Opinion Magazine
Number of visits: 9458473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીંડું

બીજલ જગડ|Opinion - Opinion|24 August 2022

મૌનમાં સ્થિર મર્મસ્થાને ખુદ કેન્દ્રમાં જડી જાય,

બધી વાણી ડહાપણની જ્યારે જ્યારે શમી જાય.

એક મીંડું અંદર બેઠું છે તગ તગ તાગી રહ્યું,

ચિત્તતંત્ર અનોખી દુનિયાનો મુખ પ્રેક્ષક બની જાય.

ઊંડે .. ઓર .. ઊંડે .. આ વમળમાં ઉતરતા જ,

મનની અંદર પળમાં *હું પણાને મારું* શમી જાય.

એક કોમળ કળી પર ઝાકળ ને અંદર ગેબી નાદ,

પરમ આનંદની અનુભૂતિ પળ ભરમાં થઈ જાય.

અહમના વળ જ્યારે જ્યારે બ્લેક હોલમાં ડૂબે,

સકળ બ્રહ્માંડમાં ખુદને મળી માણસ તરતો જાય.

લાંબી સફર છે જીવન યાત્રા તો શેની સકળ ડખળ,

હાથના ટેરવા ફરતા રહે જન્મ જન્મ જો જાય.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 August 2022

14-19 ઓગષ્ટ 2022 દરમિયાન અમેરિકાના વર્જિનિયા અને મેરીલેન્ડ સ્ટેટનો પ્રવાસ કર્યો. અમેરિકા શા માટે વિકસિત છે, તેનો જવાબ તેમની યુનિવર્સિટીમાંથી મળે છે. 17 ઓગષ્ટના રોજ UVA-યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની મુલાકાત લીધી. આ યુનિવર્સિટીની સ્થાપના 1819માં, થોમસ જેફરસને (13 એપ્રિલ 1743-4 જુલાઈ 1826) કરી હતી. આ યુનિવર્સિટીનો સમાવેશ UNESCO World Heritage Siteમાં થયો છે. થોમસ જેફરસન 4 માર્ચ 1801થી 4 માર્ચ 1809 સુધી અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા. તેઓ લોકશાહીના હિમાયતી / લેખક / સંગીતકાર / દાર્શનિક / archaeologist / architect હતા. તેઓ અમેરિકાના સ્થાપકો માંહેના એક હતા. The Declaration of Independence – સ્વતંત્રતાની ઘોષણાનો (4 જુલાઈ, 1776) મુસદ્દો ઘડનાર પ્રમુખ લેખક હતા. તેમાં આ પ્રસિદ્ધ વાક્ય લખ્યું હતું : ‘all men are created equal – બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે.’ તેમને પુસ્તકોનો ગજબ શોખ હતો. તેમણે 10 જૂન 1815ના રોજ લખ્યું હતું કે ‘I cannot live without books – હું પુસ્તકો વિના જીવી શકતો નથી.’ જેફરસનને 5000 એકર જમીન અને 175 ગુલામો વારસામાં મળ્યા હતાં. ખેતી અને બીજા કામ માટે તેમની પાસે 600 જેટલા ગુલામો હતા. બાકીના ગુલામો તેમના ફાર્મમાં જન્મ્યા હતા. તેમણે આર્થિક કારણોસર 110 ગુલામોને વેચ્યાં હતાં !

જેફરસનના મૃત્યુ બાદ 39 વર્ષ બાદ 1865માં પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી હતી. જેફરસને 1819માં UVAની સ્થાપના કરી ત્યારે તેમની ઉંમર 76 વર્ષની હતી. ભારતમાં કોઈ વડા પ્રધાને નિવૃત્તિ બાદ યુનિવર્સિટી સ્થાપી નથી ! જેફરસન માનતા કે શિક્ષણથી જ સ્થિર સમાજનું નિર્માણ થઈ શકે ! યુનિવર્સિટીની વચ્ચે ચર્ચની જગ્યાએ તેણે પુસ્તકાલય ઊભું કર્યું હતું ! જેફરસને 1 ઓગસ્ટ 1816ના રોજ લખ્યું હતું કે ‘bigotry is the disease of ignorance. education & free discussion are the antidotes – ધર્માંધતા એ અજ્ઞાનતાનો રોગ છે, શિક્ષણ અને મુક્ત ચર્ચા એ મારણ છે.’

UVAનું વિશાળ કેમ્પસ / ઈમારતો / હોસ્ટેલ જોઈને આંખ ઠરે; ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની ઈમારતો પ્રભાવશાળી છે. મનમાં વસવસો પણ રહે કે આવી જગ્યાએ અભ્યાસનો મોકો ન મળ્યો ! UVAના architect જેફરસન હતા. મહેલ જેવા પોતાના નિવાસસ્થાન ‘મોન્ટિસેલો’ના આર્કિટેક્ટ જેફરસન પોતે જ હતા. 5000 એકર જમીન વચ્ચે ટેકરી ઉપર આ નિવાસસ્થાન 1772માં બન્યું હતું. ‘મોન્ટિસેલો’ પ્રવાસીઓ જોઈ શકે છે. જે નિખાલસતા ભારતમાં શક્ય નથી તે અહીં જોવા મળી ! ‘મોન્ટિસેલો’માં Sally Hemings – સૈલી હેમિંગ્સને સ્થાન આપવામાં આવ્યું છે. જેફરસન 44 વર્ષના હતા ત્યારે, 16 વરસની મિશ્ર નસ્લની ગુલામ છોકરી સૈલી હેમિંગ્સ સાથે સંબંધ થયો હતો; જેનાથી તેમને 6 બાળકો થયા હતાં. ભારતમાં નેતાઓને ‘અવતારી’ તરીકે રજૂ કરવામાં આવે છે !

1819માં, ગુજરાતમાં ભક્તિકાળ ચાલતો હતો. 1821માં જેફરસને આત્મકથા લખી. જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામિએ (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) 1826માં શિક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મંદિરોનો વહીવટ / આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી ! જેફરસને બ્રિટિશ ગુલામી સામે જંગ છેડ્યો હતો; 1806માં જેફરસને બ્રિટિશ સામાનનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું. જ્યારે સહજાનંદ બ્રિટિશ પોલિટિકલ એજન્ટને ત્યાં સામેથી મળવા જતા; તેમણે ગુલામી ટકાવી રાખવામાં મદદ કરી હતી; લોકોને ભક્તિ માર્ગે ચડાવ્યા હતા ! જેફરસન ધર્મ અને દર્શનમાં ઊંડી રુચિ હતી; પરંતુ સંગઠિત ધર્મનો ત્યાગ કર્યો હતો; સહજાનંદે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો ! જેફરસને 1819માં ભવ્ય યુનિવર્સિટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મંદિર ગઢડામાં સ્થાપ્યું હતું ! વિશ્વનો ઇતિહાસ કહે છે કે વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવે શું થયું છે કે ગુના રહ્યા છે, પણ ગુનેગારો રહ્યા નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 August 2022

કોઈ પણ જાતિ, ધર્મ, કોમનું અગાઉ ન હતું એટલું મહત્ત્વ હવે પ્રજામાં ઠસાવવામાં આવે છે. તમે હિન્દુ વિષે કૈં બોલો તો મુસ્લિમો સતર્ક થઈ જાય છે ને મુસ્લિમ વિષે કૈં કહો તો હિન્દુઓના કાન ઊભા થઈ જાય છે. હિન્દુઓમાં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ ભા.જ.પ.ની અને ભા.જ.પી. સરકારની ભક્તિમાં માને છે ને બીજો, નીરક્ષીર ન્યાયે સરકારની ગતિવિધિ વિષે મત આપે છે. એ હિન્દુ જ છે, પણ સરકારની ભક્તિમાં રાચતો નથી, તો ભક્તોને તે નથી ગમતું ને સરકારની જાણ બહાર જ સરકારની વકીલાતનો એ વર્ગ આનંદ લે છે. એ કમનસીબી છે કે હિન્દુઓને એક કરવા જતાં, તેમાં જ ભાગ પડી ગયા જેવું થયું છે. આ વાતે સરકાર અજાણ હોય એવું લાગતું નથી. આ વર્ગો વચ્ચે જ હુંસાતુંસી એવી છે કે તે એક થઈને બીજા કોઈ ધર્મની ટક્કર લે એ સ્થિતિ બહુ બચતી નથી. આમ તો હિન્દુ-મુસ્લિમ પ્રજાઓ મોટે ભાગે સંપથી રહેતી આવી છે, પણ બંને કોમોમાં કેટલાંક તત્ત્વો એવાં છે જે આ પ્રજા નજીક આવે તે ઇચ્છતાં નથી. એમાં રાજકીય, સામાજિક, આર્થિક એવાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. કેટલાંક રાજકારણીઓ પણ નથી ઇચ્છતા કે આ બે કોમ સંપીને રહે. બાકી મહોરમ કે ગણેશોત્સવ જેવા તહેવારોમાં બંને કોમના લોકો આનંદ માણે છે તેની નવાઈ નથી.

બન્યું છે એવું કે 1992માં બાબરી ધ્વંસ પછી મુસ્લિમોનું જોર નરમ પડયું છે ને હિન્દુઓનો અવાજ બુલંદ થયો છે. કાઁગ્રેસનું શાસન રહ્યું ત્યાં સુધી લઘુમતીનો મહિમા થતો રહ્યો. એ પછી ગુજરાતમાં ભા.જ.પ. સત્તા પર આવ્યો ને કેન્દ્રમાં તો કાઁગ્રેસનું શાસન હતું જ, એટલે ગુજરાતનાં ભા.જ.પી. શાસન પર કરડી નજર પણ ફરતી રહી. ગુજરાતમાં સફળ નેતૃત્વની મથામણ તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કરતા હતા તેમાં પણ કેન્દ્રની દખલ થતી જ રહેતી હતી. ખાસ તો લઘુમતીનો અવાજ ક્ષીણ થઈ જશે એવી ચિંતા વચ્ચે 27 ફેબ્રુઆરી, 2002ને રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના s-6 ડબ્બામાં કેટલાંક ઉપદ્રવીઓ દ્વારા આગ લગાડવામાં આવી ને અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોના કોલસા પાડી દેવામાં આવ્યા. આગ લગાડનારા કોણ હતા તે કહેવાની જરૂર નથી. આ કોઈ ચોક્કસ ઘટનાની પ્રતિક્રિયા રૂપે જ હતું ને એમાં 59 જેટલા કાર સેવકોનો જીવતે જીવત અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યો. મરનાર હિન્દુઓ હતા. દેખીતું છે કે આની પ્રતિક્રિયાઓ આવે ને આવી. અમદાવાદ અને ગોધરામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં 1,044 લોકો મર્યાં. આમ પ્રતિક્રિયાઓ કોઈને કોઈ રૂપે આવતી જ રહી છે ને બંને કોમોને વેઠવાનું આવ્યું છે. વેઠવાનું વત્તે ઓછે અંશે બંને કોમોને થાય છે, પણ આ અટકે એવું બનતું નથી. પરિણામો વધુને વધુ ભયંકર હોય એ દરેક પ્રતિક્રિયામાં બનતું આવ્યું છે. આ હિંસા ઘટે એવું, નથી કોઈ કોમ ઇચ્છતી કે નથી સરકારો એ બાબતે ગંભીર જણાતી. એટલે ક્યાંક ને ક્યાંક લોહી સાથે છમકલાં થતાં રહે છે. આનો છેડો આવે એવું નજીકમાં તો જણાતું નથી. એમ લાગે છે કે આમાં શિક્ષણ કે સમજદારીની કોઈ ભૂમિકા લગભગ નથી. આ સ્થિતિ હોય ત્યાં પરિણામો કલ્પવાનું અઘરું નથી. એમાં પણ દોષ સામે પક્ષે જ દેખાય તો હિંસક ઉશ્કેરાટ જ કામ કરે એ સ્વયં સ્પષ્ટ છે. આ બધું શાંતિ માટે થાય છે ને પરિણામ અશાંતિમાં આવે છે. ગોધરાની ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટના પછી જે રમખાણ 2002માં થયાં એમાં લીમખેડાની ગર્ભવતી બિલ્કિસ બાનુ ગેંગ રેપનો ભોગ બની. તેની 3 વર્ષની દીકરીને મારી નાખવામાં આવી ને સાત લોકોની હત્યા પણ થઈ. બિલ્કિસ બાનુનો કેસ નોંધાયો ને અહીં કેસ ચલાવવાનું ઠીક ન લાગતાં રાજ્યની બહાર મહારાષ્ટ્રમાં કેસ ચાલ્યો. 11 જણાંને સામૂહિક બળાત્કાર બદલ આજીવન કેદની સજા થઈ. આરોપીઓ 2004થી જેલમાં હતા ને સુપ્રીમના આદેશ પર સી.બી.આઇ. કોર્ટે આરોપીઓને દોષી ઠરાવી 2008માં આજીવન કેદની સજા ફરમાવી. આમ તો બળાત્કારની સજામાં ફાંસી પણ થાય છે ને આજીવન કેદ પણ થાય છે ને પુરાવાને અભાવે આરોપી છૂટી પણ જાય છે. એ વખતે કોર્ટને લાગ્યું તે ખરું એટલું જ આશ્વાસન લેવાનું રહે. આ કેસમાં આરોપીઓને મુંબઈ અને નાસિકની જેલમાં 9 વર્ષ રખાયા ને તે પછી તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા. ગુનેગારો સજા કાપી જ રહ્યા હતા, ત્યાં આઝાદીનું અમૃત પર્વ આવ્યું ને ગુજરાત સરકારે બિલ્કિસના તમામ આરોપીની સજા રેમિનેશન પોલિસી હેઠળ માફ કરી દીધી. આ વાતે કેદીઓ મુક્ત થતા એમને, તેમના સમર્થકો દ્વારા હારતોરા ને મીઠાઈથી પોંખવામાં આવ્યા, પણ જે બળાત્કારનો ભોગ બની હતી તે બિલ્કિસને તો આ સમાચારથી ફરી કોઈએ ચામડી ઉતરડી નાખી હોય તેવો દારુણ અનુભવ થયો. ગુનેગારોની સજા માફ કરી દેવામાં આવી એની નથી તો પીડિતને જાણ કરવામાં આવી કે નથી તો એના વકીલોને એ અંગે માહિતી આપવામાં આવી.

ગુનેગારોની ચાલચલગત સારી હોય તો રાષ્ટ્રીય ઉત્સવે ક્યારેક સજા માફ કરી દેવાતી હોય છે, પણ એમાં સાધારણ રીતે બળાત્કારીઓને બક્ષવામાં આવતા નથી. એમાં આ અપવાદ થયો. ભોગ બનનાર મુસ્લિમ મહિલા હતી તેથી સજા માફ થઈ એવી તો વાત નથી, પણ ગુનેગારો બ્રાહ્મણ હતા ને સંસ્કારી હતા તેથી સજા માફ થઈ એટલું ચોક્કસ છે. ચોક્કસ એટલે કે ભા.જ.પ.ના એમ.એલ.એ. સી.કે. રાઉલજીએ એવું કહ્યું છે કે રેપિસ્ટ સંસ્કારી અને બ્રાહ્મણ છે. ગોધરાના આ એમ.એલ.એ. જામીન માટે બનેલી પેનલનો ભાગ હતા ને આ પેનલે જ સર્વ સંમતિથી તમામ આરોપીઓને છોડી મૂકવાની ભલામણ પણ કરી હતી. એક આરોપીએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ને સુપ્રીમે નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.

સજા માફ થઈ ને સરકારે તે કરી એ બાબત કેટલાક પ્રશ્નો સર્જે છે. પેનલનો એમ.એલ.એ. સભ્ય એમ કહે છે કે રેપિસ્ટ બ્રાહ્મણ છે ને સંસ્કારી છે. બ્રાહ્મણ હોય ને સંસ્કારી હોય એ સમજી શકાય, પણ બધાંને તે એકસરખી રીતે લાગુ ન કરી શકાય. એક તરફ રેપિસ્ટ કહો ને તે સાથે જ બ્રાહ્મણ ને સંસ્કારી પણ કહો ત્યારે પક્ષપાત થતો હોવાનું લાગે. જો એ રેપિસ્ટ હોય તો તે સંત જ કેમ ન હોય, અપરાધી છે. એ સાથે જ દુષ્કર્મ જે સ્ત્રી સાથે થયું હોય, તે અમુક કોમ કે ધર્મની હોય, તો તેથી ઓછો આઘાત લાગે એવું નથી. જે સ્ત્રી એનો ભોગ બને છે તે તો અનેક પ્રકારની યાતનાઓ વેઠે જ છે ને તે અમુક કોમની હોય તો ઓછી પીડાય એવું અપવાદ રૂપે ય બનતું નથી. તેને માટે અનુકંપા જ હોય ને તેને ભોગ બનાવનાર કેવળ અપરાધી જ ગણાય. તેનો બચાવ ન હોય. બળાત્કારનું કારણ કોઈ પણ હોય ને તે કરનાર કોઈ પણ હોય, તે કેવળ ને કેવળ સજાને પાત્ર છે.

બિલ્કિસના અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા તે બાબતે પણ પ્રશ્નો છે. સરકાર પાસે એમને છોડી મૂકવાના કયાં કારણો છે તે બહાર આવ્યું નથી. એક વાત સ્પષ્ટ છે કે સી.બી.આઇ.ની કોર્ટે જે અન્ય આરોપીઓ હતા તેમનો દોષ ન જણાતાં તેમને ઓલરેડી છોડી જ મૂક્યા છે ને જે ગુનેગાર હતા તેમને જ સજા કરી છે. આ સજા ભોગવવાનું ચાલુ જ છે ત્યાં 75 વર્ષ સ્વતંત્રતાનાં પૂરાં થતાં સરકારને એકાએક તેમને છોડી મૂકવાનું મન થયું. આ મન 75મું ન આવ્યું હોત તો ન જ થયું હોત, કારણ અગાઉ 74મું પણ આવી ગયું હતું ને ત્યારે સરકારને આ અપરાધીઓની સજા માફ કરવાનું સૂઝ્યું નથી. સવાલ તો એ પણ છે કે સરકારનો અને પેનલનો આ નિર્ણય સ્વતંત્ર રીતે લેવાયેલો નિર્ણય છે કે કશાકથી પ્રેરિત છે? જો નહીં, તો આ સજા જ માફ કરવાનું કેમ સૂઝ્યું તેનાં કારણો સરકારે જણાવ્યાં નથી. ગુનેગાર નિર્દોષ હતા ને તેમને સજા થઈ એવું સરકારને લાગ્યું એટલે ગુનેગારોને છોડી મૂક્યા કે ગુનેગાર તો તેઓ હતા જ પણ, સરકારને એમ જ વહાલ ઉભરાયું ને તેમને છોડી મૂક્યા તે સમજાતું નથી. સવાલ એ છે કે જો તેઓ નિર્દોષ હતા તો તેમને આટલાં વર્ષ જેલમાં કેમ રખાયા ને તેમને છોડાવવા સરકારે 75મું પૂરું થાય ત્યાં સુધી રાહ કેમ જોવી પડી? ને જો તેઓ દોષિત જ હતા તો તેમને સજા ભોગવવામાંથી મુક્તિ આપવાનું કયું કારણ છે? એવું તો નથી ને કે ગુના થવા દેવા ને જો તે ચોક્કસ વર્ગના છે તો ગુનેગારોને બક્ષી દેવા? ગુના ભલે રહે, ગુનેગારો ન રાખવા, તેમને મુક્ત કરી દેવા. આ ગુનેગારોને એટલા માટે છોડવામાં આવ્યા કે તેઓ અમુક ચોક્કસ કોમના હતા? તેમણે અમુક ચોક્કસ કોમની મહિલાને ભોગ બનાવી હતી ને તેથી તેઓ છોડી મૂકવાને પાત્ર હતા, એવું? જો આમ જ ચાલશે તો અમુક ચોક્કસ કોમના અપરાધીઓને, અમુક ચોક્કસ કોમની વ્યક્તિ સાથે ગુનો થયો છે એટલે માફીને લાયક છે એવું પક્ષપાતી વલણ અન્ય સરકારો પણ અપનાવતી થશે ને એમાં સિદ્ધ એવું થશે કે કોર્ટ, કોમ, ધર્મ અને જાતિથી પર એવો ન્યાય કરે છે તો પણ, જો સરકારને યોગ્ય ન લાગે તો તે ન્યાયને ઉલટાવી દેશે. આ થવા દેવાનું છે? એટલું સ્પષ્ટ છે કે આ કિસ્સામાં ન્યાયમાં દખલ કરવા જેવું થયું છે ને તે બીજા કોઈએ નહીં, પણ સરકારે કર્યું છે. આ કેવળ શરમજનક અને અક્ષમ્ય છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2022

Loading

...102030...1,2801,2811,2821,283...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved