Opinion Magazine
Number of visits: 9568771
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—176

દીપક મહેતા|Opinion - Opinion|24 December 2022

પહેલવહેલી છત્રી સૂર્યે રેણુકા દેવીને આપેલી 

અજંતાના ચિત્રમાં આલેખાઈ છે છત્રી

છત્રીના અનેક અવતાર 

છે ચડતી ને પડતી જ્યમ ભરતી ને ઓટ,

કોઈ ભોગવે છે ઓટ, કોઈ મેળવે છે નોટ.

દાસો તે શેઠો, ને સરદારો કામેલ,

કિસ્મતનો એ ખેલ, કિસ્મતનો એ ખેલ.

જે અદના તે આલા, ને આલા રખડેલ,

કિસ્મતનો, કિસ્મતનો એ ખેલ.

ખરશેદજી બાલીવાલાના ૧૮૯૨માં ભજવાયેલ નાટક ‘અસલાજી યાને કંજૂસના કરમની કહાણી’માંનું આ ગીત એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે મહાજન, જન, લોક, અને લઘુ સંસ્કૃતિ એ સમાજ અને સંસ્કૃતિના water tight compartments નથી જ. એકમાંથી બીજામાં આવનજાવન સતત થતી રહેતી હોય છે. આનું કારણ સંજોગો, સ્વભાવ, સાહસવૃત્તિ, સત્તા સ્થાને બેઠેલાની મરજી કે ખફગી હોઈ શકે. સમાજશાસ્ત્રી એન. શ્રીનિવાસનો સર્વમાન્ય થયેલો એક સિદ્ધાંત કહે છે કે સંસ્કૃતિના ‘નીચલા’ સ્તર પર રહેલા લોકો સતત ‘ઉપલા’ સ્તરની સંસ્કૃતિમાં સામેલ થવાનો પ્રયત્ન કરતા હોય છે. એ માટે તેઓ જુદી જુદી બાબતોમાં ઉપલા વર્ગનું અનુકરણ કરતા રહે છે. તેમાં પહેરવેશ, વાતચીતની ઢબ, વાક્યપ્રયોગો, નવી કે જૂદી વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થતો હોય છે.

મુંબઈ એટલે આખા દેશનું અગ્રણી મહાનગર. દેશના જૂદા જૂદા ભાગોમાંથી રોજે રોજ કેટલાયે લોકો અહીં આવતા રહે છે. કોઈ નોકરી માટે, કોઈ ધંધા માટે. કોઈને સંગીત કે નાટક કે ફિલ્મના ક્ષેત્રે નામ કાઢવું છે ને દામ બનાવવા છે. તો ઘણા તો માત્ર આ મહાનગરનાં સાધન-સગવડથી આકર્ષાઈને આવે છે. અને દરિયાવ દિલ મુંબઈ એ બધાંને સમાવી લે છે. પણ આવા આગંતુકોનો મહાનગર સાથેનો સંબંધ કેવો અને કેટલો ઉપલકિયો હોય છે તે આપણે કોવિડની મહામારી વખતે જોયું. હજારો લોકોનાં ધાડેધાડાં રાતોરાત પોતાના ‘દેશ’ તરફ દોડી ગયાં. પણ મુંબઈ એક એવું મહાનગર છે, જેને ‘કોઈ નિંદો, કોઈ વંદો’થી ઝાઝો ફરક પડતો નથી.

સાધારણ રીતે એમ મનાય અને કહેવાય છે કે સો ગામડાં ભાંગીને એક શહેર ઊભું થાય છે. પણ મુંબઈની બાબતમાં એ સાચું નથી. મુંબઈ એ એક નવું સર્જન છે. આજે આપણને સ્વીકારવું ન ગમે તો ય બ્રિટિશ શાસનનું સર્જન છે. એણે ગામડાંને ભાંગ્યાં નથી, પોષ્યાં છે. મુંબઈના મૂળ વતની એવા કોળી, આગરી, વગેરે આજે ય પોતપોતાની આગવી લઘુ સંસ્કૃતિને સાચવીને અહીં જીવે છે. અને આ શહેર એના સ્લમ્સ અને સ્કાઈસ્ક્રેપર્સમાં સતત વિકસતું રહે છે, ખીલતું રહે છે. આ શહેર તમને સમૃદ્ધ જરૂર બનાવશે. પણ એક શરતે : જો તમે તેને સમૃદ્ધ બનાવશો તો જ. આ રીતે સમૃદ્ધ થયેલા એવા અસંખ્ય લોકો મુંબઈમાં વસે છે જે કવિ નિસિમ એઝેકીલની જેમ કહે :

I cannot leave this island, 

I was born here and belong.

મુંબઈ એક એવું શહેર છે જે સતત ચાલતું, બલકે દોડતું હોવા છતાં સ્થિર રહી શકે છે. અને સ્થિર દેખાતું હોવા છતાં સતત ગતિશીલ રહે છે. અગાઉ એનું મોઢું ગ્રેટ બ્રિટન તરફ રહેતું. ગ્રેટ બ્રિટનનાં ફેશન, ખાણીપીણી, પહેરવેશ, વગેરેનું કંઈ નહિ તો મહાજન સંસ્કૃતિને વળગણ રહેતું. અંગ્રેજોનું અનુકરણ કરવામાં એ સંસ્કૃતિના લોકો મોટાઈ અનુભવતા. પણ હવે મુંબઈ બહુમુખી બન્યું છે. એની નજર અમેરિકા સામે છે અને ત્યાંનાં ખાણીપીણી, પહેરવેશ વગેરેને તે અપનાવી લે છે તો થાઈ, ચીની, જાપાની, ફ્રેંચ, મેક્સિકન, કે બીજા કોઈ દેશ-પ્રદેશની ખાણીપીણીનો કે પહેરવેશનો તેને બાધ નથી, બલકે જ્યાંથી જે લેવા જેવું લાગે ત્યાંથી તે લેવા તત્પર હોય છે. તો બીજી બાજુ દેશના જુદા જુદા પ્રદેશોની વિશિષ્ટ વસ્તુ, વાનગી, પહેરવેશ વગેરે અપનાવતાં પણ તેને સંકોચ નથી. અને મહાજન સંસ્કૃતિ જે અપનાવે તે જન સંસ્કૃતિ પણ જોતજોતામાં અપનાવી લે છે. એટલે જ ફાઈવ સ્ટાર હોટેલમાં અને ફૂટપાથ પરની લારીમાં અહીં થાઈ અને ચાઈનીઝ ફૂડ વેચાય છે. અહીં તમને સાયન-માટુંગામાં ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સાંભાર મળે. તો અહીં જ એવી પણ ‘મદ્રાસી’ હોટેલો છે જે ગળચટ્ટો સાંભાર બનાવે છે – ગુજરાતી ગ્રાહકોની રુચિને અનુકૂળ થવા.

રેણુકા ઉર્ફે યેલ્લમ્મા દેવી

અજંતાના ચિત્રમાં આલેખાયેલી છત્રી

રોજિંદા જીવનમાં વપરાતી નાની નાની વસ્તુઓનો દાખલો લઈએ. રાજકપૂર અને નરગીસે શ્રી ૪૨૦ ફિલ્મના ગીત ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ દ્વારા અમર બનાવી દીધેલી છત્રી. એનો ઇતિહાસ લગભગ ૩,૦૦૦ વરસ જૂનો. એનું ઉત્પત્તિસ્થાન ઈજિપ્ત, ચીન, અથવા હિન્દુસ્તાન હોવાનું મનાય છે. કંઈ નહિ તો મહારાષ્ટ્રમાં તો તેનો પગપેસારો ઘણો વહેલો થયેલો. ઔરંગાબાદ પાસેની અજંતાની ગુફામાંના ચિત્રમાં રાણીને માથે છત્રી ધરીને ઊભેલી દાસી જોવા મળે છે. છત્રીની ઉત્પત્તિ વિશેની એક કથા મહાભારતમાં જોવા મળે છે. સપ્તર્ષિઓમાંના એક ઋષિ જમદગ્નિ તીરંદાજીમાં ખૂબ પાવરધા. તેમનું તીર ખૂબ દૂર દૂર સુધી જાય. પત્ની રેણુકા દર વખતે દોડીને આંખના પલકારામાં તીર પાછું લઈ આવે. પણ એક વાર આ રીતે તીર પાછું લઈને આવતાં એક આખો દિવસ લાગ્યો. જમદગ્નિએ કારણ પૂછ્યું ત્યારે રેણુકાએ કહ્યું કે આશ્રમની બહાર કેટલો તડકો છે, કેટલી ગરમી છે એની તમને ક્યાં ખબર છે? આ સાંભળીને ક્રોધાયમાન થયેલા ઋષિએ સૂર્ય તરફ તીરનો વરસાદ વરસાવ્યો. ત્યારે સૂર્યે માફી માગી અને પોતાના તડકા અને ગરમીથી બચવા માટે રેણુકાને છત્રી આપી. આ રેણુકા જ દક્ષિણ ભારતમાં યેલ્લમ્મા દેવી તરીકે પૂજાય છે. મુંબઈમાં પણ તેમનાં ચાર મંદિર આવેલાં છે : બે બાંગુર નગરમાં, એક સાકી નાકા વિસ્તારમાં, અને એક ન્યૂ પનવેલમાં.


છત્રીની સાક્ષીએ ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ 

પણ આજે આપણે જે છત્રી વાપરીએ છીએ તે તો આવી છે ગ્રેટ બ્રિટનથી. ઈ.સ. ૧૭૦૦ની આસપાસ ગ્રેટ બ્રિટનમાં છત્રીએ પ્રવેશ કર્યો. પણ ત્યારે તે ફક્ત બાનુઓ માટે જ હતી. પુરુષો માટે નહિ. ૧૭૫૦ના અરસામાં જોનાસ હાનવે નામનો દાનવીર છત્રી લઈને લંડનના રસ્તાઓ પર નીકળતો ત્યારે લોકો તેનો હુરિયો બોલાવતા. ઘોડા ગાડીવાળાઓને તો થયું કે લોકો જો આ રીતે છત્રી લઈને રસ્તે ચાલતા થશે તો આપણો તો ધંધો ઠપ્પ થઈ જશે. એટલે તેઓ હાનવે પર સડેલાં ઈંડાં ને ટમેટાં ફેકતા. પણ બારે માસ વરસાદવાળા બ્રિટનમાં છત્રી કેટલી ઉપયોગી છે એ બ્રિટિશ લોકોને સમજતાં વાર ન લાગી.

મુંબઈને છત્રી મળી અંગ્રેજો પાસેથી. અહીં તો બળબળતી ગરમી સામે પણ તે કામ આવે તેમ છે એ તેમને તરત સમજાયું. અંગ્રેજ અમલદારો પહેરવેશ, ખાણીપીણી વગેરે પોતાના દેશનાં જાળવી રાખતા. પણ પોતાના માન-મોભા માટે, રાજ્યસત્તાના પ્રતિક તરીકે જે વસ્તુ કે વિધિ વાપરતા તેમાં દેશી રાજાઓનું અનુકરણ કરતા. દેશી રાજાઓ છત્રી વાપરે ખરા, પણ તેનો ભાર પોતે ન ઉપાડે. તેમની પાછળ ચાલતો નોકર રાજા સાહેબને માથે છત્રી ધરીને ચાલતો હોય. અંગ્રેજ અમલદારોએ પણ આ રીત અપનાવી. છત્રી વાપરવાની ખરી, પણ તે ઉપાડે ‘દેશી’ નોકર.

મહાજન સંસ્કૃતિએ અંગ્રેજો પાસેથી છત્રી અપનાવી. મુંબઈમાં ત્રણ-ચાર મહિના વરસાદના, પણ ત્રણેક મહિના ભારે ગરમીના પણ ખરા. અને છત્રી વરસાદ ઉપરાંત તડકા-ગરમીથી પણ બચાવે. અંગ્રેજો જે છત્રી વાપરતા એ બધી પોતાના દેશમાંથી ખરીદીને લાવતા. પછી ૧૮૬૦માં મુંબઈમાં શરૂ થયેલી ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ નામની કંપનીએ પહેલી વાર સ્વદેશી છત્રી બનાવવાનું શરૂ કર્યું, અને ‘સ્ટેગ’ (હરણ) બ્રાન્ડની છત્રી બજારમાં મૂકી. ત્યાં સુધી ‘દેશી’ લોકો સૂકા તાડપત્ર કે શણની ‘ધોંગડી’ માથે ઓઢીને વરસાદથી થોડુંઘણું બચતા. ૧૮૮૦માં બીજી એક બ્રાન્ડ બજારમાં આવી, સન બ્રાન્ડ. છત્રી બનાવવાનું ઘણુંખરું કામ હાથ વડે થાય. વળી તેમાં જુદા જુદા વ્યવસાયના લોકોની જરૂર પડે. એટલે એક જમાનામાં છત્રીને કારણે ઘણા લોકોને રોજગાર મળી રહેતો.

૧૮૬૦માં મુંબઈમાં પહેલવહેલી છત્રી બનાવનાર કંપની

અરે, છત્રી જેવી છત્રીએ પણ કેટલા અવતાર ધારણ કર્યા! રાજા-મહારાજાની સોનેરી રૂપેરી મખમલી છત્રી. લાકડાના અર્ધગોળાકાર હેન્ડલ વાળી, મોટી ‘ક્લાસિકલ’ છત્રી. બીજે છેડે એવી ધારદાર અણી હોય કે ભૂલમાં ય વાગે તો લોહી નીકળે. પછી પ્લાસ્ટિકનાં રંગબેરંગી હેન્ડલ આવ્યાં. સિન્થેટિક કપડું આવ્યું. છત્રીની સાઈઝ નાની-મોટી થતી રહી. ફોલ્ડિંગ છત્રી આવી. પણ પુરુષો માટેની છત્રીના કાપડનો રંગ આજ સુધી મુખ્યત્વે કાળો જ રહ્યો. રંગબેરંગી છત્રીઓ તો બાનુઓ અને બાળકો માટે. તેમાં એક અપવાદ ટ્રાફિક પોલીસ માટેની છત્રી. એનું કાપડ કાળું નહિ, સફેદ હોય, અને અર્ધ ગોળાકાર હેન્ડલને બદલે સીધું હેન્ડલ હોય જે કમરપટામાં ખોસી શકાય. આથી ટ્રાફિક પોલીસના બંને હાથ છૂટા રહે.

પછી આવી ઈમ્પોર્ટેડ છત્રીઓ. મોંઘી દાટ. પૈસાદારને પોસાય એવી. પણ પછી ચીની છત્રીઓએ આવીને આખી બાજી બદલી નાખી. દેખાવમાં વધુ સારી, અને અહીં બનતી છત્રીઓ કરતાં સસ્તી. બજારમાં ઢગલાબંધ મળે. ટકાઉ કેટલી એ જૂદી વાત. પણ હવે મહાજન અને જન સંસ્કૃતિમાં પણ ટકાઉપણાનો આગ્રહ ઘટી ગયો છે. ઊલટું, વસ્તુ ટકાઉ ન હોય તો સારું, કારણ થોડે થોડે વખતે બદલી શકાય.

છત્રી નામ સાંભળતાં આપણને પહેલો ખ્યાલ વરસાદ અને તડકાથી રક્ષણ કરતી છત્રીનો જ આવે. પણ ધનિકો કે મોટી હોટેલ તેમના બગીચામાં મસ મોટી ‘ગાર્ડન અમ્બ્રેલા’ વાપરે. તો વળી કેટલીક કંપની પોતાની જાહેર ખબર માટે છત્રીનો ઉપયોગ કરે. નદી કે દરિયા કિનારે આરામ ફરમાવતા લોકો માટે પણ મોટી, રંગબેરંગી છત્રી કામ લાગે. અને આવી જગ્યાએ ક્યારેક તો પ્રેમી પંખીડાં છત્રી બને તેટલી નીચી રાખીને નિકટતાનો અનુભવ પણ માણે! અને હવે તો રસ્તા પરના ઘણા ફેરિયા પણ રંગબેરંગી છત્રી રાખે છે. અને ફોટોગ્રાફરની સફેદ રિફ્લેક્ટર છત્રી પણ કેમ ભૂલાય? મંદિરોમાં દેવ-દેવીને માથે શોભતી છત્રી, બલ્કે છત્ર.

અને હા. પરમ તત્ત્વ અને છત્રી વચ્ચે એક સમાનતા છે : 

‘ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં,

અંતે તો છત્રીની છત્રી હોયે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ડિસેમ્બર 2022

Loading

વિચારો નહીં, સત્તા કાંપી ઊઠે છે

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|23 December 2022

Rajesh Neeravના એક કાવ્યનું મારું ભાષાંતર

……………

વિચારથી 

બહુ ગભરાય છે સત્તા

રમતો રમો, ફિલ્મો જુઓ

નાચો ડિસ્કોમાં, પબમાં જાઓ

મલકાય છે સત્તા

શોપિંગ કરો, મોલમાં ફરો

પ્રેમગીત રચો, તહેવારો ઉજવો

મોજ માણો, ફરવા ઉપડો

ખુશ થઈ જાય છે સત્તા

પણ

પુસ્તક, રંગમંચ, ગોષ્ઠિ, સભા

(લેખન, વાદવિવાદ, ભાષણ, સૂત્રોચ્ચાર)

સાવધાન થઈ જાય છે સત્તા

વિનયપૂર્વક હાથ જોડાવે છે

દરબારમાં કુરનીશ કરાવે છે

ઘૂંટણભર બેસવાની આદત પડાવે છે

સાષ્ટાંગ કરવાની કળા આખા દેશને શીખવે છે

રમતે ચડે છે સત્તા

પહેલાં મદહોશ કરી

પછી હાલાં સંભળાવી

થાબડી થાબડીને

મીઠાં સપનાં દેખાડે 

પછી પોતે જ સ્વપ્ન બની જાય છે સત્તા

પછી કોઈ એક જણ ઊઠે છે

લોકોને 

સપનાંમાંથી ઉઠાડવા

હાક કરે છે

બે-ચાર-આઠ-દસ-વીસ

શોષિતો ભેગાં થાય છે ધીમે ધીમે

કાંપી ઊઠે છે સત્તા

બેઠક રાખે છે

યોજના બનાવે છે

જાસૂસી કરાવે છે

દલાલ મોકલે છે

કુટિર સ્મિત કરે છે સત્તા

ધીમે ધીમે શોર વધે છે

ઘટાટોપ છવાય છે

-સામ-દામ-દંડ-ભેદના 

નવા નવા ઉપાય કરે છે સત્તા

દમન‌ ન‌ લાગે‌ એવું દમન

લાલચ ન લાગે એવી લાલચ

જાળ ન લાગે એવી જાળ

ભય ન લાગે એવો ભય

નવી નવી શોધો અપનાવે છે સત્તા

ક્યાં ય કોઈ હાથ ઊંચો ન થાય

કોઈ મુઠ્ઠી ન ભીંસાય

હાથ સાથે હાથ ક્યારે ય ન મળે 

કોઈ આંખ રાતી ન થાય

કોઈ છાતીમાં તોફાન ન સરજાય

કોઈ સીનો સરેઆમ સામો ન થાય 

બસ, સાવ આટલું જ ઈચ્છે છે સત્તા

વિચાર કરતો માણસ

સૌથી વધુ ખતરનાક હોય છે

વિચાર કરવા જેટલી ફુરસદ જ ન મળવા દો –

(બહુ લાંબું વિચારે છે સત્તા)

વિચારથી ડરે છે સત્તા.

Loading

આપઘાતકાલને માથે ચઢીને ઊભો અમૃતકાલ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|23 December 2022

2021ના વર્ષમાં દેશમાં દર કલાકે 18 વ્યક્તિઓએ પોતાની જિંદગી ટૂંકાવી હતી.

આ 2022ના વર્ષની શરૂઆતથી આગેવાનો આરડીને અમૃતકાલના ઓવારણાં લઈ રહ્યા છે. પણ વર્ષને અંતે તેમની સરકારે દેશમાં 2021માં થયેલી આત્મહત્યાના જે આઘાતજનક આંકડા ગઈ કાલે આપ્યા છે.

તે પરથી સમજાય છે  કે આ કહેવાતો અમૃતકાલ તો આઝાદીના 74 વર્ષમાં સહુથી વધુ આત્મહત્યાઓ ધરાવનાર વર્ષને માથે ઊભો છે.

કેન્દ્ર સરકારના ગૃહખાતાના રાજ્ય કક્ષાના મંત્રી નિત્યાનંદ રાયે ગઈ કાલે લોકસભામાં આપેલા આંકડામાંથી કેટલાક આ મુજબ છે.

– 2021માં કુલ 42 હજાર રોજમદાર છૂટક મજૂરોએ આત્મહત્યા કરી. એટલે કે દરરોજ સરેરાશ 115 મજૂર મોતને ભેટતા હતા. દર કલાકે ઓછામાં ઓછા ચાર રોજમદાર છૂટક મજૂરો જિંદગી ટૂંકાવતા હતા.

– 2021માં કુલ 23 હજાર 179 ગૃહિણીઓએ આત્મહત્યા કરી. એટલે કે દરરોજ સરેરાશ 63 ગૃહિણીઓ મોતને વહાલું કરતી હતી. એટલે કે દર કલાકે ઓછામાં ઓછા બે ગૃહિણીઓ જિંદગી ટૂંકાવતી હતી.

– 2021માં  ખેતી સાથે સંકળાયેલા કુલ 10,881 લોકોએ આપઘાત કર્યો. તેમાં 5,318 ખેડૂતો અને 5,563 ખેતમજૂરોનો સમાવેશ થાય છે. એટલે કે દરરોજ 15 ખેડૂતો અને 15 ખેતમજૂરો જીવન ટૂંકાવતા હતા.

– 2021માં સ્વરોજગારવાળા 20,231, પગારદાર 15,870 અને બેરોજગાર 13, 714 લોકોએ આત્મહત્યા કરી.

– 2021માં ગુજરાતમાં 3,206 રોજમદાર મજૂરોએ, એટલે કે દરરોજ સરેરાશ 9 રોજમદારોએ  આપઘાત કર્યો છે. 2014થી ઊંચો જતો આ આંકડો આ વર્ષે પણ વધ્યો છે. રોજમદારોના આપઘાતની બાબતમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા ક્રમે અને તામિલનાડુ મોખરે છે.

– 2021માં દેશમાં કુલ 1,64,000 જેટલી વ્યક્તિઓએ આપઘાત કર્યો. એટલે દરરોજ 450 વ્યક્તિઓએ  અર્થાત દર કલાકે 18 વ્યક્તિઓ જિંદગીનો જાતે અંત  આણ્યો હતો.

આમ તો આત્મહત્યાના આંકડા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોએ (એન.સી.આર.બી.) ઑગસ્ટ મહિનાના આખરે જાહેર કર્યા હતા અને અખબારોએ તેના વિશે વિગતે લખ્યું પણ હતું.

જો કે આજે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદની છાપેલી આવૃત્તિમાં આ સમાચાર નથી. તે ‘દિવ્ય ભાસ્કર’ના માસ્ટ હેડ સાથેના ત્રીજા ક્રમના પાને, પાનાના નીચેના અરધા હિસ્સામાં પહેલી કૉલમમાં  સિંગલ કૉલમ દસ લીટીમાં વાંચવા મળે છે.

‘ગુજરાત સમાચાર’માં  છેલ્લા પાને ઊપરના અરધા ભાગમાં, વચ્ચે બે કૉલમના બૉક્સમાં ગુજરાત રાજ્યને કેન્દ્રમાં રાખીને આ સમાચાર મૂકાયા છે. મથાળું છે : ‘ગુજરાતમાં એક વર્ષમાં 3206 રોજમદારોની આત્મહત્યા’.

એન.સી.આર.બી. થકી સાડા ત્રણ મહિના પહેલાં આત્મહત્યાના આંકડા ભલે મળી ચૂક્યા હોય, પણ કેન્દ્ર સરકાર ખુદ લોકસભામાં આ બીનાની જાહેરાત કરે છે ત્યારે ફરીથી તેની તરફ  ધ્યાન આપવું જરૂરી બને છે.

મન ખૂબ ખિન્ન થઈ જાય છે. આપણી સરકારો પર તિરસ્કાર ઉપજે છે.

ખલીલ જિબ્રાનની જાણીતી કવિતા છે : ‘Pity the nation’. મકરંદ દવેએ કરેલાં તેનો અનુવાદ કર્યો છે ‘એ દેશની ખાજો દયા !’  

(સ્રોત : આજના કેટલાંક છાપાં અને પોર્ટલ્સ) 

21 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2551,2561,2571,258...1,2701,2801,290...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved