Opinion Magazine
Number of visits: 9667577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિધાર્થીઓનું ભવિષ્ય સળગાવતી આમિર ખાનની પહેલી ‘હોલી’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 March 2023

એક ક્વિઝ : આમિર ખાનની પહેલી ફિલ્મ કઈ? જવાબ આસાન છે; કયામત સે કયામત તક. ખોટું. આમિર ખાનની પહેલી ફિલ્મ ‘હોલી’ હતી. 1988માં કાકા નાસિર હુસેન નિર્મિત અને તેમના દીકરા મન્સૂર ખાન નિર્દેશિત ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી આમિર ખાનને પહેલીવાર લોકપ્રિયતા મળી, પણ હીરો તરીકેની તેની પહેલી ફિલ્મ ‘હોલી’ ચાર વર્ષ પહેલાં, 1984માં, આવી હતી હતી. ‘મિર્ચ મસાલા,’ ‘મિ. યોગી’ (ટી.વી. સિરિયલ), ‘હીરો હીરાલાલ’ અને ‘માયા મેમસાબ’ જેવી ફિલ્મોના સર્જક કેતન મહેતાની આ ‘હોલી’ બીજી ફિલ્મ.

આમિર ખાન અને કેતન મહેતાએ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આ ફિલ્મ બનાવી હતી, પરંતુ તેની કોમર્સિયલ રિલીઝ થઇ નહોતી એટલે તે ભુલાઈ ગઈ. હિન્દી ફિલ્મોમાં હોળીને લઈને ઘણાં યાદગાર ગીતો અને દૃશ્યો છે, પરંતુ ‘હોલી’ સંભવતઃ એક માત્ર ફિલ્મ છે જેના કેન્દ્રમાં હોળી છે. એટલા માટે જ તેનું શીર્ષક પણ ‘હોલી’ છે. પૂરી ફિલ્મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ અને પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં શૂટ કરવામાં આવી હતી. ‘લગાન,’ ‘સ્વદેશ,’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોના સર્જક આશુતોષ ગોવારિકરની પણ એક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે.

કેતન મહેતા થિયેટરના કલાકાર છે અને સાહિત્ય સાથે તેમનો ઘણો લગાવ છે. તેમની ફિલ્મોનો આધાર સાહિત્યિક કૃતિઓ રહી છે. જેમ કે તેમની પહેલી ફિલ્મ ‘ભવની ભવાઈ’ (1980) ધીરુબહેન પટેલના નાટક પરથી બનવામાં આવી હતી, જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સ્મિતા પાટિલે કામ કર્યું હતું. તેમની ટી.વી. સિરિયલ ‘મિ. યોગી’ મધુ રાયની વાર્તા ‘કિમ્બલ રેવંસવૂડ’ આધારિત હતી. ‘માયા મેમસાબ’ ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટની નવલકથા ‘મેડમ બોવરી’ પર બનાવી હતી.

તેમની ત્રીજી ફિલ્મ ‘મિર્ચ મસાલા’(1985)માં કેતન મહેતાએ લાલ રંગનાં મરચાંને સ્ત્રીઓના મિજાજ તરીકે પેશ કર્યા હતાં. કેતન મહેતાએ પ્રસિદ્ધ વાર્તાકાર ચુનીલાલ મડિયાએ લખેલી ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ વાંચી હતી. આ વાર્તા મડિયાના વાર્તા સંગ્રહ ‘રૂપ-અરૂપ’(૧૯૫૩)માં સૌપ્રથમ વાર પ્રકાશિત થઇ હતી. મૂળ વાર્તામાં બલિદાનની ગૌરવગાથા ગાઇને અને અંગ્રેજ અમલદાર સામે ઘૂંટણિયા ટેકવતા ગ્રામજનો દર્શાવ્યા હતા. ફિલ્મમાં ભૂખ્યા સરકારી અમલદાર અને સમાજના પુરુષો સામે સ્ત્રીઓનો વિદ્રોહ બતાવ્યો છે. વાર્તામાં મડિયાએ તમાકુનું કારખાનું બતાવ્યું હતું. કેતન મહેતાએ તેના સ્થાને મરચા રૂપી બળવાનો લાલ રંગ બતાવ્યો.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “લાલ મરચા સાથે આપણી સાંસ્કૃતિક તાકાત જોડાયેલી છે. આપણા ઘણા રીવાજોમાં મરચું છે. મરચું ફળદ્રુપતા, કામુકતાનું પ્રતિક છે. તેને શુભ માનવામાં આવે છે અને તેનો જાદુ-ટોણામાં ય ઉપયોગ થાય છે. મરચું બળવાનું પણ પ્રતીક છે.”

‘મિર્ચ મસાલા’નાં લાલ મરચાંની જેમ, ‘હોલી’ ફિલ્મમાં હોળીની આગ છોકરાઓના વિદ્રોહના એક પ્રતીક તરીકે હતી.  તેમણે મરાઠી નાટ્યકાર મહેશ ઈલકુન્ચવર લિખિત નાટક “હોલી” જોયું હતું. નાટકમાં એક કોલેજના નવરા, દિશાહીન અને નારાજ છોકરાઓ કેવી એક એક છોકરા પર તેમની વ્યથા ઠાલવે છે તેની વાર્તા હતી.

“હોલી” એક પ્રયોગાત્મક ફિલ્મ હતી. કેમ્પસના રાજકારણ પર બહુ ફિલ્મો બની નથી. “હોલી” એમાં અપવાદ છે. કેતન મહેતા ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હતા ત્યારે ત્યાં વિધાર્થીઓએ એકવાર હડતાળ કરી હતી. વિધાર્થીઓમાં કેવી રીતે હિંસા આવે છે અને સમાજ કેવી રીતે તેમણે ઉશ્કેરે છે તે તેમણે સગી આંખે જોયું હતું. એ અનુભવ અને ‘હોલી’ નાટકને ભેગા કરીને તેમણે આ ફિલ્મ બનાવી હતી. ઉપર-ઉપરથી આ ફિલ્મ કેમ્પસની હિંસા બતાવતી ફિલ્મ લાગે, પરંતુ કેતન મહેતા છોકરાઓના વિદ્રોહ અને વિરોધના લોકતાંત્રિક અધિકારને પેશ કરવા માંગતા હતા. 

ફિલ્મમાં હોસ્ટેલમાં રહેતા મદન શર્મા (આમિર ખાન) અને રણજીત પ્રકાશ (આશુતોષ ગોવારિકર) તેમના અન્ય મિત્રો સાથે ધીંગા-મસ્તી કરતા રહે છે. એક રાતે મસ્તી પછી સવારે તેમને ખબર પડે છે કે આજે હોળીની રજા કેન્સલ થઇ છે. એ દિવસે કોલેજના સ્થાપકના સન્માનમાં કોલેજમાં કાર્યક્રમ હોય છે, પણ છોકરાઓ ક્લાસમાં નહીં જવાનું નક્કી કરે છે.

હોસ્ટેલ ઇન્ચાર્જ પ્રોફેસર સિંહ (નસીરુદ્દીન શાહ) એક માત્ર વ્યક્તિ છે જેનું છોકરામાં ઉપજે છે અને તે બેબસ બનીને કેમ્પસમાં વધતા આક્રોશને જોયા કરે છે. એમાં પરીક્ષા પાછી ઠેલવાની જાહેરાત થાય છે જેથી છોકરાઓ ઔર ભડકે છે. એમાં પ્રિન્સીપાલ ફાંડે(ઓમ પૂરી)ના ભત્રીજા અને તેના બીજા એક મિત્ર સાથે છોકરાઓની લડાઈ થાય છે. એમાં પ્રિન્સીપાલનો ભત્રીજો જખમી થાય છે અને છોકરાઓને રસ્ટીકેટ કરવામાં આવે છે.

આ દંડ હોળીમાં આગ પુરવાનું કામ કરે છે અને પૂરી કોલેજમાં છોકરાઓ અકળાય છે. ક્લાસમાં, લાઈબ્રેરીમાં, લેબોરેટરીમાં, ગ્રાઉન્ડમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય છે. આખી વિધાર્થી આલમ પ્રિન્સીપાલ સામે વિદ્રોહ કરે છે. પ્રિન્સીપાલ પ્રોફેસર સિંહને બોલાવે છે અને નેતાગીરી કરનારા છોકરાઓનાં નામ માંગે છે પણ એ ઇન્કાર કરે છે. એ પછી એક સહાધ્યાયી નામ આપી દે છે અને પ્રિન્સીપાલ તેમના નામે સસ્પેન્સન નોટિસ જારી કરે છે.

છોકરાઓના છેલ્લા દિવસે, પેલા સહાધ્યાયી પર ખાર રાખીને સસ્પેન્ડ થયેલા છોકરાઓ ત્રાસ વર્તાવે છે. બીજા દિવસે, એ છોકરો આત્મહત્યા કરી લે છે. પછી કેમ્પસમાં પોલીસ આવે છે અને જવાબદાર છોકરાઓને વાનમાં બેસાડીને લઈ જાય છે. એ પોલીસ વાન હોળીની ઉજવણી વચ્ચેથી પસાર થતી હોય તેવા દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે.

‘હોલી’ ફિલ્મમાં કેતન મહેતાએ શિક્ષણ વ્યવસ્થા અને કેમ્પસના રાજકારણને લઈને કોલેજના છોકરાઓમાં વ્યાપ્ત વ્યથા અને ચિંતાને પેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તે છોકરાઓ જે રીતે વિરોધ કરે છે તે અનપેક્ષિત દિશામાં જતો રહે છે અને તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. 

હોળીનો તહેવાર આમ તો અનિષ્ટના નાશનો તહેવાર છે. કેતન મહેતાએ ‘હોલી’ ફિલ્મમાં તે માન્યતાનું શીર્ષાસન કર્યું હતું; અહીં, હોળીની આગ વિધાર્થીઓના ભવિષ્યને ભરખી જાય છે. ‘હોલી’માં બે ગીતો હતાં જે આમિર ખાને ખુદ ગાયાં હતાં; ના કોઈ કામ અને યે કૈસા સફર હૈ. બંને ગીતો ફિલ્મના નિરાશાવાદી મૂડને પેશ કરતાં હતાં.

હોળી સાથે આમિરનો વિશેષ સંબંધ છે. તેનો જન્મ પણ હોળીના દિવસે થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, “હું 14 માર્ચ, 1965ના રોજ હોળીના દિવસે પેદા થયો હતો. મારી અમ્મીએ મને કહ્યું હતું કે હોસ્પિટલમાં નર્સે મારા ગાલ પર ગુલાલ લગાવ્યો હતો. હું દર વર્ષે મારા પરિવારના લોકો સાથે હોળી રમું છું.”

‘હોલી’ ફિલ્મ સાથે આમિરની બીજી પણ એક યાદ જોડાયેલી છે. એ ફિલ્મમાં તેણે માથામાં આગળ-પાછળથી વાળ કપાવી નાખ્યા હતા (તેને બઝ હેરસ્ટાઈલ કહે છે). જે લોકોને ‘હોલી’ ફિલ્મ વિશે ખબર છે અથવા જોઈ છે તે એવું માને છે કે આમિરે આ ફિલ્મની વાર્તાને અનુસરીને વાળ કપાવ્યા હતા, પણ હકીકત જુદી છે.

ટી.વી. હોસ્ટ સિમી ગરેવાલ સાથે એક ઇન્ટરવ્યૂમાં આમિરે ખુલાસો કર્યો હતો કે એ વખતે તે જે છોકરીને પ્રેમ કરતો હતો તે તેને છોડીને જતી રહી હતી અને તેના દુઃખમાં આમિરે વાળ કપાવી નાખ્યા હતા. કેતન મહેતાએ તેને ફિલ્મ માટે બોલાવ્યો ત્યારે તેઓ પણ આશ્ચર્યથી બોલી પડ્યા હતા, “તુમ્હારે બાલ કહાં ગયે?” એવા માથા સાથે જ આમિરે એ ફિલ્મ પૂરી કરી હતી. બઝ હેરસ્ટાઈલવાળા આમિર માટે પણ ફિલ્મ એકવાર જોવા જેવી છે. યુટ્યુબ પર તપાસ કરજો.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 માર્ચ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શૂન્યભવન

બીજલ જગડ|Opinion - Opinion|9 March 2023

સુવાળો શિતળ પવન રૂપેરી આખું ગગન, સરકતી ક્ષણો જાય છે.

મારી વેદનાને ગેબના ગાયક જમાવી બેઠા, અશ્રુ વહેતાં જાય છે.

સળગતા હ્રદયનાં સિતારથી અકાળે મારું જીવન પડઘા સોહે,

સુવાણી લાગણીઓ લિપિ છે લોહીમાં શૂન્યભવન મજિયારું થાય છે.

રૂપેરી ચાંદની પૂનમની રાતમાં ઊગે ઉલ્લાસ આથમે ઉદાસ,

કર્યા કેટકેટલા યત્નો ભૂલવાનાં પણ અચાનક યાદ આવી જાય છે.

અજવાળાં પહેરી ને ઊભા છે શ્વાસ ને ખિસ્સામાં ભગ્યાનાં તારા,

હૈયાથી ઉમંગ આશાના ઉડતા તણખલા હર્ષ રેખાથી વંચિત થાય છે.

અહરનિશના પ્રીત-ટહુકા ભીની આંખો દિલમાં પ્રજળતી આગ,

વીણાના તૂટેલા તારોથી  સુમધુર રાગમાં પ્રણયની વાતો થાય છે!

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

સંતાનો માબાપની ઝેરોક્સ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 March 2023

રવીન્દ્ર પારેખ

અનેક પેઢીઓ માબાપમાંથી ઊતરી આવી છે ને હજી ઘણી અવતરશે. એક સમય હતો જ્યારે સંતાનો માબાપનું જોઈ જોઈને શીખતાં. માબાપની વાતોની નકલ કરતાં. તેમનાં કામની નકલ કરતાં. તેમનાં જેવાં થવાનું તેમને ગમતું. એ પછી શિક્ષણનો પ્રભાવ વધ્યો ને એક એવો તબક્કો આવ્યો, જેમાં માબાપ અભણ હતાં ને બાળકો શીખવા લાગેલાં. એ પછી એ સંતાનોનાં સંતાનો પણ શીખ્યાં. કોઈ વેપારી થયું. કોઈ શિક્ષણમાં ગયું. કોઈ વૈજ્ઞાનિક થયું. એવું પણ થયું કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, ત્યાં સંતાનોએ પિતાનો વ્યવસાય અપનાવી લીધો. કોઈ ખેડૂત થયું. કોઈ દુકાન ખોલી ધંધામાં પડ્યું, કોઈ મિલમાં, કોઈ ફેક્ટરીમાં લાગ્યું. જ્યાં વારસાગત ધંધો હતો ત્યાં મોટે ભાગે સંતાનો એ જ ધંધે બેઠાં ને એનાં વિસ્તરણમાં જ આયખું ખુટાડતાં રહ્યાં, પણ જ્યાં શિક્ષણ વધ્યું, ત્યાં પિતાની જ નોકરી સંતાન કરે એવું જરૂરી રહ્યું નહીં. પિતા શિક્ષક હોય તો સંતાન પણ શિક્ષક જ બને એવું ઓછું બન્યું. તે એટલે પણ કે નોકરીમાં, નોકરીએ રાખનારને અને નોકરીએ રહેનારને પસંદગીની તકો હતી, એટલે યોગ્યની પસંદગી તરફનો ઝોક વિશેષ રહ્યો. પિતા પ્રિન્સિપાલ હોય ને પુત્ર બેંકમાં પટાવાળો હોય એમ થયું તો પિતા પટાવાળા હોય ને પુત્ર કલેકટર હોય એમ પણ થયું. પિતા ક્લાર્ક હોય ને પુત્ર કે પુત્રી ડૉક્ટર કે એન્જિનિયર હોય એવું પણ બન્યું ને એક તબક્કે આ બધું યોગ્ય પસંદગીને ધોરણે થયું.

એ પછી રાજકારણીઓનું વર્ચસ્વ વધ્યું. એમણે જે દાખલાઓ ગણ્યા એનો જવાબ ભ્રષ્ટાચારમાં આવવા લાગ્યો, એટલે યોગ્યને પાછળ ને અયોગ્યને આગળ કરવાનું પણ ચાલ્યું. આજે પણ મોટે ભાગે યોગ્ય, અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય, યોગ્ય જગ્યાએ વર્ચસ્વ ભોગવે છે. એનું એક પરિણામ એવું પણ આવ્યું કે હરામની કમાણી વધી ને એના જોર પર સંતાનોને ઠેકાણે પાડવા માબાપોએ પણ કમર કસી. એમ કરીને એમણે ઘણાંને તમ્મર આણ્યાં.

એમાં વળાંક એવો પણ આવ્યો કે કેટલાંક સંતાનો માબાપની ઇચ્છાથી અલગ પડ્યાં. આમાંના ઘણાં માબાપ શિક્ષિત અને એકંદરે સારી આર્થિક સ્થિતિ ધરાવનારાં હતાં. એ સાથે જ સંતાનો પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખનારાં પણ હતાં. પોતે ભણતાં હતાં ત્યારે એમણે કૈં બહુ ઉકાળ્યું ન હતું. ભણવામાં માબાપ સાધારણ જ હતાં, પણ તેમનું સંતાન અભૂતપૂર્વ બુદ્ધિપ્રતિભા ધરાવતું હોવાનું તેમને લાગતું હતું. બધાં જ માબાપો કદાચ એવી માન્યતા ધરાવતાં હતાં. પોતે જાણે ચાકડો ચલાવતા હતા ને બાળક માટીનો કોઈ પિંડ હોય તેમ તેનો કોઈ ઘાટ ઉતારવા માંગતા હતા. એ વખતે એ ભુલાઈ જતું હતું કે એ માટી નથી, ઉછરતો, પોતાની રીતે ઉછરવા માંગતો જીવ છે. લગભગ બધાં જ સંતાનો પાસેથી ઉત્તમ દેખાવની અપેક્ષા ભણવા બાબતે રખાતી હતી. સંતાને દરેક વખતે બધાંમાં ફર્સ્ટ જ આવવાનું હતું. ફર્સ્ટથી ઓછું તો માબાપને કૈં ખપતું જ ન હતું. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં આ અપેક્ષા ટોચ પર પહોંચતી હતી. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસતા હતા, તેમાંથી ઘણાં નાપાસ પણ થતા જ હતા, પણ માબાપોને લાગતું હતું કે તેમનું સંતાન તો પ્રથમ જ આવવાનું છે. લાખો વિદ્યાર્થીઓ પાસ થતા પણ હતા, પણ બધા જ તો પહેલે નંબરે ન આવે – હા, માબાપોને તો એમ જ હતું કે તેમનું સંતાન પહેલું જ આવશે, જ્યારે વાસ્તવિકતા એ હતી કે પહેલે નંબરે તો કોઈ એક જ આવવાનું હતું. પરીક્ષાનું ધાર્યું પરિણામ ન આવતું તો આખા કુટુંબને માથે આભ તૂટી પડતું હતું. માબાપની ભરપૂર કાળજી છતાં, ઢગલો ટ્યૂશન છતાં, સંતાનો જોડે પોતે ઉજાગરાઓ કર્યા હોવાં છતાં, તેમનું પોતે વાંચ્યું હોવા છતાં, ટી.વી.-ફિલ્મ-મનોરંજન આખું વર્ષ જતું કરવા છતાં, સંતાન ધાર્યું પરિણામ લાવી શક્યું ન હતું. આમ તો 90 ટકા આવ્યા હતા, છતાં મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન નહીં મળે એ ભયે આખું કુટુંબ કોઈ અપરાધભાવથી પીડાતું હતું. આવું કોઈ એક જ કુટુંબ ન હતું, ઘણાં હતાં. ઘણાં છે. માબાપ પોતાનું રિઝલ્ટ આવે વખતે ભૂલી જતાં હોય છે. તેમનો સેકન્ડ ક્લાસ માંડ આવ્યો હશે, પણ સંતાને તો અગ્રેસર જ રહેવાનું છે એવું તીવ્રતાથી માનતાં હતાં.

એ બાળક છે, મશીન નથી કે એકસરખી રીતે જ ચાલે. દરેકની કોઈ વસ્તુ કે વિષયને ગ્રહણ કરવાની ચોક્કસ ક્ષમતા કે મર્યાદા હોય છે. એ વાત સંતાનને પણ લાગુ પડે છે. બધાં જ હોંશિયાર હોય તો પણ, કે બધાંએ જ સખત મહેનત કરી હોય તો પણ, બધાંને સરખું જ પરિણામ મળે એવું જીવ સૃષ્ટિમાં શક્ય જ નથી. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ કોઈ એકને જ મળે છે. એનો અર્થ એવો નથી કે બીજા ખેલાડીઓએ ઓછી મહેનત કરી છે. પૂરતી મહેનત ને ક્ષમતા છતાં કોઈ ચોક્કસ ઘડીએ તે આગળ નીકળે છે ને કોઈ જરાક જ પાછળ રહે છે, પણ આપણે એ તરફ ઓછું જ ધ્યાન આપીએ છીએ. આપણી માનસિકતા બીજા નંબર માટે કદાચ સમભાવની નથી જ ! ભલે અંગત ક્ષમતા હજારથીએ વધુના નંબરની હોય, પણ નજર પહેલાં નંબર પર જ રહે છે. આવું જ શિક્ષણને મામલે આપણે સંતાનો માટે ઈચ્છીએ છીએ. સંતાને કોઈ કચાશ રાખી ન હોય, છતાં તે જરાક માટે ચૂકે છે. એ વખતે માબાપો માથે હાથ ફેરવીને આશ્વસ્ત કરવાને બદલે સંતાન પર પસ્તાળ પાડે છે. આનાથી સંતાન આઘાત અને નિરાશાથી બેવડ વળી જાય છે ને વધુ હતાશ થાય છે તો આત્મહત્યા કરવા તરફ વળે છે. બાળક ગુમાવ્યા પછી માબાપ રડતાં કકળતાં હોય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

આજે પણ ઘણાં માબાપ સંતાનો પર કેરિયર થોપતાં હોય છે. એવું એમના માબાપે પણ કર્યું હશે, પણ તેમાંથી પાઠ એ જ ભણાય કે ભણાવાય છે કે જે પોતાને વીત્યું છે તે સંતાન પર વિતાડવું. બહુ ઓછા માબાપ સંતાનોને એમની રીતે વર્તવા દેતાં હોય છે. સંતાનોની જોહુકમી પણ હશે જ, પણ લગ્ન કે શિક્ષણ, વ્યવસાય કે નોકરીની બાબતે માબાપે તેમના આગ્રહો જતાં કરવાં જોઈએ. સંતાનોને તેમનાં સ્વપ્નો હોય છે, તેમની પસંદગી હોય છે, એમાં માબાપ સૂચનો કરી શકે, ક્યારેક માર્ગદર્શન આપી શકે, પણ અંતિમ નિર્ણય તો સંતાનો પર જ છોડવો જોઈએ. પિતા કે માતા ડૉક્ટર હોય ને સંતાન તે ક્ષેત્ર અપનાવવા રાજી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સંતાને સિતાર શીખીને તેમાં કેરિયર કરવી હોય, કે શિક્ષક થવું હોય તો તેને પરાણે મેડિકલમાં ન ધકેલવો જોઈએ. સંતાન કૈં માબાપની ઝેરોક્સ નથી. તેને તેનાં વિચારો છે, સમજ છે, નિર્ણય લેવાની ક્ષમતા છે, પછી પોતાનું ડહાપણ વઘારીને માબાપે સંતાનની કારકિર્દી અવરોધવી ન જોઈએ. ઘણાં માબાપ આર્થિક ક્ષમતા હોવા છતાં સંતાનોને એટલે મદદ કરતાં નથી, કારણ તેમણે કારકિર્દી માબાપની ઈચ્છા મુજબની સ્વીકારી નથી. જે માબાપ, પોતાની ઈચ્છાઓ સંતાનો પર થોપીને પોતાનો કક્કો ખરો કરાવે છે એ સંતાનોના અપરાધી છે. પૈસા અને પ્રતિષ્ઠાને જોરે માબાપ ઘણાં સંતાનોને તેમની ઈચ્છા વિરુદ્ધ પોતાનું ધારેલું કરવા ફરજ પાડતાં હોય છે. આ વલણ બદલાવું જોઈએ. સંતાનો પર વિશ્વાસ મૂકવો જોઈએ અને તેમને વિશ્વાસમાં લઈને યોગ્ય નિર્ણયો સંતાનો પાસે જ લેવડાવવા જોઈએ. આત્મનિરીક્ષણ અને નિર્ણયાત્મકતા સંતાનમાં પડેલાં હશે તો સંતાનો ખોટો નિર્ણય ભાગ્યે જ લેશે. માબાપ સંતાનોનું અહિત કદી ઇચ્છતાં નથી, પણ સંતાનોને કેટલાંક માબાપ પોતાની ઇચ્છાપૂર્તિનું સાધન માનતાં હોય છે. સંતાનો માબાપનું એક્સટેન્શન નથી તે કમ સે કમ માબાપે તો સમજવાનું રહે જ છે. જ્યાં માબાપની જોહુકમી ચાલતી હશે, ત્યાં વાતાવરણ સાત્ત્વિક ઓછું જ હશે. સંતાનોને પોતાની રીતે વર્તવાની મોકળાશ પણ માબાપો જ આપતાં હોય છે. એવું વાતાવરણ માબાપ સર્જે તો સંતાનો માબાપ સિવાય બીજા કોઈને ભાગ્યે જ પ્રાયોરિટી આપશે. સંતાનો ભવિષ્ય છે ને તેને પરાણે ભૂતકાળ તરફ ખેંચવાનું તો ભવિષ્ય જ બગાડશે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 05 માર્ચ 2023

Loading

...102030...1,2111,2121,2131,214...1,2201,2301,240...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved