Opinion Magazine
Number of visits: 9458380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આચાર્ય દેવવ્રત, ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીનું હે રામ!

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|21 October 2022

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિન તા.18-10-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા જઈ રહેલા આચાર્ય દેવવ્રતની એક લાંબી મુલાકાત છપાઈ છે. આ આખી મુલાકાત મોટે ભાગે પ્રાકૃતિક ખેતી, ગાય અને પર્યાવરણના મુદ્દા પર કેન્દ્રિત છે. જો કે, આ મુલાકાતમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી વિષે પણ થોડાક મુદ્દા છે. તેમણે આ બંને વિષે જે કંઈ કહ્યું છે તેને વિષે સહેજ ટિપ્પણ :

(1) “ગાંધીજીને ગાયો પ્રત્યે બહુ આદર હતો અને હું ગોપાલક છું” અને “હું ગાય, ખેતી અને ઝેર-મુક્ત ખેતી વિષે વાત કરું છું” એમ કહીને આચાર્ય દેવવ્રત એમ કહે છે કે “ગાંધીજી જો આજે હયાત હોત તો તેઓ મને સૌથી વધુ આશીર્વાદ આપત.” ગાંધીજી જીવતા હોત તો તેઓ દેવવ્રતને આશીર્વાદ આપત એમ કહેવું એ તો માત્ર કલ્પના થઈ. અને તે જાતે જાતે પોતાની પ્રશંસા કરવા જેવી વાત થઈ. એને આત્મશ્લાઘા કહેવાય. વળી, બિલકુલ એવી વાત થઈ કે જ્યારે નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણી સમયે “મા ગંગાએ મને બોલાવ્યો છે” એમ કહેતા હતા. કોણ જોવા જાય છે કે ક્યારે મા ગંગાએ સાદ દીધેલો? એમ ગાંધીજી શું કરત એ તો ધારણા થઈ. સવાલ એ જ છે કે ગાંધીજી માત્ર એટલા માટે જ મહત્ત્વના છે કે તેમણે ગાયને આદર આપેલો? ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા માટે પોતાની આ લાયકાત છે એમ આચાર્ય દેવવ્રત કહેવા માગે છે. ગાંધીજીના કોઈ એક રચનાત્મક કાર્યક્રમને પણ આગળ ધરાવનાર વ્યક્તિ સારી વ્યક્તિ જ કહેવાય એમાં કોઈ શંકા નથી. પણ ગાંધીજી પોતાને સૌથી વધુ આશીર્વાદ આપત એમ કહેવું વધારે પડતું છે. જો કે, એ વાત સાચી કે, પોતાના હત્યારા નથુરામ ગોડસેના સમર્થકોના ખોળામાં બેસી જનારા પ્રાકૃતિક ખેતીના ચાહક અને ગોપાલક એવા ગુજરાતના રાજ્યપાલને “હે રામ” બોલીને મહાત્મા ગાંધી માફ તો કરે જ. એટલે અત્યારે ગૂજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ તેમના આકાઓના કહેવાથી પ્રાપ્ત કરવા બદલ મહાત્મા ગાંધી આચાર્ય દેવવ્રતને માફી બક્ષતા હશે એવી ધારણા અવશ્ય કરી શકાય. જો ગાંધી એમને માફ ના કરે તો મહાત્મા શાના?

(2) આચાર્ય દેવવ્રત દાવો કરે છે કે, “ગાંધી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણીધાનને અનુસર્યા હતા. હું સંપૂર્ણપણે તેમને અનુસરું છું (I follow this in totality).” અહીં “સંપૂર્ણપણે”(in totality) શબ્દ જરા વધારે પડતો લાગે છે. શું કદાચ દુનિયાના ઇતિહાસના સૌથી જુઠ્ઠા રાજકારણી નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની રાજ્યપાલ તરીકેની નિમણૂકને આચાર્ય દેવવ્રત આ રીતે વાજબી ઠેરવે છે? જો દેવવ્રત સત્યના આટલા બધા આગ્રહી જ હોય તો પછી અસત્યના કિલ્લા ચણનાર નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની નિમણૂક તેમણે સ્વીકારી કેમ? શું એમને નરેન્દ્ર મોદીની જુઠ્ઠાણાં ફેલાવવાની રીતરસમની જાણકારી નહોતી? શું એનો અર્થ એવો કરવાનો કે નરેન્દ્ર મોદીનાં અનેક જુઠ્ઠાણાં સાથે તેઓ સંમત છે? અથવા તો તેમને એ જુઠ્ઠાણાંની સામે કશો વાંધો જ નથી?

(3) “હું ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રભાવિત છું અને મારા ગુરુકુળમાં તેમને અનુસરું છું” એવો દાવો આચાર્ય  દેવવ્રત કરે છે. “મારું જીવનદર્શન એ જ છે” એવો પણ એમનો દાવો છે. એટલે માત્ર ગાય, પર્યાવરણનું રક્ષણ અને પ્રાકૃતિક ખેતી વગેરેમાં મહાત્મા ગાંધી સમાઈ જાય છે એમ આચાર્ય દેવવ્રતનું માનવું છે. ગાંધી એટલે અન્યાય સામેનો અવાજ, ગાંધી એટલે સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામી તેમ જ શોષણ સામેનો સત્યાગ્રહ અને ગાંધી એટલે શોષણમુક્ત અહિંસક સમાજની રચનાની દિશામાં લોકશાહી અને વ્યક્તિની સ્વતંત્રતા સાથે પ્રગતિ એવું કશું આચાર્ય દેવવ્રતને યાદ આવતું જ નથી એનું આશ્ચર્ય થાય છે. ગાંધીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક આચાર્ય દેવવ્રતે વાંચ્યું છે ખરું? તેમાં સ્વરાજ ફક્ત ગાય, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ એવી બાબતોમાં સમાઈ જતું નથી. એમાં તો “જણે જણે ભોગવવાનું સ્વરાજ” એટલે ખરું સ્વરાજ એવું ગાંધીએ લખ્યું છે. એમાં બેફામ અને નિરંકુશ રાજકીય સત્તા સામેની લડાઈ પણ આવે. એવી લડાઈ શું આચાર્ય દેવવ્રતને મંજૂર છે? આ મુલાકાતમાં એનો સહેજ પણ ફોડ પાડવામાં આવ્યો નથી.

(4) દેવવ્રતનું સપનું એ જ છે કે જે નરેન્દ્ર મોદીનું સપનું છે. “પ્રાકૃતિક ખેતી એક એવો વિકલ્પ છે કે જે ખેડૂતોની આવક બમણી કરવાનું વડા પ્રધાનનું સપનું સાકાર કરવામાં સહાય કરી શકે છે” એમ તેઓ આ મુલાકાતમાં કહે છે. વડા પ્રધાનનું સપનું સાકાર કરવાની આચાર્ય દેવવ્રતની ચિંતા સ્વાભાવિક છે કારણ કે તેમની પસંદગીથી જ તેઓ રાજ્યપાલ બન્યા છે. પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત નરેન્દ્ર મોદીએ 2016માં કરી હતી અને તેનું પાંચ વર્ષે શું થયું એના વિષેનું તેમનું સ્વમૂલ્યાંકન પણ આચાર્ય દેવવ્રત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી. એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ જેમ ગાંધીનાં ચશ્માં ઊંધા કરીને એમાં એક આંખે “સ્વચ્છ” અને બીજી આંખે “ભારત” લખીને ગાંધીની “સ્વચ્છ” “ભારત”માં ઇતિશ્રી કરી નાખી એમ આચાર્ય દેવવ્રત ગાય અને પ્રાકૃતિક ખેતીમાં ગાંધીને પૂરા કરી દે છે. આચાર્ય દેવવ્રતનું દિમાગ ચાલે તો તેઓ ગાંધીના ઊંધાં ચશ્માંમાં એક આંખમાં ગાય લખે અને બીજી આંખમાં પ્રાકૃતિક ખેતી! ઇતિ સિદ્ધમ્!

(5) “કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની મારી કદી ઈચ્છા નહોતી. એ મારી ઈચ્છા પણ નહોતી કે મારો એમાં રસ પણ નહોતો” એમ કહીને આ મુલાકાતમાં તેઓ વડા પ્રધાનનું નામ બે વાર તો લે જ છે. જો રાજકીય મંચનો ઉપયોગ કરવાની ઈચ્છા નહોતી તો રાજ્યપાલ બન્યા જ શું કરવા? રાજ્યપાલનો હોદ્દો એ રાજકીય મંચ જ છે. 

અને હા, દેવવ્રત એ મહાભારતના ભીષ્મનું એક બીજું નામ છે. દાદા ભીષ્મ ભરી સભામાં થયેલા પુત્રવધૂ દ્રૌપદીના ચીરહરણ સમયે હાથ જોડીને અને મૌન ધારણ કરીને બેસી રહેલા અને યુદ્ધમાં કૌરવોને સાથ આપેલો એમ મહર્ષિ વ્યાસ લખે છે અને એ સૌ જાણે છે. આચાર્ય દેવવ્રતનું મૂળ નામ તો કંઈક બીજું જ છે પણ તેમણે પોતે જ પોતાનું નામ ભીષ્મના નામ પરથી પાડેલું છે. દેશમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે અને ગાંધી મૂલ્યો સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયનું ચીરહરણ છડેચોક થઈ રહ્યું છે તેને વિષે દેવવ્રત નામધારી આ આધુનિક ભીષ્મને કશું કહેવાપણું નથી એનાથી તો ખરેખર આશ્ચર્ય થાય છે! જો કે, આ તો તદ્દન જુદી જ વાત થઈ. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ કદાચ એમ કહેશે કે આવા બધાં ગાંધી મૂલ્યોના મુદ્દાને અને આચાર્ય દેવવ્રત સાહેબની વિદ્યાપીઠના કુલપતિ તરીકેની નિમણૂકને શી લેવાદેવા?    

તા.21-10-2022
સૌજન્ય : હેમન્તકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોમવાર

બિલી કોલિન્સ - અનુવાદ : નંદિતા મુનિ|Poetry|21 October 2022

આજે ગુરુવાર છે, પણ કવિની દુનિયામાં કોઇ પણ વાર હોઈ શકે છે. આજે સોમવાર પણ હોય.

ગમતા કવિઓમાંના એક, અમેરિકન કવિ બિલી કોલિન્સના કાવ્યસંગ્રહ ‘The Trouble with Poetry and Other Poems’માંથી મેં કરેલો એક કાવ્યનો અનુવાદ અહીં ‘શેર’ કરવા માટે આ સારો વાર છે.

અને મારી પાસે એક બારી પણ છે.

•••

પક્ષીઓ પોતપોતાના વૃક્ષ પર છે.

ટોસ્ટ ટોસ્ટરની અંદર છે

અને કવિઓ પોતાની બારી પાસે.

પૃથ્વીની નારંગીની દરેક પેશી પર

કવિઓ બારી પાસે છે – 

ચંદ્ર સામે ઉદગ્રીવ દૃષ્ટિએ તાકતા ચીની કવિ, 

પ્રભાતની ગુલાબી અને નીલી કોર સામે જોઇ રહેલા અમેરિકન કવિ.

કારકુનો એમના ટેબલ પર છે.

ખાણિયા ઊંડી ખાણની અંદર –

અને કવિઓ બારી બહાર જોઈ રહ્યા છે – 

કદાચ એક સિગારેટ સાથે,

ચાના કપ સાથે –

કદાચ આ દૃશ્યમાં શામેલ છે

એક સૂતરાઉ પહેરણ

કે બાથરોબ.

પ્રૂફરીડરો જોડણી ચકાસવાની પિંગપોંગ રમી રહ્યા છે

આ પાનેથી પેલા પાને આવજા કરતી નજરે.

બાવરચી તરકારીના એકસરખા ટુકડા કરવામાં મગ્ન છે –

અને કવિઓ પોતાની બારી પર છે,

કારણ કે એ જ એમનો રોજગાર છે –

જેના માટે 

દર શુક્રવારે સાંજે 

એમને કોઇ જ પગાર નથી મળતો.

કઈ બારી, એ વાતનું ખાસ મહત્ત્વ નથી – 

જો કે ઘણાને એક પ્રિય બારી હોવાની –

પણ હંમેશાં બારીમાંથી કંઈક તો જોવા મળે જ છે –

પાતળી ડાળખીને પંજામાં જકડતું પંખી, 

ખૂણો વળીને આવતી ટેક્સીની બત્તીનો પ્રકાશ,

રસ્તો ઓળંગતા બે છોકરા, ઊનની ટોપી પહેરેલા.

માછીમારો હોડીની સાથેસાથે ડોલે છે.

લાઈનમેન થાંભલા પર ચડે છે.

નાઈ અરીસા અને ખુરશી પાસે રાહમાં છે.

અને કવિઓ પંખીની પરબની તડને 

કે પવનથી તૂટી પડેલી ડાળીને તાક્યા કરે છે.

એવું કહેવાની હવે જરૂર નથી લાગતી કે –

ભઠિયારા માટે ભઠ્ઠી જે છે

કે ડ્રાઈક્લીનર માટે ફળરસના ડાઘવાળું વસ્ત્ર જે છે –

કવિ માટે બારી એ જ છે.

જરા વિચારો –

બારીની શોધ પહેલાં

કવિએ કોટ અને ગરમ ટોપી ચડાવીને ઠંડીમાં બહાર નીકળવું પડત

અથવા ઘરે માત્ર ભીંત સામે તાક્યા કરવું પડત.

અને હું અહીં ભીંતની વાત કરું છું એનો અર્થ

પટ્ટાદાર વૉલપેપર, 

અને ગાયના મઢેલા ચિત્રથી સજાવેલી દીવાલ – એવો નથી.

હું વાત કરું છું

પથ્થરજડી ઠંડીગાર ભીંતની –

મધ્યકાલીન સૉનેટની ભીંત –

આદિમ સ્ત્રીના પાષાણહૃદયની –

એના કવિ-પ્રેમીના કંઠમાં ભરાઈ ગયેલા પથ્થરની.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસ બૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’, ‘ઓસ્કાર’ની મહોતાજ નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 October 2022

14 ઓક્ટોબરે ધીર મોમાયાનાં જુગાડ પ્રોડક્શનની ફિલ્મ ‘છેલ્લો શો’ ભારતમાં રિલીઝ થઈ. જોઈ. એ પહેલાં એ ટ્રાઇબેક ફિલ્મ ફેસ્ટિવલમાં 10 જૂન, 2021ને રોજ રજૂ થઈ ચૂકી છે. તેને પુરસ્કારો પણ મળ્યા છે. આ ફિલ્મ 1998માં આવેલી ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિસો’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ  ‘સરસ’, ‘બેસ્ટ’, ક્લાસિક’ જેવા ઘણાં પ્રમાણપત્રોથી આ ફિલ્મ મુઠ્ઠી ઊંચેરી છે. ફિલ્મ ‘ઓસ્કાર’ માટે મોકલાઈ છે એનો સહજ આનંદ દરેક ગુજરાતી અને ભારતીયને હોય જ. ઓસ્કાર મળે તો એ એવોર્ડ વધારે ઊજળો થશે, પણ ધારો કે નથી મળતો તો પણ, ‘છેલ્લો શો’ બધી રીતે ઉત્તમ ફિલ્મ છે. આમ તો ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં અતાલા ગામના વતની નલિન પંડ્યા ઉર્ફે પાન નલિનની, ભાવિન રબારી-સમય દ્વારા બતાવાતી, એમનાં બાળપણની અર્ધ આત્મકથનાત્મક ફિલ્મ છે, પણ એમાં ઘણાંનાં બાળપણનો પડઘો દેખાય એમ બને. એક ‘સમય’ હતો, જ્યારે વડીલો નાટક-સિનેમાને નફરતથી જોતા હતા. ફિલ્મમાં કામ કરનાર તો ખરાબ જ હોય, પણ એ જુએ તે પણ ખરાબ જ થઈ જાય એવી માન્યતાનો એ સમય હતો, એટલે જ કદાચ નાયકનું નામ પણ ફિલ્મમાં ‘સમય’ રખાયું છે. એ સમય દર્શાવવા જ ફિલ્મની શરૂઆતમાં પિતા (મિસ્ટર ત્રિવેદી – દીપેન રાવલ) સામે ચાલીને ચલાલાથી ટ્રેનમાં ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને બતાવવા લઈ જાય છે. તે એટલે કે એ ધાર્મિક ફિલ્મ હતી. તે સમયના વડીલોને ધાર્મિક ફિલ્મ જોવાનો બાધ ન હતો, પણ એ સિવાયની ફિલ્મોની તેમને સખત પરેજી હતી, તે ત્યાં સુધી કે છોકરો ‘એવી’ ફિલ્મ જુએ તો બગડી જાય. (ફિલ્મની પટ્ટી મોટી દેખાય એમ પડદા પર પાડવી, અરીસાથી સૂર્યપ્રકાશ પડદા સુધી પહોંચાડવો, ફિલ્મની પટ્ટી પરનાં પાત્રો પડદા પર ઓળખવા, ઘરનાં વડીલોનો ફિલ્મ અંગેનો આક્રોશ વેઠવો – આ બધું ઘણાં ઘરોમાં સામાન્ય હતું. આ જ હવામાન મારા ઘરનું પણ હતું. ધાર્મિક ફિલ્મ જોવા મારા બાપા અમને બધાંને લઈ જતાં. એમાં દેવી-દેવતાઓ આવતાં તો માથેથી કાળી ટોપી બે હાથમાં ઝાલીને નમસ્કાર પણ કરતા. એ પછી જો હું એકલો ફિલ્મ જોવા જતો, તો મને ચામડાના પટે પટે મારતા. એક ફિલ્મ જોઈને સુપર ટૉકિઝમાંથી નીકળ્યો, એ જ સમયે બાપાએ બસમાંથી પસાર થતાં મને જોઈ લીધો. પછી ઘરે આવીને ફટકારતા એમણે પૂછ્યું, ’કઇ ફિલ્મ હતી?’ મેં કહ્યું, ’મેરા કસૂર કયા હૈ?’ એ પછી વધારે માર્યો, ત્યારે સતત એક જ સવાલ થતો રહેલો, ’મેરા કસૂર કયા હૈ?’ પણ માર ખાઈને પણ ફિલ્મો જોવાનો ચડસ ઓછો ના થયેલો, તે ત્યાં સુધી કે ‘ગુજરાતમિત્ર’માં ‘ફિલ્મલોક’ નામની ફિલ્મોને લગતી કૉલમ પાંચ વર્ષ ચલાવેલી.)

ફિલ્મો ડિજિટલ બની, તે પહેલાં તેની કચકડાની રીલ આવતી. ફિલ્મની શરૂઆતમાં પ્રમાણપત્ર આવતું, જેમાં તેને અપાતાં સર્ટિફિકેટની તારીખ ઉપરાંત રીલની સંખ્યા કેટલી છે, તે જોવાનું પણ આકર્ષણ રહેતું. ‘છેલ્લો શો’ નવેક વર્ષનાં સમયની ‘ફિલ્મ જિજીવિષા’ની કથા છે. આમ તો સમય અને તેનાં મિત્રો સિંહની ટોળીમાંથી કયો ઊભો થશે એની શરતો મારે છે, દીવાસળીના ખોખાં પરનાં ચિત્રો પરથી વાર્તાઓ જોડે છે. આવાં નિર્દોષ બાળપણ વચ્ચે બાપુજીએ પહેલી વખત ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને નજીકનાં શહેરમાં લઈ જઈને બતાવી (લેખક-દિગ્દર્શક પાન નલિનનાં બાળપણની પણ એ જ પહેલી ફિલ્મ) ત્યારથી ફિલ્મનું સમયને ભારે ખેંચાણ ઉપડ્યું. પાછલી ભીંતનાં નાનકડાં બાકોરામાંથી પ્રકાશનો ધૂળિયો પટો સામેના પડદા પર પડે ને એમાંથી મહાકાળી પ્રગટ થાય તેનું ભયમિશ્રિત કુતૂહલ, સમયને સ્કૂલમાંથી ભાગીને ફિલ્મ જોવા ખેંચી લાવે છે, પણ રોજ તો તેને મફતમાં કોણ ફિલ્મ જોવા દે? એનો પણ એ તોડ કાઢે છે. માએ કરી આપેલો ‘ડબ્બો’ પ્રોજેકશનિસ્ટ ફઝલ(ભાવેશ શ્રીમાળી)ને આપે છે ને એ આંગળાં ચાટીને જમતો રહે છે ને બદલામાં પ્રોજેક્શન રૂમમાંથી સમયને ફિલ્મ જોવા દે છે.

લાલ કપડાથી બંધાયેલો આ ડબ્બો પણ એક પાત્ર છે. એમાં વેંગણનાં, ભીંડાનાં રવૈયાં, દાળ ઢોકળી, રોટલો, રોટલા પર ચમકતું લાલ મરચું, લીલી ડુંગળી વગેરે આવે છે. એ આવતું જ નથી, ઘરમાં બા (રિચા મીના) દ્વારા એ કેવી રીતે વટાય-કૂટાય – ભરાય છે તે પણ બતાવાય છે. પાતરાં ચોપડાતાં હોય, વેંગણનાં કાળા-જાંબલી રંગમાં હળદરિયો મસાલો ભરાતો હોય, નજીકમાં અનેક ખાનાઓમાં મસાલાઓ ભર્યા પડ્યા હોય – એ બધું પડદા પર પહેલી વાર આવ્યું છે. એ રીતે તો આ એક ‘મસાલા’ ફિલ્મ પણ છે. ફઝલ તેને ફિલ્મનાં અજવાળાં-અંધારાંની કમાલ સમજાવતાં કહે છે – ફિલ્મમાં બધું ખોટું છે. પ્રેક્ષક અડધો સમય તો થિયેટરમાં અંધારું જ જુએ છે. સમયને અંધારાં અજવાળાંની રમત સમજાવા લાગે છે. તે પ્રકાશ ‘ભણવા’ માંગે છે. પ્રકાશમાં જ વાર્તા બને ને વાર્તામાં જ ફિલ્મ – આટલું તે પામે છે. પડદા પર ફિલ્મ કેવી રીતે સજીવ થાય છે તે જોતાં – જાણતાં સમય માટે ફિલ્મ અનિવાર્ય થઈ પડે છે. વાર્તા કહેવાની રીત એટલે ફિલ્મ. આવું સમજાવતા જઈને દિગ્દર્શક (ફિલ્મમાં ‘દિગદર્શક’ લખાયું છે) ‘છેલ્લો શો’ની વાત પણ વિકસાવી લે છે.  ‘જોધા અક્બર’ની (ગીતોની) કોરિયોગ્રાફી ઉપરાંત અનેક ફિલ્મી કલાકારોની ફિલ્મ સમય જુએ છે ને પકડાય છે ત્યારે બાપના હાથનો માર પણ ખાય છે. તેણે ફિલ્મ બનાવવી જ નથી, ફિલ્મ ‘બનવું’ છે. તે અને તેના મિત્રો સમજે છે કે પ્રકાશ જ મૂળ સ્રોત છે. બાકોરામાંથી બહાર પડતાં પ્રકાશમાં ધરાતા પંજામાંથી ઊઠતો લાલાશ પડતો રંગ, ભરબપોરે સૂર્ય સામે ધરાતી હથેળીઓમાં વિસ્તરે છે ને એ શોધી લે છે કે સૂર્ય પણ બાકોરું જ છે ને એમાંથી પડતો પ્રકાશ પૃથ્વી પર આવે છે ત્યારે આકાશ, વાદળ, ખેતર, નદી વગેરે હાલતાં ચાલતાં દેખાય છે. સ્વપ્નિલ સોનવણેની સિનેમેટોગ્રાફીમાં ઘણું બધું સજીવ થઈ ઊઠે છે. (એ રીતે તો આ પૃથ્વીને પડદે પણ કોઈ વિરાટ ફિલ્મ જ ચાલે છે, એવું નહીં?)

ચલાલા રેલવે જંકશનની ચહેલપહેલ ને તે પછીની લીલીછમ શાંતિ ! એકાદ બે ગાડીઓ થોભે એ દરમિયાન સમય પ્લેટફોર્મ પર ચા, વેફર વેચે છે ને ગલ્લામાં પૈસા મૂકતી વખતે એકાદ નોટ સેરવી પણ લે છે.  ભણવા માટે ટ્રેનમાં શહેરનાં સ્ટેશને જાય છે ને ત્યાંથી ઊતરી સ્કૂલે પહોંચે તો છે, પણ ભણે છે ફિલ્મ ને તે ય પ્રોજેક્શન રૂમમાં. થિયેટર મેનેજર એ બધું પકડી પાડે છે ને ત્યાંથી તેને તગેડી મુકાય છે, પણ કચકડાની પટ્ટીનું ખેંચાણ એટલું તીવ્ર છે કે એક ભૂતિયા આવાસમાં ફિલ્મ કેવી રીતે બતાવી શકાય એની મથામણ ચાલે છે. ફિલ્મની પટ્ટી કેવી ને કેટલી ખસે તો પડદા પર હાલતી ચાલતી દેખાય એ માટેની કસરતો થાય છે. કોઈ સાઈકલની રિંગ શોધી કાઢે છે, કોઈ બોર્ડમાં ચોરસ બનાવી તેમાંથી પ્રકાશ પાડી ચકરડું ફેરવે છે, એ ફેરવવા સીવવાનું જૂનું મશીન કામમાં લેવાય છે ને એમ બિલકુલ ઘરેલું થિયેટર ઊભું કરાય છે. ફિલ્મ હાલતી તો થાય છે, પણ બોલતી થતી નથી. એ ભાષા આ ટોળી વિવિધ ધ્વનિથી ઉપજાવી લે છે. આ દરમિયાન એક શિક્ષક સમયનો ફિલ્મ બનવાનો ઉદ્યમ પારખે છે ને તે કહે છે – ભાગ અને ભણ. ફિલ્મને લગતી માહિતી સમય શોધતો રહે છે. ટ્રેનની બારીઓ બંધ કરીને નાનકડા છિદ્રમાંથી આવતો પ્રકાશ, બાટલીના કાચમાંથી પસાર થતાં ટ્રેનનાં લીલાં દૃશ્યો ને એની સાથે જ કુદરતી પ્રકાશમાં સરકતી લીલાશ, ટ્રેનના બલ્બ ચોરીને, એમાં પાણી ભરીને એનો ફિલ્મ લેન્સ તરીકે થતો ઉપયોગ … આ બધું જ સમયની શોધને આગળ વધારે છે ને એ સ્થિતિ આવે છે કે ફિલ્મી પ્રોજેક્ટર વગર પણ ફિલ્મની પટ્ટીમાંથી ફિલ્મ બતાવી શકાય ને કરુણતા એ છે કે પ્રોજેક્ટરનો વિકલ્પ ડિજિટલ ફિલ્મોમાં જડતાં પ્રોજેક્ટર, ફિલ્મનાં રીલ્સ, વન સ્ક્રીન થિયેટર … ફાજલ પડવા લાગે છે.

સમય બીજી રીતે પણ પરચો બતાવે છે. રેલવે બ્રોડગેજ થવાની છે ને ચલાલા સ્ટેશન પર હવે ટ્રેનો થોભવાની નથી, પસાર જ થવાની છે. આ સુધરેલા વિકાસમાં મિસ્ટર ત્રિવેદીનો ચાનો સ્ટોલ બંધ થવાની નોબત આવે છે. કમાલ એ છે કે રેલવે વિકસે છે ને કુટુંબો સંકોચાય છે. પ્રોજેકશનિસ્ટ ફઝલ, ફાજલ પડી જાય છે. ફિલ્મની રીલ્સની આ ટોળકી ચોરીઓ કરતી હતી ને એ ચોરી પકડાઈ જતાં ટોળીએ જેલની હવા ખાવી પડે છે. ફિલ્મની ચોરી બહુ કળાત્મક રીતે પકડાય છે. ચોરીને લવાતું રીલ હાથમાંથી છટકીને ગબડવા લાગે છે ને રીલની ચોરીની તપાસ કરતાં પોલીસોના પગમાં આવીને પડે છે. રીલની પેટીની પેટીઓ નકામી થઈ જાય છે. પ્રોજેક્ટરોની ધાતુઓ યંત્રોમાં કચડાઈને ધગધગતો સોનેરી રસ બને છે ને જે તે ધાતુના ચમચા ખણખણવા લાગે છે. એક દૃશ્ય કચકડાની પટ્ટીઓનું એવું ફિલ્માવાયું છે કે ઊંચેથી જુઓ તો નીચે લાખો કાળા નાગ એક્બીજામાં ગૂંથાતાં લાગે. નીચે એટલાં બધાં ગૂંચળાં છે કે એનો છેડો ના જડે. સમયને વૈચારિક રીતે એમાં ઉપરથી નીચે કૂદતો બતાવાયો છે. સમયની તો એ કચકડામાં થતી આત્મહત્યા જ છે. કારણ એ પછી ફિલ્મની પટ્ટીઓ નથી રહેતી. એ પણ મશીનોમાં પ્રોસેસ થઈને, ચમકતાં રંગોની, જુદાં જુદાં માપની, જુદાં જુદાં ખોખાંઓમાં ગોઠવાયેલી બંગડીઓ થઈ ઊઠે છે. એમાં કોઈ બચ્ચન છે, કોઈ સલમાન છે, કોઈ શાહરુખ છે, કોઈ રજનીકાંત છે … આખું ફિલ્મી કચકડું બંગડીઓમાં વર્તુળાઈ ગયું !

વિકાસ જૂનાનો થતો નથી, જૂનું કચડાય છે, તૂટે છે ને નવું સર્જાય છે. પણ બધું નવું સર્જાવાને લાયક નથી, એમ જ બધું જૂનું બદલાવાને લાયક પણ નથી. છતાં બધું બદલાઈને જ રહે છે. સમય પણ નીકળે છે વડોદરા જવા. જે પિતાને સમયના ફિલ્મી અભરખા માન્ય ન હતા, એ પિતાને પ્રતીતિ થઈ જાય છે કે ફિલ્મ સમયનો જીવ છે ને એ સામેથી તેને ગમતું કરવાની અનુકૂળતા કરી આપે છે. છેલ્લું દૃશ્ય છે, સમયની વિદાયનું. બહુ સૂચક છે આ દૃશ્ય. ગાડી ચાલુ થઈ ગઈ છે, માબાપ, બહેન, સ્ટેશને મૂકવાં આવ્યાં છે. ગાડી નીકળે છે ને છેલ્લો ડબ્બો હાથમાં આવે છે. ગામ છૂટતું જાય છે. ગામ જ નથી છૂટતું, ગામઠી બાળપણ પણ છૂટે છે, એ ફિલ્મી ટોળી છૂટે છે જે ફિલ્મને લીધે હતી, પણ ‘ફિલ્મી’ ન હતી, ફઝલ પણ સ્ટેશને નોકરીએ  લાગ્યો છે, એ પણ વિદાય આપવા આવ્યો છે, પ્રકૃતિ છૂટે છે ને ફિલ્મ પૂરી થાય છે. પછી એકદમ ફિલ્મી પટ્ટી ગૂંચવાઈ ગઈ હોય તેમ અજવાળું થઈ જાય છે ને જાણે સેલ્યુલોઇડ પટ્ટી હવે ન સંધાવાની હોય તેમ ફિલ્મ પૂરી થાય છે. હવે ફિલ્મની પટ્ટીઓ નહીં હોય એ રીતે પણ એ ‘છેલ્લો શો’ બની રહે છે …

દિગ્દર્શન, સંગીત, અભિનય વગેરે એટલું બધું સંયત છે કે કશું કોઈ પર હાવિ થતું નથી. ફિલ્મ બનાવવાની કે બતાવવાની કોઈ આંજી નાખતી સભાનતા ફિલ્મમાં નથી. ઘણું બધું એવું છે જે આ ફિલ્મમાં વિષય અને રજૂઆતની રીતે પહેલીવાર આવ્યું છે. એ આ ફિલ્મને વિશિષ્ટ બનાવે છે. ફિલ્મ એટલી સહજ રીતે આગળ વધે છે કે તેની સાધારણ ગતિ જ તેને અસાધારણ બનાવે છે. પાત્રોને અને પ્રેક્ષકોને રડવું પણ એવી રીતે આવે છે કે જાણે આવ્યું જ ન હોય. ફિલ્મમાં એક સીદી બાળ પાત્ર બધાંની વચમાં બેઠું છે. ક્લોઝ અપમાં એનો ચહેરો છે. આંખથી રેલો ઊતરીને અટકી ગયો છે ને એને એની પરવા જ નથી. એને લૂંછવાનો ખ્યાલ પણ નથી એની પાસે. આવી નિર્દોષ ને સાહજિક ફિલ્મ છે, ‘છેલ્લો શો.’

કમ સે કમ આ ફિલ્મનો કોઈ શો ‘છેલ્લો શો’ ન બની રહે એટલી ચિંતા તો પ્રેક્ષકોએ કરવાની રહે જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑક્ટોબર 2022

Loading

...102030...1,2171,2181,2191,220...1,2301,2401,250...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved