Opinion Magazine
Number of visits: 9669865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—181

દીપક મહેતા|Opinion - Opinion|28 January 2023

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

મુંબઈના ગવર્નરના બદલાતા જતા બંગલા   

સવાલ : ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કોલેજ, ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે, ૧૮૬૨માં શરૂ થયેલી બોમ્બે હાઈ કોર્ટ, ૧૮૬૫માં શરૂ થયેલી ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એક જ સ્થળે થયો હતો. એ જગ્યા તે કઈ?  જવાબ આજના લેખને અંતે. 

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈનો જન્મ દિવસ. સમય સાંજ પહેલાંની સાંજ. સ્થળ : બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરનો પરળ (પરેલ) ખાતે આવેલો વિશાલ બંગલો. એક પછી એક નામવંત ગોરાઓ આવતા જાય છે. કોઈ પાલખીમાં, કોઈ ઘોડા ગાડીમાં, કોઈ ઘોડેસ્વાર થઈને. સૌથી પહેલા આવે છે ઓનરેબલ સર જેમ્સ મેકિન્‌ટોશ, રેકોર્ડર્સ કોર્ટના જજ. બીજા આવનારાઓમાંના કેટલાક : મુંબઈ ખાતેના લશ્કરના વડા જનરલ ઓલિવર નિકોલ્સ, મેડિકલ બોર્ડના પહેલા સભ્ય હેલેનસ સ્કોટ, ચાર્લ્સ ફોર્બ્સ, સર્જન જનરલ ડોક્ટર રોબર્ટ ડ્રમંડ, મેજર એડવર્ડ મૂર, વિલિયમ અર્સકિન, અને બીજાઓ. બીજા બધા આવી ગયા પછી પધારે છે ગવર્નર જોનાથન ડંકન. સૌ ઊભા થઈને તેમનું અભિવાદન કરે છે. તેમની અનુમતિ લઈને સર જેમ્સ મેકિન્‌ટોશ પોતાનું ભાષણ વાંચવાનું શરૂ કરે છે : “આજે આપણે એક સાવ નાની સોસાયટીની શરૂઆત કરી રહ્યા છીએ. પણ તેની સ્થાપના પાછળનો હેતુ ઘણો મોટો છે : જ્ઞાન માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો આદર. આપણે જે વિશાળ દેશ પર રાજ્ય કરીએ છીએ, જેના વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નો કરીએ છીએ, તે દેશના લોકો, તેમની સંસ્કૃતિ, ભાષાઓ, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય વગેરેના વારસાનો આપણે અભ્યાસ કરીએ અને તે દ્વારા આપણા દેશના લોકોને હિન્દુસ્તાનથી વધુ સારી રીતે પરિચિત કરીએ એ આપણી ફરજ બની રહે છે. આજે શરૂ થતી ધ લિટરરી સોસાયટી ઓફ બોમ્બે આ દિશામાંનું પહેલું પગલું છે. સર વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ દ્વારા જે કામ આદર્યું છે તેનું અનુસંધાન આપણી સોસાયટી કરી શકશે એવી આશા રાખીએ.” આ સભામાં સોસાયટીના પહેલા પ્રમુખ તરીકે સર્વાનુમતે સર જેમ્સ મેકિન્‌ટોશની વરણી કરવામાં આવી.

 સર જેમ્સ મેકિન઼્ટોશ

આ સોસાયટીએ પહેલું કામ કર્યું લાઈબ્રેરી ઊભી કરવાનું. છેક ૧૭૮૯માં મુંબઈમાં એક લાઈબ્રેરી શરૂ થઈ હતી. તેમાં મુખ્યત્ત્વે મેડિકલ અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ આખી લાઈબ્રેરી નવી સોસાયાટીએ ખરીદી લીધી. ૧૮૨૬માં આ સોસાયટી રોયલ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ સાથે ભળી ગઈ અને બની બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. ૧૮૭૩માં ધ જ્યોગ્રોફિકલ સોસાયટી ઓફ બોમ્બે અને ૧૮૯૬માં ધ એન્થ્રોપોલોજિકલ સોસાયટી ઓફ બોમ્બે તેમાં ભળી ગઈ. ૧૮૪૧થી ‘જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’નું પ્રકાશન શરૂ થયું. ૧૮૪૧ સુધી આ સોસાયટીનું સભ્યપદ ફક્ત અંગ્રેજો જ મેળવી શકતા. ૧૮૪૧થી ‘દેશીઓ’ પણ સભ્ય બની શકે એમ ઠરાવાયું. આઝાદી પછી ૧૯૫૪માં રોયલ એશિયાટિક સોસાયટીથી અલગ થઈને મુંબઈની સોસાયટી બની ધ એશિયાટી સોસાયટી ઓફ બોમ્બે. છેવટે બોમ્બેનું સત્તાવાર નામ મુંબઈ બન્યા પછી તે બની ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ.

ગવર્નર્સ હાઉસ, પરળ, ૧૮૬૬માં

આમ, લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની શરૂઆત મુંબઈના ગવર્નરના બંગલામાં થઈ. ભલે થોડી આડવાત થાય, પણ મુંબઈના ગવર્નરના રહેઠાણનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. પોર્ટુગીઝ શાસન દરમ્યાન લગભગ બધા ગવર્નર બોમ્બે કાસલમાં રહેતા. આ બોમ્બે કાસલ આજે આઈ.એન.એસ. આંગ્રેનો એક ભાગ છે. સુરત ઉપરાંત સારો એવો વખત મુંબઈમાં રહેનારા પહેલા અંગ્રેજ ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર પણ બોમ્બે કાસલમાં રહ્યા. ૧૭૫૭ સુધી બ્રિટિશ ગવર્નરો ત્યાં રહ્યા. આ કાસલની જમીન પર અગાઉ મનોર હાઉસ નામનું મકાન હતું.

પછી ૧૭૫૭માં જોન સ્પેન્સરનું મકાન ખરીદી લઈને સરકારે તેને ગવર્નરનું રહેઠાણ બનાવ્યું. પણ પછી લાગ્યું કે આ મકાનની આસપાસ બહુ ગીચ વસ્તી છે એટલે તે ગવર્નરને રહેવા લાયક નથી. એટલે ગવર્નર્સ હાઉસને પરળ (પરેલ) ખસેડવામાં આવ્યું.  ૧૬૭૩માં બંધાયેલું આ મકાન મૂળ તો પોર્ટુગીઝ ફ્રાન્સિસકન સંપ્રદાયનું દેવળ હતું. પણ ૧૭૧૯માં બ્રિટિશ ગવર્નરે એ મકાન લઈ લીધું અને ઉનાળામાં ત્યાં રહેવા લાગ્યા. કારણ ત્યાંની આબોહવા શહેર કરતાં ઘણી સારી હતી! ગવર્નર આવી વસ્યા એ પછી આસપાસનો વિસ્તાર ખૂબ વિકસ્યો અને મુંબઈનો ‘પોશ એરિયા’ ગણાવા લાગ્યો. ૧૭૭૧માં ગવર્નર વિલિયમ હોર્નબીએ માત્ર ઉનાળામાં જ નહિ, આખું વરસ અહીં રહેવાનું શરૂ કર્યું. આ ગવર્નર હોર્નબીના નામ પરથી જ હોર્નબી વેલાર્ડ અને હોર્ન્બી રોડ નામ પડેલાં. તેમણે દેવળના મુખ્ય ભાગને બેન્કવેટ હોલ અને બોલરૂમમાં ફેરવી નાખ્યો. પણ પછી એ વિસ્તારમાં એક પછી એક કોટન મિલ આવતી ગઈ અને હવા પ્રદૂષિત બની ગઈ. એટલે ગવર્નર્સ હાઉસને મલબાર હિલ ખસેડવામાં આવ્યું. ૧૮૯૦ના પ્લેગ વખતે પરળના મકાનમાં હાફકીન રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ.

મલબાર હિલ પર ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન) બંધાયું તે પહેલાં એ જગ્યા ‘મલબાર પોઈન્ટ’ તરીકે ઓળખાતી. ગવર્નર વિલિયમ મેડોઝ અને સર ઈવાન નેપિયન ઘણી વાર શિકાર કરવા ત્યાં જતા ત્યારે એક રૂમના નાનકડા મકાનમાં રહેતા. (મેડોઝ સ્ટ્રીટ અને નેપિયન સી રોડ નામ આ બંને પરથી પડેલાં.) પછી એ જગ્યાએ મરીન વિલા નામનો બંગલો બંધાયો. ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનનાં પત્નીનું પ્લેગને કારણે પરળના બંગલામાં અવસાન થયું ત્યારે ગવર્નર્સ હાઉસને તાબડતોબ મલબાર પોઈન્ટ ખસેડવામાં આવ્યું. ત્યારથી આજ સુધી પહેલાં બોમ્બે પ્રેસિડન્સીના, પછી મુંબઈ રાજ્યના, અને હવે મહારાષ્ટ્રના ગવર્નર ત્યાં જ રહે છે.

ત્રણ બાજુએ દરિયાથી વીંટળાયેલા રાજ ભવનમાં કુલ પાંચ મકાન છે : જલ ભૂષણ, જે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને બંધાવ્યું હતું. દેશના વડા પ્રધાન જ્યારે મુંબઈની મુલાકાતે આવે ત્યારે સાધારણ રીતે જલ ચિંતન નામના બંગલામાં રહે છે. તો સર બાર્ટલ ફ્રેરેએ બંધાવેલો બંગલો હવે જલ લક્ષણ તરીકે ઓળખાય છે અને દેશના પ્રમુખ મુંબઈની મુલાકાતે આવે ત્યારે ત્યાં રહે છે. જલ વિહાર બંગલો એ વિશાળ બેન્કવેટ હોલ છે. જલ સભાગૃહ અથવા દરબાર હોલ નામની ઈમારતમાં શપથવિધિ અને બીજા મહત્ત્વના સમારંભો થાય છે.

ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી, ૧૯૦૪માં

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં, એવો સવાલ કોઈ પૂછે તો તરત જવાબ મળે : ટાઉન હોલનાં પગથિયાં. આ ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી પણ એકબીજા સાથે જોડાયેલાં છે. સોસાયટીની સ્થાપના થઈ તે પછી સાત વરસે ટાઉન હોલ બાંધવાની યોજના તૈયાર થઈ. બાંધકામ શરૂ પણ થયું. પણ પછી પૈસાને અભાવે લટકી પડ્યું. પૈસા લાવવા ક્યાંથી? લિટરરી સોસાયટી ઓફ બોમ્બેએ એ માટે લોટરી કાઢી. દસ હજાર રૂપિયા ભેગા થયા. તેમાંથી ફક્ત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પૂરતી ઈમારત બાંધી શકાઈ. હા, જી. મુંબઈનું પહેલવહેલું મ્યુઝિયમ પણ આ મકાનમાં હતું. ૧૮૭૨માં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તૈયાર થતાં તેની નવી ઈમારતમાં તે ખસેડાયું. આ મ્યુઝિયમ હવે ડો. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. પછી ધીમે ધીમે કામ આગળ વધતું ગયું અને ૧૮૩૩માં ટાઉન હોલનું મકાન બંધાઈ રહ્યું. ગ્રીક અને રોમન સ્થાપત્યની તેના પર દેખીતી અસર છે. આ ઈમારત બાંધવા માટેના બધા જ પથ્થર ઇંગલન્ડથી લવાયા હતા. ૧૯૩૦માં મુંબઈના ગવર્નર સર જોન માલ્કમે કહ્યું હતું કે આના કરતાં વધુ ભવ્ય બીજી કોઈ ઇમારત હિન્દુસ્તાનમાં તો બંધાઈ નથી. વચમાં ઘણાં વરસ આ ઇમારત બિસમાર હાલતમાં રહી હતી. પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેને બને તેટલી અસલ હાલતમાં લાવવાના પ્રયત્નો થયા છે.

મુંબઈનાં પ્રખ્યાત પગથિયાં

એશિયાટિક સોસાયટીનું સૌથી મોંઘુ ઘરેણું છે એની લાઈબ્રેરી. તેમાં એક લાખ કરતાં વધુ પુસ્તકો છે, જેમાં ઘણાં દુર્લભ પુસ્તકોનો સમાવેશ થાય છે. અંગ્રેજી પુસ્તકો ઘણી મોટી સંખ્યામાં છે, પણ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને કેટલીક યુરોપિયન ભાષાઓનાં પુસ્તકો પણ અહીં છે. તેમાંનાં દુર્લભ પુસ્તકોની જાળવણી માટે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા અંગત સંગ્રહો પણ આ લાઈબ્રેરીને ભેટ મળ્યા છે. જેમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જગન્નાથ શંકરશેઠ, સર કાવસજી જહાંગીર, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઈન્દ્રજી, પુ.લ. દેશપાંડે વગેરેના સંગ્રહોનો સમાવેશ થાય છે.

૧૯મી સદીનાં કેટલાંક મહત્ત્વનાં અખબારો અને સામયિકોની ફાઈલો પણ અહીં સચવાઈ છે, જેમાંની ઘણી હવે ડિજિટલ ફોર્મમાં જોવા મળી શકે છે. ૧૮૪૧થી શરૂ થયેલ આ સોસાયટીના જર્નલને પણ સી.ડી. રોમ પર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ અહીં છે. તેમાં સંસ્કૃત, અરબી, ફારસી, ઉર્દૂ, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આ હસ્તપ્રતોની જાળવણી માટે પણ અહીં અદ્યતન સગવડો છે.

એક જમાનામાં મુંબઈનાં જાહેર સ્થળોએ ઘણા અંગ્રેજોનાં પૂતળાં જોવા મળતાં. હવે એમાંનાં ઘણાંખરાં જીજા માતા ઉદ્યાન(વિક્ટોરિયા ગાર્ડન)ની પછીતે પધરાવાયાં છે. પણ એશિયાટિક સોસાયટીના મકાનમાં હજી અંગ્રેજ વિદ્વાનોનાં પૂતળાં કે તૈલચિત્રો સચવાયાં છે. તેમાં સ્થાપક-પ્રમુખ સર જેમ્સ મેકિન્‌ટોશ, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જોન માલ્કમ, ચાર્લ્સ ફોર્બ્સ, વિલિયમ અર્સ્કીન, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગન્નાથ શંકરશેઠ, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કે.ટી. તેલંગ, મહામહોપાધ્યાય ડો. પી.વી. કાણે, વગેરેનાં પૂતળાં કે તૈલચિત્રો અહીં છે. આમાંનાં કેટલાક તૈલચિત્રોને પછીથી દરબાર હોલમાં ખસેડાયાં છે. ઉપરાંત કેટલાંક તૈલચિત્રો દરબાર હોલમાં નવાં મૂકવામાં આવ્યાં છે. તેમાં રેવરન્ડ ડો. જોન વિલ્સન, ડો. એસ.પી. પંડિત, ડો. સર જીવણજી મોદી, અને ડો. સર રામકૃષ્ણ ભાંડારકરનો સમાવેશ થાય છે.

ઓગણીસમી સદીના આરંભે સ્થપાયેલી એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ આજ સુધી અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ ટકી રહી છે. તો ઘણી સંસ્થાઓ ઊગ્યા પછી વહેલી કે મોડી આથમી ગઈ. મુંબઈની આવી કેટલીક સંસ્થાઓની વાત હવે પછી.

 *

જવાબ : એલ્ફિન્સ્ટન કોલેજ, યુનિવર્સિટી ઓફ બોમ્બે, બોમ્બે હાઈ કોર્ટ, ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એશિયાટિક સોસાયટીના મકાનમાંના ટાઉન હોલમાં થયો હતો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 28 જાન્યુઆરી 2023

Loading

ડાહીડમરી સ્ત્રીની ભડલીવાણી

સાબીલા ખાન : અંગ્રેજી • બકુલા ઘાસવાલા : ગુજરાતી / મુક્તાનુવાદ|Opinion - Opinion|27 January 2023

એક ડાહીડમરી સફળ સ્ત્રીને એની સિદ્ધિયાત્રાનાં રહસ્યો વિશે મેં પૂછેલું અને એણે સ્મિતપૂર્વક  જે કહેલું તે આ : 

“મારી સફળતા માટે માર્ગ જડ્યો એટલે

 મેં નગણ્ય લોકો સાથે  

નાની નાની લમણાંઝીક કરવાનું છોડી દીધું.

જેઓ મારી પાડાપંચાત કર્યા કરતા તેવા લોકો સાથે માથાકૂટ છોડી દીધી …..

મારાં સાસરિયાંને નજરઅંદાજ કર્યાં ….

ને મારી હયાતીનો અહેસાસ કરાવવાનું બંધ કર્યું ….. 

લોકોની મારાં માટેની અપેક્ષાપૂર્તિ માટે કાપરકૂટલાં બંધ કર્યાં …..

જેમને મારી કદર નથી તેવાં લોકો સાથે હક્ક માટે ચડભડ છોડી …..

એક વ્યક્તિ કાયમ બધાંને ખુશ કરી શકતી નથી તેનો અર્થમર્મ સમજી …..

તેઓ મને ખોટી રીતે ગણે છે તે ગણિત ગણવાનું બંધ કર્યું …..

વા સાથે લડાઈ વહોરનારાં સાથે મેં લપછપ જ છોડી દીધી …..

અને મેં સંઘર્ષ શરૂ કર્યો 

મારી દૃષ્ટિ માટે 

મારાં સપનાંઓ સાકાર કરવાં માટે 

મારા આદર્શોને ચરિતાર્થ કરવા માટે 

 અને મારી નિયતિ માટે 

જે દિવસથી મેં નાની નાની રકઝક છોડી જીવવાનું શરૂ કર્યું 

ત્યારથી મારી સંતુષ્ટિસભર સિદ્ધિયાત્રાનું પગરણ મંડાયું.” 

કેટલીક  ફાજલ બાથંબાથી તમારા વખતને લાયક જ નથી…..

ડહાપણ તો એમાં જ છે કે સંઘર્ષનો માર્ગ તમારી રીતે પસંદ કરો. 

*************

Sabila Khan 

I once asked a very successful woman to share her secret with me. She smiled and said to me..

“I started succeeding when I started leaving small fights for small fighters.

I stopped fighting those who gossiped about me…

I stopped fighting with my in laws…

I stopped fighting for attention…

I stopped fighting to meet peoples expectation of me…

I stopped fighting for my rights with inconsiderate people..

I stopped fighting to please everyone…

I stopped fighting to prove they were wrong about me….

I left such fights for those who have nothing else to fight…

And I started fighting for

my vision,

my dreams,

my ideas and

my destiny.

The day I gave up on small fights is the day I started becoming successful & so much more content.”

Some fights are not worth your time….. Choose what you fight for wisely.

સાબીલા ખાનની વોલ પરથી બકુલાબહેન લઈ આવ્યાં, જ્યારે અહીં બકુલાબહેનની ફેઇસબૂક દીવાલેથી સાભાર.

Loading

ઇલા ભટ્ટ : અસંગઠિત બહેનોનાં ઉદ્ધારક

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2023

એક એક ડગ માંડવાથી કેટલી લાંબી સફર ખેડાઈ શકે છે, તે ઇલાબહેનનાં કાર્યો થકી જોઈ શકાય છે. સ્થાનિક સ્તરે એક નાનકડા સમૂહ અને નાનકડી પહેલથી આરંભાયેલી ‘સેવા’નાં કાર્યોથી આજે વિશ્વની લાખો બહેનો પોતાનાં જીવન તારી રહી છે. એક છત્ર હેઠળ એકવીસ લાખ જેટલી અસંગઠિત બહેનો સંગઠિત થઈને એકબીજાંની તારણહાર બને તેવું વિશ્વભરનું એકમાત્ર ઉદાહરણ ‘સેવા’ છે.

આ માતબર કાર્ય આજે અશક્ય લાગે છે, હવે તો નેટવર્કિંગ અર્થે ટૅક્નૉલૉજીની સહાય છે છતાં ય. કારણ કે આ બહેનો જોડાવવાના અર્થે જ માત્ર ‘સેવા’માં નહોતી જોડાઈ. ગરીબ, વંચિત વર્ગની બહેનોના પ્રશ્નો જીવનમરણના હતા, રોજગારીના હતા, જે બહેનો રાતદિવસ મજૂરી કરતી હતી તેમની બચતના હતા, અમદાવાદની મિલો બંધ પડી ગયા પછી પરિવારના ગુજરાનના હતા, બાળકોનાં શિક્ષણના, ઘરમાં આવતા પ્રસંગોના અને અણધારી આવતી બીમારીના સુધ્ધાં. આ ઉપરાંત કેટલા ય પ્રશ્નો એવા ય ખરા જે અંગે બહેનો મુખરે ય નહોતી. જ્યારે પરિવારની કરોડરજ્જુ બહેનો હોય અને બધી જવાબદારી એમના માથે હોય તેમ છતાં આર્થિક મુદ્દે મહદંશે તેમની અવગણના થતી રહેતી. બહેનોના આ બધા સવાલોના ઉત્તરમાં ‘સેવા’ ઊભરી આવી અને તેનું કાર્ય પછી તો વિસ્તરતું જ ગયું અને તેની સાથે સાથે ઇલાબહેનનું વ્યક્તિત્વ પણ. અને એટલે જ તેઓ તેમના ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં’ પુસ્તકમાં એવું લખી શક્યાં કે, “ગામડાંની સ્ત્રીઓમાં મને ભારતનું હૃદય સાંપડ્યું છે.”

આઝાદી મળ્યા પછી રાષ્ટ્રનિર્માણનો જે ઉત્સાહ જાગ્યો તેમાં ઇલાબહેન પહેલી પેઢીનાં ગણાય. તે વખતે અગ્રિમ પ્રશ્ન રોજગારીનો હતો, તેમાં પણ પરંપરાગત રીતે પુરુષોને કામ આપવાનો. બહેનો અને તેમાં પણ શ્રમજીવી, સ્વાશ્રયી, ગરીબ અને વંચિત વર્ગની બહેનોની ગણના તો દૂરદૂર સુધી નહોતી. પરંપરાગત રીતે બહેનોના ભાગે ખેતી, મજદૂરી ઉપરાંત ઘણાંયે કામો હતાં જ, પણ આર્થિક ઉપાર્જનમાં તેમની ગણતરી થાય તેવો અવકાશ નહોતો. ઇલાબહેન કહેતાં તેમ મુદ્દો બહેનોને માત્ર પગભર કરી દેવાનો નહોતો; બલકે તેમના તરફનાં વલણને બદલવાનો સુધ્ધાંનો હતો. એકવીસમી સદીમાં પણ આ કાર્ય જોજનો દૂર લાગે છે ત્યારે તેમણે તો 1972માં શરૂઆત કરી હતી. તે વખતે સ્વાભાવિક રીતે પડકાર મોટો હતો, અને તેમાં માનસિકતા અને વલણ બદલવા અર્થે ઘણી વાર ઇલાબહેનને સંઘર્ષમાં ય ઊતરવું પડ્યું. અમદાવાદના માણેકચોકમાં તેમણે શાકભાજી વેચતી મહિલા ફેરિયાઓ માટે તંત્ર સામે કરેલો વિરોધ જાણીતો છે.

આ નાનકડા સંગઠનથી અમદાવાદ શહેરની મહિલાઓને મધદરિયે જાણે તરાપો મળ્યો હોય તેવો અહેસાસ થયો. તેની મદદથી બહેનો સુખરૂપ કિનારે પહોંચવા માંડી. જીવનની હાલાકીઓનો ઉકેલ જેમ જેમ બહેનોને ‘સેવા’ના નેટવર્કથી દેખાતો ગયો તેમ તેનો વ્યાપ પ્રસર્યો. અને આ વ્યાપને સતત બદલાઈ રહેલા જમાના સાથેની દૃષ્ટિ આપવાનું કાર્ય ઇલાબહેન દ્વારા થતું રહ્યું. તેમણે ૧૯૯૬માં સેવાનિવૃત્તિ લીધા પછી ય તેઓ માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહ્યાં અને તેથી ‘સેવા’નો વિચાર નિરંતર વિકસતો રહ્યો, કટોકટીમાંથી પાર પડતો રહ્યો અને આવનારાં પચાસ વર્ષોમાં ‘સેવા’નાં વિઝનથી હજુ જરૂરિયાતમંદ બહેનો તેમાં સમાવિષ્ટ થતી રહેશે. ‘સેવા’નાં કાર્યોને આટલે સુધી પહોંચાડીને ઇલાબહેને 89 વર્ષે વિદાય લીધી અને તેમના જીવનના ચાર દાયકા સંપૂર્ણ રીતે બહેનો માટે અવિરત સેવા માટેના રહ્યા. યોગ્ય સમયે નિવૃત્તિ લઈને માર્ગદર્શકની ભૂમિકામાં આવ્યાં.

ઇલાબહેનનું કાર્ય રચનાત્મક રહ્યું અને એટલે સ્થાનિકથી વિશ્વવ્યાપી બનવા છતાં તેમનું જીવન વિવાદ રહિત રહ્યું. ગાંધીજીના જીવનના રચનાત્મક કાર્યનાં પાસાંને તેઓ સારી પેઠે સમજ્યાં હતાં અને અમલી પણ બનાવી શક્યાં. આવું વલણ મહદંશે મહત્ત્વની ઘટનામાં તેમનું રહ્યું છે. ઇલાબહેનનું સેવામય જીવનકાર્ય એટલું પોંખાયું કે માન-ઇલકાબો ખૂબ મળ્યાં, પણ છતાં તેમની સાદગી આંખે ઊડીને વળગતી. સાદગી માત્ર વસ્ત્રોની નહોતી, સુવિધા બાબતે ય તેમણે અવરજવર માટે પોતાની એક રિક્ષા રાખી હતી. અમદાવાદમાં કાળા રંગની રિક્ષામાં ઇલાબહેનને જોવાં સામાન્ય બાબત હતી. ઉપરાંત, નાના નાના કાર્યક્રમોમાં ય અગ્રહરોળમાં કોઈ આડંબર વિના બેસેલાં ઇલાબહેનને અનેક લોકોએ જોયાં હશે. તેમની અતિવ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ, ‘સેવા’ની બહેનો અને અન્ય કોઈ માટે પણ તેમના ઘરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં.

ઇલાબહેનની સિદ્ધિઓ એટલી બુલંદ છે કે તેમાં સદ્દગુણોનું આવરણ ન ચઢાવીએ તો ય ચાલે. જૂજ વ્યક્તિઓ પોતાના આટલા મોટા એક સમૂહમાં પ્રભાવ છતાં જમીની સ્તરે રહી શકે છે. ઇલાબહેન એ રીતે જીવ્યાં અને તેથી જ નવા કેટલાક ઉમદા વિચારે ય આપી શક્યાં. તેમાંથી એક એટલે ‘અનુબંધ : સો માઈલનો સંબંધ’. આ નામે પુસ્તકેય થયું. આ વિચારને ટૂંકમાં ઇલાબહેને આ રીતે રજૂ કર્યો છે : “હું માનું છું કે જો રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો — ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅંકિંગ સેવાઓને સ્થાનિક રીતે, ઘણે અંશે સો માઈલના ફરતા વિસ્તારમાંથી જ, મેળવી શકાય તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણ — અવનતિનો આપણે ઉકેલ લાવી શકીએ … પ્રત્યેક સો માઈલના સંબંધો આપણને એક દિવસ ભૂખ, ગરીબાઈ, શોષણ અને પર્યાવરણીય અવનતિ વગરના વિશ્વ ભણી લઈ જશે તેવી મારી શ્રદ્ધા છે.”

ઇલાબહેનલિખિત અને અન્ય ઠેકાણે ય તેમના જીવન વિશેની માહિતી અને વિચાર વિશે લખાણો ઉપલબ્ધ છે. એવા કેટલાક લેખોનો સંચય આ અંકમાં કર્યો છે. તેમની વિદાય વેળાએ જે કંઈ લખાયું તેમાંનું કેટલુંક અહીં સમાવિષ્ટ કર્યું છે. પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તેથી કેટલાક લેખોમાં સંપાદન કર્યું છે. તેમના જીવનમાં કેટલાક અતિ નજદીક રહેલાં અને પરિવારનાં સભ્યો પણ આ અંકમાં ઇલાબહેન વિશે અભિવ્યક્ત થયાં છે. ઇલાબહેનનું જીવનકાર્ય અને તેમનું વિચારભાથું વાચકને મળી રહે તેવો આ અંકનો ઉદ્દેશ છે. નવજીવન ટ્રસ્ટનો ઇલાબહેનને આ અંક થકી અંજલિ આપવાનો પ્રયાસ છે. આખરે તેમનાં કાર્યોએ ગાંધીજીનાં રચનાત્મક કાર્યોને દીપાવ્યાં છે.

e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘સંપાસદકીય’, “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2022 – જાન્યુઆરી 2023; પૃ. 383-384

Loading

...102030...1,2571,2581,2591,260...1,2701,2801,290...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved