Opinion Magazine
Number of visits: 9744859
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્યજ્યોત (૨૮) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ 

સુમન શાહ|Opinion - Literature|22 January 2023

સુમન શાહ

‘ઑલ આઉટ ફૉર અમૂલ’-ના મારા પેલા મૅસેજની રચનાપદ્ધતિને ઍન્કોડિન્ગ કહેવાય. ‘એ બિલ્લી છે’ કહેનારનો એ પ્રયોગ coded છે અને એ એક code પણ છે. એટલે કે, એનો એ પ્રયોગ કશુંક ગુપ્તપણે કહેવા માટે એણે ઊભી કરેલી મામૂલી પણ એક પદ્ધતિ છે, સિસ્ટમ છે, જેને ઍન્કોડિન્ગ કહી શકાય.

મારી સૅમિયોસિસ પ્રવૃત્તિ વડે મેં એની એ પદ્ધતિને ખુલ્લી કરી. પણ એટલે શું કર્યું? કોડેડને ડીકોડ ! વીગતે જણાવું કે ડીકોડિન્ગ વખતે હું શું કરું છું :

‘એ બિલ્લી છે’ પ્રયોગને સમગ્રમાં નીરખું છું. એ પ્રયોગના પ્રત્યેક ભાગને નીરખું છું. એ ભાગમાં સંડોવાયેલી સંજ્ઞાની અંદર પ્રવેશું છું. એની નજીકની સંજ્ઞાને નીરખું છું ને તેની અંદર પણ પ્રવેશું છું. તે પછી એ બન્ને સંજ્ઞાઓએ મને સૂચવેલા અર્થોને જોડું છું. એમ હું જવાય એટલો આગળ જઉં છું.

ગણિત મને આવડતું નથી પણ એનો રૂપક તરીકે ઉપયોગ તો કરી શકું છું. કહું કે જેમ હું પહેલી રકમને સમજું વિચારું ને એમાં બીજી ત્રીજી એમ પછીની રકમોને સમજી સમજીને ઉમેરતો ચાલુ અને છેલ્લે સરવાળો સિદ્ધ કરું એ જ રીતેભાતે હું ડીકોડેડ સંજ્ઞાઓ સાથે વરતું છું.

હું મૅસેજ મોકલું છું એટલે શું કરું છું? કોઈને ઍડ્રેસ કરું છું, સમ્બોધું છું. હું ઍડ્રેસર અને જેને મૅસેજ કરું છું તે ઍડ્રેસી. મારા મૅસેજને ઍડ્રેસી ઉકેલી લે છે – એણે ડીકોડિન્ગ કર્યું કહેવાય. સામે એ પણ મને વળતો મૅસેજ મોકલે છે – અમૂલબટર ક્યાં મળે છે? એ ત્યારે ઍડ્રેસર હોય છે અને હું ઍડ્રેસી.

સંક્રમણ મૅસેજીસના આવા ચૉકક્સ વિનિમયો વડે સધાતું હોય છે તેથી ઉત્તમ મનાય છે. એવાં સંક્રમણને પ્રતાપે સૅમિયોસિસ પ્રવૃત્તિમાં વેગ પણ આવે છે. 

વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં જીવતી વ્યક્તિઓ માટે ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ રોજિન્દી ઘટના છે, જેને ચૅટિન્ગ અથવા મૅસેજિન્ગ કહેવાય છે. હું મૅસેજ મોકલું કે આવતીકાલે દસ વાગે મળીશું. તો એ મને સામો મૅસેજ મોકલે છે – સવારના દસ કે રાતના? અને હું વળતો મૅસેજ મોકલું કે – રાતના.

જો કે આ વાત મેં શાબ્દી સંજ્ઞાઓના – વર્બલ સાઈન્સના – મૅસેજિન્ગની કરી. પણ સૅમિયોસિસ તો શબ્દ ઉપરાન્તની આપણી આસપાસની તમામ બિનશાબ્દી – નૉનવર્બલ – સંજ્ઞાઓને ઊંડણમાં લે છે. એટલે, નૉનવર્બલનાં પણ મૅસેજિન્ગ થતાં હોય છે.

જેમ કે, કોઈ ભાઈ કે બહેન મને જો નમસ્કારનું ઇમોજી મોકલે તો એનો અર્થ છે – પ્રણામ; નહીં મળી શકાય. ઇમોજી શબ્દ નથી ચિત્ર છે પણ મને સ-પ્રણામ ‘નહીં આવી શકાય’ એવી અશક્યતાનો સંકેત કરે છે. જો કે એણે ભલે ઇમોજી વડે ઍન્કોડિન્ગ કર્યું પણ પ્રણામના ઇમોજીને હું હકાર ગણી લઉં, સ્વીકૃતિ ગણી લઉં, તો મારું એ ડીકોડિન્ગ મને મુશ્કેલીમાં મૂકી દેશે – દસના અગિયાર વાગ્યા હશે તો પણ એ વ્યક્તિ નહીં પધારી હોય !

(હું એમ માનું છું કે ઇમોજીસ બાલાવબોધી છે, સર્જક મિજાજની વ્યક્તિઓની દુનિયા ઇમેજીસની છે. એમણે ઇમોજીસથી આઘા રહેવું જોઈએ).

અનેક લોકો ‘લાઇક’-ને લખતા નથી, માત્ર ક્લિક કરે છે, એ ચેષ્ટા પણ મૅસેજિન્ગ છે. એ ડીકોડ થતાં, સંકેત મળે છે – મેં જોયું, મેં વાંચ્યું, મને ગમ્યું. એ સંકેત દરેક વખતે – મેં વાંચ્યું એમ નથી હોતો ! જો ઍડ્રેસર મોટી સંખ્યામાં મળેલાં લાઈક્સનું એવું ડીકોડિન્ગ કરે કે – હું કેટલો વંચાઉ છું ને કેવો અઢળક સ્વીકાર પામું છું, તો છેતરાઈ જશે. 

મેં ફેસબુક પરનાં લાઇક્સનો અભ્યાસ કરીને મારા માટે હળવાશથી એક સૅમિયોસિસ રચ્યું છે : લાઇકનો એક સંકેત – હું તમારી સભામાં હાજર છું, એમ થાય છે. (મને એમનો એ સાક્ષીભાવ ગમે છે.) લાઇક્સરૂપી ડીકોડિન્ગ દેખાદેખીથી અને વાટકી-વ્યવહારથી કરાતાં હોય છે. બધા લાઇક કરે છે અને હું નહીં કરું તો કેવો / કેવી લાગીશ – એવા સામાજિક મનોભાવથી કરાતાં હોય છે. હું ફેસબુક-ફ્રૅન્ડ છું તો એમની તેમ જ અન્ય મિત્રો સાથે જોડાવાની આ તક છે – એવા પ્રેમભાવથી કરાતાં હોય છે. કોઈ તો, કોઈ ઓળખીતાંને જોઈને લાઇક કરે છે – એને ગમતાં કોઈ બહેનનું લાઇક જોવા મળ્યું હોય તો તો, ખાસ.

પેલો કદી કશો જ પ્રતિભાવ નહીં આપનારો ફેસબુક ફ્રૅન્ડ – હું તમારું ધ્યાન રાખું છું, જેવા મોટાઈના ભાવથી લાઇક કરતો હોય છે. કેટલાક તો ફ્રૅન્ડ બન્યા પછી લપાઈને બેઠા રહે છે અને બગલાની જેમ માત્ર મૌનનું સેવન કરે છે. એ મૌનને સૅમિયોસિસમાં આમેજ કરતાં હું ખચકાઉં છું કેમ કે ત્યારે વર્બલ કે નૉનવર્બલ એકેય સંજ્ઞા નથી પ્રગટી હોતી, સિવાય કે હું મૌનને સંજ્ઞા ગણી લઉં.

કેટલાક તો શોકાંજલિને પણ લાઇક કરતા હોય છે, કેટલાક ટ્રૉલ કરતા હોય છે, ગાળો પણ લખતા હોય છે. એવી તમામ કુચેષ્ટાઓને ઍન્કોડિન્ગ તો કહેવાશે જ, એ અર્થ તો આપશે જ, પણ એ અર્થ ઍડ્રેસી માટે વ્યર્થ હશે. ત્યારે ઍડ્રેસી ચૂપ રહે તો એ ચુપકીદી ડીકોડિન્ગ ગણાય કે કેમ તે પ્રશ્ન છે, સિવાય કે ઍડ્રેસી ચુપકીદીને સંજ્ઞા ગણી લે; પણ એની એ ક્રિયાથી કૉમ્યુનિકેશન સાર્થક ઠરશે.

ઘણા લોકો પોતાનો ફોટોગ્રાફ મૂકે છે એ ફોટો પણ ઍન્કોડિન્ગ છે અને મૅસેજનું કામ કરે છે. ઍડ્રેસી એને ડીકોડ કરે છે કેમ કે ફોટો રૂપાળી યુવતીનો હોય છે, એને રસ પડી જાય છે અને એ લવારાછાપ વળતા મૅસેજીસ મોકલવા માંડે છે – જેને કાવ્યશાસ્ત્રીઓ પ્રેમાલાપ કહે છે. પણ પરિણામ, વિલાપમાં આવે છે.

“ઍન્કોડિન્ગ ઍન્ડ ડીકોડિન્ગ ઇન ધ ટેલિવિઝન ડિસકોર્સ” શીર્ષક હેઠળ ૧૯૭૩માં સ્ટુઅર્ટ હૉલે મીડિયા મૅસેજ (મારું “મીડયા મૅસેજ” નામનું પુસ્તક છે) વિશે ઉપકારક અધ્યયન પીરસ્યું છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો એ કર્યો છે કે દર્શકો પોતાના સામાજિક સંદર્ભો અંગેની પોતાની શ્રદ્ધા અનુસાર મૅસેજીસને ડીકોડ કરતા હોય છે. સાચું, ’સાસ ભી કભી બહુ થી’ -ને યુરપઅમેરિકાની પ્રજાઓ કેમની ડીકોડ કરવાની’તી? વળી, હૉલ અનુસાર, સંઘબળે દર્શકો મૅસેજીસને બદલી શકતા હોય છે. દર્શકો ઍગ્રીમૅન્ટ, નૅગોશિયેશન કે ઑપોઝિશનનો આશ્રય કરતા હોય છે – સમ્મતિ – ચર્ચા કે વિરોધ.

હૉલની આ વાત જૂની છતાં એકદમ સાચી એ રીતે છે કે આજે તે પ્રેસ ન્યૂઝચેનલ્સ અને ફિલ્મ જેવાં સમૂહમાધ્યમોને એટલી જ લાગુ પડે છે. તાજેતરમાં આપણે ‘કાશ્મીર ફાઇલ્સ’ કે ‘પઠાણ’ વિશેના વિવાદોમાં દર્શકો વડે થતા ડીકોડિન્ગ્સનાં પરિણામોને જાણી ચૂક્યા છીએ.

જોવા બેસીએ તો હરેક સાઈન-પ્રોડક્ટ જોડે માણસો સમ્મતિ, ચર્ચા કે વિરોધની રીતે જ વર્તે છે. સંકેતવિજ્ઞાનીઓનું મન્તવ્ય છે કે મનુષ્યજાતિ બીજા જીવોની સરખામણીમાં વધારે તો ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગના નિયન્ત્રણ હેઠળ જીવે છે, કૉમ્યુનિકેશન્સ સાધે છે.

પણ રોલાં બાર્થ  એમાં ઉમેરણ કરે છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંભવતાં કૉમ્યુનિકેશન્સ મોટેભાગે અભાનપણે જ થતાં હોય છે. એ કારણે મનુષ્યોને જોડનારી કડીઓને તેમ જ તેમણે ઊભાં કરેલાં અર્થઘટન-માળખાંઓને રોલાં બાર્થ ‘મિથ’ કહે છે. બાર્થ એટલે લગી કહે છે કે મિથ્સ સંસ્કૃતિના પ્રત્યેક સંવિભાગમાં પ્રસરીને જામી હોય છે. આ હકીકત વૈયક્તિક વાતચીતોમાં તેમ જ જાહરખબરો અને સમૂહમાધ્યમોની પ્રોડક્ટ્સમાં પણ સ્થિર થયેલી છે.

સામાન્યપણે, મિથમાં ઇતિહાસ પુરાણગાથા કલ્પના માન્યતા ભ્રાન્ત માન્યતા વગેરે તત્ત્વો રસાયાં હોય છે. પણ બાર્થ અર્વાચીન કે આધુનિક મિથ્સની વાત કરે છે. એમની એ પુસ્તિકા “માયથોલોજીસ”-ની વાત હવે પછી.

= = =

(Jan 21, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પર્યાવરણને નાખો વખારે!! વિકાસ કોના અને શેના ભોગે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 January 2023

ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી. 

ચિરંતના ભટ્ટ

હિમાલયના ઢાળ પર 1874 મીટર ઊંચાઇ પર આવેલા જોશીમઠની વલે થવા બેઠી છે. આ શહેર ડૂબી રહ્યું છે, ફસડાઇ રહ્યું છે અને વાત માત્ર આ શહેરની નથી, પણ આસપાસની બીજી વસ્તીઓ પણ જોખમમાં છે. રોજે રોજ લોકોને ખસેડવાની ખબરો અને લોકોને માટે સલામત સ્થળ શોધવાની સરકારી ભાંજગડની વાતો સામે આવતી રહે છે. આ આફત માનવ સર્જિત છે અને હજી તો તેની શરૂઆત થઇ છે. પહેલાં આપણે જંગલોનો દાટ વાળ્યો, હજી પણ એ તો ચાલી જ રહ્યું છે અને એને આપણે રૂપકડું નામ આપ્યું વિકાસ –  “ડેવલપમેન્ટ” – આ કારણે માણસો અને વન્ય સૃષ્ટિ વચ્ચે સંઘર્ષના બનાવો થતા રહે છે. આપણને – માણસ જાતને, બસ, બધું જોઇએ છે, માલિકી કરી લેવી છે જે મળે ત્યાં, જગ્યા જોઇએ છે. મહાનગર મુંબઈ પણ દર વર્ષે 2 મિલીમીટર જેટલું દરિયામાં ડૂબી રહ્યું છે એવું સંશોધન થઇ ચૂક્યું છે. 2050 સુધીમાં મુંબઇ આખે આખું ડૂબી જાય તેવી વકી છે, ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વિશ્વના જે 12 શહેરો ડૂબી જાય તેવી શક્યતા છે, તેમાં દક્ષિણ મુંબઈના હિસ્સાઓ પણ છે જે અરબી સમુદ્રમાં ગરકાવ થઇ જશે. વિકાસને નામે આપણે જંગલો, દરિયા, નદીઓ અને પહાડો પર વર્ચસ્વ જમાવ્યું, એમ માનીને કે આપણને વળી કોણ સવાલ કરશે? આજે માણસો જ હેરાન થઇ રહ્યા છે પણ જે માણસો થકી જ થઇ છે એ ભૂલ પર નજર કરી તેને સ્વીકારીને ધરમૂળથી પરિવર્તન કરવાની દિશામાં હજી કોઇ નક્કર પગલાં લેવાતાં હોય એવું લાગતું નથી. પ્રકૃતિ હવે જવાબ માગે છે – ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી.

જોશીમઠમાં જે હાલ થયા એની પાછળ અવગણના એક મોટું કારણ છે. અવગણના આ હકીકતોની – હિમાલય વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા છે એટલે તેના ઢાળમાં સ્થિરતા ન હોય, તે ઢીલી માટી પર ઘડાયેલા હોય એટલે ત્યાં ભેખડો ધસી પડવાની ઘટના સામાન્ય છે. વળી આ પ્રદેશને જ્યાં ધરતીકંપ વારંવાર થઇ શકે તેવો સંવેદનશીલ જાહેર કરાયો છે. આ તો નજર સામેની હકીકતો છે પણ પછી પર્યાવરણમાં આવતા નકારાત્મક પરિવર્તનો જેવા કે કમોસમી વરસાદ વગેરે પણ અણધારી બનતી ઘટનાઓ છે. મૂળે આ એવો પ્રદેશ છે જે બહુ સંવેદનશીલ છે – અને આ વાત જગજાહેર છે પણ છતાં પણ વિકાસને નામે અંધાધૂંધ બાંધકામ આપણને ચાલે છે. હા આ પ્રદેશમાં પણ રસ્તા, ગટર વ્યવસ્થા, રહેઠાણો હોવા જોઇએ પણ તેમાં પ્લાનિંગને નામે બિનશરતી કામ થાય છે તે શા માટે થવું જોઇએ? શું બંધ બાંધવામાં બાહોશ એન્જિનિયર્સને એ દેખાશે જ નહીં કે 520 મેગાવોટ તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ પણ જોશીમઠની આ હાલતનું કારણ છે? 2021થી આજ સુધી આ જ વિસ્તારમાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યાં, ભેખડો ધસી પડવાના બનાવો થયા જેને કારણે ઋષિગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ધોવાઇ ગયો અને 200 જણનાં જીવ પણ ગયાં. જેટલી પણ કુદરતી આફતો આવે છે તેમાં સીધો સંદેશ છે કે પ્રકૃતિનો – દરિયા, પહાડો, નદીઓ, જંગલો – તમામનો આદર કરતાં શીખો. તમે બોગદાં બાંધો, રોડ બાંધો અને ઘર ખડા કરી દો તે પહેલાં પ્રકૃતિની ક્ષમતા, તેની સગવડ, તેને થનારા નુકસાનની પણ ગણતરી કરો. આ વિસ્તારની નદીઓમાં એટલી તાકત છે કે તે એનર્જી પેદા કરી શકે, એની ના જ નથી પણ આપણે પેલી કહેવત પણ તો યાદ રાખવી પડે, “મીઠાં ઝાડનાં મૂળિયાં ન કપાય”, કેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનો બોજ આ નદી પર નાખવો જોઇએ – આ પ્રોજેક્ટ ખડા કરવાથી થતું નુકસાન ઓછામાં ઓછું હોય એવી રીતે પ્લાનિંગ થઇ શકશે ખરું? કોઇપણ પ્રદેશની સંવેદનશીલતા પ્રત્યે વિકાસ લક્ષી નેતૃત્વ અને કામ કરનારા એન્જિનિયરિંગ કોર્પોરેશન ક્યાં સુધી આંખ આડા કાન કરશે? વસાહતો અને શહેરો ધસી જવા માંડે, ડૂબી જવા માંડે ત્યાં સુધી?

સરકારી સમિતિમાં ગંગા અને એના પ્રવાહોને કાબૂમાં કરવાની વાતો થઇ હોવાનું તે સમિતિનો હિસ્સો રહી ચૂકેલા પર્યાવરણવાદીઓએ નોંધ્યું છે. નદીના વહેણ પ્રમાણે પ્રોજેક્ટ ન બને પણ પ્રોજેક્ટ માટે નદીનું વહેણ બદલી નાખવાની વાત થાય – આ કેટલું તાર્કિક છે? ક્લીન એનર્જીની લ્હાયમાં આપણે કુદરતી મર્યાદાઓ ભૂલી જઇને તે પ્રદેશની બાયોડાઇવર્સિટીને જોખમમાં મૂકી રહ્યા છીએ. ઉત્તરાખંડે 2021 અને 2022માં તારાજી જોઇ છે, હજી કેટલી એવી દુર્ઘટનાઓ આપણે થવા દેવી જોઇએ? વળી આપણે આ નુકસાન હમણાં જ વેઠ્યાં છે એમ નથી, 2013માં કેદારનાથની ઘટનામાં ગ્લેશિયર ડિઝાસ્ટરમાં ૧૦૦૦એ જીવ ગુમાવ્યો હતો.

આ તો જોશીમઠની વાત છે પણ મુંબઈ પર થયેલું સંશોધન પણ એક નકારી ન શકાય હકીકત છે તો ઝારખંડના ઝારિયામાં કોલસાની ખાણોમાં જે રીતે આડેધડ કામ થાય છે તેના કારણે પણ જંગલનો સફાયો, ભૂગર્ભ જળની ગુણવત્તા પર અસર – હવા અને જમીનના પ્રદૂષણના પ્રશ્નો, મહાકાય ઢગલાઓને કારણે જમીનનું ધોવાણ, કોલસાની રાખના થર, કોલસાના ઢગલા જેવી સમસ્યાઓ થાય છે જે માણસજાત અને પ્રાણી જીવનની સુરક્ષા ખોરવી રહી છે. જ્યાં અધધધ કોલસો છે એવા ઝારખંડમાં સ્કૂલ કે હૉસ્પિટલમાં વીજળીના વાંધા છે. આપણો આધાર કોલસાથી મળતી ઊર્જા પર જ છે અને રિન્યુએબલ એનર્જીની વાતો કરનારા કોલસાની કામગીરીને બંધ કરી દેવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. બીજી તરફ દર વર્ષે પૂરમાં હેરાન થનારું આસામ છે જ્યાં સાથે પ્રાણી અને માનવ જાત વચ્ચેનો સંઘર્ષ પણ સપાટી પર તરી આવે છે.

રિન્યુએબલ એનર્જીની વાત થાય ત્યારે એ પણ ગણતરીમાં લેવું પડે કે જ્યારથી ભા.જ.પા.ની સત્તા આવી છે ત્યારથી સમાજવાદી રાષ્ટ્ર ગણાતા આપણા દેશમાં રિન્યુએબલ એનર્જીમાં રોકાણો બમણાં થયાં છે પણ આ બધાં રોકાણ ખાનગી કંપનીઓએ કરેલાં છે. રિન્યુએબલ એનર્જીનું ખાનગીકરણ જે રીતે થઇ રહ્યું છે એ જોતાં આમ જનતાના ગજવા પર એનો ઝટકો કેવો હશે એની તો કલ્પના જ કરવી રહી.

બાય ધી વેઃ

વિકાસની વાતો પર્યાવરણને ગણતરીમાં લઇને કરવાની આપણી અણઆવડત વિનાશ નોતરશે. અત્યારે પણ એ થઇ જ રહ્યું છે પણ આપણામાં એ સ્વીકારવાની દાનત કે હિંમત બન્ને ય નથી. આપણા દેશમાં ઊર્જાની જે રીતે માગ છે એ જોતાં આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટ ચેન્જની દિશામાં ઝડપથી ચાલવું પડશે અને નક્કર પગલાં લેવાં પડશે. વૈશ્વિક સ્તરે ભારત ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવતા હોય તેવા 7 ટકા તત્ત્વો ઓકે છે અને વિકાસની સાથે આ આંકડો પણ વિકસશે. આવનારી પેઢીઓનું અને આ પૃથ્વીનું ભવિષ્ય સુધ્ધા વૈશ્વિક નેતૃત્વના અભિગમ પર આધારિત છે. આપણે અશ્મિગત ઇંધણ પરનો આધાર ઘટાડીશું તો કદાચ કંઈ મેળ પડે, બાકી જોશીમઠ વાળી જુદાં જુદાં ભૌગિલક સ્થળો પર સમયાંતરે થતી રહેશે અને આપણે પર્યાવરણની હાયપીટ કર્યા કરીશું પણ કોઇ નક્કર રસ્તો નહીં મળે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 January 2023

રમેશ ઓઝા

આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમ જ ભારતીય જનસંઘના નેતાઓ એ ચુકાદો માથે લઈને નાચ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાના ઓવારણા લેવામાં તેમણે કાંઈ બાકી નહોતું રાખ્યું. આનું એક પ્રમાણ લાલકૃષ્ણ અડવાણીનું જ આપું. ગયા અઠવાડિયે અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ અડવાણીની આત્મકથામાંથી એક હિસ્સો પ્રકાશિત કર્યો છે જેમાં અડવાણી લખે છે કે જે દિવસે બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર સંસદ અને સંસદમાં બેસનારા રાજકારણીઓને આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે અને સરમુખત્યારશાહીના પાગરણ થશે. બી.જે.પી.ના ધનગરોએ તેમના નેતાની આત્મકથા વાંચી નથી લાગતી.

આજે અડવાણી ચૂપ છે. એક શબ્દ બોલતા નથી. આ પણ એક ખેલ છે. પોતાને જણાતી પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાને જોઈએ એવી અનુકૂળતા પેદા કરવા માટે પ્રતિકૂળતાની તરફેણમાં અને અનુકૂળતાઓના વિરોધમાં બોલવાનું કે જેથી આપણી અનુકૂળતાઓનો વિરોધ કરનારાઓ આપણને બાજુમાં બેસાડે. જયપ્રકાશ નારાયણ અને કેટલાક સમાજવાદીઓ આ રીતે જ ભરમાયા હતા. તેમને એમ લાગ્યું હતું કે આ ભાઈઓ આપણી ભાષા બોલે છે એટલે આપણી સાથે છે અને તેમને પણ આપણી કલ્પનાનું જ રાષ્ટ્ર જોઈએ છે. જો ખરેખર લાલકૃષ્ણ અડવાણીને જયપ્રકાશ નારાયણ અને બીજાની કલ્પનાનું ભારત જોઈતું હોત તો તેમણે ધનગરોનો વિરોધ કર્યો હોત. એને વફાદાર રહ્યા હોત જે ભાષા તેઓ બે દાયકા પહેલાં બોલતા હતા. અત્યારે લોકશાહીપ્રેમ ક્યાં જતો રહ્યો?

આ આત્મકથા ૨૦૦૬માં પ્રકાશિત થઈ હતી અને ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. એ પહેલાં શું થયું હતું ખબર છે? એ પહેલાં ૨૨મી ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ વાજપેયી સરકારે દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ એમ.એન. વેંકટચેલૈયાના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી હતી જેને ભારતનાં બંધારણની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. એ કમિશનનું નામ હતું; ધ નેશનલ કમિશન ટુ રીવ્યુ ધ વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યૂશન.’ ઈરાદો બંધારણમાં ફાંકુ પાડવાનો હતો. વળી ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કોઈ મેધાવી પ્રતિભા ધરાવનારા કાયદાવિદ હોવાની કોઈ પ્રતિષ્ઠા નથી ધરાવતા. વાજપેયી-અડવાણીને એમ કે એક મીડિયોકર ન્યાયમૂર્તિનું બનેલું કમિશન કહેશે કે બંધારણ ખામીગ્રસ્ત છે અને તેમાં પરિવર્તનો કરવા પડે એમ છે. આપણને બંધારણમાં ફેરફાર કરવા માટેનું કારણ મળી રહેશે. તેમનાં દુર્ભાગ્યે કમિશને કહ્યું કે ભારતનું બંધારણ કોઈ ગંભીર ખામીઓ ધરાવતું નથી અને તેનાં બેઝીક સ્ટ્રક્ચરને તો હાથ પણ નહીં લગાડવો જોઈએ. બંધારણમાં ફાંકુ પાડવાનો તેમનો ઈરાદો નિષ્ફળ નીવડ્યો. એ પછી ચૂંટણી યોજાઈ, બી.જે.પી.નો પરાજય થયો, લાલકૃષ્ણ અડવાણીને લાગ્યું કે મંઝિલ હજુ દૂર છે એટલે અનુકૂળતા પેદા કરવા સારુ અનુકૂળતા સામેની પ્રતિકૂળતાની ભાષા બોલવી પડશે. માટે તેમણે તેમની આત્મકથામાં બેઝીક સ્ટ્રક્ચરનો મહિમા કર્યો હતો.

જો એમ ન હોત તો તેમણે તેમના પક્ષના આજના શાસકોને ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કમિશનના અભિપ્રાયની યાદ અપાવી હોત જેની રચના ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે પોતે કરી હતી. પણ એક શબ્દ નથી બોલતા. હકીકતમાં કમિશનની રચના જ બંધારણમાં ફાંકુ પાડવા માટે કરી હતી. તેમની કારી ફાવી નહીં એ જુદી વાત છે. આ બધા એક જ વેલાના તુંબડા છે, જે હિંદુરાષ્ટ્ર માટેની અનુકૂળતા પેદા કરવા માટે અલગ અલગ સમયે, અલગ અલગ ચહેરા ધારણ કરીને અલગ અલગ ભાષા બોલે છે. આજે અટલ બિહારી વાજપેયી હોત તો તેઓ પણ ચૂપ રહ્યા હોત. તેમના ગુરુ સાવરકર કહી ગયા છે કે સત્યનિષ્ઠા અને એકનિષ્ઠા સદ્દગુણ નથી, પણ સદ્દગુણવિકૃતિ છે. હિંદુઓએ દુર્ગુણોની ઉપાસના કરીને એક નવી દુર્ગુણસંસ્કૃતિ વિકસાવવી પડશે.

તો વાત એમ છે કે અત્યારે તેમને હિંદુરાષ્ટ્રની નજીક જવાની અનુકૂળતા નજરે પડી રહી છે, પણ એમાં આડખીલીરૂપ છે બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને હાથ નહીં લગાડવાનો સર્વોચ્ચ અદાલતનો ૧૯૭૩નો કેશવાનંદ ભારતીવાળો ચુકાદો. એ આડખીલી દૂર કરવી હોય તો સર્વોચ્ચ અદાલતમાં એવા જજોની નિયુક્તિ કરવી જોઈએ જે બહુમતીથી એ ચુકાદો ઉલટાવી આપે. બીજા શબ્દોમાં કહીએ તો અનુકૂળ જજો. ગોદી જજો. બીકાઉ જજો. અને આજે એવા જજો એક માગો તો દસ મળી શકે એમ છે. સવાલ છે તેમને, ગોદીજજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચાડવા કેવી રીતે? અને બંધારણને વફાદાર, બુદ્ધિમાન અને ખુદ્દાર જજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા રોકવા કઈ રીતે? જે લોકો એક સમયે ન્યાયમૂર્તિ ખન્નાને લઈને નાચતા હતા એ લોકો અત્યારે ન્યાયમૂર્તિ ખન્નાને ન્યાયતંત્રની બહાર રાખવાની પેરવી કરી રહ્યા છે.

જો ઇન્દિરા ગાંધી ત્યારે બંધારણ ફગાવીને વિધિવત્ સરમુખત્યાર બન્યાં હોત તો એ સેક્યુલર સરમુખત્યારશાહી હોત અને તેમાં હિન્દુત્વની ખો નીકળી ગઈ હોત એટલે સંઘપરિવાર લોકશાહીની ચિંતા કરતો હતો. તેમને જાણ હતી કે લોકશાહી માર્ગે જ પૂરી બહુમતી સાથે દિલ્હી સુધી પહોંચી શકાશે, જો સરમુખત્યારશાહી આવી તો જિંદગી જેલમાં વિતાવવી પડશે. પાકિસ્તાનમાં, ઈરાકમાં, લિબિયામાં, ઈરાનમાં અને બીજા કેટલાક મુસ્લિમ દેશોમાં આવું જ બન્યું હતું. ત્યાંનાં સરમુખત્યારો સેક્યુલર સરમુખત્યારો હતા. (પાકિસ્તાનના જનરલ ઝિયા આમાં એક માત્ર અપવાદ છે) ખોમેનીઓ અને મૌલવીઓ જેલમાં સડતા હતા. હિન્દુત્વવાદીઓની જેમ એ લોકો પણ ત્યારે રાષ્ટ્રવાદીની સાથે સાથે પાક્કા લોકશાહીવાદી હતા. એ પછી સત્તા પલટો થયો અને ત્યાં લોકશાહી માર્ગે ઇસ્લામના નામે સરમુખત્યારશાહી આવી. લોકશાહી માટેની તેમની નિસ્બત ખપ પૂરતી હતી. એ પણ કેવી વિડંબના! જગત આખામાં મોટા ભાગે સરમુખત્યારો સેક્યુલર, બેવડાં ધોરણ નહીં અપનાવનારા, નિર્દયી હોવા છતાં પ્રામાણિક હતા અને તેની સામે બહુમતી પ્રજાના હિતમાં લોકશાહીનો જાપ જપનારાઓ નથી સેક્યુલર અને નથી લોકશાહી માટે સાચી નિસ્બત ધરાવનારા. માટે અમેરિકા અને યુરોપના વિકસિત દેશો મુસ્લિમ દેશોમાં સરમુખત્યારોને પ્રોત્સાહન આપતા હતા અને પ્રજાના કહેવાતા નેતાઓને ઘાસ નહોતા નાખતા.

અડવાણી અત્યારે ચૂપ છે અને ઘનગરો સક્રિય છે એનું કારણ સમજાઈ ગયું હશે.

હવે મોકો મળ્યો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2911,2921,2931,294...1,3001,3101,320...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved