
તિરાડ ભૂમિ ઉત્તરાખંડમાં આપનું સ્વાગત છે.
અહીં
અઢળક બોગદાં,
બારમાસી ફોરલેન રોડ,
હાઈડ્રો પાવરસ્ટેશન વિકાસ
વગેરેનાં નામે બનાવ્યાં છે.
હા,
વિકાસનાં નામે જ તો.
લોકશાહી છે એટલે બહુમતીના જોરે
બધી જ સરકારોએ
પેલાં બધાંનો વિરોધ કરતી પણ
લઘુમત સ્થાનિક પ્રજાને મૂંગી કરી મેલી છે.
અરે,
બોલે છે પણ જેમની વાત સમજી શકાતી કે
સમજવી નથી એવાં
પહાડ, નદીઓ, વૃક્ષોને તો
બોબડાં કહી, માનીને
ઓર મૂંગાંમંતર કરી દીધાં છે.
ખોતરી નાંખીને,
બાંધી દઈને,
કાપી, મૂળ સોતાં વાઢી, ઉખાડી નાંખીને.
હવે એ બધાંનો ચિત્કાર
તિરાડો, મબલખ તિરાડો બનીને
બહાર આવ્યો છે.
પેલી સ્થાનિક પ્રજાને
સરકારે હવે ફરી
વિસ્થાપિતો બનાવીને ડામ દે છે!
એને કહે છે
અમને તમારી ચિંતા છે, એ દૂર કરીશું.
મૂળસોતાં ઉખેડીને જ તો!
આવી તિરાડ ભૂમિમાં આપનું સ્વાગત છે.
જો જોઈ શકો તો
અમારાં નસીબનાં અંધારાં બોગદાં જોવા,
વિનાશ તરફની સડસડાટ દોટ જોવા …
(ઉત્તરાખંડ યાતના જાણીને)
![]()


બિઝનેસમેન અને ઈનોવેટર ઈલોન મસ્કે, ગયા ઓકટોબરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરને રૂપિયા 3,36,910 કરોડમાં ખરીદી લીધું, તે પછી તેના પર નફરતનો ઘોડો બેલગામ થયો છે. અમેરિકામાં સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ, એન્ટી-ડેફેમેશન લીગ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર નજર રાખતાં અન્ય સંગઠનોના અભ્યાસ અનુસાર, અગાઉ ટ્વીટર પર અશ્વેત અમેરિકનો વિરુદ્ધ એક દિવસમાં સરેરાશ 1,282 નફરતી બયાનો થતાં હતાં. ઈલોને ટ્વીટરનો હવાલો લીધો પછી તેમાં જબ્બર વધારો થયો છે; હવે રોજનાં 3,876 બયાનો થાય છે. અગાઉ, સમલૈંગિક લોકોનું અપમાન કરતી રોજની સરેરાશ 2,506 ટ્વીટ પોસ્ટ થતી હતી, હવે તેની સંખ્યા વધીને 3,964 થઇ છે. ઈલોને ટ્વીટરનો સોદો પૂરો કર્યો તેના બે જ સપ્તાહમાં, યહૂદી લોકો અથવા યહૂદી ધર્મ વિરુદ્ધ નફરત ઓકતી પોસ્ટ્સમાં 61 પ્રતિશત વધારો થયો હતો.