Opinion Magazine
Number of visits: 9667577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 March 2023

ચંદુ મહેરિયા

ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેમના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો.. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે, પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬,૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે, પરંતુ તેમાં ૧૪,૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.

જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડોકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામ માત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ – પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા , ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે.

જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતાં. તેમાંથી ૧,૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતાં. એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.

દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે. પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ-ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જો કે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચા કામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે.

જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવાં કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્ય પ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે,” જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય (અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે. તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.

૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણા રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટા ભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જો કે ૨૦૧૬ની આદર્શ જેલ નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના અધારે રસોડાંની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં.  પરંતુ આ બાબતનો ભાગ્યે જ અમલ થાય છે. અરે, જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે.

ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્ત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્ત્વનાં કાર્યો કર્યાં હતાં. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવાં કાર્યો કરવાના રહે છે.

જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભય પક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના અધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું. જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બેટી નહીં, બેટી જૈસી “સુજાતા”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 March 2023

રાજ ગોસ્વામી

મહાત્મા ગાંધીની ગમતી ફિલ્મ કઈ હતી એવું કોઈ પૂછે તો “રામ રાજ્ય”નું નામ ઘણાને યાદ આવે. મૂળ પાલિતાણાના બ્રાહ્મણ પરિવારના વિજય ભટ્ટે 1943માં બનાવેલી આ ફિલ્મનો એક ખાસ શો મહાત્મા માટે મુંબઈના જુહુમાં યોજાયો હતો. પણ તમને કોઈ એવું પૂછે કે પંડિત જવાહરલાલ નહેરુની ફેવરીટ ફિલ્મ કઈ હતી, તો ઝટ કોઈ નામ જીભે ન ચઢે. નહેરુ આધુનિક મોજશોખ કરવાવાળા હતા તે સાચું, પણ તે ફિલ્મોના શોખીન હોય તેવું બહુ ધ્યાનમાં નથી આવ્યું. એક ફિલ્મ તેમાં અપવાદ છે; બિમલ રોયની 1959માં આવેલી “સુજાતા.”

આંતરજ્ઞાતિય લગ્ન પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતી અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. “સુજાતા”ને ફ્રાન્સમાં યોજાતા આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પંડિત નહેરુએ આ ફિલ્મ જોઈ હતી, અને તેઓ એટલા પ્રભાવિત થાય હતા કે 28 જૂન 1959ના રોજ, બિમલ રોયને લખેલા એક પત્રમાં કહ્યું હતું;

“ફિલ્મની ફોટોગ્રાફી અને વાર્તા સરસ છે. ફિલ્મો ઉપદેશ આપવા લાગે તો બોરિંગ બની જવાનું જોખમ હોય છે. મેં જોયું કે ‘સુજાતા’માં એ ભૂલ ટાળવામાં આવી છે, અને એક મહત્ત્વના સામાજિક વિષયને અત્યંત સંયમિત રીતે છેડવામાં આવ્યો છે.”

દો બીઘા જમીન, પરિણીતા, બિરાજ બહુ, દેવદાસ, મધુમતી, પરખ અને બંદિની જેવી ક્લાસિક ફિલ્મો આપનારા યથાર્થવાદી ફિલ્મ સર્જક બંગાળી બાબૂ બિમલ રોયની યશસ્વી કારકિર્દીમાં “સુજાતા” એક સીમાચિન્હ સમાન છે. ભારતની આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે તેની સમાંતર સામાજિક સુધારની પણ લડાઈ ચાલુ હતી, કારણ તે વખતના સામાજિક-રાજકીય આગેવાનોએ એ સમજાયું હતું કે ભારતીયોની ગુલામીનું એક કારણ તેમનું પછાતપણું, નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને નાત-જાતના ભેદભાવ પણ છે. એટલે સમાજમાં આધુનિક વિચારો અને જીવનશૈલી પ્રચલિત થાય તે માટે પણ જાગૃતિનું કામ થતું હતું. 

તે વખતના ફિલ્મ સર્જકોએ પણ તેમની ઘણી હિન્દી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ વણી લીધા હતા. ખાસ કરીને બંગાળમાં સુધારાવાદી ચળવળ બહુ તીવ્ર હતી, એટલે ત્યાંના સાહિત્ય-સિનેમામાં તેની ઝલક બહુ જોવા મળતી હતી. સુબોધ ઘોષ નામના એક બંગાળી લેખક અને પત્રકારે “સુજાતા” નામની નવલકથા લખી હતી, જે બિમલ રોયની ફિલ્મનો આધાર બની હતી (ઘોષની જ “જાતુ ગૃહ” વાર્તા પરથી ગુલઝારે  “ઇજાજત” બનાવી હતી).

“સુજાતા” એ અર્થમાં માથે ચઢાવવા જેવી ફિલ્મ છે. ઉપર-ઉપરથી તો તે એક પ્રેમ કહાની હતી, પરંતુ એ લોલીપોપમાં બિમલા’દાએ ઊંચ-નીચના ભેદનો કડવો ઘૂંટ પીવડાવ્યો હતો, જે તત્કાલીન સમાજની એક વરવી વાસ્તવિકતા હતી, અને આજે ય છે. એ કારણથી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. તેની વાર્તા કંઈક આવી હતી.

એક બ્રાહ્મણ યુગલ, ઉપેન્દ્ર ચૌધરી અને ચારુ (તરુણ બોઝ અને સુલોચના લતકર), મહામારીમાં અવસાન પામેલી તેમની કામવાળીની દીકરીને ઉછેરે છે અને તેને સુજાતા (નૂતન) આપે છે. ઉપેનને સુજાતા દીકરી જેવી લાગે છે, પણ ચારુ અને તેની ફોઈ (લલિતા પવાર) તેને અછૂત ગણીને છેટી રાખે છે. ફિલ્મનો પહેલો એક કલાક એ સ્થાપિત કરવામાં જાય છે કે સુજાતા “બેટી જેવી છે” પણ “બેટી” નથી, કારણ કે તે “નીચી જાતિ”ની છે. ચારુનો એક સંવાદ પણ છે, “વો હમારી બેટી નહીં, હમારી બેટી જૈસી હૈ.”

ફોઈનો દીકરો અધીર (સુનીલ દત્ત) સુજાતાના પ્રેમમાં પડે છે, પણ ફોઈની ઈચ્છા ચારુની અસલી દીકરી રમા (શશીકલા) સાથે તેનાં લગ્ન કરાવવાની છે. એક દિવસ ચારુ અને ફોઈ વચ્ચેની વાત સુજાતાના કાને પડે છે અને તેને ખબર પડે છે કે તે અછૂત છે. આ હકીકતને સ્વીકારીને તે અધીરને દૂર રાખવાની કોશિશ કરે છે, પરંતુ અધીર શહેરમાં ભણેલો-ગણેલો આધુનિક વિચારોનો માણસ છે. તે આવા ઊંચ-નીચના રિવાજોમાં માનતો નથી. 

એક દિવસ ચારુને અકસ્માત થાય છે અને તેને લોહીની જરૂર પડે છે. એવું લોહી માત્ર સુજાતા જ આપી શકે તેમ છે. સુજાતાની એ ઉદારતા જોઈને ચારુના દિલમાં પરિવર્તન આવે છે અને હવે તે સુજાતાને દીકરીની જેમ પ્રેમ કરવા લાગે છે. છેલ્લે ફોઈ પણ અધીર અને સુજાતાનો સંબંધ સ્વીકારી લે છે. 

પચાસના દાયકામાં જ્યારે ભારતીય સમાજમાં છુઆછૂતનું ચલણ ખૂબ હતું, ત્યારે બિમલ રોયે એક એવી સંયમી ફિલ્મ બનાવી હતી, જેમાં ન તો કોઈ ઉપદેશ આપવાની ભાવના હતી, ન તો લોકોને ઉશ્કેરવાનો આક્રોશ કે ન તો સહાનુભૂતિ મેળવવા માટેની રડારોડ. તેમણે તત્કાલીન સમાજની એક ક્રૂર વ્યવસ્થા અંગે કોઈ જજમેન્ટ પસાર કર્યા વગર, દરેક પાત્રની સંવેદનાને ધ્યાનમાં રાખીને હળવા હલેસે એક ગોદો માર્યો હતો. નહેરુને ફિલ્મની આ જ વાત પસંદ પડી હતી. 

છુઆછૂત સામે સૌથી વધુ જાગૃતિનું કામ મહાત્મા ગાંધી અને ડો. આંબેડકરે કર્યું હતું. ફિલ્મમાં એક દૃશ્યમાં ગાંધીજીનો પરોક્ષ સંદર્ભ પણ છે. અછૂત હોવાના અપમાનમાંથી છૂટવા માટે સુજાતા આત્મહત્યા કરવા માટે વરસતા વરસાદમાં નીકળી પડે છે, પણ તે ગાંધી ઘાટ પર પહોંચી જાય છે, જ્યાં મહાત્માની પ્રતિમા નીચે લખેલું હોય છે, “મરે કૈસે? આત્મહત્યા કરકે? કભી નહીં! આવશ્યકતા તો હો તો ઝિંદા રહને કે લિયે મરે.” એ વાંચીને સુજાતાનો ઉશ્કેરાટ શાંત થઇ જાય છે. 

આપણે કોરોના કાળમાં જોયું હતું કે ચેપી રોગમાં કેવી રીતે જાતિભેદ ઉભરીને બહાર આવે છે. બિમલ રોયે પચાસ વર્ષ પહેલાંના એ ભારતીય સમાજની વાત આ ફિલ્મમાં કરી હતી, જેમાં કોલેરા જેવો રોગ એક ચોક્કસ વર્ગમાં જ ફેલાય છે. એક દૃશ્યમાં ગામનો પંડિત અમુક લોકોને અડવાની ના પાડતાં “વૈજ્ઞાનિક કારણ” આપે છે કે એવા લોકો નશીલો ગેસ છોડે છે!

ફિલ્મની વિશેષતા નૂતન હતી, જેને સુજાતાના પાત્ર માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો (બિમલ રોયને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ મળ્યો હતો). નૂતન હિન્દી સિનેમાની એ અભિનેત્રીઓમાંથી એક છે જેને “નેચરલ એકટર” કહેવાય છે. એ કોઇ પણ ભૂમિકામાં એટલી સહજ રીતે ઓતપ્રોત થઇ જતી કે એવું લાગે કે નૂતન ખુદ આવી જ હશે. “સુજાતા”માં એક કાળી અને અછૂત છોકરીનો તેનો અભિનય જોઇને લાગે કે જાણે નૂતન અસલમાં સામાજિક અન્યાયનો ભોગ બની હશે.

ફિલ્મનું અન્ય સશક્ત પાસું હતું તેનું સંગીત. મજરૂહ સુલતાનપૂરીના બોલ અને એસ.ડી. બર્મને સંગીતે તેમાં જાદુ ઊભો કર્યો હતો. કુલ સાત ગીતો હતાં અને પાંચ એટલાં સદાબહાર હતાં કે આજે ય લોકપ્રિય છે; સુનો મેરે બંધૂ રે, જલતે હૈ જિસકે લિયે, કાલી ઘટા છાયે મોરા જીયા તરસાયે, તુમ જીઓ હજારો સાલ અને બચપન કે ભી ક્યા દિન થે

1995માં નૂતને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા બંદિની અને સુજાતા હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વના એવાં અજાણ્યાં પાસાંઓને એટલી તાકાતવર રીતે બતાવ્યાં હતાં, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 01 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રેમભંગ પામેલા મિત્રને રિલ્કેનો એક પત્ર (2) 

સુમન શાહ|Opinion - Opinion|28 February 2023

મારો અનુભવ રહ્યો છે કે રિલ્કેનાં કાવ્યો સરળ નથી એમ એમનું ગદ્ય પણ સરળ નથી, સંકુલ છે, કેમ કે રિલ્કે નારીકેલપાક રીતિના છતાં અનનુકરણીય શબ્દસ્વામી છે.

જર્મનમાંથી અંગ્રેજીમાં થયેલા એમની કૃતિઓના અનેક અનુવાદોમાં આ હકીકતની પ્રતીતિ થાય છે. એટલે રિલ્કેને ગુજરાતીમાં મૂકતાં ખૂબ કાળજી લેવી પડે છે. એમના એક ફકરા પાછળ કલાકો આપવા પડે છે.

તેથી એમના શબ્દ વિશે પ્રામાણિક રહેવા જતાં અને આમ જ ભૂલો થવાનો સંભવ રહે છે. ભાવાનુવાદ જ કરું છું છતાં રિલ્કે કઠિન ભાસે તો એ કાઠિન્યનો આનન્દ લેવાની ટેવ પાડીએ.

રિલ્કેના એ ચિત્રકારમિત્ર રુડોલ્ફે આલેખેલું ચિત્ર

એમનો એ ભગ્નહૃદયી મિત્ર રુડોલ્ફ એની પ્રેમિકાને માફ કરવા માટેના સંઘર્ષને ટકાવી રહેલો, તેનાં ચાર અઠવાડિયાં પછી રિલ્કે એને એ બન્નેના સમ્બન્ધની ઘડીમાં ચાલુ ને બંધ વળી ઘડીમાં બંધ ને ચાલુ એવી દર્દનાક સ્થિતિસ્થાપકતા વિરુદ્ધ ચેતવણી આપે છે. ચેતવણી એ કે પ્રાપ્તિ અને હાનિની ટૂંકજીવી મરમ્મત તો થઈ જશે પણ પરસ્પરના દૂઝતા વ્રણ, ઘા, દૂઝતા જ રહેશે.

કહે છે —

બન્ને જણાં જો પોતાના પ્રામાણિક સંઘર્ષ દરમ્યાન એકમેકની ઘૃણા કરવામાં ન ફસાય, યોજના બનાવે કે નથી જ ફસાવું, અને ઝઘડ્યાં કે ટાઢાં પડ્યાં ને એમના આવેગોની ધારો ઘસાઈ, વળી, તીક્ષ્ણ પણ થઈ, ત્યારે તેઓ જો હળવાં રહ્યાં હોત, નમનીય રહ્યાં હોત, બલકે તમામ ક્રિયા-પ્રતિક્રિયા પરત્વે, લૅણાદેણી બાબતે, પરિવર્તનશીલ રહ્યાં હોત કે કંઈ નહીં તો એકબીજા સાથે મિત્રભાવે માનવીય રહ્યાં હોત, તો છૂટા પડવા માટેનો એમનો નિર્ણય મહાવિપદા અને સંત્રાસનો સંકેત ન આપી શકત.

ક્રમશ:
(Feb 28, 23 : A’vad )
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2181,2191,2201,221...1,2301,2401,250...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved