Opinion Magazine
Number of visits: 9458476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવજે હૅપ્પી… 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 August 2022

ખૂબ દુ:ખ થયું હૅપ્પીના અવસાનના સમાચારથી.

સવારે સમાચાર મળ્યા ત્યારે હું અમારી એચ.કે. કૉલેજમાં હતો. અમારી એટલે હૅપ્પીની ને મારી અને નાટક માટે જીવ રેડતાં છોકરા-છોકરીઓની, સૌમ્યની (સૌમ્ય જોશીની) કૉલેજ.

આ કૉલેજના કૉરિડોરમાં અમસ્તી ઉતાવળે અવરજવર કરતી, તાળીઓ પાડતી, સ્ટેજ પર રોલ ભજવતી, ઉમંગ-અલ્લડતા-ચાળા-નખરા-લટકાથી છલકાતી, વિદ્યાર્થિની તરીકે લાડ કરાવતી હૅપ્પીની છબિથી આજે દિલ ભરાઈ આવ્યું.

કૉલેજના અધ્યાપક ખંડમાં બેઠાં-બેઠાં, વર્ગમાં ભણાવતાં, કૉરીડૉરમાંથી આંટા મારતા, લાઇબ્રેરીમાં જતાં હૅપ્પી બહુ યાદ આવી.

હૅપ્પી અંગ્રેજી વિષય સાથે બી.એ. થઈ. એટલે આ વિષયના અધ્યાપક તરીકે મારે એના વર્ગમાં ત્રણેય વર્ષ લગભગ દરરોજ લેક્ચર હોય. ત્રીજા માળના રૂમ નંબર 34માં યાદ આવી એ બેન્ચ કે જ્યાં હૅપ્પી બેસતી. એમાં આજે પણ મારો વર્ગ હતો.

લાઇબ્રેરીમાં ગયો ત્યારે યાદ આવ્યું કે 1999માં પહેલાં વર્ષના છોકરા-છોકરીઓને વિદ્યાર્થીઓના એક જૂથને ગ્રંથાલયનો પરિચય કરાવ્યો હતો. તેમાં ય હૅપ્પી હતી.

ખાસ તો બંધ હૉલ પાસે ગયો. એ હૉલ કે જેમાં કૉલેજનાં ત્રણેય વર્ષ દરમિયાન હૅપ્પીએ સૌમ્યના ત્રણ એકાંકીઓમાં અભિનય કર્યો હતો – ‘તુ તુ તુ તારા…’, ‘ધારો કે તમે મનજી છો’ અને ‘મહાત્મા બૉમ્બ’. ત્રણેયમાં અચૂકપણે ઉપસી આવેલી.

ઘણું કરીને એના ખુશમિજાજથી બીજા છેડાની ભૂમિકા એ કરતી. દુ:ખી, કારુણ્યપૂર્ણ. પ્રેક્ષકોને અચૂક સ્પર્શી જતી. ભણવામાં ય ધ્યાન આપે. વર્ગોમાં નિયમિત હોય, નોટસ બનાવીને બતાવે.

કોલેજમાં હૅપી ઘણી લોકપ્રિય અને જાણીતી. મીઠડી અને મૂડી. હૅપ્પી-સંધ્યા-તેજલ એમ ત્રણ નામ મારા મોંમાં એક સાથે આવતા.

આજે એ જાણ્યું કે હૅપ્પીએ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યા પછીના વીતેલા બે મહિનામાં તેને ખૂબ શારિરીક પીડા સહન કરવી પડી. કૉલેજમાં નાનું સરખું વાગે-કરે તો પણ ‘ઓ મમ્મી, ઓ પપ્પા, ઓ મમ્મી પપ્પા…’ એમ ચીસ પાડી ઊઠતી. રોલમાં એકરૂપ થઈને ક્યારેક રડી પડતી. અન્યથા સદા ય હસતી રહેતી હૅપ્પી રહેતી હૅપ્પીને આ વેઠવાનું આવ્યું તે જાણીને દિલ વલોવાઈ ગયું. મૌલિક પર  શું  વીતી  હશે ?

હૅપ્પી બિલકુલ એના જ happinessમાં 6 નવેમ્બર 2019ને દિવસે મળેલી. ‘હેલ્લારો’ ફિલ્મના પ્રિમિયરને દિવસે. તેના જીવનસાથી મૌલિકના યાદગાર રોલ સાથેની ‘હેલ્લારો’.

‘સર … સર …’ કહીને – જાણે કૉલેજના કૉરિડોરમાં આવતી હોય એ રીતે – હૅપ્પી સિનેમાગૃહમાં પણ દોડતીક મારી પાસે આવી. એ ક્યાં છે, એ કોણ છે, એ અને એનો વર કઈ જગ્યાએ પહોંચ્યાં છે — એ બધું ભૂલીને. નીચે વળીને બિલકુલ પગને અડીને નમસ્કાર કર્યા.

જ્યારે મળે ત્યારે તે આમ કરતી. કૉલેજમાં નાટક વખતે, ગુરુપૂર્ણિમાને દિવસે, શિક્ષક દિને, સ્નેહમિલનમાં મળ્યાં ત્યારે, પછી એકાદ-બે વાર મળ્યાં ત્યારે. આમાં મારી કોઈ વશેકાઈ નહીં. આ મારી મોટાઈ માટે નથી જ લખતો. દરેક વખતે મારા પક્ષે માત્ર અપરાધભાવ, સંકોચ, ભોંઠપ હોય. અને હૅપીના પક્ષે નમ્રતા-નિર્દોષતા, ભોળપણ, મુગ્ધતા; અને આદર જેના માટે હું ભાગ્યે જ પાત્ર હોઉં.

ઘણાં વર્ષો લગી એવું હતું કે કૉલેજમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ – ખાસ  કરીને વિદ્યાર્થિનીઓ – વિદાય લે ત્યારે ઘણું વસમું લાગતું.

પણ હૅપ્પીએ લીધી તેવી વિદાય આપણી પાસેથી ભણીને જતી કોઈ છોકરી કે  છોકરો લે એવું તો ક્યારે ય કલ્પ્યું જ ન હોય!

25 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિપક્ષ નડે તો નાબૂદ થાય, પણ પક્ષ જ માથું ઊંચકે તો શું કરવાનું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 August 2022

દેશ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. એક ભાગમાં સરકાર અને તેનું ભક્ત મંડળ છે. સરકાર એક પછી એક વિકાસનાં કામો ગણાવતી જાય છે, આયોજનો, ઉદ્ઘાટનો, લોકાર્પણોનો સિલસિલો ચાલે છે, સરકાર બહુ મહત્ત્વનાં કાર્યો કરી રહી હોય એવું વાતાવરણ છે ને પ્રજાનો મોટો ભાગ તાળીઓ પાડી પાડીને સરકારનું ગુણ સંકીર્તન કરી રહી છે. એને સરકારની કોઈ ખામી જ નથી દેખાતી. બીજો ભાગ એવો છે જેમાં સરકારની કામગીરી સામે અસંતોષ વધતો આવે છે. એમાં વિપક્ષો જ છે એવું નથી, એમાં પ્રજા પણ છે. એને સરકારનું કશું સારું જ નથી દેખાતું. આ બંને સ્થિતિ કુદરતી નથી, કેળવાયેલી છે. ભા.જ.પ.ની સરકારમાં કશું સારું થયું જ નથી એવું નથી, તો બધું જ સારું થયું છે એવું પણ નથી. આ સ્થિતિ માટે પ્રજા જવાબદાર નહીં, પણ નિમિત્ત બની છે. નિમિત્ત એ રીતે કે તેણે 2014માં અને 2019માં ભા.જ.પ.ને એટલી સીટો આપી કે વિપક્ષ ઝાંખોપાંખો જ રહી ગયો. જે કાઁગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું હતું એ પક્ષ અત્યારે મરવાને વાંકે જીવી રહ્યો છે. જો કાઁગ્રેસની જ આ હાલત હોય તો અન્ય પક્ષોની તો વાત જ શી કરવાની? એને બદલે જો વિપક્ષ ખમતીધર હોત તો શાસકો કાબૂમાં રહ્યા હોત. ભા.જ.પ.ને વિપક્ષ તરીકે પૂરતું મહત્ત્વ સંસદમાં મળ્યું ન હોત તો તે આજની સ્થિતિએ પહોંચ્યો ન હોત. વિપક્ષ મજબૂત હતો એટલે યુ.પી.એ. સરકાર પર એક પ્રકારનું નિયંત્રણ આવ્યું હતું. વિપક્ષ મજબૂત હતો એટલે જ એ 2014માં પ્રચંડ બહુમતીથી સત્તા પર પણ આવ્યો. આજે વિપક્ષ એ સ્થિતિમાં છે કે સત્તામાં આવે? પ્રજાએ એક બોધપાઠ લેવા જેવો છે ને તે એ કે કોઈને પણ એટલી સીટ ન આપવી કે વિપક્ષ જેવું જ ન રહે ને એટલી ઓછી સીટ પણ ન આપવી કે ગઠબંધનવાળી સરકાર જ જન્મે.

અગાઉ ક્યારે ય ન હતો એટલો વિપક્ષ અત્યારે પાંગળો બન્યો છે ને તે વધુ પાંગળો થાય એમાં શાસકોને રસ છે. એટલે જ જ્યાં ભા.જ.પ.ની સરકાર નથી, ત્યાં ચાલતી સરકાર પાડવાના અને ભા.જ.પ.ને સત્તામાં લાવવાના પ્રયત્નો થાય છે. વિપક્ષના સભ્યોને કરોડોની લાલચો આપીને, તેને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો થાય છે ને લાલચુ સભ્યો એ રીતે ખેંચાઈને પક્ષ જોડે દગો કરે પણ છે. વફાદારી આમ પણ હવે આઉટડેટેડ થઈ ગઈ છે એટલે રાજકીય બજારોમાં વેચાણ કિંમત અને ખરીદ કિંમત પર જ વેપાર ચાલે છે. સચ્ચાઈ અને અચ્છાઈ દૂર દૂર સુધી નજરે નથી ચડતી. કોઈ પણ સરકાર પોતાની સત્તા અકબંધ રહે એને માટે મથતી હોય છે ને એમાં કશું ખોટું પણ નથી, પણ કોઈ પોતાને વશ ન થાય તો તેને પાઠ ભણાવવાની વૃત્તિ યોગ્ય નથી. જે તે પક્ષના સભ્યો પોતાનાં પક્ષમાં ન આવે ને કોઈ લાલચને વશ ન થાય તો તેને ઉખાડી ફેંકવાની નીતિ બદલાની વાતને જ આગળ કરે છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁગ્રેસની મમતા સરકારને ચૂંટણી વખતે જે વીત્યું છે તે કોઇથી અજાણ્યું નથી. 23 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મંત્રી પાર્થ ચેટર્જીના સહયોગી અર્પિતા મુખરજીના ઘરેથી 29 કરોડની રોકડ ને 5 કિલો સોનું જપ્ત કર્યાં. એ જ રીતે અગાઉ પંજાબમાં પણ મુખ્ય મંત્રી ચન્નીના ભત્રીજા પાસેથી 19 જાન્યુઆરીએ 4 કરોડ જપ્ત કર્યા હતા. 19 ઓગસ્ટે દિલ્હીના ડેપ્યુટી સી.એમ. અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને ત્યાં સી.બી.આઇ.ની ટીમે દરોડા પાડયા. આ અગાઉ પણ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ત્યાં તપાસ થઈ હતી, પણ કશું મળ્યું ન હતું. આ ઉપરાંત 24મી ઓગસ્ટે બિહારમાં સી.બી.આઇ. અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો હતો એ દિવસે જ આર.જે.ડી.ના ચાર નેતાઓને ત્યાં દરોડા પાડયા. હવે પછી પણ બીજે પણ દરોડા પડે એમ બને.

કોઈ પણ શકમંદને ત્યાં તંત્રો દરોડા પાડે અને તેની બેનામી સંપત્તિ કબજે કરે એને માટે તંત્રોને અને સરકારને બિરદાવવી જ પડે. એવી સંપત્તિ રાખનાર કોઈ પણ ચમરબંધનો બચાવ ન જ હોય. તંત્રો પણ શુદ્ધ બુદ્ધિથી એ પ્રવૃત્તિમાં પરિણામ મેળવે એનો ય આનંદ જ હોય, પણ તંત્રો આ બધું શુદ્ધ બુદ્ધિથી જ કરે છે કે કેમ એ પ્રશ્ન જ છે. એવો વહેમ જાય છે કે આ બધું કોઈકને ઇશારે થાય છે. એમ હોય તો તે શરમજનક છે. સિસોદિયાને પક્ષ બદલવાની ઓફરો મળી હોવાનો ખુદ સિસોદિયાનો દાવો છે. તેમને દિલ્હીના મુખ્ય મંત્રી બનાવવાની લાલચ અપાયાની વાત પણ છે. જો ઓફર નહીં માનવામાં આવે તો દરોડા પાડવાની વાતો પણ ચર્ચામાં છે. કાલના જ સમાચારમાં આપ પાર્ટીનો દાવો છે કે ભા.જ.પ. તરફથી તેના ચાર ધારાસભ્યોને વીસ વીસ કરોડની ઓફર થઈ છે ને જો એ નહીં સ્વીકારવામાં આવે તો તેમની સામે સી.બી.આઇ. અને ઇ.ડી. દ્વારા ખોટા કેસ કરાશે. કેજરીવાલે એ ચાર ધારાસભ્યોને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા ને તેમણે રાજઘાટ પર અંજલિ આપતાં ઉમેર્યું હતું કે ચાળીસ ધારાસભ્યોને તોડવાની કોશિશ ભા.જ.પ. દ્વારા થઈ રહી છે ને એમને વીસ વીસ કરોડની ઓફર પણ થઈ છે. આમ થાય તો આપની સરકાર પડે એમાં  શંકા નહીં. આનો ભા.જ.પે. રદિયો આપતા કહ્યું છે કે આવી કોઈ ઓફર ભા.જ.પે. આપી નથી, બને કે આવી ઓફર આપને દારૂ માફિયાઓએ આપી હોય. સાચું ખોટું તો સમય જ કહી શકે.

એક વાત સ્પષ્ટ છે કે મનીષ સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રી તરીકે ગુજરાત પણ આવી ગયા છે ને તેમણે શિક્ષણ સંદર્ભે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પડકાર પણ ફેંક્યો હતો. આ ઉપરાંત આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી રહેલી ચૂંટણી સંદર્ભે, અનેક મફત યોજનાઓ અંગે વાત કરી ચૂક્યા છે. સુરતમાં આપને 23 સીટો મળી એટલે ગુજરાતની ચૂંટણીમાં તે સારો દેખાવ કરવા કટિબદ્ધ છે. આ બધી વાતો ભા.જ.પ.ની ચિંતા વધારે ને તે, આપની ચિંતા કઇ કઇ રીતે વધે તે માટે પ્રયત્ન કરે એમાં નવાઈ નથી. એ જ રીતે બિહારમાં વિપક્ષોને સાથે લઈને નીતીશકુમારે મહાગઠબંધનની સરકાર રચી એ વાતે ભા.જ.પ. નારાજ છે. નીતીશકુમારની વફાદારી તો પોતાની સાથે જ નથી, ત્યાં તેઓ ભા.જ.પ. પર ભરોસો રાખે એ મુશ્કેલ છે. એવામાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પ્રાદેશિક પક્ષોને નાબૂદ કરવાની વાત કરી. એ વાતે નીતીશકુમાર ચોંક્યા ને તેમણે ભા.જ.પ. સાથેનો છેડો ફાડી પ્રાદેશિક પક્ષોને સાથે લઈ મહાગઠબંધનની સરકાર રચી. દેખીતું છે કે એનાથી ભા.જ.પ.ને તેલ રેડાય ને રેડાયું પણ ! જે દિવસે નીતીશકુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ હતો એ જ દિવસે આર.જે.ડી.ના ચાર નેતાઓને ત્યાં દરોડા પડ્યા. ભા.જ.પે. આ દરોડા પડાવ્યા એવું તો કોઈ ના કહે, પણ જે રીતે દરોડાનો સિલસિલો ચાલ્યો છે એ કુદરતી કે આકસ્મિક નથી. આર.જે.ડી.ના રાબડીદેવીએ દરોડા સંદર્ભે કહ્યું કે દરોડા ડરાવવા માટે જ પડાયા છે.

ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે પડતા દરોડા આકસ્મિક નથી તે આ વિગતો પરથી પણ કળી શકાય એમ છે ને એની પાછળ કોનો હાથ છે તે સ્વયંસપષ્ટ છે. એ સાથે જ કેન્દ્રીય દોરીસંચારથી જે રીતે એકાએક ફેરફારો ભા.જ.પ. તેનાં મંત્રીઓ બાબતે ને રાષ્ટ્રીય નેતાગીરી સંદર્ભે કરે છે તેમાં સ્વસ્થતા જણાતી નથી. ગયે વર્ષે એકાએક ગુજરાતના મુખ્ય મંત્રી બદલી કઢાયા ને એ સાથે જ આખી કેબિનેટ બદલી કાઢવામાં આવી, તેનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી. હવે ગુજરાતના પ્રદેશમંત્રી બદલવાની પણ વાત છે. એ સાથે જ ગુજરાતના બે મંત્રીઓ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાં આંચકી લેવામાં આવ્યા તેનું પણ કોઈ કારણ બહાર આવ્યું નથી. ગયા સપ્ટેમ્બરમાં મંત્રીઓ બદલાયા એ વાતને વર્ષ પણ થયું નથી ને બે મંત્રીઓનાં ખાતાં લઈ લેવામાં આવ્યાં એની પાછળનો તર્ક અકળ છે. ગુજરાતની ચૂંટણી સામે હોય ત્યારે આ પ્રકારની ખાતાકીય છેડછાડ દ્વારા મોવડી મંડળ ખરેખર કશુંક સિદ્ધ કરવા માંગે છે કે એ ધ્યાન ખેંચનારું છમકલું જ છે તે સમજવાનું મુશ્કેલ છે.

આવા ફેરફારો રાજકીય સ્તરે જ છે, એવું નથી. ભા.જ.પ. સંસદીય બોર્ડમાંથી નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણની બાદબાકી કરવામાં આવી. એ સાથે જ બંને મંત્રીઓને તથા શાહનવાઝ હુસેનને ભા.જ.પ.ની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા. આવાં ફેરફારોની કોઈ અસર નથી થતી એમ માનવાની જરૂર નથી. બીજા મંત્રીઓની તો ખબર નથી, પણ ગડકરીએ તો ભા.જ.પ.ની સરકારમાં જ મંત્રી રહીને પોતાનો અણગમો જાહેર કરવા માંડ્યો છે. ભા.જ.પ.ની રાજ્ય સરકારોને નિશાન બનાવીને ગડકરીએ ખાડાવાળા રસ્તા સારા બનાવવાની વાત કરી છે. ગડકરીએ મોદીને કારણે ભા.જ.પ. સત્તામાં છે એ વાતનો પણ છેદ ઊડાડીને એનું શ્રેય વાજપેયી, અડવાણી અને દીનદયાળ ઉપાધ્યાયને આપ્યું છે. સરકાર સમયસર નિર્ણય નથી લેતી એવી ફરિયાદ પણ ગડકરીએ કરી હતી. આ વાતો પોતાની બાદબાકી થઈ એટલે જ ગડકરીએ કરી છે એમ કહી શકાશે નહીં, પણ એ બાદબાકી પછી જ આ કહેવાનું થયું છે એ વાતને નકારી શકાય એમ નથી.

ભાજપે 2024 સંદર્ભે એ વિચારવાનું રહે જ છે કે વિપક્ષો ન રહે, એવી સ્થિતિ તો તે કદાચને કરી પણ શકે, પણ પોતાનાં જ પક્ષમાં વિરોધનો સૂર ઊઠે તો તેને કેમ કાબૂ કરવો તે અંગે વિચારવાનું રહે ને એવું નથી કે કોઈ વિરોધ જ નહીં કરે, કારણ ગડકરીની ફરિયાદ તો સામે આવી જ છે. આજે આ એક ફરિયાદ છે, કાલે બીજી નહીં જ ઊઠે એવી આગાહી કરવાનું મુશ્કેલ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑગસ્ટ 2022

Loading

પોલીસ બળમાં સમાન મહિલા ભાગીદારી : મંઝિલ ઘણી દૂર છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 August 2022

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં મહિલાઓની વસ્તી ૪૮.૪૬ ટકા છે. પરંતુ  ૨૦૨૧માં દેશની અર્ધી આબાદી એવી મહિલાઓની ભારતના પોલીસ બળમાં ટકાવારી માત્ર ૧૦.૪૯ ટકા જ છે ! દેશના કુલ્લે ૨૦,૯૧,૪૮૮ પોલીસકર્મીઓમાં ૨,૧૫,૫૦૪ જ મહિલા છે. દર દસ પોલીસે એક જ મહિલા પોલીસ છે અને દર સો પોલીસ અધિકારીમાં સાત જ મહિલા અધિકારી છે. દેશના એકતાળીસ ટકા પોલીસ થાણામાં એક પણ મહિલા પોલીસકર્મી નથી. અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા પોલીસ કર્મચારીઓ પાંચ ટકાથી પણ ઓછા છે. સમગ્ર દેશમાં ૨૦૦૬માં તો ૩.૩ ટકા અને ૨૦૧૦માં ૪.૨૫ ટકા જ મહિલાઓ પોલીસમાં હતી. છેલ્લા એક દાયકાના પોલીસના સંખ્યાબળમાં બત્રીસ ટકાના વધારા સામે મહિલાઓનો વધારો છ ટકાનો  અર્થાત લગભગ સવા પાંચ ગણો ઓછો છે.

પરતંત્ર ભારતમાં, ૧૯૩૮માં, મહિલાઓનો પ્રથમવાર પોલીસમાં પ્રવેશ થયો હતો. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ૧૯૭૨માં દસ મહિલાઓની ઇન્ડિયન પોલીસ સર્વિસમાં પસંદગી થઈ હતી. પણ પોલીસના કુલ સંખ્યાબળમાં જે દસેક ટકા મહિલા પ્રમાણ જોવા  મળે છે તે પણ મુખ્યત્વે તો મહિલા કોન્સ્ટેબલનું છે. જાણે કે મહિલાઓ માટે શિક્ષિકા, નર્સ, રિસેપ્સનિસ્ટ અને એનાઉન્સરના વ્યવસાયો જ અનામત રખાયા હોય તેવો માહોલ છે. એટલે શારીરિક બળની કામગીરીનું ક્ષેત્ર મનાતી પોલીસની નોકરીમાં આઝાદીના અમૃત કાળે મહિલાઓનું પ્રમાણ ઘણું અલ્પ છે.

કેન્દ્ર અને રાજ્યોની ઘણી સરકારી નોકરીઓની જેમ પોલીસમાં પણ ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ છતાં મહિલાઓનું આટલું ઓછું પ્રમાણ હોવા અંગે ઘણાં કારણો જવાબદાર છે. ભારતના પિતૃસત્તાક સમાજે પોલીસની કામગીરીને બાહુબળ સાથે જોડીને મહિલાઓ શારીરિક અને માનસિક રીતે પુરુષ કરતાં નબળી છે તેવી છાપ ઊભી કરીને તેને પોલીસની નોકરીથી વંચિત રાખી છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ ભેદભાવ અને મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે મહિલાઓને પોલીસની કામગીરીથી દૂર રાખવામાં આવે છે.

ઘણા અવરોધોને વળોટી મહિલાઓ પોલીસની કામગીરીમાં જોડાય છે ત્યારે કાર્યસ્થળે તેના માટે સમસ્યાઓ ઊભી જ હોય છે. પોલીસની કામગીરી માટેના હથિયારો અને સાધનો પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તે આકાર અને વજનની દૃષ્ટિએ મહિલાઓને માફક આવે તેવાં નથી. પોલીસનો ગણવેશ, જૂતાં, ટોપી જ નહીં બુલેટપ્રુફ જેકેટ પણ મહિલા પોલીસને ધ્યાનમાં રાખીને બનાવ્યા નથી. અલગ મહિલા શૌચાલય, ચેન્જિંગ રૂમ, મહિલાકર્મીનાં નાનાં બાળકો માટે ફિડિંગ પ્લેસ કે ઘોડિયા ઘર જેવી પાયાની સુવિધાનો અભાવ, ગ્રામીણ પરિવેશના પુરુષ કર્મચારીઓનું મહિલા વિરોધી વલણથી માંડીને મહિલા માટે કાર્યસ્થળે પ્રતિકૂળ માહોલને કારણે પણ મહિલાઓ પોલીસમાં ભરતી થતાં અચકાય છે.

કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય હોઈ પોલીસની નિમણૂક બદલી બઢતીની સત્તા રાજ્યો હસ્તક છે. એટલે પોલીસમાં મહિલાઓનું પ્રમાણ વધે તે માટે ભારત સરકારે રાજ્યોને વારંવાર વિનંતીપત્રો લખ્યા છે. ગૃહ મંત્રાલયે ૨૦૧૩માં રાજ્યોને જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૧૦ મહિલા કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ સબ ઈન્સપેકટરમાં એક મહિલા હોય તેવું સુનિશ્ચિત કરો. પરંતુ તેનું ધાર્યું પરિણામ ન મળતા કેન્દ્રે રાજ્યોને પોલીસના આધુનિકીકરણ માટેની કેન્દ્રિય ગ્રાન્ટ આપશે નહીં કે તેમાં કાપ મૂકશે તેમ પણ જણાવ્યું છે.

બીમારુ અને મહિલાઓના મામલે રૂઢિવાદી ગણાતા બિહારમાં ૨૦૧૦માં માત્ર ૨ ટકા જ મહિલાઓ બિહાર પોલીસમાં હતી. સરકારના સઘન પ્રયત્નોને કારણે ૨૦૧૯માં તેની ટકાવારી વધીને ૨૫ ટકા થઈ છે. ૨૦૨૦માં તમિલનાડુ પોલીસમાં ૧૯.૪ ટકા, ગુજરાતમાં ૧૬ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૧૩.૫ ટકા મહિલાઓ છે. જમ્મુકશ્મીરમાં ૩.૩૧, તેલંગાણામાં ૮, મધ્ય પ્રદેશમાં ૬.૬, અરુણાચલમાં ૬.૩ ટકા છે. વળી તેમાં મોટા ભાગે તો નીચલા સ્તરની જગ્યાઓએ જ મહિલાઓ ની ભરતી થઈ છે. કુલ મહિલા પોલીસકર્મીઓમાં મધ્ય પ્રદેશમાં ૬૪ અને બિહારમાં ૪૧.૮ મહિલાઓ કોન્સ્ટેબલ છે. આ સ્થિતિ લગભગ તમામ રાજ્યોમાં છે. જમ્મુકશ્મીરમાં ૨, કેરળમાં ૩, હિમાચલમાં ૪, બિહારમાં ૬ અને તમિલનાડુમાં ૨૦.૨ ટકા જ મહિલાઓ પોલીસ અધિકારી છે.

કેટલાક રાજ્યોએ મહિલા પોલીસ ભરતીમાં શારીરિક યોગ્યતાની લાયકાતમાં, ખાસ તો ઊંચાઈ અને વજનમાં, છૂટછાટ આપી છે. તો પણ પોલીસમાં ૩૩ ટકા મહિલા પ્રતિનિધિત્વ સુધી પહોંચતા અનેક રાજ્યોને વરસો લાગશે. નમૂના દાખલ બિહારને ૮, દિલ્હીને ૩૧, ઓડિશાને ૪૨૮, મિઝોરમને ૫૮૫ ને ૪૨૮ વરસો લાગશે. એટલે પોલીસમાં મહિલાઓના યોગ્ય પ્રતિનિધિત્વ અને સમાન ભાગીદારીની મંઝિલ ઘણી દૂર છે. રાજ્યોને મહિલાઓના ઉચિત પ્રતિનિધિત્વની તાકીદ કરતી કેન્દ્ર સરકાર પણ લક્ષ્ય સિદ્ધિમાં ઘણી પાછળ છે. કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પાંચ મહિલા બટાલિયનનું કેન્દ્રને ઉચિત ગૌરવ છે પણ બી.એસ.એફ. અને સી.આર.પી.એફ.માં મહિલાઓનું પ્રમાણ ૩.૬૮ ટકા જ છે !

જો દેશની વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું હોય તો રોજગારનાં ક્ષેત્રમાં પણ તેનું પ્રમાણ તેટલું હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ પોલીસની લોકવિરોધી અને મહિલાવિરોધી છાપ ભૂંસવા પણ જરૂરી છે. પોલીસનું  કામ માત્ર દંડો ઉગામવાનું, ખતરનાક અને જોખમી કામગીરીનું જ નથી તે દિલ અને દિમાગનું પણ છે તે મહિલા પ્રતિનિધિત્વથી સાકાર થઈ શકશે. સંચાર કૌશલ અને લોકો સાથે સંવાદની ભૂમિકા ઊભી થઈ શકશે. હિંસા અને સંઘર્ષને નિયંત્રિત કરી શકાશે. પોલીસનો બળપ્રયોગ ઘટશે. મહિલા સલામતીની ખાતરી માટે પણ વસ્તીના પ્રમાણમાં પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓના હોવાથી પોલીસ થાણાનો પરિવેશ ભયરહિત બનવાની સંભાવના રહેલી છે.

ભારતના પોલીસ બળમાં મહિલાઓનું સીમિત પ્રતિનિધિત્વ ચિંતાનો વિષય છે. પરંતુ જેમ મહિલાઓને કમજોર માની તેને આ કામગીરીથી અળગી રાખી છે તેમ તેની સામેલગીરી પછી તેની શક્તિને ઓછી આંકી ઊતરતી કક્ષાની કામગીરી આપી તેને સમાન ભાગીદારીથી વંચિત રાખવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે. કાગળ પર લક્ષ્ય હાંસલ કરવાથી કે સંખ્યાબળ વધારી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. મહિલાઓના સંખ્યાબળમાં વૃદ્ધિથી મહિલા સમાનતા અને મહિલાઓની સમાન ભાગીદારી થઈ શકશે નહીં. તે પણ સમજી લેવું પડશે. પોલીસમાં મહિલાઓની ભરતીનો સવાલ સ્ત્રી-પુરુષ સમાનતાનો તો છે જ તે કાર્યસ્થળને સમાન અને સમાવેશી બનાવવાનો પણ છે. પોલીસમાં મહિલાઓના પ્રવેશથી મહિલાસલામતીનું પરિદૃશ્ય બદલાવાની અને પોલીસનો ચહેરો વધુ સંવેદનશીલ તથા માનવીય બનવાની પણ શક્યતા છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2781,2791,2801,281...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved