ખોદો ખોદો!
એ લોકો કહે છે કે
શોધવાથી ઈશ્વર મળે
તો ખોદવાથી?
કશુંક તો જડતું હશે કે નહીં?
એટલે ખોદવા માંડી
જુઓ જુઓ
કશુંક ખખડ્યું
ખણખણતું
આ તો તુંબડું
એમાં બે પાંચ કાંકરા
સરસ સુંવાળા
ઓહો કાંકરા નથી આ
એ લોકો તો એને
શબ્દો કહે છે.
શું કામના?
ખોદો ખોદો!
હજુ કશુંક જડશે.
જડ્યું જડયું
કશુંક રંગબેરંગી
અરે જોજો જોજો
ફાટી ન જાય
સાવ તકલાદી પોત છે.
પહેરાય એવું નથી
ઓઢણું છે?
ના ના એ લોકો તો એને
લાગણી કહે છે.
ખોદો ખોદો!
કશુંક કામનું જડશે હમણાં
આહા! આ તો મહોરાં
કેવાં સરસ!
એકેય હસતું નથી
બહુ ગંભીર
કોનાં હશે?
મહોરાંનાં પણ નામ હોય?
છે જ વળી
એમણે પાડેલાં
જુઓ આ નિસ્બત મહોરું
અને આ નિષ્પક્ષ મહોરું
કેવાં સુંદર નામ!
પણ શોધતાં હતાં એ જડયું કે નહીં?
ખોદી ખોદીને તળિયે પહોંચી ગયાં તોય…
ચાલોને પેલું મહોરું પહેરી,
પોત ઓઢી
તુંબડું લઈને
નીકળી પડીએ
એ શોધવા.
અરે પણ શોધવું શું છે
એ તો કહો.
ખાસ કંઈ નહીં,
બસ! કવિતા.
![]()


મારો દિલીપકુમાર તો બ્લેક એન્ડ વ્હાઇટ જ ! એ ‘શિક્સ્ત’માં કલમ ઉછાળીને હીરોઇનના કપાળે સૌભાગ્ય ચિહ્ન બનાવે, તો ‘દેવદાસ’માં પારોને કપાળે ઘા કરીને સૌભાગ્યના અધિકારો જતા કરે, તો હૈયે બ્લેડ ફરતી હોય એવું લાગતું. હૈયું કળ ખાઈ જતું, આ દૃશ્યો જોતાં! ‘સ્ક્રીન પર ‘ધરતી કો આકાશ પુકારે …’ બેકગ્રાઉન્ડમાં ગવાય અને એનો હીરો દિલીપકુમાર હોય તો ઉદાસી વધુ ઘેરી થઈ ઊઠતી. ‘દેવદાસ’ની ‘કૌન કમબખ્ત બરદાસ્ત કરને કે લિયે પીતા હૈ …’ની બેબસી કે ‘સીને મેં સુલગતે હૈં અરમાં…’ના મખમલી અવાજથી અનુભવાતી ઘૂટન હૈયાને હજી તાર તાર કરે છે. પૂર્વ દિલીપકુમાર હૃદયનો કલાકાર હતો. કરુણ ભૂમિકાઓની એનાં મન પર એવી ઘેરી અસર થઈ કે તેને હળવી ભૂમિકાઓ કરવાનું કહેવાયું. સમજીને, અનુભવીને બોલતો દિલીપકુમાર પછી બરાડતો પણ થયો. ‘ગંગાજમના’નો રંગીન દિલીપકુમાર પછી તો ‘રામ ઔર શ્યામ’ની ‘દાસ્તાન’ કહેતો થયો. એવી ભૂમિકાઓમાં પણ ક્યારેક તેનું હીર પરખાતું જ !