Opinion Magazine
Number of visits: 9568697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ

આરાધના ભટ્ટ|Diaspora - Features|30 January 2023

નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર.

ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર વસાહતીઓને કારણે ભારતીયોને વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. છતાં, પૂર્વભૂમિકા તરીકે કેટલીક પાયાની વિગતો પહેલાં રજૂ કરું છું.

૨૦૨૧માં થયેલી જનગણના પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૮ લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. એ લોકોની મધ્યક વય ૩૫ વર્ષની છે, જ્યારે મૂળ ઓસ્ટ્રેલિયાના લોકોની મધ્યક વય ૩૮ વર્ષ છે. ઇટલીમાં મૂળ ધરાવતા લોકોની મધ્યક વય ૭૨ વર્ષની છે, વિયેતનામના મૂળ લોકોની ૪૭ વર્ષ છે. આમ ભારતીય મૂળના વસાહતીઓ મોટેભાગે યુવાન વયે અહીં આવીને સ્થિર થાય છે, જે પૈકી ૬૪ ટકા લોકો પાસે સ્નાતક પદવી છે. ઓસ્ટ્રેલિયાની મૂળ પ્રજા પૈકી ૨૪ ટકા લોકો સ્નાતક પદવીધારી છે. ચીનના લોકોને પાછળ મૂકીને હવે ભારતથી આવતા વસાહતીઓ સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમાંકે છે, પહેલા સ્થાને બ્રિટનના વસાહતીઓ છે. હિંદુ ધર્મ પાળનારની સંખ્યા અહીં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

૧૯૭૩માં વ્હીટલમ સરકારે ‘વ્હાઈટ ઓસ્ટ્રેલિયા’ નીતિ દૂર કરી ત્યાર પછી ભારતીય લોકોનું  દેશાંતર અહીં શરૂ થયું. પહેલાં મોટે પાયે શિક્ષકો, ઈજનેરો અને તબીબો આવ્યા અને ૧૯૯૦થી મોટી સંખ્યામાં અન્ય તજ્જ્ઞ વ્યવસાયાર્થીઓને સરકારે કાયમી નિવાસ માટે વિઝા આપવા શરૂ કર્યા. પછી વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓમાં અભ્યાસાર્થે આવવા શરૂ થયા, જે પૈકી ઘણાનો ઉદ્દેશ અહીં સ્થિર થવાનો રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા વડા પ્રધાન જુલિયા ગીલાર્ડે ૨૦૧૨માં ભારતને શાંતિમય ઉપયોગ માટે યુરેનિયમ વેચવાના કરાર કર્યા અને ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ વર્ષમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેનાર પ્રથમ વડા પ્રધાન બન્યા. ભારતીય બજારના ગંજાવર કદથી આકર્ષાયેલી ઓસ્ટ્રેલિયાની સરકારોએ છેલ્લાં થોડાં વર્ષથી ભારત સાથે મીઠા સંબંધો ઊભા કરીને જાળવવાની ભારે જહેમત લીધી છે. સાથેસાથે અહીંનો ભારતીય ડાયસ્પોરા હવે એક નોંધપાત્ર વોટ-બેંક બની રહ્યો હોવાથી રાજકીય નેતાઓ આપણી પ્રજાને જુદીજુદી રીતે રાજી કરવા પ્રયત્નશીલ છે. ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓને તગડી કમાણી કરાવી આપે છે. ૨૦૨૨ની સંસદીય ચૂંટણીમાં બધા રાજકીય પક્ષોના નેતાઓ મંદિર-મસ્જિદ-ગુરુદ્બરાઓની મુલાકાતે જઈ ફૂલ-હાર અને ભગવા ખેસ ઓઢીને ફોટા પડાવતા જોવા મળ્યા. તેમ છતાં અહીંના રાજકારણમાં ભારતીય મૂળના લોકોની સક્રિય ભૂમિકા હજુ સુધી નહીંવત રહી છે. મે ૨૦૨૨ની ચૂંટણીમાં ભારતીય મૂળના ૨૫ વ્યક્તિઓએ સંસદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી એક મહિલા ઉમેદવાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની એક બેઠક પર વિજયી નીવડ્યાં.

જો કે ઓસ્ટ્રેલિયાના તંત્રમાં હજુ ભારત અને ભારતીયતા વિશેની સાચી સમજણનો અભાવ વર્તાય છે. દિવાળી, તહેવારો, મેળાઓ તેમ જ ત્રણ ક, અર્થાત્‌ ક્રિકેટ, કરી, અને કોમનવેલ્થથી આગળ અહીંનું તંત્ર વિચારતું હોય એમ જણાતું નથી. તે સિવાય ભારતના વસાહતીઓએ હવે અહીં ઠેરઠેર મંદિરો, ગુરુદ્વારા, કરિયાણાની દુકાનો, હોટેલ-રેસ્ટોરાં, ફરસાણ-મીઠાઈની દુકાનો અને કપડાંની દુકાનો તથા અનેક જાતના મંડળોની સ્થાપના કરી છે. આ છે આજનું ઓસ્ટ્રેલિયા!

હવે સમયના ચક્રને ૩૫ વર્ષ ઊંધું ઘૂમાવીએ અને જઈએ ૧૯૮૫માં. એ સમયે નવપરિણિત હું મારા પાકીટમાં ૫૦ અમેરિકી ડોલર અને એક કપડાંની બેગ લઈને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મૂકું છું, જ્યાં પતિ સિવાય હું કોઈને ઓળખતી નથી. એ એવો સમય છે જ્યારે ‘હું ઓસ્ટ્રેલિયા જાઉં છું’ એવું ભારતમાં કોઈને કહીએ તો એમને અચરજ થતું. પહેલી વખત ઓસ્ટ્રેલિયાથી ભારતની મુલાકાત લીધી હતી ત્યારે કોઈકે પૂછેલું ‘ત્યાં તમને રસ્તા પર કાંગારુ જોવા મળે?’ અને સિડનીમાં હાઈસ્કૂલમાં ભણાવતી ત્યારે એક વિદ્યાર્થીએ પૂછેલું ‘મિસ, તમે ભારતમાં હાથીએ ચડીને સ્કૂલે જતાં?’

ઓસ્ટ્રેલિયા આવતાં શરૂ થાય છે પડકારો, સંઘર્ષો અને નવું શીખવાનો નિત્યક્રમ. મુંબઈથી સિડની આવતી વખતે નોન-સ્ટોપ વિમાનમાં નોન-સ્ટોપ આવતી માંસાહારની ગંધથી મન વિચારે ચડેલું કે જ્યાં જાઉં છું એ આખા દેશમાં શું આવી ગંધ હશે? ત્યાર બાદ – અહીં આવીને કરવું શું? કોઈ નક્કર દિશા પકડાય તે પહેલાં માત્ર અનુભવ ખાતર કંઇક કામ કરવું, એ હેતુથી જે જાહેરાત દેખાય એમાં નોકરીની અરજીઓ કરવા માંડી. પોસ્ટલ ખાતાથી લઈને બેંકમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા અને લેખિત પરીક્ષાઓ આપી. એ દરમ્યાન પહેલી વખત એ જાણવા મળ્યું કે કોઈ નોકરી માટે કોઈક પાસે વધુ પડતી ડિગ્રીઓ પણ હોઈ શકે. આપણે તો ગૌરવભેર બધા પ્રમાણપત્રોની ફાઈલ લઈને ઇન્ટરવ્યુ માટે જઈએ. ક્યાંયથી નોકરીની ઓફર આવે નહીં, નાસીપાસ થઇ જવાય. એક બેંકના ઇન્ટરવ્યુના અંતે ઇન્ટરવ્યુ લેનાર એક મહિલાએ સમજાવ્યું કે અહીં બેંકની આ પ્રકારની નોકરી માટે માત્ર ૧૨ ધોરણ પાસ હોય એવા કર્મચારીઓની જરૂર છે, તમને અમે નોકરી ન આપી શકીએ કારણ કે તમારી પાસે ઘણી ડિગ્રીઓ છે અને તમને નોકરી આપીએ તો અમારે તમને ઘણો વધુ પગાર આપવો પડે!

પછી શરૂ થયો યુનિવર્સિટી ઓફ સિડનીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો એક વર્ષનો અભ્યાસ. ભારતમાં એમ.એ., એમ.ફિલની પદવીઓ, ગોલ્ડ મેડલ સાથે અધ્યાપકની નોકરી સામેથી મળેલી અને અહીં આવીને શાળાના શિક્ષક થવાના વિચારે પહેલાં તો સહેજ ખંચકાટ થયો હતો. પણ યુનિવર્સિટીના એ વર્ષ દરમ્યાન અભ્યાસક્રમના વિષયો કરતાં અહીંના સમાજ વિશે મને વધુ શીખવા મળ્યું. યુનિવર્સિટીમાં પહેલો પડકાર હતો મારા નામનો. કોઈ મને આરા-ડાના કહે, તો કોઈ આરા-ડેના, કોઈ વળી અરાડ-હાના કહીને બોલાવે. પણ ક્લાસમાં જ્યારે એક પ્રાધ્યાપિકાએ હાજરી પૂરતી વખતે પહેલા બે-ત્રણ અઠવાડિયા સુધી મારું નામ ‘એડ્રીયાના’ ઉચ્ચાર્યું ત્યારે ક્લાસમાં હું હાજર હોવા છતાં એ ત્રણ અઠવાડિયા સુધી મારી ગેરહાજરી પૂરાઈ, કારણ કે એ મારું નામ બોલે છે એની મને ખબર જ ન પડી! અહીં જીવાતા જીવનની આ પાઠશાળામાં ભણી મેં અહીંની મુખ્ય ધારાની હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષકની નોકરી સ્વીકારી. પણ મારી ભારતીયતાએ મને આ ક્ષેત્રે ઝાઝું ટકવા ન દીધી. રોજેરોજ ટીનએજર્સ સાથે કામ કરવામાં આ સમાજના કેટલાક બહુ મોટા પ્રશ્નોનો સામનો મારે કરવાનો આવ્યો, જેને માટે હું એ સમયે મારી વય અને આ સંસ્કૃતિના મારા અલ્પ પરિચયને કારણે સજ્જ નહીં હોઉં તેથી મને એનો સદમો પહોંચતો.

વળી એ દિવસો મારે માટે તીવ્ર ઘરઝૂરાપાના દિવસો હતા. મારાં મૂળિયાં નવસારી નામના નાના ગામમાં. ત્યાં મમ્મી-પપ્પા સાથે વાત કરવી હોય તો ક્યારેક બે-ત્રણ દિવસે ફોન લાગે, ઓપરેટર મારફત મુંબઈ થઈને કોલ લગાડવા પડે. અને વળી કોલ મોંઘા પણ ખરા. એટલે જે વાત કરવી હોય એ ત્રણ મિનિટમાં કરવાની.

એ સમયે અહીં ભારતીય સમુદાય ખૂબ નાનો, એમાં ય વળી આપણી ભાષા બોલનાર કોઈક મળે તો તો કોઈ અંગત સ્વજન મળ્યું એવું લાગતું. સમાજ નાનો હતો એટલે અમારે માટે બિનભારતીય સમુદાયો સાથે મૈત્રી કરવી સહજ હતી. એ રીતે અહીંના બહુભાષી અને બહુસાંસ્કૃતિક સમાજ સાથે નાતો થયો, મનોજગત વિશાળ બનતું ગયું. દેશ-દેશાવરથી આવેલાં લોકો, મૂળ ઓસ્ટ્રેલિયામાં વસતાં લોકો, એમની ભાતીગળ પરંપરાઓ, એમની સમાજ રચના અને વિચાર પદ્ધતિ વગેરેનો પરિચય ખૂબ નજીકથી, ફર્સ્ટ હેન્ડ થયો અને આપણે મનમાં રચેલ ઘણી બધી રૂઢિબદ્ધ પૂર્વધારણાઓ – સ્ટીરિયોટાઈપ સાવ બિનપાયાદાર જણાવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અહીં કોઈ ભારતીય સંસ્થાનું કે મંડળનું અસ્તિત્વ નહોતું. એથી કોઈ કાર્યક્રમનું આયોજન નહોતું થતું, સંગીત સાથેનો મારો સંબંધ એ દિવસોમાં માત્ર ઘરમાં રિયાજ કરવા જેટલો હતો. વર્ષો જતાં એ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, અને મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું, તેમ ગુજરાતી ભાષાના વર્ગો પણ શરૂ કર્યા. આજે હવે અહીં અસંખ્ય મંડળો અને સંસ્થાઓ કાર્યરત છે અને ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષાના વર્ગો પણ ચાલે છે.

સંતાનોના જન્મ અને ઉછેરનાં વર્ષોની વાત કરું. વૃક્ષની શાખાઓ વિસ્તરે એમ એનાં મૂળ જમીનમાં સજજડ થાય એ ન્યાયે એ સમયગાળામાં મને અહીંનું વાતાવરણ પોતીકું લાગવા માંડ્યું. સંતાનોના વિકાસ માટે બંને ભાષાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય, એમને બંને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વોનો પરિચય કેવી રીતે થાય એ બધા માટે સજાગપણે વિચાર કરવો જરૂરી બન્યો. એ દરમ્યાન શિક્ષકનો વ્યવસાય બાજુએ મૂકાયો અને પતિના તબિબી વ્યવસાયમાં મેનેજમેન્ટનું કામ સ્વીકાર્યું. એમાં આજ પર્યંત હું સક્રિય છું, અલબત્ત, હવે ખંડ સમયના કર્મચારી તરીકે.

પછી જીવન મને લઇ ગયું રેડિયો તરફ અને છેલ્લાં ૨૫ વર્ષ રેડિયો મારા વિચારોનું અને કાર્યોનું કેન્દ્રબિંદુ રહ્યો. પહેલાં દસ વર્ષ અહીંની સરકારી પ્રસારણ સેવા ઉપર પાર્ટ-ટાઈમ કામ કર્યા પછી સ્વતંત્રપણે ગુજરાતી રેડિયો સેવા શરૂ કરવાની હામ ભીડી એનું મુખ્ય કારણ એ હતું કે ઓસ્ટ્રેલિયાના ગુજરાતીભાષી સમુદાયને એમની ભાષા અને સંસ્કારિતા સાથે સાંકળી આપતી અન્ય કોઈ પ્રસારણ સેવા કે એવી કોઈ કડી નજરે પડતી ન હતી. ‘સૂર-સંવાદ ગુજરાતી રેડિયો’ના નામથી ચાલતી એ સેવાનો એક હેતુ એ પણ હતો કે વાંચન વિમુખ થઇ રહેલી એન.આર.આઈ. ગુજરાતીઓની પહેલી પેઢીને અને ગુજરાતી ભાષાના લેખન-વાંચન સુધી નહીં પહોંચતી એ ગુજરાતીઓનાં અહીં જન્મતાં સંતાનોની પેઢીને શ્રાવ્ય સ્વરૂપે ગુજરાતી પીરસવું. રેડિયોનું જીવંત પ્રસારણ સિડનીના એફ.એમ. બેન્ડ દ્વારા અને એનું પોડકાસ્ટ રેડિયોની વેબસાઈટ દ્વારા થતું હોઈ શ્રોતાવર્ગ વૈશ્વિક બન્યો અને દેશ-વિદેશથી પ્રતિભાવો આવવા લાગ્યા. રેડિયોની આ યાત્રામાં કેટલાંક હોંશિલાં અને કટિબદ્ધ યુવાનો અને યુવતીઓ જોડાયાં અને અમારો પંચ-છ પ્રસારણકર્મીઓનો મજાનો પરિવાર રચાઈ ગયો. રેડિયોના મારા પ્રસારણ દ્વારા હું પોતે એક જુદી રીતે દેશ સાથે અને ભાષા સાથે સંકળાઈ ગઈ. ગુજરાતના અને ભારતના સામાજિક તેમ જ સાહિત્ય-સંગીત-કલાઓને લગતા સાંપ્રત પ્રવાહો સાથે મારું જોડાણ થયું અને એમાં ટેકનોલોજીએ ખૂબ મોટો ફાળો આપ્યો. ટેલીફોન માર્ગે અને સોશિયલ મીડિયા દ્વારા અનેક એવાં વ્યક્ત્તિત્વો સાથે સંપર્કમાં આવવાનું થયું અને રેડિયો માટે વાર્તાલાપો થવા માંડ્યા, જેમનાથી હું પ્રભાવિત અને પ્રેરિત થઇ. સાથે જ વાંચન, લેખન અને સર્જનાત્મકતાને વેગ મળ્યો. આ સમય અંગતપણે મારે માટે સેલ્ફ-ડીસ્કવરીનો સમય બન્યો, એ મારે માટે રેડિયોની સૌથી મોટી અંગત ઉપલબ્ધિ છે.

રેડિયોએ મને લેખન તરફ વાળી અને મારી મુલાકાતો અને એ ઉપરાંત મારા લેખો નિયમિતપણે ભારતીય વિદ્યાભવન પ્રકાશિત સામયિક ‘નવનીત-સમર્પણ’માં પ્રકાશિત થતા આવ્યા છે. રેડિયો પર થયેલી મુલાકાતોને મુદ્રિત સ્વરૂપે સંચયિત કરીને આપણા સંસ્કારજગતનાં નામાંકિત વ્યક્તિઓનો એક દસ્તાવેજ રચવાના હેતુથી મુલાકાતોનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં, જે પૈકી પહેલાં ત્રણ પુસ્તકો નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત છે અને ચોથું પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું. આ ચાર પુસ્તકો એટલે ‘સુરીલા સંવાદ : નામાંકિત ગુજરાતીઓ સાથેના વાર્તાલાપો’ ભાગ ૧,૨,૩ અને એ સિવાય ‘પ્રવાસિની : દેશાંતરિત નારીઓ સાથેના સંવાદો’. ડાયસ્પોરા સાહિત્યનું પુસ્તક ‘પ્રવાસિની’ એ ગુજરાતી મૂળની દુનિયાના જુદેજુદે ખૂણે વસતી નારીઓએ દેશાંતર વિશે આપેલા પ્રતિભાવોનો આલેખ છે. આ પુસ્તક પર કામ કરતાં કરતાં મારી અંદર વણખેડાયેલા કેટલાક પ્રદેશો મેં ખેડ્યા અને એ રીતે હું અંગતપણે વધુ સજ્જ અને સમૃદ્ધ બની એમ કહી શકું.

સૂર-સંવાદ રેડિયોને પંદર વર્ષનાં વહાણાં જોતજોતામાં વાયાં એ દરમ્યાન રેડિયોના પ્લેટફોર્મ થકી સિડનીમાં ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી નાટ્યપ્રયોગો અને નૃત્યના કાર્યક્રમોનાં આયોજનો થયાં, જેમાં ભારતથી આમંત્રિત કલાકારો અને સાહિત્યકારો તેમ જ સ્થાનિક કલાકારોને અહીંના સમુદાય સમક્ષ રજૂ કરવાની તકો પણ આવી.

રેડિયોની પંદર વર્ષની આવી સભર અવિરામ યાત્રા પછી સૂર સંવાદ રેડિયો હાલ વિરામ લઇ રહ્યો છે. કોઈક નવા સ્વરૂપે, કોઈક નવા નામે અને સરનામે ફરી કાર્યરત થવું એવા ખ્યાલમાં હાલ સ્થિર છું.

૩૫ વર્ષના ઓસ્ટ્રેલિયા નિવાસ દરમ્યાન વારંવાર identity – ઓળખ અને loyalty – વફાદારી વિશે પ્રશ્નો પૂછયા છે. જાત સાથે એ વિષયમાં પ્રશ્નોત્તરી કરીને અંતરખોજ કરી છે. એ બધાને અંતે જે નવનીત નીપજ્યું છે તે આ છે – ન ઘરના અને ન ઘાટના હોવાનો ભાવ કદી નથી થતો, કારણ કે મૂળિયાં ખૂબ સજ્જડ છે. ભારત મારે માટે ભૂગોળના નકશામાં કેદ એક જમીનનો ટૂકડો નહીં, પણ એક આદર્શ છે. જે ભારત માટે મને વતન ઝૂરાપો છે, એ સ્વરૂપે ભારત કદાચ મારા અંતરમાં વધુ છે એવું ભારતની વારંવાર થતી મુલાકાતો પરથી જણાય છે. એટલે ‘મારું ઘર કયું’? એવો પ્રશ્ન થાય ત્યારે મારો જવાબ આ હોય છે – ‘મારું ઘર મારી અંદર છે, જ્યાં જાઉં ત્યાં હું મારું ઘર વસાવી દઉં છું’. 

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના “હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ” અંતર્ગત, શનિવાર, 07 જાન્યુઆરી 2023ના દિવસે વર્ચ્યુઅલ બેઠકમાં અપાયેલો વાર્તાલાપ]

કડી : http://glauk.org/programmes/aradhana-bhatt-january-2023/

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

તાલ

બીજલ જગડ|Poetry|30 January 2023

એક લહર એકતારો, બે કાંઠા કરતાલ,

જલબિંદુ મંજીરાં ને મીરા દેતી તાલ.

પાંદડે શોધું લીલીછમ દરિયાની રાણી,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

તરસ કેરા તીરથી, ઘાયલ ભીના સમુદ્ર,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

પ્યાસી નજરુંની આંખે બાંધી રાત,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

રંગદર્શી માહોલ, કંદિલથી લઈ ઉજાસ,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

શંખ ઘંટ, ક્યાંક પખવાજ પણ બાજે,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

વાંસળીના સૂર સમા મીરાંના શ્વાસ,

જલબિંદુ મંજીરાં ને મીરાં દેતી તાલ.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હોવા ઉપરાંત વિશ્વપિતા પણ છે…  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 January 2023

રવીન્દ્ર પારેખ

આજે ગાંધી નિર્વાણ દિન ! 30 જાન્યુઆરી, 1948 ને આજે 75 વર્ષ થયાં. મૃત્યુનું આ ‘અ-મૃતવર્ષ’ ! આમ તો કોઈ, કોઈના ટેકે લાંબું ટકતું નથી, એ જ રીતે કોઈ લીટી ભૂંસવા મથે તો તેથી એવું કરનારનો વ્યાયામ વધે, બાકી સૂર્ય ઢાંકો તો ય ફરી ઊગે તો છે જ ! ગાંધીનું એવું છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે વધારે સજીવ થાય છે, કારણ હત્યા વ્યક્તિની થાય છે, વિચારોની નહીં ! જો કે, હવે તો વિચારોની હત્યાની ટેકનોલોજી પણ કામે લાગી છે એટલે ગાંધી કેટલું ટકશે તે નથી ખબર. ગાંધીએ ભક્ત મંડળી નથી બનાવી, કોઈ પક્ષ નથી સ્થાપ્યો, કોઈ મંત્રીપદ નથી સ્વીકાર્યું, બલકે, જે કાઁગ્રેસ સ્વાતંત્ર્ય મેળવવામાં અગ્રેસર રહી, એ જ કાઁગ્રેસને વિખેરી નાખવાની વાત કરી. પોતે કોઈ ચૂંટણી ન લડ્યા, રમતો ન કરી, રેલી-રેલા ન કાઢ્યાં, કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો, તો એ ન ટકે એમ બને. જો કે, મર્યા પછી પણ 75 વર્ષ જીવવું સહેલું નથી.

અંગત રીતે કહું તો હું ગાંધીનો ભક્ત નથી. ગાંધીવાદી નથી. એટલું છે કે ગાંધી વિચારોને જાણવા-સમજવા મથું છું. ક્યારેક એ પહોંચની બહાર છે, પણ વિશ્વાસ કરવા જેવો એ એક જ જીવ બચ્યો છે, મારા જેવા માટે. ગાંધી સાથે મતભેદ પણ છે. એમના બ્રહ્મચર્યની ચકાસણીના પ્રયોગો ને ઉપદેશો મારે ગળે નથી ઊતર્યા, પોતાની વાત મનાવવા એમણે વાપરેલું ઉપવાસનું શસ્ત્ર પણ મને તો ‘વાણિયાગીરી’ જ લાગ્યું છે. એ શસ્ત્રનો હવે થતો ઉપયોગ સત્યથી વિપરીત હેતુઓ સિદ્ધ કરવા થાય છે તે પણ ખરું. અહિંસાનું વળગણ એમને બીજા એક મોહન(કૃષ્ણ)થી હોય એમ બને. મોહને (કૃષ્ણે) મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી તેનો સીધો પડઘો આ મોહનદાસમાં પડે છે. શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા છતાં, સારથિપણું છોડીને, કૃષ્ણ રથચક્ર લઈને ભીષ્મ સામે ધસી તો જાય જ છે. આવો અહિંસક, આટલો હિંસક તો બને જ છે. એ ઉપરાંત કુરુક્ષેત્રનાં મેદાનમાં જ અર્જુન યુદ્ધ ન લડવા શસ્ત્રો હેઠાં મૂકે છે તો આ જ કૃષ્ણ અર્જુનને શસ્ત્ર ઉપાડવા ગીતા પ્રબોધે છે, એ વાત પણ ગાંધીનાં ધ્યાન બહાર નહીં જ હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે જડતાની હદે અહિંસા ને બ્રહ્મચર્યનો ઉપદેશ જીરવવાનું અઘરું છે.

આજે ઘણી રીતે ગાંધી આઉટડેટેડ લાગે, પણ એનો જેટલો લાભ કાઁગ્રેસી નેતાઓએ લીધો છે તે ભૂલી શકાય એમ નથી. એમની ખાદીએ ગાદીની કેટલી તકો પૂરી પાડી એ કહેવાની જરૂર છે? જે ગાંધી માર્ગે હવે કોઈ ચાલતું નથી, એ ગાંધી માર્ગો તો વિશ્વ સુધી વિસ્તર્યા છે. અહીં ગાંધીની મૂર્તિનું ખંડન થાય છે, તો વિશ્વમાં તેની પ્રતિમાઓનો ને તેનાં સિદ્ધાંતોનો મહિમા થાય છે. ગાંધીને કોઈ ચંદ્રક, પુરસ્કાર કે એવોર્ડ નથી મળ્યા, પણ એને નામે વૈશ્વિક પુરસ્કારો અપાય છે. ભારત સરકાર દ્વારા 1995થી ગાંધી શાંતિ પુરસ્કાર શરૂ થયો ને તે મેળવનાર બાબા આમ્ટે પહેલાં ભારતીય વ્યક્તિ હતા, તો શેખ મુજીબુર રહેમાન સહિત ઘણા વિદેશી મહાનુભાવોને પણ ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો છે. એ ખરું કે ગાંધીજીને શાંતિ નોબેલ પુરસ્કાર નથી મળ્યો, તેમને 1948માં તે મળે તેમ હતું, પણ તેમની હત્યા થઈ ને એ વર્ષે કોઈ જીવંત લાયક વ્યક્તિ ન જણાતાં પુરસ્કાર કોઈને જ ન અપાયો, પણ પછી 1964માં ગાંધીજીને પગલે અહિંસક ચળવળ ચલાવનાર અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત થયો. એ જ રીતે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા પણ ગાંધીજીના જીવનથી પ્રેરિત હતા ને એમને પણ 1993નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો. પોતાને ગાંધીની સાથે સરખાવનારને મંડેલાએ કહ્યું છે કે મને એટલા માટે ગાંધી સાથે ન સરખાવો કે ગાંધીજી જેટલો સમર્પણભાવ કે વિનમ્રતા આપણામાંના કોઈમાં નથી. જે અંગ્રેજોએ ગાંધીને જેલવાસ આપ્યો એ જ અંગ્રેજી પ્રજાના વડા પ્રધાન હેરલ્ડ વિલ્સન 1968માં મધ્ય લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરે છે. પર્લ બક જેવી લેખિકા તો સ્પષ્ટ કહે છે કે મનુષ્ય જાતિના સર્વકાલીન મહાન મનુષ્યમાં ગાંધીજી સ્થાન પામે છે. ટાગોરે તો એમને ‘જીવંત સત્ય’ કહ્યા છે. આઈન્સ્ટાઈન જેવા તેથી જ તો કહે છે કે આવનારી પેઢીઓ માનશે નહીં કે ગાંધી જેવો કોઈ હાડચામનો માણસ આ પૃથ્વી પર અવતર્યો હતો. તો આ મહિમા છે, વિશ્વમાં, ગાંધીનો.

આમ છતાં અહિંસાનો એમનો મત ઘણાંને માન્ય ન હતો. એ જ કારણ હતું કે સુભાષચંદ્ર બોઝ એમનાથી અલગ પડીને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ સુધી પહોંચ્યા. સુભાષબાબુ જુદા પડ્યા, પણ ગાંધીજી માટે એમને કેટલો આદર હશે કે એમને પહેલી વખત રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા ! ગાંધીજીએ  કોઈના પણ હિંસક પ્રયત્નોને સ્વીકાર્યા નથી. ભગતસિંહની ફાંસી ન રોક્યાનો ગોડસેનો, ગાંધી પર આરોપ છે. ગોડસેની ફાંસી ન અટકે તો ઇરવિન કરાર કરવાની જરૂર ન હતી, એવું ભગતસિંહના સમર્થકોનું માનવું હતું, એ ખરું કે ભગતસિંહના હિંસક પ્રયત્નો ગાંધીજીની અહિંસાથી વિપરીત હતા ને ગોડસેના પ્રયત્નોને એથી જ એમણે વખોડ્યા પણ હતા, પણ ખુદ ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા લોર્ડ ઇરવિનને સમજાવવામાં કોઈ કસર રાખી ન હતી એ વાત પણ નોંધી છે. એમણે ફાંસીના દિવસે છેલ્લો હૃદય સ્પર્શી પત્ર પણ લખ્યો, પણ ત્યારે મોડું થઈ ગયું હતું.

ગાંધીજીની સ્વદેશીની ચળવળ રવીન્દ્રનાથ ટાગોરને મંજૂર હતી, પણ એની રીત માન્ય ન હતી. વિદેશી કાપડની જાહેરમાં હોળી થતી જોઈને ટાગોર વ્યથિત હતા. કાપડ ભલે વિદેશી હોય, પણ એ બનાવનારની મહેનત ને કિંમત બંનેનો વ્યય થતો હતો તે ટાગોરને ગમતું ન હતું. એ જ મુદ્દે એમણે ‘ઘરેબાહિરે’ નામક નવલકથા પણ લખી. ગાંધીજીનો વિરોધ કરનારાઓ પણ એમનાથી પ્રભાવિત થયા વિના રહી શકતા ન હતા. એ જ કારણ છે કે ટાગોરે એમને ‘મહાત્મા’ની ઓળખ આપી, તો બાપુ પણ એમને ‘ગુરુદેવ’ કહેવામાં પાછળ ન રહ્યા. ગાંધીથી અંજાયો ન હોય તો ગોડસે વીંધતા પહેલાં વંદે ખરો? એને પણ પોતાનાં હિંસક કૃત્ય માટે, વીંધાનારના જ આશીર્વાદની જરૂર પડી એ પણ કેવી વક્રતા !

ગાંધીની હત્યા ગોડસેએ કરી એ સાથે હિંસાનો ખોટો દાખલો બેઠો ને એ પછી તો હિંસા ને હત્યાનો દોર ચાલ્યો. એ હત્યામાં તો પછી બીજા ગાંધીઓ પણ હોમાયાં. પાકિસ્તાન ગાંધીની સંમતિનું પરિણામ હતું – ગાંધીની હત્યાનું એક કારણ આ પણ છે, પણ ભાગલા પોતાની લાશ પર પડશે એવું કહેનાર ગાંધીને આપણે ભૂલી જઈએ છીએ. આઝાદી, ગાંધી માટે શોક લઈને આવી હતી. હિન્દુ-મુસ્લિમો બંને દેશોમાં બહુ મોટી સંખ્યામાં માર્યા ગયા. આઝાદી માટે જેટલાં મૃત્યુ ન થયાં એનાં કરતાં અનેકગણા મૃત્યુ આઝાદી મળતાં જ થયાં. એ ગાંધીની ઈચ્છા કેવી રીતે હોય? જો હિંસા જ માન્ય હોત, તો સુભાષ સાથે જ હાથ મિલાવ્યા હોત ને ! પણ સારી કે ખરાબ, ગાંધીને તો અહિંસા જ ખપતી હતી. એ જુદી વાત છે કે સાથી નેતાઓ સાથેના મતભેદ, આઝાદી મેળવવાની ઉતાવળ અને અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિએ સ્વતંત્રતાને સંહારક બનાવી ને બીજું કારણ કોઈ પણ હોય, પણ એને માટે ગાંધીને જવાબદાર ગણનારાઓ ગાંધીને ન્યાય નથી કરતા એટલું ચોક્કસ !

ગાંધીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ,’ ‘હિન્દ સ્વરાજ’, સત્યના પ્રયોગો’ જેવાં પુસ્તકો લખ્યાં, ‘ઇંડિયન ઓપિનિયન’, ‘નવજીવન’. ‘યંગ ઈન્ડિયા,’ ‘હરિજન’ જેવાં છાપાં ચલાવી ચાલીસેક વર્ષ પત્રકારત્વ ખેડ્યું, ખાદી દ્વારા ગ્રામોદ્યોગનો મહિમા કર્યો, બાળલગ્નો, હરિજનો, સ્ત્રી કેળવણી, લોકશિક્ષણ, વર્ણવ્યવસ્થા અંગે વ્યાખ્યાનો આપ્યાં, સત્યને જ ઈશ્વર તરીકે પ્રમાણ્યું, સર્વધર્મ સમભાવની દૃષ્ટિ કેળવી કોઈ પણ પ્રકારનાં ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો. તેમણે જ કહ્યું છે કે પરધર્મીને વટલાવીને પોતાનાં ધર્મમાં ખેંચવાનો વિધિ બીજા ધર્મોમાં હશે, હિન્દુ ધર્મમાં નથી જ ! હિન્દુ ધર્મ વિષે આવું માનનાર હિન્દુઓને અન્યાય કરે ને મુસ્લિમોની તરફેણ કરે એવું કેટલું શક્ય છે તે વિચારવાનું રહે. સંજોગો અનુસાર જે તે સમયે કોઈનો પક્ષ લેવાનું બને. તેવું સતત બને તો તેને પક્ષપાતી જરૂર ગણીએ, પણ આ જ ગાંધીએ નોઆખલીમાં મુસ્લિમોનાં હિન્દુઓ પરનાં આક્રમણ સામે હિન્દુઓને બચાવવા પદયાત્રા કરી અને એ પહેલાં કલકત્તામાં મુસ્લિમોની સુરક્ષા માટે સ્ફોટક વિસ્તારોમાં રહીને એવી સ્થિતિ ઊભી કરી કે મુસ્લિમ લીગના નેતાઓને નોઆખલીમાં હિન્દુઓની રક્ષા માટે પોતાનાં માણસો મોકલવાની ફરજ પડે. આ જાણ્યા પછી પણ ગાંધીએ મુસ્લિમોની તરફેણ કરી છે એવું કહીશું? એ દુ:ખદ છે કે ગાંધી મુસ્લિમોની જ નહીં, હિન્દુઓની નફરતનો પણ ભોગ બન્યા.

સાચું તો એ છે કે એમને બધા જ ધર્મો અપૂર્ણ લાગ્યા છે, કારણ, તે અપૂર્ણ મનુષ્યો દ્વારા આવ્યા છે. પ્રાર્થના એમને અન્ન જેટલી જ અનિવાર્ય લાગી છે. આવું સર્વગ્રાહી ને વ્યાપક વ્યક્તિત્વ ઓછામાં ઓછું ‘મહાત્મા’ તો હોય જ ને ! આ મહાત્મા માટે અનેક અંજલિઓ અપાયાં જ કરે છે, પણ એમની હત્યા વખતે આવેલી એક અંજલિ એક પોર્ચુગીઝ કવયિત્રીની એવી હતી કે એ દિવસે બુઢ્ઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યાં અને આંખમાંથી એક આંસુ ખરી પડ્યું ! તો, ગાંધીથી પ્રભાવિત નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકા સંદર્ભે કહ્યું છે કે તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા ને અમે તમને મહાત્મા પરત કર્યા. આટલી ચાહના છતાં હકીકત તો એ છે કે તે ગોડસેને ખૂંચ્યા હતા. માત્ર ગોડસેને જ નહીં, બીજા કેટલાકને પણ ખૂંચ્યા હતા. ગાંધીની હત્યાના દસેક પ્રયત્નો થયા હતા એવી વાત ચુનીભાઈ વૈદ્યે ‘સૂરજ સામે ધૂળ’ પુસ્તિકામાં નોંધતાં ઉમેર્યું છે કે હત્યાના એ પ્રયત્નોમાંથી ત્રણમાં ગોડસે સંડોવાયો હતો. ગોડસેનો એક વાંધો પાકિસ્તાનને 55 કરોડ આપવાના ગાંધીના આગ્રહ સામે પણ હતો.

જુલાઇ, 1944માં એક માણસ પંચગીનીમાં હાથમાં છરા સાથે ગાંધીજી પર ધસી આવ્યો હતો, તે ગોડસે હતો એવી જુબાની પુનાની એક સુરતી લોજના માલિક મણિશંકર પુરોહિતે આપી હતી. ગાંધીજીએ આ ઘટના પછી ગોડસેને મળવા પણ બોલાવ્યો હતો, પણ તે ગયો ન હતો. ગયો હોત તો કદાચ ગાંધીને મારવાનો વિચાર બદલાયો હોત. એ પછી હત્યાનો બીજો પ્રયાસ સપ્ટેમ્બર, 1944માં, 1946માં પણ થયો, ત્યારે પણ ભાગલાની કે 55 કરોડની વાત ન હતી. 1946ના હત્યાના પ્રયાસ વખતે ગાંધીએ પોતાની 125 વર્ષ જીવવાની વાત કરી તો ગોડસેએ એનો ઉલ્લેખ કરતાં પોતાનાં સામયિક ‘અગ્રણી’માં નોંધ્યું કે તમને જીવવા કોણ દેશે? આ વાત હત્યા સંદર્ભે ઘણી સૂચક છે. ગોડસે પર મરાઠી નાટક ‘મી નથૂરામ ગોડસે બોલતોય’ પણ થયું છે. તેનાં પર પ્રતિબંધ મુકાયેલો. તેનાં વિરોધમાં એવું કહેવાયું કે પ્રતિબંધ મૂકીને તો એક વિચારને રૂંધવાનું થાય છે. વિચારનો જવાબ વિચારથી અપાય, તેને રૂંધાય નહીં. એ ખરું કે વિચારનો જવાબ વિચાર જ હોય. તો એ જ વાત ગોડસેને પણ લાગુ પડે ને ! તેણે કેમ વિચારનો જવાબ વિચારથી ન આપતાં, હત્યાથી આપ્યો? પણ, હવે ઘડિયાળ ઊંધી ચલાવી શકાય એમ નથી. હવે તો નથી ગોડસે કે નથી ગાંધી. એ પણ છે કે બંને જીવવાના છે. જોવાનું એ રહે કે કોણ કેટલું પ્રસ્તુત બની રહે છે?

ઔદ્યોગિક, ટેકનિકલ, ડિજિટલ પ્રગતિ દેશે જરૂર કરી છે, પણ એની સામે દેશ દેવાળિયો થઈ રહ્યો છે તે પણ નોંધવું ઘટે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે ને તેનો છેડો નથી દેખાતો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, ન્યાયતંત્ર પર સરકારી પંજો વિક્સતો આવે છે, ન્યાયતંત્રની સત્તા સંકોચાઈ રહી છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, એકાધિકારવાદ જ કેન્દ્રમાં છે, સત્ય, નિષ્ઠા, ચરિત્ર, દેશહિત જેવી વાતો આઉટડેટેડ થઈ રહી છે, ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. ટૂંકમાં, આ બધું ગાંધી વિચારોની ઉપેક્ષાને પરિણામે છે એવું નથી લાગતું? પણ, ગાંધી આઉટડેટેડ નહીં થાય, કારણ એ વ્યક્તિ નથી, વૈશ્વિક વાતાવરણ છે. એમાં વધઘટ થશે, પણ એના વગર જીવાવાનું નથી તે નક્કી !

એ વિશ્વ વિભૂતિને વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2161,2171,2181,219...1,2301,2401,250...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved