Opinion Magazine
Number of visits: 9458646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગર્લ નં. 166 : મુંબઈની બાળકીનો ઉકેલાયેલો કેસ!

કિરણ કાપુરે|Opinion - Opinion|28 August 2022

આ મહિનાના શરૂઆતમાં મુંબઈના દાદાભાઈ નવરોજી નગર પોલીસ સ્ટેશનમાં આવેલી એક ખુશખબર પૂરા મુંબઈમાં પ્રસરી અને તે પછી દેશના કેટલાંક અખબારોએ પણ તેની નોંધ લીધી. ન્યૂઝ હતા એક બાળકીનાં, જે છેલ્લા 9 વર્ષ અને 7 મહિનાથી ગુમશુદા હતી, જે હવે તેનાં પરિવારને મળી ચૂકી છે. બાળકીનું નામ છે પૂજા ગૌડ અને અત્યારે તેની ઉંમર છે સોળ વર્ષ. પૂજા ગૌડ ગુમ થઈ અને મળી તેમાં એક નામ વારેવારે સામે આવ્યું તે મુંબઈના રિટાયર્ડ પોલીસ ઓફિસર રાજેન્દ્ર ધોન્ડુ ભોસલેનું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા શાળા જતાં સમયે ગુમ થઈ અને તે પછી સતત તેની શોધખોળ થતી રહી પણ તેનો કોઈ પત્તો ન લાગ્યો. પૂજાએ તે દિવસે બ્લ્યૂ કલરનો ફ્રોક પહેર્યો હતો. દાદાભાઈ નવરોજીનગર પોલીસ સ્ટેશનની હદમાંથી 2008થી 2015 વચ્ચે 166 બાળકીઓ ગુમ થઈ હતી. તેમાંથી 165 બાળકીઓને રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે શોધી કાઢી; પરંતુ પૂજાની કશી જ માહિતી તેઓ મેળવી શક્યા નહીં. પૂજા નહીં મળવાનો અફસોસ રાજેન્દ્ર ભોસલેને હરપળ સતાવતો હતો અને તેથી તેઓ ઑનડ્યૂટી હોય કે ઑફડ્યૂટી તેનો ફોટો સાથે રાખતા. નિવૃત્તિ પછી પણ રાજેન્દ્રએ પૂજાને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા. રાજેન્દ્ર ભોસલેના આ પ્રયાસને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે 2015માં વિગતે કવર કર્યો છે, અને તેમાં પૂર્વ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પૂજા વિશે કહે છે કે, “હું બાળકીની આંખોને બરાબર ઓળખું છું. તે મારી સામે આવે તો તરત ઓળખી લઉં. મારા મગજમાં તેના ચહેરાની છબિ જડાઈ ગઈ છે.”

2011માં રાજેન્દ્ર ભોસલેને તેમના પોલીસ સ્ટેશનમાં મિસિંગ બ્યૂરોની જવાબદારી સોંપવામાં આવી. અહીંયા ગુમ થનારાંઓમાં પુરુષ-મહિલા હતાં, પણ રાજેન્દ્ર અને તેમની ટીમ માટે વધુ અગત્યના મિસિંગ બાળકો હતાં. સામાન્ય રીતે મુંબઈના માર્કેટસ્થળેથી, ચાલીછાપરાંઓમાંથી બાળકો શાળાએ જતાં કે ઘરની બહાર રમતાં ગુમ થાય છે. ભોસલે અને તેમની ટીમના હાથમાં જ્યારે આ જવાબદારી આવી ત્યારે તેમણે નિર્ધાર કર્યો કે ગુમ થયેલું દરેક બાળક પોતાના ઘરે પાછું ફરવું જોઈએ. રાજેન્દ્ર પર જાણે બાળકોને શોધવાનું ઝનૂન સવાર રહેતું, તેઓ હંમેશાં બાળકોની તપાસમાં ઝીણામાં ઝીણી માહિતી નોંધી રાખતા. પહેલાં તો તેમના સહઅધિકારીઓને લાગ્યું કે રાજેન્દ્રને બાળકોને શોધી લાવવાનું ઉપરથી દબાણ છે, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે તે બાળકોના કેસિસ સાથે ઇમોશનલી જોડાયેલા છે. પૂજાનો મિસિંગ નંબર 166 પડ્યો હતો. પછી તેમના માટે આ મિસિંગ ગર્લ નંબર નહોતો, બલકે તેઓ કહેતા કે હું મારી દીકરીને શોધી રહ્યો છું.

પૂજા જે રીતે ગુમ થઈ તેની સ્ટોરી તેમણે તપાસ દરમિયાન અનેક વાર સાંભળી અને જ્યાંથી તે ગુમ થઈ ત્યાં સ્પોટ પર કલાકો સુધી બેસતા. તેઓને મનોમન થતું કે પૂજા એક દિવસ જરૂર મળશે. પૂજા જે દિવસે ગુમ થઈ તે દિવસે સવારે પોતાના ભાઈ રોહિત સાથે શાળાએ જવા નીકળી હતી. અંધેરીના કામા રોડ મ્યુનિસિપલ શાળાએ આ બંને ભાઈ-બહેનો ચાલતાં જતાં. શાળાએ જતી વેળાએ દાદા દસ રૂપિયા આપે જેને બંને બાળકો સરખે હિસ્સે વહેંચતાં. જે દિવસે તે ગુમ થઈ તે દિવસે ભાઈએ પૂજાને હિસ્સો આપ્યો નહોતો. રોહિતે કહ્યું પણ ખરું કે તને હું રિસેસમાં પાંચ રૂપિયા આપીશ પણ પૂજા ન માની અને તે શાળા નજીક આવેલી એક જગ્યાએ બેસી રહી. શાળાએ જવામાં પહેલેથી બંનેને મોડું થઈ ચૂક્યું હતું એટલે રોહિત શાળાના ગેટમાં પ્રવેશી ગયો. પણ પૂજા બહાર રહી અને પછી તે ક્યાં ગઈ તે કોઈ જાણતું નહોતું.

પૂજા ગુમ થઈ તે પછીનાં બે વર્ષ દરમિયાન રાજેન્દ્ર ભોસલે અવારનવાર પૂજા જ્યાંથી ગુમ થઈ હતી, તે સ્પોટ પર જતા. પૂજા છેલ્લે જ્યાં બેસી હતી ત્યાં જ બેસીને તેનાં સ્તરે ત્યાંથી પૂરી દુનિયાને નિહાળતા. બાળકોની જેમ વિચારી પણ જોયું કે કોઈ પૈસા ન આપે તો બાળક શું કરે. પરંતુ આ કેસ કોઈ રીતે ઉકેલાતો નહોતો. સ્પોટ પર જઈને માત્ર રાજેન્દ્રને સંતોષ નહોતો, બલકે તેની ઝીણી ઝીણી વિગત નોંધીને રાખવાનો પણ તે નિયમ પાળતા. આ માટે તેમણે એક ડાયરી રાખી હતી. આ ડાયરીને ‘મિસિંગ ડિટેક્શન ગ્રંથ’ એવું નામ સહકર્મચારીઓએ આપ્યું હતું. તેમાં બ્લ્યૂ અને કાળી પેનથી મિસિંગ બાળકોની બધી વિગત ટપકાયેલી મળતી. કયા કેસમાં શું અપટેડ છે અથવા તો કોઈ માહિતી મળી હોય તો તેમાં અચૂક તેમાં લખેલી હોય. અને જે બાળકો મળી જતાં તેની નોંધ તેમાં લાલ પેનથી કરતા.

આજના ટેકનોલોજીના યુગમાં ય રાજેન્દ્ર ભોસલેએ ફિલ્ડમાં જઈને કેસ તપાસવાની પ્રાથમિકતા રાખી હતી. 2008માં જ્યારે તેમના પોલીસ સ્ટેશનના હદમાં 47 નાનાં બાળકો, 25 બાળકીઓ અને 45 મહિલાઓ મિસિંગ હતી ત્યારે તેમણે ચાલતાં ચાલતાં જ બધી તપાસ કરવાનો આગ્રહ રાખ્યો. સીધા લોકો પાસે જવાનું અને તેમની સાથે વાતચીત કરવાની. દુકાનદારો, ગૃહિણીઓ, પાનનાં દુકાનવાળા, સમાજસેવકો, મોબાઈલ દુકાનદારો અને બેકરીવાળા પાસેથી તેમને હંમેશાં અગત્યની માહિતી મળી છે. રાજેન્દ્રને આ બધામાં બેકરીવાળા પાસેથી સૌથી વધુ માહિતી મળી, કારણ કે મુંબઈમાં સૌને પાંવનું વળગણ રહ્યું છે અને દરેક ધર્મ, દરેક વર્ગની વ્યક્તિ બેકરીમાં અવારનવાર આવે છે. આ ઉપરાંત, મોચી પણ રાજેન્દ્રના બેસ્ટ ઇન્ફોર્મર રહ્યા છે. એક કિસ્સામાં જ્યારે રાજેન્દ્ર ભોસલે સલૂનવાળા પાસે મિસિંગ છોકરાનો ફોટો લઈ ગયા ત્યારે તેણે તરત કહ્યું કે, “અપની આઇટમ કે ઘર પે હોગા, ફોન મેં ઉસકા ફોટુ થા.” તપાસ કરતાં તે બાળક સલૂનવાળાએ કહ્યું હતું એ જ જગ્યાએ મળ્યું.

પૂજાને શોધવાના તેમના પ્રયાસ એ હદ સુધીના હતા કે તેઓ પૂજાના પરિવાર સાથે ઘરોબો કેળવી ચૂક્યા હતા. ઘણી વાર તો પૂજાના કેસમાં તેમને નિરાશા આવે તો પૂજાના પિતા સંતોષને મળવા જતા, જે સિનેમા હોલની બહાર સિંગ વેચતા હતા. સંતોશ ગૌડની દિવસની કમાણી માત્ર ત્રણસો રૂપિયાની હતી, તેઓ પોલીસને કશું આપી શકે એમ નહોતા, તેમ છતાં રાજેન્દ્ર તેમના માટે દિવસરાત એક કરી રહ્યા હતા. એક સમયે તો રાજેન્દ્ર ભોસલે અને પૂજાના પિતાએ મુંબઈ શહેરમાં જગ્યાએ જગ્યાએ પૂજાના પોસ્ટર્સ લગાવ્યા હતા. જો કે પૂજાના ગુમ થયા બાદ વર્ષો સુધી આ કવાયત કર્યા છતાં તેની માહિતી રાજેન્દ્ર ભોસલે પાસે ન આવી. અને પૂજાના પિતાનું પણ આ દરમિયાન અવસાન થયું.

22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા જ્યારે ઘરેથી તેના ભાઈ સાથે શાળાએ જવા નીકળી ત્યારે હેરી જોસેફ ડિસોઝા નામની વ્યક્તિએ તેને જોઈ. હેરી અને તેની પત્ની સોનીને ઘણાં વખતથી કોઈ બાળક થતું નહોતું, ત્યારે તેણે પૂજાને જોઈને વિચાર્યું કે આ અમારી દીકરી બની શકે! અને ત્યાંથી તેનું અપહરણ કર્યું. અત્યારે હેરીએ તપાસમાં આ સ્ટોરી મુંબઈ પોલીસને જણાવી છે. તે વખતે પૂજાની ખૂબ શોઘખોળ થઈ, પોલીસ એક્ટિવ થઈ અને મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ એટલે હેરી ડિસોઝાએ પૂજાને તેના કર્ણાટકના મૂળ ગામ રાઈચૂરની એક હોસ્ટેલમાં મૂકી દીધી. ત્રણ વર્ષ પછી આ દંપતીને એક બાળક થયું અને પૂજાને પણ પોતાની પાસે મુંબઈ લઈ આવ્યાં. જો કે પૂજાનો અને પોતાના બાળકનો ખર્ચ આ દંપતીને પોસાતો ન હોવાથી પૂજાને તેમણે એક બેબીસિટરને ત્યાં જોબ પર રાખી. સાથે તેઓ અંધેરીના એ જ વિસ્તારમાં રહેવા આવ્યા જ્યાં પૂજાનો પરિવાર રહેતો હતો. પૂજા એ વિસ્તારમાં જ હરતી-ફરતી પણ તેને કોઈ ઓળખી શક્યું નહીં કારણ કે આ દરમિયાન તે મોટી થઈ હતી.

પૂજા જ્યાં બેબીસિટર તરીકે જતી ત્યાં તેનો સંવાદ એક-બે વ્યક્તિ સાથે થયો અને ઘરમાં તેની સાથે થતાં વ્યવહારની વાત તેણે તેમને જણાવી. પૂજાને એમેય લાગ્યું કે તે દંપતીની દીકરી નથી કારણ કે એક વખતે હેરી ડિસોઝાએ નશામાં પૂજાને એમ કહ્યું હતું કે તેને 2013માં ક્યાંકથી લઈ આવ્યો છે. બેબીસિટરમાં પૂજાની સાથે કામ કરતી એક મહિલાએ ગૂગલમાં પૂજાનું નામ અને વર્ષ 2013 એમ નાંખ્યું. અને તરત જ ગૂગલમાં પૂજાના પોસ્ટરના રિઝલ્ટ મળ્યાં, જે પોસ્ટર્સ તેના પિતા અને એ.એસ.આઈ. રાજેન્દ્ર ભોસલેએ શહેર ભરમાં લગાવ્યા હતા. પોસ્ટર જોતાં પૂજાને બધું યાદ આવી ગયું અને તેમાં આપેલાં પાંચ નંબર પર એક પછી એક ફોન કોલ લગાવ્યો. છેલ્લે તેમાંથી એક નંબર લાગ્યો તે પૂજાના પાડોશી રફીકનો હતો. રફીક પર અગાઉ પણ આવા અનેક કોલ આવી ચૂક્યા હતા, તેથી રફીકે પહેલાં ફોટોગ્રાફ્સ મંગાવ્યા તે પછી વીડિયો કોલ પર વાત કરી. રફીકને લાગ્યું કે આ પૂજા જ છે. રફીકે તેના કાકા, માતા અને પરિવારને તેનો ફોટો બતાવ્યો અને સૌ ચોધાર આંસુએ રડી પડ્યાં. પૂજાને તેમણે ઓળખી. પોલીસે ડિસોઝા દંપતીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. આ ખબર રાજેન્દ્ર ભોસલે પાસે પણ પહોંચી ત્યારે તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે, “મેરી પૂજા મિલ ગઈ.” ગૌડ પરિવારમાં પૂજાના મળવાથી ઉજવણીનો માહોલ છે અને રાજેન્દ્ર ભોસલેના ઘરે પણ પૂજાના મળવાથી એક ક્રમ બદલાયો છે. રોજ તેમના ઘરે જમતી વેળાએ અને રાતરે સૂતી વખતે પૂજા મળી જાય તેવી ઈશ્વર પ્રાર્થના થતી, હવે તેઓની પ્રાર્થના આભાર વ્યક્ત કરતી હશે.

e.mail : kirankapure@gmail.com

Loading

અદાણી અને એન.ડી.ટી.વી. : મૂડીવાદ અને રાજકારણના ટુ વે ટ્રાફિકની પેદાશ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 August 2022

ન્યૂઝ ચેનલ ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, ખાસ કરીને જ્યારે તે સત્તાધીશોને સવાલ કરવાના સિદ્ધાંત પર કામ કરનારું માધ્યમ હોય. યક્ષપ્રશ્ન એ છે કે શું હવે એન.ડી.ટી.વી.નું ક્લેવર બદલાશે?

‘આપ કો કૈસ લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટા ભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદ્ભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એન.ડી.ટી.વી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એન.ડી.ટી.વી.ના ૨૯ ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એન.ડી.ટી.વી.ની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજૂઆતોનો મારો એન.ડી.ટી.વી. પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એન.ડી.ટી.વી. એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એન.ડી.ટી.વી. સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એન.ડી.ટી.વી.નો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધોના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એન.ડી.ટી.વી. પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.

આ ડીલ ખરેખર શું છે?

વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) નામની એક ઓછી જાણીતી કંપની જે ૨૦૦૮માં સ્થાપવામાં આવી હતી. એન.ડી.ટી.વી.ના માલિકો પ્રણય રોય અને રાધિકા રોયે આ કંપની પાસેથી ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન ૪૦૩ કરોડની લોન આ કંપની પાસેથી લીધી. તેમણે આર.આર.પી.આર. (RRPR) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામે સ્થાપેલી VCPL પાસેથી આ ઝીરો ઇન્ટરેસ્ટ લોન લીધી. આમ એ કંપનીની એન.ડી.ટી.વી.માં સૌથી મોટી ભાગીદારી બની જે ૨૯.૧૮ ટકા હિસ્સો ધરાવતી હતી. RRPRને આ લોન એક શરતે મળી હતી. લોનની સામે RRPRએ VCPLને વૉરંટ ઇશ્યૂ કર્યા હતા કે જેના થકી VCPL ઇચ્છે તો વોરંટને કન્વર્ટ કરીને ૯૯.૯ RRPRની ટકા ભાગીદારી લઇ શકે છે. લૉન લેવા માટે RRPRએ જાતને જ ગિરવી મૂકી હતી. 

અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે. આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એન.ડી.ટી.વી.માં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શૅર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ ૨૬ ટકા શૅર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે ૪૯૨.૮ કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું. જો આ ૨૬ ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો ૫૫ ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. ૨૬ ટકા શૅર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એન.ડી.ટી.વી.નું ભાવિ ટકેલું છે. જો કે એન.ડી.ટી.વી.માં બે મોટા રોકાણકારો છે એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલ.ટી.એસ. પોતાના શૅર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એન.ડી.ટી.વી.ના શૅરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઑફર કરે છે. આ એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૯૮ ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શૅર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શૅર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એન.ડી.ટી.વી.માં ૫૦ ટકાથી વધારેની ભાગીદાર બને.

સૌથી મોટી ચિંતા તો એ છે કે જનતાનો અવાજ બનનારી એક માત્ર ચેનલ પર જો સરકારની નજીક એવા અદાણી ગ્રૂપની સત્તાની પકડ આવશે તો પછી ત્યાં પણ ફ્રેન્ડલી મેચિઝ જ રમાશે? એન.ડી.ટી.વી.ના માલિકો મોટી રકમ આપી ૨૬ ટકાની ઑફર ખરીદે એ પણ શક્ય નથી.  ન્યૂઝ ચેનલ ચલાવવી ખાવાના ખેલ નથી. સતત ૨૪ કલાક સમાચાર આપવા, સારી ગુણવત્તાના સમાચાર આપવા અને ટી.આર.પી.ની રેસમાં આગળ વધવા માટે કોઇ ફાલતુ સમાધાન કે નાટ્યાત્મક પસંદગીઓ ન કરીને સિદ્ધાંતો તથા સમાચારની દુનિયાના મૂળભૂત હેતુ તથા નિયમોને વળગી રહીને ચેનલ ચલાવવી આસાન નથી. એન.ડી.ટી.વી.એ પણ ભારે આર્થિક ખોટ વેઠી, જો કે એક મત મુજબ તેમના ડિજીટલ સાહસે છેલ્લાં ચારેક વર્ષમાં સારી પકડ જમાવી હતી પણ છતાં પણ તે પહેલાં માત્ર ટેલિવિઝન ચેનલ તરીકે આર્થિક રીતે એન.ડી.ટી.વી.ના પાયા ડગમગ્યા જ હતા.

અત્યારના તબક્કે એન.ડી.ટી.વી.નું ક્લેવર પૂરેપૂરું બદલાઇ જશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. એન.ડી.ટી.વી.ના માલિકો પર ભૂતકાળમાં પડેલી રેડ, ૨૦૧૬માં એન.ડી.ટી.વી.ની હિન્દી ચેનલ પર ભા.જ.પા. સરકારે ૨૪ કલાક માટે મુકેલો પ્રતિબંધ જેમાં તેને રાષ્ટ્રીય સુરક્ષા પરનું જોખમ ગણાવાઇ હતી જેવી કેટલી ય ઘટનાઓ છે જે એ વાતની સાબિતી છે કે વર્તમાન સરકારને એન.ડી.ટી.વી. સામે વાંધો છે.

લોકશાહીના ચોથા સ્તંભ પર મૂડીવાદની પકડ મજબૂત બની રહી છે, હા, મીડિયા બિઝનેસ છે પણ કરિયાણાની દુકાન કે સુપર સ્ટોર નથી. ટકી જવા માટે ક્યાંક બાંધ છોડ કરવી પણ પડે પણ દરેક મીડિયા સંસ્થા પોતાનો આત્મા વેચવા તૈયાર નથી હોતી, કેટલાક ગણ્યા ગાંઠ્યા એકલવીર સત્તા અને પૈસાના મારા સામે પોતાની લડાઇ લડ્યા કરતા હોય છે. તેમનો અવાજ બંધ કરી કે રૂંધી ન દેવાય ત્યાં સુધી એટલી આશા તો સેવાય કે જે જરૂરી છે તેવા મુદ્દાઓ અને પ્રશ્નોની ચર્ચા થતી રહેશે.

આ બધા ઘોંઘાટની વચ્ચે એન.ડી.ટી.વી.ના રવીશ કુમારે પોતે રાજીનામું આપવાના છેની અફવાનું ખંડન કરવા માટે મજેદાર ટ્વીટ કર્યું, “માનનીય જનતા, મેરે ઇસ્તીફે કી બાત ઠીક ઉસી તરહ અફવાહ હૈ, જૈસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુઝે ઇન્ટરવ્યૂ દેને કે લિએ તૈયાર હો ગએ હૈં ઓર અક્ષય કુમાર બંબૈયા આમ લે કર ગેટ પર મેરા ઇંતઝાર કર રહે હૈં.” તેમણે પોતાની જાતને વિશ્વના સૌથી પહેલા અને સૌથી મોંઘા ઝીરો ટી.આર.પી. એંકર પણ ગણાવ્યા છે. 

બાય ધી વેઃ

મોદી સરકાર અને ગૌતમ અદાણીને સારાસારી છે અને એની સાબિતી કોલસાની આયાતના લાઇસન્સિઝથી માંડીને શ્રીલંકાની સત્તાધીશોને અદાણી ગ્રૂપ સાથે બિઝનેસ કરવાની સૂચના અને દેશના છ એરપોર્ટના ખાનગીકરણનું કામ અદાણી ગ્રૂપ પાસે જવું, કરોડોની લોન માફ કરી દેવી અને જ્યારે ગુજરાતીમાં સાહેબ મુખ્ય મંત્રી હતા ત્યારે અદાણી ગ્રૂપને નજીવા ભાવે મળેલી જમીનના દાવા જેવી બાબતોમાંથી મળી રહે છે. ભા.જ.પા.ના સુબ્રમણ્યિમ સ્વામીએ અદાણીને નોન પરફોર્મિંગ એસેટમાં ખપાવેલા. રાજકારણીઓ અને બિઝનેસ લીડર્સ વચ્ચેની સાંઠગાંઠ માટે અંગ્રેજીમાં શબ્દ છે ક્રોની કેપિટાલિઝમ – આવા આક્ષેપ ભા.જ.પા. અને કાઁગ્રેસ બન્ને પક્ષો પર મુકાયા છે. પાર્ટી ફંડમાં આવતા પૈસાને બદલે જાતભાતના લાભ ઉદ્યોગકારોને મળતા હોય છે, આ ટુ વે ટ્રાફિક છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022

Loading

સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના ન કાયદા હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|28 August 2022

કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં ફરજિયાતપણું રહેલું છે એવી) ફરજ ગણાય કે વિવેક? આનો જવાબ તમે શું આપો છો, એનાં આધારે તમારું, તમારાં પરિવારનું, તમારા સમાજનું અને તમે જે દેશમાં રહેતા હો એ દેશનું ભવિષ્ય ઘડાશે.

ગાંધીજીએ અસહકાર અને ખિલાફતનું આંદોલન શરૂ કર્યું અને દેશ અને દુનિયાએ ક્યારે ય ન જોઈ હોય એવી હિંદુ-મુસ્લિમ એકતા નજરે પડી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા કેટલાક હિંદુઓએ ગાંધીજીને સલાહ આપી હતી કે આ સુવર્ણ અવસરનો લાભ લઈને ગાયની હત્યા કરવામાં ન આવે એ માટે ગોવધ પ્રતિબંધ સારુ મુસલમાનોને સમજાવી લેવા જોઈએ. મુસ્લિમ નેતાઓ માની જશે અને તમારો શબ્દ તો તેઓ નહીં જ ટાળે. મુસલમાનો પણ તમને મહાત્માજી તરીકેનો આદર આપે છે.

જો ગાંધીજીની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો તેણે સો ટકા મુસલમાનો સાથે આવી સમજૂતી કરી હોત કે કરાવી હોત. વળી ગાંધીજી તો ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં ગર્વ લેતા હતા. ગાંધીજી તો પોતાને સનાતની હિંદુ તરીકે પણ ઓળખાવતા હતા. પણ ગાંધી જુદી માટીનો હતો અને માટે તો એ મરતો નથી. તેમણે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના કાયદા ન હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય. જો કાયદા ઘડશો કે ફરજ પાડશો તો તેમાં ફાયદા કરતાં નુકસાન વધુ થશે. કેટલીક બાબતો એવી હોય છે જે સદિ્ચ્છા(ગુડવિલ)નાં ક્ષેત્રમાં આવે છે અને તે કેળવણીનો ભાગ છે. ઈબાદત ટાણે મસ્જિદ પાસે વાજિંત્ર નહીં વગાડવાં એમાં હિંદુની સભ્યતા / સદિ્ચ્છા છે અને ગાયની હત્યા નહીં કરવી એમાં મુસલમાનની સભ્યતા / સદિ્ચ્છા છે. સ્મશાનયાત્રા અને વરઘોડો રસ્તામાં સામસામે આવી જાય ત્યારે વરઘોડાવાળા બેન્ડ વગાડતા અટકી જાય એ વિવેક છે. આનાં કોલ-કરાર અને કાયદા ન હોય. જો એ કરવા જશો તો ઊલમાંથી ચૂલમાં પડશો.

આ ગાંધી. જે સહેજે થઈ શકતું હતું એ તેમણે નહીં કર્યું. તેમના અધ્યાત્મિક વારસદાર અને ભાષ્યકાર વિનોબા ભાવે ગોવધપ્રતિબંધનો કાયદો કરાવવાની લાલચ નહીં રોકી શક્યા અને એક વાર ઉપવાસ પણ કર્યા, જ્યારે ગાંધીજી માટે જે સહજસાધ્ય હતું એ તેમણે ધરાર નહીં કર્યું. તેમાં તેમને અર્થ કરતાં અનર્થ નજરે પડતો હતો.

શું અનર્થ નજરે પડ્યો હતો તેમને? અનેક. એક તો એ કે લાગણીની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે ત્યાં તમે લાગણીઓના આઘાત-પ્રત્યાઘાતોને કાયદામાં કેવી રીતે બાંધો? જો તમે તેને બાંધશો અને પ્રજા ઉપર ફરજ પાડશો તો તેમાં તમે ન્યાય કરતાં અન્યાય જ વધુ કરશો. લાગણી દુભવવાને લગતા કાયદાનો દુરુપયોગ થવાનો છે અને મોટાભાગે કાયદાઓનો દુરુપયોગ અસમર્થ લોકો સામે વધુ થાય છે. ગોવધપ્રતિબંધક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કોની સામે થઈ રહ્યો છે એ તો તમે જાણો છો.

બીજું એ કે તેને કારણે અભિવ્યક્તિ રૂંધાશે. ડૉ રામમોહન લોહિયાએ એક જગ્યાએ કહ્યું છે કે દ્રૌપદી સંસારની શ્રેષ્ઠ નારી છે, સીતા કે સાવિત્રી નહીં. તેમણે કારણ આપતાં કહ્યું છે કે દ્રૌપદીએ વડીલો (ભીષ્મપિતામહ) આચાર્યો (દ્રોણ અને કૃપાચાર્ય), બુદ્ધિમાનો (વિદુર), ચક્રવર્તી રાજા (ધૃતરાષ્ટ્ર), મોટી સંખ્યામાં ઉપસ્થિત દુષ્ટો (કૌરવો), કપટીઓ (શકુની), પોતાની પત્નીને દાવ પર લગાડવા જેટલો સ્ત્રી પર અધિકાર ધરાવનાર પતિઓ (પુરુષો) જે દરેકે દરેક કોઈને કોઈ પ્રકારની સત્તા ધરાવતા હતા તેમની સામે ભરી સભામાં અવાજ ઉઠાવ્યો. દ્રૌપદી અવિવેકી સત્તા સામે નારીનો સત્યનો અને અધિકારનો અવાજ છે અને માટે એ સંસારની શ્રેષ્ઠ નારી છે. તે સીતા અને સાવિત્રીની જેમ પતિની પાછળ ચાલીને દુઃખ વેઠી લેવામાં નહોતી માનતી. હવે કોઈ હિંદુ એમ કહે કે ડૉ લોહિયાએ સીતા માતા અને સતી સાવિત્રીનું અપમાન કર્યું છે અને તેમણે હિંદુઓનું દિલ દુભવ્યું છે તો શું થાય? હવે લોહિયાએ જે કહ્યું એને તમે સુંદર મૌલિક નિરીક્ષણ તરીકે જોશો કે પછી સજાને પાત્ર હિંદુવિરોધીનું કથન? લોહિયાનાં નિરીક્ષણ દ્વારા ઇતિહાસ-પુરાણો કે કાવ્યોને જોવાની આપણી સમજમાં વધારો થયો કે ઘટાડો?

આ પ્રકારનાં સુંદર અને મૌલિક નિરીક્ષણો અને અભિપ્રાયો દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. આપણી સમજણની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. પરિઘ વધુને વધુ મોટો થાય છે. જેની વ્યાખ્યા જ શક્ય નથી એવી લાગણીઓને અને જે પ્રત્યક્ષ નજરે પડતી નથી એવી દુભામણીઓને કાયદે બાંધવા જતાં સમાજને મોટી ખોટ પડવાની છે. બને કે કોઈની અભિવ્યક્તિ અણઘડ પ્રકારની હોય. બને કે કોઈ વિચાર્યા વિના કે સરખો અભ્યાસ કર્યા વિના બોલતું હોય. બને કે કોઈ જાણીબૂજીને બીજાને ઠેસ પહોંચાડવા માટે બોલતું હોય. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી પ્રકારની અભિવ્યક્તિઓને રોકવા માટે કાયદાઓ ઘડવામાં આવે તો ડૉ લોહિયા જેવાઓનાં અર્થગર્ભ અભિપ્રાયોથી સમાજ વંચિત રહી જાય અને એ ખોટ ન પૂરાય એવી છે. આ સિવાય કલાત્મકતા અને સર્જનાત્મકતાથી પણ સમાજ વંચિત રહે. વળી સંસારનો નિયમ છે કે જે કચરો છે એ કાળના ચાળણામાં ચળાઈ જવાનો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.

ત્રીજું એ કે જો કાયદા ઘડવામાં આવે અથવા અભિવ્યક્તિની બાબતે અમુક પ્રકારની ફરજ પાડવામાં આવે તો લાગણી અને દુભામણીના ઠેકેદારો પેદા થાય અને તેનું રાજકારણ કરવામાં આવે. દેશમાં અને જગતમાં અત્યારે આ જોવા મળી રહ્યું છે. લાગણી અને દુભામણીના ઠેકેદારોએ અને તેનું રાજકારણ કરનારાઓએ આ જગતમાં જેટલો આતંક મચાવ્યો છે અને હિંસા કરી છે એટલી હિંસા તો જમીન અને સત્તા માટેની લડાઈઓએ પણ નથી કરી. આ હકીકત છે. ઇતિહાસ તપાસી જાવ.

માટે ગાંધીજીએ કહ્યું હતું કે વિવેક અને સદિ્ચ્છાના કાયદા ન હોય એ કેળવવાની ચીજ છે. મોટું મન રાખીને આંખ આડા કાન કરવા એ વિવેક છે. સહિષ્ણુતા કેળવવી એ વિવેક છે. બીજા માણસને બોલવા દેવો એ વિવેક છે. તેની પાસેથી જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરવું એ વિવેક છે. કબીરે અમસ્તું નથી કહ્યું કે નિંદક નીઅરે રાખીએ. એ વગર પાણીએ હજામત કરી આપે. કાયદાઓ ઘડીને કોઈને રોકશો અને ટોળાંઓ રચીને કોઈને વારશો કે મારશો તો સરવાળે નુકસાન સમાજને થવાનું છે.

પણ આ તો એમને માટેની વાત થઈ જેઓ સદ્ગુણ અપનાવવા અને વિકસાવવા માગે છે. જ્યારે વિનાયક દામોદર સાવરકર કહીને ગયા છે કે સદ્ગુણ એ વિકૃતિ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022 

Loading

...102030...1,2741,2751,2761,277...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved