Opinion Magazine
Number of visits: 9458676
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Justice for Bilkis : બિલ્કિસને ન્યાય / The Indian Expressનો તંત્રીલેખ 

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 August 2022

વડા પ્રધાને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રવચન આપતાં દેશવાસીઓને કહ્યું : ‘મારા મનની વેદના છે કે આપણે સ્ત્રીનું અપમાન કરીએ છીએ. આપણે રોજબરોજની જિંદગીમાં સ્ત્રીનું અપમાન કરવાની વૃત્તિને સ્વભાવ અને સંસ્કાર થકી છોડી ન શકીએ ?’ આ ઉપરાંત પણ મોદીએ ભાષણમાં નારી શક્તિનું ગૌરવ કર્યું.

બરાબર એ જ દિવસે એ ભાષણનું શબ્દશ: ઉલ્લંઘન કરતો નિર્ણય ગુજરાત સરકારે લીધો. તેણે બિલ્કિસ બાનુ પર સામૂહિક બળાત્કાર કરવાના ગુના માટે આજીવન કેદ ભોગવતા 11 અપરાધીઓને સજામાંથી મુક્ત કર્યા. તેમને સી.બી.આઈ. કોર્ટે 2008માં બળાત્કાર ઉપરાંત બિલ્કિસની ત્રણ વર્ષની દીકરી અને બીજી 13 મુસ્લિમ વ્યક્તિઓની હત્યા માટે ગુનેગાર ઠેરવ્યા હતા.

ગુજરાતમાં 2002ના હિંસાચાર પછી ચાલેલી ન્યાયની ખોજ અને પ્રક્રિયાના કેન્દ્રસ્થાને હોય તેવા બિલ્કિસ બાનુ કેસના ગુનેગારોને સજામાંથી મુક્તિ મળે એ પારોઠના આઘાતજનક પગલાં છે. 2002ના જઘન્ય અપરાધોના ગુનેગારોને સજા અપાવવા માટે ભારે અવરોધોની વચ્ચે પણ ચાલેલા મુશ્કેલ કાનૂની જંગને આ સજામુક્તિથી ભારે ફટકો પડ્યો છે.

ગોધરાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી. એ ગાળામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામમાં રહેતી બિલ્કિસ અને તેનો બહોળો પરિવાર 3 માર્ચ 2002ના રોજ ગામમાંથી ભાગીને જઈ રહ્યો હતો. તે વખતે ઝનૂની ટોળાંએ તેમના પર હુમલો કર્યો.

ન્યાય માટે બિલ્કિસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસે ગઈ એટલે પછી સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કર્યો. બિલ્કિસને મારી નાખવાની ધમકીઓ મળી એટલે સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી મુકદ્દમો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લઈ  જવામાં આવ્યો.

સી.બી.આઈ. કોર્ટનો ચૂકાદો મુંબઈની વડી અદાલતે 2017માં માન્ય રાખ્યો અને તેણે વધુમાં 2019માં બિલ્કિસને 50 લાખ રૂપિયાનું વળતર પણ જાહેર કર્યું. અદાલતે આ કેસની તપાસ કરનાર પોલીસને પણ દોષિત ઠેરવી. હુમલાખોરો બિલ્કિસના ગામના જ છે એટલે મોતના ડરથી તે ઘરે પાછી ફરી શકતી નથી.

સજામુક્તિ એક કાનૂની જોગવાઈ છે. રાજ્ય સરકાર રચિત પ્રિઝન બોર્ડ જેમણે 14 વર્ષ જેલમાં વીતાવ્યા હોય તેવા કેદીઓને મુક્તિ આપે એ સામાન્ય બાબત છે. પણ જઘન્ય યૌન ગુનાઓ આચરનાર અપરાધીઓને સજા મુક્તિ આપવામાં આવે તેવું જવલ્લે જ બને છે. પણ અત્યારે આવા ગુનાના અપરાધીને બિલ્કિસ કેસમાં સજા – મુક્તિ આપવામાં આવી છે. આ કિસ્સો શિરસ્તો ન બની જાય તે ચિંતાને નજરઅંદાજ કરી  શકાય તેમ નથી.

સર્વોચ્ચ અદાલતની ભૂમિકા ચિંતા અને નિરાશા જન્માવનારી છે. આ અદાલતે બિલ્કિસ અને ગુજરાતના રમખાણોનો ભોગ બનેલાં પીડિતોને ન્યાય મળે તે માટે હસ્તક્ષેપ કર્યો હતો. પણ તેણે જ બિલ્કિસ સામેના એક ગુનેગારને આ વર્ષે મે મહિનામાં સજા મુક્તિ માટેની અરજી કરવાની મંજૂરી આપી. આ મંજૂરીને આધારે રાજ્ય સરકારે પ્રિઝન બોર્ડ બનાવ્યું કે જેણે 11 ગુનેગારોની મુક્તિનો આદેશ આપ્યો.

સર્વોચ્ચ  અદાલતે  વધુ  એક વાર  વચ્ચે પડવાની  જરૂર  છે. એણે એક એવી  સ્ત્રી  માટે  બોલવાની જરૂર છે કે જે અનેક ધમકીઓ અને જોખમો વચ્ચે ન્યાય મેળવવા માટે અડગ રહીને હિમ્મતભેર લડી છે.

અદાલતે સજા મુક્તિ પાછી ખેંચી લેવાનો આદેશ આપવો જોઈએ. ગુજરાતના રમાખાણોના વીસ વર્ષ બાદ બિલ્કિસ બાનુ પરના અત્યાચાર કરનાર ગુનેગારો છૂટી ગયા છે. રમખાણ પીડિતોને ન્યાય અપવવા માટે લડનારાં ધારાશાસ્ત્રી તિસ્તા સેતલવાડ અને પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમાર કેદમાં છે. તેમને જેલમાં ધકેલવાનું નિમિત્ત પોલીસને અદાલત પાસેથી મળ્યું છે. એનો ચુકાદો એફ.આઈ.આર.નો પાયો બન્યા.

સર્વોચ્ચ અદાલતે બિલ્કિસ બાનુને થયેલો અન્યાય ફરી પાછો ન્યાયમાં ફેરવાય તે જોવાનું છે. આમાં દાવ પર શું  લાગેલું છે તે અદાલત જાણે છે.

The Indian Express, 17 August 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બળાત્કારીઓનું તિલક/આરતી કરીને મહિલાઓ સ્વાગત કરે; એ શરમજનક બાબત નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 August 2022

વડા પ્રધાને 15 ઓગષ્ટ 2022ના રોજ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર જોગ પ્રવચન કર્યું ત્યારે મહિલાઓનું અપમાન સહન નહીં કરવા હાકલ કરી; અને તે દિવસે જ ગુજરાત સરકારે ગેંગરેપ / સામૂહિક હત્યા સબબ આજીવન કારાવાસ ભોગવતા 11 કેદીઓને જેલમુક્ત કરી દીધાં ! કેવો વિરોધાભાસ? ગુજરાત સરકાર આ પહેલાં MLA પોપટભાઈ સોરઠિયાના હત્યારાને આજીવન કેદની સજા સુપ્રિમ કોર્ટે કરી હતી; તેને પણ જેલમુક્ત કરી દીધો હતો !

 

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતા સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી હિન્દુઓ વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! 3 માર્ચ 2002ના રોજ બિલ્‌કીસ બાનોના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી; તેમાં બિલ્‌કીસની 4 વર્ષની દીકરી સાલેહાની જમીન ઉપર પછાડીને હત્યા કરવામાં આવી હતી ! બિલ્‌કીસ બાનો ઉપર ગેંગ રેપ કરવામાં આવેલ. આ ઘટના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બની હતી; તે વખતે બિલ્‌કીસની ઉંમર 21 વર્ષની હતી; અને તે પ્રેગન્ટ હતી. આ ઘટનામાં પ્રથમ ધરપકડ 2004માં થઈ હતી ! આશ્ચર્યની / દુ:ખની બાબત એ છે કે 11 કેદીઓને જેલમુક્ત કર્યા ત્યારે મહિલાઓ દ્વારા તેમનું તિલક / આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું; મીઠાઈ વહેંચી ઊજવણી કરવામાં આવી; તેમને પગે લાગી આશીર્વાદ લીધા ! ગેંગરેપ / હત્યાના આ કેસમાં ગુજરાત પોલીસે ઠાગાઠૈયા કર્યા હતા. બિલ્‌કીસને ગુનેગારો તરફથી ધમકીઓ મળતી હતી તેથી 2 વરસમાં 10થી વધુ વખત ઘર બદલવું પડ્યું હતું ! સુપ્રિમ કોર્ટે આ ઘટનાની તપાસ CBIને સોંપી હતી. અને ઓગષ્ટ 2004માં, કેસ મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. તત્કાલિન CMને (હાલના PMને) બહુ માઠું લાગ્યું હતું ! 21 જાન્યુઆરી 2008ના રોજ CBI કોર્ટે 13 આરોપીઓને સજા કરેલ; તેમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. હેડ કોન્સ્ટેબલ સોમાભાઈને આરોપીઓને બચાવવા સબબ 3 વર્ષની સજા થઈ હતી. મે 2017માં મુંબઈ હાઈકોર્ટે સજા કાયમ રાખી હતી. કેદીઓ 14 વરસ જેલમાં રહ્યા હતા.

થોડાં પ્રશ્નો :

[1] જેલમુક્તિ અંગે BBCએ બિલ્‌કીસ બાનોના પતિ યાકૂબનો ઈન્ટરવ્યૂ લીધો છે, જે ફેસબૂક ઉપર છે; તેમાં ભક્તોની કોમેન્ટ છે કે ‘બિલકુલ નિર્દોષ 58 હિન્દુઓને સળગાવી દીધા, એની ચર્ચા કેમ કરતા નથી? BBC એક તરફી છે !’ કટ્ટરતા હિન્દુની હોય કે મુસ્લિમની; વિનાશક / જંગલી / અમાનવીય હોય છે; એટલું ભક્તો સમજી શકતા નથી; તેમના માનસમાં IT Cell / ગોદી મીડિયાએ મુસ્લિમો વિશે ઠાંસીઠાંસીને નફરત ભરી દીધી છે ! વડા પ્રધાન ‘એકતા’ની વાત કરે છે; અને તેમના ભક્તો નફરતનું ઝેર ફેલાવ્યા કરે છે ! કેવી કાર્ય વહેંચણી?

[2] ગેંગ રેપ / હત્યા સબબ આજીવન કેદ ભોગવતા 11 આરોપીઓને જેલમુક્ત કરવાનું પગલું મહિલાઓ માટે વિનાશકારી નથી? શું આ રીતે મહિલાઓનું સન્માન થશે? આ રીતે મહિલાઓની સુરક્ષા દૃઢ બનશે? ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ એ વડા પ્રધાનનું સૂત્ર પોકળ નથી? વડા પ્રધાન અને ગૃહ મંત્રી બન્ને ગુજરાતી છે; તેઓ બન્ને ચૂપ કેમ છે?

[3] NCRB-National Crime Record Bureauના આંકડા મુજબ બળાત્કારના કેસોમાં, 30% થી ઓછા કેસમાં સજા થાય છે; ત્યારે થયેલ સજાને ટૂંકી કરવાનો કોઈ અર્થ ખરો? બળાત્કારના કેટલાંક કિસ્સામાં કેસ રજિસ્ટર જ થતાં નથી; કેસ નોંધાયા પછી વિક્ટિમને, આરોપીઓ હેરાન-પરેશાન કરે છે. આ સ્થિતિમાં બળાત્કાર / હત્યાના દોષિતો સજા મુજબ જેલમાં રહે તે ઉચિત નથી? આજીવન કેદની સજા શા માટે માફ કરવી જોઈએ? બળાત્કારીઓની સજા શા માટે માફ કરવી જોઈએ? વહેલી જેલમુક્તિમાં સમાજને ફાયદો શું?

[4] 2019માં, સુપ્રિમકોર્ટે વિક્ટિમ બિલ્‌કીસ બાનોને 50 લાખનું વળતર ચૂકવવા ગુજરાત સરકારને આદેશ કર્યો હતો, એનો સઅર્થ એ હતો કે બિલ્‌કીસ બાનો સાથે જે થયું તે શરમજનક હતું ! સુપ્રિમ કોર્ટે સજા ફટકારી હોય એવા કેસમાં સરકાર શા માટે ઉદાર બનતી હશે? ઊના કાંડ બાદ દલિતો ઉપરના કેસો / પાટીદાર આંદોલન વેળાના કેસો પરત ખેંચવામાં સરકાર ઉદાર કેમ બનતી નહીં હોય?

[5] વિક્ટિમ બધા મુસ્લિમ હતા અને સજા પામનાર બધા હિન્દુઓ હતા; એટલે ‘બહુમતી હિન્દુઓ’ને રાજી કરવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હશે? ગેંગરેપ / હત્યાઓમાં પણ મત ખંખેરવાની નીતિ?

[6] સત્તાની બલિહારી જૂઓ; બિલ્‌કીસ બાનોને ન્યાય અપાવનાર તિસ્તા સેતલવાડને ખોટા કેસમાં જેલમાં પૂરેલ છે અને ગેંગરેપ / હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલાને જેલમુક્ત કરેલ છે ! શું સત્તાનો આ દુરુપયોગ નથી?

[7] પંચમહાલ જિલ્લાના કલેક્ટરના વડપણ હેઠળની કમિટિએ સજામાફીની ભલામણ કરેલ. શું આ કમિટિએ જાતે નિર્ણય લીધો હશે; તેમ માની શકાય તેમ છે? IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ગુજરાત સરકારે ડિસમિસ કર્યા છે; જેમને CBIએ બિલ્‌કીસ બાનો કેસમાં ફરજ નહીં બજાવવા બદલ એરેસ્ટ કરેલ હતા ! સત્તાપક્ષના નેતાઓ કહે તેમ પોલીસે / વહિવટીતંત્રે કરવાનું ન હોય; એવો બોધપાઠ પોલીસ / વહિવટીતંત્ર લેશે? આ 11 કેદીઓ કરતાં પણ વધુ સમયથી જેટલાં કેદીઓ જેલમાં છે; તેમને સરકાર મુક્ત કરશે? શું સજામાફી કમિટિ / સરકાર ચોક્કસ કેદીઓ માટે જ સંવેદનશીલ હશે?

[8] હિન્દુ મહિલાના બળાત્કારીઓના એન્કાઉન્ટર થાય અને મુસ્લિમ મહિલાના બળાત્કારીઓ માટે જેલમુક્તિ? મહિલા; મુસ્લિમ હોય કે હિન્દુ; એક સરખી નીતિ શા માટે ન હોવી જોઈએ?

[9] ગેંગ રેપ / સામૂહિક હત્યાના કેસમાં સજા ભોગવતા કેદીઓ જેલમુક્ત થાય ત્યારે મહિલાઓ તિલક / આરતી કરીને સ્વાગત કરે; એ શરમજનક બાબત નથી? મુસ્લિમ યુવતી ઉપર બળાત્કાર કર્યો, તે શું સન્માનપાત્ર કૃત્ય છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કવિતા 

હેરમ્બ કુલકર્ણી|Opinion - Opinion|18 August 2022

પ્રિય ઇન્દર મેઘવાલ,

તારા મોતનું ટાઇમિન્ગ ખોટું પડ્યું, દીકરા.

આઝાદીએ આણેલા વિકાસના ઢોલનગારા વાગતા હતા ત્યારે

આશ્ચર્યવાચક અને ઉદ્દગારવાચક ચિહ્નોની સામે,

તારા નાનકડા હાથે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું 

અને વિકાસની ભ્રમણા પણ એક ક્ષણમાં પૂર્ણવિરામ લાગી ગયું.

અણ્ણાભાઉ સાઠે

ડરના માર્યા દોઢ જ દિવસમાં શાળામાંથી કેમ ભાગી ગયા?

– એ સવાલનો જવાબ તારા મોતે આટલાં વર્ષે મને  મળ્યો.

બાબાસાહેબે ચવદાર તળાવ પણ આણેલી ક્રાન્તિને

ઊપરતળે કરનાર તારા શિક્ષકને જોયા પછી 

આ આખી વ્યવસ્થાને જ 

તળાવમાં ડૂબાડી દેવાનું મન થાય છે. 

ચિતા પર ચઢાવી દેવામાં આવેલી સતી,

બાળવિવાહની પરંપરા,

અદાલતની સામેનું મનુનું પૂતળું,

ટોળાંએ પતાવી દીધેલો પહેલુખાન

– આવા આંચકાઓ પછી 

રાજસ્થાનમાં થયેલી તારી હત્યા વધુ એક ક્લાઇમૅક્સ છે.

‘ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ઘડાય છે’ –

 દીકરા, આ વાક્યનો અર્થ જો તારું મોત હોય તો 

ભારતના ભાવિનો મને ડર લાગે છે … 

શિક્ષક કેવો હોઈ શકે … ?

એ દલિતોના મંદિર પ્રવેશ માટે ઉપવાસ પર બેસનારા

વાત્સલ્યમૂર્તિ સાને ગુરુજીને સાચવીને બેઠેલા

અમારા મહારાષ્ટ્રને સમજવામાં થોડું અઘરું પડ્યું,

પણ ખૈરલાંજી જોઈ ચૂકેલા અમને 

ભાન કરાવ્યું કે સાને ગુરુજીનો જમાનો હવે ગયો

અને સરકાર ગમે તેની હોય 

જાતપાતનો કીડો તો દિલોદિમાગને કોરી ખાય જ છે.

આખરે શિક્ષક સમાજને ઘડે છે કે સમાજ શિક્ષકને ?

ઇન્દર, તારા મોતે શિક્ષણવવસ્થાની સામે 

આ સનાતન સવાલ ઊભો કરી દીધો છે.

ડિજિટલ શીક્ષણના ઢોલ પીટતી વખતે

અમારા જાતિવાદી માનસનું ફૉર્મૅટ કેવી રીતે મારવાનું ?

બાબાસાહેબ,

તમે આપેલાં બંધારણનું આમુખ 

અમે નિશાળના ઓરડામાં અમે દરરોજ વાંચીએ છીએ

પણ 

 ભારત તો

તમે જે વર્ગખંડની બહાર બેઠા હતા 

ત્યાં જ અટવાયા કરે છે …

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—————————————————————- 

મરાઠીમાંથી અનુવાદ : સંજય સ્વાતિ ભાવે 
17 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2841,2851,2861,287...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved