Opinion Magazine
Number of visits: 9458316
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપનાં જોનારા હાથ

જયન્ત પરમાર [અનુવાદ : ડૉ. જી.કે. વણકર]|Poetry|9 October 2022

ઉર્દૂ દલિત કવિતા

સપનાં જોનારા હાથ

વાંસને સપનું આપે છે

સુંદર સપનાં

વાંસની હોડી

વાંસનાં ફૂલ

વાંસના હાથી, ઘોડા, ઊંટ

વાંસના સૂરજ

ચાંદ

તારા

વાંસનું ટેબલ

ને કલમ, ખડિયો

….

આ જ વાંસ છોલીને

હું બનાવું છું ધજાઓ

ઝળહળ ચમકતી વાંસની ધજાઓ

ચાનો કપ ધોનારા હાથોમાં

થાકેલા ઘોડા ગણનારાના હાથોમાં

ગૂની ડોલ માથે મૂકતા હાથોમાં

અછૂતના કાળા હાથોમાં

વાંસની ધજાઓ ચમકી ઉઠશે

પેલા તેત્રીસ કરોડ દેવતાઓ સામે!

Loading

ઈરાનમાં સ્ત્રીઓનો ‘હિજાબી’ જંગ : ઇસ્લામિક ક્રાંતિનાં વળતાં પાણી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2022

ઇસ્લામિક કાયદા-કાનૂનો પર ચાલતી ઈરાનની સરકાર સ્ત્રીઓનાં કારણે અત્યારે મુશ્કેલીમાં છે. આ વિધાનમાં વિરોધાભાસ છે. ઈરાનની સરકારની નીતિ-રીતિઓનાં કારણે ત્યાંની સ્ત્રીઓ મુશ્કેલીમાં હતી. આજે ઊંધું થયું છે. ઈરાનના પશ્ચિમમાં કુર્દિસ્તાનની બાવીસ વર્ષની એક છોકરી મહસા અમિનીનું પોલીસ હિરાસતમાં કથિત મારપીટનાં પગલે અવસાન થતાં, દેશભરમાં મહિલાઓનાં પ્રદર્શન ફાટી નીકળ્યાં છે. સરકાર આ પ્રદર્શનોને રોકવા જોર-જબરદસ્તી કરી રહી છે અને તેમાં અત્યાર સુધી લગભગ 50 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

આ બબાલના મૂળમાં હિજાબ છે. મહસા ગયા મહિને 13મી સપ્ટેમ્બરે તેના પરિવાર સાથે તહેરાન ગઈ હતી. તેણે “બરાબર” હિજાબ પહેર્યો નહતો અને તહેરાન મેટ્રોમાં તે બેસવા જતી હતી ત્યારે પોલીસે તેને હિરાસતમાં લીધી હતી. એ પછી એ પાછી ન આવી. અધિકારીઓએ ત્રણ દિવસ પછી દાવો કર્યો કે હિજાબ કેવી રીતે પહેરાય તેની તાલીમ લેતી વખતે તેના પર હૃદય રોગનો હુમલો થતાં તેનું મોત થયું છે. મહસાના પરિવારે અને અન્ય સામાજિક આગેવાનોએ આરોપ મુક્યો કે તેને કસ્ટડીમાં માર-ઝૂડ કરીને મારી નાખવામાં આવી છે. આ ઘટનાએ દેશભરમાં સ્ત્રીઓમાં રોષ ફેલાવી દીધો અને મહિલાઓના અધિકારો અને રાજકીય દમન સામે વિરોધ-પ્રદર્શન શરૂ થઇ ગયાં.

મહસા અમિની કુર્દ યુવતી હતી. ઈરાનમાં સીમા પર કુર્દિસ્તાન પ્રાંતમાં એકાદ કરોડની આસપાસ કુર્દ લોકો રહે છે. ઈરાનની મુખ્યધારામાં તેમની ઉપેક્ષા થાય છે. ઈરાન સરકાર પર લાંબા સમયથી એ  આરોપ છે કે તે કુર્દો પર અત્યાચાર કરે છે અને તેમના માનવાધિકારનો ભંગ કરે છે. કુર્દો વખતો વખત સરકાર વિરોધી પ્રદર્શનો કરતા રહે છે અને તેના કારણે સુરક્ષા બળો સાથે તેમની અથડામણ થતી રહે છે. કુર્દ લોકો પર એવો આરોપ છે કે તેઓ અલગ દેશની ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. કુર્દ લોકો બાકી લોકોના પ્રમાણમાં આધુનિક અને બળવાખોર છે.

મહસાનો અપરાધ શું હતો? માથે બાંધવાના રૂમાલમાંથી તેના વાળ દેખાતા હતા. પોલીસે તેનો વાંધો ઉઠાવ્યો હતો. ઈરાનમાં સ્ત્રીઓએ બરાબર કપડાં પહેર્યાં છે કે નહીં તે માટે “નૈતિકતા પોલીસ” નામનું એક દળ છે, જેને ઈરાનમાં ગશ્ત-એ-ઈરશાદ કહે છે. ઈરાનમાં ધાર્મિક કાયદા-કાનૂન અને કપડાં સંબંધી નિયમોનું પાલન કરાવાનું કામ આ નૈતિકતા પોલીસનું છે. તેનું મુખ્ય કામ ઈરાની મહિલાઓ હિજાબના કાનૂનનું કડક પાલન કરે છે કે નહીં તે જોવાનું છે. તેનું પાલન ન થાય તો તેમને હિરાસતમાં લેવામાં આવે છે. મહસા અમિનીએ અપરાધ તો કર્યો જ હતો, ઉપરથી કુર્દ હતી એટલે પોલીસની સામે થઇ ગઈ હતી.

1978-79માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ પછી 1981માં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક ક્રાંતિ પહેલાં રઝા પહલાવીના શાસનમાં ઈરાની સમાજ પશ્ચિમના રંગે “ભ્રષ્ટ” થઇ રહ્યો હોવાની લાગણી બળવત્તર થઇ હતી અને 1978 સુધીમાં પહેલવી સામે દેશમાં વિરોધ થયો હતો અને તેના પરિણામે સત્તા પરિવર્તન પછી ઇસ્લામિક શાસન સ્થપાયું હતું.

1980 સુધી ઈરાન એટલો જ ખુલ્લો સમાજ હતો, જેટલો એક પશ્ચિમી દેશ હોય. મહિલાઓને તેમની પસંદનાં કપડાં પહેરવાની છૂટ હતી અને તે પુરુષો સાથે જાહેરમાં ફરી શકતી હતી, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાવા લાગ્યું. એમાં “ખુલ્લું” ઈરાન “બંધ” થવા લાગ્યું. 1979માં જનમત સંગ્રહમાં 98 ટકા લોકોએ ઇસ્લામિક શાસનની તરફેણ કરી હતી. એમાં જે નવું બંધારણ અમલમાં આવ્યું તે ઇસ્લામ અને શરિયા પર આધારિત હતું. એમાં મહિલાઓ માટે ફરજિયાત હિજાબનો કાનૂન આવ્યો હતો. તે અંતર્ગત નવ વર્ષથી મોટી છોકરીઓ અને સ્ત્રીઓએ માથું ઢાંકવું અને ઢીલાં કપડાં પહેરવાં ફરજિયાત છે.

એવું કહેવાય છે 2021માં ઈરાનના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના આગમન સાથે દેશમાં ડ્રેસ કોડને લઈને વધુ સખ્તાઈ કરવામાં આવી રહી છે. ન્યાયપાલિકાના પ્રમુખ રહી ચુકેલા રઈસી પર 80ના દાયકામાં રાજકીય વિરોધીઓને ફાંસી આપવાના આરોપ લાગેલા છે. એક રિપોર્ટ મુજબ, તેમના આવ્યા પછી ઈરાનમાં 18 મહિલાઓને ફાંસી આપવામાં આવી છે. પાછલા અમુક મહિનાઓથી હિજાબના મામલે સ્ત્રીઓની ધરપકડના આંકડા પણ વધ્યા છે.

હિજાબની સખ્તાઈને લઈને ઈરાનની સ્ત્રીઓ ઘણા વખતથી વિરોધ કરતી રહી હતી, તેમાં મહસા અમિનીનું મોત બેસતા ઊંટ પર તણખલું સાબિત થયું છે. 2017માં, વિદા મોવહેદ નામની એક ઈરાની સ્ત્રીના નેતૃત્વમાં સ્ત્રીઓએ તહેરાનમાં હિજાબના વિરોધમાં દેખાવો કર્યા હતાં. ત્યારે વિદાની એક તસ્વીર દુનિયાભરમાં જાણીતી થઇ હતી, જેમાં તેણે ટોળાં વચ્ચે ઊભા રહીને હિજાબને એક લાકડી પર લટકાવીને તેનો ઝંડો ફરકાવ્યો હતો.

મહસાના સમાચાર ઈરાની દૈનિક “શાર્ઘ”(પૂર્વ)ની પત્રકાર નિલોફર હમેદીએ સાર્વજનિક કર્યા હતા, જેણે તિખારો ચાંપ્યો હતો. પોલીસે સ્ત્રીઓએ ઉશ્કેરવાના આરોપસર ગયા અઠવાડિયે નિલોફરની ધરપકડ પણ કરી છે. શરૂઆત મહસાને જે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી, ત્યાં ભેગાં થયેલા અમુક સ્ત્રી-પુરુષોના દેખાવોથી થઇ હતી. તેમાં મહસાના પરિવારની એક 20 વર્ષની છોકરી યાસી, હિજાબના વિરોધમાં, માથા પર ઓઢવાની શાલને હવામાં લહેરાવતી ખુલ્લી સડક પર દોડી ગઈ હતી. એમાંથી એક તણખો થયો અને ધીરે ધીરે તહેરાનમાં અને અન્ય શહેરોમાં સ્ત્રીઓએ હિજાબ વિરોધી દેખાવો શરૂ કરી દીધા. માનો કે ઈરાનની સ્ત્રીઓનો દબાયેલો રોષને વ્યકત થવાનું કારણ મળી ગયું હતું.

એમાં સ્ત્રીઓએ હિજાબ ફગાવ્યા, વાળ ખુલ્લા કરીને હવામાં લહેરાવ્યા, વાળ કાપીને ઉડાડ્યા, માથું ઢાંકવાના સ્કાર્ફની હોળી કરી. એક મહિનામાં ઈરાનના 50 શહેરોમાં વિરોધ ફેલાઈ ગયો. સરકારે ઇન્ટરનેટ કાપી નાખ્યું અને વોટ્સએપ – ઇન્સ્ટાગ્રામ બ્લોક કરી દીધાં. જ્યાં સરકાર સામે કોઈપણ પ્રકારના વિરોધની સ્વતંત્રતા નથી અને જેના ધાર્મિક કાનૂનો અત્યંત સખ્ત છે તે ઈરાનમાં આટલા વ્યાપક સ્તરે સ્ત્રીઓ અંદોલન કરતી હોય એ અસાધારણ ઘટના છે. 2019માં ઇંધણની કિમતોમાં વધારાને લઈને થયેલા દેખાવો પછીનાં આ સૌથી તગડાં પ્રદર્શન છે. સરકારે જો કે  સાફ કરી દીધું છે કે તે આંદોલનને સખ્તાઈથી કચડી નાખશે.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના ઈરાની ઇતિહાસકાર અને પ્રોફેસર રોહમ અલવંડીએ એક અમેરિકન મીડિયાને કહ્યું હતું કે આવા વિરોધ પ્રદર્શનની ઈરાનમાં નવાઈ નથી, પરંતુ જે ઝડપથી તે દેશભરમાં ફેલાઈ ગયા છે તે યુવા પેઢીમાં ઇસ્લામિક કાનૂન અને સરકાર તરફની નારાજગી બતાવે છે. પ્રોફેસરે ટ્વીટર પર લખ્યું હતું કે “આ બળવો મહસા અમિનીની પેઢીએ પોકાર્યો છે, જે એક એવા શાસનની સખ્ત જોહુકમીમાં જીવતી આવી છે, જેણે અર્થવ્યવસ્થાને પાયમાલ કરી નાખી છે અને જેની વૈશ્વિક સ્તરે આભડછેટ છે. આ વિરોધથી નવી પેઢીની નજરમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. તેની અસર માત્ર ઈરાનમાં જ નહીં, ઇસ્લામની પૂરી રાજનીતિ પર પણ પડશે.”

દેખીતી રીતે જ, ઈરાનમાં સ્ત્રીઓના વિરોધના પડધા અન્ય ઇસ્લામિક દેશો અને પશ્ચિમનાં પાટનગરોમાં પણ પડ્યા છે. વિદેશના મંત્રાલયો અને માનવાધિકાર સંગઠનોએ ઈરાનમાં સરકાર જે રીતે વિરોધને દબાવી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેખીતી રીતે જ, ઈરાનમાં સુરક્ષા બળોનું તંત્ર એટલું મોટું અને તાકાતવર છે કે સરકારને આંચ નહીં આવે અને તે આંદોલનને દબાવી દેશે. ઇન ફેક્ટ, ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમિરાબ્દોલ્લાહને વિદેશી રાજદૂતોને કહ્યું હતું કે આ વિરોધથી દેશમાં અસ્થિરતા નહીં સર્જાય. તેમણે કહ્યું હતું આ કોઈ મોટી વાત નથી. આવું અન્ય દેશોમાં પણ થતું રહે છે.

ઇસ્લામિક ક્રાંતિ પછી જે રીતે ઈરાનમાં લોકતાંત્રિક અધિકારો પર કાપ મુકવામાં આવ્યો છે અને મૌલવીઓની કટ્ટર વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેનાથી શાસન અને શાસિત વચ્ચે સતત તનાવ વધતો ગયો છે. હિજાબનો વિરોધ આ તનાવનું પરિણામ છે. એટલા માટે આ પ્રદર્શનોમાં “તાનાશાહ મુર્દાબાદ” એવા નારા લાગ્યા છે. એ બતાવે છે કે ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ લોકોના ગુસ્સાનું નિશાન બની રહી છે.

ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો લગાવેલા છે એટલે દેશની આર્થિક સ્થિતિ સારી નથી, જેથી યુવા પેઢીમાં ઘણો ગુસ્સો છે. વાસ્તવમાં, સરકાર પર મૌલવીઓનો એટલો પ્રભાવ છે કે ઈરાનમાં સામાજિક-આર્થિક સુધાર લાવવાના સરકારના પ્રયાસો સફળ થતા નથી. 19મી સદીના અંત ભાગે ઈરાનના જમીનદારો, વેપારીઓ, બુદ્ધિજીવીઓ અને શિયા મૌલવીઓએ મૂળ ટર્કીના કજાર વંશના શાસનને ખતમ કરીને ઈરાનમાં બંધારણીય શાસન સ્થાપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ તેમાંથી પહલાવી વંશના જનરલ રેઝા ખાનનું ઉદય થયો હતો.

1925માં, ગ્રેટ બ્રિટનની મદદથી તેમણે ઈરાનમાં બંધારણીય રાજાશાહી સ્થાપી હતી. તેમણે ઈરાનમાં પ્રગતિશીલ પગલાં ભર્યા હતાં. ત્યાં સુધી કે તેમણે 1936માં કશ્ફ-એ-હિજાબનો કાનૂન બનાવ્યો હતો, જેમાં કોઈ સ્ત્રી હિજાબ પહેરે તો તેને હટાવવાનો પોલીસને અધિકાર હતો. રેઝા ઈરાની સમાજમાં રૂઢિચુસ્ત તાકતોનો પ્રભાવ ઓછો કરવા માંગતા હતા. તેમના દીકરા રેઝા શાહે 1963માં “સફેદ ક્રાંતિના નામે દેશને આધુનિક બનાવવા માટે આક્રમક પગલાં ભર્યા હતાં. પાછળથી તેમની સામે જ બળવો થયો અને ઇસ્લામિક ક્રાંતિનો પાયો નખાયો હતો. મજાની વાત એ છે એ ક્રાંતિમાં સ્ત્રીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

આજે હવે એ જ સ્ત્રીઓ વર્તમાન ઇસ્લામિક શાસકો સામે જંગે ચઢી છે.

લાસ્ટ લાઈન :

“જ્યારે તમારી પર દુર્ભાગ્યની ભરતી આવે, ત્યારે મુરબ્બો પણ દાંત તોડી નાખે.”

— ઈરાની કહેવત

પ્રગટ : ’ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુરોપમાં ખડી થયેલી ઊર્જાની કટોકટીને કારણે ભારતના અર્થતંત્રને કંપારી છૂટી શકે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 October 2022

ઊંચા ભાવ અને વિકાસની ધીમી ગતિની આ સ્થિતિને યુરોપમાં સ્ટેગ્ફ્લેશન કહે છે – આ સ્થિતિમાં સ્ટેગનન્સી અને ઇન્ફ્લેશન નન્ને એક સાથે છે

આપણે ત્યાં દિવાળીમાં ઘોર અંધકાર હોય તો કેવું લાગે? જરા ય ગળે ન ઉતરે અને મન પર ભારે લાગે તેવું આ વિધાન યુરોપમાં ક્રિસમસ ટાણે સાચું પડે તેવી શક્યતા છે. આખા યુરોપના દેશો (યુરોપિયન યુનિયન – ઇ.યુ.) પોતાના નાગરિકોને આ શિયાળે વીજળીની બચત કરવા માટે ક્રિસમસ લાઇટ્સ બંધ રાખવા વિનંતી કરી રહ્યા છે. આ નોબત રશિયાને કારણે આવી છે. રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી તેનાં પગલે મોસ્કો પર પશ્ચિમે પ્રતિબંધ મુક્યા. તેના પ્રત્યાઘાતરૂપે રશિયાએ યુરોપના દેશોમાં ગેસના સપ્લાય પર કાપ મૂકી દીધો.

આ વર્ષે ઇ.યુ.ના દેશોમાં ક્યાંક ક્રિસમસ લાઇટ્સ મોડી થશે તો ક્યાંક લાઇટિંગનો સમય સાંઇઠ ટકા ઓછો કરાશે તો લોકોને પાણી ઓછું વાપરવાથી માંડીને, સૉના બાથ ન લેવાની અપીલ કરાઇ છે તો એમ પણ કહેવાયું છે કે સ્ટવ ગરમ થાય પછી સ્ટવ બંધ કરી દઇ પાસ્તા રાંધવા. અહીં વાત માત્ર વીજળીની તંગીની નથી આ મંદીના આગમનના સંકેત છે. ગેસ તો અધધધ મોંઘો છે જ, પણ દુકાળની અસર પણ ઘેરી છે અને તેની સામે રોજિંદી ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો છે. ઊંચા ભાવ અને વિકાસની ધીમી ગતિની આ સ્થિતિને યુરોપમાં સ્ટેગ્ફ્લેશન કહે છે – આ સ્થિતિમાં સ્ટેગનન્સી અને ઇન્ફ્લેશન બન્ને એક સાથે છે. યુરોપમાં ફુગાવાનો દર સપ્ટેમ્બર પછી વધશે જ તે અર્થશાસ્ત્રીઓએ કહી રાખ્યું છે. યુરોપિયન સરકાર પાસે કઇ કટોકટી વેઠવી એના ય વિકલ્પો છે – આર્થિક કટોકટી કે વીજ શક્તિની – ઊર્જાની કટોકટી? જો સરકાર, ખાનગી ક્ષેત્રને ઊર્જાના વધતા ભાવ સાથે એડજેસ્ટ થવા સૂચન કરે તો મેન્યુફેક્ચરિંગના ભાવ વધે, અંતે આની અસર રોજિંદા ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ પર પણ પડે. સિત્તેરના દાયકામાં પણ આમ જ થયું હતું કે પહેલાં ઊર્જાના ભાવ આસમાને આંબ્યા અને પછી મંદીનો ભરડો મજબૂત બન્યો હતો.

શું આ મંદીની અસર 2008ના સબપ્રાઇમ ક્રાઇસિસ જેવી ઘેરી હશે? ભારત પણ તેના સપાટામાં લેવાઇ જશે? ભારતમાં ઓઈલ, કોલસો અને લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાતમાં જંગી પ્રમાણમાં થાય છે અને આ આયાત વધી પણ છે. રશિયાને પાઠ ભણાવવા ઇ.યુ.ના દેશોએ રશિયન ગેસ ન ખરીદવાનું નક્કી કર્યું અને યુરોપમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા. ઈ.યુ.માં વીજળીના બિલ છાતીનાં પાટિયાં બેસી જાય એવા આવે છે. જો આ સ્થિતિ જો એકાદ વર્ષ પણ ચાલી તો ભારતના વિદેશી નાણાંનો સંગ્રહ પાંખો થતો જશે કારણ કે નિકાસ ઘટશે અને આયાત વધશે. આમ વ્યાપારની ખોટ રૂપિયાને ગગડાવીને પાતાળ લોકમાં પહોંચાડી દેશે. રશિયા પાસેથી ઓઇલ મંગાવવું એ ભારતની ફુગાવાને મેનેજ કરવાની એક રીત છે, જો કે આયાત આધારિત દેશોએ યુરોપમાં જે થઇ રહ્યું છે તેની ચિંતા કરવી જ રહી. કાલે ઊઠીને રશિયા ભારતમાં દરિયાઈ માર્ગે જે પુરવઠો મોકલે છે તે અટકાવીને પોતે એવા માર્કેટમાં પુરવઠો મોકલે જે તેમને નજીક પડે તેવું પણ થઇ શકે છે. આમ પણ યુદ્ધ ચાલુ થયું ત્યારથી રશિયાના ગેસ ઉત્પાદકે ભારતને મોકલાતો પુરવઠો સાવ ઘટાડી દીધો છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને યુ.એસ. જેવા દેશોને ગેસ પુરવઠો આપતા વિકલ્પ તરીકે જુએ છે પણ ત્યાં કિંમતો ઘણી ઊંચી છે. ભારતમાં હાલમાં ગેસની કિંમતો બે વર્ષ પહેલાં હતી તે કરતાં 280 ટકા વધારે છે. લિક્વિડ નેચરલ ગેસની ભારતની જરૂરિયાત મોટી છે અને જો કે પૂરી ન થાય તો વૈશ્વિસ સ્તરે નેચરલ ગેસના માર્કેટમાં ભારતને માટે સ્પર્ધા કરવી અઘરી છે. વિકાસશીલ દેશો માટે ભાવ વધારા સામે ઊર્જા અને વીજળી મેળવવા અઘરાં હશે. એમાં પાછો રૂપિયો પણ ગગડ્યો છે. લોકલી પણ ગેસના ભાવ ભારતમાં વધ્યા છે અને તે ઉપર જ રહેશે તેમ મનાઇ રહ્યું છે. લાંબા ગાળે ભારતે ઊર્જાના વૈકલ્પિક સ્રોતને મહત્ત્વ આપીને અન્ય રાષ્ટ્ર અને હાઇડ્રોકાર્બન્સ પર આધાર ઘટાડવો પડશે.

ફરી યુરોપ તરફ વળીએ તો ઇ.યુ.માં બધો વાંક ઊર્જા સાથે સંકળાયેલી સમસ્યાનો નથી. જો ઊર્જાનો ધક્કો સરકાર પોતાને માથે લઇ લે તો નાણાંકીય ફટકો ભોગવવો પડે. એક ટાળવા માટે બીજું વહોરવું પડે. યુરોપના જી.ડી.પી. પર ઊર્જાના પુરવઠાની અછતની માઠી અસર થશે – આ સંજોગોમાં મંદી ટાળી શકાય તેમ છે જ નહીં. ભલેને યુરોપિયન યુનિયને પોતાની ક્ષમતા કરતાં 80 ટકા વધારે ગેસ રિઝર્વ ખડા કર્યા છે પણ 27 દેશોનો બ્લોક શિયાળામાં ઊર્જાના પુરવઠાને મામલે સંધર્ષ કરી રહ્યો છે, ઘણા યુરોપિયન દેશોએ માત્ર અનામત રખાયેલા પુરવઠા પર આધાર રાખીને આટલાં વર્ષોથી શિયાળો પસાર નથી કર્યો. વળી યુરોપિયન યુનિયનના દેશો ગેસના પુરવઠાને વહેંચવાને મામલે એકમત થશે કે કેમ એ પ્રશ્ન તો ખડો છે જ. યુરોપિયન દેશોના બ્લોકમાં જી.ડી.પી.ને મામલે જર્મની અને ઇટાલી અગત્યનાં છે અને આ બન્નેનો મોટો આધાર ગેસ પર છે અને માટે જ આ અછત, ફુગાવો બધું જ મંદી તરફ ધસવાની નિશાનીઓ છે.

ખરેખર તો યુરોપે એક મજબૂત, વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઉભરાવું જોઇએ પણ તેના બદલે યુરોપ ક્ષીણ થઇ રહેલો પ્રદેશ લાગે છે. ઉત્પાદનકર્તાઓ મોંઘવારી વેઠવાને બદલે વિદેશમાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે અને નાના બિઝનેસ ઠપ્પ થઇ જશે.

ભારત પર આ મંદીની અસર થશે ખરી પણ એ બધું હોવા છતાં આપણે બાકીના વિશ્વથી અલગ એવી અર્થવ્યવસ્થા પણ ધરાવીએ છીએ – આપણું સ્વદેશી અર્થતંત્ર આપણી ક્ષમતાઓની ધાર કાઢે તેમ છે. આત્મનિર્ભર ભારતની વાસ્તવિકતા જેટલી મજબૂત હશે તેટલા આપણે મંદીના મારથી બચી શકીશું.

બાય ધી વેઃ

યુરોપિયન લીડર્સ દોષનો ટોપલો રશિયા પર ઢોળે છે પણ સિક્કાની બીજી બાજુએ યુરોપે અશ્મિગત ઇંધણ પછીના વિકલ્પો અંગે અપનાવેલી આર્થિક નીતિઓ પણ આ સમસ્યા માટે જવાબદાર છે. યુરોપના સત્તાધીશો, જર્મની કે ફ્રાંસ કે યુરોપિયન યુનિયનના વડાઓએ ક્યારે ય પણ ઊર્જાના રાશનિંગની વાત ન કરી, ન ખેડૂતોને ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડવા કહ્યું – ફર્ટિલાઇઝર્સ પણ પેટ્રોલિયમાંથી – રશિયામાંથી મેળવાય છે. ભૂતકાળમાં ડીઝલના ઊંચા ભાવ અંગે કોઇએ રશિયાનો વાંક ન કાઢ્યો માત્ર રશિયા પાસે જ ઓઇલ અને ગેસ છે તેમ નથી, પણ યુરોપિયન કમિશનરને બીજે નજર દોડાવવી નથી. આ માથે ઝળુંબી રહેલી મંદી ટાળવી શક્ય છે કારણ કે આ 2008 જેવો વખત નથી પણ પુતિનનું ઠેકાણે આવે અને એ આ યુદ્ધ અટકાવે તો કંઇ ફેર પડે, બાકી ભયો ભયો!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑક્ટોબર 2022

Loading

...102030...1,2301,2311,2321,233...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved