Opinion Magazine
Number of visits: 9458462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનસિકતા સામે સવાલ

દિવ્યાશા દોશી|Opinion - Opinion|14 October 2022

બે દિવસ પહેલાં સમાચાર આવ્યા કે કેરાલામાં એક દંપતીએ સુખ-સમૃદ્ધિની ઈચ્છાને કારણે બે સ્ત્રીઓની બલિ ચઢાવી. એના પછી જૂનાગઢની ઘટના બહાર આવી કે એક પિતાએ પુત્રની લાલસામાં પોતાની સગી દીકરીની બલિ ચઢાવી, તો પશ્ચિમ બંગાળમાં એક તાંત્રિકે આઠ વરસની બાળકીની બલિ ચઢાવી. આવી કેટલી ય ઘટનાઓ હશે જે સમાચાર સુધી નહીં પહોંચી હોય. ગઈ કાલથી સોશિયલ મીડિયામાં ઊહાપોહ છે ને મગજ સુન્ન થઈ ગયું. તેમાં ય જૂનાગઢના મામલાનો વધુ ઉલ્લેખ જોવા મળ્યો. લોકોના પ્રતિભાવ વાંચતાં સમજાયું કે પોતાના સમાજમાં કે પોતે જેની સાથે સંકળાયેલા હોય તેમાં કોઈ બનાવ બને તો બે ઘડી લોકો હેબતાઈ જાય છે. પછી બે દિવસ બાદ એ ભૂલાઈ જાય છે. કેરાલાની ઘટના પણ એટલી જ ઘૃણાસ્પદ છે, પણ તેના વિશે કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યા.

ખેર, નરબલિએ ખરેખર તો હત્યા જ છે. પોતાની સફળતા, સમૃદ્ધિ કે ઈચ્છા માટે કોઈની હત્યા કરતાં માનવીઓ અચકાતા નથી. કેરાલાની ઘટનામાં તો સ્ત્રી પણ એ હત્યાની ભાગીદાર બની બીજી સ્ત્રીનાં શરીરના ટુકડાઓ રાંધે છે. જૂનાગઢની ઘટનામાં ક્યાં ય માતા વિશે કશું જ લખાયું નથી. માતાએ કેમ વિરોધ ન કર્યો કે પોલીસને જાણ ન કરી? એ સવાલ સતત થાય જ. દરેક અખબારે એ બાબતે મૌન જ સેવ્યું છે. શક્ય છે પિતૃસત્તાક માનસિકતા સામે સ્ત્રી અવાજ ઊઠાવી નહીં શકી, પણ મૌન એ સંમતિ ન ગણાય?

શિવાજીના શાસન દરમિયાન પોતાના સંતાન માટે હીરાકણી મધરાત્રે કિલ્લામાંથી નીકળી ઘોર જંગલ માર્ગે ઘરે પહોંચે છે એ વીરગાથા આપણે ભણ્યા છીએ. દિવસે પણ જે ડુંગર પરથી ઉતરવું સહેલું ન હોય ત્યાંથી એક સ્ત્રી મધરાત્રે એકલી ઉતરે છે પોતાના ભૂખ્યા બાળક સુધી પહોંચવા માટે. તો આજના આધુનિક સમયમાં જૂનાગઢની ઘટનામાં શું બન્યું? એ વિશે અધૂરી કથાઓ અખબારોમાં છપાય છે, ત્યારે એક જર્નાલિસ્ટ કીડો અંદર સળવળીને અનેક સવાલો ઊભા કરે છે. માણસ આટલી હદે આજે પણ ક્રૂર કેમ બને છે? દરેકને કશુંક મેળવવું છે. જીવનમાં બધું જ હોવા છતાં સંતોષ નથી. આ દરેક ઘટનામાં સામેલ વ્યક્તિઓ ભૂખે નહોતી મરતી કે તેમણે નરબલિ ચઢાવવી પડે. એ લોકો ખાધેપીધે સુખી હતાં. બધા તાંત્રિકને દોષ આપે છે પણ સામે પોતાની ઈચ્છાપૂર્તિ માટે વ્યક્તિઓ છે એમની માનસિકતા સામે કોઈ સવાલ નથી ઊઠાવતું.

ડ્યુક યુનિવર્સિટિમાં આવી ઘટનાઓ બાબતે સંશોધન થયું છે અને તેઓ કહે છે કે, “માણસને પોતાની પાસે ન હોય અને બીજા પાસે હોય એવી દરેક બાબત મેળવવી છે. એવો કોઈ ચમત્કાર થાય કે તેમને પણ એ મળે જે બીજા પાસે છે. એ ચમત્કાર થઈ શકે છે એવું કોઈ કહે એટલે માનસિક રીતે તેઓ બદ્ધ થઈ, બસ એના તરફ દોટ મૂકે છે. હકીકતમાં માણસ સમાનતા ઈચ્છે છે. બીજા પાસેની સમૃદ્ધિ, સંતાન, સુખ પોતાની પાસે ચમત્કારથી જ આવી શકે એની તેને ખાતરી હોય છે. એટલે તે કોઈ પણ રીતે ચમત્કાર તરફ દોટ મૂકે છે. સારઅસાર તેને દેખાતો નથી.” આ વાત વિચારણીય છે. અસંતોષની આગ સારઅસારના ગુણોને પહેલાં બાળી નાખે છે. પછી જે ઘટનાઓ બને છે તે વિશે માણસ સભાન નથી હોતો. અસંતોષ આજે માનવને રેટરેસ માટે પણ પ્રેરે છે. સફળ થવા માટે આપણે કેટલી ય માનસિક હત્યાઓ કરતાં હોઈએ છીએ. કેટલી ય વ્યક્તિઓનું શોષણ કરીએ છીએ. એ બધું આપણને અખરતું નથી. ધીમે ધીમે આપણે નિંભર થઈ જઈએ છીએ. આપણી વ્યક્તિઓને આપણે સમય આપી શકતા નથી. બીજાનો સમય લઈ લેતા અને વ્યક્તિઓનો અધિકાર છીનવી લેતા પણ આપણું અંતકરણ બળતું નથી. આ જ બાબત કેટલાકમાં વધુ તીવ્ર હોવાને કારણે બીજાનો જીવ લેવા પ્રેરતી હોય છે. બધાની માનસિકતા ઓછા વધતા અંશે અસંતોષ સાથે કામ પાર પાડતી જ હોય છે. કેટલાક એના પર વિજય મેળવે છે તો કેટલાક તેની સાથે સમાધાન કરે છે તો કેટલાક સતત તેને પોષે છે. એ જ લોકો તાંત્રિકના રવાડે ચઢતા હોય છે. વાંક તાંત્રિક કરતાં પણ વ્યક્તિની ઈચ્છાઓનો વધુ હોય છે.

સૌજન્ય : દિવ્યાશબહેન દોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડૉ. રતન રુસ્તમજી માર્શલ

ડૉ. અશ્વિનકુમાર|Opinion - Opinion|14 October 2022

ડૉ. રતન રુસ્તમજી માર્શલ જન્મદિન (૧૪–૧૦–૧૯૧૧) નિમિત્તે, ‘ઓપિનિયન‘ કાજે, આ લેખ પ્રગટ :

“ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ” જેવો શબ્દપ્રયોગ આંખે-કાને-જીભે આવતાંની સાથે જે વિદ્યાપુરુષનું ઝટ દઈને સ્મરણ થાય તેમનું નામ ડૉ. રતન રુસ્તમજી માર્શલ જ હોવાનું! જિંદગીના એકસોમા જન્મદિનની ઉજવણીમાં સહભાગી-સદ્ભાગી થયા બાદ, તેમનું નિધન ૧૬-૦૧-૨૦૧૧ના રોજ અમદાવાદમાં થયું. ૧૪-૧૦-૧૯૧૧ના રોજ ભરૂચમાં જન્મેલા, ‘પારસીઓના વિશ્વકોશ’ સમાન માર્શલસાહેબ ‘સુરતનું ઘરેણું’ હતા. તેઓ ‘સુરત પારસી પંચાયત’ તેમ જ ‘નર્મદ સાહિત્ય સભા’ સાથે દાયકાઓ સુધી સંકળાયેલા રહ્યા. તેઓ સામાજિક કાર્યકર, નાટ્યકર્મી, સંશોધક, ઇતિહાસવિદ્દ અને લેખક હતા. રતન રુસ્તમજી માર્શલ અદ્ભુત અવાજ અને રમૂજ ધરાવનાર ઉત્તમ વક્તા અને નેકદિલ બંદા હતા.

રતન માર્શલ મુંબાઈ વિદ્યાપીઠના ગુજરાતી સાહિત્ય વિભાગમાં વિદ્યાવાચસ્પતિ(પી.એચડી.)ની પદવી મેળવનાર સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે ઈ.સ. ૧૯૪૯માં ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ શીર્ષક હેઠળ સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું. આ મહા નિબંધના માર્ગદર્શક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી અને નિર્ણાયક કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા હતા. આ સંશોધન-નિબંધ ઈ.સ. ૧૯૫૦માં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેને મુંબઈ સરકાર દ્વારા ઈ.સ. ૧૯૫૬માં એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું.

રતનજી આજીવન વિદ્યાવ્યાસંગી રહ્યા. મૂળે તો તેઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયેલા. પાંસઠની વય વટાવ્યા બાદ, તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, એ પણ પોતાના પુત્ર રુસ્તમ સાથે! પોતાનાથી ઘણી નાની વયના અધ્યાપકોના વર્ગોમાં અતિ નિયમિત હાજરી આપીને, માર્શલસાહેબ કાયદાના સ્નાતક થયા. આયુષ્યના નેવુમા વર્ષના પ્રવેશ વખતે તેમણે ‘કથારતન’ નામે આત્મકથા લખી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ઈ.સ. ૨૦૦૦માં તેમનું વિદ્યાવારિધિ(ડી.લિટ.)ની માનદ પદવીથી સન્માન થયું.

રતન માર્શલે પંદરેક પુસ્તકો લખ્યાં છે. ‘મોંઘું ઘરેણું’ તેમનો પ્રથમ નિબંધ સંગ્રહ છે. તેમણે ચાળીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૫૧માં મુંબઈનાં સેવા-સમર્પિત સ્ત્રીરોગ-તબીબ ડૉ. ફ્રેની હોરમસજી બીલીમોરીઆ સાથે લગ્ન કર્યાં. એમનાં પત્ની ફ્રેનીએ મુંબઈના દાક્તરી વ્યવસાયમાં મળતાં નામ-દામ જતાં કરીને, સુરતમાં ગરીબ દરદીઓની આજીવન સેવા-સારવાર કરી. રતન માર્શલની એક કૃતિનું નામ ‘ફ્રેની, મારી અર્ધાંગિની’ છે.

રતન રુસ્તમજી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. ભરૂચમાં ૨૩-૦૩-૧૯૭૦ના રોજ ભૂકંપ આવ્યો ત્યારે તેઓ દિવસો સુધી રાહત અને પુનર્વસન કાર્યમાં જોડાયેલા રહ્યા. એ સમયે તેમણે ‘જામે જમશેદ’ના પ્રવાસી પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત તેઓ ‘નરીમાન હોમ એન્ડ ઇન્ફરમરી’, ‘નરીમાન પારસી ઝોરોષ્ટ્રીઅન ગર્લ્સ ઓર્ફનેજ’, ‘પાર્વતીબાઈ રક્તપિત્ત આશ્રમ’ અને ‘લેડી વિલ્સન લેપ્રસી ક્લિનિક’ જેવી સમાજ-સંસ્થાઓ સારુ સેવારત રહ્યા.

રતન રુસ્તમજી માર્શલ મજાકમાં કહે છે : “મારું રતન નામ ગુજરાતીનું, મારા પિતાનું રુસ્તમ નામ ઈરાનીનું  અને મારી અટક માર્શલ અંગ્રેજની. છે ને મારા નામમાં વિશ્વબંધુત્વની ભાવના!” (‘કથારતન’, ૨૦૦૩, પૃ.૧૮) આપણે ગુજરાતી હોવાના સીમિત ગૌરવ-વર્તુળની બહાર જઈને જગત-નાગરિક તરીકેની વ્યાપક ઓળખ-ક્ષિતિજ તરફ ડગ માંડતાં રહીએ. ગુજરાતના બૌદ્ધિક-જગતમાં સ્વાધ્યાય, સંશોધન, સાહિત્યસર્જનની સાથેસાથે સંવેદના, સમજણ અને સેવાભાવના વિસ્તરતી રહે, એ જ માર્શલસાહેબ જેવા શતાબ્દી-પુરુષને આપેલી સો સો સલામ છે.

સૌજન્ય : “બુદ્ધિપ્રકાશ”, ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
E-mail : ashwinkumar.phd@gmail.com
Blog-link : https://ashwinningstroke.blogspot.com

Loading

મિત્ર

બીજલ જગડ|Opinion - Opinion|14 October 2022

સફરનામામાં ક્ષિતિજે હમસફર મળે જ મળે,

એમ મિત્ર હું શોધતો આવ્યો તને

મખમલી વાદળમાંથી વર્ષા ઝરમર ઝર્યા કરે,

એમ મિત્ર હું શોધતો આવ્યો તને

બાળપણની યાદનાં પંખીડાં ખટમીઠાં ડબ્બામાં જડે,

એમ મિત્ર હું શોધતો આવ્યો તને

મોતીડાં પાણીનાં તળિયે પાતાળે જળસમાધિમાં મળે,

એમ મિત્ર હું શોધતો આવ્યો તને

બરફમાં જામી યાદી, મિલનની જ્વાળા ઠારી ના ઠરે,

શોધતો આવ્યો, તું જ્યાં છે ત્યાં તને.

પૃથ્વીની વિશાળતા અમથી ના કળે,

કે જગમાં આતમ ને આતમ ના મળે,

આંબામાં ટહુકાના મોહર લગાવી જો,

ટપાલી આવે, ને તું મળવા આવી ચઢે.

ઘાટકોપર, મુંબઈ 
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,2251,2261,2271,228...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved