ અરજી નથી. આ વર્ષે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થવાનું વલણ અટક્યું નથી તે પણ ખરું. અંગ્રેજી માધ્યમનો આટલો ક્રેઝ એ માધ્યમની સ્કૂલો ચલાવતા સંચાલકોનો પણ છે, કારણ એ લોકો વધુ ફી વસૂલવાની મોકળાશ અંગ્રેજી માધ્યમને નામે મેળવી લે છે. એવી કમાણી ગુજરાતી માધ્યમની સ્કૂલોને નથી. એનું એક કારણ પ્રાથમિક સ્કૂલો સરકાર ચલાવે છે એ છે ને એમાં ફી નથી લેવાતી એટલે એનું ભારણ સરકારને માથે રહે છે. સરકાર પણ ઈચ્છે છે કે એ બોજ માથેથી જાય. એ તો જ શક્ય છે, જો ખાનગી સ્કૂલો વધે ને સરકારી સ્કૂલો બંધ થાય. બીજી ખાસ વાત એ પણ ખરી કે ઘણી બધી ખાનગી સ્કૂલો ખાનગીમાં મંત્રીઓ ને તેમના મળતિયાઓ ચલાવે છે. એમનો નફો ચાલુ રહે એટલે પણ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલોને ઉત્તેજન અપાતું રહે છે. અહીં અંગ્રેજી જાણવા-ભણવાનો જરા જેટલો પણ વાંધો નથી. વાંધો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા જઈ રહી છે, એનો છે. ગુજરાતી જાણનાર મહાન થઈ જ ન શકે એવો જે ભ્રમ ઊભો થઈ રહ્યો છે તે ઠીક નથી. નર્મદ કે ગાંધી ગુજરાતી હોવાને કારણે પાછળ પડ્યા નથી. ટાગોર કે અમર્ત્ય સેન બંગાળી હોવાને કારણે શરમાયા નથી, તિલક કે ગોખલે મરાઠી હતા એ વાત એમને ક્યારે ય નડતરરૂપ બની નથી. ટૂંકમાં, જે તે માતૃભાષાએ કોઈ પણ મહાન વ્યક્તિત્વને અવરોધ્યું નથી, તો ગુજરાત સરકાર જ કેમ અંગ્રેજીનો આટલો મહિમા કરીને લઘુતા અનુભવે છે તે નથી સમજાતું.

અંગ્રેજી માધ્યમને પોષનારા વાલીઓનો પણ તોટો નથી. કેવળ ગુજરાતી માધ્યમની સૂગ ગુજરાતીઓને છે એવું નથી. ગુજરાતીઓની રહેણીકરણી પણ ગુજરાતી રહી નથી. એટલા અક્કલવાળા લોકો છે જ કે શરીરનાં માપનાં કપડાં સીવવાને બદલે કપડાનાં માપનું શરીર ફેશનને નામે કરી રહ્યાં છે ને એને માટે જરૂર પડે તો સર્જરી કરાવવાનો ય તેમને વાંધો નથી. એ તો ઠીક, પણ ખાણીપીણીમાં પણ ગુજરાતીપણું ખાસ રહ્યું નથી. સાચું તો એ છે કે ગુજરાતમાં ગુજરાતી ખાણું બંધ થવા પર છે. લોકો પંજાબી ખાય છે, પણ કહેવાય છે ગુજરાતી, ચાઇનીઝ ખાય છે, પણ છે ગુજરાતી, સાઉથ ઇંડિયન હોટેલો ગુજરાતમાં છે એટલી સાઉથમાં ય નહીં હોય. અહીં જેટલું પંજાબી ખવાય છે, એટલું પંજાબમાં ગુજરાતી નહીં જ ખવાતું હોય. કેમ થાય છે, આવું? ગુજરાતીને ગુજરાતીપણું વ્હાલું કેમ નહીં હોય? શીખોને દાઢી, પાઘડી છે, સાઉથમાં મંત્રી ધોતી, લુંગીનો મહિમા કરશે, મહારાષ્ટ્રમાં પૈઠણીની કે માથે ટોપીની રીત હજી છે, ગુજરાતીમાં એવું બહુ જડતું નથી. આપણે તો ગરબાને પણ વેસ્ટર્ન કર્યા છે. ચણિયા-ચોળીવાળા ગરબા અમેરિકા કે ઈંગ્લેંડમાં ગવાય છે ને અહીં, વિદેશીપણું ઘૂસ્યા વગર રહ્યું નથી. અહીં પિત્ઝા, પાસ્તા, બર્ગરની બોલબાલા છે ને મૂઠિયાં, પાતરાં, ઢોકળાં, ફાફડાં, બટાકાવડાં, રોટલા, રોટલી, અથાણાં, પાપડ … અમેરિકામાં વિઝા મેળવી ચૂક્યાં છે. ગુજરાતીઓ વેપારી છે ને હજી એ સાચું છે, પણ બીજાની નકલ કરવામાં અને બીજાથી પ્રભાવિત રહેવામાં ગરવાપણું ઓછું બચ્યું છે એવું નથી લાગતું? ગુજરાતીપણું વિદેશમાં સાચવવામાં તો પૂરું ન થઈ જવું જોઈએ ને ! એ સ્થિતિમાં કયાં મોઢે ‘જય જય ગરવી ગુજરાત’ ગાવું એ પ્રશ્ન જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ડિસેમ્બર 2022

Loading

ચીનનું વધુ એક છાંછિયું : ગલવાન પછી તવાંગ કેમ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 December 2022

ભારત સાથેની અમારી ભાંજગડમાંથી છેટા રહેજો તેવી ‘ધમકી’ ચીને અમેરિકાને આપી હતી તેના એક અઠવાડિયા પછી અરુણાચલ પ્રદેશની સીમા પરથી સમાચાર આવ્યા કે ત્યાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઇ છે અને બંને પક્ષે સૈનિકોને ‘સાધારણ ઈજાઓ’ થઇ છે. ભારતની સીમા પર ચીનની લશ્કરી ગતિવિધિઓ વધારવાના પ્રયાસ પર યુ.એસ. મિલિટરી હેડક્વાર્ટર પેન્ટાગોનને પહેલી ડિસેમ્બરે યુ.એસ. કાઁગ્રેસને એક રિપોર્ટ સુપરત કર્યો હતો. 

તેમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સેના ભારતને અમેરિકાની નજીક જતું રોકવા માંગે છે અને તેના માટે તે સીમા (લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર તનાવ ઓછો કરવાના સંભવિત પ્રયાસ કરી રહી છે, પરંતુ તે દરમિયાન તેને અમેરિકાની દખલઅંદાજી પસંદ નથી આવી. ચીની સેનાએ અમેરિકન અધિકારીઓને ચીમકી આપી છે કે તેઓ ભારત સાથે ચીનના સંબંધોમાં ટાંગ ન અડાવે.

રિપોર્ટ અનુસાર, “ભારત અને ચીન એકબીજાનાં ક્ષેત્રોમાં આક્રમક ઘૂસપેઠનો આરોપ લગાવી રહ્યાં છે. 2020ની અથડામણ પછી ચીને લગાતાર સૈનિક બળની હાજરી બનાવી રાખી છે અને બીજી તરફ સીમા પર નક્કર બાંધકામ પણ ચાલુ રાખ્યું છે.” અગાઉ, 2021માં, પેન્ટાગોનના અન્ય એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે ચીને અરુણાચલમાં સીમા પર તવાંગ પ્રદેશમાં એક ગામ વસાવ્યું છે અને સેનાની ચોકી પણ ખોલી છે.

આ ફોટો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોનો છે, જે તવાંગની અથડામણનો હોવાનો દાવો છે

એ પછી ભારતીય સેના પણ એલર્ટ હતી અને તેણે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. 9મી ડિસેમ્બરે અહીં બંને સેનાઓની પેટ્રોલિંગ ટુકડીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ઘટનાના ચાર દિવસ પછી, 13 ડિસેમ્બરે, સંસદમાં અધિકૃત બયાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “9 ડિસેમ્બર 2022ના રોજ, પી.એલ.એ.(પીપલ્સ લિબરેશન આર્મી)ના સૈનિકોએ તવાંગ સેક્ટરમાં યોંગ્ત્સે ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ તેનો બહાદુરીથી મુકાબલો કર્યો હતો અને તેમને તેમની ચોકીઓમાં પાછા જવા ફરજ પાડી હતી. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકોને ઈજાઓ થઇ છે. એમાં ન તો કોઈનું મોત થયું છે કે ન તો કોઈને ગંભીર ઈજા થઇ છે.”

1962ના યુદ્ધમાં, ચીને તવાંગના અમુક ઇલાકાઓ પર કબજો કર્યો હતો. 1986-87માં, તવાંગ નજીક સુમદોરોંગ ઘાટીમાં ચીને ઘૂસપેઠ કરી હતી પણ તેમાં કશું હાંસલ થયું નહોતું. એ પછી 36 વર્ષ પછી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઇ છે. એ સાથે જ, અરુણાચલનો મામલો સમાચારોમાં આવ્યો છે. 2020માં, તિબેટમાં ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીને પણ તેના 4-5 સૈનિક ગુમાવ્યા હતા.

ત્યારથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને સેનાઓની જબ્બર જમાવટ થઇ છે. એક સંખ્યા પ્રમાણે, એકલા તિબેટમાં જ ભારતના 50,000 સૈનિકો ચીન સામે આંખમાં આંખ નાખીને ઊભા છે. ચીન સાથે મંત્રણાઓના લગભગ 16 દૌર પછી પણ ગતિવિધિઓમાં કમી નથી આવી. ભારતીય સેનાના વડા મનોજ પાંડેએ તાજેતરમાં એકરાર કર્યો હતો કે સીમા પર ચીને તેના સૈનિક બળોમાં ઘટાડો કર્યો નથી. તેમણે કહ્યું હતું કે સીમા પર ચીનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજ વિના રુકાવટ ચાલુ જ છે. જનરલ પાંડેએ કહ્યું હતું કે ત્યાં “પરિસ્થિતિ સ્થિર પણ અણધારી છે.”

આ ‘અણધારી સ્થિતિ’ એટલે અરુણાચલની લેટેસ્ટ અથડામણ. લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે બે મોટા અને નાના-નાના અનેક સીમા વિવાદો છે. પહેલો મોટો વિવાદ અકસાઇ ચીનમાં છે, જે ચીનના વહીવટ હેઠળ છે. ભારત તેને લદાખનો હિસ્સો ગણે છે. બીજો મોટો વિવાદ મેકમોહન લાઈન પર છે, જે હવે અરુણાચલ પ્રદેશ કહેવાય છે. બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે 1914માં જે સંધિ થઇ હતી તેમાં મેકમોહન લાઈનનો સમાવેશ થતો હતો પણ એવું કહીને તેને માનવા ઇનકાર કરે છે કે સંધિ થઇ ત્યારે તિબેટ સ્વતંત્ર નહોતું.

1962નું યુદ્ધ, આ બંને મોરચે લડાયું હતું. એ પછી બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મંત્રણાઓ અને કરારોના પગલે 2017 સુધી સીમા પર અપેક્ષિત શાંતિ જળવાઈ રહી હતી. 2017માં, ચીને ભૂતાનના એક રોડને દોખલામ સુધી લંબાવ્યો હતો. ભારતે સૈનિકો મોકલીને બાંધકામ અટકાવ્યું હતું અને પછી બંને દળો પાછાં હટી ગયાં હતાં. એ પછી, 2020માં, લદાખમાં ભારતના એક રોડ નિર્માણના પગલે ટકરાવ શરૂ થયો હતો અને જૂન મહિનામાં મોટી હિંસક હાથાપાઈ થઇ હતી. થોડા મહિના પછી બંને પક્ષે બંધૂકો પણ ફૂટી હતી.

ગયા મહિને, બેજિંગમાં ચીનની રાષ્ટ્રીય સંસદ ગ્રેટ વોલ ઓફ પીપલની મિટિંગમાં, રાષ્ટ્રપતિ શી જીન પિંગે ત્રીજીવાર રાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળ્યો, ત્યારે મંચ પર તેમના આગમન પહેલાં પડદા પર ગલવાન ઘાટીની અથડામણનો વીડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની પસંદગી કરવાના દેશના સૌથી મોટા પ્રસંગમાં ગલવાન સંકટને યાદ કરે તે જ બતાવે છે કે ચીન તે ઘટનાને અને સીમા વિવાદને કેટલું ગંભીરતાથી લે છે.

તેને ગંભીરતા કહો, આક્રમકતા કહો, દુ:સાહસ કહો, ‘અટકચાળું’ કહો કે પછી ગાંડપણ કહો, હકીકત એ છે કે ચીન ભારતની સીમાને સળગતી રાખવા માગે છે. સીમા પરથી અત્યાર સુધી જેટલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે કહે છે કે ત્યાં ભારતીય સેનાનો એવી ચાઇનીઝ ગતિવિધિઓ સામે પનારો પડી રહ્યો છે જેમાં એવા કોઈ સંકેતો નથી જે એવું આશ્વાસન આપે કે આ બધું કામચાલાઉ છે. સાદી ભાષામાં કહેવું હોય તો યુદ્ધની સ્થિતિ ઊભી થાય ત્યારે મોટી સંખ્યામાં અને ઝડપથી લશ્કરી સહાયતાઓ સક્રિય કરવામાં મદદ થાય તેવી કાયમી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી રહી છે.

સ્વાભાવિક રીતે જ, ભારતની સેના પણ કોઈ બાબતને હળવાશથી નથી લઇ રહી. લદાખ અને હિમાચલમાં ચીની સૈનિકોને વધુ ‘સળીઓ’ કરતાં રોકવા માટે ભારતે વધારાના જમીની દળો ખડક્યા છે અને ચીનની જેમ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કર્યા છે. એવું કહેવાય છે કે 62ના યુદ્ધ પહેલાં, ત્યાં લશ્કરી દળો અને સહાયતાઓને એકઠી કરવામાં ચીનને ત્રણ-ચાર મહિના લાગ્યા હતા. આજે એવી સ્થિતિ છે કે 24 કલાકમાં અહીંથી ત્યાં મોટા પ્રમાણમાં હેરફેર થઇ શકે તેમ છે.

ચીન તેની સત્તાવાર નીતિ પ્રમાણે પૂરા અરુણાચલને ચીનનો હિસ્સો ગણે છે. તેના 90,000 કિલોમીટરના વિસ્તારને તે ચીની ભાષામાં ‘ઝગ્નન’ તરીકે ઓળખે છે અને ક્યારેક તેને ‘કથિત અરુણાચલ પ્રદેશ’ પણ કહે છે. ગયા વર્ષે ચીને અરુણાચલની 15 જગ્યાઓનું નામકરણ ચીની ભાષામાં કર્યું હતું. ગયા વર્ષે, ઉપ-રાષ્ટ્રપતિ એમ. વૈન્ક્યાનાયડુ હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે ચીને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે પણ એ વાંધાને ડૂચો મારીને કચરા ટોપલીમાં નાખી દીધો હતો.

હિમાચલમાં ચીનનો મુખ્ય રસ તવાંગમાં છે, કારણ કે વ્યૂહાત્મક રીતે તે ચીનને ભારતના ઉત્તર-પૂર્વી હિસ્સામાં સરસાઈ આપે છે. બીજી રીતે વાત કરીએ તો, અરુણાચલ એક માત્ર જગ્યા એવી છે જ્યાંથી ભારતની મિસાઈલને ચીન સૌથી નજીકમાં પડે છે. એટલે ચીનની હિમાચલ અને ખાસ તો તવાંગ પર નજર છે. તવાંગ જો હાથમાં હોય તો તિબેટ પર તેના દાવાને બળ મળે તેમ છે.

તવાંગને તે તિબેટનો હિસ્સો ગણે છે અને સીમા વિવાદની મંત્રણાઓમાં તો તે તવાંગનું નામ પણ સામેલ કરવા તૈયાર નથી. ત્યાંના તવાંગ મઠમાં છઠ્ઠા દલાઈ લામાનો 1683માં જન્મ થયો હતો, ત્યારથી ચીન માટે તે વિસ્તાર મહત્ત્વનો બની ગયો છે. હાલના દલાઈ લામા(87)ના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઊભો થશે, ત્યારે તવાંગ પર ચીનનું ફોકસ વધવાનું છે. ચીન ઈચ્છે છે કે નવા દલાઈ લામાની પસંદગી તિબેટની બહારથી ન થાય. તવાંગનો બૌદ્ધ મઠ દુનિયાનો સૌથી મોટો મઠ છે અને તિબેટિયન બૌદ્ધવાદનું તે કેન્દ્ર છે. 1959માં, ચીનની દાદાગીરીથી બચવા માટે વર્તમાન દલાઈ લામા તિબેટમાંથી પલાયન થઇ ગયા હતા, ત્યારે તેઓ પહેલાં તેઓ તવાંગ મઠમાં રહ્યા હતા અને પછી ત્યાંથી ભારતમાં આવતા રહ્યા હતા.

ચીનને ડર છે નવા લામા તવાંગમાંથી આવશે. સત્તાવાર રીતે ભારત દલાઈ લામાની વરણીમાં પડતું નથી, પરંતુ ચીનને શંકા છે ભારત જે રીતે દલાઈ લામાને છાવરે છે તે જોતાં તે પાછલા બારણે નવા લામા તેના કહ્યામાં હોય તેવા પસંદ કરાવશે. ગયા વર્ષે, દલાઈ લામાના જન્મ દિવસ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી તેને ચીન અગત્યનો સંકેત માને છે, કારણ કે એ પહેલાં કોઈ પ્રધાન મંત્રીએ સાર્વજનિક રીતે દલાઈ લામાને ફોન નથી કર્યો.

આ બધા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને જોઈએ તો, 9મી ડિસેમ્બરે ચીની સેનાએ ભારતની સેનામાં અતિક્રમણ કર્યું તે અકસ્માત નથી, પણ વ્યૂહાત્મક છે. એક વાત સ્પષ્ટ છે કે પહેલાં ગલવાન અને હવે હિમાચલમાં ઉંબાડિયું મૂકીને ચીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે સીમા વિવાદને ઠંડો પાડવાના મૂડમાં નથી. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને ન્યુક્લિયર સત્તાઓ લદાખ અને હિમાચલમાં એકબીજાને નહોરિયાં ભરવા માટે તૈયાર બેઠી છે તે વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પણ તવાંગમાં જો કારગિલવાળી થાય તો દુનિયા તેની આંખ આડા કાન કરશે કે ચીનને ઠપકારશે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર ભારત પાસે પણ નથી.

લાસ્ટ લાઈન:

“તિબેટ સદીઓથી ચીનનો હિસ્સો છે એવું હું કહું તેમ ચીન ઈચ્છે છે. હું એવું કહું તો પણ લોકો હસશે. મારા કહેવાથી ઇતિહાસ નથી બદલાઈ જવાનો. ઇતિહાસ ઇતિહાસ છે.”

— દલાઈ લામા

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 18 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2981,2991,3001,301...1,3101,3201,330...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved